વડીલો સહિત વાચક મિત્રો, સ...મા...જ - શબ્દ સાડા ત્રણ અક્ષરનો છે, પણ સંસ્કાર-વારસો-ઇતિહાસ-કળા-પરંપરા બધેબધું સાચવી જાણે. પણ આ સમાજ બને છે કઇ રીતે? ચોક્કસ વર્ગના વ્યક્તિઓનો સમૂહ એટલે સમાજ. એક સમયે ગુફાઓ-કંદરાઓમાં રહેતા મનુષ્યનો પરિવાર જેમ જેમ વિસ્તરતો ગયો એમ એમ અસ્તિત્વ ટકાવવા માટેની જિજિવિષા પ્રબળ બનતી ગઇ. સમાન વિચારસરણી ધરાવતા લોકોના જૂથ બનતા ગયા. સહુકોઇ વિકસતા ગયા. અને વિસ્તરતા પણ ગયા.
વિકાસની ઝંખનાએ કાળા માથાના માનવીને ચંદ્ર પર પણ પહોંચાડ્યો, અને સાત સમંદર પાર પણ. પચાસના દસકાની જ વાત કરીએ. યેમનના એડનમાં એક ગેસ સ્ટેશન પર કામ કરતો કાઠિયાવાડી જણ આખો દિવસ રસ્તાની સામે પાર ધમધમતી વિશાળ ઓઇલ રિફાઇનરીને જોયા કરતો. કદાચ તેના મગજમાં વિચાર ઝબક્યો હશે - કાશ મારે પણ આવી એક રિફાઇનરી હોય... ક્યાં ગેસ ફિલરની નોકરી અને ક્યાં રિફાઇનરીની માલિકી?! શેખચલ્લીનો જ વિચાર લાગે ને... પણ પ્રગતિ-વિકાસની તીવ્ર ઝંખનાએ વિચાર પોષ્યો. સમયના વહેવા સાથે આ કાઠિયાવાડી જણ નામે ધીરુભાઇ અંબાણી આધુનિક ભારતના વેપાર-ઉદ્યોગનો ચહેરો બનીને ઉભર્યો. ધીરુભાઇનું (જીવન) સૂત્ર હતુંઃ Growth is life. વિકાસ જ જીવન છે. બસ, કાળા માથાનો માનવી પણ એક યા બીજા સમયે, જાણતાં કે અજાણતાં આ જ સૂત્રને અનુસરતો રહ્યો છે.
પાંચ - પચાસ કે પાંચસો માણસોનો સમૂહ ભેગો થાય એટલે સ્વાભાવિક જ સુખદુઃખની વાતો થાય, સારીનરસી ઘટના-પ્રસંગો ચર્ચાય. વાચક મિત્રો, આપ સહુને ગામડાંગામનો ચોરો યાદ હશે જ. ત્યાં શું થતું? અબાલવૃદ્ધ સહુનો મેળો જામ્યો હોય. બાળકો ધમાચકડી કરતાં હોય ને વડીલો-વૃદ્ધો વાત્યુંનો પટારો ખોલીને બેઠા હોય. જાતજાતના મુદ્દા ચર્ચાય. ગામમાં રામજી મંદિર બનાવવા ફંડફાળો ભેગો કરવાની વાત હોય કે ખેતરના શેઢાનો પ્રશ્ન હોય કે બીજો કોઇ વાદવિવાદ. બધેબધું ચર્ચાય ને સર્વજન હિતાય, સર્વજન સુખાય સૂત્રને નજરમાં રાખીને સમસ્યાનું સમાધાન શોધવા પ્રયાસ થાય.
ગામડાંગામમાં ચોરો સહુને એકતાંતણે બાંધવાનું કામ કરતો હતો, જ્યારે આજના શહેરીજીવનમાં સંસ્થાઓ સહુને એકસૂત્રે જોડવાનું કામ કરી રહી છે. સામાજિક-ધાર્મિક-સેવાલક્ષી કે પછી અન્ય કોઇ ઉદ્દેશ સાથે રચાયેલી સંસ્થાઓ સમાન વિચારસરણી, પસંદ-નાપસંદ ધરાવતા લોકોને જોડે છે. વતનથી જેમ જેમ દૂર જઇને વસીએ ત્યારે આવી સંસ્થાઓ-સંગઠનોનું મહત્ત્વ વધી જતું હોય છે.
બ્રિટનની જ વાત કરો ને... આજથી 60-70 વર્ષ પૂર્વે ભારતીય સમુદાયનું સ્થળાંતર વેગવાન બન્યું તે સાથે જ જ્ઞાતિવિષયક સામાજિક, ધાર્મિક-આધ્યાત્મિક, સેવાલક્ષી સંસ્થાઓનો ઉદ્ભાવ થયો. 1980 સુધીમાં કમિશન ફોર રેસિયલ ઇક્વાલિટીના લિસ્ટમાં 500થી વધુ ગુજરાતી સંસ્થાઓના નામ જોવા મળતા હતા. આજે પણ આ દેશમાં આપણા સમુદાયની સેંકડો સંસ્થાઓ જોવા મળે છે. હા, આમાંથી જનહિતાર્થે કામ કરનારી કેટલી તે લાખ રૂપિયાનો સવાલ છે. કેટલીક સંસ્થા કાગળ પરના વાઘ જેવી છે, તો કેટલીકના ઉદ્દેશ અને ઇરાદા સારા છે, પણ અમલમાં કાચા પડે છે. કેટલાકના નામ બડે ઔર દર્શન છોટે જેવું છે તો કોઇ સંસ્થાનું જાણે કોઇ ધણીધોરી જ નથી. બહુ જૂજ સંસ્થાઓ પ્રાણવાન છે, અને જ્યારે આવી મુઠ્ઠીઊંચેરી - પ્રાણવાન સંસ્થાઓની વાત કરીએ ત્યારે ભારતીય વિદ્યા ભવનનું નામ મોખરે મૂકવું પડે.
ભારતીય સંસ્કૃતિ-કળા-મૂલ્યો-સંસ્કાર-વારસાના જતન-સંવર્ધનનું કામ કરતી આ સંસ્થા ખરા અર્થમાં ભારતીયતાનું પ્રતિનિધિત્વ કરે છે એમ કહું તો પણ ખોટું નથી. બ્રિટનમાં વસતાં ભારતીયો માટે સક્રિય સંસ્થાઓમાં કદાચ આ એકમાત્ર સંસ્થા એવી છે જે નાત-જાત-ધર્મ-વિચારસરણી જેવા તમામ ભેદભાવને કોરાણે મૂકીને કામ કરે છે. ભારતીય વિદ્યા ભવનના કેન્દ્રમાં છે ભારતીયતા. બસ, બીજું કંઇ જ નહીં.
દિગ્ગજ કાનૂનવિદ્ અને કુલપતિ એવા કનૈલાલાલ માણેકલાલ મુન્શી આ સંસ્થાના સ્થાપક. કોંગ્રેસના આગળ પડતા નેતા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમણે ખૂબ સેવા આપી હતી. હૈદરાબાદના વિલીનીકરણમાં તેમણે અત્યંત જોખમ વેઠીને ભારતના એકીકરણમાં પાયાનું અનુદાન આપ્યું હતું. મુન્શીજી ગુજરાતી ભાષાના સિદ્ધહસ્ત લેખક પણ ખરા. તેમનું નામ પડે ને ‘જય સોમનાથ’, ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’ જેવી ઐતિહાસિક પશ્ચાદભૂ ધરાવતી નવલકથાઓ યાદ ના આવે તો જ નવાઇ! મુન્શીસાહેબની આ બધી કૃતિઓએ વીસમી સદીના પ્રારંભમાં આપણા સમાજને દિશાસૂચન પણ આપ્યું, પ્રોત્સાહન પણ આપ્યું. પ્રગતિ માટેના અવનવા પરિબળો પૂરા પાડ્યા.
આ જ કુલપતિ ક.મા. મુન્શીએ 1938માં 9 નવેમ્બરના રોજ - ગાંધીજીના સહયોગથી - મુંબઇ ખાતે ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી.
મુન્શીજીનો મુખ્ય ઉદ્દેશ
મુન્શીજીએ લખ્યું છે તેમ ભવનની સ્થાપનાનો કેન્દ્રવર્તી ઉદ્દેશ છે ભારતીય મૂલ્યોનું જતન અને સંવર્ધન. સંસ્થાના સભ્યોથી લઇને વિદ્યાર્થીઓ આ ભારતીય મૂલ્યોને સમજે અને તેની ભાવનાને આત્મસાત કરે તેવી લાગણી વ્યક્ત કરતા મુન્શીજી લખે છે કે સમગ્ર વિશ્વ પર ટેક્નોલોજીનું આક્રમણ થઇ રહ્યું છે ત્યારે આપણી વેદિક સંસ્કૃતિના પાયામાં રહેલા મૂલ્યો (પરમાત્મામાં) શ્રદ્ધા, સત્ય, સમર્પણ અને (તન-મન-વૃત્તિને શુદ્ધ કરતા) તપનું જતન કરવું સમયની માગ છે.
તેઓ લખે છે કે આપણા ધર્મનો આધાર સત્યમ્ - શિવમ - સુંદરમ (સત્ય-પ્રેમ-સુંદરતા) છે. આપણા પૂર્વજોથી લઇને શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી દયાનંદ, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી અને સર અરવિંદ સહિતની વિભૂતિઓ આ મૂલ્યોને આજીવન અનુસર્યા. આ મૂલ્યો આપણા સ્વભાવમાં સમાયેલા હોવાથી જ આપણે દુનિયાભરમાં આદર મેળવીએ છીએ. આપણે સહુએ - ભવનના પરિવારે - નાનીમોટી દરેક વ્યક્તિએ વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં આ મૂલ્યોનું જતન અને સંવર્ધન માટે પ્રયાસ કરવા જોઇએ.
મુન્શીજીએ આવા ઉમદા ઉદ્દેશ સાથે મુંબઇમાં રોપેલું બીજ આજે ભારતના 20 રાજ્યોમાં 119 કેન્દ્રમાં વટવૃક્ષ બનીને વિકસ્યું છે. માત્ર ભારત જ નહીં, દરિયાપારના દેશોમાં ભારતીય કળા-સંસ્કૃતિની સુવાસ ફેલાવી રહ્યું છે. વિદેશમાં સૌથી પહેલું કેન્દ્ર અહીં લંડનમાં ખૂલ્યું હતું. આ ઉપરાંત ભવન અમેરિકાના ન્યૂયોર્ક, કૂવૈત, દોહા અને કતારમાં પણ ભારતીય સંસ્કૃતિનો પ્રસાર કરી રહ્યું છે.
મુન્શીજીના આ ઉમદા વિચારને દેશ-વિદેશમાં સાકાર કર્યો ભવનના ટોચના અગ્રણીઓ જયસુખલાલ હાથી, મુખ્ય કારભારી રામકૃષ્ણન, માનનીય લીલાવતી કનૈયાલાલ મુન્શી તેમજ તેમના સાથીદારોએ. ભવનના આ હોદ્દેદારોએ વિચાર્યું કે વિદેશમાં આપણી ભારતીય વસ્તી વધી રહી છે, વસાહતો સ્થાયી થઇ રહી છે ત્યાં આપણી સેવાની સવિશેષ જરૂર છે.
ભારતના સાંસ્કૃતિક રાજદૂતો
1968ના અરસામાં અમુક પ્રાથમિક તૈયારી સાથે લીલાવતીજી, હાથીજી અને રામકૃષ્ણનજી લંડન આવ્યા. સ્વાભાવિક છે તેમના અમુક સંપર્કો હતા. અને સદભાગ્યે મારો તેમની સાથે મેળાપ થયો. તે વેળા હું વેપાર-ધંધામાં પરોવાયેલો હતો. ભારતથી આવેલા આપણા સમાજના આ મહાનુભાવો સાથે મારે વાતચીત થઇ. થોડા સમયમાં જ તેમણે ભારતીય વિદ્યા ભવન - લંડનનું માળખું તૈયાર કરી નાંખ્યું. 1972માં સેન્ટ્રલ લંડનમાં ટોટનહામ કોર્ટ રોડ નજીક ભવનની વિધિવત્ સ્થાપના થઇ. ભવન સાથે તે ઘડીએ બંધાયેલો નાતો આજે દસકાઓ પછી પણ યથાતથ છે.
પાંચમાં પૂછાય તેવી ભારતીય સંસ્થા
લંડનમાં ભવનની પ્રારંભિક જવાબદારી મથુર કૃષ્ણમૂર્તિજીએ સંભાળી હતી. નવો દેશ, નવી સંસ્થા પરંતુ આ બીજ જોતજોતામાં એક વૃક્ષ બની ગયું. સંસ્થાની પ્રવૃત્તિઓ ફૂલીફાલી તે સાથે જ મોટી જગ્યાની શોધખોળ શરૂ થઇ. અને હાલના સ્થળે - વેસ્ટ કેન્સીંગ્ટન સ્ટેશનની બાજુમાં આવેલા ચર્ચમાં નવું ભારતીય વિદ્યા ભવન ધબકતું થયું. આ ચર્ચનું - આપણા ભારતીયો માટે - ઐતિહાસિક મહત્ત્વ સમજવા જેવું છે. ગાંધીજી મહાત્મા બન્યા તે પહેલાં લંડનમાં રહીને બેરિસ્ટર તરીકે પગ જમાવવા સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે આ જ વિસ્તારમાં તેમનો નિવાસ હતો અને આ ચર્ચમાં યોજાતી પ્રેયરમાં તેઓ પ્રસંગોપાત ભાગ પણ લેતા હતા.
લંડનમાં ભારતીય વિદ્યા ભવનનું બીજ રોપાયું ત્યારથી લઇને આજ સુધીમાં સંસ્થા જે પ્રકારે વિશાળ વૃક્ષ બનીને ઉભરી છે તેનો હું સાક્ષી રહ્યો છું. મારા વ્યક્તિગત અનુભવના આધારે કહું છું કે બ્રિટનમાં કાર્યરત ભારતીય સંસ્થાઓમાં ભારતીય વિદ્યા ભવન એક એવી સંસ્થા છે જે પાંચમાં પૂછાય તેવી છે, આગવી ઓળખ ધરાવે છે અને ખરા અર્થમાં પ્રાણવાન સંસ્થા છે.
આપણી કેટલીક નામાંકિત સંસ્થાઓએ છેલ્લા 50-60 વર્ષમાં સુંદર સેવા આપી છે, પણ તેમાં ભારતવાસીઓ માટે - ભારતીયવંશજો સાહિત્ય-કળા અને સવિશેષ તો સંગીતકળા ક્ષેત્રે ભવને જે સેવાઓ આપી છે તે બેનમૂન છે. 22 નવેમ્બરે જ ભવનનો દિવાળી ઉત્સવ ઉજવાઇ ગયો, જેનો વિગતવાર રિપોર્ટ આપ સહુએ ‘ગુજરાત સમાચાર’ 29 નવેમ્બરના અંકમાં વાંચ્યો હશે.
ભવનની નિર્વિવાદ સફળતાનું રહસ્ય
ભારતીય વિદ્યા ભવન નમૂનેદાર કાર્ય કરી રહ્યું છે એ તો આપણે જાણીએ છીએ, પરંતુ તેની સફળતાનું રહસ્ય શું છે? તેનું સુદૃઢ બંધારણ. સંસ્થાની સફળતાનો આધાર તેના બંધારણ પર હોય છે. સંસ્થાનું માળખું કેવા પ્રકારનું છે અને તેના ધારાધોરણ કેવા છે, અધિકારીઓ અને પદાધિકારીઓ કઇ રીતે પસંદ કરાય છે, અને તેઓ સહુ એક સાથે મળીને ટીમ તરીકે કેવી કામગીરી કરે છે તેના પર સંસ્થાના દેખાવનો આધાર હોય છે. આલિયો-માલિયો ને જમાલિયો ભેગા મળીને સંસ્થાને સફળ ન બનાવી શકે. મુન્શીજી પણ આ વાતથી વાકેફ હશે જ ને એટલે જ તેમણે પણ બહુ દીર્ઘદૃષ્ટિ સાથે ભવનનું બંધારણ ઘડેલું છે. આખરે તો તેઓ કાનૂનવિદ્ હતા ને?!
સંસ્થાના લેખિત બંધારણમાં ટ્રસ્ટીઓથી લઇને વિવિધ કમિટીઓની જવાબદારી શું છે, તેમની નિમણૂક, કાર્યપદ્ધતિ બધું નક્કી છે. તમામની નિમણૂકની મુખ્ય જવાબદારી મુંબઇસ્થિત ભવન ઇન્ટરનેશનલ અને તેના સંચાલકો સંભાળે છે. સ્વાભાવિક છે કે ચીવટપૂર્વક પસંદ થયેલો દરેક સભ્ય જવાબદારીપૂર્વક પોતાની ફરજ નિભાવે છે. દર મહિને મિટિંગ યોજાય, જેમાં થયેલી કામગીરીનું મૂલ્યાંકન થાય અને આગામી આયોજનની ચર્ચા થાય. હાથ ધરાયેલી કામગીરી સુચારુ ઢબે ચાલી રહી છે કે નહીં તેનું સતત મોનિટરિંગ થાય. હિસાબકિતાબ પણ એકદમ ચોખ્ખા - આર્થિક વ્યવહારોમાં ક્યારેય આઘુપાછુ થયાનું સાંભળ્યું નથી. આટલી પાયાની બાબતોની કાળજી રાખતી સંસ્થા પ્રગતિના પંથે આગેકૂચ ના કરે તો જ નવાઇ.
આજે ભવનના લંડન કેન્દ્રમાં 800થી 900 બાળકોથી લઇને મોટેરાઓ સંગીત-નૃત્ય-કળાના ક્ષેત્રે વિવિધ પ્રકારની તાલીમ લઇ રહ્યા છે. ભારતીય વિદ્યા ભવને લોકલ ગવર્ન્મેન્ટ, આર્ટ કાઉન્સિલ, ભારતીય હાઇ કમિશન, ભારત સરકાર તેમજ આ દેશમાં વસતાં આપણા સમાજના મોભીઓનો વિશ્વાસ જીત્યો છે, અને સહયોગ પ્રાપ્ત કર્યો છે તે નાનીસૂની સિદ્ધિ નથી.
સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ભારતીય વિદ્યા ભવનના દરિયાપારના દેશોમાં ઉભા કરાયેલા કેન્દ્રોમાં લંડનનું કેન્દ્ર સૌથી પહેલું. અને આજે પણ સૌથી વધુ સક્રિય, વાજતું અને ગાજતું કેન્દ્ર પણ લંડન જ. મેં અગાઉ જણાવ્યું તેમ લંડન સેન્ટર સાથે મારો શરૂઆતથી જ ઘનિષ્ટ નાતો રહ્યો છે. ભવનનો સમર્થક પણ ખરો. ભારત, ભારતીય અને ભારતીયતાના હિતની વાત હોય ને સી.બી.નો સાથ ન હોય તેવું બને જ કેમનું..?!
એશિયન વોઇસ - ગુજરાત સમાચાર - અને વ્યક્તિગત રીતે પણ - ભવનને યથામતિ અને યથાશક્તિ સાથ-સહકાર-સહયોગ આપતા રહ્યા છીએ એ ફરજ છે.
વાચક મિત્રો, ભારતીય વિદ્યા ભવનની હેતુલક્ષી કામગીરીથી લઇને તેની સુચારુ સંચાલન વ્યવસ્થા વિશે અહીં વિગતવાર લખવા પાછળનું કારણમાત્ર એટલું જ કે આપણી ઘણી સંસ્થાઓએ આમાંથી ધડો લેવા જેવો છે, ઘણું શીખવા જેવું છે. માત્ર સંસ્થા સ્થાપી દેવાથી કે તેના નામના પાટિયા ચડાવી દેવાથી સમાજનું ભલું નથી થઇ જતું. આ માટે તો સંસ્થાની સ્થાપનાના ઉદ્દેશને નજરમાં રાખીને દિવસ-રાત કામ કરવું પડે છે. આજે બ્રિટનમાં ભારતીય સમુદાયના હિતાર્થે સ્થપાયેલી સંસ્થાઓની સંખ્યા તો સેંકડોમાં છે, પણ ભારતીય વિદ્યા ભવન જેટલી પ્રાણવાન સંસ્થા કેટલી? જરા વિચારી જોજો. યાદ કરી જોજો. અને ગણતરી કરશો તો એ પણ ખ્યાલ આવશે કે આ મામલે આપણે કેટલક રાંક છીએ. સંસ્થા કે સંગઠન સામાજિક હોય કે ધાર્મિક હોય કે સેવાલક્ષી હોય કે જ્ઞાતિલક્ષી હોય, જો તે પોતાના સભ્યોના હિતાર્થે કામ ન કરતી હોય, સભ્યોના પ્રશ્નો - સમસ્યાના ઉકેલ માટે કામ ન કરતી હોય, જે ઉદ્દેશ માટે તેની સ્થાપના થઇ હોય તેને ચરિતાર્થ ન કરતી હોય તો તે સંસ્થા નક્કામી છે - નઠારી છે. મારા શબ્દો કદાચ આકરા લાગશે, પણ આ હકીકતનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે.
આપણા સમાજના માનવંતા અગ્રણી - શિક્ષણવિદ્ લોર્ડ નવનીત ધોળકિયાએ એક વખત ‘ગુજરાત સમાચાર’માં લખ્યું હતું કે કેટલીક સંસ્થાઓના મોભીઓ ફોટો પડાવીને કામ કર્યાનો સંતોષ માની લેતા હોય છે. ઘણા લોકો હું ફલાણી સંસ્થાનો પ્રમુખ છું, ઢીંકણી સંસ્થાનો અધ્યક્ષ છું, આનો પેટ્રન છું અને આનો માર્ગદર્શક છું... જેવા આત્મસંતોષમાં રાચતા હોય છે. મિટિંગો યોજી, ઠરાવો કરીને કંઇક કામ કર્યાનું માની લેતા હોય છે, પરંતુ સાચી વાત તો એ છે કે તમે તમારી સંસ્થાના સભ્યો માટે શું કર્યું તે મહત્ત્વનું છે.
વાચક મિત્રો, મારું પણ આ જ કહેવાનું છે... સંસ્થાનો એક જ ઉદ્દેશ હોવો જોઇએ - બહુજન હિતાય, બહુ સુખાય. (ક્રમશઃ)
•••
ભારતીય વિદ્યા ભવન - લંડનના સૂત્રધારો
• સુભાનુ સક્સેના - ચેરમેન • શાંતુ રુપારેલ MBE - જોઇન્ટ ચેરમેન • ડો. સુરેખા મહેતા - વાઇસ ચેરમેન • જયશ્રી રાજકોટીયા - વાઇસ ચેરમેન • કૌશિક નથવાણી - ઓન. ટ્રેઝરર
• એક્ઝિ. કમિટી મેમ્બર્સઃ વરીન્દર સિંહ, શશી વેકરિયા, રુબિ બુનકર, કેન્ડીડા કોન્નોલી, મેઘના સિંઘ, રામા ગિરાવો, રાજ પટેલ, વિનોદ ઠકરાર, ડો. એમ.એન. નંદાકુમારા MBE
ભારતીય વિદ્યા ભવન - લંડનમાં ચાલતા અભ્યાસક્રમો
• શાસ્ત્રીય નૃત્યઃ ભરતનાટ્યમ્, કથક, ઓડિસી, કુચીપુડી
• ગાયન-વાદનઃ હિન્દુસ્તાની, બંગાળી, કર્ણાટકી, સિતાર, વાયોલિન, તબલા, મૃદંગમ્ • ભાષાઃ હિન્દી - બંગાળી અને સંસ્કૃત તેમજ રામાયણ • આયંગર યોગ
---


