જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં...

સી. બી. પટેલ Wednesday 09th January 2019 04:54 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપનામાંથી કેટલાય તો શીર્ષક વાંચતા વાંચતા જ ભક્ત-કવિ નરસિંહ મહેતાનું આ સદાબહાર પદ ગણગણતા થઇ ગયા હતાને! જો તમે આખું પદ વાંચવા ઇચ્છતા હો તો પાન ૧૬ ઉપર પહોંચી જાવ ત્યાં નરસૈયાંની આ આખી કૃતિ રજૂ કરી છે. મિત્રો, આપ સહુએ જોયું હશે કે પાન ૧૬-૧૭ની રજૂઆત-સજાવટમાં ગયા સપ્તાહથી ફેરફાર કરાયો છે. આ સુચન-સુધારા માટે આંગળી ચીંધામણનો જશ ‘ગુજરાત સમાચાર’ના માનવંતા વાચક રતિલાલ ટેલરના ફાળે જાય છે. તેમણે કેટલાક સૂચનો કર્યા હતા, જેના આધારે જુદા-જુદા વિભાગોને એક સાથે રજૂ કરવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે. વાચક મિત્રો, આપનામાંથી પણ કોઇ આ પાન પર કે બીજે વિશેષ સામગ્રી કે સાહિત્યિક કૃતિ વાંચવા ઇચ્છતું હોય તો અમને લખી જણાવવા આમંત્રણ છે. અમે આ સુચનના અમલ માટે શક્ય તમામ પ્રયાસ કરશું.
ઈસ્વી સન ૧૪૧૫ની સાલમાં જૂનાગઢ તાબાના ખોબા જેવડા તળાજા ગામમાં નાગર જ્ઞાતિના પાંચ કે છ ખોરડાની વસતી હતી. તેમાંનું એક ખોરડું કૃષ્ણદાસ અને લક્ષ્મીગૌરીનું. દંપતીને ત્યાં ૧૭ વર્ષ બાદ ફરી પારણું બંધાયું. બીજા સંતાન તરીકે પુત્રરત્નની પધરાણી થઇ. તેને નામ અપાયું નરસિંહ. વાચક મિત્રો, નરસિંહ મહેતાની આ મૂળભૂત તેમજ અન્ય માહિતી માટે મારે કંઇ દૂર જવાની જરૂર નથી પડી કે લાયબ્રેરીમાં ખાંખાખોળા કરવાની પણ જરૂર નથી પડી. મારા પ્રિય પુસ્તકોની યાદીમાં ‘નરસૈયો ભક્ત હરિનો’ મોખરાનું સ્થાન ધરાવતું હોવાથી હંમેશા નજર સામે જ રહે છે. સંત પુનિત મહારાજની પ્રેરણાદાયી કલમે લખાયેલું આ આખ્યાન નરસિંહ મહેતાની સર્જનસૃષ્ટિની સુપેરે ઝાંખી કરાવે છે. પુનિત મહારાજ સાચા અર્થમાં પુનિત આત્મા હતા. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલું પુનિત પ્રકાશન પ્રતિષ્ઠાન હવે પુનિત પ્રકાશન મંદિર તરીકે પણ ઓળખાય છે.
પુનિત મહારાજ રચિત આ સુપ્રસિદ્ધ આખ્યાનની પ્રથમ આવૃત્તિ ૧૯૮૩માં પ્રસિદ્ધ થઇ હતી, અને અત્યાર સુધીમાં તેની લાખો નકલો ઘરે ઘરે પહોંચી ગઇ છે. ‘જનકલ્યાણ’ માસિક અને પુનિત પ્રકાશનના અન્ય આધ્યાત્મિક સાહિત્યની સરવાણી સતત રહે છે તેને આપણા ગુજરાતી ભાષાનું સદભાગ્ય સમજું છું.
સારી, સુખદાયક નિંદ્રા માટે વ્યક્તિએ શું કરવું જોઇએ? તાજેતરમાં આ સંદર્ભે એક અભ્યાસપૂર્ણ સર્વેક્ષણ થયું છે. જેમાં એકદમ સીધોસાદો ઉપાય જણાવાયો છે - રોજ રાત્રે સૂતાં પહેલાં અડધો કલાક સારું - સત્વશીલ વાચન કરો. મનને શાંતિ મળશે અને આત્મવિશ્વાસમાં ઉમેરો થશે. આ સીધાસાદા સૂચનનો બીજા કોઇ લાભ લે છે કે નહીં એ તો હું નથી જાણતો, પરંતુ હું તો આ સૂચનથી થતા ફાયદાનો લાભ વર્ષોથી - સર્વેક્ષણ થયા પૂર્વેથી જ - લઇ રહ્યો છું એ હકીકત છે.
નરસિંહ મહેતા વિશે જાણતા લોકો એ વાતે વાકેફ છે કે તેમને સંતાપ આપવામાં, હેરાન કરવામાં મોટા ભાભીએ કોઇ મણાં રાખી નહોતી, પણ નરસૈયોં ભક્ત હરિનો. જે વ્યક્તિ પ્રભુમય હોય તેને પરમાત્મા જ રક્ષાકવચ પૂરું પાડતાં હોય છે એ કહેવાની જરૂર ખરી?! નરસિંહ મહેતાના અનેક પદોની જેમ ‘જ્યાં લગી આત્મા...’ પદ પણ ઊંડા અભ્યાસનો વિષય બન્યું છે. મારી પાસે નરસિંહ મહેતાના તમામ પદોનો સંગ્રહ છે. ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો...’નું તો ૩૦ જાન્યુઆરીએ ભારત ઉપરાંત સવાસોથી વધુ દેશોમાં શ્રદ્ધાપૂર્વક ગાન થયું હતું એ તો આપ સહુ જાણતા જ હશો. અરે, પાકિસ્તાની - ચીનીઓના મુખે પણ શુદ્ધ ઉચ્ચારણો સાથે વૈષ્ણવ જન... ગાતું સાંભળીને ક્યા ભારતીયે-ગુજરાતીએ હરખ નહીં અનુભવ્યો હોય!
અહીં લાખ પાઉન્ડનો પ્રશ્ન એ છે કે કોઇ શાળા, મહાશાળા, યુનિવર્સિટી કે કાશીની વિદ્યાપીઠમાં ઔપચારિક શિક્ષણ મેળવ્યા વગર જ નરસિંહ કૃષ્ણદાસ મહેતાએ આટલા ઊંચા પ્રકારનું તત્વજ્ઞાન કેમનું પ્રાપ્ત કર્યું હશે? જોકે આપણું એ પણ સદભાગ્ય જ ગણાય કે અખો, નર્મદ અને તેના જેવા કેટલાય કવિઓ, લેખકોએ આપણા સાહિત્ય-સંસ્કારવારસાને દીપાવ્યો છે.
શ્રદ્ધા-અંધશ્રદ્ધા વિશે આવા ઉચ્ચતમ સાહિત્ય સર્જકોની જે કંઇ દેણ હોય તેના પાયામાં વાચનસામગ્રી, મનન, ચિંતન અને આચરણ છે. મોટા ભાભી કકળાટ કરે, વઢે અને છતાં નરસૈયો સ્થિતપ્રજ્ઞ થઇને તળાજાના દેવાધિદેવ મહાદેવ મંદિરે જઇ બેસે, ભજન-કીર્તન કરે અને સાધુસંતોની સેવાચાકરી કરે. તેને બીએ, એમએ કે પીએચડી જેવી કોઇ ડિગ્રીની જરૂર પડી નથી. આપણા નરસિંહ મહેતાએ લગભગ છસો વર્ષ પૂર્વે જે વાત કહી હતી લગભગ તેવી જ વાત નામદાર પોપે ગયા રવિવારે રોમમાં લાખો કેથલિક અનુયાયીઓને સંબોધતા ઉચ્ચારી હતી. નામદાર પોપે કહ્યું કે ઇસુ ખ્રિસ્તની ‘લોર્ડસ પ્રેયર’ને પોપટિયા પઠનની જેમ બોલી નાંખવાથી કોઇ અર્થ સરતો નથી. ખ્રિસ્તી ધર્મમાં લોર્ડસ પ્રેયરના બે મુખ્ય પ્રકાર છેઃ કેથલિક સમુદાય માટે અને પ્રોટેસ્ટંટ સમુદાય માટે. આ ૨૧૦૦ વર્ષ જૂના ધર્મમાં પણ કાળક્રમે ફાંટા તો ઉદ્ભવેને? નામદાર પોપ કહે છે કે તમારે ઈશ્વરની કાયમ પ્રશસ્તિ કરવાની, ગુણગાન ગાવાની કોઇ જરૂર નથી. બસ, ઈશ્વરને તમે અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરો. શક્ય હોય ત્યારે શાંતચિતે તેનો સંપર્ક સાધો. તમે પરમ કૃપાળુ પરમાત્મા સાથે સીધુ જ અનુસંધાન સાધી શકશો.
નામદાર પોપે એમ પણ કહ્યું કે સતત પ્રાર્થના કરવાની જરૂર પણ નથી. ઇસુ ખ્રિસ્ત કહે છે કે આ બધો બાહ્યાચાર છે, આ બધું તો ઉપવસ્ત્ર સમાન છે. આવશ્યક્તા તો એ છે કે પ્રાર્થના કરો, સ્તુતિ કરો, પણ તેનો અર્થ સમજો. જીવનમાં તેના આચરણ માટે પ્રયાસ કરો. જો આમાં ઓછાવત્તા અંશે પણ સફળ રહ્યા તો સમજી લો કે તમે મોક્ષના માર્ગે જીવતેજીવ પ્રયાણ કરી રહ્યા છો.
વાચક મિત્રો, પ્રાર્થના, બંદગી કે પ્રેયરની રીત ગમે તે હોય, પણ પરમ તત્ત્વનું શરણું સ્વીકારવું એ આવશ્યક છે એવું હું તો માનું છું...

•••

જિંદગીની મજા છેડા છૂટા કરવામાં નહીં, છેડા ભેગા રાખવામાં છે

આજે બ્રિટનમાં ક્રિસમસ રજાઓ પછી કામે ચઢવાનો પહેલો સોમવાર છે. વીતેલાં દિવસોમાં સગાં-સ્વજનો સાથે ભરપૂર મોજમજા કરનારા મોટા ભાગના લોકો પોતપોતાના નોકરી-ધંધે વળગી ગયા છે. જોકે કેટલાક યુગલો માટે આ રજાઓ મજાના બદલે ‘ખરાબ સમય’ લઇને આવી હતી. રજાઓમાં મજાના બદલે સાચી-ખોટી સજા પામેલા અને તેના પરિણામે સાત જન્મના બંધનના છેડા છૂટા કરવાનો નિર્ણય કરી ચૂકેલા પાત્રો આજે ડિવોર્સ એક્સપર્ટ ધારાશાસ્ત્રીઓને શોધવા - સંપર્ક કરવાના કામે વધુ પ્રમાણમાં લાગી ગયા છે. વાચક મિત્રો, આપનામાંથી કદાચ કોઇ પૂછશે કે મને આ વાતની ક્યાંથી જાણ થઇ? તો અત્યારથી જ કહી દઉં કે માત્ર હું જ નહીં, આખું જગત આ હકીકત જાણે છે. છૂટાછેડા લેવા ઇચ્છતા લોકોના આંકડાઓ જાહેર થયા છે, સોશ્યલ મીડિયામાં આપ સહુએ પણ વાંચ્યું હશે. જોકે એક વિશ્વસનીય પ્રકાશને આ અંગે જરા ઊંડાણપૂર્વક તપાસ આદરી તો જાણવા મળ્યું કે ગયા વર્ષે આ દિવસે ૧૦૬૦ વ્યક્તિએ છૂટાછેડા લેવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.
અને છૂટા પડ્યા બાદ તેમનો જીવન પ્રત્યેનો અભિગમ કેવો હતો? ૫૩ ટકા મહિલાઓ કહે છે કે અમે લગ્નજીવન કરતાં વધુ સુખી છીએ. જ્યારે ૪૭ ટકા મહિલાઓનું કહેવું છે કે છૂટાછેડા માટે ક્યું કારણ કે કઇ ભૂલ જવાબદાર છે એ તો નથી જાણતા, પરંતુ આમ થયું છે તે વરવી અને કાયમી પીડાજનક વાસ્તવિક્તા છે.
વાચક મિત્રો, હું અંગત રીતે એમ માનું છું કે છૂટાછેડા કેમ લેવાયા તેના કારણની પિષ્ટપેષણ કરવા કરતાં તેના નિવારણનું વધુ મહત્ત્વ છે. મારી વાત કરું તો ભ’ઇ આ મુદ્દે તો હું ‘જૂનવાણી’ વિચારસરણી ધરાવતો માણસ છું. જેમની સાથે ઘરસંસાર વસાવ્યો હોય તેમની સાથે મતભેદો થાય ત્યારે છૂટા પડવાના બદલે પડ્યું પાનું નિભાવી લેવાનો અભિગમ સર્વાંગી રીતે વધુ સુયોગ્ય ગણાય તેવા વડીલોના ડહાપણમાં મને વધુ વિશ્વાસ છે. આથી જ મેં એલએલબી અને બાર-એટ-લોના અભ્યાસ વેળા નિર્ણય કરી લીધો હતો કે વકીલાતની સનદ મળશે તો હું છૂટાછેડાના કેસ હાથમાં નહીં લઉં. ઉપરવાળાનો પાડ માનવો રહ્યો કે હું સનદ જ મેળવી શક્યો નથી.
અલબત્ત, થોડાઘણા વાચન અને ચિંતનના અનુભવે સમજાયું છે કે કેટલીક મામૂલી બાબતે કાળજી લઇને જીવનને અસહ્ય બનતું અટકાવી શકાય છે. પતિ-પત્ની વચ્ચે સહજભાવે ઉદ્ભવતા નાના-મોટા મતભેદ કે વિચારભેદ મનભેદમાં ન પરિણમે તે માટે આ મુદ્દે વિચાર કરવા કેટલાક સૂત્રો થકી રજૂઆત કરવાનો પ્રયાસ કરું છું. મનમાં ઘૂંટતા રહીએઃ
• મારી પણ ક્યાંક ભૂલ થઇ હશે.
• સામેવાળાની વાતમાં પણ કંઇક દમ છે.
• ઘર છે તો બે વાસણ ખખડે પણ ખરાં...
• હવેલી લેતાં ગુજરાત ન ગુમાવાય.
• હું ભલે મરું પણ તને વિધવા કરું તેવો નકારાત્મક અભિગમ જીવતા દોઝખ સમાન છે.
• પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં.
• ઓ’લી કે ઓ’લો જો અમુક પ્રકારે જ ઘડાયો હોય તો? કપાસિયા પીલીને તલનું તેલ ન જ મળી શકે.
• ઉલમાંથી ચૂલમાં પડવાનું શું જરૂરી છે?
• અંગ્રેજીમાં એક બહુ જાણીતી કહેવત છેઃ It's better to deal with the devil you know than the devil you don't.
મતલબ અજાણ્યા રાક્ષસ કરતાં તો જાણીતો રાક્ષસ વધુ સારો ગણાય.
• છૂટા છેડા એટલે આર્થિક, માનસિક અને સામાજિક ઉપાધિ વ્હોરી લેવાનો રસ્તો.
એક યુગલના છૂટાછેડા સૌથી વધુ પીડાદાયક તો તેના સંતાન માટે બની રહે છે, પછી ભલે તે સંતાન કોઇ પણ વયનું હોય. માતા-પિતાનો વિખૂટા પડવાનો નિર્ણય સંતાન માટે ભારે માનસિક સંતાપ લઇને આવતો હોય છે, ઘણી વખત આ નિર્ણયની નકારાત્મક અસર તેના તન-મનને હંમેશા કોરી ખાતી હોય છે.
ભારતીય સમાજ પરંપરા અનુસાર દરેક વ્યક્તિનું જીવન ચાર આશ્રમમાં વહેંચાયેલું છેઃ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ. આ પરંપરામાં ક્યાંય ‘છૂટાછેડાશ્રમ’ની જોગવાઇ જોવા મળતી નથી. જીવનના ઉતારચઢાવ, મતભેદોના વમળો વચ્ચે જલકમલવત્ રહીને જીવન જીવવાનું થોડુંક મુશ્કેલ જરૂર જણાશે, પરંતુ અશક્ય તો નથી જ. વિખૂટા પડવા કરતાં સહિયારા જીવનમાં જલકમલવત્ રહેવાથી થોડીક મુશ્કેલી સહન કરવાનું, અન્યોન્ય માટે વધુ હિતકર હોવાનું મારું માનવું છે.

•••

આવતીકાલનું ધનાઢ્ય ગયાના

દક્ષિણ અમેરિકામાં ગયાના નામનો એક ટચુકડો દેશ છે. અગાઉ તે બ્રિટિશ ગયાના તરીકે ઓળખાતો હતો. આ સાથે રજૂ થયેલા નકશા પર નજર ફેરવશો તો આપ જોઇ શકશો કે પડોશી દેશ બ્રાઝિલની સરખામણીમાં આ દેશનું કદ કેટલું નાનું જણાય છે. અને વસ્તી પણ માંડ ૭.૫ લાખની છે. (લંડનના દશમા ભાગની) વિસ્તાર છે ૮૩,૦૦૦ ચોરસ માઈલ, બ્રિટન કરતાં સવા ગણો.
૧૮૩૪માં બ્રિટનમાં એન્ટી-સ્લેવરી કાયદો પસાર થયો. બ્રિટિશ ગયાનાના શેરડીના ખેતરોમાં મજૂરીકામ માટે ભારતથી હજારોની સંખ્યામાં ગિરમિટીયા - ઇન્ડેચર લેબરને લઇ જવામાં આવ્યા હતા. અગાઉ ત્યાં ગુલામો લવાતા હતા. બીજા વિશ્વયુદ્ધ બાદ ગયાનાને સ્વાતંત્ર્ય મળ્યું. ચૂંટણી યોજાઇ. પીપલ્સ પ્રોગ્રેસિવ પાર્ટી (પીપીપી)ના ચેડ્ડી જગન નામના ભારતીય વંશજ દેશના પ્રથમ વડા પ્રધાન બન્યા. તે વેળા ગયાનામાં લગભગ ૫૬ ટકા ભારતીય વંશજ વસતા હતા. ભારતીયોમાં કુસંપનું દૂષણ આજે જ છે તેવું નથી, ત્યારે પણ હતું. પરિણામે ભારતીય સમુદાયમાં ફાટફૂટ પડી, ભાગલા પડ્યા. સમયાંતરે શ્યામરંગી પ્રજાનું વર્ચસ ધરાવતા પક્ષ - પીપલ્સ નેશનલ કોંગ્રેસ (પીએનસી)એ કાઠું કાઢ્યું. પીએનસી સરકારે દેશની શાસનધૂરા સંભાળી. અને ભારતીયો સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર શરૂ થયો. સાધનસંપન્ન, ઉચ્ચ શિક્ષિત ભારતીય સમુદાયે દેશાંતર કર્યું. મોટા ભાગના અમેરિકા - કેનેડા ગયા અને કેટલાક બ્રિટન આવ્યા.
આજે ગયાનામાં - ૨૦૧૫થી પીએનસીનું શાસન છે, પરંતુ ૨૦૧૫ પૂર્વે દેશમાં લગાતાર ૨૩ વર્ષ પીપીપીનું શાસન રહ્યું. તાજેતરમાં, ગયા નવેમ્બરમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાઇ, જેમાં પીપીપીને ૬૧ ટકા મળ્યા છે. કેમ? છેલ્લા ચાર વર્ષમાં પીએનસી સરકારે અપનાવેલા ડાબેરી વલણ અને ગેરવહીવટ થકી દેશના અર્થતંત્રને પહોંચાડેલા નુકસાનના કારણે તેની લોકપ્રિયતામાં ભારે ઘટાડો નોંધાયો છે.
આવતા વર્ષે - ૨૦૨૦માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં જો ભારતવંશીઓ (હવે જનસંખ્યા ૪૧ ટકાનો) પ્રભાવ ધરાવતી પીપીપીની સરકાર રચાશે તો દેશ ફરી એક વખત આર્થિક પ્રગતિના પંથે હરણફાળ ભરશે તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. જો ગયાનામાં પીપીપીની સરકાર રચાઇ તો તેના માટે બગાસું ખાતાં પતાસું મળવા જેવો તાલ સર્જાય તેવી સંભાવના છે. ગયાનાની સમુદ્રપટ્ટીના પેટાળમાંથી ગેસ-ઓઇલના વિપુલ ભંડાર મળ્યાના અહેવાલ છે. આગામી છ વર્ષ પછી અત્યારના બજાર ભાવે કિંમત આંકવામાં આવે તો પ્રતિ વર્ષ ૧૫ બિલિયન ડોલરની અઢળક આવક થાય તેવી શક્યતા છે. સમજોને ગયાના લગભગ અબુધાબી કે કતાર જેવી મબલક કમાણી રળશે. આ મુઠ્ઠી જેવડા દેશની વસ્તી માંડ ૭.૫ લાખ છે તેની સરખામણીએ આ આવકનો તાળો મેળવી લેજો.
ભારતીયો વતનમાં કે વિદેશમાં ઉગતા સૂરજને પૂજવામાં પરોવાયેલા રહેતા હોવાનું મનાય છે. ફિજી, ઇસ્ટ આફ્રિકા, ત્રિનિદાદ, સૂરીનામ આ બધા દેશોમાં વસ્તીમાં આપણી બહુમતી કે પછી વેપાર-ધંધામાં પ્રભાવ હોવા છતાં કેટલાક કારણે સ્થાનિક પ્રજાજનોની નજરમાં આપણે - ભારતીયો અળખામણાં બની ગયાં. વળી, આપણી વર્ણવ્યવસ્થા વિભાજક બની રહી છે તેમ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. ભારત સરકાર માટે પણ અત્યાર સુધી વિદેશવાસી ભારતીયો એક દૂઝણી ગાય સમાન હતા, પણ તેના દુઃખદર્દ વેળાએ સરકાર હાથ ધોઇ નાખતી હતી. બ્રિટનમાં ગયા અઠવાડિયે વિદેશ મંત્રાલયે આકરા શબ્દોમાં નિવેદન કર્યું છે કે મિડલ ઇસ્ટના ખ્રિસ્તીઓ પ્રત્યે ભેદભાવ દાખવવામાં આવે છે અને તેમના પર દમન ગુજારવામાં આવે છે જે અસહ્ય છે. ભારત સરકારે કદી આવું કર્યું હતું? કેમ કે આપણે સેક્યુલર છીએ. જોકે છેલ્લા કેટલાક વર્ષથી આ દુઃખદ સ્થિતિમાં આવકાર્ય બદલાવ આવી રહ્યો છે. (આગામી અંકોમાં ગયાના જેવા દેશોમાં સ્થળાંતરની શક્યતા વિશે જણાવવા વિચારું છું.)

•••

દારુ બંધાણીના દુઃખદર્દ સમજીએ તો....

નેશનલ હેલ્થ સર્વીસ (NHS)માં આજકાલ દારૂના બંધાણીઓ સામે આકરાં પગલાં લેવાનું નક્કી થયું છે. હોસ્પિટલમાં દાખલ થનાર દર્દી જો દારૂનો બંધાણી હશે તો તેની સાથે ડોક્ટર અડધો કલાક વાતચીત કરશે અને આવા દર્દીને વ્યસન થકી તે પોતાના આરોગ્ય માટે જે ગંભીર સંકટ સર્જી રહ્યો છે તે વિશે ચેતવણી અને સલાહસૂચન આપશે.
NHS કહે છે કે દારૂના સેવનથી પ્રતિ વર્ષ ૩.૫ બિલિયન પાઉન્ડનો બોજો દેશની તિજોરી પર પડી રહ્યો છે. NHS ઇંગ્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ સાયમન સ્વાન્સના જણાવ્યા પ્રમાણે દારૂડિયા પોતાનો અને પરિવારનો તો વિનાશ નોતરે જ છે, પરંતુ આ બધાનો ખર્ચ આખરે તો NHSના ખભે જ આવે છે. તબિયત બગડે, અવનવા રોગ શરીરમાં પ્રવેશે, અકાળે અવસાન આવે... આ બધું જોતાં NHSની ખાસ એક ટુકડી (કેર સ્કવોડ) આવા ભાન ભૂલેલા લોકોને સાચા માર્ગે લાવવા અત્યંત આક્રમક વલણ અપનાવવા તત્પર બની છે. બ્રિટનના જવાબદાર સમાચાર માધ્યમો દારૂ-ડ્રગ્સ કે ધુમ્રપાનના અતિ સેવન સામે પોતાના વાચકોને કે ચાહકોને સાવચેત કરવા પ્રયાસ કરે એ તેમની પ્રાથમિક અને નૈતિક ફરજ છે. ગુજરાત સમાચારે પણ સમાજના પ્રહરી તરીકેની તેની નૈતિક ફરજ બજાવતા ગયા સપ્તાહે આ કોલમમાં દારૂનું વ્યસન જીવનમાં કેવું દૂષણ ફેલાવે છે તેની વિગતવાર રજૂઆત કરી હતી. અમને આનંદ છે કે અમારા સંખ્યાબંધ વાચકોએ આ રજૂઆતને પ્રોત્સાહક પ્રતિસાદ આપ્યો છે અને અમારી સામાજિક પ્રતિબદ્ધતાને બિરદાવી છે.
દારૂ ઉપર નભતી વ્યક્તિઓ માનસિક નબળી બની જાય છે તે હકીકત છે. આવી વ્યક્તિને વ્હાલા થવા માટે અથવા તો કોઈક દ્વેષભાવથી પ્રેરાઇને કેટલાક તત્વો વ્યસનીને ઉશ્કેરણી - ચઢામણી કરે છે. દારૂના વ્યસનીની ઉશ્કેરણી કરવી તે અયોગ્ય અને અનૈતિક છે. સાચું તો એ છે કે દરેક જાગ્રત નાગરિકે દારૂ કે અન્ય દૂષણના રવાડે ચઢેલી વ્યક્તિને સન્માર્ગે દોરવાની તેની ફરજ બજાવવી જોઇએ. દારૂ કે પછી અન્ય કોઇ વ્યસનના બંધાણીને સન્માર્ગે વાળવા માટે હમદર્દી જરૂરી છે, ઉશ્કેરણી નહીં. વ્યક્તિગત સ્વાર્થને ખાતર અન્યોને આવી ઉશ્કેરણી કરતી વ્યક્તિના મોં આડે આપણે હાથ તો ના દઇ શકીએ, પરંતુ પરમાત્માને એટલી પ્રાર્થના અવશ્ય કરી શકીએઃ સબ કો સન્મતિ દે ભગવાન... (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter