તારો ભરોસો મને ભારી...

સી. બી. પટેલ Tuesday 14th August 2018 15:11 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, તાજેતરમાં ભારતની યુવાપેઢીની શક્તિ અને સજ્જતાને કેન્દ્રમાં રાખીને લખાયેલા એક પુસ્તકનો સુંદર રિવ્યુ વાંચવાનો મહામૂલો અવસર મળ્યો. પુસ્તકનું નામ છે - ડ્રીમર્સઃ હાઉ યંગ ઇંડિયન્સ આર ચેન્જીંગ ધ વર્લ્ડ. પુસ્તકના લેખિકા છે સ્નિગ્ધા પૂનમ અને પ્રકાશક છે હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ. આ સપ્તાહે આપણે ૧૫ ઓગસ્ટે ભારતનો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યા છીએ ત્યારે મને લાગ્યું કે આ પુસ્તકની આપણે સહુએ નોંધ લેવી જ રહી.
આજનું ભારત ૧૫ ઓગસ્ટ ૧૯૪૭નું ભારત તો નથી, નથી ને નથી જ. એક ઉપખંડની તોલે આવે તેટલી વિશાળતા - બહુવિધ સંસ્કૃતિ અને અઢળક વિરોધાભાસો છતાં પણ છેલ્લા સાત દસકામાં ભારત દેશે સિમાચિહનરૂપ વિકાસ હાંસલ કર્યો છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. ૩૦૦ વર્ષની ગુલામી દરમિયાન જે કંઇ ધોવાઇ ગયું હતું, ગુમાવ્યું હતું તે બધું જ ભારતે જાણે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે હાંસલ કર્યું છે. આજે વિશ્વતખ્તે ભારત દેશ નક્કર વિશ્વાસ અને ધગશ સાથે આગળ ધપી રહ્યો છે. આ હું કહી રહ્યો છું એવું નથી, વિશ્વના આર્થિક નિષ્ણાતો આંકડાઓ સાથે કહી રહ્યા છે. વીતેલા સપ્તાહે જ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના એક ઉચ્ચ અધિકારીએ જાહેર કર્યું છે કે ભારતીય અર્થતંત્રનો વિરાટકાય હાથી હવે વિકાસના પંથે દોડવા લાગ્યો છે. ભારતની વિકાસગાથાને સમર્થન કરતા આવા તો અનેક અહેવાલો અને આંકડાઓ ઉપલબ્ધ છે, જેનો સ્થળસંકોચના કારણે અત્રે ઉલ્લેખ કરવો શક્ય નથી.
‘ડ્રીમર્સઃ હાઉ યંગ ઇંડિયન્સ આર ચેન્જીંગ ધ વર્લ્ડ’ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં ભારતીય યુવાધનની સાફલ્યગાથા રજૂ થઇ છે. ભારતના વિવિધ સ્થાનોએ આપણા સુશિક્ષિત કે અલ્પ શિક્ષિત વિવિધ ધર્મ-સંસ્કારના સંતાનો અવનવા સ્વપ્ના સાકાર કરવા અવનવા આયોજનપૂર્વક જે પરિશ્રમ ઉઠાવી રહ્યા છે અને તેનું સુફળ જોતજોતામાં પ્રાપ્ત કરી રહ્યા છીએ તેના સુંદર દૃષ્ટાંતો જોવામાં આવે છે. આપણે એક કિસ્સા પર નજર ફેરવી. સાત વર્ષે પૂર્વે - ૨૦૧૧માં વિનય સિંઘલે તેના ભાઇ પરવીન સાથે મળીને ફેસબુક પેજ પર એક ક્લિક બેલ્ટ શરૂ કરી હતી. ૨૦૧૬માં આ બંધુબેલડીએ નવી વેબસાઇટ શરૂ કરી અને આજે તેમાં વિશ્વભરના ૧૫૦થી વધુ લેખકો સહભાગી થઇ રહ્યા છે. આજે સિંઘલ બંધુની કંપનીનું ઇન્દોરમાં મસમોટું વડું મથક છે અને આ બંધુબેલડીની કંપનીનું બજારમૂલ્ય ૩૦ મિલિયન ડોલર હોવાનું અંદાજવામાં આવે છે.
સિંઘલબંધુઓ જેવા તો અનેક ઉદાહરણો છે. ભારતની ૧૩૦ કરોડની જનસંખ્યામાં ૬૭ ટકા વસ્તી ૩૫ વર્ષથી નાની વયના લોકોની છે. આમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી તો ઘણા લોકો મેળવે છે, પણ જે તે વ્યવસાય માટે આવશ્યક ચોક્કસ શિક્ષણની કચાશ અને મર્યાદિત તકોના કારણે બેરોજગાર યુવાશક્તિની સંખ્યા રાજાના કુંવરની જેમ વધી રહી છે. દર મહિને ૧૦ લાખ યુવક-યુવતીઓ નોકરી-વ્યવસાય માટે બજારમાં આવે છે, પરંતુ તેમને પૂરતી તક મળતી નથી. અલબત્ત, તેનો અર્થ એવો તો બિલકુલ નથી કે આ લોકો હાથ જોડીને બેસી રહે છે. આવું વલણ તો આપણા લોહીમાં જ નથીને?! નહીં કિયા તો કરકે દેખ... કંઇક નવું કરો, અવનવું વિચારો, આજની સાહસિક યુવા પેઢીને આંગળી ચીંધવાની જરૂર જ નથી. યુવા પેઢી પોતાનો માર્ગ શોધી જ લે છે. પરિવારજનો કે શિક્ષકો, કે ગુરુઓ પ્રેરણા પૂરી પાડવા સક્ષમ હોય, તેમણે સારું સિંચન કર્યું હોય તો સારા ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.
બ્રિટનમાં જન્મેલી-ઉછરેલી આપણી યુવાશક્તિ પણ ભારતવાસી બાંધવો કરતાં લેશમાત્ર ઉણી ઉતરતી નથી. હું પ્રતિ સપ્તાહ સાતથી દસ મેળાવડાઓમાં હાજર રહું છું અને યુવા પેઢી સાથે સહજ સંપર્ક સાધવા, તેમની સાથે સમન્વય સાધીને પરોક્ષ રીતે નાની શી ઓથ આપવા હરહંમેશ પ્રયત્નશીલ રહું છું. મારા માટે તો યુવા પેઢીના સંપર્કમાં રહેવાનો સૌથી મોટો લાભ કહો તો લાભ અને સ્વાર્થ કહો તો સ્વાર્થ એ છે કે તેમને જ્યારે પણ મળવાનું થાય છે ત્યારે દર વખતે કંઇને કંઇ નવું જોવા, જાણવાનું, શીખવાનું કે વિચારવાનું મળે છે. યુવા પેઢીનો સંપર્ક - સંગાથ આપણને હંમેશા યુવાન રાખે છે.
આગામી દિવસોમાં સ્કૂલ એક્ઝામના રિઝલ્ટ જાહેર થશે. રિઝલ્ટ સારું આવે, ઠીક ઠીક આવે કે નબળું આવે, જિંદગીના રસ્તા બંધ થઇ જવાના નથી એ યાદ રાખજો. દરેક તાળાની એક ચાવી અવશ્ય હોય છે તેમ દરેક સમસ્યાનો, મૂંઝવણનો એક ઉકેલ તો અવશ્ય હોય જ છે. બસ, જ્યાં સુધી તાળું ખૂલે નહીં ત્યાં સુધી એક નહીં તો બીજી ચાવી અજમાવવાની ધીરજ હોવી જોઇએ. સમસ્યા કોઇ પણ હોય, સતત પ્રયાસ જરૂરી છે. સ્વપ્નમાં રાચવું કે સ્વપ્નાં જોવા અને પછી તેને સાકાર કરવા માટે સંપૂર્ણ સમર્પિત બનીને પ્રયત્નશીલ બનવું તે દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે તેવું મારું માનવું છે. પરિણામ જગતનિયંતા પર છોડી દેવું... ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતામાં કહ્યું જ છેનેઃ કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ...

વયના વધવા સાથે અવનવા વિકલ્પો...

વિશ્વભરમાં, લગભગ દરેક દેશમાં લોકોનું આરોગ્ય સુધરી રહ્યું છે. સ્વાસ્થ્ય પ્રત્યેની દરકાર વધી રહી છે તેના પરિણામે આયુષ્ય મર્યાદા વધી ગઇ છે. ખાસ કરીને વિકસિત અને વિકાસશીલ દેશોની જનસંખ્યાના આંકડા આ બાબત સ્પષ્ટ કરે છે. હવે કોઇને આશીર્વચન આપતા, દીર્ઘાયુ માટે શતં જીવમ્ શરદં બોલવું કદાચ અપૂરતું થઇ પડે હોં... મને તો કોઇ વડીલ એકસો વર્ષ જીવો તેવા આશીર્વાદ આપે છે તો તરત જ કહું છું કે વડીલ, મને આશીર્વચન આપી જ રહ્યા છો તો પછી કંજૂસાઇ શા માટે કરો છો? મારો લક્ષ્યાંક શા માટે ટૂંકાવો છો? મારી તો અંતઃકરણપૂર્વકની ઇચ્છા છે ૧૧૧ વર્ષ જીવવાની. તમે એમાં કાપ ન મૂકો...
વાચક મિત્રો, સાચે જ હું હંમેશા મારા ઇષ્ટદેવને પ્રાર્થના કરતો રહું છું કે આપનો આ સેવક સી.બી. વયના વધવા સાથે ભલે થોડોક બહેરો થાય, ભલે થોડોક બોખલો પણ થાય કે પછી ભલે કદકાઠીમાં થોડોક સંકોચાય... કોઇ વાતે વાંધો નથી. બસ, તેના સક્રિય રહેવાના, સમાજ સમર્પિત રહેવાના જોશ-જુસ્સામાં લગારેય ઓટ આવવી જોઇએ નહીં. હું ખરેખર ઇચ્છું છું કે જીવનના છેલ્લા શ્વાસે આપ સહુની, આપણા સમાજની કરતો રહું. આજે એક વ્યક્તિને સુખી રહેવા માટે જે કંઇ જોઇએ તે બધેબધું જ મને ભરપૂર સાંપડ્યું છે... તન-મનની સુખાકારી, ભર્યોભાદર્યો પરિવાર, ઉમદા વ્યવસાય, સાંસારિક સુખાકારી. એક માણસને આથી વિશે શું જોઇએ? આવા સદ્ભાગી સમયે પણ જો હું સમાજ પ્રત્યેની મારી જવાબદારી નિભાવવામાં ઉણો ઉતરું તો નગુણો જ ગણાઉં ને?!
ખેર, વાત જરા આડા પાટે ચઢી ગઇ. મૂળ વાત સાથે તંતુ સાધીએ... તાજેતરમાં ૧૦૦ વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા લોકોની વસ્તીના આંકડા પ્રસિદ્ધ થયા છે. આ લોકોની વય ભલે વધી રહી હોય, પણ તેમનો થનગનાટ યુવાનોને પણ શરમાવે તેવો છે. ક્રિકેટમાં જેમ સેન્ચ્યુરી ફટકાર્યા બાદ બેટ્સમેનની રમત ‘ખીલતી’ હોય છે તેમ શતાયુ થયા બાદ આ લોકોનો જિંદગીની બાજી ખેલવાનો અભિગમ ખીલી રહ્યો હોય તેવું આ આંકડાઓ વાંચતા જણાય છે.
એક અંદાજ મુજબ જાપાનમાં આવા શતાયુવીરોનો આંકડો ૬૭ હજાર કરતાં પણ વધુ છે. સંખ્યાબળના આધારે સરખામણી કરો તો આ આંકડો વિશ્વમાં સૌથી ઊંચો છે. હમણાં આરોગ્ય સેવા ક્ષેત્રે એક અભ્યાસપૂર્ણ અહેવાલ પ્રકાશિત થયો છે. આ અભ્યાસનું તારણ કહે છે કે આજના કાળખંડમાં જે બાળક જન્મશે તેમાંથી અડધોઅડધ કરતાં પણ વધુ, સરેરાશ ૧૦૫ વર્ષનું આયુષ્ય ભોગવશે - બશર્તે તેમણે યોગ્ય જીવનશૈલી અપનાવી હશે અને રોજિંદા આરોગ્યની ઉપેક્ષા નહીં કરી હોય તો.
આરોગ્યમાં સુધારો થાય, આયુષ્યમાં વધારો થાય ત્યારે એક યા બીજા પ્રકારે તેની અસર તો વર્તાય જ ને? જેમ કે, આયુષ્ય લંબાવાને કેટલાક લોકો બોજારૂપ ગણે છે તો કેટલાક માટે તે ઇશ્વરકૃપા છે. આથી જ જાપાનમાં એક વ્યવસ્થિત આયોજન અમલી બન્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ છે - વધુ આયુષ્ય ધરાવતા લોકોને સકારાત્મક રીતે, સુયોગ્ય જીવન જીવવા માટે પ્રવૃત્ત કરવાનો. ૨૦૧૬માં લંડન બિઝનેસ સ્કૂલના બે પ્રાધ્યાપકો સુશ્રી લિન્ડા ગ્રેટન અને એન્ડ્ર્યુ સ્કોટે એક મજેદાર પુસ્તક લખીને પ્રકાશિત કર્યું હતું. The 100 year life જેનો કેન્દ્રવર્તી વિષય હતો શતકવીરોનું જીવન. જાપાનના શાસકોએ આ અને આવા પુસ્તકોનો અભ્યાસ કરાવ્યો. તેમાંથી પ્રેરણા-માર્ગદર્શન મેળવ્યા અને વધુ વય ધરાવતા લોકોની વધી રહેલી વસ્તીને નજરમાં રાખીને નવા સંજોગો, નવા પ્રશ્નોના સુંદર સમાધાન શોધ્યા છે. તેને અમલી બનાવ્યા છે.
જાપાને શું કર્યું અને શું ન કર્યું તેની વધુ વાતો કરવાના બદલે ચાલોને આપણી જ વાત કરું... બ્રિટનમાં આપણો જે સમુદાય વસે છે તેઓએ પણ દૂરનું જોઇ-વિચારીને વધુ આશાસ્પદ અને ફળદાયી માનસ કેળવવાનું અત્યંત આવશ્યક છે. આપણા મોટા ભાગના શતાયુ કે તેની નજીક પહોંચનારા વડીલો માન્યતા ધરાવે છે કે લાંબુ જીવન બહુ પીડાદાયક અને કષ્ટદાયક હોય છે, પ..રં..તુ...
મારા માનવંતા મિત્રો - લાંબુ જીવન એ ઢસરડા નથી. એ તો પરમાત્માની કૃપાદૃષ્ટિ છે, આ સમયને પ્રભુનો પ્રસાદ સમજીને માણો. પરિવાર સાથે સમય વીતાવો, સમાજ સાથે સમય વીતાવો. અરે... કંઇ ન કરો તો પોતાની જાત સાથે જીવન વીતાવો. કોઇ વાતનો શોખ કે હોબી હોય તો તેના સમય માટે ફાળવો. શોખ કે હોબી ન હોય તો વિકસાવો... કંઇક નવીન શીખવા-સમજવા-જાણવા માટે ક્યારેય કોઇ ઉંમર મોટી નથી હોતી. જીવન મળ્યું છે તો ભરપૂર માણી લઇએ તેવો અભિગમ અપનાવશો તો ક્યારેય વય વધવાનો ‘ભાર’ નહીં લાગે, હળવીફૂલ જિંદગી જીવી શકશો. જાણીતા ગુજરાતી કલાકાર દેવાંગ પટેલે ગાયેલા પે’લા સુપરડુપર હીટ ગીતના શબ્દો યાદ છે ને?
જલ્સા કર, બાપુ જલ્સા કર...
દુનિયા જાય તેલ લેવા, જલ્સા કર...
બસ, આ શબ્દોને અપનાવી લો. જિંદગીમાં મોજે દરિયા જઇ જશે.
આ તો મેં મારો અભિગમ રજૂ કર્યો છે, શક્ય હોય તો આવું જીવન જીવવા પ્રયાસ કરવો, બાકી તો પસંદ અપની અપની, ખ્યાલ અપના અપના...

ધર્મો રક્ષતિ રક્ષિતાઃ

મહાભારતના આ સૂત્રનો અર્થ છેઃ તમે ધર્મની રક્ષા કરો, તો ધર્મ તમારી રક્ષા કરશે. મહાભારતનું આ સૂત્ર ભલે ધર્મની રક્ષાનો બોધ આપતું હોય, પરંતુ ક્યારેક આથી કંઇક અલગ જ બનતું હોય છે. શૈક્ષણિક પ્રગતિ, આર્થિક તથા અન્ય પ્રકારનો વિકાસ તેમજ વૈજ્ઞાનિક અભિગમ કેટલીક વાર શ્રદ્ધાવાનને પણ ઇશ્વરની હયાતીનો ઇન્કાર કરવા પ્રેરે છે. દસકાઓ જૂની એક ઘટના મને આજે પણ બરાબર યાદ છે.
આફ્રિકાથી પરત ફરેલા મોહનદાસ કરમચંદ ગાંધી નામના તરવરિયા વકીલે અમદાવાદના સીમાડે સાબરમતી આશ્રમની નવીસવી સ્થાપના કરી હતી. તેમના નામની આગળ ‘મહાત્મા’ શબ્દ પણ લાગ્યો નહોતો તે સમયની આ વાત છે. એક બહુ તેજસ્વી, તેજીલા તોખાર જેવો સુશિક્ષિત યુવક સ્વેચ્છાએ આઝાદીની ચળવળમાં ગાંધીજી સાથે જોડાયો. આ યુવક એટલે કિશોરલાલ ઘનશ્યામદાસ મશરુવાળા. ગાંધીજીના ‘રવાડે’ ચઢ્યા હતા એટલે સવાર-સાંજ પ્રાર્થના તો કરવી જ પડે અને લગભગ ‘ઋષિ’ જેવું જીવન પણ જીવવું પડે. પ્રાર્થના સભા માટે ગાંધીજીનો એક વણલખ્યો નિયમ હતો. તેઓ હંમેશા પ્રાર્થના સભાનો પ્રારંભ શ્રીમદ્ ભાગવદ્ ગીતાના બીજા અધ્યાયના ઇશાવાસ્યમ્ ઇદમ્ સર્વમ... શ્લોકથી કરતા હતા.
ભગવદ્ ગીતાનો અદભૂત કહી શકાય તેવો શુદ્ધ ગુજરાતી અનુવાદ કિશોરલાલ મશરુવાળાએ ‘ગીતાધ્વની’ નામે કર્યો છે. સુજ્ઞ વાચકો જાણે છે કે આ પુસ્તક ઉપયોગમાં લેવા માટે હું સદા આતુર હોઉં છું. વાંચવા-વિચારવા અને તેમાંથી શક્ય તેટલો સાર જીવનમાં આત્મસાત કરવા માટે. ખેર, સમયના વહેવા સાથે શ્રદ્ધાવાન કિશોરલાલ મશરુવાળા નાસ્તિક બન્યા. એક શ્રદ્ધાવાન વ્યક્તિને ઇશ્વરના અસ્તિત્વમાંથી ભરોસો જ ઉઠી જાય એ તે કેવું આશ્ચર્યજનક ગણાય?! પણ આવું બન્યું. તેમણે ઇશ્વરનું અસ્તિત્વ હોવાની વાત માનવાનો ધરાર ઇન્કાર કર્યો.
મહાત્મા ગાંધીને આ વાતની જાણ થઇ. કેટલાક સાથીદારોએ ગાંધીજી સમક્ષ આક્રોશ પણ ઠાલવ્યો કે કિશોરલાલ તો ઇશ્વરના અસ્તિત્વના મામલે છેલ્લા પાટલે બેઠા હોય તેવું લાગે છે. તેમને પરમાત્મા નામના તત્વમાં કોઇ ભરોસો જ રહ્યો નથી. રોજિંદી દિનચર્યા દરમિયાન જ ગાંધીજી કિશોરલાલને મળ્યા. ઇશ્વરમાંથી તેમને ભરોસો ઉઠી ગયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો. બાપુએ તેમના આ અભિગમથી સાથી આશ્રમવાસીઓના મનમાં ઉઠેલા ચિંતાના મોજાથી પણ વાકેફ કર્યા. બધાને હતું કે બાપુ કિશોરલાલને ઇશ્વરના અસ્તિત્વનો પાઠ ભણાવશે, પરંતુ આવું કંઇ ન થયું.
ગાંધીજીએ તેમને બહુ સરળ શબ્દોમાં સમજાવ્યું, જેનો સૂર કંઇક આવો હતોઃ તમને ઇશ્વરમાં ભરોસો ન રહ્યો હોય તો કંઇ વાંધો નહીં. તમે કંઇ ખોટું કરતા નથી. તમારા અંતઃકરણમાં ઉઠતા વિચારોને અનુસરો. ઇશ્વરના અસ્તિત્વને તમે ભલે નકારતા હો, પરંતુ તમારા જીવનમાં રહેલા મૂલ્યો, સિદ્ધાંતો, માનવતાને વળગી રહો. તમને જેમાં પણ શ્રદ્ધા, આસ્થા છે તેને જાળવો અને જતન કરો, પરંતુ જે કંઇ કરો તે અંતઃકરણપૂર્વક કરો.
વાચક મિત્રો, આ ઘટનાક્રમ ટાંકવાનું કારણ એટલું જ કે વીતેલા અઠવાડિયામાં મને ધર્મ, શ્રદ્ધા, આસ્થા મજબૂત કરે તેવા પ્રસંગોમાં હાજરી આપવાના એક કરતાં વધુ મહામૂલા અવસર સાંપડ્યા થયા, જેને હું મારું સદભાગ્ય સમજું છું.
રવિવાર, પાંચમી ઓગસ્ટે નિસ્ડન સ્વામીનારાયણ મંદિરે એક સ્વજનની પ્રાર્થનાસભામાં હાજરી આપીને ધન્ય થયો. જેમાં બીએપીએસના વરિષ્ઠ અને સાચા અર્થમાં સાધુતા, વિદ્વતા, સાલસતાથી કૃપાવંત પૂ. ઇશ્વરચરણદાસ સ્વામીના ઉદ્ગારો સાંભળીને સાચે જ મારી સાંજ સુધરી ગઇ. તેમણે શ્રીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પૂ. સ્વામીબાપા અને પૂ. મહંતસ્વામીના જીવનપ્રસંગો ટાંકીને ખરા અર્થમાં જીવન જીવવાનું ભાથું બાંધી આપ્યું. આ પૂર્વે સંતો અને સંસારીઓના મુખે સૂરીલા ભજનોના રસપાનનો લહાવો મળ્યો એ તો સોને પે સુહાગા...
ગુરુવાર, નવમી ઓગસ્ટે ચંદુભાઇ મટાણીની (મિત્રો, હું તેમને સ્વર્ગસ્થ ગણવા તૈયાર જ નથી) પ્રાર્થના સભામાં હાજરી આપવા માટે ટ્રેનમાં લેસ્ટર લઇ પહોંચ્યો. મેર સમાજનો ભવ્ય હોલ ચંદુભાઇના ૭૦૦-૮૦૦ ચાહકોથી છલકાઇ ગયો હતો. પૂરા બે કલાક તરવરિયા ગાયક કલાકાર આલાપ દેસાઇ (આસિત અને હેમા દેસાઇના સુપુત્ર) તેમજ સાથી કલાકારોએ એક એકથી મધુર જૂના-નવા, ભક્તિથી તરબોળ ભજનો રજૂ કરીને તરબોળ કર્યા. રાત્રે બાર વાગ્યે ઘરે (ટ્રેન-ટ્યુબ દ્વારા) પરત ફર્યો ત્યારે પણ તાજગીથી તરબતર હતો. તન-મનમાં થકાવટનો અંશ નહોતો. અહીં મને, આ જે પોષણ મળ્યું તેનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી.
શુક્રવાર, ૧૦ ઓગસ્ટે પણ કંઇક આવો જ અવસર સાંપડ્યો. ઢળતી બપોરે ચારેક વાગ્યાના સુમારે રાજકોટવાળા સુખ્યાત ગાયક વિનોદભાઇ પટેલનો ફોન આવ્યો. ‘ધીરુભાઇ અને ઉષાબહેન સાંગાણીએ ભજનસંધ્યા યોજી છે, સી.બી. તમે જરૂરથી આવો. તમને મજા આવશે.’ સમય પણ હતો અને સાનુકૂળતા પણ હતી. જઇ પહોંચ્યો.
ધીરુભાઇ અને ઉષાબહેન સાથે મારો ચાલીસેક વર્ષ જૂનો નાતો. હવે નિવૃત્ત જીવન વીતાવતા ધીરુભાઇ એક સમયે માધવાણી ગ્રૂપ ઓફ કંપનીસમાં મેનેજિંગ ડિરેક્ટર જેવો મોટો અને મહત્ત્વપૂર્ણ હોદ્દો સંભાળતા હતા. ધીરુભાઇ અને ઉષાબહેન બન્નેએ વિદ્યાનગરમાં શિક્ષણ મેળવ્યું છે. ઉચ્ચ હોદ્દો અને આર્થિક સદ્ધરતા છતાં સંસ્કાર, નમ્રતા અને વિવેક સાંગાણી દંપતીનો ટ્રેડમાર્ક બની રહ્યા છે. આખો હોલ સ્વજનોથી ચિક્કાર હતો. બાદમાં જાણવા મળ્યું કે સાંગાણી પરિવારના એક વડીલનું અમેરિકામાં નિધન થયું હતું તેમની સ્મૃતિમાં માત્ર પાંચ જ દિવસમાં આ ભજન સંધ્યાનું આયોજન થયું હતું. મહેમાનોમાં મુખ્યત્વે લોહાણા સમાજના આગેવાનો હતા એ તો ખરું, પણ સમાજના અન્ય વર્ગના મોભીઓની હાજરી પણ ઉડીને આંખે વળગતી હતી. વિનોદભાઇ પટેલે ભાવવાહી
શૈલીમાં ભજન અને રસપ્રદ દૃષ્ટાંતો રજૂ કરીને લોકોની ભારે પ્રશંસા મેળવી હતી.
આજે આ સોમવારે લખાઇ રહ્યું છે ત્યારે લ્યો ગઇકાલની, રવિવારની જ વાત કરું. અગાઉથી નક્કી થયા અનુસાર ક્રિકેટના કાશી ગણાતા લોર્ડસમાં ભારત-ઈંગ્લેન્ડની બીજી ટેસ્ટ મેચ જોવા જઇ પહોંચ્યો હતો. આમંત્રણ આપ્યું હતું લોર્ડ ભીખુ પારેખના પુત્ર પ્રોફેસર રાજ પારેખે. મિત્રવર્ય યજમાનો મોટા ગજાના હતા તો મારી સાથેના બીજા સાતેક મહેમાનો પણ પોતપોતાના ક્ષેત્રના ખેરખાં હતા.
રમત છે એટલે હારજીત તો ચાલ્યા કરે - તે સિદ્ધાંતને નજરમાં રાખીને અમે ખાણીપીણી સાથે મેચની મજા માણી. ભારતના ધબડકાનો અસંતોષ જરૂર હતો, પરંતુ જ્યારે ખેલાડી ખુદ પ્રતિસ્પર્ધી સામે શરણાગતિ સ્વીકારી લે ત્યારે દર્શકો શું કરી લે? આપણે તો સ્ટેડિયમમાં બેઠાં બેઠાં પાનો ચઢાવી શકીએ, મેદાનમાં રમવું તો તેમણે જ પડે ને?!
ક્રિકેટના આ ઐતિહાસિક સ્ટેડિયમમાં ઉમટેલા હજારો ક્રિકેટચાહકોમાં ૬૦ ટકાથી વધુ ભારતીય સમુદાય દેખાતો હતો એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. બ્રિટનભરમાં વસતા ભારતીય યુવક-યુવતીઓ સંતાનો સાથે ઉમટ્યા હતા. તેમની કર્મભૂમિ ભલે બ્રિટન હતી, પણ તેમના હર્ષોલ્લાસમાં વતનપ્રેમ ચોખ્ખો છલકતો હતો.
બપોરે વેમ્બલી એરેનામાં પૂ. ‘ભાઇશ્રી’ રમેશભાઇ ઓઝાના સુમધુર કંઠે સાદર થતી ભગવદ્ કથાનું રસપાન કર્યું. ભાગવત કથા અને ‘ભાઇશ્રી’ - એ તો એકમેકના પર્યાય બની ગયા છેને? તેથી વધુ કંઇ કહેવાની જરૂર જણાતી નથી. અ.સૌ. જ્યોત્સનાબહેન અને વજુભાઇ પાણખાણિયાના સુપુત્રો કમલ અને સુનિલભાઇ આ કથાના યજમાન છે. કથાનો અહેવાલ આપને આ અંકમાં અન્યત્ર વાંચી શકશો.
વ્યાસપીઠ પરથી પૂ. રમેશભાઇએ જાણે કે વ્યાસ ઉવાચ... પ્રમાણે ગરમાગરમ શીરાની જેમ ગળે ઉતરી જાય તેવી રસાળ અને ભાવાત્મક શૈલીમાં કથાની રજૂઆત કરી. કાન કથામાં હતા અને નજરમાં વ્યાસપીઠ હતી. વ્યાસપીઠ સૌની નજરનું કેન્દ્ર બની રહી હતી, ખરેખર હું તો બહુ પ્રભાવિત થયો. કારણ? ત્યાં વજુભાઇના સદ્ગત માતા-પિતાની વિશાળ કદની તસવીરો ગોઠવાઇ હતી. મારું નમ્રપણે માનવું છે કે જે પરિવારમાં માતા-પિતા સહિતના વડીલોના સંભારણા સચવાય છે, તેમના પ્રત્યે આદરભાવ જળવાય છે ત્યાં જ ખરા અર્થમાં સુખ-શાંતિ-સમૃદ્ધિનો કાયમી મુકામ હોય છે. જે પરિવારમાં વડીલોના આદર-માનસન્માન જળવાતા નથી ત્યાં - સમૃદ્ધિ હશે તો પણ - સુખ-શાંતિ તો નહીં જ હોય. હા, કજિયા-કંકાસનો કાયમી મુકામ અવશ્ય હશે. જોકે, વડીલોની વિચારશક્તિ, વાણી તેમજ વર્તન પણ સુયોગ્ય રહે તે આવશ્યક છે.
ભગવદ્ કથામાં સંગીતકારો ‘ભાઇશ્રી’ના સૂર સાથે તાલ મિલાવીને દિલોદિમાગને ભક્તિસંગીતમાં તરબોળ કરી રહ્યા તો અમદાવાદથી ખાસ આ કથા માટે જ આવેલા તુષાર જોષીએ તેમના કસાયેલા કંઠે સંચાલકની ભૂમિકા સુપેરે ભજવીને શ્રાવકોના દિલ જીતી લીધા હતા.
આખો દિવસ ઉડાઉડ કર્યા પછી... રાત્રે આ પંખી માળામાં પરત ફરી રહ્યું હતું ત્યારે જીવને સંકોરીને બેઠેલું ખોળિયું થાક્યું હતું, પરંતુ આ જીવને સદૈવ સક્રિય અને ચેતનવંતો રાખનાર દિલોદિમાગ બાગબાગ હતા. તન ધરતી પર હતું, પણ મન ગગનવિહાર કરતું હતું. થોડીક પળો થઇ હશે ને - પરમાત્માનો પાડ માનવા - દિલમાં એક ધૂન રમતી થઇ ગઇઃ
તારો ભરોસો મને ભારી, ગોવર્ધન ગિરધારી... (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter