પહેલું સુખ તે જાતે નર્યા...

સી. બી. પટેલ Wednesday 15th July 2015 06:16 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ શિર્ષકના પાંચ શબ્દોમાં ત્રણ બાબતને પ્રાધાન્ય આપ્યું છે. મનુષ્ય સહિતના સર્વ જીવો માટે પ્રાથમિક અગત્યતા પોતાના આરોગ્યની છે. સુખ એક અર્થમાં તન, મન અને, અમુક અંશે, ધનનું ગણી શકાય, પણ મનનો પ્રભાવ (કંટ્રોલ) શરીર પર વધુ રહેતો હોવાથી મન અને તનનું સુખ સૌથી અગત્યના ગણવામાં આવે છે.
અહીં જાતેનો સીધોસાદો અર્થ છે આપણું આરોગ્ય આપણા હાથમાં. આપણી તબિયતની સારસંભાળ રાખવાની ફરજ તો આપણી પોતાની જને? નેશનલ હેલ્થ સર્વીસ (એનએચએસ) છેલ્લા ૬૬ વર્ષથી સમગ્ર બ્રિટનના આરોગ્યની સારસંભાળ લઇ રહી છે. વિશ્વના અનેક દેશોમાં સરકાર દ્વારા આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવે છે, પણ તે બધામાં બ્રિટનની એનએચએસ વધુ વ્યાપક અને કેટલીય રીતે સર્વોપરી હોવાનું કંઇકેટલાય અભ્યાસોમાં પુરવાર થયેલું છે. એનએચએસમાં એક વિભાગનું નામ છે - પ્રાયમરી કેર ટ્રસ્ટ. વાતને આગળ વધારતાં પહેલાં બ્રિટનના સર્વોપરી ડોક્ટર (એનએચએસના મેડિકલ ડાયરેક્ટર)નું એક નિવેદન ખૂબ ધ્યાનપૂર્વક વાંચવા, વિચારવા અને સમજવા જેવું છે. સર બ્રુસ કિઓઘ જણાવે છે કે કેટલાય ડોક્ટરો તેમ જ હોસ્પિટલોમાં જે મેડિકલ પ્રોસીજર અપનાવાય છે, દર્દીઓને દવા વગેરે પૂરા પાડવામાં આવે છે તેમાં over treatment (સારવારનો અતિરેક) જોવા મળે છે.
આ શબ્દો મારા-તમારા જેવું કોઇ બોલ્યું હોય તો સમજ્યા, પણ આપણું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય જેમના હાથમાં છે તેવી આરોગ્ય સેવાના સુકાની આવું કહે ત્યારે તેને ગંભીરતાથી લેવા જ રહ્યા. વીતેલા સપ્તાહના ‘ગુજરાત સમાચાર’ના અંકમાં પાન નં. ૨ ઉપર એનએચએસના વિવિધ વિભાગોના ખર્ચના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સર બ્રુસ કિઓઘના નિવેદનના સંદર્ભે આ આંકડાઓ પર જરા ફરી એક વાર નજર ફેરવી જજો.
સર બ્રુસ કિઓઘના જણાવ્યા પ્રમાણે, ઊંડા અભ્યાસમાં બહાર આવ્યું છે કે અતિશ્યોક્તિભર્યા નિદાનના કારણે, અથવા તો કોઇક વેળા દર્દીના અતિશય આગ્રહના કારણે, ૨૦ હોસ્પિટલોમાં જે ૧.૫ કરોડ દર્દીઓને ઇન-પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા તેમાંથી ઓછામાં ઓછા ૮,૫૦,૦૦૦ લાખ દર્દી તો એવા હતા જેમને એડમિટ કરવાની તો છોડો, તાત્કાલિક સારવારની પણ જરૂર નહોતી! આ રીતે દર વર્ષે અબજો પાઉન્ડ વેડફાય છે. આ જ પ્રમાણે દર્દીઓને જે દવાઓ પૂરી પાડવામાં આવે છે - હોસ્પિટલમાં કે ઘરેબેઠાં - તેમાં પણ સરેઆમ વેડફાટ થતો જોવા મળે છે.
આ દેશના એક નાગરિક તરીકે આપણી આંખો ખોલી નાંખે તેવા ૧૫૮ પાનના આ રિપોર્ટનું નામ છેઃ ‘બેટર વેલ્યુ ઇન ધ એનએચએસ’. રિપોર્ટમાં ટાંકેલી વધુ ટેક્નિકલ બાબતોની ચર્ચા કરવાના બદલે હું સીધીસાદી ભાષામાં એમ કહી શકું કે એક યા બીજા કારણસર બિનજરૂરી સારવાર, સર્જરી કે દવાના વપરાશના કારણે સામાન્ય નાગરિકની તબિયત સુધરવાના બદલે કથળવાનો મોટો ખતરો સર્જાય છે.
અલબત્ત, આવા રિપોર્ટના પગલે સરકાર હવે એનએચએસના બજેટમાં કરકસરના પગલાં લેશે તેવો ભય રાખવાની જરૂર નથી. અમુક ડોક્ટરો પાસે એવા દર્દીઓ પણ જતા હોવાનું બહાર આવ્યું છે કે જેઓ ખાણીપીણી કે જીવનશૈલી પર પૂરું ધ્યાન આપવાના બદલે માત્ર દવા કે ઇન્જેક્શન્સથી જ આરોગ્ય સારું રહે તેવો ભ્રમ સેવતા હોય છે. જ્યારે અમુક દર્દીઓ તો વળી ‘સવાયા’ ડોક્ટર બનીને પોતાના જીપીને જણાવતા હોય છે કે તે અમુક પ્રકારની જ દવા કે ટ્રીટમેન્ટ ઇચ્છે છે! (જીપી તેમની વિવેકમર્યાદા ચૂકીને આવા દર્દીને ભલે મોંઢામોઢ નહીં શકતા હોય, પણ મનમાં તો બોલતાં જ હશે કે ભલા માણસ, મારા કરતાં તને જ વધુ ખબર પડતી હોય તો ઘરે જાતે જ ટ્રીટમેન્ટ કરી લેને, મારી પાસે આવે છે શા માટે?)
મિત્રો ખેર, બીજાની વાત છોડીએ. હું મારા જીપીની વિઝિટે જાઉં છું ત્યારે શું કરું છું તેની વાત કરું. મારી જો કોઇ તકલીફો હોય તો તેમને જણાવું છું. તેમના સલાહ-સૂચન ધ્યાનપૂર્વક સાંભળું છું અને તેનું અનુસરણ કરું છું. જેમ કે, મને ડાયાબિટિસ છે અને તેઓ આ માટે બ્લડ ટેસ્ટ કરવા, કોઇ દવા, ઇન્જેક્શન નિયત માત્રામાં, નિયત સમયે લેવાનું કહે તો અવશ્યપણે તેનું પાલન કરું છું. હું ભલેને પ્રકાશક-તંત્રી રહ્યો, જીપી પાસે તો મારું ડહાપણ ન ડહોળાયને? વ્યાધિના નિદાન અને તેના નિવારણનું કામ તેમનું છે, અને મારે તેેમને જ આ કામ કરવા દેવું જોઇએ.
હું એક વાત સ્પષ્ટપણે માનું છું કે મારું આરોગ્ય સાચવવાની મુખ્ય જવાબદારી મારી પોતાની છે. એનએચએસમાંથી મને પણ વિનામૂલ્યે જાતભાતની દવાઓ મળી શકે. અમુક દવા લેવી જરૂરી હોય તો લેવી જ રહી, પણ ક્યારેય માથાના દુખાવા માટે કે અપચા માટે કે ઊંઘવા માટે કે પછી માનસિક અસ્વસ્થતા નિવારવા માટે દવાઓ માગતો નથી. મારી કોઇ તકલીફ જાણીને કદાચ ડોક્ટર આવી કોઇ દવા સામેથી સૂચવે તો પણ ડોક્ટરને પૂરા વિનય સાથે પૂછી લઉં છું કે દવા સિવાય આ દર્દ ઓછું થાય કે તે દૂર થાય તેવો કોઇ ઉપાય ખરો? જો હોય તે પહેલાં તે કહો, પછી દવાની વાત.
દસેક વર્ષ પૂર્વે મને સાયેટિકાની તકલીફ થઈ હતી. જીપીએ અમુક પ્રકારની દવાના મોટા ટીકડા રેકમેન્ડ કર્યા. આ દવા ખરેખર તો પેઇન રિલિવર હતી. મતલબ કે તે દર્દને શમાવે, મટાડે નહીં. સાયેટિકાની પીડા તકલીફદાયક અવશ્ય હતી, પણ તકલીફના કાયમી ઉપાય તરીકે મને તે દવા યોગ્ય ન જણાઇ. પેઇન કિલર દવાની સૌથી મોટી તકલીફ એ હોય છે કે સમય વીત્યે શરીર અને બીમારી આ દવાથી જેમ જેમ ટેવાતા જાય છે તેમ તેમ તેનો ડોઝ વધારતો જવો પડે છે. જો આમ ન કરો તો દવાની અસર જ ન થાય. સરવાળે શરીર માટે તો બકરું કાઢતાં ઊંટ પેઠું તેવો ઘાટ સર્જાય છે. વળી, મને તો આ દવાની આડઅસર પણ થતી હતી. મેં ડોક્ટરને જણાવ્યું કે ટેબ્લેટ લઉં છું એટલે પીડા શમી જાય છે તેની ના નહીં, પણ દવાના લીધે શરીરે ખંજવાળ આવે છે, ક્યાંક ક્યાંક ફોડલી જેવું ય થઇ જાય છે. એટલે ડોક્ટરે તરત જ કહ્યું કે અરે... આમાં મૂંઝાવા જેવું ક્યાં છે? તમતમારે સાયેટિકાની દવા ચાલુ રાખો, ને તેનું રિએકશન દૂર કરવા બીજી ટેબ્લેટ આપું છું.
ડોક્ટરે મારી ભલાઇ વિચારી હતી, પણ મેં જ તેમને રિક્વેસ્ટ કરી. દવાના બદલે ફિઝિયોથેરપી ટ્રિટમેન્ટ કે એવો કોઇ વિકલ્પ ખરો? કસરત કે તેના જેવી કોઇ પણ ટ્રીટમેન્ટ હોય મને જણાવો, હું તે કરવા તૈયાર છું. તેમણે મને ફિઝિયોથેરપી સૂચવી. દરમિયાન મેં મારા દીકરાને વાત કરી. તેણે ઇન્ટરનેટ પર આંટાફેરા કરીને સાયેટિકાની તકલીફ કાયમી ધોરણે દૂર કરે તેવા સીધાસાદા આસનો શોધી આપ્યા. મારા માટે તો ભાવતું’તું ને વૈદે કીધું તેવો તાલ થયો. મારા જીપીને જઇને મળ્યો. તેમને આ વિશે જણાવ્યું, સમજાવ્યું કે થોડોક સમય આ પ્રકારે અંગકસરત અને હળવા આસનો થકી સાયેટિકા દૂર કરવા પ્રયત્ન કરવા માંગું છું... દવા બંધ કરવા મંજૂરી આપો તો સારું.
મારા સદનસીબે અંગ્રેજ જીપી મારી લાગણી સમજ્યા. વર્ષોથી તેમની પાસે જ ટ્રીટમેન્ટ લેતો હોવાથી તેઓ પણ જાણતા હતા કે આ ‘પેશન્ટ’ દવા ખાવાનો ચોર નથી (આવા પણ નમૂનારૂપ દર્દી હોય છે હોં...), પણ બને તેટલી ઓછી દવાઓ પેટમાં પધરાવવામાં માને છે. હસતા ચહેરે તેમણે કહ્યું કે ડોન્ટ વરી... સીબી, આઇ નો યુ એઝ એ પેશન્ટ વેરી વેલ... હું પોતે પણ માનું છું કે શક્ય હોય ત્યાં સુધી કોઇ પણ પ્રકારના કેમિકલ પેટમાં બિનજરૂરી પધરાવવા જોઇએ નહીં... ફરગેટ મેડિસિન્સ એન્ડ ગો અહેડ વીથ યોર આસનાસ્...
અને મેં પણ પૂરી શિસ્ત સાથે હાથવગા આસનો અજમાવ્યા. અને તે દી’ની ઘડી ને આજનો દી’ સાયેટિકા ગયું ગાજતું... એલોપથી ખરાબ છે એવું નથી, પરંતુ તે સંપૂર્ણ સારી છે એવું તો નથી જ. તેમાં રહેલું કેમિકલ એક દર્દ મટાડે છે, તો ક્યારેક તેની આડઅસર બીજી તકલીફ પણ ઉભી કરતી હોય છે. મેં તો મારી અંગત વાત કરી છે, પણ આપ સહુ વાચકોએ મહેરબાની કરીને પોતાની તાસીરને ધ્યાનમાં રાખીને આમાંથી જો કોઈ યોગ્ય જણાય તો બોધપાઠ લેવો.
વાત તન-મનના સ્વાસ્થ્યની ચાલે છે તો સાથે સાથે પચ્ચીસેક વર્ષ પૂર્વેની બીજી પણ એક વાત કરી જ લઉં. ૧૯૬૮થી હું અલ્સરની બીમારીથી હેરાનપરેશાન હતો. રોજની બે ઝેન્ટેક અને અન્ય એન્ટાસીડ ટેબ્લેટ ગળતો હતો છતાં પણ ક્યારેક હોજરીમાં એવી લાય ઉપડતી હતી કે ભોંય પર પડીને આળોટવાનું મન થઇ જાય. ખરેખર અલ્સરથી તોબા પોકારી ગયો હતો. આ પછી કોઇ પણ ભોગે અલ્સરના દૈત્યને નાથવાનો દૃઢ નિર્ધાર કર્યો.
મિત્રો, થોડીક નવી દવા લેવાનું શરૂ કર્યું, ખાણીપીણીમાં નિયંત્રણ મૂક્યા અને જીવનશૈલીમાં પરિવર્તન આણ્યું. ખાણીપીણીમાં કાળજીને કાયમી સ્થાન આપ્યું. આલ્કોહોલ તો આમ પણ ખાસ લેતો નહોતો, પણ તે ય સાવ બંધ કર્યું. ધુમ્રપાન ખૂબ ઘટાડ્યું. પેટને માફક આવે તેવું જ ભોજન લેવાનું. અતિશય ખાટું, ખારું, તીખું, તળેલું - બધું બંધ. સમયસર જમવાનું ને સમયસર સૂવાનું. અલ્સરને પણ આખરે હોજરીમાંથી હાંકી જ કાઢ્યું. અત્યાર સુધી તો કાયમ માટે ગયું છે એમ કહી શકાય.
આવી જ એક અન્ય તકલીફ થઈ હતી - બે વખત ટ્રાન્ઝીયન્ટ સ્ટોક આવ્યો. વીસેક વર્ષ પૂર્વે એણે મારી ઊંઘ હરામ કરી નાખી હતી. હું બેઠો હોઉં, લખતો હોઉં, બોલતો હોઉં અને પળભર તો વાચા જ હણાઇ જાય. એક શબ્દ બોલી ન શકું. ડોક્ટરે તપાસ્યો. મેડિકલ ટેસ્ટ કરાવ્યા. મને સમજાવ્યું કે તમારા મગજમાં લોહી પહોંચાડતી કેટલીક રક્તવાહિનીમાં અવરોધના કારણે આ સમસ્યા સર્જાય છે. આજ ગાળામાં એકવાર છાતીમાં ખૂબ દુઃખવાનું થયું.
ડોક્ટરે કેટલીક દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી. પરંતુ સાથોસાથ એમ પણ સૂચવ્યું કે તમારી લાઇફસ્ટાઇલ બદલો, દવાઓ કરતાં પણ તે વધુ અકસીર સાબિત થશે. મેં તેમની વાતને માથે ચઢાવી. (આપણે કંઇ થોડાં ‘સવાયા’ ડોક્ટર છીએ?!) પૂરતી ઊંઘ, નિયમિત આહાર, ભાગદોડ ઘટાડી, વ્યાવસાયિક પ્રવૃત્તિમાંથી થોડોક સમય જાત માટે પણ કાઢવાનું શરૂ કર્યું... અને આ બધું થોડાક સમય પૂરતું નહીં, જીવનશૈલીમાં કાયમ માટે વણી લીધું. એક દિવસ વિચાર્યું કે રસ્તાઓ પર આ ટ્યુબ, બસ, ટેક્સી કોના માટે દોડે છે? આપણા માટે જ સ્તો... અને ૧૯૯૮માં તો સ્વેચ્છાએ ડ્રાઇવીંગ પણ બંધ કરી દીધું. (મારી કથા ‘આપવડાઈ’ તરીકે મહેરબાની કરી ના સમજવી મારા આત્મિયજનોને મારી ‘અંગત’ વાત તો કરવી જ પડે ને?)
આ જ અરસામાં મેં એક બીજો પણ ખૂબ મહત્ત્વનો નિર્ણય કર્યો. તે વેળા મને ૬૦ વર્ષ થઇ રહ્યા હતા. ડાયાબિટીસ તો કાયમી દોસ્ત થઇ જ ગયો હતો, અને હવે આવા બીજા કોઇ મિત્રો બનાવવાની ઇચ્છા નહોતી. લંડનના એક સબર્બમાં મસમોટું મકાન હતું - છ બેડરૂમ અને પાંચ બાથરૂમ સાથેનું. વિચાર્યું કે આ સાહ્યબી પણ સંતાપકારક બની શકે છે. આયુષ્યને છઠ્ઠો દસકો ચાલે છે, પરમ કૃપાળુ પરમાત્માએ આટલો સરસ વ્યવસાય આપ્યો છે, બુદ્ધિ કસવાનું કામ છે, પરમ સંતોષજનક પ્રવૃત્તિ છે, સમાજની સેવાનો અમૂલો અવસર સાંપડ્યો છે ત્યારે જીવનમાં વધુ નાણા કમાવવા માટે પળોજણ કરવાની જરૂર શી છે?
અને મોટું મકાન વેંચી નાંખ્યું. પરિવારજનોની સંમતિથી નવું જ ફાઇનાન્સિયલ પ્લાનિંગ કર્યું. દેવું હોય તો ચિંતાને?! ઓછું કમાવું ને વધુ સાદગીથી જીવવું તેમાં કંઇ સુખ તો ઘટતું નથી. મોટા મકાનના બદલે ફ્લેટમાં શિફ્ટ થયા. નીચે ઓફિસ અને ઉપર જ રહેવાનું. ગાડીની જરૂર જ નહીં. કેટલીય જરૂરત ઘટી તેમજ સવલત વધી. વિકાસના પંથે આગેકૂચ કરવા માટે જીવનમાં સ્પર્ધા મર્યાદિત સ્વરૂપમાં આવશ્યક ગણાય, પણ હડકવાનું સ્વરૂપ લઇ લે તો સુખશાંતિ હણાઇ જાય. ઘાણીના બળદ જેવી ઘટમાળ રૂટિન લાઇફ બની જાય છે. અને ક્યારેક માનસપટલ પર નિરાશાવાદી વલણ પણ અડીંગો જમાવે. હું આવું કંઇ ઇચ્છતો નહોતો.
આથી મકાન વેંચીને ફ્લેટમાં વસવાટ શરૂ કર્યો. તેમાં પરિવારજનો સંપૂર્ણ સંમત હતા. પણ અમારા ‘સ્થળાંતર’ના સમાચાર જાણીને અમુકે તમુકને ફોન કર્યો અને બીજાએ ત્રીજાને ફોન કર્યો. વાત વહેતી થઇઃ આ સીબી તો જૂઓ... આટલું મોટું મકાન વેંચીને ફ્લેટમાં રહેવા ગયા... આવી વાતોમાં હંમેશા મીઠું-મરચું-મરીમસાલા ઉમેરાતા રહેતા હોય છે. કોઇએ ઉમેર્યું કે લાગે છે કે સી.બી. (કરજમાં) ડૂબી ગયા હશે. કોઇએ વળી ‘હશે’નું ‘છે’ કર્યું. ‘અરે તમે ડૂબી ગયાની ક્યાં માંડો છો... એ તો ઓલરેડી ક્યારના ડૂબી ગયા છે...’ સાચું જાણનારાને કોઇ પૂછતું નહોતું, અને ન જાણનારા કુથલી કરવા મચી પડ્યા હતા.
પણ સાવ સા...ચ્ચું કહું, મિત્રો. મેં પણ આ (મારી જ) કુથલીમાંથી ભારે મજા કરી હોં... વાયરો તો ઉડતી વાતો લાવે જ ને... મને પણ આવી વાતો કાને પડતી હતી, પણ જ્યારે આપણને ખબર જ હોય કે વાતમાં રતિભાર પણ દમ નથી ત્યારે હસવું પણ આવે, અને આવી વાતો કરનારાઓની માનસિક્તા પર દયા પણ આવે.
પાડ માનું છું મારા પરિવારજનોનો કે જેમણે મારા દૂરંદેશીભર્યા આયોજનને માન્ય કર્યું ને મને પૂરો સહકાર આપ્યો. વાત નાની હોય કે મોટી, નિષ્ઠાપૂર્વકના પ્રયાસો રંગ લાવતા જ હોય છે. મને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પે’લો સંદેશ બહુ જ પ્રિય છે. ચાલો, તમને પણ કહી જ દઉંઃ
કર્યા વગર કંઇ મળતું નથી. કરેલું ક્યારેય ફોગટ જતું નથી. ફોગટનું લઇશ નહીં. નિરાશ થઇશ નહીં. કામ કરવાની શક્તિ તારામાં છે. લઘુતાગ્રંથિ બાંધીશ નહીં. કામ કરતો જા. હાક મારતો જા. મદદ તૈયાર છે. વિશ્વાસ ગુમાવીશ નહીં.
ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને ઉદ્બોધન કર્યું છે તેનો સાર તો આ જ છેને? ડાયાબિટીસ પૂરા ૩૬ વર્ષથી કેટલો બધો પ્રેમાળ સાથ આપી રહ્યો છે. પણ ડાયાબિટીસ થાય એટલે બીજી નાનીમોટી શારીરિક-માનસિક તકલીફ આવે જ તેવું માની લેવાની બિલ્કુલ જરૂર નથી.
આપ સહુ તો જાણો જ છો કે સપ્તાહમાં કેટલાય જાહેર સમારંભોમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય મને સાંપડે છે. નામી-અનામી મિત્રો મળે, ઉમળકાભેર વાતો કરે. કોઇનો ચહેરો દેખાતાં જ નામ યાદ આવી જાય ને કોઇની સાથે હાય-હેલ્લો થાય તો પણ નામ યાદ ન આવે તે ન જ આવે. માથું ખંજવાળીશ તો વધુ મોટી ટાલ પડી જશે તેવી ચિંતા વચ્ચે સામે ઉભેલા સજ્જન કે સન્નારીને હસતાં હસતાં કહેવું પડે કે ‘માફ કરજો, આપણે અગાઉ મળ્યા છીએ, પણ તમારું નામ યાદ નથી આવતું... લાગે છે ડિમેન્શિયાની અસર છે...’ કેટલાકને માઠું લાગી જાય છે, પણ મોટા ભાગના સજ્જનો કે સન્નારી બહુ ઉદારમના હોય છે. તેમનું નામ યાદ ન હોવાની મારી ગુસ્તાખીને માફ કરતાં તેઓ સહજતાથી કહી દે છે, ‘અરે... રહેવા દો ડિમેન્શિયાવાળી વાત... આપણે મળી છીએ જ ક્યારેક, તો તમને નામ ક્યાંથી યાદ રહે?’
મિત્રો, તમને નથી લાગતું કે આજકાલ સહુ કોઇને ડિમેન્શિયાનું ભૂત બહુ હેરાન કરી રહ્યું છે? આપણે કોઇ નાનકડી પણ વાત ભૂલ્યા નથી કે આસપાસમાં હાજર પરિવારજનોએ ટકોરો માર્યો નથીઃ ‘ડિમેન્શિયાની અસર લાગે છે...’ લ્યો કરો વાત... અરે, શુભ શુભ બોલોને... કોઇ નબળા મનનો માણસ તો બિચારો ગભરાઇ જ જાય - માળું મગજમાં આ શું ખોટકો થઇ ગયો છે?
પણ ખરેખર એવું નથી હોતું. ચાલો, ડિમેન્શિયાનો ગભરાટ દૂર થઇ જાય તેવી વાત કરું. હમણાં એનએચએસ ૫૦૦ વ્યક્તિને આવરી લેતો દીર્ઘકાલીન અભ્યાસ કરી રહી છે. માર્ચ ૧૯૪૬ના એક સપ્તાહમાં જન્મેલા આ તમામ લોકોની શારીરિક-માનસિક સ્થિતિને નિષ્ણાતો તપાસી રહ્યા છે. અભ્યાસનો સંપૂર્ણ અહેવાલ આવતાં તો વાર લાગશે, પણ પ્રાથમિક તબક્કે એમ જણાય છે કે અગાઉના અભ્યાસથી વિપરિત ડિમેન્શિયા વધુ વ્યાપક અને પીડાકારી છે તેવું માની લેવું જરૂરી નથી. હા, દારૂનું સેવન, ધુમ્રપાનની આદત, જંકફૂડ અને જીવનશૈલીમાં અનિયમિતતા ઘર ઘાલી ગયા હોય તો ડિમેન્શિયા જ નહીં, બીજી બીમારીઓ પણ વહેલી પધારે છે એ પણ એટલું પાક્કું છે.
પરંતુ આપણે આપણી રીતે સર્વપ્રકારે કાળજી રાખીએ તો આવી હેરાનગતિમાંથી બચવું અશક્ય નથી. કુદરતે બનાવેલું આ માનવયંત્ર અદભૂત છે. આ ધરતી પર જન્મ લેનારનું મૃત્યુ તો નિશ્ચિત છે જ. તેને તમે કે હું અટકાવી શકવાના નથી, પણ સ્વસ્થ જીવનશૈલીનું અનુસરણ તો આપણા હાથમાં છેને? ખાવા, પીવા, ઊંઘવાનું ધ્યાન ન રાખીએ અને ક્ષુલ્લક વાતે ચિંતામાં પરોવાઇ જઇએ તો ચિતા તરફની આગેકૂચ વેગવંતી જ બનવાની. જાણીતી ઉક્તિ છેને...
ચિંતાથી ચતુરાઇ ઘટે, ઘટે રૂપ, ગુણ, જ્ઞાન,
ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન.
કોઇ વાતે ચિંતા થાય તેમાં કંઇ નવું નથી, પણ ચિંતા ચિતા નજીક લઇ જાય તેટલી હદે ચિંતા કરવાની જરૂર નથી. મનમાં પૂરપાટ વેગે દોડતાં વિચારોના ઘોડા નિરંકુશ તો ન જ હોવા જોઇએ. તેની લગામ આપણા હાથમાં જ હોવી જોઇએ. ઘણી વખત સમય, સંજોગો આપણા નિયંત્રણમાં નથી હોતા. આવા સમયે ચિંતા કરીને આપણે શું કાંદા કાઢી લેવાના છીએ? ચિંતાનો ટોપલો ઇશ્વરના માથે મૂકી દો ને હળવા થઇ જાવ. (હું જાણું છું કે લખવું સહેલું છે તેટલો અમલ સહેલો નથી, પણ આવો પ્રયાસ કરવામાં ગુમાવવાનું પણ શું છે?) જેમ કે, કોઇ અસાધ્ય રોગ અણધાર્યો આવીને વળગી પડે તો આપણે શું કરી શકવાના છીએ? ક્યારેક એવું બનતું હોય છે કે વ્યક્તિએ જીવનમાં દારૂનું ટીપું ચાખ્યું પણ ન હોય અને તેને ફેફસાં કે લીવરના કેન્સરનું નિદાન થાય. ક્યારેક એકદમ સ્વસ્થ વ્યક્તિ પણ હાર્ટ એટેકનો ભોગ બનતી હોય છે. આવા સંજોગોમાં ચિંતા કરીને સ્વાસ્થ્યને વધુ ખરાબ કરવાના બદલે યોગ્ય સારવાર-ઉપચાર એ જ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થતો હોય છે.
માનવશરીરમાં પગના અંગૂઠાથી માંડીને માથાના વાળની ટોચ સુધી કેટલી બધી કુદરતની કમાલ છે. મેડિકલ સાયન્સ ભલે ગમે તેટલું આગળ વધી ગયું હોય, માણસ ભલે ચંદ્ર સુધી પહોંચી ગયો હોય, પણ માનવશરીરનો સંપૂર્ણ તાગ પામવાનું હજુ બાકી છે. તન-મંદિરના પૂરતા જતન છતાં પણ તેમાં નાનો-મોટો ખોટકો સર્જાય તો તેને સહજતાપૂર્વક, સમજદારીપૂર્વક સ્વીકારી લેવામાં જ શાણપણ છે.
વાત આરોગ્યના જતનની ચાલી રહી છે ત્યારે મારી ઇચ્છા સહુ નારીશક્તિને ગંભીરપણે સ્પર્શતી એક બાબત તરફ આંગળી ચીંધામણ કરવાની છે. થોડાક વર્ષ પૂર્વે એવું કહેવાતું અને મનાતું હતું કે કેન્સર એટલે કેન્સલ. કેન્સર એટલે જીવનનો અંત. છેલ્લા કેટલાક વર્ષોમાં બ્રેસ્ટ કેન્સરના કેસોનું પ્રમાણ વધ્યું હોવાથી ચિંતા વધવી સ્વાભાવિક છે. પરંતુ આપણે સહુ કોઇએ યાદ રાખવું રહ્યું કે સમયના વહેવા સાથે કેન્સરના કેસો વધ્યા છે તો તેની સાથે નિદાનની, તેની સારવારની પદ્ધતિ પણ વધુ આધુનિક બની છે, એકદમ અસરકારક બની છે. એક અંદાજ પ્રમાણે ૫૦થી ૭૦ ટકા કે વધુ કેસોમાં બ્રેસ્ટ કેન્સર જીવલેણ નથી. કેન્સરની સારવાર થઇ શકે છે. એનએચએસના એક નિવેદન અનુસાર ૭૦થી મોટી વયની સ્ત્રીઓને પણ બ્રેસ્ટ કેન્સર થઇ શકે છે. આ રોગથી બચવાનો એક જ ઉપાય છે - પોતીકી રીતે પ્રાથમિક સાવચેતી. જો તમે બ્રિટનમાં રહેતા હો અને સહેજ પણ શંકા લાગે તો ડોક્ટરને કન્સલ્ટ કરવામાં જરા પણ વિલંબ કરવો નહીં.
હું તો મારી વાત કરીને આ મુદ્દો પૂરો કરું છું. પરમ કૃપાળુ પરમાત્માએ મારા પર અસીમ કૃપા કરી. મારી માતાએ મને નવ મહિના ઉદરમાં પોષ્યો. કંઇકેટલાય અસંખ્ય નાનામોટા લોકોએ મને એક યા બીજી રીતે ખૂબ આપ્યું. હવે મારી શું ફરજ છે? જેટલું બને તેટલું વધારે લાંબુ આયુષ્ય મેળવવવા આતુર રહેવું. સારું આરોગ્ય જાળવવું. તે માટે સતત કાળજી રાખવી અને ઇશ્વરદત્ત શક્તિનો સદઉપયોગ કરી, સમાજને, આ ધરતી માતાને કંઇક નમ્ર પ્રદાન કરતા રહેવું. આટલું થાય એટલે ભયો ભયો.. હું સ્વર્ગ પામવાની કે મોક્ષ મેળવવાની લગારેય ચિંતા કરતો નથી. કર્મ કરતા રહેવું તે જ મારો ધર્મ છે. અને આથી જ તો મારી ‘કર્મભૂમિ’નું નામ કર્મયોગ હાઉસ છે... (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter