ભાવ - પ્રતિભાવ

જીવંત પંથ - 6

સી.બી. પટેલ Wednesday 27th July 2022 05:22 EDT
 

વડીલો સહિત સૌ વાચક મિત્રો, સુવર્ણ જયંતીના ઉપલક્ષ્યે મારી - તમારી અને આપણી જૂની-નવી વાતો આપણે ‘જીવંત પંથ’માં વાગોળીએ છીએ. આ નવા ક્ષેત્રમાં, અપેક્ષા કરતાં અને યોગ્યતા કરતાં પણ સાચે જ મને વધુ સંતોષ અને સફળતા સાંપડી રહ્યા છે તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. આને હું મારા જીવનની એક સીમાચિહનરૂપ સિદ્ધિ માની રહ્યો છું, અને આ યાત્રામાં કંઇકેટલાય મહાનુભાવોના ઉપકારો છે તે મેં સ્વીકાર્યા છે.
આ યાત્રામાં સાંપ્રત જીવનના પ્રશ્નોને રજૂ કરવા જોઇએ તે પણ હું સ્વીકારું છું. મારા આત્મીયજનો, છેલ્લા ત્રણ-ચાર સપ્તાહમાં કંઇકેટલાય વાચક મિત્રોએ અનેકવિધ પ્રકારના પ્રતિભાવ આપ્યા છે. મારી ભાવના રજૂ કરવાનો પ્રયત્ન અને તેના પરિપાકરૂપ પ્રતિભાવની પણ થોડીક સમીક્ષા મને ઉપયોગી જણાય છે.
અંગત અને જાહેર જીવન
કેટલાક મહાનુભાવોએ જણાવ્યું છે કે આ લેખમાળામાં મારે કંઇક આત્મકથનાત્મક લખવું જોઇએ. સ્વાભાવિક છે કે તેમનો સંદર્ભ મારા વ્યક્તિગત જીવન સંદર્ભે હતો. જોકે બે કારણસર મારી આમ કરવાની મારી ઇચ્છા નથી. એક તો, અંગત જીવનની બાબતોમાં સારનરસું, સહુકોઇએ જાણવા જેવું અને ન જાણવા જેવું ઘણું હોય. અને બીજું, હું મારા વાચક મિત્રો સાથે (વણલિખિત) કરારથી બંધાયેલો છું - હું જે કંઇ લખું તે સાચું જ હોવું જોઇએ. સત્ય આધારિત હોવું જોઇએ. હું સ્વીકારું છું કે જીવનમાં જે કંઇ ભૂલો, સ્ખલનો થયા હોય તેના ઘટસ્ફોટની નથી મારી હિંમત કે નથી મારી પ્રામાણિક્તા.
કહેવાતા ગુરુઓના ગોરખધંધા
મને વાચકો એવો પણ સવાલ પૂછતા રહે છે કે સાંપ્રત જીવનનું એક અંગ બની ગયેલા - બની બેઠેલા ગુરુઓની, તેમના ગોરખધંધાઓની ચર્ચા કેમ કરવામાં આવતી નથી? આ પ્રશ્ન ખૂબ જ વાજબી છે, અને એટલો જ સંવેદનશીલ પણ ખરો. વાતચીત દરમિયાન કોઇની પણ સામે આક્ષેપ કરવા, આરોપ મૂકવા કે ચર્ચા કરવી આસાન છે, પરંતુ તેને નક્કર પુરાવા વગર - તથ્ય જાણ્યા વગર અખબારના માધ્યમથી જાહેર મંચ પર મૂકી દેવી અયોગ્ય છે. કોઈપણ કહેવાતા ગુરુ સાથે શ્રદ્ધાળુઓનો એક વર્ગ પણ હોય છે. શ્રદ્ધા બળવાન છે. કોઈ વ્યક્તિ, ગુરુ કે વિચારસરણી સામે આક્ષેપ કરીને તેના પ્રત્યેની શ્રદ્ધા ડગમગવી એ કદાચ આસાન હશે પરંતુ જે-તે વ્યક્તિની હાલત પ્રત્યે પણ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે આ શ્રદ્ધા સામે આંગળી ચીંધાય છે ત્યારે તેના અનુયાયીને ભારે માનસિક સંતાપ સહન કરવો પડતો હોય છે. એક પ્રકાશક તરીકે આ જવાબદારીને કોરાણે મૂકી શકાય નહીં. કોઇ વ્યક્તિ કે કહેવાતા ગુરુના ગોરખધંધાના નક્કર પુરાવા હોય તો વાત અલગ છે, બાકી માત્ર વાતોના આધારે કોઇ વિચારસરણી કે વ્યક્તિને નબળા પાડવાનો કોઇ લેખક કે પત્રકારનો ધર્મ નથી.
સંઘ શક્તિ યુગે યુગે
વ્યક્તિ કરતાં સમૂહ હંમેશા મહાન હતો, છે અને રહેશે. પછી તે સમૂહ યજ્ઞ હોય, સમૂહ લગ્ન હોય કે સમૂહ કથાવાર્તા. એ અર્થમાં આપણા બ્રિટીશ ભારતીય સમાજ - સવિશેષ તો ગુજરાતીઓનું સદભાગ્ય છે કે માતબર સંસ્થાઓ આપણા સમાજને સારા-નરસા સમયે એક યા બીજા સમયે સહાયભૂત બનતી રહી છે. કોઇ સંસ્થા વધારે સારું કામ કરે તો કોઇ ઓછું કામ કરે, કોઇ સામાન્ય કામ કરે કે કોઇ ન કરવા જેવું કામ પણ કરે.
તુલસી ઈસ સંસાર મેં ભાંતિ ભાંતિ કે લોગ...
સબસે હસ મિલ બોલિએ, નદી નાવ સંજોગ
આવત હી હરષે નહીં, નૈનન નહીં સનેહ
તુલસી તહાં ન જાઈએ કંચન બરસે મેહ....
 બધો આધાર સંસ્થાના સુકાની - નેતા પર હોય છે. કોઇ કંઇ બોલે કે ના બોલે, લોકો સંસ્થાની કામગીરીને મૂલવણી થતી રહે છે. વિવિધ પ્રતિભાવ મળતા રહે છે. ટીકા આવશ્યક છે, પણ આક્ષેપબાજી કરવાથી જવાબદારી પૂરી થઈ જતી નથી. આ માટે જવાબદારી લેવા, યોગદાન આપવા તૈયાર રહેવું પડે છે. એક અદભૂત અનુભવ ટાંક્યા વગર રહી શકતો નથી. 1968માં સાઉથ લંડનમાં થોર્ટનહીથ રહેતા શ્રી ચંદ્રકાંત ભટ્ટ પરિવારના નિવાસસ્થાને કેટલાક મિત્રો એકત્ર થવાના હતા. હું પણ નજીકમાં જ રહેતો હોવાથી મિત્ર ભાનુભાઈ પટેલ (મિત્રાલ વાળા)એ મને પણ આ બેઠકમાં હાજરી આપવા કહ્યું. યજમાન દંપતી શ્રી ચંદ્રકાંતભાઈ અને ઈન્દુમતીબહેન ભટ્ટે ઉપસ્થિત સૌનું હેતપૂર્વક આતિથ્ય કર્યું હતું. ભટ્ટ દંપતી ઉપરાંત સર્વશ્રી વેલજીભાઈ શાહ, ચુનીભાઈ નથવાણી, નરેન્દ્રભાઈ ચોટાઈ, સર્વશ્રી જોબનપુત્રા, પંચમતિયા, પાણખણિયા વગેરે સજ્જનો હાજર હતા.
આજથી ચોપન વર્ષ પહેલાંની આ વાત છે. તે વેળા આ વિસ્તારમાં વસતાં આપણા સમાજના મોટા ભાગના ભાઈઓ-બહેનો ફેક્ટરી વર્કર તરીકે કાર્યરત હતા. કોઈ ફિલિપ્સ ઈલેક્ટ્રોનિક્સમાં હતું તો કોઈ સ્ટુઅર્ટ પ્લાસ્ટિકની કંપનીમાં હતું તો કોઈ વળી ઈલેક્ટ્રિક મીટર બનાવતી કંપનીમાં હતું. આપણાં વસાહતીઓમાંથી બહુમતી વર્ગ તાજેતરમાં જ પૂર્વ આફ્રિકાથી હિજરત કરીને અહીં આવી વસ્યો હતો.
સંસ્થાનું કાર્યક્ષેત્ર
તેમને ખરા અર્થમાં કોઈ સંસ્થાની મદદની-માર્ગદર્શનની જરૂર હતી. અહીં આપણા દરેક તહેવાર સહુ કોઈ સાથે મળીને ઉમંગઉલ્લાસભેર ઉજવતા હતા, જેથી આપણા સંસ્કારવારસા-સંસ્કૃતિ-મૂલ્યો સાથે નાતો જળવાય રહે, આપણા ઉત્સવો, પર્વો, નવરાત્રિ, દિવાળી સારી રીતે ઉજવાય અને એકબીજાને મદદકર્તા નિવડી શકાય તે મુખ્ય હેતુ હતો. વાચકમિત્રો, આ સમયે મને પહેલી વખત પ્રતીતિ થઈ કે જીવનમાં વ્યક્તિગત વિકાસ કરતાં કરતાં પણ સામૂહિક વિકાસની જરૂરિયાત છે અને સામૂહિક જવાબદારી ઉઠાવવી જોઈએ. વિશેષ મહત્ત્વ સામૂહિક વિકાસનું છે.

આ પછી હું આપણા સમાજ સાથે સંકળાયેલી સંસ્થાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય થયો. કાળક્રમે સંખ્યાબંધ સંસ્થાઓમાં સક્રિય જવાબદારી સંભાળી. અંતમાં ફરી એક વખત કહીશઃ ‘સંગ સંગ ભેરુ તો સર થાય મેરુ’.
આવા કપરા સમયે લવાજમ દરમાં ઘટાડો?!
આજકાલ મને સૌથી વધુ પૂછાતો પ્રશ્ન છેઃ સી.બી., આખી દુનિયામાં દરેક ચીજવસ્તુનો ભાવવધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાત સમાચાર - Asian Voiceના લવાજમ દરમાં ઘટાડો?!... વાત એમ છે કે આ ‘ગુજરાત સમાચાર’નું સુવર્ણ જયંતી વર્ષ ચાલે છે અને અમે આપ સહુ માનવંતા વાચકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માગતા હતા. વાચકોને, સંસ્થાઓને, સમાજને પ્રેમના પ્રતીકરૂપે કંઇક આપવા માગતા હતા. મારે નમ્રતાપૂર્વક સ્વીકારવું રહ્યું કે લવાજમમાં 10 ટકા વળતરની યોજનાને બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. વાચકો ખુદ લવાજમ ભરવાની સાથે પરિચિતોને લવાજમ ભરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. તો કેટલાક સ્વજનોને જન્મદિન, લગ્નતિથિ કે અન્ય શુભ પ્રસંગે ભેટરૂપે લવાજમ આપી રહ્યા છે. આ તેમનો ભાષા પ્રેમ, જ્ઞાન પ્રેમ છે. જ્ઞાનસમૃદ્ધ વાંચન પ્રગતિનો પાયો છે. વ્યક્તિવિકાસ માટે તે આવશ્યક છે, કેમ કે તે વિચારબીજ રોપે છે. આ સંદર્ભમાં જોઇએ તો, આપણે ગુજરાત સમાચારને ક્યારેય ‘ધંધા’ તરીકે પ્રકાશિત કર્યું નથી. તે હંમેશા ‘જ્ઞાન યજ્ઞ - સેવા યજ્ઞ’ના સૂત્રને વરેલું રહ્યું છે. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter