વડીલો સહિત સહુ વાચક મિત્રો, વર્ષ આવ્યું ને ગયું.... દિવાળી ઉજવાઇ ગયાને પખવાડિયું વીતી ગયું, અને આજે પાંચ નવેમ્બર - કાર્તિકી પૂર્ણિમાની તિથિએ આ કોલમ આકાર લઇ રહી છે ત્યારે આપણે સહુ દેવ દિવાળી ઉજવી રહ્યા છીએ. મારા-તમારા જેવા કાળા માથાના માનવીઓની દિવાળી એટલે પ્રકાશનું પર્વ દીપોત્સવ. ફેસ્ટિવલ ઓફ લાઇટ... આપણા અંતરમનને અજવાળવાનું પર્વ. જ્યારે દેવ દિવાળી એટલે - મારા મતે - ફેસ્ટિવલ ઓફ લાઇફ... કહો કે જીવન ઉત્સવ. આ દિવસે ભગવાન શંકરે ત્રિપુરાસુર નામે ઓળખાતા ત્રણ રાક્ષસોનો વધ કરીને દેવલોકને તેમના ત્રાસમાંથી મુક્તિ અપાવી હોવાથી આ દિવસ ત્રિપુરારી પૂનમ તરીકે પણ ઓળખાય છે. અધર્મ પર વિજયના આ પર્વને દેવી-દેવતાઓએ દીપ પ્રગટાવીને મનાવ્યું હોવાથી તે દેવ દિવાળી તરીકે ઓળખાયું.
આપણે ઉતરાયણ પછીના દિવસને વાસી ઉતરાયણ તરીકે ઓળખાવીએ છીએ, પરંતુ દિવાળી પછી આવતી દેવ દિવાળીને વાસી દિવાળી નથી કહેતા. દેવ દિવાળી કહીએ છીએ, જેને હું ફેસ્ટિવલ ઓફ લાઇફ તરીકે ઓળખાવવાનું પસંદ કરું છું. ખરેખર તો સહુકોઇએ આ પાવન પર્વનું મહત્ત્વ સમજવાની જરૂર છે. જે જીવ આ ધરતી અવતરે છે - જન્મે છે તે વહેલા કે મોડા આ ધરતી પરથી અવશ્ય વિદાય પણ લે છે. આ આલોકગમન-પરલોકગમન વચ્ચેનો ગાળો એટલે આપણું જીવન.
આ જીવનનો જેટલો હકારાત્મક રીતે, પોતાના અને સ્વજનોના આનંદ-કલ્યાણ-વિકાસ વગેરે માટે ઉપયોગ કરીએ એ તેની સાર્થકતા.
ગઇકાલ - ચોથી નવેમ્બરે - હું હાઉસ ઓફ લોર્ડ્સમાં ગયો હતો. એક અંગત ડિનરનું આમંત્રણ હતું. જૂના મિત્રો અવારનવાર મને તેડાવે છે, અને હું પણ આનંદભેર આવા પ્રસંગોમાં જોડાતો હોઉં છું. અલકમલકની વાતો થાય - વિચારવિનિમય થાય. ક્યારેક હાઇ ટી હોય તો ક્યારેક લંચ તો ક્યારેક ડિનર... મિત્રો સાથે બેસવાનું કોને ના ગમે?! ગઇકાલે આપણા ‘ગુજરાતનું ગૌરવ’ પ્રો. લોર્ડ ભીખુભાઇ પારેખ સાથે લંબાણથી વાતો થઇ.
પારેખસાહેબ એટલે આપણા સમસ્ત એશિયન સમાજના એક વિચારવંત વિદ્વાન. હાઉસ ઓફ લોર્ડ્સના મેમ્બર પણ ખરા. જે લોકો ભીખુભાઇને નજીકથી જાણે છે તેમને ખબર છે કે તેમની સાથે બેસવાની, વાતો કરવાની એક અલગ જ મજા છે. સરળ - સહજ અને એકદમ નમ્ર. મોટા ગજાના વિદ્વાન ખરા, પણ તેમના વિચારો કે વાતોમાં ક્યારેય ભાર ના વર્તાય. તેમને મળીને છુટ્ટા પડો તો ક્યારેય ‘ખાલી હાથ’ પાછા ન ફરો. કંઇક નવો દૃષ્ટિકોણ, કંઇક નવો વિચાર જાણવા - સમજવા મળ્યો જ હોય. અમે ઘણી વાતો કરી.
હાઉસ ઓફ લોર્ડ્સની આ મુલાકાત દરમિયાન લોર્ડ નવનીત ધોળકિયા અને લેડી એન ધોળકિયા, લોર્ડ કમલેશ પટેલ, કોમનવેલ્થ સેક્રેટરી જનરલ બેરોનેસ પેટ્રિસિયા સ્કોટલેન્ડ KC સહિતના મિત્રવર્ય મહાનુભાવોને પણ મળવાનું બન્યું. હાય હેલ્લો કર્યું - ખબરઅંતર પૂછ્યછયા અને છૂટા પડ્યા. આ જ પ્રમાણે થોડાક સપ્તાહ પહેલાં પહેલાં હાઉસ ઓફ લોર્ડ્સની મુલાકાત દરમિયાન મેમ્બર્સ ડાઇનિંગ રૂમમાં મિજબાનીમાં હાજરી આપવાનું આગ્રહભર્યું આમંત્રણ મળ્યું હતું. તો આ પાર્ટી દરમિયાન લોર્ડ નીલ કિન્નોક સહિતના મહાનુભાવોને મળવાનો અવસર મળ્યો.
લોર્ડ કિન્નોક સાથે દસકાઓ જૂનો સંપર્ક અને સંબંધ. સ્વાભાવિક છે કે મેં કિન્નોક સાહેબને યુવા વયે છટાદાર અદામાં જોયા છે. 1982માં તેમની સાથે પહેલી મુલાકાત થઇ હતી. તે સંબંધ અને સંપર્ક આજેય ટકોરાબંધ સચવાયા છે. અલબત્ત, હવે તેમના ચહેરા પર વય વર્તાય છે (એ તો મારા ચહેરા પર પણ વર્તાય જ છે ને...!) ખેર, વય તેની રીતે વધવાનું કામ કર્યા, આપણે આપણી રીતે જીવનમાં આગળ વધ્યા કરવાનું. લોર્ડ કિન્નોક સાથેની પ્રથમ મુલાકાતને આજે લગભગ સાડા ચાર દસકા થવા આવ્યા છે. જરા વિચાર તો કરો કે આ અરસામાં કેટકેટલી મુલાકાતો થઇ હશે, કેટકેટલી વાતો થઇ હશે. અમે કેટલીક જૂની યાદો તાજી કરી. સારા સંસ્મરણો હોય, વાતો હોય તેની યાદ તાજી કરો તો દિલ બાગ બાગ થઇ જાય. ખરેખર એમ થઇ જાય કે વાહ... વોહ ભી ક્યા દિન થે...
વાચક મિત્રો, બ્રિટીશ લોકતંત્રના ઉપલા ગૃહ - હાઉસ ઓફ લોર્ડ્સમાં લગભગ 800 માનવંતા સાંસદો બિરાજે છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિવિધ ક્ષેત્રના ચુનંદા માણસોની હાઉસ ઓફ લોર્ડ્સમાં નિમણૂંક કરાય છે. અલબત્ત, હવે આ પદ્ધતિમાં અનેક ફેરફારો જરૂર થયા છે, પણ લોર્ડની વરણીની પ્રથા તો આજે પણ ચાલુ જ છે. આ સંદર્ભે કહું તો હું જ્યારે જ્યારે હાઉસ ઓફ લોર્ડ્સમાં જાઉં છું ત્યારે મારે જેમની સાથે વધારે હળવામળવાનું - ઉઠવાબેસવાનું હોય છે તેમાંના મોટા ભાગના 80થી મોટી વયના હોય છે. જોકે લોર્ડ ક્રિશ રાવલ, લોર્ડ જીતેશ ગઢિયા, લોર્ડ કરણ બિલિમોરિયા જેવા જુવાનિયા પણ મળતા રહે છે, પરંતુ મારે સિનિયર લોર્ડ્સ સાથે વધુ ઘનિષ્ઠ નાતો છે એમ કહું તો અયોગ્ય નથી.
મેં હાઉસ ઓફ લોર્ડ્સની ગઇકાલની મુલાકાત દરમિયાન ત્રણેક માનવંતા લોર્ડ્સ એવા જોયા કે જેઓ 93 કે 94 વર્ષના હતા. આમાં પુરુષ પણ ખરા અને મહિલા પણ ખરાં... ઇંડિયન પણ હતા, ગોરા પણ હતા ને કેરેબિયન પણ... 93 વર્ષનાં એક જાજરમાન મહિલા બેરોનેસ સાથે મારે વાત થઇ. વર્ષોપહેલાં ગુજરાત સમાચાર - એશિયન વોઇસના અનેક કાર્યક્રમોમાં નિયમિત હાજરી આપી ચૂક્યાં છે. કર્મયોગ હાઉસની મુલાકાત લઇને અમારી સાથે ભોજન પણ કરી ચૂક્યા છે. પરિચય જૂનો, પણ વીતેલા વર્ષોમાં સંપર્ક ઘટ્યો હતો. મારી આગવી આદત મુજબ તેમની પાસે જઇને વાતનો તંતુ જોડ્યો.
આપ વોકિંગ સ્ટીક લઇને ચાલો છો... લંડનથી એંશીએક માઇલ દૂર રહો છો, ટ્રેનમાં આવો છો... તકલીફ તો ઘણી પડતી હશે. આટલો શ્રમ ઉઠાવવાનું કારણ શું? આટલા કષ્ટ છતાં હાઉસમાં નિયમિત આવવાનું કારણ શું...? સવાલ વધુ હતા, પણ જવાબ એક અને અસરદાર હતો. તેમણે સુંદર વાત કરી. તેમના શબ્દોનો સાર કંઇક એવો હતોઃ સમય સમયનું કામ કરતો છે, આપણે આપણું કામ કરતાં રહેવાનું. ઉંમર વધે, થોડીક શારીરિક નબળાઇ પણ આવે, પરંતુ આ બધું તો સહજ છે. આનાથી જીવન થોડું થંભાવી દેવાય?
આ પ્રભાવશાળી બેરોનેસે જે વાત કરી તેના પરથી મને એક શબ્દ મને યાદ આવી ગયોઃ જિજીવિષા. જિજીવિષા એટલે જીવનની એષણા; જીવન જીવવાની ઝંખના, ઇચ્છા. જીવમાત્રને જિજીવિષા હોય છે. લોકો ભલે કંઇ પણ બોલતા-બબડતા રહેતા હોય કે હે ભગવાન, હવે તો બસ મને બોલાવી લે... પણ આ બધી વાતો બોલવાની જ હોય છે. કોઇને મરવાની તત્પરતા હોતી નથી. સહુકોઇ શક્ય તેટલું લાંબું જ જીવી લેવાની ઝંખનામાં રાચતા હોય છે. પોતાના સંતાનો અને તેમના સંતાનો સાથેનો સ્નેહભર્યો નાતો, તેમની સાથે વધુમાં વધુ સમય પસાર કરવાની ઇચ્છા, પોતાના સુખસાહ્યબી - પ્રભાવ - જાહોજહાલી વગેરેને પરખવા - માણવાની તત્પરતા... કેટલાય પરિબળો એવા છે જે કાળા માથાને માનવીને ‘સુખ માણવા-રાચવાની’ માયાજાળમાં ગૂંચવાયેલો રાખે છે.
વાચક મિત્રો, આપ સહુએ શાનદાર-દળદાર દીપોત્સવી અંકમાં પ્રકાશિત તંત્રીલેખ વાંચ્યો હશે, જેનો સાર કંઇક એવો હતો કે જીવનમાં નાનામોટા - ગમેતેવા પ્રશ્નો આવે પણ સમસ્યા કે સંજોગોની શરણાગતિ સ્વીકારવાની જરૂર નથી. અડચણ - અવરોધ સાથે અડગ ઉભા રહો, તેની સામે ટક્કર ઝીલો. હૈયે જો હામ હોય તો ગમેતેવા અવરોધને ઓળંગવો મુશ્કેલ કે અશકય્ નથી.
આત્મશ્રદ્ધા - આ એક શબ્દ એક હજાર હાથી જેટલી તાકાત ધરાવે છે. આપણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વન-ડે વર્લ્ડ કપ લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચી ત્યારે આ જ મુદ્દો ચર્ચાયો હતોને? સ્મૃતિ મંધાનાએ કહ્યું હતું કે સર, બે વર્ષ પૂર્વે અમારી ટીમ વર્લ્ડ કપથી વંચિત રહીને રનર્સ અપ બની હતી ત્યારે તમે (વડાપ્રધાને) અમને કહ્યું હતું કે તમારી જાતમાં - ક્ષમતામાં - સજ્જતામાં શ્રદ્ધા રાખજો અને સખત મહેનત કરતા રહેજો. અમે બસ, આ જ કર્યું... અને જૂઓ આજે અમે વર્લ્ડ કપ લઇને તમને મળવા આવ્યા છીએ.
દેવ દિવાળીના પાવન પર્વે આપણા સહુનો એક જ સંકલ્પ હોવો જોઇએઃ સમસ્યા - સંજોગો ભલે ગમેતેવા કપરા કેમ ન હોય, હિંમત હારે તે બીજા. પછી આ સમસ્યા તનની હોય - મનની હોય કે ધનની હોય કે પછી બીજી કોઇ પણ વાતે મુશ્કેલી હોય.
વાયુ ભલે હામ હાર્યો, હલેસાં રે આજ લાજ રાખજો... શબ્દોમાં દૃઢ શ્રદ્ધા રાખીને ઝૂકાવી જ દેવું. આપણે સહુ આપણી જાતને - મનને કહીએ, સ્વાનુભાવ કરીએ કે ભગવાને મારામાં પણ પરમ શક્તિ મૂકી છે. હું ગમેતેવા કઠિન-જટિલ પડકારો - અડચણોનો સામનો કરવા સજ્જ છું. હું એકલો (કે એકલી) નથી, મારી સાથે મારો પરમાત્મા છે. અને જો એક વ્યક્તિ સાથે ભગવાન હોય તો તે વ્યક્તિ બહુમતીમાં જ છે તે સમજી લેજો. જ્યારે જીવનદાતા આપણી સાથે હોય ત્યારે આપણી પાસે જે કંઇ પણ હોય તેને તન-મન-ધનથી માણવું જોઇએ.
મિત્રો, વયોવૃદ્ધ બેરોનેસ 70-80-100 માઇલનો પ્રવાસ કરીને શા માટે નિયમિત હાઉસ ઓફ લોર્ડસમાં આવે છે? અહીં તેમને મિત્રો મળે છે, વિષય રાજકારણનો હોય કે જીવનનો - ચર્ચા કરે છે, મનને તરોતાજા રાખે છે. ઘરના ખૂણે બેસી રહેવામાં જીવન નથી, જીવન-મેદાનમાં સક્રિય રહેવામાં જ તન-મનનું સુખ સમાયું છે. માંહે પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જોને... કંઇ અમસ્તું નથી કહેવાયું.
મારી જ વાત કરું તો કેટલાક મિત્રો - સ્વજનો મળે ત્યારે કહેતા હોય છે કે સી.બી. એકલા ફરો છો, ઉંમર થઇ છે તે સ્વીકારો અને હવે બહુ હરફર ટાળો. તેમની આ ચિંતા સામે મારો જવાબ હોય છેઃ ઉંમર જરૂર થઇ છે, પણ એટલા માત્રથી ઘરનો ખૂણો પકડીને બેસી જવામાં હું માનતો નથી. હરવું-ફરવું ને સહુને મળવું એ તો સી.બી.નું ‘ચાર્જર’ છે. આ જ એનર્જી મને તન-મનથી સક્રિય રાખે છે. આનાથી મને જે પ્રાપ્ત થાય છે તે બેજોડ છે. આપણી યુવાપેઢીને, આપણા સમાજને, આપણા સમુદાયને, આપણા ભારતવંશીઓને પ્રગતિ કરતાં નજરે નિહાળું છું ત્યારે તરોતાજા હોવાની લાગણી અનુભવું છું. આ બધું ઘરેબેઠાં કેમનું મળવાનું હતું?!
હાઉસ ઓફ લોર્ડ્સમાં જે મહાનુભાવો બિરાજે છે તેમણે એક કે બીજા ક્ષેત્રમાં પ્રશંસનીય પ્રદાન આપ્યું હોય છે ત્યારે તેમને આ માનવંતા ગૃહમાં સ્થાન મળતું હોય છે. તો શું ‘લોર્ડસ’નું ટાઇટલ મળતાં જ તેઓ પોતાના ક્ષેત્રેથી નિવૃત્તિ લઇ લે છે? જી ના... પુરુષ હોય કે સ્ત્રી, કોઇ પણ રંગની ત્વચા હોય, ગમેતેટલી વય હોય, તેમનું કાર્ય અવિરત ચાલતું જ રહેતું હોય છે. આ તબક્કે મને 94 વર્ષના એક ગોરા હાઉસ ઓફ લોર્ડ્સે કહેલા શબ્દ આવે છે. તેમણે વાતવાતમાં કહ્યું હતું કે સમાજે અમને જે પ્રકારે અઢળક આપ્યું છે તેને પરત વાળવાનો અમે પ્રયત્ન કરીએ છીએ.
વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોર્ડ્સ સાથેના આટલા વર્ષોના સંબંધો-સંપર્કોના આધારે એટલું અવશ્ય કહી શકું કે તેઓ એક યા બીજી રીતે શ્રમને ગૌરવશીલ પ્રવૃત્તિ માને છે. વર્ક ઇઝ વર્શિપ એ જ તેમનો જીવનમંત્ર હોય છે. કાર્યક્ષેત્ર કંઇ પણ હોય શકે છે, તેમાં સક્રિયતા જ તેમનું જીવન હોય છે. તેઓ માને છે કે સમાજે તેમને આ સ્થાન આપ્યું છે તો તેમની પણ ફરજ છે કે તેઓ પોતાની ફરજ ચૂકે નહીં. આ જ કારણ છે કે તેઓ શ્રમદાન, સમયદાન, વિદ્યાદાન, ધનદાન, સંવેદનશીલતાનું દાન કરતા રહે છે, સમાજનું ઋણ ફેડતા રહે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જીવનમાં જે કંઇ સારું પામ્યા છીએ તેના આપણે સરવાળા નહીં ગુણાકાર કરવાના છે. આપણને જે જીવન અવસર મળ્યો છે તેને દીપાવવાનો છે.
આજના ફેસ્ટિવલ ઓફ લાઇફના દિવસે - દેવ દિવાળીના પાવન પર્વે આવો, આપણે સહુ આપણા સનાતન ધર્મના સંદેશાઓ, સંદેશવાહકોને યાદ કરી લઇએ અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થીએ...
પ્રભુ જીવન દે! નવજીવન દે!
(ક્રમશઃ)
•••
પ્રભુ જીવન દે! નવજીવન દે!
- રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
પ્રભુ જીવન દે હજી જીવન દે વિપદો નિતનિત્ય નવીન પડે
ડગલું ભરતાં કુહરે જ પડે કંઈ ગુપ્ત ભયો મહીંથી ઊઘડે
વનકંટકથી તન રક્ત ઝરે પણ તોય ન અશ્રુ કદાપિ ખરે
દ્રગ, એ પડીને ફરીથી ઉપડે પગ, એટલું હે પ્રભુ જીવન દે
પ્રભુ જીવન દે! નવજીવન દે!
પ્રભુ બંધનમાં જકડાઈ ગયો મુજ દેહ બધો અખડાઈ ગયો
અવ ચેતન દે! નવચેતન દે!
સહુ એક જ ઘાથી હું તોડી દઉં તલ ગાઢ અહંત્વનું ફોડી દઉં
તુજ વારિ વિશાલ મહીંથી ઉડે લઘુ પામરતા બધી માંહી બુડે
જલ એ ઉભરી અભર્યું જ ભરે પ્રભુ એ જલમાં ઝીલવાનું જ દે
પછી દુર્દુર દીર્ઘ રવે જ ભલે દિનરાત ડરાઉં ડરાઉં કરે
પણ નિર્ભય મુક્ત અસીમ જલે ઝીલતાં જનમું મળવાનું જ દે
પ્રભુ ચેતન દે! નવચેતન દે!
યદિ એ નવ દે –
પણ જીવનઓટ ન ખાળી શકું
મુજ જીવનખોટ ન વાળી શકું
હળવે મુજ જીવનહ્રાસ થતો
અમ નિર્બળનો ઉપહાસ થતો
જગ ટાળી શકું
નહિ, એવું ન દે! પ્રભુ એ કરતાં
મુજ આયુષશેષ ય સંહરતાં
ઘડી યૌવન જીરણ અંગ તું દે!
પ્રભુ જિંદગી પુણ્ય વિના ગઈ છે પણ ક્યાં તુજ એ કરુણા ગઈ છે,
બીજું ના કંઈ તો બસ આટલું જ દે જગપાપ શું કૈં લડવાનું જ દે
લડી પાર અને પડવાનું જ દે!
હસી મૃત્યુમુખે ધસવાનું જ દે
ધસી મૃત્યુમુખે હસવાનું જ દે
જીવવા નહિ તો
મરવા કોઈ ભવ્ય પ્રસંગ તું દે
ઘડી એ બસ એટલું યૌવન દે
પ્રભુ યૌવન દે નવયૌવન દે
•••


