વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે નૂતન વર્ષના ત્રીજા દિવસે - પોષી પૂનમના પાવન પર્વે આ કોલમ કંડારાઈ રહી છે. અહીં બ્રિટનમાં બર્ફીલું મોજું ફરી વળ્યું છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ફુલગુલાબી ઠંડીના માહોલમાં આદ્યશક્તિ અંબે માતનો પ્રાગટ્યોત્સવ રંગેચંગે ઉજવાઇ રહ્યો છે. અંબે માતના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે સહુ કોઇને હેમખેમ રાખે અને સુખીસમૃદ્ધ કરે. કુદરતથી લઇને કાળા માથાનો માનવી સહુ કોઇ પોતપોતાનું કામ કરી રહ્યા છે. નવા વર્ષના આરંભે સહુ કોઇએ નીતનવા સંકલ્પો કર્યા હશે. સદભાગ્યે મારો તો એક જ સદાબહાર સંકલ્પ રહ્યો છે - જ્ઞાનયજ્ઞ અને સેવાયજ્ઞ. આપ સહુના સાથસહકારથી આ બન્ને સંકલ્પો સાકાર થઇ રહ્યા છે વાતનો આનંદ છે.
આજે ગુજરાત સમાચાર - Asian Voice લોકહૃદયમાં બિરાજી રહ્યા છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. પ્રિન્ટ કોપીથી લઇને ઓનલાઇન અને સોશિયલ મીડિયાના માધ્યમથી લગભગ બે લાખ ભારતવંશીઓ અમારા-આપણા પ્રકાશનો વાંચી રહ્યા છે તે વાતનું એક પ્રકાશક અને તંત્રી તરીકે ગૌરવ હોવું સહજ અને સ્વાભાવિક છે. આપ સહુનો ઉષ્માભર્યો સાથસહકાર મને અને મારા સાથીઓને વધુને વધુ સારું કામ કરવાની શક્તિ પૂરી પાડે છે, ઉત્તેજન, પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે.
આપ સહુ જાણો છો તેમ ગુજરાત સમાચાર - Asian Voice સમયાંતરે વાચકોની સેવામાં જાત જાતના અભિયાન હાથ ધરતું રહે છે. ઝૂમ પ્રોગ્રામ ‘સોનેરી સંગત’, ‘સોનેરી સ્મરણયાત્રા’ વિશેષાંક, તાજેતરમાં જ સંપન્ન થયેલી આકર્ષક પુરસ્કારો ધરાવતી નિબંધ સ્પર્ધા (આપ સહુએ વિજેતાઓ માટે યોજાયેલા પુરસ્કાર વિતરણ સમારોહનો અહેવાલ ગત સપ્તાહના અંકમાં વાંચ્યો જ હશે...) સહિતના અનેક આયોજનો અમે કર્યા છે, અને આગામી દિવસોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે. અમે માનીએ છીએ કે વાચક અને વર્તમાનપત્ર વચ્ચેનો સંબંધ જીવંત હોવો જોઇએ, અને આ સૂત્રને અનુસરવા અમે સતત પ્રયત્નશીલ છીએ.
સુજ્ઞ વાચક મિત્રો, મિનિટ - કલાક - દિવસ - સપ્તાહ - મહિનો - વર્ષ સતત ચાલતા રહે છે એમ પૃથ્વી પણ સ્થિર નથી, અને ધરાપટલ પરના ઘટનાક્રમો પણ... સમય-સંજોગ (અપેક્ષા-હસ્તી) અનુસાર બધું બદલાતું રહે છે.
જાપાનમાં તીવ્ર રાજકીય ઉલટફેર બાદ પહેલી વખત મહિલા વડાપ્રધાને શાસનધુરા સંભાળી છે. નાજુક-નમણાં સાને તાકાઇચી દેખાવે ભલે દૂબળા-પાતળા લાગે, પણ દૃઢતા માટે જાણીતા છે. લોકોએ તેમના આ ગુણને ધ્યાનમાં રાખીને જ નેતાપદે પસંદ કર્યા છે એમ પણ કહી શકાય. તો બાંગ્લાદેશમાં કાર્યવાહક મોહમ્મદ યુનુસ સરકારે કાયદો-વ્યવસ્થાનો દાટ વાળવામાં કોઇ કસર છોડી નથી. હિન્દુઓ સહિતના લઘુમતીઓ પર બેફામ અત્યાચારો ગુજારાઇ રહ્યા છે. ચૂંટણી માથે તોળાઇ રહી છે ત્યારે બાંગ્લાદેશમાં સહુ કોઇ અશાંતિની આગમાં રાજકીય રોટલા શેકવાના કામે લાગ્યા છે. નેપાળ ટૂંકા રાજકીય સ્વાર્થ માટે ચીનના ખોળે જઇ બેઠું છે, તો બીજી તરફ, સમય વર્ત્યે સાવધાન થઇ ગયેલું શ્રીલંકા ચીનની ચુંગાલમાંથી છુટીને પ્રગતિના પંથે પ્રયાણ કરવા પ્રયત્નશીલ છે. પાકિસ્તાનની સ્થિતિથી તો કોણ અજાણ છે? વીતેલા વર્ષેય હાથમાં ભીખનો કટોરો હતો, અને - તેની નીતિરીતિ જોતાં લાગે છે કે આ વર્ષેય તેના હાથમાંથી ભીખનો કટોરો છૂટવાની કોઇ શક્યતા નથી. રશિયા-યૂક્રેન લાંબા સમયથી યુદ્ધના મેદાનમાં લોહી વહાવી રહ્યા છે ને સાઉદી અરેબિયાએ આઇએસના ઉગ્રવાદીઓને કચડવા દક્ષિણ યમન પર બોંબ ઝીંક્યા છે.
મહાસત્તા અમેરિકા અને તેના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની તો વાત જ શું કરવી? (‘ફૂલટાઇમ બિઝનેસમેન’માંથી ‘પાર્ટટાઇમ પ્રેસિડેન્ટ’ બનેલા) ટ્રમ્પ સાહેબે ટેરિફથી લઇને ઇમિગ્રેશનના મામલે આખી દુનિયાને ઉપરતળે કરી નાંખી છે. આ ઓછું હોય તેમ હવે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો અને તેમના પત્નીને અડધી રાતે મહેલમાંથી ઉઠાવી જઇ અમેરિકા લઇ ગયા છે ને તેમની સામે નશીલા પદાર્થોની હેરાફેરી કરવા બદલ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ચીન તેની આદત અનુસાર સામ - દામ - દંડ - ભેદની નીતિ અપનાવીને અગ્નિ એશિયાના દેશોમાં દબદબો વધારવા હવાતિયા મારી રહ્યું છે. ચીનની નેતાગીરી વૈશ્વિક સુપર પાવર હોવાનો દાવો તો કરે છે, પણ અર્થતંત્ર ડામાડોળ છે તે મુદ્દે કોઇ બોલતું નથી. આપણા બ્રિટનની વાત કરીએ તો, સ્ટાર્મર સરકાર તો બોલ બચ્ચન જ પુરવાર થઇ છે. મોંઘવારીથી દાઝેલી જનતાને રાહત આપવાનું તો દૂર રહ્યું, ઊંચા વેરા ઝીંકીને સરકારે ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. વડાપ્રધાન કેર સ્ટાર્મર જાતે નિર્ણય લઇ શકતા નથી, ને લીધેલા નિર્ણયનો અમલ કરાવી શકતા નથી. પરિણામે દેશમાં આર્થિક વિકાસ ખોરંભે પડ્યો છે.
દુનિયાઆખીમાં ભલે રાજકીય - આર્થિક - લશ્કરી મોરચે હલચલ મચી હોય, પણ ભારત આર્થિક તેમજ અન્ય વિકાસના મોરચે હરણફાળ ભરી રહ્યું છે. જ્યારે હું આ શબ્દો લખી રહ્યો છું ત્યારે એક ભારતીય તરીકે ખરેખર મારી છાતી ગજ ગજ ફૂલી રહી છે. વૈશ્વિક તખતે પ્રવર્તમાન પ્રવાહો નજર ફેરવતાં ભારતની સ્થિતિ સાંગોપાંગ જણાય છે. છેલ્લા 11 વર્ષમાં ભારતે અદ્ભૂત પ્રગતિ સાધી છે.
આર્થિક વિકાસ હોય, ટેક્નોલોજી ક્ષેત્રે આગેકૂચ હોય, લશ્કરી શસ્ત્રસરંજામની આપૂર્તિ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ હોય... ભારત મેક ઇન ઇન્ડિયાના કેન્દ્રવર્તી વિચાર સાથે અદભૂત પ્રગતિ કરી રહ્યું છે અને આખી દુનિયામાં તેની નોંધ લેવાઇ રહી છે. ભારતની
આ સિદ્ધિના યશના અધિકારી છે લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી.
ગુજરાતના આ સપૂતે આંતરરાષ્ટ્રીય તખતે ભારતનું નામ એટલું ઉજાળ્યું છે કે (કોઇને ગમે કે ના ગમે) આપણી આગેકૂચની નોંધ લીધા સિવાય આરોવારો નથી. આજે ભારતવાસીઓમાં, આપણી યુવાશક્તિમાં, નારીશક્તિમાં પ્રચંડ ઉમંગ - ઉત્સાહ - આત્મવિશ્વાસ જોઇ શકાય છે. સક્ષમ અને સબળ નેતૃત્વમાં જ્યારે દૂરંદેશીભર્યો અભિગમ ભળે છે ત્યારે કેવા પરિણામ હાંસલ થઇ શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભારત છે. અમેરિકી ટેરિફની જ વાત કરો ને... ટ્રમ્પ સાહેબે ઊંચો ટેરિફ લાદીને ભારતને ભેખડે ભરાવવા પ્રયાસ તો કર્યો, પરંતુ મોદી સરકારે નિકાસ માટે અન્ય દેશો ભણી નજર દોડાવીને - બીજા દેશો સાથે એફટીએ (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) કરીને તેમના બદઇરાદા પર પાણીઢોળ કરી નાંખ્યું છે. મોદીએ ઊંચા ટેરિફથી ડરી જઇને ટ્રમ્પની કુરનિશ બજાવવા કોઇ પ્રયાસ કર્યાનું જાણમાં નથી. બીજી તરફ, આપણા બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મર ટ્રમ્પનો રાજીપો હાંસલ કરવા કિંગ-ક્વીન ચાર્લ્સ દંપતી અને પ્રિન્સનો અમેરિકા પ્રવાસ ગોઠવી રહ્યા છે. આખી દુનિયામાં ધાક જમાવવા પ્રયત્નશીલ ચીનને ભારતે ગલવાનમાં જડબાતોડ જવાબ આપ્યો છે તો ‘ઓપરેશન સિંદુર’એ પાકિસ્તાન તથા તેની સેનાની ઊંઘ હરામ કરી નાંખી છે.
વાચક મિત્રો, વિશ્વના વરિષ્ઠ નેતાઓથી લઇને આપણી સનાતન ધર્મ પરંપરાનું જતનસંવર્ધન કરતા સાધુ-સંતો સહુ કોઇ એક યા બીજા સમયે કહી ચૂક્યા છે કે નરેન્દ્રભાઇ જે સૂઝબૂઝ-સમજ-કૌશલ્ય અને દૂરંદેશીભર્યા અભિગમ સાથે અવિરત કામ કરે છે તે અતુલનીય છે. નરેન્દ્રભાઇ એવું મુઠ્ઠીઊંચેરું વ્યક્તિત્વ ધરાવે છે, જે પરમશક્તિની કૃપા વગર શક્ય નથી. મિત્રો, નરેન્દ્રભાઇ પર આવી કોઇ શક્તિના આશીર્વાદ છે કે નહીં એ તો હું નથી જાણતો, પરંતુ આવા એક વ્યક્તિવિશેષ વિશે અવશ્ય જાણું છું જેમને નરેન્દ્રભાઇ માટે પરમ સ્નેહ હતો અને નરેન્દ્રભાઇ ખુદ તેમને પિતાસમાન માનતા હતા. આ વ્યક્તિવિશેષ વિભૂતિ એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ.
આપ સહુને યાદ હશે કે પ્રમુખ સ્વામી મહારાજે 13 ઓગસ્ટ 2016ના રોજ આ પૃથ્વી પરથી વિદાય લીધી તે વેળા અંજલિ આપવા નરેન્દ્રભાઇ સાળંગપુર પહોંચ્યા હતા. આ સમયે તેમણે લાગણીભીના કંઠે કહ્યું હતું કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની વિદાયથી જાણે મેં પિતા ગુમાવ્યા છે. તેઓ પિતાસમાન હતા. મુશ્કેલ ઘડીના સમયે તેમના સલાહ-સૂચન માર્ગદર્શક સાબિત થતા હતા. હવે હું માર્ગદર્શન માટે કોની પાસે જઇશ?
નરેન્દ્રભાઇ અને પ્રમુખ સ્વામી મહારાજ - બન્ને વચ્ચે અદમ્ય લાગણીભર્યો નાતો હતો. એક મોટા ગજાના રાજનેતા તો એક વરિષ્ઠ - પૂજનીય ધર્મનેતા. એકદમ વિરોધાભાસી કાર્યક્ષેત્ર, પરંતુ તેમને જોડતી સમાન કડી હતી - કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા. બન્ને વિભૂતિ પોતે સંભાળેલી જવાબદારી સુપેરે નિભાવવા અવિરત - અથાક કાર્યરત રહી છે તેનાથી કોણ અજાણ છે?!
નરેન્દ્રભાઇ - રાજ્યથી લઇને રાષ્ટ્રીય સ્તરે - મુખ્ય પ્રધાન પદથી લઇને વડાપ્રધાન પદના હોદ્દે રહીને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા સદાસર્વદા કાર્યરત રહ્યા છે. બહુજન હિતાય, બહુજન સુખાય તેમનો કાર્યમંત્ર રહ્યો છે એમ કહી શકાય. તો પ્રમુખ સ્વામી મહારાજે - એક વરિષ્ઠ સંત તરીકે - તેમના નામ સાથે જોડાયેલી જવાબદારી નિભાવવામાં કોઇ કસર છોડી નથી. દેશ-વિદેશમાં સનાતન ધર્મના પ્રસાર-પ્રચાર માટે તેઓ દિવસરાત સક્રિય રહ્યા છે.
મિત્રો, અગાઉ એક કરતાં વધુ વખત ઉલ્લેખ કરી ચૂક્યો છું તેમ પ્રમુખ સ્વામી મહારાજ માત્ર 12 વર્ષની વયે ભાદરણમાં રહીને પાઠશાળામાં ભણતા હતા. તે વેળા અમારા પરિવારનો - સવિશેષ મારા પિતાનો તેમની સાથે નિકટનો નાતો રહ્યો. સમયના વહેવા સાથે મારો તેમની સાથેનો નાતો ઘનિષ્ઠ બન્યો. પ્રમુખ સ્વામી મહારાજ પહેલી વખત 70માં લંડન આવ્યા. નિમિત્ત હતું ઈસ્લિંગ્ટન મંદિર. આ પછી 73માં અને 74માં પણ આવ્યા. આ વેળા તેમની સાથે બેસવાનું થયું ને પારિવારિક પરિચય નિકટતામાં બદલાયો.
1974માં વેસ્ટ લંડનમાં હેંગર લેન પાસે તેમનો મુકામ હતો. પૂ. બાપા સાથે પૂ. ઇશ્વરચરણ સ્વામી, પૂ. વિવેકસાગર સ્વામી સહિતનો સંતગણ પણ પધાર્યો હતો. આગલા વર્ષે જ પ.પૂ. યોગીબાપા ધામમાં ગયા હતા, તેનો આઘાત તાજો હતો. યોગીબાપાના અંતિમ દિવસોમાં (અને તેમની વિદાય બાદ પણ) અમુક સંતો મુખ્ય ધારામાંથી અલગ થયા. કેટલાક પ્રશ્નો અને મતભેદો પણ હતા. આ માહોલ છતાં લંડનમાં શાંતિપૂર્ણ રીતે બીએપીએસનું ઘટક કામ કરતું થયું. કેટલાક સંતોએ કાર્યભાર સંભાળ્યો. અને પ્રમુખ સ્વામીના નેજામાં લંડનમાં રોપાયેલું એક બીજ આજે નિસ્ડન સ્વામિનારાયણ મંદિરના નામે ધર્મ-સંસ્કૃતિનું વિશાળ વટવૃક્ષ બનીને ઉભર્યું છે. અનેક જાતની ઉપાધિ અને તબિયત નરમગરમ રહેવા છતાં પ્રમુખ સ્વામી મહારાજ દેશવિદેશના પ્રવાસ કરતા હતા. તેમણે ભારતીય ધર્મ પરંપરાના પ્રચાર-પ્રસાર માટે ‘પ્રમુખ’ જવાબદારી નિભાવી. તેમના નેતૃત્વમાં - 1974થી 1998 વચ્ચે બીએપીએસના 1000 મંદિરો નિર્માણ પામ્યા.
મંદિર એ માત્ર ઈશ્વરસાધનાનું મથક નથી. મારા મતે, આપણા મંદિરો આપણી સનાતન હિન્દુ ધર્મપરંપરા - સંસ્કારવારસાના વાહકો છે. પ્રમુખ સ્વામી મહારાજે મંદિરોના નિર્માણ થકી વિશ્વભરમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાવવામાં આગવું અનુદાન આપ્યું છે એમ કહીએ તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી.
પૂ. બાપાએ બીએપીએસનું નેતૃત્વ સંભાળ્યું તે પ્રસંગને ગત સાતમી ડિસેમ્બરે 75 વર્ષ પૂર્ણ થયા.
આ પ્રસંગે બીએપીએસ દ્વારા ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’ના માધ્યમથી તેમના જીવનકાર્યને - અવિસ્મરણીય યોગદાનને શાનદાર અંજલિ અપાઇ હતી. (વધુ માહિતી માટે જુઓ.... ગુજરાત સમાચાર 13 ડિસેમ્બર 2025)
પૂ. પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસના માધ્યમથી સમસ્ત સમાજ માટે અવિરત અને અમીટ અનુદાન આપ્યું છે તેવું જ અવિરત ઉલ્લેખનીય યોગદાન તેમના માનસપુત્ર એવા નરેન્દ્ર મોદી ભારતના પુનરુત્થાન માટે આપી રહ્યા છે - અવિરત અને અથાક.
મને બરાબર યાદ છે 2001ના એ દિવસો જ્યારે કોઇને અંદાજ સુદ્ધાં નહોતો અને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળવા જણાવાયું હતું. સંઘના પ્રચારકમાંથી સીધા સક્રિય રાજકારણમાં નહીં, સીધા જ મુખ્ય પ્રધાન! એક રાજનેતા તરીકેની તેમની સજ્જતા-ક્ષમતા-કાર્યકુશળતા અંગે અનેકાનેકના મનમાં શંકા-કુશંકા હતી, પણ તેમણે બધાને ખોટા ઠરાવ્યા. અવિરત અને અથાક કામ જાણે તેમનો જીવનમંત્ર બની રહ્યો છે. મુખ્ય પ્રધાન તરીકે રાજ્યનો કારભાર સંભાળવાથી લઇને વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળવાની વાત હોય - તેમણે એક પણ દિવસની રજા માણી હોય તેવું મારી જાણમાં તો નથી.
તે વેળાના દિવસોની વાત કરું તો... હું ભારત પ્રવાસે ગુજરાત પહોંચ્યો હોઉં અને તેમના કાર્યાલયનો સંપર્ક કરતાં જ સવારની ચા પીવાનું આમંત્રણ મળી જાય. અડધોએક કલાક ચાય પે ચર્ચા ચાલે. આવી જ એક મુલાકાત માટે તેમના ગાંધીનગર કાર્યાલયે પહોંચ્યો હતો. આવકાર્યો, અને અમે બેઠા. પણ આ બેઠક કેવી? મારી સાથે વાતો પણ ચાલતી જાય, ને તેમનું કામ પણ ચાલે. એક પછી એક ફાઇલ હાથમાં લેવાતી જાય ને તેમની નજર ફરતી જાય. જરૂર જણાય ત્યાં નોટીંગ કરે, સહી કરે ને ફાઇલ બાજુમાં મૂકાઇ જાય. ફાઇલનો ઢગલો જોઇને મારાથી સહજપણે પૂછાઇ ગયુંઃ આટલી બધી ફાઇલ?! એટલી જ સહજતાથી તેમનો જવાબ હતોઃ સરકારે 3 લાખથી વધુનું પેમેન્ટ કરવાનું હોય તો મારી સહી પછી જ ચૂકવણું થાય એટલે લાલિયાવાડી મટી ગઇ છે. મારી કર્ટસી વિઝિટ પૂરી થઇ તે દરમિયાન તો ઘણી ફાઇલનો નિકાલ થઇ ગયો હતો.
સંઘના પ્રચારક હોવાના નાતે નરેન્દ્રભાઇના પ્રદેશના નેતાઓ સાથે મિત્રતાપૂર્ણ સંબંધ હતા, પણ જ્યારે નીતિ-નિયમની વાત હોય ત્યારે કોઇ સંબંધ કામ ન લાગે. મિત્રો, તે અરસામાં એક પ્રધાનને રાતોરાત ગડગડિયું પકડાવી દેવાયું હતું. તપાસ કરી તો જાણવા મળ્યું કે તે માનનીય પ્રધાન પક્ષના નામે ‘ફંડફાળો’ ઉઘરાવતા હતા. ચટ નિર્ણય ને પટ અમલ.
એક વખત વડાપ્રધાન કાર્યાલય સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારી સાથેની ઔપચારિક વાતચીત દરમિયાન મેં સહજપણે પૂછયુંઃ નરેન્દ્રભાઇની કાર્યપદ્ધતિ કેવી? તેમણે એક જ વાક્યમાં ઘણું કહી દીધું હતુંઃ સાહેબ, સાથે હોઇએ ત્યારે ઘડિયાળ ભૂલી જવાની... વાચક મિત્રો, એક ટાઇમ હતો જ્યારે દિલ્હીના મંત્રાલયોમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજતા સરકારી બાબુઓ ઓફિસના નિયત સમય કરતાં કલાક મોડા આવતાં ને કલાક વહેલાં નીકળી જતાં. તેમની સાંજ ગોલ્ફ ક્લબ કે હાઇફાઇ ક્લબમાં પસાર થતી. છેલ્લા દસકાથી સમય બદલાઇ ગયો છે - ઓફિસે બે કલાક વહેલા આવે છે ને બે કલાક મોડા ઘરે જાય છે. નરેન્દ્રભાઇ કામ કરે પણ છે ને કામ કરાવે પણ છે. આખરે તો બહુજન હિતાય, બહુ સુખાયનો સવાલ છે... ખરુંને?
મિત્રો, તમે એમ પણ કહી શકો કે નરેન્દ્રભાઇએ પિતાસમાન પ્રમુખ સ્વામી મહારાજનો જીવનમંત્ર આત્મસાત કર્યો છેઃ બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે. (ક્રમશઃ)


