નામ રહંતા ઠકરાં, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડાં, પાડ્યા નહી પડંત.

સી. બી. પટેલ Tuesday 20th November 2018 14:16 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ધનતેરસ પર્વે લગભગ દરેક ભારતીય પરિવારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લક્ષ્મીજીની પૂજાઅર્ચના, આરાધના કરવામાં આવ્યા હશે. કોઇ ઘરમાં ધનને દૂધ કે પંચામૃતથી ધોવામાં આવ્યું હશે તો ક્યાંક વળી ચોપડા પૂજન થયું હશે. કોઇએ વળી યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા... મંત્રના ગાન સાથે પૂજાપાઠ કર્યા હશે. ધનતેરસની વિદાયને પખવાડિયું વીતી ગયું છે. અલબત્ત, પખવાડિયા વીતી ગયા હોય કે મહિનાઓ વીતી ગયા હોય... તો શું થઇ ગયું? ધનનું મહત્ત્વ તો યથાતથ્ જળવાઇ રહેવાનું... ખરુંને? બહુમતી માનવ સમુદાય માને છે કે અસ્તિત્વ ટકાવવા માટે નાણાં આવશ્યક છે.
હકીકત તો એ છે કે જીવમાત્રમાં - પછી તે મનુષ્ય હોય કે કીડી-મંકોડા - પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે આવશ્યક ચીજવસ્તુનો સંગ્રહ કરવાની વૃતિ જોવા મળે છે. મનુષ્ય નાણાંનો સંચય કરે છે તો અન્ય જીવ ખાધાખોરાકીનો. મને આજે પણ એક ટીવી ચેનલ પર જોયેલી વાઇલ્ડ લાઇફ સંબંધિત ડોક્યુમેન્ટરીનું એ દૃશ્ય યાદ છે. સહરાના બળબળતા, અફાટ રણનું દૃશ્ય હતું. અસલ આપણાં દેશી કાળા મંકોડા જેવડું કદ-કાઠી ધરાવતા - લાલ રંગના જંતુ (નામ નહીં પૂછતાં બાપલ્યા, ઘણું માથું ખંજવાળ્યું છે પણ યાદ નથી જ આવતું) કણ ઉઠાવીને હારબંધ આગળ ધપ્યે જતા હતા. નેરેટરના કહેવા પ્રમાણે આ જંતુ રણમાંથી પસાર થયેલા ઊંટની લાદના કણનો ગોળો બનાવી પોતાના દરમાં લઇ જતા હતા. તીવ્ર ઢોળાવ પર પોતાના કરતાં બમણું વજન લઇને ચઢતા હતા, અને કેટલાક તો વળી લગભગ દર સુધી પહોંચ્યા જ હોય કે ગબડી પડે. ફરી કણ ઊંચકે, અને ફરી ચઢવાનું શરૂ કરે. રેતાળ પ્રદેશના આ લાલ મંકોડા શા માટે આટલી મહેનત કરતા હતા? આ સૂકાભઠ રણમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે આવશ્યક ભરપૂર પોષણ આ લાદમાંથી મળતું હોવાથી લાલ મંકોડા આ કસરત કરી રહ્યા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ નાનો હોય કે મોટો પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે, ભાવિનો વિચાર કરીને, શક્ય તમામ પ્રયાસ કરતો રહે છે.
જીવજંતુ હોય છે તે ખાદ્યસામગ્રીને વિશેષ મહત્ત્વ આપે છે, જ્યારે મનુષ્ય નિશ્ચિંત અને સુરક્ષિત ભવિષ્ય માટે ધનના સંગ્રહને મહત્ત્વ આપે છે કેમ કે મનુષ્યમાત્ર એવી માન્યતામાં રાચતો જોવા મળે છે કે નાણાં છે તો બધું છે. કોઇ ફિલસૂફે યોગ્ય જ કહ્યું છે કે એક બિંદુથી જ રેખાનો પ્રારંભ થતો હોય છે. ટીપે ટીપે સરોવર ભરાય એ ન્યાયે વ્યક્તિ થોડી-થોડી બચત થકી નાણાં એકત્ર કરતો હોય છે અને પછી આ બીજરૂપી બચત સંપતિસર્જન સ્વરૂપે વટવૃક્ષ બનીને ઉભરે છે. મનુષ્ય કોઇ પણ દેશમાં વસતો હોય - પછી તે અછતવાળો હોય કે છતવાળો - બચત તો કરે જ. રોટી-કપડાં-મકાનની પાયાની જરૂરત સંતોષવા માટે આવશ્યક ખર્ચ કરવાની સાથે સાથે જ મનુષ્ય નિવૃત્તિ સમયે કે જરૂરતના સમયે કામ લાગી શકે તે ઉદ્દેશથી ધનસંગ્રહ કરતો રહે છે. પરંતુ આ ધનસંગ્રહ
પછી શું?
સંતાનને ધનનો ઢગલો આપી દેવાથી કંઇ સુખનું સરનામું મળી જતું નથી. એક નહીં, અનેક પુસ્તકોમાં અલગ અલગ વિદ્વાનો કહી ચૂક્યા છે કે સંતાનોને ખરા અર્થમાં સુખી કરવા હોય, તેમને જિંદગીભર સુખી જોવા હોય તો ધન-સંપત્તિ નહીં, જ્ઞાન આપો. મતલબ કે તેમને શિક્ષિત કરો, મૂલ્યો આધારિત માર્ગદર્શન આપો. જો આમ કરશો તો તેમના સુખ-શાંતિ દીર્ઘજીવી બની રહેશે. સંતાનનો આ પ્રકારે ઉછેર કરવાનું, તેમને આ પ્રકારનો વારસો આપવાનું સર્વ પ્રકારે આવકાર્ય છે. આથી ઉલ્ટું સંતાનોને સંપત્તિનો ઢગલો મળી જાય છે ત્યારે શું થાય છે? સંપત્તિ વેડફાય જાય છે. આપણે ઘણા કિસ્સામાં જોઇએ છીએ તેમ સંતાન સ્વચ્છંદી હોય તો વ્યસની બની જાય છે કે કુસંગે ચઢી જવાનું જોખમ પણ સર્જાય છે.
તો પછી વ્યક્તિએ પોતાની જરૂરિયાત સંતોષાય તેટલો ધનસંગ્રહ કર્યા બાદ વધારાના નાણાંનું શું કરવું જોઇએ? ગાંધીજીએ સોએક વર્ષ પૂર્વે આપેલો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત સહુ કોઇએ વધતા-ઓછા અંશે જીવનમાં અપનાવવા જેવો છે. તેઓ હંમેશા કહેતા કે તમે તમારી ધનદોલતના માલિક નહીં, ટ્રસ્ટી છો. મતલબ કે સંપત્તિના સંચાલક - વહીવટકર્તા માત્ર છો. સંપત્તિ છે તો જીવન માણો, મોજશોખ કરો, એશોઆરામ પણ ભોગવો, પરંતુ પછી શું? સંપત્તિનો ‘અસરકારક ઉપયોગ’ પણ કરો. આમાંથી અમુક હિસ્સો જરૂરતમંદ લોકો માટે પણ ફાળવો. જ્યોત સે જ્યોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો... જરૂરતમંદની સહાય માટે પ્રગટાવેલો સેવાનો એક દીવડો અનેકના જીવનમાં ઉજાસ પાથરવાની ક્ષમતા ધરાવતો હોય છે.
ગાંધીજીએ તેમના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની એટલી ચોટદાર રજૂઆત કરી હતી કે સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયેલા લોકો તેમના ધનદોલત તો શું, રાજપાટ છોડતાં પણ ખચકાયા નહોતા. મને ૧૯૨૪ના સમયકાળની બે ઘટનાઓનું આજે પણ સ્મરણ છે.
સૌરાષ્ટ્રનું એક નાનકડું નગર ઢસા. આજના અમરેલી જિલ્લાનું નાનું ટાઉન તે સમયે સાડા ત્રણ ગામની ઠકરાત ગણાતું. તેના રાજવી એટલે દરબાર ગોપાળદાસ. વસોના આ પટેલ (અમીન) ગાંધીવિચારસરણીથી એટલા પ્રભાવિત હતા કે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને ખરા અર્થમાં સાકાર કર્યો હતો. દરબાર ગોપાળદાસે સ્વેચ્છાએ, હૃદયના ઉમળકાથી રજવાડાનો કારભાર પ્રજાજનોને સુપરત કરી દીધો હતો. તેમણે બાકીનું જીવન આણંદ જઇને એક સામાન્ય નાગરિકની જેમ વિતાવાનું વીચાર્યું. આજે પણ વસોમાં દરબાર ગોપાળદાસની મહેલ જેવી મોટી હવેલી અડીખમ ઉભી છે. અલબત્ત, તેની હાલત સમય સાથે નબળી જરૂર પડી છે, પરંતુ તેની ભવ્યતા આજે ય ગૌરવવંતા ભૂતકાળની ઝાંખી રજૂ કરે છે.
વલ્લભભાઇ પટેલ તે વેળા સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય જરૂર હતા, પરંતુ હજુ ‘સરદાર’ બન્યા નહોતા. અમદાવાદમાં વિચક્ષણ બેરિસ્ટર તરીકે આગવી નામના મેળવી હતી. કોંગ્રેસના સર્વેસર્વા એવા વલ્લભભાઇ મોવડી તરીકે એવી પ્રતિષ્ઠા ધરાવતા હતા કે લોકો તેમનો પડ્યો બોલ ઝીલતા. તેમને દરબારસાહેબના રાષ્ટ્રપ્રેમની, યોગદાનની જાણકારી મળી. તે સમયે નિસરાયા (બોરસદ નજીક)ના રમણભાઇ પટેલ (જો હું નામ ભૂલતો ન હોઉં તો...) વકીલ તરીકે આ વિસ્તારમાં ભારે નામના ધરાવતા હતા અને તેઓ પણ સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય હતા. વલ્લભભાઇ પટેલે તેમને પત્ર પાઠવીને એવી લાગણી વ્યક્ત કરી હતી કે દરબાર ગોપાળદાસે ગાંધીચીંધ્યા માર્ગે ચાલીને ઉદ્દાત રાષ્ટ્રભાવનાનો પરિચય આપતાં પોતાનું સર્વસ્વ દેશ કાજે અર્પણ કરી દીધું છે ત્યારે આપણી પણ ફરજ બને છે કે તેમને કોઇ વાતે મુશ્કેલી ન પડવી જોઇએ. તેઓ આણંદ કે કોઇ અન્ય સ્થળે સામાન્ય જિંદગી ગુજારે તે યોગ્ય ન કહેવાય. આથી તેમના માટે કોઇ એવા યોગ્ય સ્થળે રહેવાની સગવડ કરો કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપવામાં તેમને સરળતા રહે.
વલ્લભભાઇ પટેલના આ સુચનના આધારે બોરસદ-ભાદરણ રોડ પર સત્યાગ્રહ છાવણીની સ્થાપના કરવામાં આવી હતી, અને દરબાર ગોપાળદાસ ત્યાં વસ્યા હતા. આજે પણ આ સત્યાગ્રહ છાવણી દરબાર ગોપાળદાસ-ભક્તિબાના સંસ્મરણો સાચવીને ઉભી છે. દરબાર ગોપાળદાસ રાજવીમાંથી આમ આદમી બની ગયા તેના મૂળમાં ટ્રસ્ટીશીપની ઉમદા ભાવના હતી.
લગભગ આ જ અરસામાં મહારાષ્ટ્રના ઔંધમાં પણ ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનો કંઇક આવો જ પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો હતો. ઔંધમાં તે સમયે શ્રીમાન પંત રાજગાદી સંભાળતા હતા. વાચક મિત્રો, આપને કદાચ આ નામ અજાણ્યું લાગતું હોય તો બીજી રીતે તેમનો પરિચય આપું. આ રાજવી એટલે એક સમયે કેન્યાના હાઇ કમિશનર અને બાદમાં અહીં લંડન સ્થિત ભારતીય હાઇ કમિશનનો કાર્યભાર સંભાળનાર આપ્પાસાહેબ પંતના પિતાશ્રી. તેમણે પણ ગાંધીજીની હાકલને અનુસરીને પોતાના રાજપાટ અને સંપત્તિ પ્રજામંડળને ન્યોચ્છાવર કરી દીધા હતા.
સૌરાષ્ટ્રના ૨૨૨ રજવાડામાં ગોંડલ પ્રમાણમાં મધ્યમ કક્ષાનું ગણાય, પરંતુ ગોંડલ નરેશ ભગવતસિંહજી મહારાજને દેશદેશાવરમાં આજે પણ યાદ કરવામાં આવે છે. કારણ? ભગવદ્ગોમંડળની રચના. ગુજરાતી ભાષાનો આ પહેલો જ્ઞાનકોષ. દૂરંદેશી ધરાવતા મહારાજા ભગવતસિંહજીએ હંમેશા સાક્ષરતાને વિશેષ મહત્ત્વ આપ્યું હતું.
ચાલો, જરા આપણે વડોદરાની પણ મુલાકાત લઇએ તો કેવું..? ભારતના સ્વાતંત્ર્યકાળ (૧૯૪૭) દરમિયાન માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર બોમ્બે પ્રેસિડન્સીમાં સૌથી વધુ ધનાઢય અને પ્રભાવશાળી રજવાડું એટલે વડોદરા અને તેના સર્વેસર્વા મહારાજા પ્રતાપસિંહ. આજે તેમને કોણ યાદ કરે છે? જ્યારે દરબાર ગોપાળદાસ, શ્રીમાન પંત, મહારાજ ભગવતસિંહ ઇતિહાસમાં અમર થઇ ગયા છે. આ જ પ્રમાણે ૨૦૦-૫૦૦ વર્ષમાં કે તે પૂર્વે અસંખ્ય ધનાઢયો આવ્યા અને ગયા, પરંતુ આપણે તેમને જ યાદ કરીએ છીએ જેમણે સમાજ માટે કંઇક ન્યોછાવર કર્યું છે, જનહિતાર્થે કંઇક યોગદાન આપ્યું છે.
ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ આજથી ૩૫ વર્ષ પૂર્વે અમદાવાદમાં શેઠ કસ્તુરભાઇ લાલભાઇની ૮૦ લાખ રૂપિયાની સખાવતથી શરૂ થયેલા શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આપણા સમાજના માનવંતા મોભી લોર્ડ ભીખુભાઇ પારેખ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આપણી ભાષાના શિર્ષ સર્જકે પોતાના વક્તવ્યમાં એક મજાની વાત કરી હતી. ધનવાનો પાસે ધનના ઢગલા હોઇ શકે, પણ શ્રેષ્ઠી કોને કહેવાય? જે પોતાની રીતે સમાજની ઉન્નતિ માટે વિવિધ પ્રકારે લક્ષ્મીનો સદઉપયોગ કરે તેને શ્રેષ્ઠી કહેવાય. તેને જ લોકો યાદ કરતા હોય છે.
વાચક મિત્રો, પિંગળશી મેઘાણંદ ગઢવીના શબ્દોમાં કહીએ તો...
નામ રહંતા ઠકરાં, નાણા નહીં રહંત,
કીર્તિ કેરા કોટડાં, પાડ્યા નહી પડંત.
ગાંધીજીએ પોતાના ટ્રસ્ટીશીપના સિદ્ધાંત અંગે - કોશિયો પણ સમજે તેવી સરળ ભાષામાં સમજણ આપતાં - ‘હરિજનબંધુ’માં લખ્યું હતું કે આપણા ગ્રામજીવનમાં દરેકના આંગણે પશુધન બંધાયેલું જોવા મળે છે. ઘરઆંગણે ગમાણમાં ઢોર હોય એટલે છાણ પણ હોવાનું જ. જો તમે આ છાણનો નિયમિત અને બુદ્ધિપૂર્વક નિકાલ ન કરો તો શું થાય? આંગણે ગંદકીના ઢગલા ખડકાય અને તેમાંથી જીવજંતુ તથા બીમારીની સમસ્યા વકરે. રોગચાળોનું જોખમ મંડરાય. પરંતુ જો આ જ છાણને તમે ખેતરમાં વેરી દો તો તે ધરતી માટે અદભૂત પોષણનું કામ કરે છે. તે જમીનનું સત્વ વધારે છે અને ધરતી પર લીલીછમ હરિયાળી છવાઇ જાય છે. આમ ગંદકીનું કારણ મનાતું છાણ જમીનને પોષણ આપવાની સાથોસાથ કૃષિઉપજમાં વધારો કરીને માનવજીવનને પોષવાનું પણ કામ કરે છે. છાણ તો એ જ છે, પણ તેનો યોગ્ય ઉપયોગ થવાથી તે સહુ કોઇ માટે લાભકારક બની રહે છે. ધન-સંપત્તિનું પણ આવું જ છે. જો તેના ઢગલા ખડકાયે જાય તો તેનાથી આખરે સડો જ પેદા થવાનો. પરંતુ તેનો સદુપયોગ થાય તો આ જ નાણાંથી અનેકના જીવનમાં સુખાકારી આણી શકાય છે.
ધનસંચય અને તેના યોગ્ય ઉપયોગ માટે આપણા શાસ્ત્રોમાં પણ એક યા બીજા સ્થળે ઉલ્લેખ જોવા મળે છે. આપણા ભાષા-સાહિત્યમાં ભલે નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ કહીને ધનસંપત્તિના ગુણગાન ગાવામાં આવ્યા હોય, પરંતુ એ ન ભૂલવું જોઇએ કે અતિ સર્વત્ર વર્જયેત્... જો ધનના ઢગલાનો અતિરેક થયો તો આ જ ધન હાનિકારક બની રહે છે. નુકસાનકારક બની રહે છે.
સંતાનો જ્યારે પક્ષીની જેમ માળો છોડીને ઉડી ગયા હોય, અને નિવૃત્તિકાળ કે બદલાતા સંજોગોને નજરમાં રાખીને નક્કર આર્થિક આયોજન થઇ ગયું હોય તો તે પછી વધેલા નાણાંનો જરૂરતમંદોના લાભાર્થે યોગ્ય ઉપયોગ કરવો જ રહ્યો. બેન્ક ખાતામાં કે પ્રોપર્ટી સ્વરૂપે કે સોનાની લગડી સ્વરૂપે અઢળક નાણાં ભેગાં કરી લીધા તેથી શું થઇ ગયું? કમાણીનો આગવો આનંદ છે તે સાચું, બચત કરવાનો આગવો આનંદ છે તે પણ ખરું, પરંતુ નાણાં - ધનનો સાચો આનંદ તો તેની સમજપૂર્વક વહેંચણીમાં જ સમાયેલો છે તે સહુએ યાદ રાખવું રહ્યું.
આપણા ઇતિહાસ પર નજર ફેરવશો તો ધનદોલત સ્વરૂપે સર્વસ્વ સમર્પણ કરી દીધાના અનેક દાખલા જોવા મળશે. ચાલો જરા એકાદ-બે ઉદાહરણ તેના પણ જોઇ લઇએ. શૂરવીર મહારાણા પ્રતાપ વિશે કોણ નથી જાણતું? મેવાડનો આ રાણો તેના સ્વાભિમાન, શૂરવીરતા, યુદ્ધનિપુણતા અને ન્યાયપૂર્ણ વ્યવહાર માટે પ્રસિદ્ધ હતો. ઔરંગઝેબના મોગલ સૈનિકોની સેના મેવાડ પર ચોમેરથી ભીંસ વધારી રહી હતી. નાણાંકીય કટોકટીના કારણે મુશ્કેલીમાં મુકાયેલા રાણા પ્રતાપ રણમાં જવા નીકળ્યા. આ સમયે શાહસોદાગર ભામાશાએ તેમનો પીછો પકડ્યો. ભામાશાએ પોતાની તમામ સંપત્તિ મેવાડની રક્ષાકાજે સમર્પિત કરતાં કહ્યું કે મહારાજા તમારે ક્યાંય જવાની જરૂર નથી. મારી તમામ સંપત્તિ રાષ્ટ્રના ચરણોમાં અર્પણ કરું છું. મહારાણાએ આ આર્થિક અનુદાનમાંથી ૨૨ હજાર સૈનિકોનું વિશાળ સૈનિક રચ્યું અને મોગલ સૈનિકોના દાંત ખાટા કરી નાંખ્યા. ભામાશાની ધનદોલતે માત્ર માભોમની રક્ષા કરી એટલું જ નહીં, મોગલ આક્રમણખોરોના હુમલા સમયે સનાતન ધર્મના રક્ષણમાં પણ યોગદાન આપ્યું. આથી જ આજે પણ કહેવાય છે કે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને ગુરૂ ગોવિંદસિંહ જેવા નરબંકાઓ ન હોત અને તેમને સમાજના શ્રેષ્ઠીઓનો સાથસહકાર ન મળ્યો હોત તો સનાતન ધર્મનો વિલય થઇ ગયો હોત.
આ તો થઇ વીતેલા યુગની વાત... આજના યુગની વાત કરીએ તો તાજેતરના દસકાઓમાં પણ એવા દાતાઓ જોવા મળે છે જેમણે ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતોને વાસ્તવિક જીવનમાં અમલમાં મૂક્યા છે. આપણા ગુજરાતના શ્રેષ્ઠીવર્યો કસ્તુરભાઇ લાલભાઇથી માંડીને દીપચંદ ગાર્ડીસાહેબ એક યા બીજા સ્વરૂપે તેમની સંપત્તિમાંથી કરોડો રૂપિયાનું અનુદાનમાં આપી ચૂક્યા છે તો રાષ્ટ્રીય સ્તરે અઝીમ પ્રેમજી (વિપ્રો જૂથ), નારાયણ મૂર્તિ (ઇન્ફોસિસ) વગેરેના નામો દાતાઓની યાદીમાં મોખરે મૂકી શકાય. આંતરરાષ્ટ્રીય સ્તરે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણકાર વોરન બફેટ તો તેમની લગભગ તમામ સંપત્તિ દાન કરી ચૂક્યા છે. આ લોકો સમગ્ર માનવજાતનું જીવનધોરણ સુધારવા માટે પ્રયત્નશીલ છે. આથી જ તો તેમણે શિક્ષણ, આરોગ્ય સેવા સહિતના મૂળભૂત ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરીને તેના માટે આર્થિક અનુદાન ફાળવ્યું છે.
દેશવિદેશના દાતાઓની, તેમણે એક યા બીજા પ્રકારે લોકોનું જીવનધોરણ સુધારવા આપેલા અનુદાનની વાત ચાલી રહી છે ત્યારે મને થાઇલેન્ડના ઉદ્યોગસાહસિક અને લેસ્ટર સિટી ફૂટબોલ ક્લબના માલિક શ્રીવદ્ધનાપ્રભા વિચાઇ યાદ આવી રહ્યા છે. લેસ્ટરમાં ૨૭ ઓક્ટોબરે ક્લબ ગ્રાઉન્ડ બહાર થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું સાથીદારો સાથે મૃત્યુ થયું. આ ઘટનાને આજે ત્રણ સપ્તાહ વીતી ગયા છે, પણ લોકો આજે ય તેમને અને તેમના યોગદાનને યાદ કરી રહ્યા છે. તેમણે ૨૦૧૦માં ૩૯.૩ મિલિયન પાઉન્ડમાં લેસ્ટર સિટી ફૂટબોલ ક્લબ ખરીદી હતી. તેઓ એક બિઝનેસમેન હતા, અને તેમનો એક જ ઉદ્દેશ હતો - ક્લબની નામના, પ્રતિષ્ઠાનું પુનઃ સ્થાપન. ક્લબ ખરીદ્યા બાદ પણ તેમણે જંગી મૂડીરોકાણ ચાલુ જ રાખ્યું. ખેલાડીઓથી માંડીને ક્લબની સાધનસુવિધા પાછળ જંગી નાણાં ફાળવતા રહ્યા. તેમની મહેનત રંગ લાવી. અને પ્રીમિયર લીગમાં ઝમકદાર દેખાવ કરીને ક્લબ છવાઇ ગઇ. એક દસકાથી ફૂટબોલ ચાહકોની નજરમાંથી ઉતરી ગયેલી ટીમે ફરી મોખરાનું સ્થાન મેળવ્યું.
ફૂટબોલ ખેલાડીઓ તો રાતોરાત સ્ટાર બની જ ગયા, પરંતુ વિચાઇ પણ લોકનજરમાં છવાઇ ગયા. કારણ? તેમની ઉદારતા, બૌદ્ધ પરંપરામાં તેમની આસ્થા તેમજ ટીમ મેનેજરથી માંડીને ખેલાડીઓ અને લેસ્ટરવાસીઓમાં અતૂટ વિશ્વાસ. તેમણે ક્લબને મજબૂત બનાવવાની સાથોસાથ લેસ્ટરના વિકાસમાં પણ ભરપૂર યોગદાન આપ્યું. વિચાઇએ આપણા મોદી સાહેબનું ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ સૂત્ર વાંચ્યું કે સાંભળ્યું હશે કે કેમ એ તો આપણે નથી જાણતા, પણ તેનો વાસ્તવિક જીવનમાં અમલ જરૂર કર્યો હતો. આ જ કારણ હતું કે હજારો માઇલના અંતરે થાઇલેન્ડમાં તેમની અંતિમક્રિયા યોજાઇ ત્યારે અહીં લેસ્ટરમાં ખેલાડીઓથી માંડીને હજારો સ્થાનિક પ્રજાજનોએ વિશાળ કેન્ડલ માર્ચ યોજીને તેમને અંજલિ અર્પી હતી.
સામાન્યતઃ કોઇ ધનાઢય પરદેશથી અહીં - ઈંગ્લેન્ડમાં આવીને ફૂટબોલ ટીમ, રગ્બી ટીમ, ક્રિકેટ ટીમ કે સ્ટેડિયમ ખરીદે છે ત્યારે સ્થાનિક પ્રજાજનો તેને શંકાની નજરે નિહાળતા હોય છે, પરંતુ વિચાઇ આમાં અપવાદરૂપ સાબિત થયા છે. કોઇ વિદેશીને જવલ્લે જ મળે તેવા માનપાન તેમણે લેસ્ટરવાસીઓ પાસેથી મેળવ્યા છે કેમ કે તેમણે સ્વ-હિતની સાથોસાથ જન-હિતનો પણ વિચાર કર્યો છે. લોકો તેમને ‘આપણો માણસ’ માનતા હતા. વિચાઇએ હજુ તો તેમની પાસેની ધનદોલતના માત્ર દોઢ-બે ટકા જ વાપર્યા હતા, અને હજુ અઢળક નાણાં ફાળવવાનું આયોજન હતું. વિચાઇ એક બિઝનેસમેન હતા તેથી તેમની નજરમાં કમાણી તો હતી જ અને તેમાં કંઇ અઘટિત પણ નથી, પરંતુ આની સાથોસાથ તેમણે કમાણીનો એક હિસ્સો - એક યા બીજા પ્રકારે - સ્થાનિક પ્રજાજનો માટે પણ ફાળવ્યો હતો.
છેલ્લા ૫૦ વર્ષમાં બ્રિટનની ભારતીય વસાહત અત્રે સ્થાયી થઇ. શરૂમાં ‘દોરીલોટો’ લઇને આવેલા આપણામાંથી કેટલાય વેપાર-ઉદ્યોગ કે વ્યવસાયમાં નામ અને દામ કમાઇ રહ્યાં છે. આ અંકમાં જ આપ વાંચશો કે ભીખુભાઇ અને વિજયભાઇ પટેલની બંધુ જોડીએ બ્રિસ્ટલ યુનિવર્સિટીને એક મિલિયન પાઉન્ડનું અનુદાન આપ્યું છે. ગયા વર્ષે તેમણે આ જ પ્રકારે લેસ્ટર યુનિવર્સિટીને આટલું જ આર્થિક યોગદાન આપ્યું હતું. જાન્યુઆરીની ૨૪ તારીખે કરમસદ સ્થિત ક્રિષ્ના હોસ્પિટલમાં એક નવા આરોગ્ય સંકુલનો આરંભ થઇ રહ્યો છે. આ આરોગ્ય સંકુલ પણ આ પટેલબંધુઓએ આપેલા એક મિલિયન પાઉન્ડના યોગદાનમાંથી જ સાકાર થયું છે. (વધુ વિગતો માટે વાંચો દિવાળી અંક) કેટલાક લે, કેટલાક દે, દિલવાળા જ દે. ગજવા કરતાં ગજું મોટું... ધીરે ધીરે આપણી વસાહતમાંથી સખાવતની સંગીન અને આવકાર્ય શરૂઆત થઇ રહી છે.
વાચક મિત્રો, માત્ર ભામાશા, દરબાર ગોપાળદાસ, ઔંધના રાજવી, કસ્તુરભાઇ લાલભાઇ, દીપચંદ ગાર્ડી, નારાયણ મૂર્તિ, અઝીમ પ્રેમજી, બિલ ગેટ્સ, વોરન બફેટ કે વિચાઇ જ જનકલ્યાણાર્થે નાણાં આપી શકે તેવું નથી. મારા - તમારા જેવો એક આમ આદમી પણ પોતાની આર્થિક ક્ષમતા, સજ્જતા અનુસાર જનહિતાર્થે યોગદાન આપી શકે છે. આપ સહુને યાદ હશે જ કે ૨૭ ઓક્ટોબર ૨૦૧૮ના અંકમાં આ જ કોલમમાં મેં પાંચ દાતાઓની સામાજિક પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો હતો. આ બધાએ પણ અવશ્ય ધનસંચય કર્યો છે, પરંતુ માત્રને માત્ર જરૂરતને ધ્યાનમાં રાખીને. આ સિવાયની સંપત્તિ તેઓ લોકકલ્યાણ અર્થે વાપરી રહ્યા છે. જો ધનનો સુપેરે ઉપયોગ ન થાય તો - ગાંધીજીએ સ-દૃષ્ટાંત સમજાવ્યું છે તેમ - તે સડી જાય છે. આથી તેનો સમયસર સદુપયોગ કરવામાં જ સમજદારી છે એ ન ભૂલશો. (ક્રમશઃ)

રામ કી ચીડિયા, રામ કા ખેત,
ખાઓ રે ચીડિયા, ભર ભર પેટ...

પ્રિય વાચક મિત્રો, આપ સહુએ ‘ગુજરાત સમાચાર’ના ૧૭ નવેમ્બર ૨૦૧૮ના અંકમાં ‘તમારી વાત’ વિભાગમાં પ્રકાશિત વિદૂષી સરયુબહેનનો પત્ર વાંચ્યો હશે. આ પત્રમાં સાહિત્યપ્રેમી અને સમાજસેવિકા સરયુબહેને મારા વિશે સવિશેષ ઉદારતા દાખવી જણાય છે. તેમાં પણ ગુજરાતી ભાષાના પ્રભુત્વ મુદ્દે જે ઉલ્લેખ થયો છે તે અંગે મારો ખુલાસો આવશ્યક જણાય છે. વર્ષોથી પ્રતિ સપ્તાહે ‘જીવંત પંથ’ કોલમ પ્રકાશિત થાય છે, અને વંચાય પણ છે, પરંતુ તે માત્ર સી.બી. પટેલનું લેખન છે એમ માનવું અયોગ્ય છે. કોલમના પ્રારંભકાળથી જ હું ગણેશજી (લહિયા)ની મદદ લેતો રહ્યો છું. છેલ્લા કેટલાક વર્ષોથી આ જવાબદારી આપણા અમદાવાદ કાર્યાલયના બ્યૂરો ચીફ ભાઇશ્રી નીલેશ પરમાર સુપેરે બજાવી રહ્યા છે. આથી ભાષા કે અન્ય પ્રકારના નક્શીકામનો જશ માત્ર મને એકલાને જ મળે તે વાજબી નથી. આ ઉપરાંત કોલમની સફળતામાં તંત્રીમંડળ અને ગ્રાફિક્સ વિભાગના અન્ય સાથીદારોનો પણ એટલો જ મૂલ્યવાન સહયોગ છે. બાકી તો રામ કી ચીડિયા, રામ કા ખેત, ખાઓ રે ચીડિયા, ભર ભર પેટ...
- સી.બી. પટેલ, પ્રકાશક-તંત્રી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter