જ્યાં જ્યાં નજર મારી ઠરે.....

સી. બી. પટેલ Tuesday 21st June 2016 13:15 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપનો કલમધારી સેવક હાજર છે. ગયા સપ્તાહે મેં ગુલ્લી નહોતી મારી, પરંતુ વાજબી કારણસર મારી ગેરહાજરી હતી. ભારતની કોર્ટકચેરીમાં ગુનેગારના નિવેદન બાદ માનનીય ન્યાયાધીશ સાહેબ કહેતા હોય છે કે તમારી રજૂઆત માન્ય છે... આ જ રીતે આપ સહુ નામદાર વાચકો પાસેથી ‘સી.બી. તમારી રજૂઆત માન્ય છે’ શબ્દો સાંભળવા મારા કાન તરસી રહ્યા છે. વીતેલા સપ્તાહે આપની સેવામાં હાજર ન થયો તે આ મારો ગુનો સાચો, પણ સ-હેતુક થયેલો અને વાચક સમુદાયના હિતાર્થે થયેલો ગુનો હતો. સમાચારો, અહેવાલો એટલા બધા હતા કે કોલમ અને કલમને મ્યાન કર્યા વગર છૂટકો નહોતો. મારા માટે તો ધર્મસંકટ હતું! એક તરફ આપ સહુને મળવાનો અવસર હતો, ને બીજી તરફ ઘટનાઓ-પ્રસંગોની ભરમાર હતી. આખરે માંહ્યલાએ ચીંધ્યું એમ કર્યુંઃ મારા ‘આરાધ્ય દેવો’ની સેવા માટે સમાચારો-અહેવાલોને વિશેષ પ્રાધાન્ય આપ્યું અને મારી કલમને વિરામ. જોકે કલમને વિરામ આપીએ એટલે દુનિયા થોડી અટકી જાય?! સમયનું ચક્ર તો અવિરત ફરતું જ રહે છે.
આ જૂઓને વીતેલા સપ્તાહે આ દેશમાં જ કેટકેટલી ઘટનાઓ, બનાવો, પ્રસંગો ઘટી ગયા. સમાજ, સ્વાસ્થ્ય, રાજકારણ, અર્થકારણ, મનોરંજન... કોઇ ક્ષેત્ર બાકી નથી. જીવંતતાથી સતત ધબકતા, સદા ચેતનવંતા બ્રિટનમાં ઘરઆંગણે અનેક આયોજનો થયા. આ બધામાંથી મારી આંખોની કીકીમાં સમાયા, હૈયે વસ્યા તેવા કેટલાક કાર્યક્રમોની, સમાજપ્રવાહોની ઝાંખી આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.
આજે સોમવાર છે. બ્રિટનમાં અને ઉત્તર ગોળાર્ધમાં આ દિવસ Summer Solstice Day તરીકે ઉજવાયો. ૨૧ જૂન સામાન્ય રીતે વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. તેમાં વળી ગઇકાલે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે ૧૭ કલાકનો ફરક હતો. વર્ષનો આ સૌથી મોટો ગાળો કહેવાય. (વાચક મિત્રો, તમને યાદ રહે કે બરાબર ૩ મહિના પછી ૨૧ સપ્ટેમ્બરે બ્રિટનમાં દિવસ-રાત બન્ને સરખા હશે અને ૨૧ ડિસેમ્બરે સૌથી ટૂંકો દિવસ હશે, જ્યારે સવારે સાડા નવ પછી સૂર્ય ભગવાન વાદળાને હટાવીને કદાચ દર્શન દેશે અને સાડા ચાર - પાંચ વાગ્યા આસપાસ પાછા પલાયન થઇ જશે.)
બ્રિટનમાં હજારો લોકો એવા છે જેમના માટે Summer Solstice Dayનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. પશ્ચિમ ઇંગ્લેન્ડમાં ત્રણથી પાંચ વર્ષ પુરાણું સ્ટોનહેન્જ સ્મારક છે. ત્યાં સેંકડો લોકો ભેગા થઇને ઉજવણી કરતા હોય છે. જૂના જમાનામાં આપણા આદિ માનવો કંદરા અને ગુફાઓમાંથી બહાર આવ્યા ત્યારે તેઓ પણ કુદરતી તત્વો, પરિબળોમાં વિશેષ શ્રદ્ધા ધરાવતા હતા. આદમ અને ઇવ ગુફામાં વસતા લપાઇને બેઠા હોય અને બહાર સિંહ કે તેના જેવા રાની પશુની ત્રાડ પાડે કે વીજળીના ભયંકર કડાકાભડાકા થાય તો કેવા ગભરાય જાય? આની ઉપર વિદ્વાનોએ સુદર ચિંતન કર્યું છે. આવી ઘટનાઓના કારણે માનવીને કોઇ પરમ તત્વ કે પરમાત્મામાં અંતિમ આશરો દેખાયો હોવાનું નિષ્ણાતોનું માનવું છે. તેમના મતે Oh my God... ઉદ્ગાર આવા જ સંજોગોમાં જ સર્જાયો હશે. ધર્મ, શ્રદ્ધા કે માન્યતાની શરૂઆત આ રીતે થઇ.
જોકે સનાતન સંસ્કૃતિમાં, ખાસ તો વેદો કે ઉપનિષદમાં જે મૂલ્યો, સત્વશીલ તત્વોની વાત કરવામાં આવી છે તેમાં તો ઘણા ઊંચા પ્રકારનું તત્વજ્ઞાન છે. આપણું અધ્યાત્મ, વેદ અને ઉપનિષદમાં ભગવાનના નામના બદલે તેના ગુણો, તેના મૂલ્યો, તેની પોતાની લાક્ષણિક્તા હોય છે તેના દ્યોતક હોય છે. કમનસીબે આજે આ અધ્યાત્મ, જ્ઞાન કે ધર્મની સાચી સમજનું સ્થાન જાણે સ્વર્ગ અને નરકની એક ભ્રામક કલ્પના કરવામાં અટવાઇ ગયું છે. સામાન્ય માનવી જીવતેજીવ વધુ સકારાત્મક રીતે જીવવાના બદલે મરણોત્તર મોક્ષની ગડભાંજમાં પડ્યો લાગે છે. આમા ધંધાદારી ધર્મવ્યવસ્થા કે કહેવાતા કર્મકાંડના અગ્રણીઓના પોતાના હિતો પ્રાધાન્ય હોય છે.
હવે તો મનુષ્ય આધુનિક વિજ્ઞાનની વાટે આગળ વધી રહ્યો છે અને આપણું જે ધર્મશાસ્ત્ર છે, વેદ-ઉપનિષદો છે તેમાં સૌથી શક્તિશાળી બળ હોય તો તે વૈજ્ઞાનિક અભિગમ છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

આજે નવી દિલ્હીમાં રાજપથ પર યોગગુરુ બાબા રામદેવે હજારો સમક્ષ યોગસાધના કરશે અને કરાવશે. ગયા વર્ષે ૨૧ જૂનના રોજ દ્વિતીય આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૬ હજારની મેદની સમક્ષ યોગ દિવસ ઉજવ્યો હતો. બાબા રામદેવના આજના કાર્યક્રમમાં કદાચ સંખ્યા વધુ હશે. મેં આગળ ઉપર જણાવ્યું છે તે પ્રમાણે બે યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મને અવસર સાંપડ્યો.
યોગ વિશે કેટલુંક વાચન કરવાનો મને અવસર સાંપડ્યો. બ્રિટનમાં અત્યારે પ્રતિ વર્ષ ૭૯૦ મિલિયન પાઉન્ડની જંગી રકમ યોગના વર્ગો પાછળ ઉત્સાહી લોકો હોંશે હોંશે વાપરે છે. યોગ વિશે ઘણું સંશોધન થયું છે. કેટલાક લોકો માને છે કે યોગ તો જુવાનિયાઓની ફેશન છે, પણ આંકડા જરાક નવું સૂચવે છે.
૫૪ વર્ષની સરેરાશ વય ધરાવતા મોટા ભાગના ભારતીય વંશજો યોગની આરાધનમાં ખૂબ સક્રિય છે. આ બધા સિલ્વર યોગી તરીકે ઓળખાય છે. હમણાં જ કેલિફોર્નિયા યુનિવર્સિટી - લોસ એન્જલસનો એક અહેવાલ બહાર પડ્યો છે. સંશોધકોને અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો ઉંમરના કારણસર યાદદાસ્તની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે લોકોમાં ૩ મહિનાનો યોગ અને મેડિટેશન કોર્ષથી ફાયદો જણાયો છે. યોગ અને મેડિટેશનનો કોર્ષ કરનાર વ્યક્તિમાં આ સમસ્યા ઘટી હતી. આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે જેમને બ્રેસ્ટ કેન્સર થયું હોય છે તેને પણ પુનઃ આરોગ્ય પ્રાપ્ત કરવામાં અને આયુષ્ય વધારવામાં યોગ અને મેડિટેશન બહુ ફાયદાકારક સાબિત થાય છે.
બ્રિટનમાં ૫૬ વર્ષના નાઇજેલા લોશન તેમના કુકરી ક્લાસીસ અને પુસ્તકો માટે સુવિખ્યાત છે. આમ જૂઓ તો તેમનો શારીરિક બાંધો હૃષ્ટપુષ્ટ છે, પરંતુ સ્લીમ કહેવાય તેવો. તેમનું કહેવું છે કે હું વર્ષોથી આયંગર યોગની અનુયાયી છું. તેથી ઉઠવા-બેસવા-ચાલવામાં તેમને બહુ ફાયદો થયો છે.
૫૩ વર્ષની સુશ્રી લ્યુસી એજ એડવર્ટાઇઝ જગતમાં વિખ્યાત છે. તેમણે જાહેરમાં સ્વીકાર્યું છે કે તેઓ કેટલાક સમય પહેલાં તીવ્ર ડિપ્રેશનનો ભોગ બન્યા હતા. તેમણે આ માટે કોઇ દવા કે એન્ટી-ડિપ્રેશન્ટ લેવાના બદલે યોગ કરવાનું શરૂ કર્યું. ભારત જઇને છ મહિનાનો વ્યવસ્થિત કોર્ષ કર્યો. હવે તેઓ પૂર્વવત તન-મનના સુખિયા છે.
આ લ્યુસીના પિતાનું નામ છે ગોર્ડન એજ. કેમ્બ્રિજ યુનિવર્સિટી તેના વિજ્ઞાન અને સંશોધન સંબંધિત કામગીરી માટે મહત્ત્વનું મથક ગણાય છે. આ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ગોર્ડન કહે છે કે મારી દીકરીએ મને યોગના ફાયદાઓની વાત કરી ત્યારે મેં તેને વાહિયાત વાતો ગણાવીને ફગાવી દીધી હતી. મેં આ માટે પુરાવાઓ માગ્યા હતા. દીકરીએ મારી સમક્ષ વિવિધ માહિતી, પુરાવાઓ રજૂ કરીને સમજાવ્યું ત્યારે મને ખાતરી થઇ કે યોગ અને મેડિટેશન સંપૂર્ણપણે વિજ્ઞાન આધારિત છે.
નિયમિત યોગસાધનાથી તમારી યાદશક્તિ વધે છે. હૃદય અને અન્ય અંગોને ફાયદો થાય છે. કમરના દુખાવામાં રાહત થાય છે. શરીરને કસાયેલું રાખવા માટે યોગ ખૂબ ફાયદાકારક છે.
૧૪ જૂન, મંગળવારે સાંજે હાઉસ ઓફ કોમન્સના કમિટી રૂમ નં. ૮માં રે મીડિયા દ્વારા યુરોપિયન યુનિયન રેફરન્ડમ અને, સવિશેષ તો, ભારતના હિતોના પરિપ્રેક્ષ્યમાં તેના મહત્ત્વ અંગે વિદ્વતાપૂર્ણ ચર્ચા થઇ. બ્રિટને ઇયુ સાથે છેડો ફાડવો જ જોઇએ તેવો સ્પષ્ટ મત ધરાવતા લિવ-સમર્થક જૂથનું પ્રતિનિધિત્વ લોર્ડ હેમિલ્ટન અને હેરો-ઇસ્ટના આપણા જાણીતા-માનીતા ટોરી સાંસદ બોબ બ્લેકમને કર્યું હતું. ૪૦ વર્ષ પૂર્વે ટોરી સરકારમાં સંરક્ષણ પ્રધાન તરીકે કાર્યભાર સંભાળી ચૂકેલા લોર્ડ હેમિલ્ટન અને એશિયન સમુદાયના હિતેચ્છુ તરીકે આગવી લોકપ્રિયતા ધરાવતા બોબ બ્લેકમને તેમના બહોળા રાજકીય અનુભવને છાજે તેવી મુદ્દાસર દલીલો કરીને ઇયુ સાથે છેડો ફાડવાની હિમાયત કરી.
તો સામી બાજુ, બ્રિટને ઇયુ સાથે જ રહેવું જોઇએ તેવો વિચાર ધરાવતા રિમેઇન-સમર્થક પણ કંઇ ગાંજ્યા જાય તેવા નહોતા. લોર્ડ ડોલર પોપટ અને એમપી સ્ટીવ પાઉન્ડે યુરોપિયન યુનિયન સાથે જ જોડાયેલા રહેવાની તરફેણમાં જોરદાર દલીલો કરી. સામાન્ય માણસ તો માથું ખંજવાળતો જ થઇ જાય કે માળું બેટું, આમાંથી સાચું કોણ? કોની વાત માનવી - લિવ જૂથની કે રિમેઇન જૂથની? પણ આ ચર્ચાસભાના અધ્યક્ષ એમપી વિરેન્દ્ર શર્માએ બન્ને પક્ષકારોની વિગતવાર રજૂઆત સાંભળીને નીરક્ષીર કરી આપ્યું. દૂધનું દૂધ ને પાણીનું પાણી. મને પણ આ વિદ્વાનો સાથે મારા વિચારો રજૂ કરવાની તક સાંપડી હતી. અને મારા વિચારોથી તો આપ સહુ વાકેફ છો જ. ગુજરાત સમાચાર - એશિયન વોઇસમાં એકથી વધુ વખત આ મુદ્દે મારી લાગણી રજૂ કરી ચૂક્યો છું તેથી પુનરોક્તિ ટાળું છું.
૧૫ જૂન, બુધવારે સાંજે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા પાર્લામેન્ટ હાઉસના ખંડમાં ભારતના મેડકલ ટુરિઝમ વિશે રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી. અધ્યક્ષ પદ આપણા સૌના જાણીતા એમપી કિથ વાઝે શોભાવ્યું હતું. પ્રકાશક-તંત્રી તરીકે મારી હાજરી અનિવાર્ય હતી.
૧૬ જૂન, ગુરુવારે સાંજે નેહરુ સેન્ટરમાં ૨૧ જૂને વિશ્વભરમાં ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સંદર્ભે ઇંડિયા હાઉસ દ્વારા યોજાયેલા યોગ અને મેડિટેશન ઉપરના એક કાર્યક્રમમાં હાજર રહેવાનો અને મારી લાગણી વ્યક્ત અવસર સાંપડ્યો હતો.
૧૭ જૂન, શુક્રવાર આખો દિવસ - અનવરભાઇ પરવેઝના આમંત્રણથી - રોયલ એસ્કોટમાં વીતાવ્યો. હું સમગ્ર વર્ષ દરમિયાન અનેક નાના-મોટા કાર્યક્રમો-સમારંભોમાં હાજરી આપતો હોઉં છું. જો કોઇ મને આમાંથી મારા મનગમતા ટોપ-ફાઇવ કાર્યક્રમોની યાદી કરવાનું કહે તો તેમાં આ રોયલ એસ્કોટને અચૂક સ્થાન આપું. કારણ? આ કાર્યક્રમ મને વિધવિધ ક્ષેત્રના ટોચના મહાનુભાવો સાથે મિલન-મુલાકાતનો મોકો પૂરો પાડે છે. તેમની સાથે વિચારોની આપલે કરવાનો અવસર આપે છે. આ દિગ્ગજો સાથેની વાતચીત આપણને જીવનમાં ઘણું શીખવતી હોય છે. તેમનો સંઘર્ષ, સફળતા, નિષ્ફળતા, જીવનમૂલ્યો, તેમનો પ્રેરણાસ્રોત, મહત્ત્વના મુદ્દે તેમના વિચાર અને આ વિચાર પાછળનો દૃષ્ટિકોણ... આ બધું દુનિયાના ભાગ્યે જ કોઇ એક પુસ્તકમાં લખાયેલું હોય છે, અને આથી જ તેની જાણકારી અમૂલ્ય હોય છે. ઘણું જાણવાનું, સમજવાનું, શીખવાનું મળ્યું. કોઇના મનમાં વળી કદાચ એવો પણ સવાલ થશે કે સીબી, હવે આ ઉંમરે તે વળી શું નવું શીખવાનું હોય? તો મારો જવાબ પણ સાંભળી લોઃ મિત્રો, કંઇ પણ નવું શીખવાની કોઇ ઉંમર હોતી નથી. સતત નવું શીખતા રહેવાની મારી આ તત્પરતા જ મને સદા સક્રિય રાખે છે, મારા તન-મનની બેટરી ચાર્જ રાખે છે.
રોયલ એસ્કોટના આ કાર્યક્રમના યજમાનએવા બેસ્ટવે કેશ એન્ડ કેરીના મોવડી સર અનવર પરવેઝની સાફલ્યગાથા પણ બહુ પ્રેરણાદાયી છે. પાકિસ્તાનના વતની અનવરભાઇએ ૧૯૭૬માં એક નાનકડી દુકાનથી શરૂ કરેલો વ્યવસાય કેશ એન્ડ કેરીમાં વિક્સાવ્યો. આજે વિશાળ આર્થિક વટવૃક્ષ બનીને વિસ્તર્યો છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. આજે બ્રિટનભરમાં બેસ્ટ વે કેશ એન્ડ કેરીના ૫૦થી વધુ મથકો ધમધમે છે. પ્રતિ વર્ષ બે બિલિયન પાઉન્ડથી વધુ રકમનું ટર્નઓવર છે. સાથે સાથે જ ફાર્મસીની ૭૦૦ દુકાનો કો-ઓપ ફાર્મસી પાસેથી ટેઇઓવર કરી છે. આજે તેઓ પાકિસ્તાનમાં સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક પણ છે. અને પાકિસ્તાનમાં કાર્યરત બેન્કોની વાત કરો તો અનવરભાઇની બેન્ક બીજા નંબરની સૌથી મોટી બેન્ક છે.
અનવરભાઇએ આસમાનને આંબે તેવી સફળતા હાંસલ કરી છે, પણ પગ આજેય ધરતી પર છે. દેશવિદેશમાં વ્યવસાય વિસ્તાર્યો છે, પણ વિવાદનું નામોનિશાન નથી. કોઇ તેમની સામે આંગળી ચીંધવાનું તો સપનામાં પણ ન વિચારી શકે એવું બેદાગ તેમનું વ્યક્તિત્વ. કંપનીની કુલ આવકનો સવા ટકો સેવા-સખાવતમાં વાપરવાનો વણલખ્યો નિયમ. સંબંધ સાચવવામાં તો તેમનો જોટો ન જડે.
પણ અનવરભાઇની આ બધી વાતો હું ક્યાંથી જાણું? અમારા સંબંધને ૪૦ વર્ષ થયાં. આપ સહુ વાચકોને જાણવામાં રસ પડશે કે આજથી ૩૨ વર્ષ પૂર્વે બેસ્ટવેના ડિરેક્ટર ઝીયા ખાન, પાકિસ્તાન હાઇ કમિશનના કુત્બુદ્દીન અઝીઝ, ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિદ્વાન અકબર અહમદ (પાકિસ્તાનના અત્રેના હાઈકમિશનર થયા બાદ હાલમાં અમેરિકામાં પ્રોફેસર છે) હું અને બીજા મિત્રો કર્મયોગ હાઉસ કે અન્ય અનુકૂળ સ્થળે અવારનવાર બેઠકો યોજતા હતા. કોઇ ચોક્કસ એજન્ડા નહીં, બસ હળવા-મળવાનું અને વિચારોનું આદાનપ્રદાન. હું ‘ન્યૂ લાઇફ’ (‘એશિયન વોઇસ’ના પૂરોગામી) સાપ્તાહિકમાં પાકિસ્તાનની આકરા શબ્દોમાં ટિકાટિપ્પણ પણ કરું અને કુત્બુદ્દીન અઝીઝ તેને રદિયો પણ આપે. હું મારું કામ કરું અને તેઓ એમનું કામ કરે. અમારી વચ્ચે ઘણા મુદ્દે મતભેદ હશે, પણ મન-ભેદ ક્યારેય નહોતો થયો જે અમારા સંબંધોની સુદૃઢતા દર્શાવે છે.
થોડાક વર્ષ પૂર્વે સુભાષભાઇ ઠકરાર, હસુભાઇ માણેક અને પ્રમોદભાઇ ઠક્કરને લોહાણા કોમના વિશદ્ ઇતિહાસ માટે વધુ તપાસ કરવાની જરૂર ઉભી થઇ ત્યારે મેં તેમનો કુત્બુદ્દીન અઝીઝ સાથે સંપર્ક કરાવી આપ્યો હતો.
આ બધા જૂના સંભારણા વાગોળવાનો અવસર ૧૭ જૂને મળ્યો.
૧૮ જૂન, શનિવારે બે કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. બપોરે સેન્ટ્રલ લંડનમાં ભારતથી બ્રિટનમાં અભ્યાસાર્થે આવેલા માસ્ટર્સ અને ડોક્ટરેટના યુવક-યુવતીઓના જૂથ દ્વારા આયોજિત ચર્ચાસત્રમાં હાજરી આપી. વિષય હતો - યુરોપિયન યુનિયન રેફરન્ડમ અને ભારતના હિતો. સાંજે વિનુભાઇ સચાણિયાને ત્યાં સદ્ગત પંકજભાઇ ત્રિવેદીના સ્મરણાર્થે યોજાયેલી પ્રાર્થનાસભામાં હાજરી આપી. આશરે ૩૦-૩૫ ભાઇઓ-બહેનો ભેગા થયા હતા. પ્રાર્થનાસભાને ગુજરાતી ભાષાના ટોચના વિચારક-લેખક પદ્મશ્રી ગુણવંતભાઇ શાહે વડોદરાથી ટેલિફોન પર સંબોધન કર્યું હતું. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સ્વાધ્યાય પરિવારના ભાવનિર્ઝર મંદિરમાં એક સમયે પૂજારી એવા મહેન્દ્રભાઇ વ્યાસે સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રારંભના, પૂ. પાંડુરંગ દાદાની સંગીન સેવાના દિવસોથી માંડીને સંસ્થામાં શરૂ થયેલા વાદવિવાદ અને વિખવાદ તેમજ પંકજભાઇની હત્યા અંગે ચોટદાર રજૂઆત કરી હતી.
 વોશિંગ્ટન ડીસીથી માનવભાઈ શાહે પણ ફોન પર વિચારો વ્યક્ત કર્યા હતા. આ પ્રાર્થનાસભામાં મારે પણ મારા વિચારો વ્યક્ત કરવાના હતા.
૧૯ જૂન, રવિવારે સવારે ૯ વાગ્યે સેન્ટ્રલ લંડનમાં ટાવર બ્રિજના સાંનિધ્યમાં યોગ દિવસ સંદર્ભે બીજો કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય હાઇ કમિશનર નવતેજ સરના સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ જ દિવસે બપોરે હિન્દુજા પરિવારના પ્રકાશ હિન્દુજાની વર્ષગાંઠ નિમિત્તે ઓક્સફર્ડ સ્ટ્રીટ સમીપ હરેકૃષ્ણ મંદિરમાં યોજાયેલા ભજન-ભોજનના કાર્યક્રમમાં હાજરી આપીને તે ઉજવણી પણ માણી.
આગલા સપ્તાહમાં પણ નાના-મોટા છએક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાનો પણ મને અવસર સાંપડ્યો હતો. રાજકારણ, શિક્ષણથી માંડીને ચારુતર આરોગ્ય મંડળના સામાજિક કાર્યક્રમમાં પણ હાજરી આપી. આ ઉપરાંત ૧૧ અને ૧૨ તારીખે તો આખો દિવસ આપણો ‘આનંદ મેળો’ માણ્યો. સંખ્યાબંધ વાંચકોને મળવાનો, તેમની સાથે વાતો કરવાનો, વિચારોનું આદાનપ્રદાન કરવાનો મોકો સાંપડ્યો.
વાચક મિત્રો, આ તો મારા અઠવાડિક કાર્યક્રમોની ટૂંક નોંધ છે! આપણા સમાજમાં બનેલી વિધ-વિધ ઘટનાઓનું આસમાનમાં વિહરતા પક્ષીની આંખે થયેલા વિહંગાવલોકન જ સમજોને.

જરા કહો તો એક સિક્કાની બાજુ કેટલી?

બહુમતી વાચકો આ સવાલના જવાબ મનમાં ગણગણ્યા હશેઃ બે... પરંતુ હું કહું કે આ જવાબ ખોટો છે તો?!
આ એક એવો સવાલ છે જેનો જવાબ બે તો નથી જ. મારી વાતને જરા અલગ રીતે સમજાવું. કોઇ તમને પૂછે કે એક પંજામાં આંગળી કેટલી તો તમારો જવાબ શું હશે? પાંચ. લોકો આ જ જવાબ આપશે, પરંતુ સાચો જવાબ છેઃ ચાર (આંગળી). પાંચમો તો અંગૂઠો છે. ખરુંને?! મારી વાત ખોટી હોય તો કહો...આપણે વસ્તુ કે વિષયને ક્યા દૃષ્ટિકોણથી, અભિગમથી નિહાળીએ છીએ તેના પર જવાબનો આધાર છે. આ જ વાત ચલણી સિક્કાને લાગુ પડે છે.
બ્રિટનમાં કે ભારતમાં મોટા ભાગના સિક્કા ગોળ હોય છે. રાષ્ટ્રચિહન કે પછી અન્ય કોઇ પ્રતીક ધરાવતા ભાગને હેડ ગણો અને સિક્કાના મૂલ્યનો આંકડો દર્શાવતા ભાગને ટેઇલ ગણો એટલે સિક્કાની બે બાજુ થઇ, પરંતુ આ જવાબ વખતે આપણે તેની પહોળાઇ સાથે જોડાયેલી બાજુને ભૂલી જઇએ છીએ. જો આ બાજુને પણ ધ્યાને લઇએ તો ત્રણ બાજુ થઇ!
હજુ આનાથી પણ એક ડગલું આગળ વધીએ. અહીં ઇંગ્લેન્ડમાં ૫૦ પેન્સનો સિક્કો છ ખૂણિયો છે. તેની હેડ અને ટેઇલ સાઇડ ઉપરાંત છએ ખૂણાની બાજુને ધ્યાને લો તો એક સિક્કાની કેટલી બાજુ થાય? આપ સહુને યાદ હશે જ કે ભારતમાં અગાઉ બે પૈસાના, ત્રણ પૈસાના, પાંચ પૈસાના અને વીસ પૈસાના સિક્કા છ કે આઠ ખૂણાના આવતા હતા.
કદાચ આ બધું વાંચીને કોઇ મિત્રને અકળામણ પણ થઈ હશે અને વિચાર પણ ઝબકી ગયો હશે કે આ સી.બી. સિક્કા અને તેનું ખૂણા-પુરાણ લઇને ક્યાં બેઠા છે? કંઇ કામધંધો નથી કે આ મગજમારી માંડી છે?
મિત્રો, તમને આવો સવાલ થવો વાજબી છે, પણ મારે જે મહત્ત્વના મુદ્દે વાત કરવી છે તેના માટે મને સિક્કાથી વધુ સારુ ઉદાહરણ મળ્યું નહીં એટલે તમારા ભેજાનું દહીં કર્યા વગર છૂટકો નહોતો. વાત અને વિષય છે યુરોપિયન યુનિયન (ઇયુ) રેફન્ડમનો. આ મુદ્દે પણ કંઇક આવું જ થઇ રહ્યું છે.
૨૩ જૂને ઇયુ રેફરન્ડમ થવાનું છે, અને તેના માટે છેલ્લા કેટલાય દિવસથી કૂતરું તાણે સીમ ભણી ને શિયાળ તાણે સીમ ભણી જેવો પ્રચાર થઇ રહ્યો છે. સહુ કોઇ પોતાની વાતને, દૃષ્ટિકોણને સાચો ઠેરવવા માટે ગળું ફાડી ફાડીને દલીલ કરી રહ્યા છે. લોકશાહીમાં વાદવિવાદને અવકાશ છે. જનમત કે રેફરન્ડમ જો સરકાર યોજે તો તેના પ્રચારને પણ આવશ્યક ગણી શકાય. પરંતુ જે રીતે અસત્ય, અર્ધસત્ય મુદ્દા કે ઇમિગ્રેશન જેવા લાગણીશીલ પ્રશ્નોને (છં)છેડાઇ રહ્યા છે તે ચિંતાજનક છે. આમાં સૌથી મોટો ખતરો તો એ સર્જાયો છે કે કન્ઝર્વેટિવ કેબિનેટના ગાઢ મિત્રો અત્યારે આમનેસામને આવી ગયા છે. બ્રિટિશ લોકશાહી તેના કોઇ પણ પ્રશ્નની વાજબી ચર્ચા - ફેર ડિસ્કશન માટે, સહિષ્ણુતા માટે વિખ્યાત છે. પરંતુ અત્યારે અસહિષ્ણુ નેતાઓ એ હદે સમાજનું વિભાજન કરી રહ્યા છે અને ધિક્કાર - હિંસાને પ્રેરી રહ્યા છે કે માનવી માનવીનો જીવ લેતા ખચકાતો નથી. ૪૧ વર્ષના લોકપ્રિય એમપી સુશ્રી જો કોકસની હત્યા આનું વરવું ઉદાહરણ છે.
આ ઘટનાએ ગુજરાતના અમદાવાદમાં થયેલી પંકજભાઇ ત્રિવેદીની હત્યાની યાદ તાજી કરાવી દીધી. એમપી જો કોકસની હત્યામાં રાજકારણે ધિક્કારનું ઝેર ઘોળવાનું કામ કર્યું હતું, તો પંકજભાઇના કિસ્સામાં ધાર્મિક ધૃણાએ તેમનો જીવ લીધો.
આપણા સમાજના - મારા સહિત - ઘણા લોકો એવું માને છે કે ધર્મ હવે ધંધો બની રહ્યો છે તેનું આ પરિણામ છે. આપણી યુવા પેઢી જો ધર્મથી વિમુખ થઇ રહી હોય તો તેનું સૌથી મોટું કારણ એ છે કે ધર્મના નામે બની બેઠેલા ગુરુઓ કે ધાર્મિક ઘટકો દ્વારા અપાતા વચનો, ઉપદેશો, આચારવિચાર અને તેના અમલ વચ્ચેની ખાઇ દિન-પ્રતિદિન વધુને વધુ પહોળી થઇ રહી છે. તેઓ આપણને તો ઉપદેશ આપે છે કે વિત્તેષણા, પુત્રેષણા કે લોકેએષણાથી વિમુખ રહો, પરંતુ તેઓ ખુદ અંગત જીવનમાં આ ઉપદેશોનો કેટલો અમલ કરે છે તે લાખ રૂપિયાનો સવાલ છે. આજે બની બેઠેલા ગુરુઓ ધર્મના નામે લાખો-કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરીને બેસી ગયા છે. આ વાત માત્ર હિન્દુ ધર્મ પૂરતી સીમિત છે એવું પણ નથી, અન્ય તમામ ધર્મોમાં પણ આ જ સ્થિતિ છે. ધર્મના નામે લોકોને ભોળવવા અને અંગત સ્વાર્થ સાધવો. સામાન્ય માણસની ધાર્મિક ભાવનાનું શબ્દશઃ શોષણ થઇ રહ્યું છે.
શ્રદ્ધાનું સ્થાન અંધશ્રદ્ધા લે ત્યારે શું કરવું જોઇએ? એક ખૂબ જ જૂનું ભજન મને યાદ આવ્યું છે જે અત્રે રજૂ કરી રહ્યો છું. તેના શબ્દો છેઃ નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના...

નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના
સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના
ઝાંખો ઝાંખો દીવો...
પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના
ઝાંખો ઝાંખો દીવો...
શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનને મંદીર જોજે અંધકાર થાય ના
ઝાંખો ઝાંખો દીવો...

સાદા-સરળ શબ્દોમાં રચાયેલાં, પરંતુ જીવનનો ગહન સંદેશો આપી જતાં આ ભજન વિશે કોઇ ટિપ્પણ કરવાની મને તો કોઇ જરૂરત જણાતી નથી. આપ સહુ વાચક મિત્રોને આ ભજનની એક એક પંક્તિ વાંચવાનો, તેને મનોમન વાગોળવાનો અને તેનો ઘટતો અર્થ તારવવવાનો સવિનય આગ્રહ કરું તો તે અસ્થાને નથી. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter