દીપોત્સવ એટલે તન-મન-ધનની સર્વાંગી સંપત્તિનો સત્વશીલ ઉત્સવ

સી.બી. પટેલ Tuesday 23rd October 2018 11:14 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, શનિવાર - ૨૭ ઓક્ટોબરનો આ અંક આપના કરકમળમાં પહોંચશે ત્યારે દીપોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું હશે. બરાબર એક સપ્તાહ પછી ૩ નવેમ્બર - શનિવારે રમા એકાદશીના આગમન સાથે દીપોત્સવનો પ્રારંભ થશે તે છેક લાભપાંચમ સુધી ઉમંગ-ઉલ્લાસનો માહોલ મઘમઘતો રહેશે. રમા એકાદશી એટલે ઉપવાસ-એકટાણું કરો. આધ્યાત્મિક વાંચન-મનન કરો. પરમાત્માનું ચિંતન કરો અને પવિત્રતાની લાગણી અનુભવો. રવિવારે - ૪ નવેમ્બરે વાઘબારસ આવે છે. આપના લાડકા ‘ગુજરાત સમાચાર’નું વાર્ષિક કેલેન્ડર આ દિવસે અમૃતસિદ્ધિ યોગ દર્શાવે છે. આ સુભગ સમન્વયે મા સરસ્વતીનું પૂજન-અર્ચન કરો અને જ્ઞાન પામો. આજના યુગમાં જ્ઞાન વગર જિંદગી અધૂરી છે. આ પછી સોમવારે - ૫ નવેમ્બરે ધનતેરસનું પર્વ આવશે. સદૈવ લક્ષ્મીજીની કૃપા વરસતી રહે અને પરિવારમાં સુખસમૃદ્ધિનું સંવર્ધન થતું રહે તેવી અભ્યર્થના સાથે પૂજનઅર્ચન કરાશે.
વિશ્વભરમાં ધનતેરસ ઉજવાશે એજ દિવસે બ્રિટનમાં ગાયફોક્સ ડે મનાવવામાં આવશે. બ્રિટિશ સમુદાય સાથે જોડાયેલા આ અનોખા દિવસ વિશે પણ જાણવા જેવું છે. એક જમાનામાં - ૩૦૦ જેટલાં વર્ષ પૂર્વે દેશમાં ભારે ઉથલપાથલ થઇ હતી. રાજાશાહી શાસકો પ્રજા પર કાળો કેર વર્તાવી રહ્યા હતા. તેમના પર નિયંત્રણ મેળવવાના ઇરાદે પાર્લામેન્ટે આકરાં નિર્ણયો લઇને કેટલાક વિશેષાધિકાર મેળવ્યા. આ પગલાં સામે વિરોધ નોંધાવવા પાર્લામેન્ટને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરું ઘડાયું. અમલનો પ્રયાસ થયો, પણ નિષ્ફળ રહ્યો. આમ છતાં આ દિવસની ઉજવણી થાય છે. આમ જૂઓ તો અન્યાયનો વિરોધ કરવાના ઇરાદે આ દિવસની ઉજવણી શરૂ થઇ હતી, પરંતુ સમયાંતરે આ દિવસ બ્રિટિશ કેલેન્ડરનો અભિન્ન અંગ બન્યો. આખરે તો માનવમાત્ર સતત સદવિચાર, સારા મૂલ્યો ઝંખતો હોય છે. ક્યારેક તે આ લક્ષ્ય પામવામાં સફળતા મેળવતો હોય છે, તો ક્યારેક નિષ્ફળતા. ગાયફોક્સ ડે ભલે નિષ્ફળતાનું પ્રતીક બની રહ્યો હોય, પરંતુ લોકશાહીના પાયામાં રહેલા મૂલ્યોનો હેતુ ઉમદા છે. તેમાં બલિદાનની ભાવના પણ સમાયેલી છે. લોકશાહી મૂલ્યોનું જતન-સંવર્ધન કરતા પરિબળોનો સરવાળો એટલે ગાયફોક્સ ડે.
મંગળવાર - ૬ નવેમ્બરે કાળીચૌદશ છે. આમ આદમીની નજરે ભલે આ દિવસ જાદુટોણાં, મંત્રતંત્રની સાધનાનો દિવસ ગણાતો હોય, પણ ખરેખર તો આ સત્વશિલ સાધનાનો દિવસ છે. કેવી સાધનાનો?! અંધશ્રદ્ધા નિર્મૂલનની. જંતરમંતર, દોરાધાગા, ભૂવા-જાગરિયા પ્રત્યેની અંધશ્રદ્ધાને જડમૂળથી નાથવાનો દિવસ છે. મંગલકારી હનુમાનજીની સાધનાનું આ પર્વ છે એમ કહીએ તો પણ ખોટું નથી.
બુધવાર - ૭ નવેમ્બર એટલે પ્રકાશનું પર્વ દીપોત્સવ. આ પર્વ વિશે કંઇ કહેવા-લખવાની જરૂર હોય તેવું મને તો લાગતું નથી. શારદાપૂજનનું પર્વ છે. વીતેલા વર્ષનું સરવૈયું થાય, અને નવા વર્ષનું ખાતું ખૂલે. વાચક મિત્રો, ગ્રામજીવનમાં તો અત્યારે પણ આપણી પરંપરા, મૂલ્યને પ્રાધાન્ય મળે છે. હા, શહેરીજીવનની વાત અલગ છે. અહીં હિન્દુ પર્વો-તહેવારોનું મહત્ત્વ ઘટી રહ્યું છે અને ક્રિસમસ કે ન્યૂ યર (૩૧ ડિસેમ્બર) કે તેના જેવા પશ્ચિમી પર્વોની બોલબાલા વધી રહી છે. ક્રિસમસ પર્વના મૂળ હેતુ વિશે સહુ કોઇ જાણે છે, અને આમ છતાં સહુ કોઇ જાણે તે વિસરી ગયા છે. સહુ કોઇ જિસસની પ્રાર્થના કરવાના બદલે પાર્ટીમાં, જલ્સામાં, ખાણીપીણીમાં રચ્યાપચ્યા જોવા મળે છે. ભારતના મોટા શહેરોની તો વાત છોડો, ટાઉન-નગરોમાં પણ દિવાળી કરતાં વધુ ઉત્સાહથી (!) ક્રિસમસ પર્વ ઉજવાય છે. અલબત્ત, પાર્ટી માટે જ સ્તો.
આપણા ગુજરાતની જ વાત કરું તો દારૂબંધી ધરાવતા આ રાજ્યમાં પાર્ટીનું તો નામ જ હોય છે, બાકી તો દારૂ પીવાનું બહાનું હોય છે. થોડાક વર્ષો પૂર્વે, એક વખત હું ક્રિસમસ - ન્યૂ યરના દિવસોમાં ગુજરાતની મુલાકાતે હતો. મારા યજમાને મને જણાવ્યું કે એક મિત્રે ક્રિસમસ પાર્ટીનું આયોજન કર્યું છે. તમે પણ આવો, મજા આવશે. તમે ઈંગ્લેન્ડમાં તો ઘણી ક્રિસમસ પાર્ટીમાં મહાલ્યા હશો, અહીંનો માહોલ જૂઓ...
ઉત્સુક્તા સાથે પાર્ટીમાં પહોંચ્યો. ફાર્મ હાઉસમાં ક્રિસમસ પાર્ટીનો નજારો જોવા જેવો હતો. મહેમાન કેટલા હશે? ૫૦૦ કરતાં પણ વધુ! ખરા અર્થમાં ખાણી-‘પીણી’નો માહોલ જામ્યો હતો. જામથી જામ ટકરાતા હતા. હું તો છક્કડ ખાઇ ગયો. ગાંધીજીના ગુજરાતમાં આ દારૂબંધી?! મને પાર્ટીમાં લઇ ગયેલા સ્વજને પાર્ટીના યજમાન સાથે મારો પરિચય કરાવ્યો. મેં હસતાં-હસતાં પૂછ્યછયું કે તમને પોલીસનો ડર નથી લાગતો? તેમણે જવાબ આપવાના બદલે મરક મરક થતા કહ્યુંઃ આ બાજુ આવો સાહેબ... મળો આ છે આપણા ખાસ મિત્ર ફલાણા ઢીંકણા સાહેબ. આટલું કહીને યજમાને ઉમેર્યું સાહેબ પોલીસ તંત્રમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજે છે. પરિચય પૂરો થયો કે તરત યજમાને મને કહ્યું કે આ બાજુ આવો... આપણે બીજા પણ પોલીસ અધિકારીઓને મળીએ... મારી ઉત્સુક્તાનું તો સૂરસૂરિયું થઇ ગયું. કંઇ બોલવા જેવું જ નહોતું.
ખેર, ચાલો આપણે દીપોત્સવની ઉજાણી શરૂ કરીએ. આપણે ત્યાં દીપોત્સવનો મૂળ હેતુ છે વર્ષભરનું સરવૈયું કાઢવાનો. શું મેળવ્યું? શું ગુમાવ્યું? તેના ભૌતિક હિસાબકિતાબ કરતાં પણ આ પર્વ ખરેખર તો આપણને અંતરમન સાથે સંકળાયેલી ‘લેતીદેતી’નું સરવૈયું કાઢવાનો અવસર પૂરો પાડે છે એમ કહીએ તો પણ ખોટું નથી. આ પર્વ આપણને મનનો મેલ ધોઇ નાખવાનો મોકો આપે છે. નિર્મળ હૃદય સાથે નૂતન વર્ષનો પ્રારંભ કરવાની પ્રેરણા પૂરી પાડે છે. આખરે તો સનાતન ધર્મની દરેક વ્યક્તિના હૈયે રામ જ વસે છે. કોઇ સોએ સો ટકા યુધિષ્ઠર ન હોય શકે અને કોઇ સોએ સો ટકા કૌરવ ન હોય. દરેક વ્યક્તિને જીવનમાં સારા બની રહેવાની જ ખેવના હોય છે, સારી નામના-પ્રતિષ્ઠા કમાવાની ઇચ્છા ધબકતી હોય છે, પરંતુ ક્યારેક.... કોઇક નબળી પળે... મનમાં નબળો વિચાર ઝબકી જાય છે. તેનો અમલ થઇ જાય છે ને વ્યક્તિ ગેરમાર્ગે આગળ વધીને કલંકિત થઇ જાય છે.
વ્યક્તિને સબળો - સારો બનાવવા માટે અનેક પરિબળો જવાબદાર હોય છે તો નબળો - નપાવટ બનાવવા માટે એટલા જ પરિબળો જવાબદાર હોય છે. વિચાર, વાણી, વર્તન, મનન, ચિંતન, દૃશ્ય, નજર જેવા પરિબળોનો સરવાળો એક સારા કે એક નબળા વ્યક્તિત્વનું ઘડતર કરતા હોય છે. એક સારા વ્યક્તિત્વમાં વિવેક ભળે, સદભાવના ભળે, અન્ય માટેની ખેવના ભળે ત્યારે મુઠ્ઠીઉંચેરું વ્યક્તિત્વ રચાતું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિની પ્રજ્ઞા સતેજ થાય છે. અને આ પ્રજ્ઞાને પ્રજવલ્લિત કરવાનું આદર્શ પર્વ એટલે દીપોત્સવ. દરેક વ્યક્તિને રોજિંદા જીવનની પળોજણ હોય છે, આ બધી જંજાળ વચ્ચે પણ જે અંતરમાં ડૂબકી લગાવી જાણે છે તે સો ટચનું વ્યક્તિત્વ.
આ વર્ષે ગુરુવાર - ૮ નવેમ્બરથી વિક્રમ સંવત ૨૦૭૫નો શુભારંભ થઇ રહ્યો છે. આપણે સહુએ નર્મદના શબ્દો સાથે અંતરમનને એટલું જ કહેવું રહ્યુંઃ શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત... વીતેલા સમયના સારા-માઠા બનાવો, ઘટનાક્રમોમાં અટવાયા કરવાના બદલે સહુ કોઇએ રાત ગઇ સો બાત ગઇનો હકારાત્મક અભિગમ જ અપનાવવો રહ્યો. આવતીકાલ કેમ સુધારવી અને આજની - અત્યારની - પળ કેમ સાચવી લેવી તે જ શ્રેષ્ઠ અભિગમ ગણી શકાય.
શુક્રવાર - ૯ નવેમ્બરે ભાઇબીજનું પર્વ છે. આ દિવસે યમદ્વિતીયા છે. હિન્દુ કેલેન્ડરની આ તિથિ અંગે તો ખાસ કંઇ જાણકારી ધરાવતો નથી, પરંતુ એટલું અવશ્ય કહી શકું કે - ભાઇબીજ હોય કે રક્ષાબંધનનું પર્વ હોય - માનવીય સંબંધોમાં ભાઇ-બહેનના પ્રેમ જેવો કોઇ ઉત્કૃષ્ટ નાતો નથી તેવું મારું માનવું છે.
આ પછી આવે છે લાભપાંચમ. જૈન સમુદાયમાં જ્ઞાનપંચમી તરીકે ઉજવાતા આ દિવસની તો વાત જ શું કરવી?! જે વ્યક્તિ ‘હું કોણ છું..?’ ‘શા માટે છું..?’ ‘શું કરી રહ્યો છું..?’ અને (આ માનવજીવનને સાર્થક બનાવવા મારે) ‘શું કરવું જોઇએ?’ જેવા પ્રશ્નોના જવાબ ખરા અર્થમાં શોધી લે છે ત્યારે તેનું જીવન ધન્ય થઇ જાય છે. આ પ્રશ્નોના જવાબ મેળવી લેનાર વ્યક્તિનું જીવન જ નહીં, અંતરમન ઝળાંહળાં થઇ જાય છે. આવી વ્યક્તિને લાભપાંચમની રાહ જોવી પડતી નથી કે કેલેન્ડર પણ જોવું પડતું નથી. આ લોકો માટે તો જિંદગીનો દરેક દિવસ લાભપાંચમ બની રહે છે. આ લોકો સમાજ માટે જીવી જાણતાં હોય છે - તન - મન - ધનથી.
‘જગતપિતાની વિશ્વવાડીમાં માનવ પુષ્પે ખીલી રહી’ ૧૯૪૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હરિશ્ચંદ્ર’ના ગીતની આ પહેલી પંક્તિ છે. વાચક મિત્રો, સમાજમાં ચોફેર એક નજર તો નાખો... અનેક માનવરત્નો આપને માનવસેવામાં રચ્યાપચ્યા જોવા મળશે. આવા લોકોના અમૂલ્ય યોગદાનથી માનવતાની મશાલ ઝળહળી રહી છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. આ લોકોને નથી ઝંખના માન-અકરામની, નથી ઇચ્છા એવોર્ડ-ઇલ્કાબની - આ બધા તો બસ પોતપોતાની રીતે સમાજ કલ્યાણમાં પ્રવૃત્ત છે. આવા કેટલાક મહામૂલા માનવ-રત્નોને હું વ્યક્તિગત રીતે જાણું છું, જેઓ સામાજિક ઉત્થાન માટે પોતાની રીતે મુઠ્ઠીઉંચેરું યોગદાન આપી રહ્યા છે. આવો આપ સહુને પણ આ રત્નોનો અનામી પરિચય કરાવું.
સેવા અને પ્રેમ સમર્પિત એક પરિવાર. ૧૯૭૦માં એક વ્યક્તિએ નાઇરોબીથી લંડન આવીને યુનિવર્સિટીમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી. ઇન્કમ ટેક્સ વિભાગમાં ઉચ્ચા હોદ્દા પર નોકરી મેળવી. નૈરોબીમાં એક યુવતી તેમના પરિચયમાં આવી હતી. પરિચય ગાઢ બન્યો. પ્રેમમાં પરિણમ્યો. લંડનમાં ઘરસંસાર માંડ્યો. પરિવારમાં પુત્ર-રત્નનું આગમન થયું. જન્મથી જ શારીરિક અક્ષમ બાળક આજે તો ૪૧ વર્ષનો યુવાન છે, પરંતુ આજેય તેનું જીવન અન્યોની મદદ પર નિર્ભર છે. કદ-કાઠી ઊંચા, પણ ન બોલી શકે, ન ચાલી શકે, ન બેસી શકે. ન જાતે ખાઇ-પી શકે. દરેક વાતે પરાધીન. સારસંભાળ લેનાર વ્યક્તિની ધીરજની કસોટી કરી લે તેવા સંજોગો છતાં માતા-પિતા સંતાનની ઉષ્માભેર કાળજી લઇ રહ્યા છે. ચાર-ચાર દસકા વીતી ગયા છે, પણ પથારીવશ પુત્રની સારસંભાળમાં તેઓ કોઇ કસર છોડતા નથી તે કહેવાની જરૂર ખરી? માતા-પિતા એટલા હસતા મોઢે પુત્રની સેવાચાકરી કરે છે કે તેના પુત્રને રતિભારેય અહેસાસ ન થાય કે તે યુવાન હોવા છતાં અન્યોની મદદ પર જીવન વીતાવી રહ્યો છે.
આ તો પુત્રસેવામાં રત દંપતીના જીવનનું એક જ પ્રકરણ થયું. હવે બીજું પ્રકરણ જોઇએ. પુત્રના જન્મવેળા જ તે સજ્જનને ભાઇને કેન્સરનું નિદાન થયું હતું. સર્જરી અનિવાર્ય હતી. વાઢકાપ થઇ. હસમુખો - રુડોરુપાળો ચહેરોમહોરો ભલે બદલાયો, પણ જીવન પ્રત્યેનો તેમનો અભિગમ નહીં. લડાયક જુસ્સો ધરાવતા આ ભાઇએ તંદુરસ્તી કેળવાતા જ મેરેથોનમાં ભાગ લેવાનું શરૂ કર્યું, ચેરિટી વોકમાં પણ જોડાય અને સમાજ કલ્યાણના કામોમાં પણ ઉલટભેર સામેલ થાય. સમયના વહેવા સાથે તેમણે કેન્સરને માત આપી.
આપણા સમાજના મૂલ્યવાન રત્ન જેવા આ સજ્જનની હવે મોટામાં મોટી સેવાની વાત કરું. આ સજ્જન સપ્તાહમાં ત્રણ વખત અચૂકપણે બરો કાઉન્સિલની હેલ્થ ક્લબમાં જાય છે, જ્યાં તેઓ સારવાર લઇને સાજાનરવા થઇ રહેલા દર્દીઓને ચાલવા, દોડવાની વિનામૂલ્યે તાલીમ આપે છે. આ સજ્જન દર અઠવાડિયે ૧૦૦-૧૦૦ મુખ્યત્વે બિનએશિયન બાળકો, ભાઇઓ-બહેનો, વડીલોને આ પ્રકારની તાલીમ આપે છે.
આપણે ત્યાં ઉક્તિ છેઃ પડયા પર પાટુ. આ સજ્જન સાથે પણ કુદરતે કંઇક આવું જ કર્યું છે. ઉંમરલાયક સાસુમાનું મૃત્યુ થયું. તો ૮૮ વર્ષના સસરાને પોતાને ત્યાં સાથે જ રાખે છે. તેમની દરેક વાતે પૂરતી સારસંભાળ લે છે. આ બધાની સાથે સાથે જ ડોક્ટર દીકરીની દીકરીનું પણ જતન-ઉછેર કરવાના. દોહિત્રીને માતૃભાષાની સાથે સાથે જ ગીત-ભજનો પણ શીખવે છે.
આમ આ દંપતી અનેક મોરચે લડે છે, પણ મારા વર્ષોના પરિચય દરમિયાન ક્યારેય તેમણે ભગવાન કે નસીબને દોષ દીધાનું સાંભળ્યું નથી. તેમને કોઇ વાતે જીવન પ્રત્યે ફરિયાદ નથી. ઘણા લોકો જીવનમાં એક નાનકડી મુશ્કેલી આવી જાય છે તો પણ કકળાટ કરી મૂકે છે, પણ આ દંપતી એકદમ સહજતાથી હસતા ચહેરે જિંદગી જીવ્યે જાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ... શ્લોક આ દંપતીએ જીવનમાં સાચા અર્થમાં સાકાર કર્યો છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી જ નથી.
શ્રદ્ધાવાન શ્રીમંત પરિવાર બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાયના વેપાર-ઉદ્યોગમાં મોખરાનું કહી શકાય તેવું સ્થાન ધરાવતા એક અગ્રણી દર વર્ષે નવરાત્રની ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરે છે. આઠમના દિવસે તો ભવ્ય હોમહવનનું આયોજન કરે અને મિત્રો-સ્વજનોને હરખભેર આમંત્રે. આ દિવસે હવનમાં અંદાજે ૫૦૦થી વધુ લોકો પરિવારજનો સાથે હાજરી આપે છે. આમાં હું પણ ખરો - અનિવાર્ય કારણ સિવાય મારી પણ અચૂક હાજરી હોય. બુધવારે - ૧૭ ઓક્ટોબરે યોજાયેલા હવનમાં ઉપસ્થિત મહેમાનોમાં સ્વાભાવિકપણે જ હિન્દુઓ તો હતા જ, કેટલાક બિન-હિન્દુઓ પણ. મહેમાનોમાં ધનાઢયો નજરે ચઢતા હતા તો વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ પણ ખરા અને ડોક્ટર, એકાઉન્ટન્ટ, વકીલો જેવા ક્ષેત્રોના મોટા માથાઓ પણ દેખાતા હતા. સહુ કોઇ શ્રદ્ધાપૂર્વક હવન અને આરતીમાં જોડાયા હતા. આરતી વેળા સહુ કોઇના શ્રદ્ધાપૂર્વક હોઠ ફફડતા હતા. સહુએ પ્રસાદ લીધો અને છૂટા પડ્યા. ટ્રેનમાં ઘરે પરત ફરતાં મને સહેજે વિચાર આવી ગયો કે આ સંસ્કારી પરિવાર સમાજમાં કેટલું મોટા ગજાનું યોગદાન અને છતાં ક્યાંય કશો દેખાડો કે દંભ નહીં.
વાચક મિત્રો, આ પરિવાર ભારત-આફ્રિકા અને આપણી કર્મભૂમિ બ્રિટનમાં વિવિધ ક્ષેત્રે ઓછામાં ઓછું ૨૫ કરોડ રૂપિયાનું અનુદાન આપી ચૂક્યો હશે. આ પરિવાર સાથે મારો વર્ષોજૂનો નાતો છે, પરંતુ ક્યારેય કોઇ સભ્યને - પોતાના આર્થિક યોગદાન બદલ - શેખી હાંકતા સાંભળ્યા નથી. કોઇ તેમના સામાજિક અનુદાનને બિરદાવે તો તરત જ તેઓ નમ્રતાપૂર્વક કહે છે કે અરે, આ તો મા-બાપની મહેરબાની છે. તેમના આશીર્વાદ થકી જ આ શક્ય બન્યું છે.
કેટલાક લોકો ભલે (આદતવશ) આપણી યુવા પેઢીને સતત વખોડતા રહે, પણ વાચક મિત્રો, આપ સહુ રખે માની લેતા કે આપણી યુવા પેઢી સંવેદનહીન કે સેવાથી વિમુખ થઇ ગઇ છે. હું એકાદ-બે નહીં, એવા સંખ્યાબંધ યુવાનોને જાણું છું કે જેઓ વિદ્યાર્થીકાળ દરમિયાન હાઇસ્કૂલ કે યુનિવર્સિટીમાં ભણતા હોય, પોકેટમની માટે પાર્ટટાઇમ જોબ કરતા હોય, અને છતાં બ્રિટિશ કે ભારતીય ચેરિટી માટે પ્રેમથી યોગદાન પણ આપતા હોય. આ યુવા પેઢી માત્ર નગદ નાણાં આપીને જ પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ માની લેતા નથી, પરંતુ સેવાકાર્યો માટે પોતાનો મૂલ્યવાન સમય પણ ફાળવે છે. આ લોકો હાઇસ્કૂલમાંથી યુનિવર્સિટીમાં પ્રવેશ પૂર્વે છ - આઠ મહિના કે એકાદ વર્ષનો ગેપ લે છે અને વિકાસશીલ દેશોમાં જઇને સેવાકીય કાર્યોમાં યોગદાન આપે છે. એઇડ્સ, પોલિયો, કેન્સરના દર્દીઓના કેમ્પમાં ડ્રગ એડિક્શનના કેમ્પમાં જઇને જરૂરતમંદોની સેવા કરે છે.
મિત્રો, આથી હવે મહેરબાની કરીને ક્યારેય બોલતા નહીં કે યુવા પેઢી તો પોતાની આગવી દુનિયામાં જ જીવી રહી છે, તેમને મા-બાપથી માંડીને દુનિયાની કોઇ પરવા નથી. દરેક સમાજમાં માર્ગ ભટકી ગયેલા યુવાનો હોય છે, સદભાગ્યે આપણા સમાજની યુવા પેઢીમાં આ પ્રમાણ બહુ નજીવું જોવા મળે છે. આપણી યુવા પેઢીમાં સંસ્કાર-વારસાનું, ઉમદા વિચારનું પ્રભુત્વ જોવા મળે છે. આ લોકો હંમેશા જરૂરતમંદને મદદરૂપ થવા તત્પર રહે છે. પછી તે વ્યસનના દૂષણમાં ફસાયેલી વ્યક્તિને મદદની વાત હોય કે પછી અન્ય કોઇ મુશ્કેલીનો સામનો કરતી વ્યક્તિને સહાયની વાત હોય. હું આપણા સમાજના જ એવા કેટલાક યુવા પાત્રોને પણ જાણું છું જેઓ એક સમયે, કોઇ નબળી પળે નાની-મોટી બદીમાં ઘેરાઇ ગયા હતા, પરંતુ સમયસર સાબદા થઇને તેમણે આ નબળાઇ પર અંકુશ મેળવી લીધો અને આજે તેઓ પ્રગતિના પંથે હરણફાળ ભરી રહ્યા છે.
મારા મતે, મારા અનુભવે આપણી યુવા પેઢી માટે એટલું જ કહી શકું કે જેટલા આપણે સારા એટલા તેઓ સારા, જેટલા આપણે ખરાબ એટલા તેઓ ખરાબ. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ...
આવો, આપણે માનવતાને ઝળહળાવતું વધુ એક ઉદાહરણ જોઇએ...
એક ભાઇને ૪૦ વર્ષથી હું જાણું છું. એક સમયે તેમને નાની શોપ હતી, સમય સાથે વ્યવસાય વિસ્તાર્યો. પરિવાર પણ વધ્યો. સંતાનમાં દીકરો અને દીકરી. સંતાનો ભણીગણીને પોતપોતાની જિંદગીમાં સરસ રીતે ગોઠવાઇ ગયા છે. બસ, ત્યારથી આ સજ્જને દર વર્ષે માદરે વતન ગુજરાતની મુલાકાતે પહોંચી જવાનો જાણે નિયમ કર્યો છે. વીસેક વર્ષથી દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરીમાં તેઓ અચૂકપણે વતન પહોંચી જાય છે. જીવનસાથી પણ સાથે હોય. અત્યાર સુધીમાં દંપતીએ સારા કાર્યોમાં દોઢેક લાખ પાઉન્ડની મોટી રકમ ફાળવી છે, અને દાનની ગંગા અવિરત વહી જ રહી છે. નાનું દવાખાનું, પ્રાથમિક શાળા, લાઇબ્રેરી... વગેરે ઉપરાંત નિઃસહાય, લાચાર ત્રીસેક લોકોને કાયમી ધોરણે ટિફિન મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવી છે. ક્યાંય કોઇ તક્તી નહીં, નામનાની કોઇ ખેવના નહીં. સંતાનો પણ ક્યારેક વતનની મુલાકાતે આવે, માતા-પિતાની સાથે રહે. સેવાકાર્યોમાં સહયોગ આપે. સંતાનો આજુબાજુના ગામોની મુલાકાતે ગયા હતા. ત્યાં બીજા જરૂરતમંદો નજરે પડ્યા તો આસપાસના ગામોમાં પણ ટિફિન સેવા શરૂ કરાવી. સંતાનોએ સારા કાર્યોમાં આર્થિક સહયોગ આપવામાં ક્યારેય કસર કરી નથી. મોરના ઈંડા તે થોડાં ચીતરવા પડે?!
વાચક મિત્રો, છેલ્લું પ્રેરણાદાયી ઉદાહરણ ટાંકીને મારી કોલમને વિરામ આપું.
૭૨ વર્ષના એક ગૃહસ્થ પાસે મોકાની જગ્યાએ સરસ શોપ હતી. સારું કમાયા હતા. બન્ને સંતાનો જિંદગીમાં સરસ રીતે સેટલ થઇ ગયા હતા. સદભાગ્યે આ સજ્જન અને તેમના જીવનસંગિની - બન્ને સમાન વિચારસરણી, આદર્શ ધરાવે. સામાજિક પ્રતિબદ્ધતા સૌથી મોખરે. કોઇક માટે કંઇક કરી છુટવા, અન્યોને મદદરૂપ થવા હંમેશા તત્પર. આ દંપતી પણ વર્ષના થોડાક મહિના વતનમાં વીતાવે છે. આ વર્ષે તેઓ ત્રણ લાખ પાઉન્ડ સાથે લઇને ગયા છે. વતનથી દૂર એક સુપ્રસિદ્ધ યાત્રાધામના સાંનિધ્યમાં વસેલા ગામમાં તેમનો જન્મ. હવે તેઓ સમાજનું ઋણ ચૂકવવા ગામમાં વૃદ્ધાશ્રમ સ્થાપવા માગે છે. તેમણે એકલા હાથે આ વિરાટ કાર્ય હાથ ધર્યું છે. સંપૂર્ણપણે સ્વાવલંબી રીતે. તેમનો એક જ નિર્ધાર છેઃ કોઇ પણ ભોગે આ કલ્યાણલક્ષી યોજના સાકાર કરવી. આ મોટા ગજાના આદમીનું કહેવું છે કે જરૂર પડ્યે મારી વધુ નાણાં ઉમેરવાની તૈયારી છે, પરંતુ કામમાં કોઇ કસર રાખવી નથી. વડીલોની જિંદગીના પાછલા દિવસો યાદગાર બની રહે તેવું કંઇક નક્કર કરવું છે. આ વૃદ્ધાશ્રમમાં રહેવા આવનાર દાદા કે દાદી પાસેથી નાણાંની કોઇ અપેક્ષા નથી. હાલ તો તેઓ વતનમાં પાંચેક મહિના રોકાઇને યોજનાને આખરી ઓપ આપવાના કામે લાગ્યા છે. બ્રિટનનિવાસી બન્ને સંતાનો પણ પ્રોજેક્ટમાં ઉમળકાભેર સહયોગ આપી રહ્યા છે.
આપણા સમાજમાં આવા તો અનેકાનેક સજ્જનો - સન્નારીઓ કે દંપતીઓ છે જેઓ સમાજ માટે કંઇક કલ્યાણકારી, કંઇક ઉપકારક કાર્ય કરવા સતત પ્રયત્નશીલ છે. અલબત્ત, સમાજસેવા નાણાં હોય તો જ થઇ શકે તેવું પણ નથી. સમય-દાન પણ એટલું જ મહામૂલું છે. જેમ કે, હું ૮૮ વર્ષના એક એવા સજ્જનને જાણું છે તેઓ હોસ્પીટલમાં વિનામૂલ્યે સેવા આપે છે. ગયા સોમવારે હું મૂરફિલ્ડ આઇ હોસ્પિટલમાં રુટિન ચેક-અપ માટે ગયો હતો. ત્યાં મેં જોયું કે આ સજ્જન સેવારત હતા. મેં જઇને પૂછયું તો કહે હું તો પાંચ વર્ષથી અહીં આવું છું. આ સજ્જનને ચાલવા માટે લાકડીના ટેકાની જરૂર પડે છે. ઘરેથી નીકળે ત્યારે ૧૦-૧૫ મિનિટ ચાલ્યા બાદ ટ્યુબ સ્ટેશન આવે છે. અને ઉતર્યા બાદ હોસ્પિટલે પહોંચવા ફરી દસેક મિનિટ ચાલવું પડે. પરંતુ આ વડીલને કોઇ વાંધો નથી. મેં તેમને પૂછ્યછયું કે તમે મેડિકલ ક્ષેત્રનો તો કોઇ અનુભવ ધરાવતા નથી તો પછી અહીં કઇ રીતે મદદ કરો છો? તેમણે બહુ હળવાશ સાથે કહ્યું મારા સમાજના દર્દીઓ સાથે તેમની માતૃભાષામાં વાત કરીને તેમની ચિંતા હળવી કરું. હોસ્પિટલે મને ટ્રેનિંગ આપી છે તે પ્રમાણે તેમનું કાઉન્સેલિંગ કરીને તણાવમુક્ત બનાવું. પ્રેમ અને ઉષ્માપૂર્ણ સહયોગ આપું... પણ દયા કે દિલાસો નહીં હોં... હું તો સહૃદયભાવે વર્તીને તેમની ચિંતા દૂર કરું.
વાચક મિત્રો, આ તો આપણા સમાજના મૂલ્યવાન લોકોના કાર્યની એક ઝલકમાત્ર હતી. આપણી આસપાસ એવા તો અનેક સજ્જન-સન્નારી વસે છે જેઓ એક યા બીજા પ્રકારે અન્યોના હિત માટે સતત સક્રિય રહે છે. સનાતન ધર્મનું આ જ તો સર્વાંગ સ્વરૂપ છે - દરેકની અંદર રહેલો આત્મા હંમેશા સેવા કરવા, અન્યને મદદરૂપ થવા તત્પર હોય જ છે, બસ, તેને એક સ્પાર્કની, તણખાની જરૂર હોય છે. એક જ દે ચિનગારી મહાનલ... જેવી કંઇક આ વાત છે.
માનવમાત્રમાં જગતનિયંતાએ ઉમદા હેતુ અને તેને સાકાર કરવાની ભરપૂર શક્તિ પ્રદાન કરી છે. જેવી વૃત્તિ તેવી પ્રકૃત્તિ તેવી જ પ્રવૃત્તિ અને તે જ પ્રમાણે તેની આવૃત્તિ. સેવાવૃત્તિથી આપોઆપ સ્વીકૃતિ સાંપડે તે સ્વાભાવિક, પરંતુ હેતુ એકમાત્ર સેવા પરાયણતા, માનવતા. ક્યાંક વિકૃતિ જણાય તો તે અપવાદ હશે. આવા અસંખ્ય માનવરત્નો આપણા સમાજમાં અને બીજા સમાજમાં હોવાના આપણે દર્શન કરીએ છીએ. આ બધાએ દિલમાં દિવો પ્રગટાવીને જાણે પ્રજ્ઞાને પ્રજવલ્લિત કરી છે.
વાચક મિત્રો, આ નામી-અનામી રત્નોને વંદન અને આપ સહુને પણ દિવાળીની આગોતરી શુભકામના સહ... (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter