પહેલું સુખ તે જાતે તર્યા...

સી. બી. પટેલ Tuesday 28th June 2016 13:11 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, યુરોપના એકીકરણ માટે છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલા પ્રયાસોમાં ૨૩ જૂને જાણે ધરતીકંપ થયો છે. છેલ્લા ૪૩ વર્ષથી યુરોપિયન યુનિયનના મહત્ત્વના સભ્ય રહેલા બ્રિટને હવે તેની સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો છે. ૨૮ દેશોના સંગઠન એવા યુરોપિયન યુનિયન (ઇયુ)માં બ્રિટન મોડું મોડું છેક ’૭૩માં જોડાયું. બ્રિટન આ ક્લબનું મેમ્બર થયું તે અગાઉ પણ દેશવાસીઓનો એક વર્ગ આ મામલે હિચકિચાટ અનુભવતો રહ્યો છે. આ માટે બ્રિટિશ પ્રજા બીજા યુરોપિયન દેશો કરતાં કદાચ પોતાને અલગ કક્ષાના, ઊંચા પ્રકારના ગણતી હોવાનું પણ એક કારણ માની શકાય. આ સિવાય બીજા પણ કારણો હોય શકે છે.
ઇસવી સન ૧૦૬૬ બાદ કોઇ વિદેશી સત્તાએ બ્રિટન ઉપર આક્રમણ કરી કદી કબજો જમાવ્યો નથી. તે હકીકત છે. ઇંગ્લેન્ડના સાઉથ ઇસ્ટ વિસ્તારમાં (લંડનથી દક્ષિણમાં) દરિયાકિનારે હેસ્ટીંગ્સ નામનું નગર છે. ફ્રાન્સના નોર્મન્ડી પરગણાના વિલિયમે (રાજા કાઠિયાવાડમાં ‘ઠાકોર’ કહેવાય તેવા) ૧૦૬૬માં દરિયાઇ માર્ગે લગભગ ૪૦ માઇલની ઇંગ્લિશ ચેનલ ઓળંગી હેસ્ટીંગ્સ પર હુમલો કર્યો હતો. બ્રિટન પર પરદેશી શાસન માટે કારણભૂત બન્યો હોય તેવો આ છેલ્લો હુમલો હતો.
આ પછી અલગ અલગ જાતિઓ કે દેશોએ યુરોપની તળભૂમિ ઉપર, ઇંગ્લેન્ડ ઉપર રાજ કરવા પ્રયાસ તો કર્યો છે, પણ તેઓ ફાવ્યા નથી. છેલ્લો હુમલો જર્મનીના સરમુખત્યાર હિટલરે કર્યો. બ્રિટનને હરાવવાના ઉદ્દેશથી ૧૯૩૯માં જર્મનીએ બીજું વિશ્વ યુદ્ધ શરૂ કર્યું, પણ છ વર્ષમાં તેને હવેલી લેતાં ગુજરાત ખોવાનો વારો આવ્યો હતો. બર્લિનના ભોંયરામાં સ્ત્રીમિત્ર સાથે છુપાયેલા સરમુખત્યારને વખ ઘોળવાનો વારો આવ્યો હતો. જર્મની હાર્યું. બિનશરતી શરણાગતિ સ્વીકારવી પડી.
અગાઉ ભૂતકાળમાં, ૨૦૦૦ વર્ષ પૂર્વે રોમન સામ્રાજ્ય બ્રિટન ઉપર છવાયું હતું અને તેણે લગભગ આખા બ્રિટન અને આયરલેન્ડ ઉપર લગભગ ૭૦૦ વર્ષ રાજ કર્યું હતું. ૧૦૬૬ પછી યુરોપિયન દેશોમાં ઉથલપાથલ થઇ છે તેવી બ્રિટનમાં થઇ નથી. આથી અત્રેની પ્રજા જુદા પ્રકારનું સ્વાતંત્ર્ય ઇચ્છે છે. આ માટે જ પહેલાં અને બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટિશ સૈનિકોનું લોહી વહાવવા દેશ તત્પર હતો તે આ દેશની ખુમારી દર્શાવે છે.
જોકે ૨૩ જૂન, ૨૦૧૬ના રોજ ઇયુમાંથી નીકળી જવાનો પાતળી બહુમતીએ જે નિર્ણય લેવાયો તેને ઘણા લોકો સામૂહિક સમુરાઇ જેવો ગણાવે છે. જાપાનમાં એક વિશિષ્ટ પરંપરા છે, ખાસ તો કોઇ મોટી વ્યક્તિ પછી તે વેપાર-ઉદ્યોગ ક્ષેત્રની, રાજકારણની કે સામાજિક ક્ષેત્રની, તેને કોઇ પણ કારણસર નીચાજોણું થાય અને જીવન ટૂંકાવવાની વેળા આવે તો તે બેધારી તલવારને પોતાના પેટ કે ગળામાં ભોંકી દઇને જીવનનો અંત આણે છે. બ્રેક્ઝિટના મામલે બ્રિટને આવું જ કંઇક કર્યું છે. લોકોએ ૫૨ (બાવન) વિરુદ્ધ ૪૮ ટકાથી ચુકાદો આપીને ભારે જોખમ નોંતર્યું છે. તેમ પણ ઘણા માને છે.
ટૂંકમાં, જનમતના આ ચુકાદાને આર્થિક, રાજદ્વારી સંબંધોથી માંડીને આંતરરાષ્ટ્રીય પ્રભાવના સંદર્ભમાં અને ભાવિ શાંતિમય સહઅસ્તિત્વના દૃષ્ટિકોણથી મૂલવવામાં આવે તો ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સાથોસાથ રંગદ્વેષ, ઇમિગ્રન્ટ્સ સહિતના મુદ્દાઓ જે પ્રકારે ચગાવાયા, ચર્ચાયા તેમાં સમાજના એક અસહિષ્ણુ વર્ગે પોતાની મેલી મુરાદ બર લાવવા પણ પ્રયાસ કર્યો છે.

•••

૪૮ વિરુદ્ધ ૫૨

ઇયુમાંથી નીકળી જવાના મુદ્દા સાથે Ukip (United Kingdom Independence Party)ના વડા નાઇજેલ ફરાજ લાંબા સમયથી હોબાળો મચાવતા હતા. ગમે તે થાય ઇયુમાંથી નીકળી જ જવું જોઇએ એવું તેઓ કહેતા આવ્યા છે. બે મહિના પૂર્વે તેમણે કહ્યું હતું કે ૪૮ વિરુદ્ધ ૫૨ ટકાથી રિમેઇન કે લિવ જૂથ વિજયી બને તો તેવા સંજોગોમાં સરસાઇ બહુ પાતળી ગણાય. આટલું કહીને તેમણે ઉમેર્યું હતું કે આ નિર્ણય બંધનકર્તા ન ગણી શકાય. પરંતુ હવે તેમની ભારે બૂરી વલે થઇ છે. ફરાજ બરાબર ફસાયા છે.
રિમેઇનને ૪૮ ટકા મત મળ્યા છે તેની સામે લિવ જૂથને ૫૨ ટકા મળ્યા છે. તેમણે તો પોતાની માગણીના સમર્થનમાં પરિણામ આવી રહ્યું હોવાના સંકેત મળતાં સવારે જ જાહેર કરી દીધુંઃ ‘આપણે સ્વતંત્ર છીએ...’ અને લોકોએ પણ ખુશીની કિલકારીઓ પાડીને તેમની જાહેરાતને વધાવી લીધી હતી. તેમના શબ્દો હતાઃ Now we are independent... ગાંડાના તે કંઇ ગામ વસતા હશે?!
વાચક મિત્રો, નવાઇની વાત એ છે કે રાત્રે ૧૦ વાગ્યે મતદાન પૂરું થયું અને પ્રારંભિક અહેવાલ આવ્યો કે રિમેઇન છાવણી જોરમાં છે. આથી નાઇજેલ ફરાજે જાહેર કર્યું કે અમે હારી રહ્યા છીએ. આ સમયે તેમના શબ્દો હતાઃ I concede... હું (હાર) કબૂલું છું.
જોકે બાદમાં સન્ડરલેન્ડ અને ન્યૂ કાસલના પરિણામો જાહેર થયા અને તેમને લાગ્યું કે ઇન કરતાં આઉટ જૂથ જોરમાં છે ત્યારે ફરાજે ફરી પલ્ટી મારી. તેમણે જાહેર કર્યુંઃ I unconcede... હું (હાર) સ્વીકારતો નથી. ફરાજ પોતાના જ શબ્દોમાં ફસાઇને લોચા મારતા હતા. આ બધું જોઇને હવે તેમના પક્ષે જાહેર કર્યું છે કે આ જનમત બાદ હવે ઇયુમાંથી નીકળી જવું જોઇએ કે નહીં તેનો નિર્ણય લેવા માટે જે ચર્ચા યોજાશે ત્યારે અમારા પ્રતિનિધિ તરીકે નાઇજેલ ફરાજને મોકલાશે નહીં કેમ કે તેઓ તેમના શબ્દોના પાકા નથી. ગમેતેમ બાફી મારે છે.

•••

શેરબજારમાં અંધાધૂંધી

મિત્રો, આ બધી તો રાજકીય હિલચાલની વાતો થઇ, પણ દેશની આર્થિક પ્રગતિનું બેરોમીટર ગણાતા શેરબજાર કે વિદેશી ચલણ બજારમાં શું સ્થિતિ હતી? પહેલાં યુદ્ધ પહેલાંની શાંતિ અને પછી અંધાધૂંધી. બજાર તીવ્ર ઉઠાપટક વચ્ચે અટવાતું જોવા મળતું હતું. બજારમાં થોડાક કલાકોમાં કેવો ખેલ ખેલાઇ ગયો તેની ઝલક માટે અહીં સમયસારણી રજૂ કરી રહ્યો છું.
રાત્રે ૧૦ઃ તોફાન પૂર્વેની શાંતિનો માહોલ. મતદાન પૂરું થયું. એક ટેબલ પર પિઝા ગોઠવાયેલા હતા અને ઇટીએક્સ કેપિટલના ટ્રેડર્સ રિમેઇન જૂથના આસાન વિજયની વાતો કરી રહ્યા હતા.
રાત્રે ૧૨.૧૯ઃ સન્ડરલેન્ડે લિવની તરફેણમાં જંગી મતદાન કરીને એવો ઝાટકો આપ્યો કે બધા દોડતા થઇ ગયા. ડોલર સામે પાઉન્ડમાં ૪.૪ ટકાનો કડાકો બોલી ગયો. ૨૦૦૮ની આર્થિક કટોકટી પછીનો એક જ દિવસમાં આ સૌથી મોટો કડાકો હતો.
રાત્રે ૨.૨૦ઃ બ્રેક્ઝિટની તરફેણમાં તીવ્ર ઝોક વધ્યો અને FTSE ફ્યુચર્સમાં (શેર બજાર) સાડા પાંચ ટકાથી વધુ તૂટ્યો. ખતરાની ઘંટડી વાગવા માંડી. ચોમેર જંગી સોદા પડવા લાગતા ટ્રેડર્સ માટે ટકવું મુશ્કેલ થઇ ગયું.
રાત્રે ૨.૨૬ઃ વોન્ડ્સવર્થમાં મોટી જીત મળતાં પાઉન્ડમાં ફરી ઉછાળો નોંધાયો. બજારમાં દેકારો થઇ ગયો.
રાત્રે ૨.૫૫ઃ પરિણામમાં તીવ્ર રસાકસી પ્રવર્તતી હતી અને હાશકારો અનુભવતા ટ્રેડર્સ ટીવી પર નાઇજેલ ફરાજને જોઇને દેકારો કરી રહ્યા હતા.
રાત્રે ૩.૨૩ઃ લિવ કેમ્પેઇને પહેલી વખત મજબૂત સરસાઇ મેળવી અને સેલના જંગી ઓર્ડર સાથે ફોન રણકવા લાગ્યા. સતત ઘટતું બજાર નિહાળીને દલાલો માથું પકડીને બેસી ગયા.
રાત્રે ૩.૩૭ઃ ચોમેર અફડાતફડી અને ટેન્શનનો માહોલ હતો. એક ટ્રેડર બૂમો પાડી રહ્યો હતો કે જો આ જ રીતે ચાલતું રહ્યું તો આપણું દેવાળું ફૂંકાઇ જશે. બીજો એક ટ્રેડર એકસાથે બે ફોન પર બરાડા પાડી રહ્યો હતો કે (સેલ) ઓર્ડરના ઢગલા ખડકાઇ રહ્યા છે. સોનાની જોરદાર માગ નીકળી હતી.
મળસ્કે ૪.૧૮ઃ પાઉન્ડ તૂટીને છેલ્લા ૩૧ વર્ષના તળિયે જઇ બેઠો હતો. અને લંડન તથા હોંગ કોંગ (એચએસબીસી, પ્રૂડેન્શિયલ, સ્ટાનચાર્ટ)માં લિસ્ટેડ શેરોમાં કડાકો બોલી ગયો હતો. એક સિનિયર ટ્રેડર બૂમ પાડીને તેના સહયોગીઓને પૂછ્યુંઃ શું આપણે જીતી રહ્યા છીએ? કોઇએ કંઇ જવાબ જ ન આપ્યો. કંઇ બોલવા જેવું હતું જ નહીં. ઇટીએક્સ ચીફ એક્ઝિક્યુટિવ એન્ડ્રુ એડવર્ડસ કહે છે કે શેરબજારની આ તીવ્ર વધઘટથી તેમની કંપની નફો રળશે, પણ આખરે તો યુરોપિયન બિઝનેસને જ માઠા પરિણામ ભોગવવા પડશે.
મળસ્કે ૪.૩૬ઃ બ્રેક્ઝિટ જૂથ જીત્યાનું જાહેર થયું. વોલ સ્ટ્રીટ પણ તૂટ્યું અને ડાઉ એન્ડ એસએન્ડપી ફ્યુચર્સ પણ પટકાયા. બધા માથુ પકડીને બેઠા હતા.
સવારે ૭ઃ યુરોપિયન માર્કેટ ખૂલ્યા અને ફરી વેચવાલીનો જુવાળ શરૂ થયો. જર્મનીનો ડીએએક્સ પછડાયો. બધા હાથ પર હાથ રાખીને બેઠા હતા.
સવારે ૮ઃ એલએસઇ ખૂલ્યું અને બેન્ક શેરોમાં કડાકો બોલી ગયો. ક્લાયન્ટ્સમાં બાર્કલેસના શેરો કાઢવા માટે જાણે હોડ લાગી હતી. શેર એક જ સેશનમાં ૩૦ ટકા તૂટ્યો હતો.
સવારે ૮.૨૪ઃ કેમરને રાજીનામું આપ્યું ને રૂમમાં સન્નાટો છવાઇ ગયો. ટ્રેડર્સનું કહેવું હતું કે કેમરનની વિદાયના સમાચાર અનિશ્ચિતતાના વાદળો દૂર કરશે, આથી એફટીએસઇ ૧૦૦ સેન્સેક્સમાં નજીવો સુધારો જોવા મળ્યો.

•••

તમારા આર્થિક આયોજન પર શું અસર પડશે?

બ્રેક્ઝિટની અસર દેશના વેપાર-ઉદ્યોગ, આયાત-નિકાસ પૂરતી જ સીમિત રહેવાની નથી. છેવટે તો આ બધો ભાર કન્યાની કેડ પર જ મતલબ કે મારા-તમારા-આપણા પર જ આવતો હોય છે. બ્રેક્ઝિટથી આપણા પરિવારના આર્થિક આયોજન પર શું અસર પડી શકે છે તે સંભાવના અહીં રજૂ કરી છે.
• સેવિંગ્સઃ ઇયુની માર્ગદર્શિકાના આધારે લાગુ થયેલી અને ૭૫ હજાર પાઉન્ડ સુધીનું રક્ષણ આપતી ફાઇનાન્સિયલ સર્વીસીસ કોમ્પેન્સેશન સ્કીમમાં ફેરબદલ થઇ શકે છે.
• મોર્ગેજીસઃ ઘણા અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી છે તે પ્રમાણે વ્યાજ દરો શૂન્ય સુધી નીચા ઉતરી જાય તો મકાનધારકોને સસ્તા દરે મોર્ગેજનો લાભ મળી શકે છે.
• હોમઃ ધ સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિચર્સનું કહેવું છે કે ૨૦૧૮ સુધીમાં યુકેમાં મકાનોની કિંમત સરેરાશ ૨૩૦૦ પાઉન્ડ જ્યારે લંડનમાં ૭૫૦૦ પાઉન્ડ સુધી ઘટી શકે છે.
• પેન્શન્સઃ ઇયુમાં વસી રહેલા બ્રિટિશ નિવૃત્તોને તેમના યુકે સ્ટેટ પેન્શનનો વાર્ષિક વધારો ગુમાવવો પડે તેવું બની શકે છે, જેથી તેઓ બિન-ઇયુ દેશોના નિવાસીઓની હરોળમાં આવી જાય.
• હેલ્થ ઇન્સ્યોરન્સઃ યુરોપિયન હેલ્થ ઇન્સ્યોરન્સ કાર્ડની સુવિધા તો ચાલુ રહેશે પણ તેના દ્વારા મળતા આર્થિક રક્ષણમાં ફેરબદલ થઇ શકે છે.
• કરન્સીઃ નબળો પાઉન્ડ તમારા હોલિડે બજેટને ખોરવી નાખશે. ગુરુવારે તમે એક પાઉન્ડ સામે ૧.૩૧ યુરો મેળવી શકતા હતા એટલે કે ૩૮૨ પાઉન્ડના બદલામાં ૫૦૦ યુરો મળતા હતા. શુક્રવારે પાઉન્ડ નબળો પડતાં આ મૂલ્ય ઘટીને ૧.૨૩ યુરો થયું હતું એટલે કે ૫૦૦ યુરો માટે ૪૦૭ પાઉન્ડ ચૂકવવા પડતા હતા.
• ડ્યુટી ફ્રીઃ તમે આજે પણ ઇયુ દેશોમાંથી જેટલું ઇચ્છો તેટલી ચીજવસ્તુઓ લાવી શકો છો, પણ ડેલોઇટ એકાઉન્ટન્ટ્સે ચેતવણી ઉચ્ચારી છે તે પ્રમાણે કસ્ટમ્સ દ્વારા ભવિષ્યમાં આ છૂટછાટમાં ફેરબદલ થઇ શકે છે.

•••

પોલસ્ટર્સના ગાલ પર તમાચો

લોકશાહી શાસનપ્રણાલિ ધરાવતા દેશોમાં કોઇ પણ ચૂંટણી ટાણે - પછી તે રાષ્ટ્રીય હોય કે રાજ્યની - કેટલાક વ્યાવસાયિક કે વ્યાપારી સંગઠનો જનમત કઇ તરફ ઢળી રહ્યો છે તેનો કે મતદાન બાદ કેવા પરિણામ આવી શકે છે તેનો તાગ મેળવવા માટે વિવિધ પાસાઓના અભ્યાસના આધારે અનુમાનો - આંકડાઓ જાહેર કરતા હોય છે. જોકે મતદારોનો મિજાજ પારખવાનો દાવો કરનારા આ લોકો સાચા પડે છે તેના કરતાં ખોટા વધુ વખત પડતા હોવાનું અનુભવે જણાયું છે.
ભારતમાં પણ જ્યારે જ્યારે ચૂંટણીઓ યોજાય છે ત્યારે ત્યારે સંભવિત ચૂંટણી પરિણામોની આગાહી કરનારાઓનો રાફડો ફાટી નીકળે છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓનો જ દાખલો લો ને... પશ્ચિમ બંગાળમાં મોટા ભાગના સર્વેમાં પરિણામો અંગે આગાહી થઇ હતી કે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી હારવાની છે. પરંતુ થયું સાવ આનાથી ઉલ્ટું.
ઇયુ રેફરન્ડમમાં પણ આવું જ થયું છે. ગયા સપ્ટેમ્બરમાં રેફરન્ડમનો પ્રસ્તાવ જાહેર થયો ત્યારથી મતદાન થયું ત્યાં સુધીમાં અલગ અલગ ૧૬૮ વખત પોલસ્ટર્સે લિવ અને રિમેઇનના આંકડાની ટકાવારી જાહેર કરી છે. આમાંથી માત્ર ૫૫ વખત એવું તારણ રજૂ થયું હતું કે બ્રિટિશ પ્રજા ઇયુમાંથી નીકળી જવા માટે દૃઢ નિર્ધાર કરીને બેઠી છે. જ્યારે ૬૦થી ૬૫ વખત એવા આંકડા રજૂ થયા હતા કે લોકો ઇયુમાં જ રહેવા માગે છે. પરિણામ આપણી નજર સમક્ષ છે.
આટલી બધી વખત જન-મતનો ‘અભ્યાસ’ થયો, પણ તેમાંથી માત્ર ૧૬ વખત જ એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે ૫૨-૪૮ના ધોરણે બ્રિટિશ પ્રજા ઇયુમાંથી નીકળી જવા માટે મતદાન કરશે. એકેય આંકડાના માથામેળ થાય છે?!

•••

બ્રિટન કહે છે કે ના, હું તો જઇશ... પણ બીજા દેશોનું શું?

બ્રિટને તો હવે નક્કી કરી જ લીધું છે કે ઇયુમાંથી નીકળી જવું જ છે. હવે રેફરન્ડમના મુદ્દે કોઇ કોર્ટમાં જાય કે સંસદમાં પુનર્વિચાર થાય, પણ આજની ઘડીએ તો આ જ નિર્ણય છે. આવા નિર્ણયોમાં મોટા ભાગે તો ભાગ્યે જ ફેરવિચારણા થતી હોય છે.
યુરોપના ૨૮ દેશો યુરોપિયન યુનિયનના સભ્યો હતા તે સાચું, પણ બ્રિટનમાં - સભ્યપદના મુદ્દે - શરૂઆતથી જ જે હિચકિચાટ હતો તે યુરોપના અન્ય દેશોમાં બહુ મોટા પાયે જોવા મળતો નહોતો. હા, દરેક દેશમાં ઇયુના મુદ્દે ઓછાવત્તા અંશે કચવાટ જરૂર હતો તે અલગ વાત છે.
યુરોપિયન એકીકરણનો પ્રારંભ ફ્રાન્સમાં ઉદભવ્યો તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી, પણ અત્યારે ફ્રાન્સના ૬૧ ટકા લોકો આ મુદ્દે અસંમત છે. જર્મનીની વાત કરીએ. વસ્તીના આંકડાના આધારે જોઇએ તો, યુરોપિયન યુનિયનના સભ્ય દેશોની યાદીમાં જર્મની ૯.૫ કરોડની વસ્તી સાથે સૌથી ટોચના ક્રમે છે. આ પછી બીજા ક્રમે ફ્રાન્સ છે. વસ્તી છે ૬ કરોડ, પરંતુ જો મજબૂત અર્થતંત્રની વાત કરીએ તો અડધમાં રામ અને અડધમાં ગામ જેવી સ્થિતિ છે. જર્મની સાધનસંપન્ન છે. આર્થિક ક્ષેત્રે તો સૈકાઓથી તગડું છે. આથી જ ૧૯મી સદીથી સમગ્ર યુરોપ પર પ્રભાવશાળી દેશ તરીકે છવાઇ જવાની તેની અદમ્ય ઇચ્છા રહી છે. તેની અબળખાના કારણે જ પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધનો તખતો રચાયો હતો. યુદ્ધ દ્વારા તેણે યુરોપના એકીકરણનો પ્રયાસ કર્યો હતો, જોકે તે સફળતા મેળવી શક્યું નહીં. આ ઇચ્છા તેણે વેપાર-ઉદ્યોગ, આર્થિક ક્ષેત્રે સશક્તિકરણ દ્વારા સાકાર કરી.
બ્રિટનમાં જે લોકો યુરોપિયન યુનિયનના વિરોધી ગણાય છે તેમની લાગણીના પાયામાં આ એક કારણ પણ હોઇ શકે છે. બ્રિટને તો હવે ઇયુ સાથે છેડો ફાડવાનું નક્કી કર્યું જ છે, પણ બાકીના ૨૭ દેશોમાં પણ વિઘટન પ્રક્રિયાની માગને વેગ તો સાંપડશે જ. બ્રિટનના જનમત બાદ હવે હોલેન્ડમાં માગણી ઉઠી છે કે રેફરન્ડમ યોજવું જોઇએ. ગ્રીસને તો ઇયુ સામે વધુ તીવ્ર નારાજગી છે. ગ્રીસની આર્થિક કટોકટી વેળા યુરોઝોનના દેશોના અસહકારભર્યો અભિગમ દાખવ્યો હતો. ગ્રીસના પ્રજાજનો આ વાત ભૂલ્યા ન હોવાથી ત્યાં પણ અસંતોષ પ્રવર્તે છે.

•••

બ્રિટન મેમ્બરશીપનો મલાજો જાળવે છે?

ગયા સપ્તાહે મેં આ જ કોલમમાં લખ્યું હતું કે સેન્ટ્રલ લંડનમાં અહીંની યુનિવર્સિટીઓમાં પીએચ.ડી. કે માસ્ટર્સ શાખામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની એક ચર્ચાસભા યોજાઇ હતી. જેમાં ચર્ચાનો વિષય હતોઃ ઇયુ રેફરન્ડમ અને ભારત પર તેની અસરો. હું અગાઉ જણાવી ચૂક્યો છું તેમ આ બેઠકમાં મને પણ ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો હતો. આ બેઠકમાં ઉઠેલા એક પ્રશ્ન સંદર્ભે મારે સાચી વસ્તુસ્થિતિ રજૂ કરવી પડી હતી. જેનો સાર કંઇક આવો છે.
બ્રિટનમાં શરૂઆતથી જ યુરોપિયન યુનિયન સામે ઓછાવત્તા અંશે કચવાટ પ્રવર્તતો રહ્યો છે. જે રેફરન્ડમમાં પણ પ્રતિબિંબિત થતો જોવા મળે છે. મિત્રો, આ વાત તમને જરા અલગ રીતે સમજાવું.
ધારો કે હું કે તમે ૨૮ સભ્યોની ક્લબમાં જોડાઇએ તો તેના ચોક્કસ કાયદા-કાનૂન તો હોયને... પછી આ ક્લબ લાયન્સ જેવી હોય કે રોટરી ક્લબ જેવી, તેના દરેક સભ્યની ફરજ અંગે, લાયકાત અંગે, તેની પાસેથી રહેલી અપેક્ષાઓ બાબત કેટલાક લખ્યા તો કેટલાક વણલખ્યા નિયમો સ્પષ્ટ હોય છે. યુરોપિયન યુનિયન પણ આમ જૂઓ તો એક પ્રકારની ક્લબ જ છેને!
બ્રિટનની કમનસીબી એ હતી કે આ ક્લબમાં જોડાતા પૂર્વે જ એક લઘુમતી વર્ગને આ યુરોપના એકીકરણ વાત જ પસંદ નહોતી. તેમનામાં આ મુદ્દે કચવાટ હતો. અધૂરામાં પૂરું, સમય વીત્યે યુરોપિયન યુનિયનના અન્ય ૨૭ સભ્યો દેશો પણ ઓછાવત્તા અંશે એવું માનવા લાગ્યા હતા કે બ્રિટન ‘અંદર’ તો છે, પરંતુ ‘બહાર’ જવા થનગની રહ્યું છે. આ ઓછું હોય તેમ બ્રિટન છાશવારે (ભલે સૈદ્ધાંતિક મુદ્દે હોય, પણ) વાંધાવચકા ઉઠાવતું રહેતું હતું. આ સંજોગોમાં બીજા સભ્યોનો પ્રતિભાવ કેવો હોય? સતત ફરિયાદોથી ગળે આવી ગયેલી કોઇ પણ વ્યક્તિ જેવો જ પ્રતિભાવ ઇયુએ આપ્યો છેઃ તમારે નીકળવું જ છે? તો આ રહ્યો રસ્તો, ચાલતી પકડો...
૨૩ જૂનના પરિણામની ફળશ્રુતિ એ રહી છે કે ઇયુ કમિશનના મોવડીઓએ એક અવાજે કહી દીધું છે કે બ્રિટને હવે જેમ બને તેમ જલ્દી સંગઠનમાંથી નીકળી જવું જોઇએ.
જોકે આવું બોલતી વેળા તેઓ ઇયુના બંધારણની કલમ-૫૦ની જોગવાઇ ભૂલી જાય છે. આ કલમની જોગવાઇ કહે છે કે જો કોઇ દેશને સંગઠનમાંથી નીકળી જવું હોય તો - બંધારણીય જોગવાઇ અનુસાર - જે તે દેશની સરકારે ઇયુ કમિશનને સત્તાવાર પત્ર પાઠવીને પોતાનો નિર્ણય જણાવવો પડે.
(વાચક મિત્રો, બ્રિટનમાં જનમત દ્વારા લોકલાગણી જાણવામાં આવી છે તે સાચું, પરંતુ આવી કોઇ બંધારણીય જરૂરત નથી. આ રેફરન્ડમનો નિર્ણય પણ બંધારણીય રીતે બંધનકર્તા નથી.) છૂટા-છેડા ભલે કરવા હોય, પણ વિધિવત્ ‘કંકોતરી’ તો લખી મોકલવી પડે ને! અને આ ‘કંકોતરી’ લખવાનો બંધારણીય અધિકાર માત્રને માત્ર બ્રિટન સરકારને જ છે. ઇયુ છૂટા-છેડા માટે એકપક્ષીય નિર્ણય પણ ન લઇ શકે કે આવી સલાહ પણ આપી શકે નહીં.
છૂટાછેડાની તમામ કાર્યવાહી પૂરી કરવામાં લગભગ બે વર્ષનો સમય લાગી જતો હોય છે. અસ્ક્યામતોનું શું કરવાનું? વેપાર-ઉદ્યોગનું શું? એકબીજા દેશોમાં વસતાં કે કામ કરતાં નાગરિકોના અધિકારોનું શું? ઇયુના સભ્ય દેશ તરીકે અમુક કરાર કરવા આવશ્યક નહોતા, પણ છૂટા પડ્યા પછી આ કરાર કઇ રીતે કરવાના? વગેરે બધું નક્કી તો કરવું પડેને? બન્ને પક્ષે ઔપચારિક ચર્ચા થાય, સત્તાવાર વાટાઘાટો થાય, અને પછી નવા સંધિ-કરારને આકાર આપવામાં આવે. બહુ લાંબો સમય માગી લેતી આ પ્રક્રિયા છે.

•••

ડેવિડ કેમરન સાહેબ શું કરશે?

ડેવિડ કેમરને જનમતના પરિણામ જાહેર થયા પછી તરત જ વડા પ્રધાન પદેથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. પક્ષ દ્વારા નવા નેતા ચૂંટાય ત્યાં સુધી - ત્રણેક મહિના સુધી તેઓ કાર્યભાર સંભાળશે. તેઓ માને છે કે ઇયુ સાથે છૂટાછેડા કરવાની વિધિ નવા વડા પ્રધાન જ પાર પાડે તે વધુ યોગ્ય ગણાશે. કેમરન વડા પ્રધાન પદની ખુરશી છોડીને મારા-તમારા જેવા કોમન મેન બનશે ત્યારે માત્ર ૪૯ વર્ષના હશે. એક માણસનું સરેરાશ આયુષ્ય ૮૦-૯૦ વર્ષનું ગણાય છે. તો જિંદગીના બાકીના વર્ષોમાં ‘ભૂતપૂર્વ વડા પ્રધાન’ કેમરન કરશે શું? તેઓ કઇ કારકિર્દી અપનાવશે? આ અંગે અત્યારથી જ અનેક અટકળો શરૂ થઇ ગઇ છે.
આપણે તેમના પુરોગામીઓ શું કરે છે તેના પર નજર ફેરવીએ. જેમ કે, ગોર્ડન બ્રાઉન અત્યારે સ્કોટલેન્ડના નિવાસી બન્યા છે. ક્રિસમસની રોશનીનું ઉદ્ઘાટન કરવા જેવા કાર્યક્રમોમાં હાજરી આપીને દિવસો વીતાવે છે. તો ટોની બ્લેરની વાત જ અલગ છે. તેઓ જાતભાતના ગતકડાં કરીને મિડલ ઇસ્ટના શાંતિદૂત બની ગયા છે. તેમણે પુસ્તક પણ લખ્યું છે, અને પ્રવચનો પણ આપે છે. આ અને આવા બધા કામ દ્વારા તેમણે વડા પ્રધાન પદ છોડ્યા પછી ૨૦ મિલિયન પાઉન્ડથી વધુની તગડી કમાણી કરી છે. આ છે આપણા સમાજવાદી નેતા!
સર એલેક્સ ડગ્લાસ એક વેળા વડા પ્રધાન હતા. ’૬૪માં ચૂંટણીમાં હારી ગયા અને સત્તાનું સિંહાસન ગુમાવ્યું. આ પછી ૭૦માં તેમનો પક્ષ ફરી સત્તા પર આવ્યો. ૧૯૭૦થી ૭૪ દરમિયાન તેઓ વિદેશ પ્રધાન પદ સંભાળ્યું હતું. તેમને પોતાના ભૂતકાળના હોદ્દા કરતાં એક પાયરી નીચે ઉતરીને કામ કરવામાં વાંધો નહોતો.
દેશ કોઇ પણ હોય, વડા પ્રધાન પદ બહુ પાવરફુલ ગણાય છે. પરંતુ બીજી વરવી હકીકત એ પણ છે કે એક દેશની જવાબદારી સંભાળતા નેતા તરીકે, વડા પ્રધાન તરીકે કલાકોના કલાકો કામ પણ કરવું પડે છે. શાસનધૂરા સંભાળવી આસાન નથી. લોકો ટીકા કરવા માટે ટાંપીને બેઠા હોય અને વિપક્ષ જ નહીં, પોતાના પક્ષના નેતાઓ પણ ટાંટિયા ખેંચવા માટે ટાંપીને જ બેઠા હોય. ‘પગ’ને સાચવતાં સાચવતાં દેશને પ્રગતિના પંથે દોડાવવાનો હોય. આ બધું કંઇ આસાન નથી.
યુનિવર્સિટી ઓફ લીડ્સના બ્રિટિશ ગવર્ન્મેન્ટ વિષયના પ્રોફેસર કેવિન થેકસ્ટને કરેલા એક અભ્યાસનું તારણ કહે છે કે વડા પ્રધાન પદ પર બેસનાર વ્યક્તિ અકાળે અવસાન પામે કે તેના ચહેરા પર વય કરતાં વહેલું વૃદ્ધત્વ જોવા મળે તેમાં કંઇ નવાઇ પામવા જેવું નથી. આ બધી સત્તાની ‘સાઇડ ઇફેક્ટસ’ છે. સત્તાની અને પોતાની તંદુરસ્તી જાળવવાની ક્ષમતા તમારામાં હોય તો જ ખુરશી પર ટકી શકો. હોદ્દો ભલે મોટો હોય, પણ વ્યાધિ નાની નથી હોતી.
વડા પ્રધાનનું તો થવું હોય તે થાય, પણ તેમના જીવનસાથીની કેવી કફોડી હાલત થતી હશે તે તો વિચારો. હેરોલ્ડ વિલ્સને હોદ્દા પરથી રાજીનામું આપ્યું ત્યારે તેમના પત્ની મેરીને ડિપ્રેશન થઇ ગયું હતું. કેમરનના પત્ની સામન્થાની વાત કરીએ. સામન્થા આમ તો સિગારેટ પીતા નથી કે દારૂનું ખાસ સેવન કરતા નથી, પણ હમણાં ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે તેમ છેલ્લા થોડાક સમયથી તેઓ વધુ પડતી સિગારેટ પીવા લાગ્યા છે, દારૂનું સેવન કરવા લાગ્યા છે. કરે કોઇ અને ભોગવે કોઇ તેવી આ વાત છે.
મારા મિત્રો, આ સપ્તાહે કોલમમાં ઇયુ અને તેની સાથે સંકળાયેલા મુદ્દાઓ વિશે બહુ લંબાણપૂર્વક વાતો કરી છે. યુરોપિયન યુનિયનના મૂળમાં વિચાર હતો એકીકરણનો, પણ આજે સંગઠન પહોંચી ગયું છે વિઘટનના આરે.
જોકે ભારત અને ભારતીયતાની વાત અલગ છે. ભારતમાંથી પાકિસ્તાન છૂટું પડ્યું, પછી બાંગ્લાદેશ અલગ થયું. આમ છતાં ભારતનો મૂળ આત્મા આજે પણ સતત ધબકતો રહ્યો છે. ચાણક્ય, ચંદ્રગુપ્ત જેવી મહાન હસ્તીઓએ અખંડ ભારતની કલ્પના કરી હતી. આજના ભારતમાં લેહથી કન્યાકુમારી સુધી, અને સોમનાથથી અરુણાચલ પ્રદેશ સુધી હજુ પણ ભારતીયતા ધબકતી જોઇ શકાય છે. ખરુંને? (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter