બાપ (બાપુ)નું કરજ ક્યારે ચૂકવાય?

સી. બી. પટેલ Tuesday 25th September 2018 11:27 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આવતા મંગળવારે વિશ્વભરમાં - માત્ર ભારતીય સમાજમાં જ નહીં, વિશ્વભરમાં ફેલાયેલા ગાંધીજીના અનુયાયીઓ, ગાંધીમૂલ્યોમાં અતૂટ આસ્થા ધરાવતા લોકો દ્વારા ગાંધી જયંતીનું પર્વ ઉજવાશે. વિશ્વવંદનીય વિભૂતી મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ બીજી ઓક્ટોબર ૧૮૬૯ના રોજ - આજથી ૧૪૯ વર્ષ પૂર્વે - પોરબંદરમાં થયો હતો. ભારત સરકારે પણ ‘બાપુ’ની દોઢસોમી જન્મજયંતીની વિવિધ પ્રકારે ઉજવણીનું આયોજન કર્યું છે.
ગાંધીજી માત્ર ભારતીયોના જ નહીં, શાંતિ, ભાઇચારો, સર્વધર્મ સમભાવમાં માનનારા સહુ કોઇના ‘બાપુ’ છે. અરે, ગાંધીજીએ જેમના શાસન સામે સ્વાતંત્ર્ય સંગ્રામ છેડ્યો હતો તે ગોરી સરકારના પ્રતિનિધિ લોર્ડ માઉન્ટ બેટન પણ બાદમાં ‘મિ. ગાંધી’ને બાપુ કહેવા લાગ્યા હતા. આ હતો બાપુના વ્યક્તિવિશેષનો પ્રભાવ. તેમણે આજીવન આચરણમાં મૂકેલા જીવનમૂલ્યોનો પ્રભાવ.
ભારતે મોહનદાસ કરમચંદ ગાંધી નામના યુવાન બેરિસ્ટરને દક્ષિણ આફ્રિકા મોકલ્યા હતા, પરંતુ તેઓ પરત ફર્યા ‘મહાત્મા’ બનીને. ગાંધીજીને ‘મહાત્મા’નું બિરુદ કોણે આપ્યું તે અંગે ભલે મતમતાંતર પ્રવર્તેતા હોય, પરંતુ તેમના ‘મહાત્મા’ હોવા અંગે તો કોઇ મતમતાંતર નથી જ એ તો હકીકત છે. એક અહેવાલ સૌરાષ્ટ્રના ગોંડલમાં એક સન્માન સમારંભ યોજાયો હતો. આ સમારંભને સંબોધતા આચાર્યશ્રીએ ગાંધીજીને કહ્યું હતું કે આપ સામાન્ય આત્મા નથી, મહાત્મા છો. આ મહાનુભાવ એટલે ગોંડલની વિખ્યાત ભૂવનેશ્વરી પીઠના વર્તમાન આચાર્યશ્રી ઘનશ્યામ મહારાજના પિતાશ્રી. એક અન્ય અહેવાલ મુજબ, આ જ સમયગાળામાં જ ગાંધીજી કોલકતાના વિખ્યાત શાંતિનિકેતન આશ્રમની મુલાકાતે ગયા હતા, જ્યાં ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરે તેમને ‘મહાત્મા’ વિશેષણથી બિરદાવ્યા હતા.
આ મહામાનવની, મહાત્માની દોઢસોમી જન્મજયંતીની ઉજવણી વેળા આપણું તર્પણ શું હોઇ શકે? ઉજવણી માત્ર ઉજવણી ન બની રહેતાં, તેમના જીવનકાર્યમાંથી યથાયોગ્ય સંદેશ પ્રાપ્ત કરવો અને ગાંધીમૂલ્યને આધુનિક યુગના પરિપ્રેક્ષ્યમાં અપનાવવાનો જ હેતુ બની રહેવી જોઇએ.
વાચક મિત્રો, ચાલો પહેલાં તો આપણે દોઢ સદી પૂર્વેના પોરબંદર જઇ પહોંચીએ... બીજી ઓક્ટોબર ૧૮૬૯નો ચિતાર નિહાળીએ. હમણાં બે અઠવાડિયા પૂર્વે આપણે ગોકુળ ગયા હતા. જન્માષ્ટમીએ ગોકુળ, મથુરા, વૃંદાવન સહિતના સ્થળો કૃષ્ણમય બન્યા. બાળ કૃષ્ણની લીલા માટે આ સ્થાન જગવિખ્યાત છે. શ્રીકૃષ્ણ યુવા વયે દ્વારકા પહોંચ્યા અને તેમનો દેહવિલય થયો પ્રભાસપાટણ નજીકના ભાલકા તીર્થમાં.
આપણે સુદામાપુરી નગરીને પણ જાણીએ છીએ. કૃષ્ણ-સુદામાની મિત્રતાથી પણ વાકેફ છીએ. પૌરાણિક સમયનું સુદામાપુરી એ જ આજનું પોરબંદર. તે વેળાના કાઠિયાવાડમાં ૨૨૨ નાના-મોટા રજવાડા હતા. આ બધા ખંડિયા રાજા હતા. આ બધા ‘શાસકો’ રાજકોટમાં બેઠેલા બ્રિટિશ રાજના પોલિટિકલ એજન્ટની આંગળીના ઇશારે નાચતા રહેતા હતા. બ્રિટિશ સામ્રાજ્ય દરમિયાન ૧૮૫૭ના બળવા અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી રાજ્ય વહીવટમાં એક નવો અભિગમ અપનાવાયો હતો. જેના ભાગરૂપે રેલવે નેટવર્ક બહુ ઝડપથી કાઠિયાવાડમાં ફેલાઇ રહ્યું હતું.
સરકારે અનુભવે જોયું હતું કે ભારતના ખૂણે ખૂણે બ્રિટિશ લશ્કર કે શસ્ત્ર-સરંજામ કે પોતાના તાબાની એજન્સીઓને જીવનજરૂરી પુરવઠો મોકલવા માટે વ્યવસ્થિત નેટવર્ક હોવું આવશ્યક છે. અને આ માટે તેને રેલવે શ્રેષ્ઠ વિકલ્પ જણાયો હતો. ૧૮૫૭માં સરકારને બળવો દબાવવામાં સફળતા તો સાંપડી હતી, પરંતુ નક્કર નેટવર્કની ઉણપ વર્તાઇ હતી. આથી ભારતમાં ૧૯૫૩માં મુંબઇના કોલાબાથી થાણા ખાતે પહેલી રેલવે લાઈન ચાલુ થઈ. આના થોડાક જ સમયમાં જ કાઠિયાવાડમાં રેલવે લાઇન પહોંચી હતી. પહેલાં વિરમગામ સુધી અને પછી નેટવર્ક વિસ્તારીને રાજકોટ સુધી લંબાવાયું હતું. આ પછી તો પૂરઝડપે રેલવે વિસ્તરણનું કામ ચાલ્યું હતું. આજનું સૌરાષ્ટ્ર એ જમાનાના કાઠિયાવાડનું બિલકુલ અલગ જ સ્વરૂપ છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
કાઠિયાવાડ નામે સૌરાષ્ટ્રનું અર્થતંત્ર તે સમયે મુખ્યત્વે ખેતી અને પશુપાલન વ્યવસાય કેન્દ્રીત હતું. આ ઉપરાંત ઓખા, પોરબંદર, ચોરવાડ, ભાવનગર જેવા બંદરો માલની આયાત-નિકાસથી ધમધમતા હતા. આજનું સૌરાષ્ટ્ર ઔદ્યોગિક એકમોથી ધમધમે છે. જે પટેલ સમુદાય એક સમયે માત્ર અને માત્ર કૃષિ ઉપજ પર નભતો હતો આજે તે જ સમાજ સૌરાષ્ટ્રની ઔદ્યોગિક આગેકૂચનું નેતૃત્વ કરી રહ્યો છે. સૌરાષ્ટ્રની સંખ્યાબંધ ફેક્ટરીઓ સમગ્ર ભારતની મોટા ભાગની ઓટો ઇન્ડસ્ટ્રીઝને સ્પેરપાર્ટ્સ પૂરા પાડી રહી છે. વાચક મિત્રો, તે સમયના કાઠિયાવાડ અને આજના સૌરાષ્ટ્રની આછેરી ઝલક રજૂ કરવાનું કારણ એટલું જ આપ સહુને ગાંધીજીના જન્મસમયના કાળખંડનો અંદાજ આવે.
ગાંધીજીનો જન્મ થયો પોરબંદરમાં, અભ્યાસ કર્યો રાજકોટમાં અને પછી બેરિસ્ટર થયા ઈંગ્લેન્ડમાં. ભારત પરત ફર્યા. વકીલ તરીકે રાજકોટમાં પગ જમાવવા પ્રયાસ કર્યો. મેળ ન પડ્યો. મુંબઇમાં પ્રયાસ કર્યો, પણ ન ફાવ્યા. પોરબંદરના દીવાન તરીકે કાર્યભાર સંભાળતા પિતાશ્રી ક.બા. ગાંધી પુત્રની વહારે આવ્યા. તેમણે સાઉથ આફ્રિકાની અબ્દુલ્લા એન્ડ કંપનીનો સંપર્ક કર્યો, અને તેમણે ગાંધીજીને તેડાવ્યા. કંપનીએ વિચાર્યું કે ભારતીય છે, કાઠિયાવાડી છે અને વળી, ક.બા.ના દીકરા પણ ખરા. કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુવા વકીલ મોહનદાસ ક. ગાંધીને આર્બિટ્રેશનની કામગીરી સોંપવાનો હતો.
ગાંધીજી ડરબન પહોંચ્યા. પ્રિટોરિયા જતાં રસ્તામાં ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા. પહેલી વખત અનુભવ્યું વંશીય ભેદભાવ એટલે શું. દિલોદિમાગ પર કારી ઘા કરનારો આ ઘટનાક્રમ તેમના જીવન માટે ટર્નિંગ પોઇન્ટ બની રહ્યો.
મિત્રો, આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીએ, કેમ કે આ પછીનો ઇતિહાસ જગજાહેર છે.
મોહનદાસ કરમચંદ ગાંધી નામના તરવરિયા યુવાને સાઉથ આફ્રિકામાં વસતા હિન્દી સમુદાય માટે વંશીય સમાનતાનું સ્વપ્ન નિહાળ્યું, અને સંઘર્ષ કરીને તેને સાકાર પણ કર્યું. સાઉથ આફ્રિકામાં તે વેળા અંદાજે ૧.૫ લાખ હિન્દીઓ વસતા હતા. એક તરફ ગાંધીજી આફ્રિકાવાસી હિન્દી સમુદાયને રંગભેદની નાગચુડમાંથી છોડાવવા દિવસ-રાત એક કરી રહ્યા હતા તો બીજી તરફ બ્રિટિશ શાસકો તેમનું સામ્રાજ્ય ફેલાવીને માદરે વતન હિન્દુસ્તાનને અજગરભરડો લઇ રહ્યા હતા. ન્યાયના નામે અન્યાય થઇ રહ્યો હતો, લોકોનું શોષણ વધી રહ્યું હતું, જોરજુલમ માઝા મૂકી રહ્યા હતા. ગાંધીજીને સન ૧૯૦૯માં તેમના માનેલા ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલેએ માતૃભૂમિની સેવા કરવા પ્રેર્યા. કહ્યુંઃ ભારત આવો, અહીં ૩૦ કરોડ હિન્દુસ્તાનીઓને તમારી જરૂર છે...
... અને આમ ગાંધીજી હિન્દુસ્તાન પરત ફર્યા. તેમની સાથે પરિવાર ઉપરાંત આફ્રિકામાં સ્થાપેલા તોલ્સતોય આશ્રમ અને ફિનિક્સ આશ્રમના કેટલાક અંતેવાસી પણ હતા.
નવમી જાન્યુઆરી ૧૯૧૫ના રોજ સવારે ૯ કલાકે મુંબઇ બંદરે આફ્રિકાથી આવી પહોંચેલી એસ. એચ. અરેબિયા નામની આગબોટ લાંગરી તે સાથે જ જાણે હિન્દુસ્તાનના પ્રારબ્ધે કરવટ બદલી.
હિન્દુસ્તાન આગમન બાદ ગાંધીજી સૌપ્રથમ તેમના ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે અને ત્યારબાદ બાળગંગાધર ટિળક, દાદાભાઇ નવરોજી વગેરેને મળ્યા. મુંબઇમાં મોહમ્મદ અલી ઝીણાને પણ મળ્યા. તે સમયે દિગ્ગજ બેરિસ્ટર તરીકે ઝીણાની બોલબાલા તો હતી જ સાથોસાથ ગુજરાતીઓના સર્વમાન્ય નેતા તરીકે સમાજમાં તેઓ મોખરાનું સ્થાન ધરાવતા હતા. જે કોઇની પણ સાથે મિલન-મુલાકાતનો અવસર મળ્યો, ગાંધીજીએ તેમની પાસેથી દેશમાં પ્રવર્તમાન માહોલનો ચિતાર મેળવ્યો. ગોપાલ કૃષ્ણ ગોખલેએ તેમને માર્ગદર્શન આપતા કહ્યું કે હિન્દુસ્તાનમાં એક વર્ષ ફરો માહોલ જૂઓ અને પરિસ્થિતિ સમજો.
૧૩ જાન્યુઆરીના રોજ મુંબઇમાં બોમ્બે નેશનલ યુનિયન નામની સંસ્થાએ વિશાળ સભા યોજી હતી. બાળગંગાધર ટિળક મુખ્ય વક્તા હતા. ગાંધીજીએ તેમાં હાજરી આપી. ટિળક પ્રત્યેના આદરમાં ઉમેરો થયો. આ પછી મુંબઇમાં ગુર્જર સભાનું આયોજન થયું હતું. આ સભામાં મુખ્ય વક્તા મોહમ્મદ અલી ઝીણા હતા. આ સભામાં ક. મા. મુન્શી પણ ઉપસ્થિત હતા, અને તેમણે પણ જનમેદનીને સંબોધી હતી. ગાંધીજીને વાસ્તવિક સ્થિતિનો ચિતાર તો મળ્યો જ સાથોસાથ આ મહાનુભાવો સાથેનો સંપર્ક પણ ગાઢ બન્યો.
ગાંધીજી થોડાક દિવસો મુંબઇ રહ્યા બાદ ૧૭ જાન્યુઆરીએ ચાર સંતાનો અને જીવનસંગિની કસ્તુરબાની સાથે રાજકોટ પહોંચ્યા. અહીં તેમનો સન્માન સમારંભ પણ યોજાયો. ગાંધીજીને અહીં પણ લોકોને હળવા-મળવાનો, તેમના વિચારો જાણવાનો અવસર મળ્યો. અહીંથી તેઓ અમદાવાદ પહોંચ્યા.
અમદાવાદમાં વસતા એક મિત્રને ત્યાં મુકામ કર્યો. ગાંધીજીના માત્ર પગ જ ચાલી રહ્યા હતા એવું નહોતું, મનમાં વિચારોના ઘોડા પણ દોડી રહ્યા હતા. તેમને લાગતું હતું કે હવે એક જગ્યાએ સ્થાયી થઇ જવાનો સમય આવી ગયો છે, જેથી પરિવાર અને આફ્રિકાથી આવેલા મિત્રોને ત્યાં રાખી શકાય.
આ દરમિયાન તેઓ પૂણે ગયા અને ફરી એક વખત ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલેને મળ્યા. તેમની મનોમૂંઝવણ વ્યક્ત કરીઃ હવે શું કરવું જોઇએ? કયાં સ્થાયી થવું જોઇએ?
ગુરુ ગોખલેએ તેમને સરસ સલાહ આપીઃ કોઇ પણ જગ્યાએ કાયમી સ્થાયી થવાનો નિર્ણય કરતાં પૂર્વે ભારતભ્રમણ કરો, તમને દેશવાસીઓ સાથે વિચારવિનિમય કરવાનો સોનેરી અવસર તો મળશે જ સાથોસાથ નજરોનજર તેમની હાલત નિહાળીને પ્રવર્તમાન માહોલનો ચિતાર મળશે, તેમની સમસ્યાઓ વિશે જાણવા મળશે.
ગોખલેએ ગાંધીજીને આ સલાહ આપવાની સાથોસાથ એ પણ સૂચવ્યું કે આ લાંબો પ્રવાસ શરૂ કરતાં પહેલાં આફ્રિકાથી તમારી સાથે આવેલા સાથીદારો માટે કાયમી મુકામનું સ્થાન નક્કી કરી લો. ગાંધીજીએ ગુરુ-આજ્ઞાને ઉમળકાભેર વધાવી અને કામે વળગ્યા. ગાંધીજી સાઉથ આફ્રિકાથી તેમની સાથે આવેલા તોલ્સતોય અને ફિનિક્સ આશ્રમના સાથીદારો સાથે ૨૨ ફેબ્રુઆરીએ પૂણેથી અમદાવાદ પહોંચ્યા. ગાંધીજીએ અનુભવ્યું કે તેમણે આટલા દિવસોમાં જે કંઇ જોયું છે, નિહાળ્યું છે અને તેના આધારે જે કામ કરવું છે તેના માટે અમદાવાદ શ્રેષ્ઠ શહેર છે.
તે સમયે અમદાવાદની વસ્તી આશરે ૨.૪૦ લાખની. ગાંધીજી એક બાબતે સ્પષ્ટ હતા કે તેમની પહેલી અને સૌથી પહેલી પ્રાથમિક્તા હિન્દુસ્તાનને બ્રિટિશ તાબેદારીમાંથી કોઇ પણ ભોગે મુક્ત કરાવવાની છે. જોકે આની સાથોસાથ તેમણે બીજા ઉદ્દેશોને પણ સાંકળી લીધા હતા. જેમ કે, બીજું ધ્યેય હતુંઃ હિન્દુસ્તાનમાં વસતી હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી સહિતના તમામ સમુદાય વચ્ચે સમભાવ - સમતા - સમજદારી વધારવી. ત્રીજું ધ્યેય હતુંઃ વર્ણવ્યવસ્થાની નાબૂદી. આ પ્રથાના કારણે અસ્પૃશ્યો પ્રત્યે થતા અત્યંત દુઃખદાયક, ત્રાસદાયક વ્યવહારને ગાંધીજી હિન્દુ ધર્મ માટે કલંક ગણતા હતા. તેઓ આ સામાજિક દૂષણના નિવારણ માટે તત્પર હતા, પ્રતિબદ્ધ હતા. તેમનો ચોથો ઉદ્દેશ હતોઃ હિન્દુસ્તાનના આર્થિક સ્વાવલંબનનો. તેઓ ઇચ્છતા હતા કે હિન્દુસ્તાન આર્થિક ક્ષેત્રે પરવશતા છોડે, અને એવું આર્થિક માળખું વિકસાવે કે પોતાની તાકાતના જોરે વિકાસના પંથે આગેકૂચ કરે. આમ, ગાંધીજીએ ચાર ધ્યેય નક્કી કર્યા હતા.
જોકે તેમનો મારગ આસાન નહોતો. સાઉથ આફ્રિકામાં દોઢ લાખ હિન્દુસ્તાનીઓને એકતાંતણે બાંધવાના હતા, જ્યારે હિન્દુસ્તાનમાં ૩૦-૩૫ કરોડની વસ્તી માટે કામ કરવાનું હતું.
ગાંધીજીએ અમદાવાદમાં મિત્રને ત્યાં રોકાણ દરમિયાન જ પોતાની રાષ્ટ્રવ્યાપી પ્રવૃત્તિના મધ્યસ્થ કેન્દ્ર તરીકે અમદાવાદની પસંદગી થઇ શકે તે દિશામાં ઘણો વિચાર કરી લીધો હતો. ગાંધીજી કોઇ પણ મુદ્દે ઉતાવળિયો નિર્ણય કરવાનું ટાળતા હતા. તેઓ કોઇ પણ નિર્ણયને બહુ સમજીવિચારીને અમલમાં મૂકતા હતા. (આથી જ તેઓ હિન્દુસ્તાનને શિયાળ જેવા ખંધા બ્રિટિશ શાસકોની ચુંગાલમાંથી મુક્તિ અપાવી શક્યાને?!) દરેક નિર્ણય કરતી વેળા તેઓ માત્ર નક્કર તર્ક જ નહીં, આદર્શ, મૂલ્યો અને વાસ્તવિક્તા પણ ધ્યાને લેતા હતા. અને વળી, તેઓ ગુજરાતી તો ખરા જ ને... ગાંધીજીને તેમના ગુજરાત કનેક્શને અમદાવાદની પસંદગી કરવા પ્રેર્યા એમ પણ કહી શકાય. તેઓ માનતા હતા કે ગુજરાતીઓ એટલે ધર્માનુરાગી પ્રજા. સારા કામમાં સહુ કોઇ તન-મન-ધનથી સાથ આપવા તૈયાર થઇ જાય.
વળી, અમદાવાદની ઓળખ ઔદ્યોગિક શહેરની. આજનું ૨૦૧૮નું અમદાવાદ ભલે સાબરમતી નદીની બન્ને તરફ ફેલાયેલું હોય, પરંતુ ૧૦૦ વર્ષ જૂના અમદાવાદની વાત કરું તો, વાચક મિત્રો, આ શહેર નદીની એક તરફ જ વસેલું હતું. ‘માન્ચેસ્ટર ઓફ ઇંડિયા’ની ઓળખ ધરાવતું આ શહેર ૫૦ ટેક્સટાઇલ મિલોથી ધમધમતું હતું. કપડાંની આટલી મિલો હોય એટલે તે ચોવીસેય કલાક ધમધમવાની પણ ખરી. બે કે ત્રણ પાળીમાં કામ ચાલતું હોય તો કેટલા કામદારોને રોજી મળતી હશે તેની કલ્પના કરી લેજો. આ શહેરમાં વિવિધ વર્ગના વેપારીઓથી માંડીને ધનના ઢગલામાં આળોટતા મિલ-માલિક શેઠિયાઓ વસતા હતા. તો હજારો લોકો એવા પણ હતા જેઓ અછત-ગરીબી-અભાવમાં સબડતા હતા.
ગાંધીજીએ (સંભવતઃ) વિચાર્યું હશે કે જનકલ્યાણના મારા જીવન-ઉદેશોને સાકાર કરવા માટે ધનિકો પાસેથી નાણાં મળી રહેશે તો આ ચળવળમાં લોકોનો સાથ પણ મળી રહેશે. વળી, જે - સામાજિક અને આર્થિક - કચડાયેલા વર્ગ માટે કામ કરવાનું છે તે વર્ગની પણ આ શહેરમાં મોટી સંખ્યામાં વસતી હતી.
આમ, અમદાવાદ પર પસંદગી ઉતારનાર ગાંધીજીએ વાત વહેતી મૂકી કે આશ્રમ સ્થાપવા માટે તેમને ૧૦ એકર જમીનની જરૂર છે. જોકે રાતોરાત તો આટલી જમીન મળી જાય તે શક્ય નહોતું. આથી પ્રારંભે તેમણે કોચરબ આશ્રમ નામે જાણીતી જગ્યા ભાડે લીધી. કોચરબ આશ્રમ જયાં સાકાર થયો તે બંગલાના માલિક હતા શહેરના જાણીતા બેરિસ્ટર ચીમનલાલ દેસાઇ. ૧૨ રૂમનું બાંધકામ ધરાવતા આ સંકુલ સાથે જ જોડાયેલું નાનકડું મેદાન પણ હતું.
ગાંધીજીએ આફ્રિકાથી પરત ફર્યા બાદ આ જગ્યાએ હિન્દુસ્તાન ખાતેનું તેમનું પહેલું કાયમી મથક સ્થાપ્યું એમ કહી શકાય. હવે જરૂર હતી નાણાંની. આફ્રિકાથી પરત ફરતી વેળા તેમની પાસે અંગત બચત સ્વરૂપે તો નાણાં હતા, પરંતુ જો આશ્રમમાં ૨૦-૩૦ જણાં કાયમી વસવાટ કરવાના હોય તો આ નાણાંમાં કેટલાક દિવસો નીકળે તે સવાલ હતો.
લોકોક્તિમાં ભલે કહેવાતું હોય કે સારા કામમાં સો વિઘન, પણ આપણે એ ન ભૂલવું જોઇએ કે સારા કામમાં સહુ સારા વાનાં પણ થઇ રહેતા હોય છે. જ્યારે આ કાર્ય સાથે તો ગાંધીજી જેવા પૂણ્યાત્મા સંકળાયેલા હતા. નિભાવ ખર્ચની ગાંધીજીની મૂંઝવણ જાણીને અમદાવાદના શેઠ મંગળદાસ ગિરધરદાસ તેમને મળવા પહોંચ્યા. ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાળતા શેઠ મંગળદાસે ખાતરી આપી કે તમે આશ્રમ સ્થાપો, ખર્ચની ચિંતા કરવાની જરૂર નથી. આંકડો જણાવી દો, દર મહિને આ રકમનો ચેક પહોંચતો થઇ જશે.
ગાંધીજી સહિતના સાથીદારો આશ્રમમાં શું શું ચીજવસ્તુઓ જોઇએ તેની યાદી તૈયાર કરવાના કામે લાગ્યા. રસોઇના વાસણ, ખેતીકામના સાધનો, મિસ્ત્રી તેમજ ખેતીવાડી કામના ઓજાર... યાદી તૈયાર થઇ. એક અંદાજ મંડાયો કે આશ્રમમાં નહીં નહીં તો પણ ૫૦ માણસનો વસવાટ થઇ જ શકશે. સરવાળા-બાદબાકી કરતાં ૬૦૦૦ રૂપિયા માસિક ખર્ચનો અંદાજ નીકળ્યો. કોચરબ આશ્રમનો કબ્જો મેળવાયો. ગાંધીજીએ નિયમ પ્રમાણે પ્રવૃત્તિ શરૂ કરી - એ દિવસ એટલે ૨૦ જુલાઇ ૧૯૧૫.
વાચક મિત્રો, આપ સહુને યાદ હશે જ કે આજથી બે વર્ષ પૂર્વે કોચરબ આશ્રમની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂરાં થયાં ત્યારે આપના પ્રિય સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર’ અને Asian Voiceએ આશ્રમ પર જઇને આ પ્રસંગની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ગાંધીજી દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થાન ગૂજરાત વિદ્યાપીઠના વડા સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી હતી. આવા આ ઐતિહાસિક કોચરબ આશ્રમના નોટિસ બોર્ડ પર આજે પણ ગાંધીજીના હસ્તાક્ષરમાં લખાયેલું આશ્રમનું બંધારણ, નીતિનિયમો વાંચવા મળે છે તો આશ્રમવાસીઓની દૈનંદિની પણ નજરે
પડે છે.
ગાંધીજીએ આ આશ્રમથી તેમની પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો. આ સમયે તેમની સાથે હતા કસ્તુરબા સહિતના પરિવારજનો અને આફ્રિકાથી સાથે જ આવેલા પાદરી એન્ડ્રુઝ સહિતના સાથીદારો. સપ્ટેમ્બર-૧૯૧૫માં આ આશ્રમમાં લગભગ ૩૦ અંતેવાસીઓ વસતા હતા. બધાએ કામ વહેંચી લીધા હતા અને જાજરૂ સાફ કરવાથી માંડીને રસોઇ કરવા સુધીના નાના-મોટા તમામ કાર્યો આશ્રમવાસીઓ દ્વારા જાતે જ કરવામાં આવતા હતા. ગાંધીજીએ કોચરબ આશ્રમના પ્રારંભ વેળા જ સ્પષ્ટ કરી દીધું હતું કે અહીં વસતાં સહુ કોઇએ આશ્રમના નિયમોને આધિન રહેવું પડશે... અને ગાંધીજીની આ સુચનાનો યથાતથ્ અમલ થતો હતો.
આ દરમિયાન જાણીતા સામાજિક કાર્યકર અમરતલાલ વી. ઠક્કરનો પત્ર આવ્યો. આ અમરતલાલ ઠક્કર એટલે ઠક્કરબાપાના નામે જાણીતા બનેલા વંચિતોના મસિહા. ઠક્કરબાપાએ ગુજરાત પ્રદેશમાં અસ્પૃશ્યતા નિવારણથી માંડીને આદિવાસીઓ-વંચિતોના ઉદ્ધાર માટે નમૂનેદાર કામ કર્યું હતું. તેમણે પોતાનું આયખું જ આ લોકોના ઉદ્ધાર માટે સમર્પિત કરી દીધું હતું એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
ઠક્કરબાપાએ ટૂંકા પત્રમાં લખ્યું હતુંઃ ‘એક નમ્ર અરજ. એક અસ્પૃશ્ય પરિવાર તમારા આશ્રમમાં જોડાવા ઇચ્છુક છે. તમે એમને પ્રવેશ આપશો?’ ગાંધીજીને પત્ર મળ્યો. આ ટૂંકા પત્રે તેમના માટે મોટી અવઢવ સર્જી હતી. ગાંધીજીએ તેમની આત્મકથામાં લખ્યું છે કે ‘પત્ર મળ્યો અને ખરેખર બહુ દ્વિધા થઇ...’ ગાંધીજી એ વાતથી વાકેફ હતા કે આશ્રમમાં અસ્પૃશ્ય પરિવાર રહેવા આવે તો અત્યારે જે સવર્ણો રહે છે તેમની શું પ્રતિક્રિયા હશે. ગાંધીજી ભારે મૂંઝવણ અનુભવી રહ્યા હતા, પરંતુ ઊંડા મનોમંથન પછી તેમણે નિર્ણય કરી જ લીધો. આશ્રમમાં ત્રણેય વર્ણ - બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય સમાજના લોકો હતા તો દલિત વર્ગ કેમ નહીં?
ગાંધીજીના નિર્ણય અનુસાર અસ્પૃશ્ય પરિવારના ત્રણ સભ્યો - દુધાભાઇ, દાનીબહેન અને પુત્રી લક્ષ્મી ૧૧ સપ્ટેમ્બર ૧૯૧૫ના રોજ આશ્રમમાં રહેવા આવી પહોંચ્યા. તે સમયે તો કોઇ આશ્રમવાસી બોલ્યું નહીં, પરંતુ સહુના મનમાં કચવાટ, અસંતોષ, નારાજગી જરૂર હતા. આને જીવનની વિષમતા જ ગણવી રહી કે પોતાના જેવા જ હાડચામના બીજા મનુષ્યને અપનાવવા કહેવાતા સવર્ણો તૈયાર નહોતા. દાનીબહેન આશ્રમમાં જ આવેલા કૂવા પર પાણી ભરવા પહોંચ્યા તો તેમને અટકાવી દેવામાં આવ્યાં? કેટલાક આશ્રમવાસીઓએ તેમને જણાવ્યું કે જો તેઓ કૂવાને અડકશે તો તેઓ કૂવાનું પાણી પીશે નહીં.
ગાંધીજીએ આ જાણ્યું અને વ્યથિત થઇ ગયા. તેમણે જાહેર કર્યું કે જો આ દલિત પરિવારને કૂવાને અડકતો અટકાવાશે તો તેઓ પાણી પીવાનું બંધ કરી દેશે. આશ્રમના દરવાજા સહુ કોઇ માટે ખુલ્લા છે, અને ઊંચનીચના ભેદભાવને કોઇ સ્થાન નથી.
આશ્રમના અંતેવાસીઓએ તો બાપુની જીદ સામે નમતું જોખ્યું, પરંતુ વાત ઊડતી ઊડતી બહાર પહોંચીઃ આશ્રમમાં તો એક અસ્પૃશ્ય પરિવાર વસે છે. બસ થઇ રહ્યું. આખા અમદાવાદમાં હોબાળો મચી ગયો. દર મહિને આશ્રમનો નિભાવ ખર્ચ આપવાની જવાબદારી ઉઠાવનાર શેઠ મંગળદાસ ગિરધરદાસે કહેવડાવ્યું કે આવતા મહિનાથી સહાયની રકમનો ચેક મળશે નહીં, નાણાંની વ્યવસ્થા કરી લેજો.
ગાંધીજી સહિતના આશ્રમવાસીઓ માટે ભારે ધર્મસંકટ સર્જાયું. આશ્રમ શરૂ થયાને માંડ ત્રણ મહિના થઆ હતા અને ખર્ચની રકમ બંધ થવાની ‘નોટિસ’ મળી ગઇ હતી.
ગાંધીજી તેમની જીવનકથામાં લખે છે કે ભારે મૂંઝવણમાં હતો. આ દરમિયાન એક દિવસ કોચરબ આશ્રમના દરવાજે એક મોટરગાડી આવીને ઉભી રહી અને ચલાવનાર ‘શેઠે’ ત્યાં રમતાં એક બાળકને બોલાવીને કહ્યું કે આશ્રમના સ્થાપકને બોલાવી લાવ. ગાંધીજી આવ્યા અને ગાડીમાં ગયા. જોયું કે ગાડીમાં એક ગર્ભશ્રીમંત શેઠ બેઠા હતા.
ગાંધીજીએ આત્મકથામાં આ ‘શેઠ’નું નામ ટાંક્યું નથી, પરંતુ જગજાહેર વાત છે કે આ ‘શેઠ’ એટલે અંબાલાલ સારાભાઇ. તેઓ પણ અમદાવાદના મોટા ગજાના મિલમાલિક હતા. અંબાલાલ સારાભાઇ ગાંધીજીને એક જ વખત મળ્યા હતા, પરંતુ આ યુવાન બેરિસ્ટરનો ઉમદા ઉદ્દેશ, જોમવંત જુસ્સો સ્પર્શી ગયા હતા. અંબાલાલ સારાભાઇ શેઠ મંગળદાસ કરતાં વયમાં ૨૮ વર્ષ નાના હતા, જમાના કરતાં ડગલું આગળ હતા.
અંબાલાલે ગાંધીજીને પૂછયું કે તમે આર્થિક મુશ્કેલીમાં છો? ગાંધીજીએ આત્મકથામાં આ પ્રશ્નનો જવાબ ટાંકતા લખ્યું છેઃ હા, ચોક્કસ મને તકલીફ છે અને અત્યારે હું મારા ખર્ચ માટેની દ્વિધામાં છું. અંબાલાલે એટલું જ કહ્યું કે હું ફરી કાલે આવીશ...
અને ૨૪ કલાકમાં જ અંબાલાલ સારાભાઈ ફરી આશ્રમે આવ્યા. મોટરગાડીનું હોર્ન માર્યું. ગાંધીજીને બોલાવ્યા. અને હાથમાં નોટનું બંડલ આપ્યું અને જેમ આવ્યા હતા તેમજ જતા રહ્યા. આ રકમ હતી પૂરા ૧૩ હજાર રૂપિયા. વાચક મિત્રો, આજના નહીં હોં... ૧૦૩ વર્ષ અગાઉની આ વાત છે. આજના ભાવે ગણો તો ૧૩ લાખ રૂપિયા થાય.
ગાંધીજી સવર્ણોના દલિતો પ્રત્યેના અભિગમથી તો વાકેફ હતા જ, પરંતુ તેમની નજર સામે બનેલી આ ઘટનાએ તેમને હચમચાવી નાખ્યા. બાકીના સમગ્ર જીવન દરમિયાન અસ્પૃશ્યતા નિવારણનો ઉદ્દેશ તેમના જીવનમાં કેન્દ્રસ્થાને રહ્યો એમ કહી શકાય. તેમણે પછીના વર્ષોમાં આ સામાજિક દૂષણ અંગે ઘણું વિચાર્યું, લખ્યું. આ મુદ્દો જાહેરમાં ચર્ચતા પણ રહ્યા અને વાસ્તવિક જિંદગીમાં તેનો અમલ પણ કરતા કર્યા.
ગાંધીજીએ ભારતીય સમાજમાંથી અસ્પૃશ્યતાના દૈત્યને નાથવા માટે છેડેલા જંગને નજરમાં રાખીને જ આપણા દેશના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણ માટે જડબેસલાક જોગવાઇ કરવામાં આવી છે. જોકે વહીવટી સ્તરે આ પ્રયાસો છતાં વાસ્તવિક્તા શું છે? સમાજમાં આજે પણ આ દૂષણ અસ્તિત્વ ધરાવે છે.
સમાજના કહેવાતો ઉચ્ચ, સવર્ણ સમાજ જેમને હલકા વરણના ગણાવતો હતો તેમને ગાંધીજીએ ‘હરિના જન’ તરીકે ઓળખાવ્યા. ગાંધીજીએ આ સમુદાયને ખરા અર્થમાં અપનાવ્યો, તો ભારતીય બંધારણે પણ આ કચડાયેલા, શોષિત, વંચિત વર્ગને સમાજમાં ભેદભાવમુક્ત, સમાન સ્થાન મળે તે માટે કાનૂની જોગવાઇ કરી છે, આવશ્યક કાયદા ઘડ્યા છે. અલબત્ત, શું આપણે છાતી પર હાથ મૂકીને કહી શકશું કે ભારતમાં કે ભારત બહાર પણ આ સમાજ પ્રત્યે કોઇ ભેદભાવ દાખવાતો નથી? ગઇકાલના અસ્પૃશ્યોને, અછૂતોને, હરિજનોને આપણે આજે સમાજમાં સમાન દરજ્જો, પ્રેમ, આદર, મંદિર પ્રવેશ આપી શકીએ છીએ? ના, ના અને ના...
વાચક મિત્રો, હું તો આ મુદ્દે સ્પષ્ટ માનું છું કે સવર્ણોએ તેમનો અભિગમ બદલવો રહ્યો. અસ્પૃશ્યતાને જાકારો આપીને દલિતોને સમાજના અભિન્ન અંગ તરીકે અપનાવવા રહ્યા. તેમને સમાન હક્ક, અધિકાર આપવા જ રહ્યા. આપણા કથાકારો, સંતો-મહંતો, ધર્મગુરુઓ સમયાંતરે આ કચડાયેલા વર્ગ માટે કથા-પારાયણ કે એક યા બીજા પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજતા રહે છે. હું તેને આવકાર્ય ગણું છું, આ પહેલનું સ્વાગત કરું છું. આ પ્રયાસો દેખાડો કે પ્રતીકાત્મક નથી એ પણ અંતઃકરણપૂર્વક સ્વીકારું છું, પરંતુ કહેવાતા ઉચ્ચ અને સવર્ણ સમાજે આથી કંઇક વિશેષ પહેલ કરવાની જરૂર નથી જણાતી?
મિત્રો, આપણે તો પરદેશમાં, માદરે વતનથી હજારો માઇલ દૂર વસીએ છીએ, સમાન હક્ક તેમજ રાષ્ટ્રપ્રેમની વાતો કરીએ છીએ, વાતવાતમાં ગુજરાતને યાદ કરીએ છીએ, પરંતુ જ્યાં ૪૩ ટકા શહેરી વસ્તી વસે છે, ત્યાં પણ આભડછેટનું દૂષણ છે જને? દલિતનું સ્થાન સમાજના છેવાડે જ છેને? સદીઓથી કહેવાતા સવર્ણોની ઉપેક્ષાનો ભોગ બનતા રહેલા આ કચડાયેલા સમાજ પ્રત્યે હૃદયપૂર્વક આદર વ્યક્ત કરું છું, તેમને હું વંદન કરું છું. આ સમાજે ભલે સવર્ણોના ધર્મસ્થાનોમાં પ્રવેશ આપવામાં આવતો ન હોય, પરંતુ તેમણે હિન્દુ ધર્મને છોડ્યો નથી. સવર્ણોએ ભલે તેમને તરછોડ્યા, પરંતુ તેમણે ક્યારે ધર્મને તરછોડ્યો નથી. દલિતોના મુઠ્ઠીભર વર્ગે સવર્ણોના કથિત અન્યાય સામે નારાજગી દર્શાવવા અન્ય ધર્મ અપનાવ્યો છે, આમ છતાં હકીકત તો એ જ છે કે સમાજનો બહુમતી વર્ગ હિન્દુ ધર્મને સમર્પિત છે તે વાતનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે.
ગાંધીજીની જન્મજયંતીનું દોઢસોમું વર્ષ ઉજવવા મોટા મોટા આયોજનો થઇ રહ્યા છે ત્યારે આપણે સહુએ સાથે મળીને વિચારવું રહ્યું કે બાપ (બાપુ)નું કરજ ચૂકવવાનો ખરેખર સમય આવી ગયો છે કે નહીં? ક્યાં સુધી આપણે સહુ આપણા જ ભાઇભાંડુઓ સાથે અન્યાય કરતા રહીશું? ભેદભાવ કરતા રહીશું? ક્યાં સુધી આ કચડાયેલા સમાજ તરછોડતા રહીશું?
વાચક મિત્રો, હું આપ સહુને અંતરાત્માને ઢંઢોળવા વિનતી કરું છું. જો આપણે આપણી જાતને સનાતની હિન્દુ ગણાવતા હોઇએ તો શું આ પરિસ્થિતિ સ્વીકાર્ય છે ખરી? વિદેશમાં રહેતા કરોડો ભારતીયવંશીઓની જેમ આપણે, બ્રિટનવાસી ભારતીય સમુદાય સમાન હક્ક - અધિકારો મેળવીએ છીએ. તેના જતન માટે સતત જાગ્રત રહીએ છીએ ત્યારે આપણા જ સમાજના ભાઇભાંડુને વર્ણના આધારે અન્યાય થતો હોય તો તે કેટલા અંશે વાજબી છે? આ સમસ્યાના નિવારણ માટે આપણે શું કરી શકીએ? શું કરવું જોઇએ? જેઓ પોતાને ધર્મ પ્રવર્તકો ગણાવે છે, ગુરુપદે કે આચાર્યપદે બિરાજે છે તેમણે આ દિશામાં ઘટિત પગલાં લેવા રહ્યા. ઉદારવાદી અભિગમ ધરાવતો હિન્દુ ધર્મ તો આપણને અન્ય ધર્મ પ્રત્યે પણ સમતા દાખવવાનો - સર્વધર્મ સમભાવનો બોધ આપે છે જ્યારે કહેવાતા દલિતો તો આપણા જ સમાજનું એક અંગ છે. તેમના પ્રત્યે ભેદભાવ દાખવવાનું એક શિષ્ટ સમાજ માટે શોભાસ્પદ નથી જ નથી. સવર્ણોની જેમ દલિતો પણ ભારતમાતાનું જ એક અભિન્ન અંગ છે તે સનાતન સત્યને આપણે સ્વીકારશું ત્યારે જ ગાંધીજીએ આપણા દેશની સ્વતંત્રતા કાજે આપેલું બલિદાન લેખે લાગશે. ગાંધી જયંતીની ઉજવણી સાર્થક ઠરશે. (ક્રમશઃ)

--------------

- વૈષ્ણવજન તો તેને રે કહીએ

- નરસિંહ મહેતા

 વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે;પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ.. ટેકસકળ લોકમાં સહુને વંદે. નિંદા ન કરે કેની રે; વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ..સમદ્રષ્ટિને ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… વૈષ્ણવ..મોહમાયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે;રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ તના તનમાં રે… વૈષ્ણવ..વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે;ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યાં રે… વૈષ્ણવ..

------


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter