પીછેકૂચ એ પરાજય નથી

સી. બી. પટેલ Thursday 11th December 2014 06:37 EST
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વર્ષો પહેલાં સુપ્રસિદ્ધ મીલીટરી હિસ્ટોરીયન કેપ્ટન લિન્ડલહર્સ્ટનું એક પુસ્તક વાંચ્યું હતું. યુદ્ધભૂમિમાં અપનાવાતા વિવિધ વ્યૂહના ભાગરૂપે તેમાં એટેક એન્ડ ડિફેન્સ - આક્રમણ અને સંરક્ષણ અંગે સુંદર ચર્ચા હતી. જેમાં એક તબક્કે એવો પણ સૂર રજૂ થયો હતો કે માત્રને માત્ર તલવારની તાકાતથી સર્વાંગ-સંપૂર્ણ વિજય શક્ય નથી. સંજોગો પ્રમાણે મગજને પણ ઉપયોગમાં લઈ ‘આગળ  વધો કે પાછા હટો’ જેવા નિર્ણયો પણ લેવા પડે.

ભારતમાં ઇસ્ટ ઇંડિયા કંપનીના પગરણ થયા ૧૬૦૭માં. સુરતના (હવે તો હીરાનગરીમાં એકરસ થઇ ગયેલા) રાંદેરના દરિયાકિનારે સઢવાળા ત્રણ જહાજ લાંગર્યા. આ જહાજોમાં સીત્તેર માણસોનો કાફલો હતો. આવ્યા તો હતા વેપાર કરવા પણ, વેપાર કરતાં સત્તા હાથવગી થઇ ગઇ. સત્તા, પાવરમાં એવી તો તાકાત રહેલી છે કે કોઇને તે છોડવી ગમતી નથી. સત્તામાં નશો હોય છે એમ કંઇ અમસ્તું નથી કહેવાયું!
ઇસ્ટ ઇંડિયા કંપનીના સંચાલકોને સત્તાનો સ્વાદ દાઢે વળગ્યો. તેમાં વળી તેની સાથે આપણા આંતરિક કુસંપ અને સમાજના નકારાત્મક પરિબળોનું સમીકરણ રચાયું. ઇસ્ટ ઇંડિયા કંપની માટે તો ભાવતું’તું ને વૈદ્યે કીધું તેવો તાલ હતો. કંપનીએ પોતાનું વર્ચસ જમાવવા લશ્કરી દળ ઊભું કર્યું, અને તે પણ બહુ આયોજનપૂર્વક. ધારો કે ૧૦૦૦ સૈનિકોની પલટન હોય તો તેમાં ૨૫થી ૨૭ ગોરા હોય, જ્યારે બાકી બધા આપણા હિન્દુસ્તાની ભાઇઓ. આમાં પણ ઇસ્ટ ઇંડિયા કંપનીના સામ્રાજ્યવાદી વિચારસરણી ધરાવતા માંધાતાઓએ કુનેહ વાપરી હતી. આપણી લડાયક કોમ ગણાતી શીખ, મુસ્લિમ, રાજપૂત આદિ સમુદાયના સભ્યો સાથે દલિત (મહાર)ને પણ લશ્કરમાં ભરતી કર્યા. બ્રિટિશ રાજદ્વારી નીતિનો પાયાનો સિદ્ધાંત છે - ભાગલા પાડો અને રાજ કરો. ઇસ્ટ ઇંડિયા કંપનીએ રચેલા લશ્કરમાં પણ આ વાતની ખાસ ‘કાળજી’ રાખવામાં આવી હતી. તેઓ જાણતા હતા કે જો બધા સૈનિકો સંપી જાય તો બળવો ફાટી નીકળતાં વાર ન લાગે, અને ભારે પણ પડી જાય. તેમણે આ જોખમને ઉગતાં જ ડામ્યું હતું.
ખેર, મૂળ વાત પાછા ફરીએ તો, મુખ્ય બાબત એ છે કે ઇસ્ટ ઇંડિયા કંપનીએ ભારતમાં તેના સામ્રાજ્યની જાળ બિછાવતાં બિછાવતાં લગભગ ૭૫૦ નાના-મોટા યુદ્ધો કર્યા. જોકે રાજા, મહારાજા કે નવાબ જેવા શાસકોને હરાવ્યા પછી તેમણે જે સંધિ કરાર કર્યા છે તેનો આંકડો ૮૫૦ થાય છે. ક્યાંક ભૌગોલિક વિસ્તાર પર કબ્જો જમાવ્યો તો ક્યાંક મહેસૂલ હક્ક મેળવ્યો, પણ નાના-મોટા બધા શાસકોને ખંડિયા રાજા બનાવીને નાથ્યા. રાજ-રજવાડું નાનું હોય કે મોટું, દરેક માટે વર્ષે એક વખત તાજના પ્રતિનિધિની મુલાકાત લેવાનું અને ગવર્નર જનરલ કે વાઇસરોયને કુર્નિશ બજાવીને તેમની સમક્ષ ખંડણી કે લાગો ભરવાનું ફરજીયાત હતું.
અખંડ હિન્દુસ્તાનના આવા ૫૬૨ રાજા-મહારાજાઓમાંથી ખરા અર્થમાં સ્વમાની કહી શકાય તેવા એક જ રાજાનું નામ ઇતિહાસમાં કંડારાયેલું છે. આ હતા વડોદરા સ્ટેટના શાસક સર સયાજીરાવ ગાયકવાડ-તૃતીય.
સન ૧૯૧૧માં દિલ્હી દરબાર વેળા કિંગ પંચમ જ્યોર્જ જેવા ધુરંધરોનો દરબાર ભરાયો હતો. એક પછી રાજવીઓ કુરનિશ બજાવીને પોતાની હાજરી નોંધાવી રહ્યા હતા. સર સયાજીરાવ ગાયકવાડ-તૃતીયનો વારો આવ્યો. રુઆબભેર આગળ વધ્યા. હિન્દુસ્તાની પરંપરા અનુસાર રાજપરિવારનું અભિવાદન કર્યું અને પછી (રાજપરિવારને કદી પીઠ ન દેખાડાય તેવી) બ્રિટિશ પરંપરાને કોરાણે મૂકી - ઉલ્ટા પગે ચાલવાના બદલે - પાછા વળીને ચાલતા થયા. રાજ દરબારીઓની આંખો ચાર થઇ ગઇ. પણ આ તો સયાજીરાવ. હાથી જેવી મલપતી ચાલે જેમ આગળ વધ્યા હતા તેમ જ પાછા વળી ગયા. રાજ પરિવારે શું વિચાર્યું હશે એ તો આપણે નથી જાણતા, લંડનના ‘ટાઇમ્સ’ અખબારે લખ્યુંઃ ‘રાજાને ઠાર કરો...’ બીજાએ છાપ્યુંઃ ‘સયાજીરાવને જેલમાં મોકલી આપો.’ રાજા-મહારાજા હોય ત્યાં હજૂરિયા તો હોય જ ને?! પણ તેવું કંઈ જ ન થયું.
સર સયાજીરાવ ગાયકવાડના જીવન સાથે સંકળાયેલા આવા તો અનેક પ્રસંગો છે જે આપણને આત્મગૌરવ, સ્વમાન, સ્વાભિમાન, દૂરંદેશીપણું વગેરેના પાઠ ભણાવી જાય છે, પણ આપણે તો વાત કરતા હતા મિલિટરી હિસ્ટોરિયન - લશ્કરી બાબતોના ઇતિહાસવિદ્ લિન્ડલહર્સ્ટની.
તેઓએ પુસ્તકમાં એક જગ્યાએ લખ્યું છે કે યુદ્ધમેદાનમાં કદી પીછેહઠ કરવાનો સમય આવે અને જો તે પદ્ધતિસર થાય તો એ પરાજય નથી. (સિંહ, વાઘ, દીપડા જેવી પ્રાણીઓ શિકાર પર હુમલો કરતાં પહેલાં બે-ચાર ડગલાં પાછાં ભરતાં જ હોય છેને... તેના જેવી જ આ વાત છે.) બીજા શબ્દોમાં કહું તો આપણા રાજપૂતોનું શૂરાતન, તેમની વીરતા, તેમની હિંમતનો જોટો જડવો મુશ્કેલ છે. આટલું શૌર્ય છતાં ઇતિહાસમાં ઘણાં પ્રસંગોએ તેમના નામે પરાજય નોંધાયેલો છે. કારણ? વિધર્મીઓના હુમલા વેળા સમય વર્ત્યે સાવધાન થવાના બદલે (વ્યૂહાત્મક) પીછેકૂચની નીતિથી દૂર રહ્યા. અને છેલ્લામાં છેલ્લા સૈનિકની આહુતિ માટે તત્પર રહ્યા. રાજપૂતાણીઓએ જૌહર કર્યા. કમનસીબે આ કડવી હકીકત હોવા છતાં ઇતિહાસ છે, પણ આ યુદ્ધની વાત કરીને હું અત્રે ભારત અને બ્રિટનની બે અગત્યની ઘટનાઓ વિશે કંઇક રજૂઆત કરવા પ્રયત્નશીલ છું.
સોમવાર, પહેલી ડિસેમ્બરે કોંગ્રેસ પક્ષે ૨૫ મુદ્દાનો દસ્તાવેજ પ્રસિદ્ધ કર્યો છે. જેમાં મોદી સરકારે જે મુદ્દા અંગે પીછેકૂચ કરી હોય કે ચૂંટણી પ્રચાર વેળા જે પ્રશ્ન ઉઠાવ્યો હોય તેની દિશા બદલી હોય કે સંજોગવશાત્ પગલાં સ્થગિત કર્યા હોય કે પછી તેના ઉકેલની ઉપેક્ષા કરી હોય તેનો ઉલ્લેખ છે. કોંગ્રેસે આ મુદ્દાને પુસ્તિકા સ્વરૂપે રજૂ કરીને તેને નામ આપ્યું છે - ‘યુ-ટર્ન’. કોંગ્રેસના આ વલણ અંગે કંઇ નવું નથી. વિરોધ પક્ષે વિરોધ તો કરવો જ જોઇએ. પણ દરેક વખતે તાક્યું તીર લાગતું નથી. તેમાં પણ સોનિયાબહેન અને તેમના સુપુત્ર રાહુલભાઇ છેલ્લા દસ વર્ષના શાસનકાળમાં કે નવ મહિનાના ચૂંટણી જંગમાં કાચા પડ્યા જણાય છે તમને એવું નથી લાગતું? ખેર, કોંગ્રેસે ભાજપ સામે જે ૨૫ મુદ્દા સાથે નિશાન સાધ્યું છે તેમાંના એક જ મુદ્દાની સહેજસાજ ચર્ચા કરવા માંગું છું. આર્ટીકલ ૩૭૦.
૧૯૫૨-૫૩ના ગાળામાં કવિહૃદય અને અતિ સંવેદનશીલ વડા પ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ જમ્મુ-કાશ્મીર બાબતે કૂણી લાગણી ધરાવતા હતા. તેમણે જમ્મુ-કાશ્મીરના તત્કાલીન શાસક શેખ અબદુલ્લા સાથે ‘કાયમી’ સમાધાનના ભાગરૂપે કાશ્મીરને ભારતના સમવાય તંત્રમાં કેટલીક સવિશેષ જોગવાઇઓ, સવલતો આપી. તેનો અલગ રાષ્ટ્રધ્વજ. ભારતમાં દર પાંચ વર્ષે ચૂંટણી યોજવાની બંધારણીય જોગવાઇ સામે કાશ્મીરમાં છ વર્ષે ચૂંટણી યોજવાની જોગવાઇ. એટલું જ નહીં, ભારતના બીજા રાજ્યના લોકોને જમ્મુ-કાશ્મીરમાં કાયમી વસવાટનો કે જમીન-જાયદાદ ખરીદવાનો અધિકાર પણ નહીં! આવી તો કેટલીય જોગવાઇને આર્ટીકલ ૩૭૦ હેઠળ આવરી લઇ કાશ્મીરના વિશેષાધિકારોને કાયમી સ્વરૂપ અપાયું છે.
આજનો ભાજપ, અને અગાઉનો જનસંઘ, ગત લોકસભા ચૂંટણી વેળાથી જ નહીં, છેક વર્ષોથી કહેતા આવ્યા છે કે ભારત જેવા બહુવિધ, બહુસાંસ્કૃતિક રાષ્ટ્રમાં કોઇ એક રાજ્યને અલગ બંધારણીય દરજ્જો આપવો દેશહિતમાં નથી. આવી જોગવાઈથી તો તે રાજ્યને વિવિધ પ્રકારે નુકસાન થાય છે. આવા દરજ્જાની યોગ્યતા વિશે ફેરવિચારણા થવી જ જોઇએ.
આ આર્ટીકલ ૩૭૦થી, મિત્રો એક વાત ખાસ સમજી લેજો કે, પાકિસ્તાન ગમે તેટલા ધમપછાડા કરશે તો પણ કાશ્મીરને પ્રજાસત્તાક ભારતમાંથી છીનવી શકશે નહીં. ચારેક વખત લશ્કરી દુઃસાહસ કર્યું છે, પણ પાકિસ્તાન માટે દરેક વખતે હવેલી લેતાં ગુજરાત ગુમાવવા જેવો ઘાટ સર્જાયો છે. સીધા લશ્કરી મુકાબલામાં ન ફાવતાં હવે તે આતંકવાદના ઓઠાં તળે પ્રોક્સી વોર લડી રહ્યું છે તે અલગ વાત છે.
લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન અને ચૂંટણી પ્રચાર પછી મોદીએ આર્ટીકલ ૩૭૦ની બાબતમાં બે અગત્યના મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર અલાયદો બંધારણીય દરજ્જો ધરાવતું હોવાથી રાજ્યનો વિકાસ થયો નથી. કેટલીક મર્યાદાઓના કારણે વિકાસની તક સીમિત થઇ જાય છે. આર્ટીકલ ૩૭૦ના કારણે રાજ્યનો વિકાસ રુંધાયો છે. જ્યારે બીજો મુદ્દો તેમણે ચૂંટણી પછી ઉઠાવ્યો. જેમાં તેમનું કહેવું છે કે જમ્મુ અને કાશ્મીરને અલગ રાજ્યનો વિશેષ દરજ્જો આપતી જોગવાઇ આર્ટીકલ ૩૭૦ને દૂર કરવા માટે જરૂર પડ્યે તમામ સંબંધિત પક્ષકારો વચ્ચે  વિસ્તૃત ચર્ચા થવી જોઇએ.
વાચક મિત્રો, હવે તમે જ કહો નરેન્દ્ર મોદીના આ મંતવ્યમાં ખોટું શું છે? શું ગેરવ્યાજબી છે? જ્યારે કોઇ મુદ્દે બે અલગ અલગ વિચારસરણી ટકરાતી હોય, બે વિરોધાભાસી મંતવ્યો પ્રવર્તતા હોય ત્યારે જો તમામ પાસાંઓને આવરી લેતી સર્વગ્રાહી ચર્ચા કરવામાં આવે તો ચોક્કસ સમાન ભૂમિકા ઉદભવશે જ તેવું મારું માનવું છે. આથી ઉલ્ટું, બન્ને પક્ષકારો પોતપોતાના અભિપ્રાયનું પૂંછડું જ પકડી રાખે તો પછી વર્ષો વીતી જાય, છતાં મુદ્દો વણઉકેલ જ રહે. આથી કોંગ્રેસ હોય કે પછી મુલાયમ સિંહની સમાજવાદી પાર્ટી, શરદ યાદવના જનતા દળ (યુ), ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ કે પછી લાલુ પ્રસાદનો રાષ્ટ્રીય જનતા દળ હોય, પોતાને બિનસાંપ્રદાયિક ગણાવતા આ તમામ પક્ષોએ આર્ટીકલ ૩૭૦ની નાબૂદીના મુદ્દાને રાજકીય રંગ ચઢાવ્યા વગર ચર્ચા માટે તૈયારી દાખવવી જોઇએ. હા, મોદી સરકાર ચર્ચા માટે પણ તૈયાર ન હોય અને કોઇ પણ સંજોગોમાં આર્ટીકલ ૩૭૦ને રદ કરવાનું જક્કી વલણ ધરાવતી હોય તો જરૂર કાગારોળ કરવી જોઇએ. મોદી સરકારે આર્ટીકલ ૩૭૦ની નાબૂદીના મુદ્દે અત્યારે તો થોભી જવાનું વલણ અપનાવ્યું હોય તેવું જણાય છે. સમય સમયનું કામ કરશે.
તાજેતરમાં લંડન પ્રવાસે આવેલા વરિષ્ઠ પત્રકાર અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા એમ. જે. અકબર સાથે ગોઠડી કરવાનો અવસર સાંપડ્યો. મૃદુભાષી અકબર જૂના પરિચિત પણ ખરા એટલે તેમણે ખૂલીને વાત કરી. તેમનું કહેવું હતુંઃ હું મારા પાકિસ્તાની મિત્રોને પણ ચર્ચા દરમિયાન અવારનવાર કહું છું કે તમે (કાશ્મીર મુદ્દે) જે કંઇ પ્રસ્તાવ મૂકો તે વાસ્તવિક્તાને નજરમાં રાખીને મૂકો. હું પણ મુસ્લિમ છું, પણ માત્ર લાગણીના સહારે દરિયામાં કૂદી ન પડાય. ભારતમાં વસતા કરોડો ભારતીય મુસ્લિમો પણ નથી ઇચ્છતા કે જમ્મુ-કાશ્મીર ભારતથી વિખૂટું પડે. આ સંજોગોમાં પાકિસ્તાને તેના પર નજર પણ ન નાખવી જોઇએ.
અકબર વિદેશ નીતિ સંદર્ભે ‘ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીસ’ વિષય પર પ્રવચન આપવા લંડન આવ્યા હતા. તેમના પ્રવચનમાં પણ આ જ વાત રજૂ થતી હતી. આધુનિક સમાજ કે દેશ સામેના પડકારો અને ઉપલબ્ધ તકોનો ઉલ્લેખ કરતાં પાયાના ચાર મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતોઃ ૧) લોકશાહી. ૨) બિનસાંપ્રદાયિક્તા. ૩) જાતીય ભેદભાવને તિલાંજલી તેમ જ ૪) આર્થિક વિકાસની સાથોસાથ દંભ અને તકવાદની ઉપેક્ષા.
અકબરનું કહેવું હતું કે કોઇ પણ દેશ માટે પ્રગતિ સાધવા આ ચાર પાયાની બાબતો આવશ્યક છે. કમનસીબે, આમાંથી એક પણ પરિમાણમાં પાકિસ્તાન બંધબેસતું નથી. અકબરે તેમના પ્રવચનમાં પ્રથમ વિશ્વ યુદ્ધ, બીજું વિશ્વ યુદ્ધ, ત્રીજું વિશ્વ યુદ્ધ (મૂડીવાદ વિ. સામ્યવાદ) અને ચોથા વિશ્વ યુદ્ધ (લોકતંત્રના સમર્થકો વિ. કટ્ટરવાદી પરિબળો)નો પણ ઉલ્લેખ કર્યો.
એમ. જે. અકબરની વાતમાં દમ હતો, કેમ કે તેમણે રજૂ કરેલા મુદ્દા તાર્કિક હોવાથી ઘીથી લસલસતા શીરાની જેમ ગળે ઉતરી જાય તેવા હતા. માત્ર હું જ નહીં, સભાગૃહમાં ઉપસ્થિત બહુમતી મહાનુભાવો આ વાતે સંમત હતા. હા, એક નાનો વર્ગ એવો પણ હતો જેમના મતે પાકિસ્તાનના મુદ્દે અકબરનું વલણ બહુ આકરું હતું. પણ વાચક મિત્રો, શું થાય? તમે ક્યારેય એક સાથે બધાને રાજી કરી શકતા નથી. આ વાત ગમે તેવી ન હોવા છતાં હકીકત છે. સહુ કોઇને એક સાથે રાજી કરવાનું કોઇ માટે શક્ય નથી, નરેન્દ્ર મોદી માટે પણ નહીં.
નાનામોટા પ્રશ્ન બાબતે કે રાષ્ટ્રીય વિકાસ બાબત જો મોદી સરકાર ક્યાંક થોભી જાય, ક્યાંક ફેરવિચારણા કરે કે ક્યાંક નવા મંતવ્યો, પ્રસ્તાવોના પરિણામે દિશા બદલે તો તે યોગ્ય છે તેમ હું માનું છું. નરેન્દ્ર મોદીના વાણી-વર્તન-મંતવ્ય અંગે બધા સહમત હોય જ તે જરૂરી નથી. આપણે નિશ્ચિત સ્થાને પહોંચવાના ઇરાદે ઘરેથી ચાલવા નીકળ્યા હોઇએ. લક્ષ્ય નક્કી હોય એટલે માર્ગ તો નિશ્ચિત જ હોય, પણ આગળ વધતાં રસ્તા વચ્ચે દિવાલ આડી આવે તો? જરાક રસ્તો બદલીને આગળ વધવું પડે, દિવાલ સાથે કંઇ માથું તો ન અફળાવાય ને!
હવે બ્રિટનની વાત માંડીએ... ગયા બુધવારે બ્રિટિશ પાર્લામેન્ટમાં ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ઓટમ સ્ટેટમેન્ટ (પાનખરનું નિવેદન) રજૂ કર્યું. સામાન્યપણે માર્ચ-એપ્રિલમાં બજેટ રજૂ થાય છે. જેમાં દેશની તિજોરીમાં આવક-જાવકનું પલ્લું સરભર રહે તેને ધ્યાનમાં રાખીને કરવેરાની ઉપજ, સરકારી ખર્ચ વગેરેની રૂપરેખા હોય છે. બજેટ રજૂ થયા પછીના છએક મહિના દરમિયાન દેશ-દેશાવરમાં આર્થિક પરિપ્રેક્ષ્યમાં જે કંઇ પરિવર્તન આવ્યું હોય, ઉથલપાથલ થઇ હોય તેને લક્ષમાં રાખીને ઓટમ સ્ટેટમેન્ટના માધ્યમથી બજેટમાં સુધારાવધારા કરાતા હોય છે.
સંક્ષિપ્તમાં કહું તો ચાન્સેલર ઓસ્બોર્ને મે-જૂન ૨૦૧૦માં રાષ્ટ્રીય અર્થતંત્રનો જે નકશો રજૂ કર્યો હતો એમાં તેમણે ઘણી બધી બાબતોમાં પીછેહઠ કરી છે. જેમ કે, રાષ્ટ્રીય તિજોરીમાં જંગી ખાધ યથાવત્ છે. આથી સરકારી ખર્ચમાં કાપ મૂકવાનું નક્કી થયું. જોકે તેમાંથી ત્રણેક બાબતોને ખાસ બાકાત રાખવામાં આવી છે. એક, ઓવરસીઝ એઇડ બજેટ (વિશ્વના અન્ય દેશોને અપાતી આર્થિક સહાય). બીજું, સંરક્ષણ બજેટ, અને ત્રીજું, NHSનું બજેટ.
ચાન્સેલર ઓસ્બોર્ને ભલે કંઇક ગણતરીપૂર્વક જ આ નિર્ણય કર્યો હશે, પણ માણસ કાપવા બેસે છે ત્યારે નરસાની સાથે સારું પણ કપાય જતું હોય છેને? આમાં પણ આવું જ થયું. આપણે NHSની વાત કરીએ.  
નેશનલ હેલ્થ સર્વીસ નામે NHSઆ દેશની અનોખી તબીબી સુવિધા છે. તેમાં જે કંઇ સુવિધા મળે છે તેમાં ખૂબ ફરિયાદો આવી રહી છે. આથી ઓટમ બજેટમાં NHSના ખર્ચને પહોંચી વળવા માટે વધુ બે બિલિયન પાઉન્ડ ફાળવાયા હોવાનું જાહેર થયું છે. જોકે NHSના ખાટલે મોટી ખોડ એ છે કે તેની સામે મેડિકલ નિગ્લીજન્સના એટલે કે સારવાર-સુશ્રુષામાં તબીબી બેદરકારી દાખવવા બદલ જે કેસ ચાલી રહ્યા છે તેની સંભવિત જવાબદારીનો સરવાળો જ અધધધ ૨૫.૭ બિલિયન પાઉન્ડ જેટલો થવા જાય છે. આટલી તોતિંગ જવાબદારી સામે બે બિલિયન પાઉન્ડ જેવી મોટી રકમ વધુ ફાળવવાથી પણ સરવાળે ફાયદો શું?
અહીં બીજી પણ એક વાત સમજવા જેવી છે. આ યુતિ સરકારે બહાર પાડ્યું કે અમે રાષ્ટ્રીય ખાધ દૂર કરશું. આવકજાવકનું પલડું સરભર કરશું. જોકે ૨૦૧૬-૧૭માં સુધીમાં તો તે શક્ય જણાતું નથી કેમ કે સરકાર માટે નવા ખર્ચ કર્યા વગર કોઇ વિકલ્પ નથી. તેની સામે ઓસ્બોર્ને ઉપરોક્ત ટાંકેલા ત્રણ વિભાગ સિવાયના ખાતાઓમાં જેમ કે, શિક્ષણ ટ્રાન્સપોર્ટેશન વગેરે ક્ષેત્રોમાં બે-ત્રણ વર્ષમાં ૫૫ બિલિયન પાઉન્ડની કાપકુપ કરવી પડશે. જોકે આ કહેવું સહેલું છે, અમલ કરવો અઘરો છે.
ટકાવારીના આંકડાઓ પર નજર ફેરવશો તો જણાશે કે દેશના જીડીપી (કાચી રાષ્ટ્રીય પેદાશ) દરમાં પાંચ ટકા ખાધ છે. પહેલી નજરે નાનો દેખાતો આ આંકડો અર્થતંત્રની દૃષ્ટિએ બહુ મોટો કહેવાય. અત્યારે એટલું જરૂર કહી શકીએ કે સરકાર ખાધ નિવારવાની દિશામાં પગલાં અવશ્ય લઇ રહી છે. દાખલા તરીકે, સરકારે બે મિલિયન પાઉન્ડથી વધુ કિંમતના ફ્લેટ કે મકાન પર સવિશેષ વેરાની દરખાસ્ત કરી છે. અલબત્ત, આથી ઓછી કિંમતના ફ્લેટ કે મકાનની સ્ટેમ્પ ડ્યુટીમાં વધુ બાંધછોડ કરાઇ છે. આપણા ભારતીય સમાજના લગભગ ૮૫ ટકા લોકો પોતીકા મકાનમાં રહેતા હોવાથી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત ઓછાવત્તા અંશે (સારા-નરસા પ્રમાણમાં) આપણને પણ સ્પર્શે છે.
દેશના અર્થતંત્રની વાત ચાલે છે ત્યારે એક બીજું પણ પાસું ધ્યાને લેવું જ રહ્યું. ગયા વર્ષે જુલાઇમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના એક બેરલનો ભાવ ૧૧૫ ડોલર હતો, જે ગયા મહિને ૬૮ ડોલર જેટલો નીચો હતો. ખનિજ તેલના ભાવમાં ૪૦ ટકા જેટલી રાહત ભારત જેવા દેશ માટે ફાયદાકારક છે, પણ આંતરરાષ્ટ્રીય અર્થતંત્રને ધબકતું રાખવામાં ફાઇનાન્સ અને ઓઇલ સૌથી મહત્ત્વના પરિબળ છે. તે અર્થમાં મધ્ય-પૂર્વના તાલેવાન શેખોની તિજોરીની આવકમાં થોડોક ઘટાડો થાય તો તે કદાચ અસહ્ય ન બને, પણ રશિયા, વેનેઝુએલા, નાઇજિરિયા જેવા ક્રૂડ ઓઇલની આવક પર જ નભતા દેશોની શું હાલત થશે? અલબત્ત, ક્રૂડ ઓઇલના ભાવ કાયમી ધોરણે આટલા ઓછા નહીં રહે,  અને રહેવા પણ ન જોઇએ એમ નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ માને છે.
ખેર, મારા - તમારા જેવા બ્રિટિશ નાગરિકો માટે આ બધું જાણવું-સમજવું જરૂરી હોવાથી આ મુદ્દો ચર્ચ્યો છે. સર્વગ્રાહી સંજોગોના ઉપલક્ષ્યમાં જોઇએ તો બ્રિટન આર્થિક રીતે સલામત છે અને આપણા જીવનધોરણ પર ખૂબ માઠી અસર પડે તેવા કોઇ સંજોગો નજીકના ભવિષ્યમાં તો અવશ્ય જણાતા નથી. (ક્રમશઃ)


    comments powered by Disqus



    to the free, weekly Gujarat Samachar email newsletter