નૂતન વર્ષની શુભ શરૂઆત...

સી.બી. પટેલ Thursday 03rd November 2016 06:17 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, નવલા વર્ષના પ્રારંભે નૂતન વર્ષાભિનંદન અને આપ સહુ તન-મન-ધનના સુખિયા બનો તેવી અંતઃકરણપૂર્વકની હાર્દિક શુભકામનાઓ.../પ્રભુ પ્રાર્થના...
મિત્રો, આમ તો જીભ એવું કહેવા સળવળી રહી છે કે ચાલો, મારી કાંધે બેસી જાવ, આપને વીતેલા સપ્તાહના પ્રવાસે લઇ જાઉં... પણ આવું ‘આમંત્રણ’ આપતાં થોડીક ગભરામણ થાય છે. શા માટે? અરે જરા આગળ વાંચો તો ખરા... એ મારું સદભાગ્ય છે કે દીપોત્સવ અને નૂતન વર્ષના પાવક દિવસોમાં હું બે મુખ્ય મંદીરોમાં દર્શને જઇ શક્યો. અને કંઇકેટલાક મેળાવડાઓમાં હાજરી પણ આપી. સવિશેષ આનંદ તો એ વાતનો છે કે બે વડીલો સાથે આત્મીયતા સાધવાનો અવસર સાંપડ્યો.
આમ તો હું મારા માનવંતા વાચકોને હું જાણું છું કે તેઓ મારા ‘આમંત્રણ’નો સ્વીકાર કરે જ નહીં, પરંતુ હું સાથોસાથ એ પણ જાણું છું કે આમાંના કેટલાક ટીખળખોર પણ છે. ન કરે નારાયણ ને કોઇ ટીખળી ખભ્ભે ચઢી બેસે તો હાડકામાં કડાકો બોલી જાય અને ઇમરજન્સીમાં સારવાર કરાવવા દોડવું પડે. ખેર, આ તો વાત થઇ મજાકની... પણ સાચું કહું તો આવા કાર્યક્રમોમાં હાજરી આપવામાં, લોકોને હળવામળવામાં મને બહુ આનંદ આવે છે. હું એટલું અવશ્ય કહી શકું કે આપ સહુ જે હેતથી મને બોલાવો છો, પ્રેમ આપો છો, આદર આપો છો તેને સાચે જ મારું અહોભાગ્ય સમજું છું.
સોમવારે અન્નકુટ પ્રસંગે નિસ્ડન સ્વામિનારાયણ મંદીરે જવા નીકળ્યો હતો. નિસ્ડન સ્ટેશનથી મંદીર સુધીનું લગભગ ૨૦-૨૫ મિનિટનું વોકીંગ ડિસ્ટન્સ છે એ તો આપ સહુ જાણતા જ હશો. વળી, ત્યાંથી મંદીર સુધી ટેક્સી મળવી પણ થોડીક મુશ્કેલ હોય છે. ટ્રેન નિસ્ડન સ્ટેશન તરફ ધસમસતી જઇ રહી હતી તેના કરતાં પણ વધુ ઝડપે મનમાં વિચારોના ઘોડા દોડી રહ્યા હતા. હમણાં કેટલાક દિવસોથી જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપવા માટે બહુ દોડંદોડ રહી હોવાથી થોડોક થાકોડો પણ વર્તાતો હતો. (બાપલ્યા, ઉંમર તો તેનું જોર દેખાડેને જ ને...) પરંતુ જૂઓ... ઇશ્વર હંમેશા તેના ભક્તની વહારે પહોંચતો જ હોય છે - કોઇ આને સંયોગમાત્ર ગણાવવા માગતું હોય તો ભલે તેમ. પણ હું નિસ્ડન સ્ટેશને ઉતરીને પ્લેટફોર્મની બહાર નીકળ્યો કે સામે જ નોટિસ બોર્ડ જોયુંઃ બીએપીએસ મંદીરે જવા ઇચ્છતા હરિભક્તો માટે શટલ બસ સર્વીસ ઉપલબ્ધ છે. ભારે હાશકારો અનુભવ્યો. સામે જ ઉભેલા કોચમાં ચઢી ગયો. સહુને જય સ્વામીનારાયણ કરતાં કરતાં છેલ્લી લાઇનમાં ખૂણાની સીટમાં ગોઠવાઇ ગયો. બસમાં ગણીને ૧૬ પ્રવાસી હતાઃ ૧૧ બહેનો-દીકરીઓ, બે માતાઓ, એક વયોવૃદ્ધ સજ્જન, બે બાળકો વત્તા હું.
અંતર ટૂંકું હતું, પણ ટ્રાફિકના કારણે બસને મંદીરે પહોંચતા લગભગ ૩૫ મિનિટ થઇ. નજર બારીની બહાર હતી, પણ કાન તો અંદર હતાને! શ્રદ્ધાપૂર્વક અન્નકૂટના દર્શને જઇ રહેલી ૨૫થી ૩૫ વર્ષની બહેનો-દીકરીઓ વાતે વળગી હતી. આ દરમિયાન તેમની વાતોનો મુખ્ય વિષય એક લિજ્જતદાર વાનગીની રેસિપીનો હતો. આ વ્યંજન કઇ રીતે બનાવાય તેની વાતોના ‘વડાં’ થયાં. જોકે સૌથી નોંધપાત્ર બાબત એ હતી કે આમાંની એક પણ બહેન-દીકરીએ તેમની સાસુ, જેઠાણી કે નણંદ વિરુદ્ધ એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નહોતો. મારે નોંધપાત્ર શબ્દ એટલા માટે વાપરવો પડ્યો છે કે આપણા ભારતીય સમાજમાં દૃઢ માન્યતા છે પરિણીત બહેન-દીકરીઓ ભેગી મળે એટલે સાસરિયાંની કુથલી કરે, કરે ને કરે જ! પણ મને તો આવું કંઇ જ સાંભળવા ન મળ્યું. શું કહેવું આપણી સામાજિક માન્યતાને? હા, એકાદ-બે બહેનોએ તેમના ભરથારની આદતો વિશે જરૂર છૂટોછવાયો કકળાટ કાઢ્યો. જોકે આને તો આપણે બહેનોનો વિશેષાધિકાર જ સમજવો રહ્યો. આપણને તેનાથી વધુ સારું કોણ જાણવાનું, સમજવાનું, ઓળખવાનું હતું, ખરુંને?!
આ બહેનોની ચર્ચા દરમિયાન એક વાત ઉડીને કાને વળગે તેવી એ હતી કે તમામને તેમના સંતાનો માટે બહુ ગૌરવ હતું. તેમનો અભ્યાસ, તેમની હોબી, ઇતર પ્રવૃત્તિઓ વગેરે માટે આ માતાઓ બહુ સંતુષ્ટ જોવા મળી. આપણને તેમની વાતો સાંભળીને સ્હેજેય ભરોસો થઇ જાય કે આપણી ભાવિ પેઢી સજ્જ, સમજદાર અને હોંશિયાર હશે તેમાં બેમત નથી.
આ તમામ બહેનોની વાતચીતમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ માટે બહુ જ આદરભાવ છલકાતો હતો. સાચે જ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે આપણી છેક ત્રીજી પેઢી સુધી ભારતીય ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિનો વારસો પહોંચાડવા માટે ઊંડું ખેડાણ કર્યું છે.
સંસ્કાર સાથે જ જીવનમાં શિસ્તબદ્ધતા આવતી હશે કે કેમ, પરંતુ મંદિરે પહોંચીને જોયું તો હજારો હરિભક્તોની મેદની છતાં ક્યાંક રતિભાર પણ અવ્યવસ્થા નહીં. તમે કહી શકો - સર્વાંગ સંપૂર્ણ આયોજન.
સુવ્યવસ્થિત આયોજનનો કંઇક આવો જ ભવ્ય નજારો રવિવારે વોટફર્ડ ખાતેના ભક્તિવેદાંત મેનોર મંદિરમાં જોવા મળ્યો. શિયાળાની પધરામણી થઇ ગયાની છડી પોકારતા ગાઢ ધુમ્મસ સાથે ઠંડોગાર માહોલ હતો. ભવ્ય ઉત્સવ અને શમિયાણામાં હજારોની મેદનીની ઉપસ્થિતિ, છતાં વ્યવસ્થામાં ક્યાંય ચૂક જોવા મળે નહીં. મંદિરમાં પ્રવેશ કરવાની રાહમાં ઉભેલી ગાડીઓની બે-બે માઇલ લાંબી કતાર જોવા મળતી હતી. આપણને થાય કે કેટલી શ્રદ્ધા! દર્શનાર્થીઓમાં પણ મોટા ભાગની યુવા પેઢી. આપણા પર્વની ઉજવણી માટેનો તેમનો ઉમંગ-ઉલ્લાસ નિહાળીને આપણને સ્હેજેય ધરપત થાય કે ભારતીય સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે જરાય ચિંતા કરવાની જરૂર નથી.
આ પર્વો-ઉત્સવોની ઉજવણીમાં ઉમટતો માનવ મહેરામણ શું સૂચવે છે? આપણા સમાજનું સાંસ્કૃતિક હાર્દ સશક્ત છે, સુદૃઢ છે. સંગીન, સુયોજીત, સમર્પિત સંસ્થાઓના સૌ અગ્રણીઓ-સ્વયંસેવકોને અભિનંદન-ધન્યવાદ.
વીતેલા સપ્તાહે મને બે ‘યુવાન’ વડીલોને મળવાનો સોનેરી અવસર સાંપડ્યો. બન્ને મહાનુભાવો ૮૫ પ્લસ છે, અને છતાં પણ યુવાન?! હા, આ બન્ને મહાનુભાવોને મળ્યા બાદ કોઇને પણ ખાતરી થઇ જાય કે ઉંમર તો માત્ર આંકડાનો ખેલ છે. માણસની ઉંમર ગમેતેટલી નાની હોય, પણ જો હૈયે હોંસલો ન હોય, જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ ન હોય, કંઇક નવું કરી છૂટવાનો ઉમંગઉલ્લાસ ન હોય તો આવો યુવાન પણ મારી નજરે ‘વૃદ્ધ’ છે અને ઉંમર ગમેતેટલી વધુ હોય છતાં જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ હોય, જિંદગી જીવવાનો જુસ્સો હોય તો તેવી વ્યક્તિ મારી નજરે ‘યુવાન’ છે.
પહેલી વાત ૮૮-૮૯ વર્ષના વડીલની. તેમનું નામ સહેતુક જાહેર નથી કરતો. એક સમયે ભારતથી પૂર્વ આફ્રિકા જઇ વસેલા આ મહાનુભાવ હવે વર્ષનો મોટા ભાગનો સમય ભારત-બ્રિટનમાં વીતાવે છે. ઇચ્છા થાય ત્યારે પોર્ટુગલ કે પૂર્વ આફ્રિકા આંટો મારી આવે એ વાત અલગ છે. પૂર્વ આફ્રિકા અને બ્રિટનમાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસારમાં તેમનું મોટું યોગદાન. દસેક વર્ષ પૂર્વે જીવનસાથી પરધામગમન કરી ગયા છે. બે દીકરા અને બે દીકરીનો ભર્યોભાદર્યો પરિવાર. સંતાનો પરણીને ઠરીઠામ થઇ ગયા છે અને તેમને ત્યાં પણ સંતાનો રમે છે. સાદી ભાષામાં કહું તો વસ્તારી પરિવાર છતાં તેઓ લંડનમાં કિલબર્ન સ્ટેશન નજીક આવેલા પોતીકા ફ્લેટમાં એક સહાયક ભાઇ સાથે એકલા રહે છે. પ્રસંગોપાત પરિવારમાં તેઓ પણ આવતા-જતા રહે અને સ્વજનો પણ આવતા-જતા રહે, પરંતુ રહેવાનું તો એકલું જ. તેમની જરૂરતની બધી સારસંભાળ પેલા સહાયક કહો તો સહાયક અને સેવક કહો તો સેવક રાખે. આ વડીલ અવારનવાર મને ફોન કરે, ખબરઅંતર પૂછે ને અલકમલકની વાતો કરે. દરેક વખતે તેમનું કાયમી આમંત્રણ તો ખરું જઃ ‘સી.બી. બધે ફરતા રહો છો તો ક્યારેક અમારે ત્યાં પણ પધારોને... ચા-પાણી પીશું, સાથે બેસશું, વાતચીત કરશું.’ મને તેમના ઉત્સાહભર્યા અભિગમ માટે બહુ માન.
ગયા શનિવારે ફોન કરીને તેમને ત્યાં પહોંચી ગયો. તેમના ઘરે લગભગ એકાદ કલાક સમય ગાળ્યો. તેમની સાથે સમય વીતાવ્યા પછી કોઇ પણ વ્યક્તિ અનુભવે કે તેમની પાસેથી ઘણુંબધું શીખવા જેવું છે. ન કોઇની કુથલી, ન કોઇની નિંદા. પોતાની શક્ય બને તેટલી સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરે. પરિવારજનોના સુખી સંસારની પણ વાતો કરી. અને તેઓ બધા મળીને કેવી રીતે પોતાની લાગણીસભર કાળજી રાખી રહ્યા છે તેની પણ વાતો કરી. પોતે કેવી રીતે તબિયતની સારસંભાળ લે છે, કેવી રીતે નિરામય સ્વાસ્થયનું જતન કરે છે વગેરે ચર્ચા કરી. વ્યક્તિ હોય કે વસ્તુ - કોઇ પ્રત્યે લેશમાત્ર ફરિયાદ નહીં. જીવનની દરેક બાબત માટે હકારાત્મક અભિગમ. આવા એક યા બીજા કારણસર એકલા રહેતા, જીવન પ્રત્યે સીધો, સરળ અને પોઝિટિવ એટિટ્યુડ ધરાવતા લોકોને મળીએ છીએ ત્યારે લાગે છે જીવન તો આવું જ જીવવું જોઇએ. આવા લોકોનું વ્યક્તિત્વ જ એટલું પ્રભાવશાળી હોય છે કે કોઇ પણ તેનાથી અંજાય જાય.
આવા જ બીજા એક ‘યુવાન’ એટલે ૯૧ વર્ષના સદગૃહસ્થ. એક દીકરો અને એક દીકરી અમેરિકામાં સ્થાયી થયેલા છે. અને બાકીના પરિવારજનો અહીં લંડનમાં જ વસે છે. તાજેતરમાં જ ૯૧મા જન્મદિવસે તેમણે સગાંવ્હાલાંઓને આમંત્ર્યા અને એક સ્કૂલમાં ગીતસંગીતની મહેફિલ સાથે કેક કાપીને તમામને જમાડ્યા. સહુકોઇને ભરપૂર જલ્સો કરાવ્યો. વડીલે સંબોધન પણ કર્યું, અને પરિવારજનો, સંતાનો, ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથેના સંસ્મરણો વાગોળ્યા. તેમની વાતમાં અંશમાત્રનો પણ એવો ઉલ્લેખ નહોતો કે ‘હે ભગવાન, નેંવુ વર્ષ થઇ ગયા છે, પરિવારની લીલી વાડી પણ જોઇ લીધી છે તો હવે મને બોલાવી લે...’ તેમની વાતોમાં સતત આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ, શ્રદ્ધા છલકાતા હતા. જીવન જીવવાનો આ એક અનોખો અભિગમ છે.
અહીં મારે અનોખો શબ્દ વાપરવો પડ્યો છે તેનું કારણ એટલું જ કે તમે સમાજમાં ઘણી વખત લોકોને એવું બોલતાં સાંભળ્યા હશે કે ‘હવે તો ૬૦ (કે ૭૦ કે ૮૦ વર્ષ...) વર્ષ થઇ ગયા છે ઉપરવાળો લઇ લે તો સારું...’ મૃત્યુને બોલાવવાની વાત કરવી એ જ જીવન પ્રત્યેનો નકારાત્મક અભિગમ દર્શાવે છે. આવું બોલતી વખતે વ્યક્તિ એ ભૂલી જાય છે કે મૃત્યુ તેના બોલાવવાથી આવવાનું નથી, અને તેના કહેવાથી આવતું અટકી જવાનું પણ નથી. દરેક વ્યક્તિ આ સનાતન સત્ય જાણે છે આમ છતાં તેને આવું બોલવામાં કોણ જાણે શું મજા આવતી હશે, ભગવાન જાણે... સ્વાસ્થ્યમાં તો ઉતારચઢાવ આવ્યા કરે તેનાથી કંઇ આયુષ્ય ટૂંકાવવાની એષણા ન રાખવાની હોય. માનવદેહ પરમ કૃપાળુ પરમાત્માની ભેટ છે, પરમાત્માની આ ભેટનું કાળજીપૂર્વક જતન કરવું સહુ કોઇની ફરજ છે. આ સંદર્ભે કહું તો મારી દિવાળીની રજાઓ સાચે જ સુધરી ગઇ.
હા, અફસોસ માત્ર એક જ વાતનો છે કે તમને સહુને મળું છું ત્યારે કેટલાયનું નામ યાદ કરતાં ભારે પડી જાય છે. આ મારી મુશ્કેલીને આપ સહુએ સ્વીકારી લીધી છે તે વાતનો મને આનંદ છે. આપ સહુને ફરી એક વખત નૂતન વર્ષાભિનંદન અને આવતા (૨૦૧૭) દિપોત્સવી પર્વની આગોતરી શુભકામનાઓ.

જો જીતા વહી સિકંદર...

આ રજાઓમાં ક્રિકેટની મેચ પણ મજેથી નિહાળી. યજમાન ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ૩-૨થી વન-ડે સિરિઝ જીતી લીધી. અને બાંગ્લાદેશે આપણા ઈંગ્લેન્ડને હરાવીને કમરતોડ ઝાટકો આપ્યો.
ક્રિકેટની રમતની શોધ ભલે ઈંગ્લેન્ડની ધરતી પર થઇ હોય, પરંતુ આજકાલ ક્રિકેટના મેદાનમાં સિક્કા ભારતના નામના પડે છે. આવતા બુધવાર - ૯ નવેમ્બરથી રાજકોટના ક્રિકેટ મેદાનનું નામ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઉમેરાઇ જશે. મહેમાન ઈંગ્લેન્ડ અને યજમાન ભારતની ટીમ વચ્ચે અહીં પહેલી ટેસ્ટ મેચ રમાશે. બાંગ્લાદેશ જેવી ટીમ સામે અણધાર્યા પરાજયથી ઘા ખાઇ ગયેલા ઇંગ્લીશ કેપ્ટન એલિસ્ટર કૂકે તો પાણી પહેલાં જ પાળ બાંધવાનું શરૂ કરી દીધું હોય તેમ લાગે છે. કૂકનું કહેવું છે કે બાંગ્લાદેશની ધરતી પર નામોશીભર્યા પરાજયથી ઈંગ્લીશ ક્રિકેટરો હતોત્સાહ છે. રાજકોટમાં ભારત જેવી દિગ્ગજ ટીમ સામે મેદાનમાં ઉતરતાં કેટલાક ખેલાડીઓના પગ ધ્રુજે છે. વાસ્તવિક્તાનું બયાન કરતા કુકના નિખાલસ અભિગમને બિરદાવવો રહ્યો, પરંતુ સાથોસાથ એ પણ કબૂલવું રહ્યું કે પરાજય ગમેતેટલો મોટો કેમ ન હોય, જુસ્સો બુલંદ રાખવો જોઇએ. આજે એક ડગલું પાછું હટવું પડ્યું છે તો કાલે બે ડગલાં આગળ વધો તે પણ શક્ય છે. રમતમાં એકનો વિજય એટલે બીજાનો પરાજય. હારજીત વગરની રમત જ શક્ય નથી (હા, બાપલ્યા, હા... ડ્રોને અપવાદ ગણીને આ વાત કરું છું...) રમતગમતમાં જય-પરાજય કરતાં વિશેષ મહત્ત્વનો છે જુસ્સો. તમે પ્રતિસ્પર્ધીને કેવી ટક્કર આપો છો તેના આધારે પરાજયનું મૂલ્ય અંકાતું હોય છે. કૂક અને તેના સાથી ખેલાડીઓને એટલું જ કહેવું રહ્યું, બાંગ્લાદેશ સામે ઈંગ્લેન્ડનો પરાજય તેના બહોળા અનુભવ, ક્રિકેટ કૌશલ્યને છાજે તેવો નહોતો.
રમતનું મેદાન હોય કે પછી અન્ય કોઇ ક્ષેત્ર, સૂરજ ક્યારેય સદાકાળ મધ્યાહને તપતો રહેતો નથી. તે ઢળતો જ હોય છે, તેને ઢળવું પડે જ છે. આ ઋતુકાળનું ચક્ર જ જૂઓને... ઋતુઓ આવે છે ને જાય છે, તેમાં ક્યારેય કોઇ રુકાવટ જોવા મળી છે? જીવનમાં પલટો આવવો સહજ છે, કુદરતી છે. જુઓને કુદરતની કરામત. અહીં બ્રિટનની ધરતી શિયાળાનું આગમન થઇ ગયું છે ત્યારે આવોને આપણે સહુ કવિ દલપતરામની આ કવિતા મમળાવીએ. (જૂઓ બોક્સ) ઋતુ અને કુદરત સંદર્ભે તેના ગુણોનું ગાન કરતી આ કવિતાનું ઘણાલોકોએ શાળાકીય અભ્યાસ દરમિયાન પઠન પણ કર્યું હશે.

શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.

ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.

ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર.
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ.
- દલપતરામ

•••

મારું મન મોર બની થનગનાટ કરે...

આજકાલ દુનિયાભરમાં ભારતની બોલબાલા છે. ભારતના આર્થિક, રાજકીય, સામાજિક ક્ષેત્રે આગેકૂચની યુરોપથી માંડીને અમેરિકાના જવાબદાર અખબારી જગતમાં નોંધ લેવાઇ રહી છે. ભારતની આ સિદ્ધિ પર પ્રશંસાના ફૂલડાં વરસાવાઇ રહ્યા છે. પ્રજામાં પ્રચંડ આત્મવિશ્વાસની સાથોસાથ ઉજળા ભવિષ્યનો આશાવાદ પ્રવર્તી રહ્યો છે. આ માટે તો હું એક ભારતીય તરીકે - રવિન્દ્રનાથ ટાગોર રચિત અને - ઝવેરચંદ મેઘાણી દ્વારા અનુવાદિત ગીતની પંક્તિઓ ટાંકીને એટલું જ કહી શકુંઃ
મારું મન મોર બનીને થનગનાટ કરે...
વાત સમાચાર માધ્યમોની અને તેના ભારત પ્રત્યેના અભિગમની ચાલી રહી છે ત્યારે જગવિખ્યાત ધ ઇકોનોમિસ્ટના એક લેખની વાત પણ ટાંકવી જ રહી. સામયિકમાં ભારતીય મુસ્લિમો વિશેનો એક વિગતવાર લેખ પ્રકાશિત થયો છે ‘ઇંડિયાસ મુસ્લિમ્સઃ એન અનસર્ટેઇન કોમ્યુનિટી’. લેખમાં એવો દાવો થયો છે કે ભારતનો સૌથી મોટો લઘુમતી સમુદાય તેમના ભાવિ વિશે અનિશ્ચિતતા અનુભવી રહ્યો છે.
ભારતના મુસ્લિમો
લેખમાં ભારતની વસ્તીના સતાવાર આંકડાઓ ટાંકીને એવો ઉલ્લેખ પણ થયો છે કે ૧૯૫૧માં ભારતમાં મુસ્લિમોની સંખ્યા કુલ વસ્તીના લગભગ ૯ ટકા હતી. મતલબ કે તે સમયે દેશની ૫૫ કરોડની કુલ વસ્તીમાં મુસ્લિમોની સંખ્યા અંદાજે ૩.૫ કરોડ હતી. અત્યારે ભારતની કુલ વસ્તી અંદાજે ૧૨૫ કરોડની છે, જેમાં મુસ્લિમ વસ્તીનો આંકડો વધીને ૧૪.૮ ટકા એટલે કે ૧૭.૨૦ કરોડ થયો છે. વસ્તીની સાથોસાથ લેખમાં મુસ્લિમો અને હિન્દુઓના સાક્ષરતા દરની સરખામણી કરવામાં આવી છે તો વળી આ બન્ને સમુદાયના ગરીબી રેખા નીચે જીવતા લોકોની સરખામણીના આંકડા પણ અપાયા છે. કોષ્ટક અનુસાર ૧૯૯૩-૯૪માં ગરીબી રેખા નીચે જીવતા મુસ્લિમોની ટકાવારી ૫૧.૨ ટકા અને હિન્દુઓની ટકાવારી ૪૫.૬ હતી. જ્યારે ૨૦૧૧-૧૨માં આ આંક ઘટીને મુસ્લિમોમાં ૨૫.૪ ટકા અને હિન્દુઓમાં ૨૧.૯ ટકા થયો છે. ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની ટકાવારીમાં ઘટાડો થયો છે તેનો સીધો મતલબ એવો થયો કે વર્ષોના વહેવા સાથે બન્ને સમુદાયો સમૃદ્ધ બન્યા છે.
લેખમાં એવો પણ દાવો થયો છે કે ૧૯૪૭માં આઝાદી બાદ ભારતની મુસ્લિમો પ્રત્યેની સદભાવનામાં વર્ષોવર્ષ ઘટાડો થતો રહ્યો છે. તેમની સામેની હિંસામાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ અન્ય મોરચે તેમને સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. ૨૦૦૬માં મુસ્લિમ હોવાના વધી રહેલા ગેરલાભોનો ઉલ્લેખ કરતો એક દળદાર રિપોર્ટ તૈયાર થયો હતો, જેનો ઉલ્લેખ પણ લેખમાં છે. રિપોર્ટ અનુસાર, બહુ જૂજ લશ્કરી અધિકારીઓ મુસ્લિમ છે. પોલીસમાં પણ ઉચ્ચ હોદ્દા પર તેમની સંખ્યા નજીવી છે. મુસ્લિમો સરેરાશ ગરીબ છે, જાતીગત ભેદભાવનો ભોગ બનવાનું જોખમ વધુ હોય છે, અને સામાન્ય પ્રજા કરતાં તેમનો સાક્ષરતા દર પણ ઓછો જોવા મળે છે. ટોચની યુનિવર્સિટીઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા બે ટકા માંડ જોવા મળે છે. દસકા પછી, ૨૦૧૬માં, પણ આ સ્થિતિમાં સુધારો થતો હોવાનું જણાયું નથી. ઊલટાનું ૨૦૧૪માં હિન્દુ વિચારસરણી ધરાવતા ભાજપના વિજય પછી તો આ સ્થિતિ વધુ કથળી હોવાનો દાવો કરીને લેખમાં જણાવાયું છે કે આજે ૭૫ સભ્યોના પ્રધાનમંડળમાં માત્ર બે મુસ્લિમ પ્રધાનો છે. સ્વાતંત્ર્ય બાદ પ્રધાનમંડળમાં મુસ્લિમોનું આ સૌથી ઓછું પ્રતિનિધિત્વ છે - દેશમાં મુસ્લિમોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં. વર્તમાન ભાજપ સરકાર તલાક પ્રથા અને કોમન સિવિલ કોડના અમલ મામલે મતબેન્કને મજબૂત બનાવવાના ઇરાદા સાથે પગલાં લઇ રહી છે. શાસકો આવા પગલાં ભરીને મુસ્લિમ કટ્ટરવાદીઓને ઉશ્કેરી રહ્યા છે, જેથી હિન્દુઓ એકતા માટે પ્રેરાય. વગેરે વગેરે... આ બધી વાતો થઇ ઇકોનોમિસ્ટના લેખમાં થયેલી રજૂઆતની.
થોડામાં ઘણું કહીએ તો, લેખમાં ભારતમાં વસતો મુસ્લિમ સમુદાય બહોળી વસ્તી છતાં પ્રગતિમાં પાછળ પડી રહ્યો છે, ભવિષ્ય અંગે અનિશ્ચિતતા અનુભવી રહ્યો છે વગેરે મુદ્દે ભારોભાર ચિંતા વ્યક્ત થઇ છે.
વાચક મિત્રો, અમુક મુદ્દે ઇકોનોમિસ્ટની વાત સાચી કરે છે - જેમ કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. ભારતમાં મુસ્લિમો પર જોરજુલમ થતા નથી. તેઓ (પાકિસ્તાનમાં વારંવાર બને છે તેમ) આતંકવાદનો ભોગ બનતા નથી, વગેરે. જોકે લેખમાં મુસ્લિમ સમુદાય વિશે રજૂ થયેલી ચિંતા સાચી છે કે ખોટી એ તો તમે આગળની હકીકત વાંચીને જાતે જ નક્કી કરી લેજો.
લેખમાં જણાવાયું છે કે લશ્કરથી માંડીને પોલીસ દળમાં ઉચ્ચ હોદ્દાઓ પર મુસ્લિમોની સંખ્યા નહીંવત્ જોવા મળે છે. આનો જવાબ લેખમાં જ છેઃ મુસ્લિમોમાં સાક્ષરતા દર નીચો છે. એક ચાર્ટમાં મુસ્લિમ અને હિન્દુ સમુદાયના સાક્ષરતા દરની સરખામણી કરવામાં આવી છે તેના પરથી આ સ્પષ્ટ થાય છે. જો સાક્ષરતા દર જ નીચો હોય તો તેઓ ઉચ્ચ હોદ્દાઓ પર કઇ રીતે પહોંચવાના? બીજી વાત છે, ‘હિન્દુવાદી’ ભાજપ સરકારના પ્રધાનમંડળમાં મુસ્લિમ સભ્યોની સંખ્યા માત્ર બે છે. પરંતુ ઇકોનોમિસ્ટ એ વાત કેમ ચૂકી ગયું કે જેઓ (સંસદમાં) ચૂંટાતા હોય છે તેમને જ પ્રધાનપદે બેસવાની તક મળી શકે છે. સ્વાતંત્ર્યોતર ભારતના પ્રધાનમંડળમાં મુસ્લિમોનું આ સૌથી ઓછું પ્રતિનિધિત્વ છે એ સાચું, પરંતુ તેમણે એ ન ભૂલવું જોઇએ કે આ ‘હિન્દુવાદી’ પક્ષમાં પ્રવક્તા જેવી સૌથી મહત્ત્વની જવાબદારીઓ મુસ્લિમ નેતાઓ સંભાળતા રહ્યા છે. અરે, રાષ્ટ્રપતિપદે ‘મિસાઇલમેન’ ડો. અબ્દુલ કલામની પસંદગી ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે જ કરી હતી. લેખમાં જણાવાયું છે કે જમ્મુ અને કાશ્મીરમાં હિંસક માહોલ છતાં સરકાર કોઇની સાથે (વાંચો અલગતાવાદીઓ સાથે) મંત્રણા કરવા તૈયાર નથી, પરંતુ ઇકોનોમિસ્ટે એ ઉલ્લેખ ટાળ્યો છે કે ગૃહ પ્રધાન રાજનાથ સિંહના નેતૃત્વ હેઠળનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ અલગતાવાદીઓ સાથે મંત્રણા કરવાની તૈયારી સાથે છેક કાશ્મીર ગયું હતું, પરંતુ અલગતાવાદીઓએ તેમને ઘરના આંગણેથી પાછા કાઢ્યા હતા.

વિદ્યાધન છે સાચું...

કોઇ પણ દેશમાં વ્યક્તિના વિકાસ માટે શિક્ષણ એ પાયાની જરૂરત છે. એટલું જ નહીં, પણ વિકાસ માર્ગે પ્રસ્થાનમાં શિક્ષણ પાયાની જરૂરત છે. જમ્મુ અને કાશ્મીર ખીણ પ્રદેશમાંથી મળતા છેલ્લા અહેવાલો અત્યંત ચિંતાજનક અને દુખદાયક ગણી શકાય. અહીં કેટલાક અલગતાવાદી તત્વો શાળા-કોલેજોને આગચંપી કરી રહ્યા છે. પોતાના પગ પર જ કુહાડો મારવાની આ નાપાક પ્રવૃત્તિ બંધ થવી જ જોઇએ. સત્વરે જ. (વધુ માટે વાંચો તંત્રીલેખ પાન ૧૦)
‘ધ ઇકોનોમિસ્ટ’ જેવા સામયિકો ભારતે આમ કરવું જોઇએ અથવા આ બાબત કચાશ છે અને આ બાબત નબળાઇ છે તેવું આંગણી ચિંધામણ કરતા રહ્યા છે. આવા સલાહસૂચનમાં કશું જ ખરાબ નથી, પણ ઘરઆંગણે બ્રિટનમાં પણ એવી કેટલીય સમસ્યા છે જે અત્યારે હલ થવી જ જોઇએ. ભારત કે એવા કોઇ વિકસિત દેશોમાં અમુક વર્તુળો જ શાળાઓ જલાવી દેવામાં રચ્યાપચ્યા રહેતા હોય તો દરેક વ્યક્તિ કે સમાચાર માધ્યમોએ આ લોકોની કડક શબ્દોમાં નિંદા કરીને તેમને વખોડી કાઢવા જોઇએ. તેમને શાળા-કોલેજો સળગાવતા અટકાવવા પ્રયાસ થવો જોઇએ.
ગયા શુક્રવારે લોર્ડ ગુલામ નૂનની સ્મૃતિમાં યોજાયેલા એક લંચમાં સામેલ થવાનો મને અવસર સાંપડ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત કેટલાક મુસ્લિમ અગ્રણીઓ સાથે પણ મારે મુસ્લિમ સમુદાયમાં શિક્ષણના મુદ્દે પણ ચર્ચા થઇ. આ અગ્રણીઓની વાતનો પણ એવો જ સૂર હતો કે સદ્ગત લોર્ડ નૂને બ્રિટનમાં અને ભારતમાં વસતાં મુસ્લિમ સમુદાયમાં શિક્ષણના પ્રચાર-પ્રસાર માટે આપેલું યોગદાન પ્રશંસનીય છે. તેઓ જાણતા અને સમજતા હતા કે સમાજ કોઇ પણ હોય, વિના શિક્ષણ નહીં ઉદ્ધાર. સમાજનો શિક્ષણનો પાયો મજબૂત હશે. મુસ્લિમ સમુદાયના આ અગ્રણીઓએ એવી પણ લાગણી વ્યક્ત કરી હતી કે બ્રિટન હોય કે ભારત અનેક મસ્જિદો છે, ઇસ્લામનું શિક્ષણ આપતી શાળાઓ પણ છે. સમાજના બાળકો કુરાન કંઠસ્થ કરે તેનો વાંધો નથી, પરંતુ સાથે સાથે તેઓ વિજ્ઞાન-ટેક્નોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, એન્જિનિયરિંગ સહિતની શિક્ષણ શાખાઓમાં પણ રસ રાખે તે પણ આજના સમયની જરૂર છે. કમનસીબે મુલ્લા-મૌલવીઓએ સમાજને એવો ભરડો લીધો છે કે સમાજનો વિકાસ રુંધાઇ ગયો છે. ઇકોનોમિસ્ટ ક્યારેક મુસ્લિમ સમુદાયનો વિકાસ રુંધતા આવા પરિબળો પર પ્રકાશ પાડતો લેખ લખશે તો વાંચવાનું ગમશે. વાચક મિત્રો, આપનું શું માનવું છે?  (વધુ માટે જુઓ તંત્રીલેખ - Asian Voice, Page-5) (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter