પ્રેમળ જ્યોતિ તારો દાખવી...

સી. બી. પટેલ Tuesday 29th March 2016 15:53 EDT
 
રોબિન શર્મા
ઈસ્ટર દરમિયાન ટ્રફાલ્ગર સ્કેવરમાં ઉમટેલી જનમેદની અને (જમણે) ઈસુ ખ્રિસ્તની જીવનકથા રજૂ કરતા કલાકારો
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ઇસ્ટરની ચાર રજાઓ એ ક્રિસમસ વેકેશન કરતાં જરાક જુદા પ્રકારની છે. દરેક પરંપરાનો પાયો ધર્મ અને આસ્થા હોય છે. ક્રિસમસ પર્વે ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો અને ઇસ્ટરમાં વધસ્તંભ પરથી ઉતારવામાં આવ્યા. ખ્રિસ્તી ધર્મની આગવી દેન મને ખૂબ પ્રભાવિત કરે છે. ઓલ્ડ ટેસ્ટામેન્ટ (બાઇબલ)માં હિંસા, વેરઝેર, અંધશ્રદ્ધા એવું ઘણું બધું હતું, પણ ન્યૂ ટેસ્ટામેન્ટમાં વધુ દયા, સંવેદના, સહયોગ જેવા પરિબળો પ્રાધાન્ય ભોગવે છે.
સનાતન હિન્દુ ધર્મમાં પણ સમયાંતરે વધુ સૌમ્યતા અને ઉદારતા ઉદભવતી આપણે જોઇ શક્યા છીએ અને આજે પણ આ પ્રક્રિયા સતત ચાલુ જ છે. હિન્દુ ધર્મની આ ખામી નહીં, પણ ખૂબી છે. સતત ચાલતી પરિવર્તનની પ્રક્રિયા એ વાતનો સંકેત છે કે આપણી પરંપરા જડ નહીં, જીવંત છે. જીવનના પગરણમાં પ્રાપ્ત થતા સુવિચારોને સ્વીકારવાનું, તેને અપનાવવાનું સહુ કોઇ સહજ રીતે કરી શકતા નથી. ધર્મના નામે જડતાપૂર્વક આપણી માનસિક સ્થિતિના પગલે જ જો ચાલ્યા કરીએ તો નૂતન વિશ્વ કે નૂતન સમાજનું સર્જન થઇ શકે નહીં.
અત્યારે ભારતમાં, ખાસ તો ગુજરાતમાં હોળી-ધૂળેટીનો મહોત્સવ હજુ હમણાં જ પૂરો થયો. લાખો ધર્મપ્રેમીઓ ડાકોર, દ્વારકા કે પોતપોતાના ઇષ્ટદેવના સ્થાનકો પર પગપાળા યાત્રાએ ગયા. કંઇક આવું જ ઇસ્ટર વેળા ખ્રિસ્તી સમાજમાં થતું આવ્યું છે. ઘરઆંગણે બ્રિટનની જ વાત કરીએ તો ટ્રફાલ્ગર સ્કવેરમાં ઇસ્ટર પ્રસંગે શ્રદ્ધાળુઓ જે પ્રકારે એકત્ર થયા અને પર્વની ઉજવણી કરી તેના સચિત્ર અહેવાલો આપ સહુએ ટીવી-અખબારોમાં જોયા-વાંચ્યા જ હશે.
સદીઓ પુરાણા ધાર્મિક કે અન્ય પ્રસંગોને આપણે ઉજવીએ છીએ કેમ કે તેમાંથી એક કે બીજી રીતે ઘણું પ્રાપ્ત થઇ શકે છે. આપણા આરોગ્ય, આયુષ્ય કે કાર્યદક્ષતાનો આધાર જીવનશૈલી ઉપર રહેલો હોય છે. મને દરરોજ બપોરે એક વાગ્યે લંચ બાદ અડધો-પોણો કલાક પડખે થવાની સુટેવ છે. મારી આ વર્ષોજૂની ટેવથી મારા મિત્રો અને શુભેચ્છો પણ માહિતગાર છે. જરાક અંગત વાત કરું - લગારેય મીઠું-મરચું ઉમેર્યું નથી. પંદરેક વર્ષ પૂર્વે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાંથી વડા પ્રધાનની ઓફિસેથી ફોન આવ્યો. ત્યાંથી કોઇ મોટા અધિકારીને વાત કરવી હતી. ઓફિસમાંથી મારા સાથીદારે જણાવ્યું કે સી.બી. બહાર ગયા છે, સાડા ચાર વાગ્યા પછી તમને ફોન કરી શકે છે. આ જવાબ સાંભળીને વડા પ્રધાન કાર્યાલયની સેક્રેટરીએ તરત જ કહ્યું કે અરે, અમે ભૂલી ગયા... સાહેબે, કહ્યું જ હતું કે સી.બી. અત્યારે વામકુક્ષી કરતા હશે એટલે સાંજના સમયે ફોન કરજો.
આ વામકુક્ષી બહુ આવશ્યક છે - મારા જેવા માટે તો ખાસ. સવારે છ વાગ્યાથી દિવસ શરૂ થાય તે બપોરે એક વાગ્યે એટલે પહેલી પાળી પૂરી. આ દરમિયાન સતત કામકાજ ચાલે. આ પછી સાંજના ચાર વાગ્યાથી બીજી પાળી શરૂ થાય તે છેક ૧૧ વાગ્યા સુધી કામ ચાલે. આથી જ બપોરે તન-મનની બેટરી ચાર્જ થાય તે આવશ્યક છે. આ વાત કરવાનું કારણ એ કે આવતા મહિને આરિયાના હફિંગ્ટનનું એક નવું પુસ્તક પ્રકાશિત થઇ રહ્યું છે. નામ છે - Sleep Revolution. કદાચ કોઇ પૂછશે કે આ આરિયાના હફિંગ્ટન વળી કોણ છે? તો ચાલો, તેમની પણ ઓળખાણ કરાવી જ દઉં.
ગ્રીક પરિવારમાં જન્મેલા આરિયાના લંડનમાં ઉછર્યા અને ભણ્યા. સુશિક્ષિત, રૂપવાન, સુસજ્જ યુવતિને પત્રકાર બનવાની હોંશ હતી. પત્રકારત્વના ક્ષેત્રે ઝંપલાવ્યું પણ ખરું. આરિયાના બર્નાર્ડ લીવન નામના સુપ્રસિદ્ધ અને ઊંચા ગજાના વિચારક-લેખકના સંપર્કમાં આવી. પોતાની ઉંમર કરતાં અઢી ગણા મોટા બર્નાર્ડથી આરિયાના બહુ પ્રભાવિત થઇને તેમના પ્રેમમાં પડી. તેમની સાથે રહેવા લાગી. થોડીક ચકચાર જાગી, પણ બન્નેમાંથી કોઇ પોતાના નિર્ણયમાંથી જરા પણ વિચલિત થયા નહીં. કાળક્રમે આરિયાના વધુ જાણીતી બની.
સિદ્ધિના નવા શીખરો આંબવા આરિયાના અમેરિકા ગઇ. અહીં તે હફિંગ્ટન નામના માણસના પરિચયમાં આવી. તેની સાથેના સહજીવનથી કેટલાક સંતાન પણ થયા. થોડાક વર્ષો બાદ લગ્ન વિચ્છેદ થયો. આરિયાનાએ ‘હફિંગ્ટન પોસ્ટ’ નામનું સુંદર પ્રકાશન શરૂ કર્યું. સમય વીતતા ‘હફિંગ્ટન પોસ્ટ’એ મોખરાના અખબારોમાં સ્થાન મેળવ્યું. આજે આ અખબારી જૂથની ટીવી ચેનલ પણ છે. આ વાત થઇ આરિયાનાની કારકિર્દીની.
મને આરિયાનાની એક વાત બહુ જ ગમી ગઇ. વર્ષો પૂર્વે તેમણે પોતાની ઓફિસમાં સ્લીપ પોડ્સની વ્યવસ્થા ગોઠવી હતી. કર્મચારીઓ લંચ બાદ ૧૫-૨૦ મિનિટ માટે અહીં ઝપકી ખાઇ શકે તે માટે આ સુવિધા કરી આપી હતી. સાદી ભાષામાં કહું તો આરિયાના વધુ સુંદર વિશ્વનું સ્વપ્ન નિહાળવામાં - અને તેને સાકાર કરવામાં પણ - માને છે.
આ ઇસ્ટર રજાઓમાં મેં માત્ર એક જ કાર્યક્રમમાં જવાનું સ્વીકાર્યું હતું. રવિવારે સાંજે અનુરાધા પૌંડવાલના ભજનસંગીતના આધ્યાત્મિક કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. આવા પ્રસંગોમાં હાજરી આપવાથી આધ્યાત્મિક ભાથું તો મળે જ, પણ સારું સાંભળીએ, સારું જાણીએ તો સારા વિચારો આવવા સહજ છે. બેન્ક ‘બેલેન્સ’માં તો ડિપોઝીટ કરતા રહેવું જ પડેને?!
બીજી પણ એક નાની વાત કરી લઉં. અત્યારે પશ્ચિમના દેશોમાં, ખાસ કરીને બ્રિટન અને અમેરિકામાં કમ્પ્યુટર ઉપર ડિજીટલ પ્રોગ્રામ રજૂ થયો છે. વિષય છે - Audit of your marriage. આ પ્રોગ્રામ કંઇક એવો છે કે બે પ્રેમી સાથે મળીને બેસે અને જુદા જુદા પ્રશ્નોના જવાબ પર - પ્રામાણિકતાપૂર્વક - ટીક માર્ક કરે. આ પછી પોઇન્ટ્સ કાઉન્ટ કરીને તેનો સરવાળો કરે. સાદી ભાષામાં સમજાવું તો વેપારીઓ જેમ હિસાબકિતાબનો રોજમેળ મેળવતા હોય છે તેના જેવી આ વાત છે. ફરક બસ એટલો કે આમાં તમારે સંબંધોમાં લાગણીનો તાળો મેળવવાનો હોય છે.
તંદુરસ્ત સહજીવન માટે અવારનવાર મોકળા મને, કોઇ પણ જાતના પૂર્વગ્રહ વિના, ખેલદિલીપૂર્વક સંબંધોનો તાળો મેળવતો રહેવો જરૂરી છે. કંઇક મેળવ્યાનો, કંઇક ગુમાવ્યાનો કે વધતા-ઓછાનો સરવાળો કરવો તેમાં ખાસ કંઇ નુકસાન નથી. વાચક મિત્રો, એક વાત યાદ રાખજો હોં... મેં સરવાળાની વાત કરી છે, બાદબાકી કે ભાગાકારની નહીં. ઇચ્છીએ તેવું પામીએ. અને સરવાળા કરતાં પણ ગુણાકાર થઇ શકે તો રૂડું શું?
કાર્યાલયમાં સળંગ રજા હતી. આથી વાંચવાનો, વોક લેવાનો, ટીવીમાં ક્રિકેટ મેચ જોવાનો તેમજ આંખો બંધ કરીને ગઇકાલના જીવનની ઘટનાની ફિલ્મ જોવાનો સુંદર અવસર સાંપડ્યો. થોડુંક પેપર વર્ક પણ થઇ શકે. ‘કાગળિયા’ની વચ્ચે રહેવું અને ‘કાગળિયા’નું કામ કરવું એ જ તો વ્યવસાય છે ને? જો તમે મારા અંગત પુસ્તકોના પાન પર નજર ફેરવો તો તમને અનેક જગ્યાએ લાલ પેન ઘસાઇ ગયેલી જોવા મળે.
જોકે આ અનેકવિધ પ્રવૃત્તિઓમાં વોક લેવાની પ્રવૃત્તિ તન અને મન - બન્નેની તંદુરસ્તી માટે શ્રેષ્ઠ હોવાનું હું માનું છું. વોક લેવાની આરોગ્યપ્રદ પ્રવૃત્તિ કઇ રીતે તન-મનને તાજગી બક્ષે છે તેની ફરી ક્યારેક વાત કરશું. આજે તો જરા ‘મારગ’ બદલીએ...
પાંચમા પૂછાવાની પ્રવૃત્તિઃ પ્રયત્ન કે પ્રપંચ?
જીવમાત્ર પછી તે જળચર હોય કે ભૂચર, અરે વનસ્પતિ સુદ્ધાં... વધુ વિકાસની, વધુ રૂપાળા દેખાવની કે વધુ આકર્ષક બનવાની પ્રબળ ઇચ્છા ધરાવતી હોય છે. વૈજ્ઞાનિક અભ્યાસમાં પુરવાર થયું છે કે વિશ્વમાં સૌથી વધુ ઊંડાઇ માટે જાણીતા પેસિફિક મહાસાગરના પાંચ માઇલ ઊંડે પેટાળમાં નીતનવિન ઉછરતી વનસ્પતિ કે જળચરોની જીવસૃષ્ટિમાં પણ વધુ રંગબેરંગી કે આકર્ષક બનવાની, તંદુરસ્ત રહેવાની ખેવના જોવા મળે છે. સમગ્ર જીવસૃષ્ટિ ઉત્ક્રાંતિના સિદ્ધાંત અનુસાર સતત વિકસતી રહે છે. આ કંઇ આજકાલથી થાય છે એવું પણ નથી, હજારો વર્ષોથી સૃષ્ટિનો આ જ ક્રમ રહ્યો છે. પાંચમા પૂછાવાની પ્રવૃત્તિની પળોજણ પ્રયત્ન છે કે પ્રપંચ તેના તફાવત વિશે જોવા જાણવાનું, નક્કી કરવાનું વ્યક્તિગત છે.
હમણાં પાર્લામેન્ટ નજીક આવેલા વ્હાઇટ હોલમાં અમેરિકા, બ્રિટન, ભારતના ટોચના સનદી અધિકારીઓ કે એમ્બેસેડર્સ કહેવાય તેવા ટોચના લોકોની બેઠકમાં હાજરી આપવાનો મને સોનેરી મોકો મળ્યો. આ દિગ્ગજોની કુલ સંખ્યા સાત અને એકમાત્ર પત્રકાર એવો હું આઠમો. અંગત કહેવાય તેવી ઉંચા ગજાની આ મુત્સદ્દીભરી ચર્ચામાં દુનિયાભરના મુદ્દા ચર્ચાયા હતા, પણ મોટા ભાગનો સમય ભારતના નામે રહ્યો.
વર્ષોથી યોજાતી આ ચર્ચાસભાનો એક વણલખ્યો નિયમ છે, જે ચેધમ હાઉસ રુલ તરીકે જાણીતો છે. બેઠકમાં હાજર અધિકારીઓ કે રાજદ્વારીઓના નામ જાહેર કરી શકાતા નથી કે તેમણે રજૂ કરેલા વિચારોને નામજોગ પ્રકાશિત કરી શકાતા નથી. બધેબધું ઓફ ધ રેકોર્ડ, સત્તાવાર કશું જ નહીં. હા, બેઠકમાં ચર્ચાના ચાકડે ચઢેલા મુદ્દાની ચર્ચા અવશ્ય થઇ શકે.
ચર્ચાસત્ર દરમિયાન નરેન્દ્ર મોદીની, તેમની કાર્યપદ્ધતિની, તેમણે હાથ ધરેલા કાર્યોની વાતો પણ નીકળી. મને આ બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યો હતો, તેનું એક સંભવત કારણ એ પણ હોય શકે કે હું આ નેતા માટે બહુ માન, આદર ધરાવું છું. બેઠકમાં મને સૌથી વધુ આનંદ, ગૌરવ એ વાતે થયું કે ટોચના રાજકીય નીરિક્ષકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી, તેમના ૨૦૧૪ના ચૂંટણીજંગથી અને તે પછીના લગભગ ૨૨ માસના શાસનકાળ દરમિયાન થયેલી કામગીરીથી પ્રભાવિત છે. ટીવી-અખબારોમાં ટીકાના તીર છૂટતા હોય કે માતા-પુત્ર સોનિયા ગાંધી તથા રાહુલ મોદી કે અન્યો વ્હીસ્કીમાંથી પોરાં કાઢતાં હોય, પણ નરેન્દ્ર મોદી તેની સામે ઝીંક ઝીલીને પણ ભારતને સબળ નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે તે વાતની બેઠકમાં નોંધ લેવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ અત્યારે જે પ્રમાણે અભિયાન આદર્યું છે તેનું નક્કર પરિણામ બે વર્ષમાં જોવા મળશે તેવો મત આ રાજદ્વારી અનુભવીઓ ધરાવે છે. ભારતમાં આર્થિક, સામાજિક, સંરક્ષણ તેમજ ભૌગોલિક ક્ષેત્રે ૨૦૧૪માં જે સ્થિતિ પ્રવર્તતી હતી તેના કરતાં અત્યારે વધુ સુદૃઢ, સંગીન સ્થિતિ પ્રવર્તે છે તેવો નિષ્કર્ષ પણ નીકળ્યો.
આ બેઠકમાં હાજરી આપવાના અવસરથી એક બીજો પ્રશ્ન પણ હું અમુક રીતે, કહો કે વધુ સારી રીતે સમજી શક્યો. કોંગ્રેસમાં રાહુલ-સોનિયાનું વૈચારિક, વ્યાવહારિક કે રાજકીય અનુભવમાં ઊંડાણ કેટલું? અને પક્ષમાં અલ્પ પ્રમાણમાં સત્વશીલ નેતૃત્વ હોવા છતાં કોંગ્રેસમાં વૈકલ્પિક નેતાગીરી કેમ ઉદ્ભવી નથી તેવો પ્રશ્ન પણ ચર્ચાયો. એમ મનાય છે કે કોંગ્રેસમાં છેલ્લા થોડાંક વર્ષોમાં પ્રાદેશિક કે રાષ્ટ્રીય સ્તરે જે નેતૃત્વ ઉભર્યું છે તેને બહુ આયોજનપૂર્વક દાબી દેવામાં આવ્યું છે. ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન તો જાણે હદ થઇ ગઇ. ડો. મનમોહન સિંહ જેવા સીધા-સાદા-સરળ વ્યક્તિત્વ ધરાવતા નિષ્ણાત અર્થશાસ્ત્રી વડા પ્રધાન તરીકે કેમ અસરકારક રીતે કામ ન કરી શક્યા તે ઊંડો અભ્યાસ માગી લેતો વિષય છે. શું તેમને વડા પ્રધાન પદે બેસાડીને ઉપકારનો બોજ લાદી દેવામાં આવ્યો હતો?
આ અને આવા પ્રશ્નો માટે એટલું જ કહી શકાય કે પાંચમાં પૂછાવાની પ્રબળ ઇચ્છા જરૂરી છે. નાના હો કે મોટા, નોકરી-ધંધામાં પ્રવૃત્ત હો કે અન્ય કોઇ ક્ષેત્રમાં... વિચાર અને વ્યવહારમાં સૈદ્ધાંતિક મૂલ્યો, ફરજપરસ્તી, નિષ્ઠા આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. આચાર-વિચારમાં રચાતા આ ત્રિવેણીસંગમથી જે પ્રતિભા પ્રાપ્ત થાય છે તે દીર્ઘજીવી હોય છે.
કેટલાક અનિષ્ટ તત્વો ભગવાન ઇસુને (ગુડ ફ્રાઇડેના રોજ) વધસ્તંભ પર ચઢાવી દે છે. પરંતુ ત્રીજા જ દિવસે ઇસુ ખ્રિસ્ત ફરી અવતાર ધારણ કરે છે. આ દિવસ એટલે ઇસ્ટરનું પર્વ. ઇસુના જીવનમાંથી બોધ લઇને આપણે પણ જીવંત પંથ ઉજાળી શકીએ.

પ્રેમળ જ્યોતિ તારો દાખવી
(અનુવાદઃ નરસિંહરાવ દિવેટીયા)

પ્રેમળ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ... પ્રેમળ જ્યોતિ

દૂર પડ્યો નિજ ધામથી હું,
ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનિમાં,
નિજ શિશુને સંભાળ,
મુજ જીવનપંથ ઉજાળ... પ્રેમળ જ્યોતિ

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ થાય,
મુજ જીવનપંથ ઉજાળ... પ્રેમળ જ્યોતિ

આજ લગી રહ્યો ગર્વમાં હું,
ને માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા,
હામ ધરી મૂઢ બાળ;
મુજ જીવનપંથ ઉજાળ... પ્રેમળ જ્યોતિ
ભભકભર્યા તેજથી હું લોભાયો,
ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણશ્રી,
સ્ખલન થયાં જે સર્વ,
મુજ જીવનપંથ ઉજાળ... પ્રેમળ જ્યોતિ

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ !
આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
મુજ જીવનપંથ ઉજાળ... પ્રેમળ જ્યોતિ

કર્દમભૂમિ કળણ ભરેલી,
ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળકેરા પ્રવાહો,
સર્વ વટાવી કૃપાળ,
મુજ જીવનપંથ ઉજાળ... પ્રેમળ જ્યોતિ

રજનિ જશે, ને પ્રભાત ઊજળશે,
ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોનાં વદન મનોહર
મારે હૃદ્ય વસ્યાં ચિરકાળ,
મુજ જીવનપંથ ઉજાળ... પ્રેમળ જ્યોતિ

•••

સહુના સારા દિવસો આવશે જ...

વાચક મિત્રો, બહુ જ ઓછા શબ્દોમાં બીજા બે વિષયો અંગે પણ જરાક દિશાસૂચન કરી જ લઉં. પરિવાર, પરિવારની ઉગતી પેઢી સાથે વિવેકપૂર્ણ વ્યવહાર, સંબંધો સાચવવાની અગત્યતા, આવકજાવક બાબત અમુક કરાય - અમુક ન કરાય તેની સાચી સમજ, તેનો અમલ વગેરે જેવા વિષયો શક્ય બને તો વાગોળવા. પૂછતાં પૂછતાં પૂણે જવાય ને લખતાં લખતાં લહિયો થવાય. સુયોગ્ય વિચારને વધાવતા વધાવતા કોઇનું પણ જીવન વધુ ઊંચા સ્તરે પહોંચી શકે. સહુ કોઇ પોતપોતાના જીવનમાં વધુ કામિયાબી સાધે, વધુ સુખ-શાંતિ, સન્માન પ્રાપ્ત કરે તેવો બોધ પણ ઇસ્ટરનો મહત્ત્વનો ઉપહાર હોવાનું હું માનું છું.
આ લેખના શિર્ષકમાં જે પંક્તિ ટાંકી છે તે મૂળ તો ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના સ્વરૂપે લખાયેલા અંગ્રેજી કાવ્ય Lead, Kindly Lightનો ગુજરાતી અનુવાદ છે. મોહનદાસ કરમચંદ ગાંધીએ તેને દક્ષિણ આફ્રિકામાં અપનાવી. નરસિંહરાવ દિવેટિયાએ તેને ગુજરાતી શબ્દદેહ આપ્યો. ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કાવ્ય-ગીત-પ્રાર્થનાઓની યાદી તૈયાર થાય તો ‘પ્રેમળ જ્યોતિ તારો દાખવી’ અચૂક ટોપ-ટેનમાં સ્થાન પામે. આ પ્રાર્થનાના શબ્દો લોકોના હોઠે અને હૈયે એટલા ચઢી ગયા છે કે મોટા ભાગના કદાચ એ જ ભૂલી ગયા છે કે આ ગુજરાતી રચના ખરેખર તો અંગ્રેજી કૃતિનો અનુવાદ છે. આ ગીત કહો તો ગીત અને પ્રાર્થના કહો તો પ્રાર્થના વિશે હું વધુ કંઇ ટીકા-ટિપ્પણ કરવા માગતો નથી. પંક્તિના શબ્દે-શબ્દને વાંચજો, સમજજો અને મનમાં મમળાવજો. શક્ય હોય તો ગણગણજો, અને - હિંમત હોય તો - મોટા અવાજે ગાજો. આપણા સહુના સારા દિવસો આવશે જ. આ વાત નિર્વિવાદ છે. આ બાબત બાહ્ય પરિબળો પર નહીં, આપણા પર જ અવલંબે છે.

•••

શીર્ષક વિનાનો આગેવાન

રોબિન શર્મા નામના અમેરિકા સ્થિત લેખકનું એક સુપરડુપર હીટ પુસ્તક છે The Leader: Who Had No Title. આ પુસ્તક ગુજરાતીમાં ‘શીર્ષક વગરનો આગેવાન’ ટાઇટલથી જયકો પબ્લિશિંગ હાઉસે પ્રકાશિત કર્યું છે. પાંચમી મે, ૨૦૧૧ના રોજ ગુજરાત સમાચારના જન્મદિન પ્રસંગે જ્યોત્સનાબહેન, ઘનશ્યામભાઇ અમીન અને ભારતીય સેનાના પૂર્વ મેજર ધીરુભાઇ પટેલે આ પુસ્તક મને ભેટ આપ્યું હતું. આ પુસ્તક હું અવારનવાર વાંચતો રહું છું. એક જ વાક્યમાં પુસ્તકનો સાર આપવો હોય તો કહી શકાય - સંકટનો સમય જ માણસને મહાન બનાવે છે. પુસ્તકમાં સફળતાના પંથે દોરી જતાં પાંચ નિયમો ટાંકવામાં આવ્યા છે. જે આપ સહુ સુજ્ઞ વાચકોના હિતાર્થે રજૂ કરી રહ્યો છું.
રોબિન શર્મા લખે છે કે સંકટનો સમય વ્યક્તિને મહાન આગેવાન બનાવે છે. પણ આ માટે પાંચ નિયમોનું પાલન આવશ્યક છે. ક્યા છે આ પાંચ નિયમો?
(૧) નિખાલસપણે બોલો. (૨) પ્રાધાન્યતા બનાવો. (૩) સંકટમાંથી તક નીપજે છે. (૪) પ્રતિસાદ વિરુદ્ધ પ્રતિક્રિયા આપવી. (૫) દરેકને શુભેચ્છા.
દરેક ડોક્ટર જેમ દર્દીને દવાની સાથે કેટલીક પરેજી પાળવા માટે જણાવે છે તેમ રોબિન શર્મા પણ આ નિયમોના પાલન સાથે તાકીદે લેવા યોગ્ય પગલાં સૂચવે છે. તેઓ કહે છે કે સહુ પ્રથમ તમારી સંસ્થામાં હકારાત્મક પરિવર્તન લાવવાની એકમેવ મોટી તક વિશે તમારી નોંધપોથીમાં લખો. આ પછી તમે તેનો પ્રતિકાર શા માટે થઈ રહ્યા છો તેની નોંધ કરો. છેવટે તમે પહેલ કરીને પરિવર્તન લાવશો તો આના બદલામાં તમને મળનારા ત્રણ પુરસ્કારોની યાદી બનાવો.
રોબિન શર્મા દરેક નેતાએ હંમેશા યાદ રાખવા જેવું નીલ ડોનાલ્ડ વોલ્શચનું સૂત્ર ટાંકતા કહે છે કે તમારું આરામનું ક્ષેત્ર પૂરું થાય છે ત્યાંથી જીવન શરૂ થાય છે.
આ જ પુસ્તકના અન્ય પ્રકરણમાં લેખક સૂચવે છે કે મહાન આગેવાન બનવા માટે પ્રથમ મહાન વ્યક્તિ બનો. આ માટે પણ તેઓ પાંચ નિયમને અચૂક અનુસરવા જણાવે છે.
(૧) સ્પષ્ટ જુઓ. (૨) આરોગ્ય સંપત્તિ છે. (૩) પ્રેરણા મહત્ત્વપૂર્ણ છે. (૪) તમારા કુટુંબની અવગણના ન કરો. (૫) તમારી જીવનશૈલીને ઊંચે લાવો.
લેખક આ પાંચ નિયમોના પાલન સાથે તાકીદે લેવા યોગ્ય પગલાં સૂચવતા કહે છેઃ તમારી નોંધપોથીમાં તમારા આંતરિક નેતૃત્વને જગાવવા માટે તાત્કાલિક અમલ કરવા જેવી પાંચ બાબતો નોંધી લો અને તમારા તન, મન, સંવેદનશીલતા અને જુસ્સાને ઉત્કૃષ્ટતાની નવી ઊંચાઈએ લઈ જાઓ. આ પછી આગામી સાત દિવસ સુધી આ પાંચેય લક્ષ્યોનો અમલ કરવાનું સમયપત્રક બનાવી લો. અને પછી જૂઓ કે જુસ્સાની આ શક્તિ તમારે માટે કેવું કામ કરે છે.
લેખક, વિખ્યાત અમેરિકન વિચારક હેન્રી ડેવિડ થોરોનું એક સોનેરી સુવાક્ય ટાંકતા કહે છેઃ જો વ્યક્તિ તેણે જોયેલાં સપનાંની અને ધારેલું જીવન જીવવાની દિશામાં આગેકૂચ કરશે તો સામાન્ય કલાકોમાં જ અણધારી રીતે સફળતાને વરશે.
વાચક મિત્રો, તમને નથી લાગતું કે રોબિન શર્માએ સફળ નેતૃત્વ માટે થોડામાં ઘણું કહી દીધું છે? (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter