પરાક્રમી પ્રજા માટે પ્રાણવાન પરિબળો

Tuesday 11th August 2015 13:31 EDT
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે શનિવારે જીવંત પંથને શબ્દ દેહ સાંપડી રહ્યો છે. આવતી કાલે ૯ ઓગષ્ટ છેને! ‘હિંદ છોડો’ યાદ કરીએ. વહેલી સવારથી કેટલાક ગીતો કાનમાં ગુંજી રહ્યા છે. ‘સહુ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે..’, ‘ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે..’, ‘કોઇનો લાડકવાયો’, ‘શિવાજીનું હાલરડું...’ આ અને આવા અમર ગીતો આજે મને યાદ આવ્યા. કેમ? આવતા શનિવારે જ્યારે આપ સહુ વાચકોના કરકમળમાં આ અંક સાદર થશે ત્યારે ૬૯મો સ્વાતંત્ર્ય દિન ઉજવાતો હશે. બરાબર સાત દિવસ બાદ વડા પ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પરથી સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બીજું પ્રવચન લલકાર્યું હશે. સ્વાતંત્ર્ય દિનને તો ૬૮ વર્ષ પૂરા થઇ રહ્યા છે, પણ પૂર્ણ સ્વરાજની ઘોષણા તો ૧૯૨૯ની ૨૯મી જાન્યુઆરીએ જ થઇ ગઇ હતીને? સ્વાતંત્રસંગ્રામનું બ્યુગલ આમ જૂઓ તો ૧૮૫૭ના બળવા વખતે જ વાગી ગયું હતું.
ભારતીય માનસમાં નવા યુગનો પવન ફૂંકાયો હતો તે (આધુનિક) સમયગાળો ૧૯મી સદીના મધ્ય ભાગનો હતો. તે પહેલાં તો કવિ દલપતરામે ગાયું હતું એમ ‘હરખ હવે તું હિન્દુસ્તાન...’ એ જ આપણું માનસ હતું. પણ આપણા સહુના સદભાગ્યે સ્વામી વિવેકાનંદ, અરવિંદ ઘોષ, સુભાષચંદ્ર બોઝ, જેવા નરબંકા બંગભૂમિમાંથી પધાર્યા, ગુજરાતની ધરતીમાંથી મોહનદાસ કરમચંદ ગાંધી, સરદાર પટેલ (અને હવે નરેન્દ્ર મોદી) આવ્યા. મહારાષ્ટ્રમાંથી બાળ ગંગાધર ટીળક, ગોપાલકૃષ્ણ ગોખલેએ પ્રદાન આપ્યું તો દક્ષિણ ભારતમાંથી સી. રાજગોપાલાચારી (જેઓ બાદમાં દેશના પ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા), કે. કામરાજ, સી. એસ. સત્યમૂર્તિ, કસ્તુરી રંગા આયંગર વગેરે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. ઉત્તરમાંથી લાલા લજપતરાય, મદનમોહન માલવિયા જેવા મહામાનવો.... કેટકેટલા વ્યક્તિવિશેષોનું નેતૃત્વ, દિશાનિર્દેશ અને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓનું બલિદાન દેશને આઝાદીના પંથે દોરી ગયું.
આ તો બધા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલા લોકોની વાત કરી. પરંતુ હમણાં જ જેમણે આપણા વચ્ચેથી પ્રત્યક્ષ વિદાય લીધી છે તેવા કલામસાહેબને કેમ ભૂલી શકીએ? ‘મિસાઇલ મેન’ તરીકે લોકહૃદયમાં વસતા ડો. એ. પી. જે. અબ્દુલ કલામે દેશની યુવા પેઢીમાં વૈચારિક ક્રાંતિ આણવામાં જે પ્રદાન આપ્યું છે તેને સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રદાન કરતાં લેશમાત્ર ઓછું આંકી શકાય તેમ નથી. તેઓ હંમેશા કહેતા કે ભારતે કદી કોઇ દેશ પર આક્રમણ કરીને તેનો કોઇ ભાગ કે હિસ્સો આંચકી લીધો નથી, પરંતુ ભારતે આ યુગના આયુધોથી સજ્જ તો રહેવું જ પડે. શાંતિ અને સ્વરક્ષણ માટે સાબદા રહેવું જરૂરી છે. ભારતે વાજપેયી સરકારના શાસનકાળ દરમિયાન પોખરણમાં કરેલા અણુ પરીક્ષણોના તેઓ મુખ્ય પ્રેરકબળ રહ્યા હતા.
વાચક મિત્રો, તમે કહી શકો કે ભારતને સ્વાતંત્ર્ય મળ્યાને ભલે છ દસકા કરતાં પણ વધુ સમય વીતી ગયો હોય, પણ સાચા અર્થમાં અદના આદમી સુધી તેના લાભ પહોંચ્યા નથી. જ્યાં સુધી આર્થિક, સામાજિક કે પછી અન્ય પ્રકારે દરેક ભારતીય - કોમ, જ્ઞાતિ, જાતિ, ધર્મ, ઊંચનીચ જેવા અવરોધો ઓળંગીને - ખભેખભા મિલાવીને પ્રગતિના પંથે કદમ ન માંડી શકે ત્યાં સુધી આઝાદીની વાતો બોદી જ ગણાય.
મેં લેખની શરૂઆતના ભાગમાં સ્વાતંત્ર્ય કાળના કેટલાક શૌર્ય ગીતોનો ઉલ્લેખ કર્યો છે. તે સમયે લોકહૈયામાં વસતાં આ જુસ્સાદાર ગીતોને આજે યાદ કરાવવાનું કામ કોનું? પત્રકારનું, કથાકારનું, કલાકારનું, શિક્ષકનું, ધર્મગુરુનું, પૈસાપાત્રનું અને મારા-તમારા જેવા આમ આદમીનું પણ ખરું જ. આપણે સહુ પોતપોતાના નેતા તો ખરા કે નહીં?
આપણને આપણી માતાએ પોતાના ઉદરમાં નવ-નવ માસ પાળ્યાપોષ્યા. આપણો ભાર સહન કર્યો. શા માટે? આપણા જન્મ બાદ માનવવિકાસ ગાથાને વધુ વેગ મળે તેવી આશા સાથે. આપણી પ્રગતિ, વિકાસ માત્ર આર્થિક કે ભૌતિક બાબતો પૂરતા સીમિત નથી. એવું હોય પણ શકે નહીં.
હું પત્રકારત્વના ક્ષેત્ર સાથે ચાર દસકાઓથી સંકળાયેલો છું એટલે આ ક્ષેત્રની વાત જરા વિશદ્ છણાવટ સાથે કરી શકું. જો પત્રકાર ચાર ચાંદીના ટુકડા માટે પીળું પત્રકારત્વ કરવા તૈયાર હોય, અસ્વીકાર્ય અને અસામાજિક તેમ જ વાચકને પરવશ બનાવે તેવી જાહેરાતો સ્વીકારવા તથા તેને પ્રકાશિત કરવા તૈયાર હોય, કોઇ સરકારી કે તેવા માન-સન્માન-ઇલ્કાબ માટે પોતાનું સ્વમાન કોરાણે મૂકીને કોઇની પણ દાઢીમાં હાથ નાખવા તૈયાર હોય અથવા તો પછી સમાજના હિતને નુકસાનકારક કોઇ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તો તે સાચા અર્થમાં પત્રકાર નથી.
કોઇ શિક્ષક, પરિવારનો વડીલ કે પછી કોઇ ધર્મગુરુ પોતાના મનોરથને પૂરા કરવા માટે જે મૂલ્યો લક્ષમાં રાખવા જોઇએ તેની અવગણના કરે,
કાળાં કર્મ અને કાળાં નાણાં પ્રત્યે આંખ મિંચામણા કરે તો પોતાના પદને અશોભનીય નથી, પણ ખતરનાક છે.
સાચું શિક્ષણ - કાયમી કેળવણી
ગુરુવારે ઇંગ્લેન્ડમાં A લેવલ પરીક્ષાના પરિણામ બહાર પડશે. લાખો આશાવંત વિદ્યાર્થીઓમાં હજારોની સંખ્યામાં આપણા સંતાનો પણ આ પરીક્ષામાં પરિણામ મેળવશે. એજ્યુકેશન ખાતાએ અત્યારથી ઘોષણા કરી છે કે આ જનરેશનમાં અત્યારના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ ગણી શકાય.
કેટલાય અભ્યાસોમાં પુરવાર થયું છે કે ભારતીય સહિત એશિયનો શિક્ષણમાં ખૂબ સારો દેખાવ કરી રહ્યા છે.
શાળા-કોલેજોમાં અત્યારે લાંબી રજા ચાલી રહી છે. બ્રિટનમાં ઠેર ઠેર કથા-કિર્તન, પારાયણ, સત્સંગ વગેરે યોજાય રહ્યા છે. હજારોની સંખ્યામાં ધર્મપ્રેમીઓ ઉમટે છે. તેનો લાભ મેળવે છે, પરંતુ આ શ્રોતાગણમાં કિશોર વયના કે યુવા વયના જવલ્લે જ જોવા મળે છે. આ હકીકત છે. જોકે આમાં વાંક આ જુવાનિયાઓનો નથી, પણ આવા આયોજન કરનાર નેતાગીરીની કચાશ મુખ્ય કારણ કહી શકાય. એક ભવ્ય પારાયણનું આયોજન થયું હતું. વિશાળ પ્રાંગણ હતું. મેં નમ્ર સુચન કર્યું. મુખ્ય માર્કીથી સહેજ દૂર, પણ આ જ ગ્રાઉન્ડમાં એક માર્કી કિશોર-કિશોરીઓ માટે રાખવામાં આવે. અહીં તેમને મનોરંજન મળે, તેમને રસ પડે તેવા કાર્યક્રમો રાખવા જોઇએ. આવું કેમ થતું નથી? આપણું યુવાધન આપણા સંસ્કાર-વારસા અને શક્તિસભર ધર્મપરંપરાથી વિમુખ થાય એ આપણને પોષાય ખરું?
માતા શત્રુ, પિતા વેરી, યેન બાલો ન પાઠીતાઃ
સંસ્કૃત સુભાષિત અનુસાર જો આપણી યુવા પેઢીની સેવામાં આપણે ઉણાં ઉતરીએ તો સાચા અર્થમાં તેમનું અહિત આપણે જ કર્યું ગણાય.  તાજેતરમાં મધ્ય લંડનમાં એક પોશ રેસ્ટોરામાં લંચમાં જવાનું થયું. વ્યક્તિદીઠ ૯૫ પાઉન્ડનો ખર્ચ હતો. હું તો મહેમાન એટલે મારે ફક્ત વાતોનાં વડાં કરવાના હતા. મુખ્ય વિષય હતો કે જો ભારતીયોની પ્રથમ પેઢીએ ખૂબ સારી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો હવેની યુવાન પેઢી માટે શું થઇ રહ્યું છે?

ઇસ્માઇલી ખોજા, ઇસ્નાસરી, વ્હોરા તેમ જ ભારતીય ખ્રિસ્તી સમુદાય આ વિશે, પોતપોતાની રીતે ખૂબ સક્રિય જોવા મળે છે. વાચક મિત્રો, આપને આનંદ થશે કે આવી આપણી અલ્પ સંખ્યક કોમના સેંકડો બાળકો માટે આ રજાઓ દરમિયાન ક્યાંક રિટ્રિટના વ્યવસ્થિત કાર્યક્રમ યોજાય છે. સૌથી સંગીન કાર્યસૂચિ ઇસ્માઇલી ખોજા અને ઇસ્નાસરીની હોવા અંગે મને જણાવાયું. આવા બધા કાર્યક્રમોમાં માત્ર જે તે કોમના જ હાજરી આપે છે એટલે મારી પ્રાથમિક જાણકારી બહુ ઓછી છે.
જોકે આ બેઠકમાં યોગાનુયોગ મુંબઇમાં ઉછરેલો એક પંજાબી યુવાન મને મળી ગયો. તેઓ આજે એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં ઉચ્ચ હોદ્દે બિરાજમાન છે. ત્રણેક કલાકની આ ગોષ્ઠીમાં યોગાનુયોગ ૯ ઓગસ્ટ, ક્રાંતિ દિનની વાત નીકળી. મુંબઇનું ગામદેવી વિસ્તારનું મણિ ભુવન મેં યાદ કર્યું. ૪૦ વર્ષના યુવાનના ચહેરા પર તેજ આવી ગયું. મેં સ્વાતંત્ર્ય સેનાની ઉષા મહેતાની વાત કરી કે તરત તેણે કહ્યું કે હું તેમના વિશે જાણું છું. હું આ જ વિસ્તારમાં તો ઉછર્યો છું. મને મારાં માતા-પિતાએ તેમના વિશે ઘણી બધી જાણકારી આપી છે.
૯ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ હજારો પોલીસ અને લશ્કરી જવાનોએ આ વિસ્તારને ઘેરો ઘાલ્યો હતો. તિરંગો ફરકાવવા પર પ્રતિબંધ હતો, પણ ઉષાબહેન નામની એકવડા બાંધાની યુવતી સાડીનો કછોટો મારીને મણિ ભુવન ઉપર ચઢી ગઇ અને તિરંગો ફરકાવી દીધો. પોલીસ અને લશ્કરના જવાનો જોતાં જ રહી ગયા. હજારોની મેદનીએ જયનાદ કરીને વાતાવરણ ગજાવી મૂક્યું.
આપણી ધર્મસભાઓમાં મહાભારત, શ્રીમદ્ ભાગવદ્, રામાયણ વગેરેની વાતો થાય છે તેમાં કશું ખોટું નથી, પણ આધુનિક ભારતના ઇતિહાસમાં સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે આપણે આપણા સંતાનોને જેટલું વધારે જણાવીએ તેટલી વધુ સ્વઓળખ અને ખુમારી પ્રાપ્ત થશે. ત્યાગ, સેવા, પ્રેમ એ બધી બાબત અગત્યની છે. આ અંગેનો બોધ આપનાર ભલે ઉપદેશમાં પારંગત હોય, પણ જે યુવા પેઢી હોય છે તે ખાસ જોતી હોય છે કે ઉપદેશ આપનારી વ્યક્તિના આચરણમાં તેનો અમલ દેખાય છે કે નહીં. શાંતિ મંત્રની વાત કરતાં ક્રાંતિ મંત્ર આપણી યુવા પેઢીને વધુ ગમે છે તેમ મારું નમ્ર મંતવ્ય છે. ઢોંગ, પલાયનવાદ થકી આપણા યુવક-યુવતીઓને લાગણીવશ કરવા કે તેમને અપચો થાય તેવો બોધ આપવો તેના કરતાં આ સાથે જે ચારેક ગીતો રજૂ કર્યા છે તે ગાવા, સંભળાવવા, તેના અર્થ સમજાવવા તે કદાચ વધુ શકવર્તી શિક્ષણ, કેળવણી હોય શકે. એમ મારું નમ્રપણે માનવું છે.
જય હિન્દ. ભારત માતા કી જય. જય બ્રિટન... (ક્રમશઃ)

•••

સહુ ચાલો જીતવા જંગ, બ્યુગલો વાગે!

- કવિ નર્મદ
સહુ ચાલો જીતવા જંગ, બ્યુગલો વાગે!
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
ચલો શું વાર લગાડો, ચલો નીડર રણમાં,
ધસી પડો શત્રુ પર નહિતર મરી જશો ક્ષણમાં

(એણે પ્રજાને પાનો ચઢાવ્યો)

સજો સજો સહુ શૂર, દેશ હિત કાજે સજતાં,
સાર્થક જીવ્યુ થાય, જુદ્ધમાં રંગે મચતાં

સંકટ થી જે બીહે, બાયલો કાયર ભૂંડો
પુરુષ છતે સ્ત્રી તેહ, એટલું કે નવ ચૂડો

(નર્મદને સદા યુદ્ધ ઘોષણા જ સંભળાય છે.)

શંખનાદ સંભળાયે ભૈયા, શુર પુરષને તેડું હો
કારી કારમો ઉગ્ર ઉછળતો રણનો મુજને લાગે હો

(યુદ્ધે ચઢેલાં સૈનિકોનાં ઉત્સાહને તે વર્ણવે છે.)

પ્રભાત પ્હોરે લાભ ચોઘડીયે, મંગળ વાજું વાજે
ઉદાર યોદ્ધા રણમાં ઉતરે સ્વદેશ કેરી દાઝે,
હાર્યા જનનો હો, રણ રંગ રાખવા હો

(યુદ્ધમાં થતા મૃત્યુનો એ મહિમા ગાય છે.)

રણમાં મુઆ તો એ રૂડું દાસપણાથી છુટશુ હો,
ગત પ્રાણીને બંધનનું નથી,ભય કો રીતનું કશું હો.
મરશું પણ વારસને માટે વૈર વારસું મૂકી,
એ પણ પાછા મંથન કરશે તન મન ધનથી ઝૂકી.
•••
ડંકો વાગ્યો
- ફૂલચંદભાઈ શાહ નડિયાદ
(મધ્ય ગુજરાતના એક અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની
અને પ્રસિદ્ધ પત્રકાર ચંદ્રકાંત શાહના પિતાશ્રી)

ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે
શૂરા જાગજો રે કાયર ભાગજો રે

ડંકો વાગ્યો ભારતની બ્હેનો જાગજો રે
બ્હેનો જાગજો રે વિદેશી ત્યાગજો રે

કાઢી નાખો વિદેશી વસ્ત્રો આજથી રે
આજથી રે ખરા ત્યાગથી રે

માથું મેલો સાચવવા સાચી ટેકને રે
સાચી ટેકને રે સાચી ટેકને રે

તોડી પાડો સરકારી જુલમી કાયદા રે
જુલમી કાયદા રે જુલમી કાયદા રે

ભારતમુક્તિને કાજે કાયા હોમજો રે
કાયા હોમજો રે કાયા હોમજો રે
•••
શીવાજીનું હાલરડું
- ઝવેરચંદ મેઘાણી
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (૨)

બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી...શિવાજીને...

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશ...શિવાજીને...

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા...શિવાજીને...

પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશ...શિવાજીને...

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની...શિવાજીને...

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !...શિવાજીને...

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે...શિવાજીને...

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે...શિવાજીને...

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીર પથારી
પાથરશે વીશભુજાળી...શિવાજીને...

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા...શિવાજીને...

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા...શિવાજીને...

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે.
•••
કોઈનો લાડકવાયો
- ઝવેરચંદ મેઘાણી
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિની ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇના લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-દીપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપાળે-ભાલે ધરજો ચુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter