થોભ નહીં તો ઠપ્પ થઇ જઇશ

સી. બી. પટેલ Thursday 27th August 2015 05:51 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, સંભવ છે કે આપે આ શિર્ષક બીજા સ્વરૂપમાં પણ વાંચ્યુ હશે કે તે વિશે તમે જાણતા હશો. મુંબઇનિવાસી એક જાગૃત નાગરિક અને સ્વાધ્યાય પરિવારના વડા પાંડુરંગ શાસ્ત્રીજીના એક વેળાના નજીકના અનુયાયી હીરાભાઇ ઠક્કરે એક પુસ્તક લખ્યું હતુંઃ થોભ નહીં તો થાકી જઇશ. આ હીરાભાઇ સાહેબ આજે તો આપણી વચ્ચે નથી, પણ એક વેળા તેઓ કર્મયોગ હાઉસ, આપણા કાર્યાલયમાં પધારી ચૂક્યા છે. તેમને અહીં લઇ આવનારા હતા ખબરદાર વાચક નામે ચંદ્રકાન્ત (ચંદુભાઈ) કટારિયા. વર્ષોસુધી કટારિયાસાહેબ મને તંત્રી તરીકે સંબોધીને સપ્તાહમાં બે-ત્રણ પત્રો પાઠવતા હતા. કોઇ કોઇ વાર તો એ-ફોર સાઇઝના ફૂલસ્કેપના ૧૫-૧૫ પાનથી વધુ પણ થઇ જતા. હા, તેમના દરેક અભિપ્રાય સાથે હું સંમત જ હતો કે દરેક મુદ્દે અસંમત જ હતો એમ તો કહી શકાય નહીં. સંમતિ-અસંમતિનો આધાર મુદાઆધારિત રહેતો હતો. ‘ગુજરાત સમાચાર’ - ‘એશિયન વોઇસ’ના સદભાગ્ય છે કે વાચકો નિયમિત રીતે પત્રો પાઠવતા રહ્યા છે, તેમના અભિપ્રાયો, સૂચનો, લાગણીને આ સાપ્તાહિકો થકી વાચા આપતા રહ્યા છે.
શનિવારે, ૨૨ ઓગસ્ટે કાર્યાલયમાં પત્રલેખકો અને વાચકોનું મિલન યોજાયું હતું. કુલ ૨૦ બહેનો અને ભાઇઓ (મોટા ભાગના વડીલો) પધાર્યા હતા. આ બેઠકનો અહેવાલ તો અલગથી પ્રસિદ્ધ થશે જ, પણ અહીં આ પ્રસંગનો ઉલ્લેખ કરવાનું કારણ એટલું જ કે આપના બન્ને સાપ્તાહિકો વાચકોને તેમના વિચારો વ્યક્ત કરવા પૂરતી જગ્યા ફાળવવાને પોતાની ફરજ સમજે છે. તો બીજી તરફ, માનવંતા પત્રલેખકો પણ તેના દ્વારા સમાજને કંઇક નવી દૃષ્ટિનો વિકલ્પ સૂચવવા સહયોગ આપતા રહે છે.
થોડાક સમય પહેલાં એક મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો મને અવસર સાંપડ્યો.. આ પ્રસંગે સંસ્થાના ‘ગુરુજી’એ સમારંભમાં હાજરી આપવા માટે ખાસ અમેરિકાથી આવેલા એક ગુજરાતી યુવાન સાથે મારો પરિચય કરાવ્યો. ‘ગુરુજી’એ મોકળા મને તેના વિશે કહ્યું કે આ યુવક પહેલાં ડ્રગ્સ એડિક્ટ થઇ ગયો હતો અને હવે તે સંપૂર્ણપણે વ્યસનમુક્ત બન્યો છે. (અહીં સ્પષ્ટતા કરી દઉં કે ‘ગુરુજી’એ યુવાનના પરિચય સાથે વ્યસનની વાત જોડી ત્યારે તેમના શબ્દોમાં યુવાનને નીચા દેખાડવાનો નહીં, પણ તેના મક્કમ મનોબળને બિરદાવવાનો ભાવ હતો.)
મેં તરત જ યુવાનને અભિનંદન આપ્યા અને કલમ ચલાવવાનું નિમંત્રણ આપતાં કહ્યું કે જો તમે વ્યસનના બંધાણી બનવાથી માંડીને તેમાંથી મુક્તિ સુધીની તમારી ‘પરિવર્તન યાત્રા’ વિશે ૫૦૦-૭૦૦ શબ્દોમાં લખી જણાવો તો તે અન્યોને બહુ ઉપયોગી બનશે. યુવાને બહુ સહજતાથી કહ્યું કે હું લખી તો શકું, પણ આપણે ભેગા મળીને બેસીને વાતો કરીએ, તમે પ્રશ્નો પૂછો અને હું મારી વાત કરતો જાઉં તે વધુ સુયોગ્ય જણાય છે. (વાચકો માટે) મારી ઉંમર કરતાં તમારો અનુભવ વધુ ઉપયોગી બની રહેશે. યુવાનના કહેવાનું તાત્પર્ય એ હતું કે આપણે વાતચીત કરશું તો તમે મારી પાસેથી વધુ ઉપયોગી માહિતી મેળવીને વાચકો સમક્ષ રજૂ કરશો.
આજે અમેરિકાની ખ્યાતનામ યુનિવર્સિટીમાં માસ્ટર્સનો અભ્યાસ કરતા આ યુવાન સાથે શાંતિથી કલાકેક બેઠો. વિચારવિનિમય કર્યો. સંક્ષિપ્તમાં કહું તો નાના-મોટા વ્યસનની વ્યાધિ કંઇ રાતોરાત કે આપોઆપ તો વળગતી નથી. આ યુવકનો પરિવાર ભારતથી બારોબાર અમેરિકા ગયો હતો અને તેના બહોળા પરિવારમાં વડીલ પાંચ કાકાઓએ હોટેલ-મોટેલના વ્યવસાયમાં સારું કાઠું કાઢ્યું છે.
યુવાન પચ્ચીસેક વર્ષથી અમેરિકામાં છે. યુવકને મનમાં સતત એ વાત કોરી ખાતી હતી કે હું અભ્યાસમાં બીજા કરતાં પાછળ છું એ વાતે પરિવારજનો સતત ટીકા-ટિપ્પણ કરે છે. સ્નેહીજનોના આવા વ્યવહારથી યુવાન માનહાનિ, અપમાનની લાગણી અનુભવતો હતો. અન્યો સાથે સતત સરખામણીના કારણે ધીમે ધીમે તેના મનમાં લઘુતાગ્રંથિનો પંજો પ્રસરતો ગયો અને યુવાન પોતાની જાતને એક કોચલામાં સંકોરવા લાગ્યો. સતત ‘માનસિક’ પરિતાપના કારણે આ ભાઇ સિગારેટ તરફ વળ્યા, પછી ધીમે ધીમે દારૂ તરફ ઢળ્યા અને સમયના વીતવા સાથે નશીલા પદાર્થોનું સેવન શરૂ થયું. જિંદગીમાં જાણે એક વિષચક્ર શરૂ થયું.
સિગારેટ, દારૂ કે ડ્રગ્સના બંધાણીઓના શરીર પર, ખાસ કરીને ચહેરા પર, વિવિધ પ્રકારના ઘસારા જોવા મળતા હોય છે. આ યુવાનના ચહેરા પર પણ આંખ નીચે કાળા કુંડાળા નજરે પડવા લાગ્યા. હોઠ, ગાલ પર હળવા સોજા દેખાવા લાગ્યા. ચહેરો સાવ નિસ્તેજ લાગે. યુવાન ઉભો રહે તો જાણે તેના પગમાં જોર જ ન હોય તેવું દેખાય. વ્યસનીઓમાં જોવા મળતાં આ બધાં શારીરિક લક્ષણો એવા છે કે લોકોની નજરે ચઢ્યાં વગર ન રહે. યુવાન સગાં-વ્હાલાઓની નજરમાંથી સાવ ઉતરી ગયો. વીસની શરૂઆતમાં તો તેની જિંદગી એકદમ દયાજનક બની ગઇ. અનિદ્રાની તકલીફ શરૂ થઇ. શરીરમાં પણ અસુખ વર્તાય. મન તો કાયમ ડામાડોળ જ રહે.
અન્ય વ્યસનીઓની જેમ આ યુવાન પણ ઊલમાંથી ચૂલમાં પડવાના માર્ગે આગળ વધ્યો. સિગારેટ વધુ પીવા લાગ્યો, દારૂના પેગ પર પેગ પેટમાં ઠાલવે અને ડ્રગ્સનો ડોઝ પણ વધાર્યો. લીવરમાં તકલીફ શરૂ થઇ. વાચક મિત્રો, જરા વિચાર કરો કે યુવાનની આ બધી તકલીફો સાંભળીને આપણા રુંવાડા પણ ઉભા થઇ જાય છે તો તે ખુદ કેવી યાતના ભોગવતો હશે?
યુવાનની વીતક તેના જ શબ્દોમાં આગળ વધારીએ... હું ખરેખર ખૂબ મૂંઝાઇ ગયો હતો. ચોમેરથી ઘેરાઇ ગયો હોય તેવું લાગતું હતું. યોગાનુયોગ એક પ્રસંગમાં આ ‘ગુરુજી’ને મળવાનો લ્હાવો મળ્યો. તેમના શબ્દો સાંભળીને મારા અંતરમને કંઇક શાતા અનુભવી. તેઓ દરેક પ્રત્યે પ્રેમભાવ દાખવે છે તેવું લાગ્યું. મારા તો દીદાર જ એવા હતા કે મારી હાલત સામેની વ્યક્તિથી છૂપી રહે જ નહીં, છતાં મેં તેમને મળવાનો નિર્ણય કર્યો. મારા પ્રત્યે કેવો પ્રતિભાવ હશે તે મુદ્દે મનમાં આશંકા હતી, છતાં હું તેમને મળ્યો અને જાણે મારા જીવનની નવી દિશા ઉઘડી. તેમણે મારી હાલત વિશે કંઇ પૂછ્યું નહીં, પણ અનુકંપા અવશ્ય દાખવી. પ્રેમ વ્યક્ત કર્યો. હું ડ્રગ એડિક્ટ હોવાનું તેમને સમજાઇ ગયું હતું, પણ તેઓ આ વિશે એક શબ્દ ન બોલ્યા. તેમણે મને સહજતાથી અપનાવ્યો, મારા અંતરમનને ફંફોસીને મારા અહંને તોડ્યો અને બહુ લાગણીપૂર્વક મને તેમનો કરી લીધો. મેં માનસ પરિવર્તનની પ્રક્રિયાનો આહલાદક અનુભવ કર્યો...
ધીમે ધીમે તેમના સાથી મંડળના અન્ય સભ્યો સાથે વધુ વાતો કરતો થયો. હળવો થતો ગયો. મેં ભલે તેમને કહ્યું નહોતું, પરંતુ તેઓ તો મારી હકીકત જાણતા હતાને?! તેમના પ્રેમાળ વર્તને મારી લઘુતાગ્રંથિ દૂર કરી, મારો આત્મવિશ્વાસ પાછો ફર્યો. મારી જિંદગીના મહામૂલા ચારેક વર્ષ સિગારેટ, દારૂ, ડ્રગ્સ, કેસીનો, કુસંગમાં વેડફાઇ ગયા હતા, પણ પ્રેમાળ સત્સંગે મને એવું વિચારવા પ્રેર્યો કે જો હું આ કુમાર્ગે આગળ વધતો અટકીશ નહીં, અહીંથી જ પાછો નહીં ફરું તો જિંદગી ઠપ્પ થઇ જશે. આ બધા વ્યસનો, નુકસાનકારક નકારાત્મક જીવનશૈલી વગેરેના પરિણામે મારું ભવિષ્ય શું? અને દુર્ગતિના આ માર્ગેથી પાછા વળવા મારા દિલ અને દિમાગે દૃઢ નિર્ધાર કર્યો.
તમે આને પરમાત્માની કૃપા ગણો કે ‘ગુરુજી’ની કૃપાદૃષ્ટિ ગણો કે પછી બૃહદ પરિવારજનોની સહિષ્ણુતા... આજે હું શુદ્ધ શાકાહારી અને નિર્વ્યસની બન્યો છું. અમેરિકાની કોલેજમાં ભણતાં ભણતાં કામ કરીને ફર્સ્ટ ડિગ્રી મેળવી અને હવે માસ્ટર્સ કરી રહ્યો છું...
વાચક મિત્રો, ક્યારનો હું યુવાન... યુવાન કરું છું, પણ તમને નથી લાગતું તેનું પણ એક ‘નામ’ હોવું જોઇએ?! મને લાગે છે કે તેને અવિનાશના નામે ઓળખવાનું વધુ યોગ્ય રહેશે. નામ ભલે સાચું ન હોય, પણ તેના વ્યક્તિત્વને એકદમ સચોટ રજૂ કરે છે. અવિનાશ - જેનો વિનાશ શક્ય નથી તેવું.
અમારી વાત અંત ભણી આગળ વધી રહી હતીઃ ‘કાકા, તમે મારી આ આંધળી દોટ વિશે વાચકોને અવશ્ય જણાવજો. મારી આ કથની કંઇ કેટલાયના જીવન માટે લાભદાયી પુરવાર થશે. હું જાણું છું કે કેટલાક લોકોની જીવન-ગાડી એક યા બીજા કારણસર કે નાનીમોટી સમસ્યાઓના કારણે પાટા પરથી ખડી પડતી હોય છે, પરંતુ ઉષ્માસભર માર્ગદર્શન અને સમયસરના પગલાં આ જ ખડી પડેલી જીવન-ગાડીને ફરી પૂરપાટ દોડતી પણ કરી દેતા હોય છે. આ મારો જાતઅનુભવ છે.’
‘ગુરુજી’એ અવિનાશને એક દૃષ્ટાંત કહ્યું હતું, જે મારી ડાયરીમાં પણ વર્ષોથી નોંધાયેલું છેઃ આપણે રસ્તા પર પગપાળા જઇ રહ્યા હોઇએ અને પગ લપસી પડતાં ગંદા પાણીના ખાબોચિયામાં જઇ પડીએ તો આળોટ્યાં કરીએ છીએ? ના, કપડાં ભલે ખરાબ થયા હોય, પણ ઉભા થઇને તે ખંખેરીને ચાલવા લાગીએ છીએ ને! આ જ વાત આપણા જીવનને લાગુ પડે છે. જિંદગીમાં ક્યારેક ગંદા ખાબોચિયામાં પડી પણ જઇએ, પરંતુ તેનો મતલબ એવો તો હરગીજ નથી કે તેમાં જ આખી જિંદગી વીતાવી દઇએ. ઉભા થાવ, બહાર નીકળો ને આગળ વધો.
અવિનાશ એક વાત ભારપૂર્વક કહે છે કે ‘પતનના માર્ગેથી બહાર નીકળવા મેં મેડિકલ ટ્રીટમેન્ટ અવશ્ય લીધી હતી, પણ મારા માટે રામબાણ ઔષધ પુરવાર થયું હતું - પ્રેમ. મને મારા સ્વજનોએ ભરપૂર પ્રેમ આપ્યો. આદર આપ્યો. સામી બાજુ મેં પણ દૃઢ નિર્ધાર કર્યો હતો કે વ્યસનની ગંદકીમાંથી તો કોઇ પણ ભોગે નીકળવું જ છે. તાળી એક હાથે તો ન જ વાગેને?’
વાચક મિત્રો, આપ સહુ અવિનાશની આ કથનીનું પોતપોતાની રીતે પિષ્ટપેષણ કરી શકો છો, પણ જો આપના પરિવારમાં કે પરિચયમાં આવી કોઇ વ્યક્તિ હોય તો તેને ‘સુધરવા’નો (સુધારવાનો નહીં, હોં...) એક અવસર અવશ્ય મળવો જોઇએ. વ્યસનનો ભોગ બનેલી વ્યક્તિને ‘તું દારૂડિયો છે’ કે ‘તું બંધાણી છે’ કે ‘તું વ્યસની છે’ તેવા શબ્દોના હથોડાં મારવાના બદલે પ્રેમની છીણી વડે હળવે હાથે કામ લેશો તો તે (સહુ કોઇ માટે) વધુ ઉપકારક સાબિત થશે.
અવિનાશે અગાઉ કહ્યું તેમ તાળી ક્યારેય એક હાથે નથી વાગતી. વ્યસનના બંધાણીએ પણ સમજદારી દાખવવી રહી. પરિવારજનો ઉષ્માપૂર્ણ સહયોગ આપવા તૈયાર હોય ત્યારે બંધાણીએ પણ પોતાની નબળાઇને છોડવા તત્પરતા દર્શાવવી જ રહી. તેણે સમજવું રહ્યું કે જો તે વ્યસનમાં જ ચૂર રહેશે તો તે કળણમાં દિન-પ્રતિદિન ઊંડો જ ઉતરતો જશે. સન્માનના બદલે અપમાન પામશે. સમાજમાં દયાપાત્ર બનશે. જ્યાં આત્મવિશ્વાસથી ડગ માંડવાની જરૂરત ઉભી થશે ત્યાં તેને બિચારો ગણવામાં આવશે.
અવિનાશે ‘ગુજરાત સમાચાર’ની વેબસાઇટ પર ‘જીવંત પંથ’ કોલમ વાંચી હતી. (અલબત્ત, હું એવો દાવો ન કરી શકું કે ‘જીવંત પંથ’ના લીધે તેનું જીવન બદલાયું છે.) જેમાં ઝવેરચંદ મેઘાણીની ‘સિંધુડો’ રચનાની ચાર પંક્તિનો ઉલ્લેખ હતો. આ પંક્તિઓ હતીઃ
બિરાદર નૌજવાં! અમ રાહથી છો દૂર રે'જે;
અમોને પંથભૂલેલા ભલે તું માની લેજે;
કદી જો હમદિલી આવે, ભલે નાદાન કે'જે;
'બિચારા' ક્‌હૈશ ના - લાખો ભલે ધિક્કાર દેજે!
ચિ. અવિનાશે વાતને આટોપતાં કહ્યુંઃ ‘કાકા, ‘મારે બિચારા બનવું નથી’ એવો દૃઢ સંકલ્પ કર્યો ને ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠો થઇ ગયો.
મહારાણીના મનની વાત
‘અવિનાશ’ને જ વિમાસણ હોય તેમ માની લેવાની જરૂર નથી. બ્રિટનના મહારાણી એલિઝાબેથને ૮૯ વર્ષની વયે પણ જીવનમાં નાનીમોટી સમસ્યા પજવે જ છે હોં... બકિંગહામ પેલેસમાં ૬૨ વર્ષથી રહે છે એટલે બધું સાંગોપાંગ ઉતરે છે તેવું માની લેવાની જરૂર નથી. મહારાણીના લગ્ન એક રીતે એરેન્જ્ડ મેરેજ હતા. પતિ ગ્રીક-જર્મન પરિવારના હતા. ઉંમરમાં પાંચેક વર્ષનો ફરક. રાજકુંવરીના પિતા કિંગ હતા અને ફિલીપ નેવી અધિકારી હતા. બન્નેના પારિવારિક બેકગ્રાઉન્ડમાં આસમાન-જમીનનો તફાવત હોવા છતાં આ રાજવી યુગલ છ દસકા કરતાં પણ વધુ લાંબુ સુખી લગ્નજીવન ધરાવે છે. બન્ને ૧૯૪૭માં લગ્નગાંઠે બંધાયા, પણ આજ સુધીમાં બેમાંથી એક પણ પાત્રનું સ્ખલન કે કૌભાંડમાં નામ ખરડાયું નથી. હા, ચારમાંથી ત્રણ સંતાનો જરૂર નાનીમોટી સમસ્યા ઉભી કરતા રહ્યા છે.
જયેષ્ઠ પુત્ર પ્રિન્સ ચાર્લ્સ લગ્નપૂર્વે રંગરેલિયા મનાવવા માટે ચર્ચામાં રહ્યા છે. દસેક વર્ષ નાની અતિ રૂપવંતી અને કોમળ કળી જેવી કન્યા ડાયેનાને પરણ્યા. મહેલમાં પારણું બંધાયું. બે પુત્રરત્નો વિલિયમ અને હેરીનો જન્મ થયો, પણ પતિ-પત્ની બન્ને લફરાંમાં લપેટાયાં. બન્ને લગ્નબાહ્ય સંબંધના કારણે જગબત્રીસીએ ચઢ્યા. ડાયેનાનું ખૂબ કરુણ સંજોગોમાં પેરિસમાં ‘કાર દુર્ઘટના’માં મૃત્યુ થયું.
આ જ દંપતીના પુત્ર ડ્યુક ઓફ કેમ્બ્રિજ (વિલિયમ)એ હમણાં એક જાહેર અનુરોધ કર્યો છે. કઇ વાતે? નામદાર મહારાણીનું એક સરસ જીવનવૃતાંત પ્રસિદ્ધ થયું છે. પ્રિન્સ વિલિયમનું કહેવું છે કે મારા ગ્રાન્ડ મધરની જીવનકથા દરેકે જાણવી જોઇએ, માણવી જોઇએ. તેની એક અવસર તરીકે ઉજવણી કરવી જોઇએ. વાહ... મહારાણી અને તેમના પૌત્ર વિલિયમ તથા પૌત્રવધૂ કેથરીન.
મહારાણીની પુત્રી એન પણ પરણી. પતિ સાથે મનમેળ થયો નહીં. છેવટે છૂટાછેડાં થયાં અને મહેલમાં પરદા પાછળ આચરાતી લીલાને જનતાએ પણ મન ભરીને માણી. મહારાણીની બહેન પ્રિન્સેસ માર્ગરેટએ પણ લગ્ન પહેલાં અને લગ્ન પછી ‘જલ્સા’ કરવામાં કોઇ કચાશ રાખી નહોતી. મહારાણીના બીજા પુત્ર ડ્યુક ઓફ યોર્ક અને તેની પત્નીની લીલાએ પણ રાજપરિવારની આબરૂને બટ્ટો લગાડ્યો છે. હા, એકમાત્ર પુત્ર ડ્યુક ઓફ એલેક્સ (એડવર્ડ)એ રાજપરિવારની માનમર્યાદા સાચવી છે એમ કહી શકાય.
આ જીવનવૃતાંતમાં એક બાબત બહુ સરસ રીતે રજૂ કરવામાં આવી છે. પરિવારમાં નાનીમોટી સમસ્યા આવે, દેશભરના માધ્યમોમાં સંતાનોના કૌભાંડોનું નાલેશીજનક ચિતરામણ થાય ત્યારે મહારાણીનું વલણ કેવું હોય છે? મહારાણી આ વિશે જાણે છે, વિચારે છે, પણ તેમની સમતુલા હંમેશા જાળવી રાખે છે. શાહી પરિવારના મોભી તરીકે ગમેતેવી કટોકટીની પળે પણ બહુ જ મજબૂત, સન્માનનીય સ્તંભ બનીને ઉભા રહ્યાં છે. એક નાનો પ્રસંગ ટાંકી લઉં.

પાર્લામેન્ટમાં ડિસેમ્બર ૧૯૯૨ના રોજ વડા પ્રધાન જ્હોન મેજરે ખૂબ ગંભીરતા સાથે નિવેદન કર્યું કે પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયેના અલગ થઇ રહ્યા છે. શાહી પરિવાર માટે તો આ સમાચાર ધરતીકંપ જેવા ગણાયને?! તે વેળા શાહી પરિવાર નોર્ફોક સ્થિત સેન્ડ્રીંગહામ હાઉસમાં રજા માણતો હતો. મહારાણીએ ટીવી પર વડા પ્રધાન મેજરની જાહેરાત પણ ન નિહાળી. મન ભારે તનાવમાં હોય ત્યારે પાલતુ કૂતરાને લઇને વોક પર નીકળી જવાનો ‘નિયમ’ મહારાણીએ ત્યારે પણ પાળ્યો હતો. પ્રિન્સ ફિલિપને આ સમયે એવું કહેતા ટાંકવામાં આવ્યા છેઃ હવે તેઓ ડોગ મિકેનિઝમ પર નીકળ્યા છે.

માલિક કે રાજા કટોકટીમાં ઘેરાયા હોય ત્યારે તેના તનાવની અસર તેમના સેવકો પર પડતી હોય છે. તેઓ પણ ભારે સંતાપ અનુભવતા હોય છે. મહારાણી ‘ડોગ મિકેનિઝમ’ પરથી સેન્ડ્રીંગહામ હાઉસમાં પરત ફર્યાં. સિનિયર સ્ટાફે તેમનાં શૂઝ કાઢતાં કાઢતાં પૂરી અદબ સાથે કહ્યુંઃ ‘સમાચાર સાંભળીને બહુ દુઃખ થયું છે.’
વાચક મિત્રો, મહારાણીનો જવાબ શું હશે? જરા કલ્પના તો કરો... તેમનો જવાબ હું શબ્દશઃ ટાંકી રહ્યો છુંઃ I think you will find it, all for the best. તમે જો જો સહુ સારા વાનાં થઇ જશે.
મહારાણીનો જો આ અભિગમ સારો હોય, હકારાત્મક હોય, ઉપયોગી હોય તો આપણા માટે પણ આ વલણ અવશ્ય વાજબી ગણાય. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter