દુઃખ, દુઃખ મનમાં ન આણીએ....

સી. બી. પટેલ Wednesday 04th May 2016 05:51 EDT
 
વાઇલ્ડ લાઇફ શોના શૂટિંગ દરમિયાન ક્રિસ પેકહામ
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજકાલ બ્રિટન સહિત દુનિયાભરમાં ધનાઢયોની અસ્ક્યામતોની યાદી નામે રિચ લિસ્ટ પ્રકાશિત કરવાની મોસમ ખીલી છે. મસમોટી કંપનીઓના માંધાતાઓ કે પારિવારિક સંપત્તિના ધનાઢ્યોના અધધધ આંકડાઓ જૂઓ તો આંખો પહોળી થઇ જાય. સંપત્તિનો આંકડો કાગળ પર માંડો તો માળું માથું ખંજવાળવું પડે કે કરોડ, અબજ કે ખર્વ તો સમજ્યા મારા ભ’ઇ પણ તેનાથીય વધુ મોટો આંકડો હોય તો તેને લખવો કઇ રીતે?! મિત્રો, ધનાઢયોની સંપત્તિના આ આંકડાઓ જોઇને બહુમતી વર્ગ એવા ખયાલમાં રાચતો હોય છે કે આટલા બધા નાણાં હાથમાં હોય તો માણસને બીજું જોઇએ શું? આખી દુનિયા મુઠ્ઠીમાં આવી જાય. દુનિયાના દરેક સુખ હાથવેંતમાં હોય.
પરંતુ શું ખરેખર આવું હોય છે? ના! આપને જાણીને નવાઇ લાગશે કે ૧૦૦૦ મિલિયન પાઉન્ડની અસ્ક્યામત ધરાવતી વ્યક્તિ કે પરિવાર કરતાં સંભવ છે કે નાનું, પણ પોતાની માલિકીનું મકાન, એકાદ લાખ પાઉન્ડની અસ્ક્યામત અને મહિને ૧૫૦૦-૨૦૦૦ પાઉન્ડની આવક ધરાવતી વ્યક્તિનો માનસિક-શારીરિક-પારિવાક સુખનો આંક વધુ ઊંચો હોય તેવું બની શકે છે.
વ્યક્તિ લાખો પાઉન્ડની અસ્ક્યામત ધરાવતી હોય તેનો મતલબ એવો તો લગારેય નથી જ કે તે સંપત્તિનો સંચય કરવામાં સંયમ જાળવવાનું પણ જાણે છે. ધનિક હંમેશા વધુ ધનિક બનવા ઇચ્છતો હોય છે. અને વધુને વધુ ધનસંચયની લ્હાયમાં તે ક્યારે લાલચના ચકડોળે ચઢી જાય છે એ વાતનું તેને પણ ભાન રહેતું નથી. સમયના વીતવા સાથે, પૂરઝડપે ફરતાં, લાલચના આ ચકડોળમાંથી નીચે ઉતરવું ખૂબ જ ખતરનાક બની જતું હોય છે. વ્યક્તિની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી થાય છે. સરવાળે થાય છે એવું કે સાત પેઢી સુધી સુખસાહ્યબીભરી જિંદગી જીવી શકાય તેટલી સંપત્તિ હોવા છતાં વ્યક્તિ તેના સુખશાંતિ ગુમાવી દે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સુખશાંતિની સાચી ચાવી ધનદોલત કે સંપત્તિ જ નથી.
તાજેતરમાં એક સંશોધનાત્મક અહેવાલ પ્રસિદ્ધ થયો છે. જેનું તારણ કહે છે કે ડિપ્રેશનની સમસ્યા માત્ર અછતવાળાને જ હોય છે તેવું નથી. શારીરિક આધિ-વ્યાધિ-ઉપાધિ હોય તેને જ ડિપ્રેશનની સમસ્યા હોય છે તેવું પણ નથી. જ્યારે વ્યક્તિમાં જીવનશૈલી બાબત, પ્રગતિની રફતાર બાબત, શારીરિક-માનસિક આરોગ્ય બાબત, જીવન જીવવાની ઘટમાળ બાબત તીવ્ર અસંતોષ પેદા થાય છે ત્યારે આ સ્થિતિ, સંજોગ વ્યક્તિને ડિપ્રેશન ભણી દોરી જતા હોય છે.
મિત્રો, લ્યોને ડિપ્રેશન વિશે લાંબુલચ્ચ સમજાવવાના બદલે તેના જીવતાજાગતા ઉદાહરણ સાથે જ વાત કરું. બ્રિટનમાં વાઇલ્ડ લાઇફ ટીવી પ્રોગ્રામ ક્ષેત્રે ક્રિસ પેકહામ બહુ માનવંતુ નામ ધરાવે છે. બીબીસી-ટુ પર પ્રાઇમ ટાઇમ સ્લોટમાં પ્રસારિત થતી તેમની સ્પ્રીંગવોચ કે ઓટમવોચ કે વિન્ટરવોચ જેવી સિરીઝ બહુ લોકપ્રિય છે. ૫૪ વર્ષના આ વન્યજીવન નિષ્ણાત બહુ સ્વસ્થ જીવન જીવે છે. તેમનું કામ જ એવું કે કુદરતના ખોળે વિહરતાં વિહરતાં દર્શકોને પોતાના જ્ઞાનનો લાભ આપવાનો. આપણા સહુની દોડધામભરી જિંદગી કરતાં બિલ્કુલ તનાવમુક્ત જોબ. ખરુંને?!
જોકે આવી સરસ જિંદગી છતાં ક્રિસ પેકહામના જીવનમાં એક-બે ઘટના કહો કે દુર્ઘટનાથી ભારે ઉથલપાથલ મચી ગઇ હતી. ૪૨ વર્ષની વયે તેઓ માલદિવ કે એવા જ કોઇ દરીયાલાલાથી હર્યાભર્યા સુંદર મજાના આઇલેન્ડ પર વેકેશન માણવા ગયા હતા. દરિયાના મોજામાં ધુબાકા મારતા હતા તે દરમિયાન સ્પર્મ વ્હેલના ઈંડાઓના (ક્યાં ગોતવા જવું પડે છે!) સંપર્કમાં આવ્યા. આ સ્પર્મ વ્હેલનો સંપર્ક માનવશરીરને કઇ રીતે નુકસાન કરે છે એ તો તબીબી નિષ્ણાતો જ કહી શકે, પણ ક્રિસ વિચિત્ર પ્રકારની શારીરિક તકલીફોનો ભોગ બન્યા. લગભગ ૧૨ વર્ષ તેમણે પારાવાર પીડા ભોગવી. એક પછી એક જાતજાતની શારીરિક તકલીફોએ ઘેરો ઘાલ્યો. ડોક્ટરોએ અનેકવિધ ટેસ્ટ કર્યા, પણ સંતોષજનક નિદાન ન થયું. ઉપચાર કરાવી કરાવીને થાક્યા, પણ શક્કરવાર ન વળ્યો. ઉલ્ટાનું દિલોદિમાગમાં આવી જિંદગી પ્રત્યે કંટાળો થઇ ગયો. મિત્રો, જરા વિચાર તો કરો કે જે માણસ દિવસ-રાત કુદરતના ખોળે, વન્યજીવો વચ્ચે જિંદગી ગુજારતો હોય તેને બીમારીનું બંધન આવી જાય તો કેવી હાલત થાય? તેમણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવાની યોજના પણ ઘડી! (જીવન ટૂંકાવવા પણ પ્લાનિંગ કરવું પડે, હોં...).
તાજેતરમાં શ્રીમાન ક્રિસભાઈએ એક મજાનું પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું છે - Fingers in the Sparkle Jar. તેમાં તેમણે બીજી એક ઘટના પણ વર્ણવી છે.
૨૦૦૩માં પહેલી વાર આત્મહત્યાનો અભરખો સમી ગયા બાદ તેમની પાર્ટનર શાર્લોટ કોર્ની તેમને માટે બે પુડલ (નાનકડાં કુતરાં) લઈ આવી, ઈરાદો હતો આ ડિપ્રેશનની બલામાંથી બહાર આવી શકાય તે માટે.
સ્વભાવગત પેલા પુડલે પરિવારના ઘરના ફીશ પોન્ડમાંથી એક માછલી ખાઈ લીધી. ક્રિસભાઈને ઘણો સંતાપ થયો. દશેક મિનિટમાં જ પેલું બિચારું પુડલ એક કાર નીચે આવી ગયું. મૃત્યુ પામ્યું.
ક્રિસભાઈ, ડિપ્રેશનના સોબતી. પાછું ફરી વળ્યું. આપઘાત કરવાની પ્રબળ ઈચ્છા થતી હતી. શાર્લોટના પ્રેમભર્યા આગ્રહથી વ્યવસાય થેરેપીસ્ટ (પેલા લેભાગુ જંતરમંતરવાળા નહીં હોં!)ની બે વર્ષ સારવાર લીધી હવે બધું હેમખેમ છે!
અણીનો ચૂક્યો એકસો વર્ષ જીવે. આ ઉક્તિ ગુજરાત હોય કે બ્રિટન બધે એકસરખી જ લાગુ પડે. ક્રિસે આત્મહત્યાની યોજનાનો અમલ ટાળ્યો ને તેની મહામૂલી જિંદગી બચી ગઇ. તેને આત્મનિરીક્ષણ કરતાં લાગ્યું કે તેની બીમારી શારીરિક કરતાં, પણ માનસિક વધુ છે. ક્રિસે આપબળે મનને જીત્યું અને ડિપ્રેશનમાંથી બહાર આવ્યો. બીમારી સામેનો જંગ જીતીને આજે તે તન-મનથી સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. સમસ્યા કોઇ પણ હોય સ્વસ્થ ચિત્તે તેનો સામનો કર્યો તેનું આ પરિણામ છે.
આધુનિક યુગની દેણ સમાન ડિપ્રેશનની સમસ્યાનો સામનો કરવાના ઔષધોથી માંડીને અનેક ઉપચાર છે, પણ આમાં સૌથી ઉપયોગી હોય તો તે છે યોગ. યોગ અથવા તો યોગાસન એ માત્ર તનની કસરત નથી, પરંતુ મનને પણ મજબૂત કરવાનું, આંતરિક શક્તિ પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન છે. એમ ક્રિસ પેકહામ પણ માને છે. હિન્દુ અને બૌદ્ધ સાધુસંતોએ વિકસાવેલા યોગાસનોને રોજિંદા જીવનમાં અપનાવીને સહુ કોઇ સહજતાથી તન-મનની સજ્જતા હાંસલ કરી શકે છે.
આધુનિક યુગમાં માથું ઉંચકી રહેલી ડિપ્રેશન જેવી જ બીજી સમસ્યા છે પ્રોસ્ટેટ કેન્સરની. ડાયાબિટીસ તો મારો વર્ષોજૂનો મિત્ર હોવાથી તેના વિશે તો ઘણું બધું જાણું જ છું, પરંતુ આ સિવાય પણ આરોગ્ય સંબંધે જ્યાં અને જ્યારે પણ કંઇ નવું વાંચવા-જાણવા મળે છે ત્યારે તે જ્ઞાન પણ અંકે કરતો હોઉં છું. હું તો વર્ષોથી ‘પહેલું સુખ તે જાતે નર્યા’ સૂત્રને અનુસરતો રહ્યો છું. પહેલાં સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી દાખવવી અને પછી શરીર કથળે ત્યારે દવા ઝાપટવામાં હું માનતો નથી. આરોગ્ય વિશે જાણતા રહેવાની આ ઉત્સુક્તા દરમિયાન જ હમણાં હમણાં કેન્સર વિશે વાંચ્યું-જાણ્યું, કેટલાક કિસ્સા પણ ધ્યાને આવ્યા. કોઇને પ્રોસ્ટેટ કેન્સર તો કોઇને લંગ કેન્સર તો કોઇને વળી બોન કેન્સર.. તબીબી જગત આધુનિક બન્યું છે તેમ કેન્સરનું વધુ ચોકસાઇપૂર્વક નિદાન પણ શક્ય બન્યું છે. અને સારવાર પણ શક્ય બની છે. કેન્સરના દર્દમાં સમયસરની સારવાર ઘણી મહત્ત્વની છે.
જોકે આરોગ્ય સંબંધિત માહિતી વાંચતા વાંચતા કે આવા કિસ્સા સાંભળતા સાંભળતા મન ક્યારેક નબળું પણ પડી જાય છે. એવું પણ થઇ જાય છે કે કેન્સર કે તેના જેવી કોઇ બીમારી મને ન વળગે તો સારું. જોકે બીજી જ ક્ષણે એ વિચાર પણ ઝબકી જાય છે કે કદાચ આવી બીમારી વળગે તોય તેને અટકાવવાનું તો આપણા હાથમાં છે જ નહીં તો પછી ફોગટની ચિંતા જ શા માટે કરવી? ખેર, આ સમજણ છતાં જ્યારે પણ ડોક્ટરને મળવાનું થાય છે ત્યારે કેન્સર વિશે વાતો કરતો રહું છું, અને આ બીમારી કઇ રીતે વ્યક્તિના શરીરમાં જડ ઘાલે છે તે સમજવા પ્રયાસ કરતો રહું છું. હેલ્થ સેમિનારમાં પણ હાજરી આપું છું, અને નિષ્ણાતોને સાંભળતો રહું છું.
વાચક મિત્રો, કદાચ આ બધું વાંચીને કોઇ કહેશે કે જો બીમારીનું આગમન અટકાવવાનું આપણા હાથમાં હોય જ નહીં તો પછી શરીરની કાળજી રાખવાની જરૂર જ શું છે? એ...યને આપણે આપણી રીતે જલ્સાથી જીવ્યે જાવને... પણ ના. આરોગ્ય પ્રત્યેનો આ અભિગમ સ્હેજ પણ યોગ્ય નથી. તન-મનની કાળજી તો રાખવાની જ. અંગ્રેજીમાં ઉક્તિ છે - પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. સારવાર કરતાં સાવચેતી સારી. અને આપણી ભાષામાં ચેતતો નર સદા સુખી. અરે, નર જ શા માટે, ચેતતી નારી પણ સુખી જ રહે.
ડાયાબિટીસના દર્દીને હાઇ બ્લડ પ્રેશરનું મોટું જોખમ રહે છે. આ વળી એક એવી બીમારી છે, જેની પૂરતી કાળજી લેવામાં ન આવે તો તે શરીરમાં રહ્યે રહ્યે બીજા અનેક રોગને પણ કંકોતરી મોકલે છે. એક વખત હોસ્પિટલે ગયો હતો. ડોક્ટરે કહ્યું કે તમારા સમુદાયના, એશિયન પેશન્ટ્સ, આગોતરા શારીરિક ચિહનોને નજરઅંદાજ કરવાની ભારે ભૂલ કરે છે. જેમ કે, હાઇ બ્લડ પ્રેશર હોય, ઓછાવત્તા અંશે ડાયાબિટીસ હોય અને ખાસ તો આર્થરાઇટિસ હોય ને જો પગના પંજામાં સોજા દેખાય તો આર્થરાઇટિસને જ કારણભૂત માની લે છે. ખરેખર તો પગના પંજામાં દેખાતો સોજો એ વાતનો સંકેત આપે છે કે શરીરને શુદ્ધિકરણ (ડિટોક્સીફિકેશન)ની જરૂર છે. શરીરનું ડિટોક્સીફિકેશન સાવ જ આસાન છે, છતાં કોઇ તેનો અમલ કરતું નથી.
ડોક્ટરસાહેબ કહે છે કે આ માટે ખાસ કંઇ કરવાની જરૂર નથી. બસ દિવસમાં આઠેક ગ્લાસ હુંફાળું પાણી પીઓ. ઇચ્છા થાય તો તેમાં લીંબુ નીચોવી શકો - આ સિવાય બીજું કંઇ નહીં. બે સફેદ ઝેર - મીઠું કે ખાંડનો તો લગારેય ઉપયોગ નહીં કરવાનો. શરીર માટે અમૃત સમાન પાણી દ્વારા શરીરનો બધો કચરો નીકળી જશે. ડોક્ટરે બીજી મહત્ત્વની વાત એ કરી કે હાઇ બ્લડપ્રેશરને અંકુશમાં રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે ભોજનમાં સોલ્ટ બંધ કરો.
હોસ્પિટલની મુલાકાત દરમિયાન પ્રોસ્ટેટ કેન્સરના એક દર્દી સંદર્ભે જાણકારી મળી. નર્સ સાથે ચર્ચા કરી તો તેમણે જણાવ્યું કે લંગ્સ કેન્સર, લ્યુકેમિયા અને બ્લડ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, પેન્ક્રીયાસ કેન્સર કે સ્ત્રીઓમાં જોવા મળતા બ્રેસ્ટ કેન્સર કે ઓવેરિયન કેન્સરને સમયસર સારવાર થકી નેસ્તનાબૂદ કદાચ ના કરી શકાય તો પણ અમુક અંશે નિયંત્રણ શક્ય છે.
આ સિનિયર નર્સનું કહેવું હતું કે ચાર-પાંચ સાદા નિયમો પાળીને પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો ઘણા અંશે ટાળી શકાય છે. જેમ કે, સપ્તાહમાં બેથી વધુ વખત ઇંડા કે ચિકન ખાવાનું ટાળો. ઓરેન્જ ખાવ - જ્યુસ નહીં, પણ રેસાદાર ચીરી ખાવાની. ભોજનમાં લીલા શાકભાજી લો. દિવસ દરમિયાન એકાદ મુઠ્ઠી (તેથી વધુ નહીં) ડ્રાયફ્રુટ્સ લો. ભોજનમાં આવી કાળજી લેવાથી કેન્સરનો ખતરો ઘણા અંશે નિવારી શકાય છે.
વાચક મિત્રો, પુરુષોમાં તો દારૂ પીવાનું ચલણ વધ્યું જ છે, પરંતુ આજકાલ ભારતીય સ્ત્રીઓમાં પણ (દેખાદેખીના રવાડે ચઢીને) દારૂ સેવન કરવાનું ચલણ વધ્યું છે. આ ટ્રેન્ડને ખતરનાક ગણી શકાય. વાત અહીં માનમર્યાદા કે પરંપરાની નથી, પણ શારીરિક સ્વાસ્થ્યને થઇ રહેલા નુકસાનની છે. દારૂનું સેવન હાનિકારક હોવાની વાત તો જાણીતી છે જ, પણ આધુનિક વિજ્ઞાન કહે છે કે આલ્કોહોલ પુરુષો કરતાં સ્ત્રીના શરીરને વધુ નુકસાન કરે છે. વિજ્ઞાનીઓના મતે આમ થવાનું કારણ એ છે કે પુરુષની સરખામણીએ સ્ત્રીના શરીરની રચના વધુ નાજુક છે. આ જ વાત સ્મોકિંગને પણ લાગુ પડે છે. ધુમ્રપાનની આદત પણ પુરુષ કરતાં સ્ત્રીના શરીરને વધુ નુકસાન કરે છે. એટલે ભાયડાઓએ દારૂ ઢીંચવો કે ધૂમાડા કાઢવા એવો અર્થ ના કરવો બાપલ્યા...
કોઇને, ખાસ તો બહેનોને, મારું આ મંતવ્ય આકરું લાગે તો માફ કરશો, પણ ક્યારેક એવું પણ નજરે પડી જાય છે કે પુરુષ-સમોવડા દેખાવાની લ્હાયમાં પણ સ્ત્રીઓ ડ્રીન્ક્સ લે છે કે સ્મોકિંગ કરે છે. પસંદ અપની અપની, ખ્યાલ અપના અપના... પરંતુ હું એટલું જ કહીશ કે પુરુષ-સમોવડા દેખાવા માટે આવા દૂષણને હોઠે લગાડવાની જરૂર નથી. બહેનો ધારે તો પુરુષ સમોવડી શું, પુરુષથી પણ આગળ નીકળી જવા સામર્થ્યવાન છે. ભારતીય શાસ્ત્રોમાં સ્ત્રીને શક્તિસ્વરૂપ, સામર્થ્યવાન કંઇ અમસ્તી નથી દર્શાવવામાં આવી. હિન્દુ શાસ્ત્રો પર નજર ફેરવશો તો જણાશે કે દેવતાઓએ જેટલા અસુરો, અનિષ્ટોનો નાશ કર્યો છે તેનાથી વધુ અસુરો, અનિષ્ટોનો નાશ દેવીઓએ હણ્યા છે.
ખેર, આપણે મૂળ વાત પર પાછા ફરીએ.
ડોક્ટરે સદાબહાર સ્વાસ્થ્ય જાળવવા કેટલીક સલાહ આપી, જે એકદમ જનરલ હોવાથી અહીં ટાંકી રહ્યો છું.
૧) પહેલું તો શક્ય હોય ત્યાં સુધી પ્રોસેસ્ડ ફૂડ, ટીનપેક્ડ ફૂડ ખાવાનું ટાળો. આવા ફૂડમાં સોલ્ટનું પ્રમાણ તો વધુ હોય જ છે, પરંતુ સાથોસાથ - ફૂડ વધુ લાંબો સમય જળવાય રહે તે માટે - તેમાં પ્રિઝર્વેટિવ્સ પણ ઉમેરાયા હોય છે. આ બન્ને વસ્તુ શરીર માટે નુકસાનકારક છે. પ્રોસેસ્ડ ફૂડના બદલે ઘરે રાંધેલું, તાજું ભોજન લો.
૨) શક્ય હોય ત્યાં સુધી દવાનું સેવન ઘટાડો. તમે સમાજમાં આસપાસ નજર કરશો તો તમને એવા ઘણા લોકો જોવા મળશે કે દવાના ‘રસિયા’ હોય. માથું દુઃખે છે? ફલાણી ટેબ્લેટ લો. પેટ દુઃખે છે? આ દવા લીધી. સાંધા દુઃખે છે? પેઇનકિલર ટેબ્લેટ પેટમાં પધરાવી. ડોક્ટર કહે છે કે આવી બધી દવાઓ ગળચવાના બદલે તમારી ઇમ્યુન સિસ્ટમ સુધારો. મતલબ કે રોગપ્રતિકારક શક્તિ વધારો. આથી રોગને ઉગતાં પહેલાં જ ડામી શકશો. દવા અવશ્ય લો, પણ તમારા જીપીના માર્ગદર્શનમાં જ.
સેલ્ફ મેડિકેશન તો બિલ્કુલ ટાળો. સાદા શબ્દોમાં કહું તો, જાતે ડોક્ટર બનવાનું ટાળો. મોટા ભાગના દર્દ - પીડા એવા હોય છે જે ખાણીપીણી, જીવનશૈલીમાં થોડાઘણા સુધારાવધારા કરવાથી દૂર કરી શકાય છે. જેમ કે, પગ દુખતા હોય તો નવશેકા પાણીમાં મીઠું નાખીને થોડી વાર બોળી રાખો, રાહત થશે. જો સાંધામાં દુઃખાવો હોય તો તમારી જીવનશૈલી પર નજર કરો. બેઠાડું જીવન હોય તો થોડીક મૂવમેન્ટ વધારો. વજન વધુ હોય તો તેને નિયંત્રણમાં લાવો. ડોક્ટરને કન્સલ્ટ કરીને માર્ગદર્શન મેળવો.
બહુ ઓછા લોકો જાણતા હશે કે પેઇનકિલરના સેવનથી ભલે પીડામાં ત્વરિત રાહત વર્તાય, પરંતુ તેનું સેવન શરીર માટે બહુ નુકસાનકારક હોય છે. એટલું જ નહીં, પેઇનકિલર દવા માત્ર દર્દમાં રાહત આપે છે, તે પીડા માટે જવાબદાર બીમારી દૂર નથી કરતી.
૩) ઓર્ગેનિક ફૂડનો ઉપયોગ વધારો. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કર્યા વગર કુદરતી રીતે ઉગાડેલી ખાદ્યસામગ્રીનો ઉપયોગ કરો.

૪) ફળફળાદિનું સેવન વધુ કરો. ભોજન વેળા એક ભાગ ફ્રૂટ ખાવ. પરંતુ આ ફળો કેવા હોવા જોઇએ? જેમાં ફ્રૂટકોઝ (સુગર)નું પ્રમાણ ઓછું હોય. સ્વાદમાં તુરા, ખાટા ફળ વધુ ખાવ. ઘણા લોકો ભોજન સાથે ફ્રૂટ ડીશ અવશ્ય લેતા હોય છે, પરંતુ મુખ્ય ખાણું પૂરું કર્યા પછી. નિષ્ણાતો કહે છે કે ફ્રૂટ ડીશ ભોજનના પ્રારંભે જ લો. આનાથી પેટ ભરાયેલું લાગતાં આપોઆપ જ ભોજનમાં સામેલ ચટાકેદાર, પણ ઓછી પૌષ્ટિક ચીજ ઓછી જમાશે. તાજાં શાકભાજી તો અવશ્ય લેવા જ.
૫) દરરોજ ઓછામાં ઓછું ૧૫થી ૨૦ મિનિટ ખુલ્લી હરવાફરવાનું રાખો. ચાલતાં ચાલતાં ઊંડા શ્વાસ લેતા રહો. ક્યારેય આવું ન કર્યું હોય તો માત્ર એક જ અઠવાડિયું આ પ્રયોગ કરી જૂઓ. આ તો સાવ સિમ્પલ છેને? તન-મનમાં ભરપૂર તાજગી અનુભવશો તે મારી ગેરન્ટી. (જોકે, આ બધામાં તમારી તબીયતની તાસીર, દવાદારૂ વ. ખ્યાલમાં રાખવા.)
ખૂણેખાંચરેથી...
• લંડનના સિટી વિસ્તારમાં હોક્સ્ટન અને શોર્ડીચ વિસ્તારમાં હવે ઘરે ઘરે તાજું દૂધ ડિલીવર થઇ રહ્યું છે. ૨૦ વર્ષ પહેલાં મિલ્કમેન દૂધની બોટલ પહોંચાડતો હતો. સમયનું ચક્ર બદલાયું છે. ફરી જૂની પરંપરાનું આગમન થયું છે.
• સ્વાસ્થ્ય પ્રત્યે વધુ પડતા સજાગ લોકો આધુનિક હેલ્થ ફિટનેસ ગેઝેટ્સના ઉપયોગ થકી તબિયત પર કદાચ વધુ પડતી નજર રાખી રહ્યા છે. સ્માર્ટ વોચથી માંડીને હાર્ટ બીટ્સ મોનિટર, બ્લડ પ્રેશર મોનિટર જેવા સાધનો ભરપૂર વેચાઇ રહ્યા છે. તબિયતની કાળજી અવશ્ય લો, પણ આંકડાઓની માયાજાળમાં અટવાઇને માનસિક વ્યગ્રતામાં સરી ન પડો તેનું ધ્યાન રાખજો. એક રિપોર્ટમાં તો નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે બ્લડ પ્રેશર માપી દેવાનો દાવો કરતી એક સ્માર્ટ ફોન એપ્લીકેશનના તારણો ખોટા હોય છે. હવે ક્યા હેલ્થ ગેઝેટ્સ કે એપ્લીકેશન પર કેટલો અને ક્યારે ભરોસો મૂકવો એ તમારી વિવેકબુદ્ધિને આધારે નક્કી કરજો.
• આપણા ઘરમાં છ-સાત કે નવ-દસ વર્ષના સંતાનો કે પૌત્ર-પૌત્રીઓ હોય છે. આ ભોળા બાળકોને ભરમાવવા કેટલાક પ્રપંચીઓ સોશ્યલ મીડિયા પર જાતજાતના પ્રલોભનો આપતા રહે છે. જેમ કે, લોરા વેઇડલાએ એક લેખમાં જણાવ્યું છે તે પ્રમાણે એક પરિવારમાં આઠ વર્ષનો ટેણિયો બેઠો બેઠો ‘જુરાસિક વર્લ્ડ’ મૂવી જોઇ રહ્યો હતો. આ સમયે આઇટ્યુન પર એક એડવર્ટ આવી ને ટેણિયાએ રમત રમતમાં ૩૨૦૦ પાઉન્ડની ખરીદી કરી નાખી. લોગ-ઇનથી માંડીને ક્રેડિટ કાર્ડના પેમેન્ટનો પાસવર્ડ સેવ થયેલો હોવાથી પલક ઝપકારે ઓર્ડર પ્લેસ થઇ ગયો. મા-બાપે સેલર અને ક્રેડિટ કાર્ડ કંપની સાથે માથાકુટ કરી, પણ કંઇ ન થયું. વગર લગ્ને ૩૨૦૦ પાઉન્ડનો ચાંદલો થઇ ગયો!
બસ, ત્યારે આજે અહીં અટકું છું, આવતા સપ્તાહે ફરી મળવાના વાયદા સાથે. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter