મન ઉજિયારા, જબ જબ ફૈલે જગ ઉજિયારા હોય

સી. બી. પટેલ Tuesday 08th March 2016 14:48 EST
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ‘જીવંત પંથ’ની આ શબ્દયાત્રામાં સાંપ્રત જીવનના પ્રવાહો અંગે કંઇક નવીન, કંઇક નક્કર, કંઇક અર્થપૂર્ણ, કંઇક ઉપયોગી રજૂઆત કરવાનો મારો વિવિધલક્ષી ઉદ્દેશ રહ્યો છે. કેટલાક વાચકોને મારી આ રજૂઆતમાં વિદ્વતા જોવા મળતી હોય કે કોઇના મનમાં - મારા વિશે - આવી કોઇ છબી ઉપસતી હોય તો તેનો ખુલાસો આવશ્યક છે. મારો આવો કોઇ દાવો પણ નથી, અને હું આવા કોઇ ભ્રમમાં રાચતો પણ નથી. હા, એટલું અવશ્ય કહી શકું કે રોજના ચાર-છ કલાક વાંચનનો અવસર સાંપડે છે. વર્ષોજૂના આ મહાવરાથી જાતભાતના વિષયોની માહિતી નજર તળેથી પસાર થતી રહે છે. ઘણી વખત કંઇક વાંચીએ ને એમ થાય કે આ વાત તો બહુજન હિતાય, બહુજન સુખાય છે તો તેને લોકો સુધી પહોંચાડવી જોઇએ. પરમાત્માની કૃપાથી મારો વ્યવસાય પણ અખબારી પ્રકાશનનો હોવાથી સોનામાં સુગંધ ભળી છે.
એક પ્રકારે જોઇએ તો મારું કામ કુરિયર સર્વીસનું છે - કુરિયર સર્વીસ વાળા કોઇ ચીજવસ્તુને - ભાંગેતૂટે નહીં તેમ સંભાળપૂર્વક - એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. તે લોકો તમને ચીજવસ્તુ સોંપી દે પછી તેનું કામ પૂરું. પાર્સલ સોંપીને તે આગળ વધી જાય. પાર્સલમાંથી નીકળેલી ચીજવસ્તુનું તમારે જે કરવું હોય તે કરો. આ જ રીતે મારું કામ વિચારોને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવાનું છે. સારા, ઉપયોગી વિચારો - મૂળ સત્વ યથાતથ્ જાળવી રાખીને - સમાજના બહોળા વર્ગને સરળ ભાષામાં પહોંચાડવા. બસ, એક વિચારને આપના જેવા સુજ્ઞ વાચક મિત્રના મન-મંદિરના આંગણે પહોંચાડ્યો એટલે મારું કામ પૂર્ણ. વિચાર સારો લાગે ને અમલ કરવો હોય તો ઠીક છે, નહીં તો જય સિયારામ... આ વાતમાં તો હું ઋષિતુલ્ય કવિ મકરંદ દવેની પંક્તિને અનુસરું છું - ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાનો કરીએ ગુલાલ...
સાથોસાથ બીજી પણ એક સ્પષ્ટતા કરી જ દઉં. આ કોલમ મારા નામે પ્રકાશિત થાય છે તેની ના નહીં, પરંતુ આમાં પ્રત્યક્ષ કે પરોક્ષ અનેક લોકોનો સહયોગ હોય છે. સૌથી મોટો સહયોગ પરિવારજનોનો મળે છે. મારા માથે ઘરની બીજી કોઇ જવાબદારી ન હોવાથી મને વાંચન-મનન-લેખન માટે પૂરતો સમય મળી રહે છે. જેવા પરિવારજનો એવા કાર્યાલયના સાથીદારો. હંમેશા સહાયભૂત થવા તત્પર. સહુ કોઇ તેમને સોંપાયેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા હોવાથી મારે ડે-ટુ-ડે ઓફિસ રુટિનમાં માથાપચ્ચી કરવાની જરૂર પડતી નથી. હા, પારિવારિક કે વ્યાવસાયિક જવાબદારી ભલે ન હોય, પરંતુ આ કોલમમાં રજૂ થતાં વિષય અને વિચારોની સર્વાંગ-સંપૂર્ણ જવાબદારી મારે સ્વીકારવી જ રહી. આ વિચારોને શબ્દ-શ્રૃંગાર કરવામાં હંમેશા મને ગણેશ-સમાન સાથીદારોનો સહકાર મળતો રહ્યો છે. તાજેતરના વર્ષોમાં અમદાવાદ બ્યૂરોના વડા ભાઇ નીલેશ પરમાર ગણેશ-સ્વરૂપ ભૂમિકા નિભાવી રહ્યા છે. લેખમાં રજૂ થતા શબ્દેશબ્દની જવાબદારી મારી પણ, જેમ કુશળ સોની સોનાને ઘાટ આપવાનું કામ કરે છે તેમ ભાઇ નીલેશની ઘડામણથી મારી રજૂઆતને, પ્રયાસોને પૂરક શક્તિ મળી રહે છે. નરસિંહ મહેતાએ કહ્યું છે તેમ નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય તેના જેવી આ વાત છે.
આજે મને આ નિવેદન કરવાનું કેમ જરૂરી જણાયું? કારણ? કોઇ ને કોઇ વાચક મિત્રો, મૌખિક કે પત્ર દ્વારા આ કોલમ અંગે પોતાના ઉદાર અભિપ્રાય વ્યક્ત કરતા રહ્યા છે. કોઇ પ્રશ્ન પૂછે છે, સલાહસૂચન પણ મળતા રહે છે, આપ સહુની વાતોને માથે ચઢાવું છું, અને તેના અમલ માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરું છું.
તાજેતરમાં એક સજ્જનનો મને પત્ર મળ્યો. પત્રલેખકને ૨૧ નવેમ્બર, ૧૯૬૬ના રોજ લંડનમાં એક જાહેર કાર્યક્રમમાં મળ્યો હતો. તારીખ, સ્થળ આજે પણ યાદ છે તેમાં કંઇ સિંહ મારવા જેવી વાત નથી. આ ભાઇનો વિસ્તૃત પત્ર અહીં ટાંકી રહ્યો છું.

ભાઈ શ્રીમાન ચંદ્રકાંતભાઈ તથા આપની ફેમિલીના સૌ સ્વજનોને મારી મીઠી યાદ.

ગુજરાત સમાચારમાં આવતી ‘જીવંત પંથ’ કોલમ હંમેશા હું વાંચતો રહું છું. ૨૩મી જાન્યુઆરીમાંના ગુજરાત સમાચારમાં ‘હતાશાનું મૂળઃ હેતુ વિનાનું જીવન’માં તમે જે લખ્યું એ ૧૦૦ ટકા સાચું છે. પરંતુ હકીકતમાં આપણા સૌના જીવનમાં એક વખત એવો આવે છે કે હવે પછી કરવું શું?
૮૦ વર્ષની ઉંમર પછી શારીરિક અને આર્થિક અને ફેમિલી મેમ્બરના બધા જ ઓકે હોવા છતાં રિટાયર્ડ ઘરડું જીવનના દિવસોને રાત્રીઓમાં એવી ઘણી ઘણી સ્થિતિ પેદા થાય છે કે કર્મનો સિદ્ધાંત પણ મનની મદદ આપતો જણાતો નથી. કલાપીની કવિતા અરે ઘડપણ કોણે મોકલ્યું કે ક્યાંથી આવી પડ્યું એ વિચારોથી હતાશા થાય છે. હજુ હાથપગ સાંગોપાંગ છે. દરરોજના જીવનની વ્યક્તિગત પ્રક્રિયા જાતે જ થઈ શકે છે. આમ છતાં અનેરો આનંદના અનુભવો અભાવ અને ખાલીપો - lonelinessનો ભાવ મનમાં ભાસે છે.
તો માણસે કરવું શું - ટી.વી. ન્યુઝ, સિરિયલ પછી ગમે તે ચેનલમાં હોય, આસ્થા વિગેરે ધાર્મિક કથાકારો અને સાયકોલોજિસ્ટના ભાષણ મનની વ્યથા કહી શકતા નથી ત્યારે કરવું શું?
જીવનભર અમે ચોપડા વાંચ્યા, મિટિંગોમાં પણ ગયા, સંસ્થાઓમાં પણ સક્રિય ભાગ ભજવ્યો - નાટકીય - ધાર્મિક અને સામાજિક સેવા પણ યથાશક્તિ કરી, તમારા જેટલી નહીં પરંતુ હવે શું કરવું એનો રસ્તો ભીતરમાંથી ગોત્યા કરતા પણ મળતો નથી ત્યારે મનુષ્યે કરવું શું?
ઈંગ્લેન્ડમાં રામરાજ્ય જેવા વેલ્ફેર દેશમાં પારણાંથી કોફિન સુધીની તમામ સગવડો સાંપડી છે એમ છતાં ઘડપણની મૂંઝવણ દૂર કરવી ઘણી અઘરી પડે છે.
વ્યાખ્યાન અને વાર્તાલાપ રોજીંદી કસરત અને યોગા - પણ અમુક અંશે જ મદદરૂપ રહે છે પછી કરવું શું? એ પ્રશ્ન દરરોજ સામે જ આવે છે ત્યારે કરવું શું? 
છેક છેવટે એકદમ નેગેટિવ વિચારો કરી લઉં પણ તમો જે પેલી કવિ કલાપીની કવિતા શોધીને ગુજરાત સમાચારમાં છાપી આપશો તો ઘણો જ આભાર.

તેમણે આ પત્રમાં કવિ કલાપીની કવિતાનો પણ ઉલ્લેખ કર્યો છે. ‘ઘડપણ કોણે મોકલ્યું...’ રજૂ કરવાનું સૂચન કર્યું છે. તેમની ફરમાયશ પૂરી કરવા અમે પ્રયત્નશીલ છીએ. સજ્જને આખો પત્ર મને અંગત રીતે લખ્યો છે તેથી અક્ષરસઃ ટાંક્યો હોવા છતાં તેમના કે તેમના પરિવારજનોના નામનો ઉલ્લેખ યોગ્ય જણાતો નથી. 

સુજ્ઞ વાચક મિત્રો, આ જે ‘ખાલીપો’ છે ને તે દરેક વ્યક્તિને જીવનના કોઇને કોઇ તબક્કે વધતા-ઓછા અંશે સતાવતો હોય છે. આ સમસ્યાને ‘પોઝિટિવ એટિટ્યુડ’ સાથે મૂલવીએ તો કહી શકાય કે જે વ્યક્તિનું મસ્તક, દિલોદિમાગ જરાક અમસ્તું પણ સચેત છે, સતેજ છે તેમને જ ખાલીપો સતાવતો હોય છે. વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ, વય વધુ છે કે ઓછી, કુટુંબ સાથે રહે છે કે સિંગલ છે - આવા કોઇ પણ પરિબળ સાથે ખાલીપો નિસ્બત ધરાવતો નથી. કેટલાક કુટુંબમાં રહીને પણ ખાલીપો અનુભવતા હોય છે અને કેટલાક એકલા રહીને મોજમાં જીવતા હોય છે.
આપ સહુને મારા પૂજ્ય માતુશ્રીનો કિસ્સો જ જણાવું. કમળાબા ૯૩ વર્ષની વયે સ્વધામ ગયા. આયુષ્યના  ૬૫ વર્ષ વડોદરામાં રહ્યા બાદ તેમને લંડન આવવા જવાનું થતું હતું. ઘૂંટણનો તીવ્ર દુઃખાવો થતો હતો એટલે ૮૫ વર્ષની વયે ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી. ઘૂંટણનો દુઃખાવો દુર થયો કે શરીરમાં બીજા દર્દે માથું ઊંચક્યું. એક તો ઉંમરની અસર અને સહેજ નબળો બાંધો. કંઇક દર્દ થાય એટલે ભગવાનને સંભળાવે - ‘હે ભગવાન, હવે લઇ લે તો સારું...’ શરીર જ્યારે દર્દ કે સંજોગો સહન કરવાની સીમા ઓળંગી જાય ત્યારે કોઇ પણ વ્યક્તિ ઇશ્વરને આવો પોકાર કરતી હોય છે. એક વખત તેમના આ શબ્દો મારા કાને પડ્યા. હું તેમની પાસે ગયો, બેઠો અને હસતા હસતા કહ્યુંઃ શું ઉતાવળ છે? કેવો સરસ મજાનો આ દેશ છે પ્રભુનું નામ લો ને મજા કરો... આપણા પરિવારનો વડલો પણ અહીં કેવો પથરાયો છે.
‘આ જો ને ચંદ્રકાંત, દરદે ઉપાડો લીધો છે. ઉપરવાળાએ આટલું બધું આપ્યું છે ને હવે કંઇ મેળવવાની ઇચ્છા પણ નથી. હવે તો બસ તે લઇ લે તો સારું. આ દરદમાંથી તો મુક્તિ મળે...’
મારો જવાબ હતોઃ ‘તમે ભગવાન પાસે આવું કંઇ માગશો તો પણ મળવાનું નથી. અને આપણી ઇચ્છા પ્રમાણે જે મળવાનું નથી તે માગવું જ શું કામ? તમારી આવી નકારાત્મક વાતોથી તો ઉલ્ટાની તમારી તબિયત પર અવળી અસર થશે અને દર્દ વધશે. તમે ભગવાનને યાદ જરૂર કરો, પણ મોત માગવા માટે નહીં...’ મેં તેમને યાદ કરાવ્યું, ‘...તમે રોજ યમુનાષ્ટક પાઠ કરો છો. તો આજથી રોજ યમુનાષ્ટકની વધારાની ૧૧ માળા કરવાનું નક્કી કરો. તમારે દરરોજ આ માળા કરીને દીકરા-દીકરી, ભાણા-ભાણી વ. ગ્રાન્ડ ચિલ્ડ્રનને નામજોગ કૃષ્ણાર્પણ કરી દેવાની. તમને તો ઇશ્વરસ્મરણનું પૂણ્ય મળશે જ, પણ તમારા સંતાનો પર પણ ઇશ્વરકૃપા વરસશે અને તેમના જીવનમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ વધશે.’
મિત્રો, કઇ મા પોતાના સંતાનોની સુખ-શાંતિ-સમૃદ્ધિ ઇચ્છતી ન હોય?! કમળાબા ‘કામે’ લાગી ગયા. અને જિંદગીમાં બધું જ હાંસલ કરી લીધું હોવા છતાં ખાલીપો અનુભવી રહેલા કમળાબાનું દર્દ દૂર થઇ ગયું.
૯૩ વર્ષની ઉંમરે પણ તેમને ખાસ કોઇ શારીરિક બીમારી નહોતી, પણ વધતી વયના કારણે વર્તાતી નબળાઇનું જોર વધ્યું. ડોક્ટરે તેમને તપાસ્યા. અને સેન્ટ્રલ મિડલસેક્સ હોસ્પિટલમાં તેમને એડમિટ કર્યા. વોર્ડમાં ૭૦નું આયુષ્ય વટાવી ચૂકેલા બીજા ૧૦-૧૨ દર્દીઓ પણ સારવાર-સુશ્રુષા સાથે આરામ ફરમાવી રહ્યા હતા. ચારેક દિવસ તેમને હોસ્પિટલમાં રહેવાનું થયું તે દરમિયાન અમે - હું કે મારા પરિવારજનો તેમને મળવા જઇએ ત્યારે તેમની પાસે બેસીને યમુનાકષ્ટકના પાઠ કરતા. તેમને બહુ ગમતું.
ચોથા દિવસે સાંજે અમારે એક સમારંભમાં જવાનું હતું એટલે ત્યાંથી સીધા હોસ્પિટલે જવા રવાના તો થયા, પણ લંડનના ટ્રાફિકમાં ભેરવાઇ ગયા. કમળાબા પાસે હોસ્પિટલમાં મારા બહેન કલ્પનાબહેન અને પ્રવીણાબહેન નરેન્દ્રભાઇ રોકાયા હતા. કમળાબાની તબિયતની ગાડી પાટી પાછી પાટે ચડી ગઇ હોવાથી કંઇ ચિંતાજનક નહોતું. આથી કલ્પનાબહેન અને પ્રવીણાબહેન કંઇક કામસર બહાર નીકળ્યા. આ દરમિયાન પાંચેક મિનિટમાં જ બાને ગભરામણ જેવું થયું. તરત જ નર્સ અને ડોક્ટર્સ દોડી આવ્યા. બાના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા. આ સમયે વોર્ડના છેવાડાના ખૂણામાં એક ગુજરાતી માતા પણ સારવાર માટે એડમિટ હતા. ડોક્ટર-નર્સોને દોડાદોડી કરતા જોઇને તેમને લાગ્યું કે કમળાબાની તબિયત કટોકટીપૂર્ણ છે. આ વડીલ માતા જાણે કે કમળાબાની શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ એટલે યમુનાષ્ટક. તરત તેમણે પોતાની સાથેના સગાંને કહ્યું કે ત્યાં જઇને બાને યમુનાષ્ટક સંભળાવો. અત્યાર સુધી ‘હવે તો તું લઇ લે...’ની કમળાબાની અરજ સામે આંખ આડા કાન કરનાર ઇશ્વરે છેવટે તેમની વાત સ્વીકારી જ લીધી અને તેઓ કમળાબાને પોતાની સંગાથે સ્વધામ લઇ ગયા.
વાચક મિત્રો, જૂઓ ઋણાનુબંધ પણ કેવો! અમે કોઇને કોઇ પરિવારજન હર પળ સતત બાની સાથે રહેતા હતા, પરંતુ તેમની અંતિમ પળે તેમની પડખે લોહીનો નાતો ધરાવતું એક પણ સ્વજન હાજર નહોતું. એટલું જ નહીં, એક અજાણ્યા બહેને યમુનાષ્ટકના પાઠ કરીને તેમની અંતિમ પળ સાચવી લીધી હતી. હું જરાક કાચો કે હોસ્પિટલે પહોંચ્યો પણ બાની અંતિમ પળે યમુનાષ્ટકના પાઠ કરનાર તે બહેનનું નામ પૂછવાનું રહી ગયું અને મારા પર તે બહેન/માતાનું કાયમી કરજ રહી ગયું.
વાચક મિત્રો, આ બધી વાતો કહેવાનો મારો મુખ્ય આશય એ છે કે ખાલીપો નિવારવાનો શ્રેષ્ઠ માર્ગ ઇશ્વર સ્મરણ છે. હું માનું છું કે ઇશ્વર સ્મરણને સમર્પિત થવાથી અનેકવિધ લાભો થાય છે.
મેં શિર્ષકમાં જે ભાવભક્તિસભર પંક્તિ ટાંકી છે તેની વાત પણ મારે ખૂબ નમ્રતાપૂર્વક કરવી છે. ગયા બુધવારે, બીજી માર્ચે સાંજે હેરોમાં આવેલા કડવા પાટીદાર સેન્ટરમાં મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા નિર્વાણ દિન પ્રાર્થનાસભાનો કાર્યક્રમ યોજાયો હતો. લગભગ ૪૦૦થી વધુ સભ્યો ઉપસ્થિત હતા. નિયમ પ્રમાણે કાર્યક્રમનો પ્રારંભ ગીત-ભજનથી થયો હતો. બહેન મરીનાબહેને સાજિંદાઓના સહયોગમાં તેમના મધુર સ્વરથી સુંદર માહોલ રચ્યો. મેં પ્રાસંગિક પ્રવચનમાં પણ આ ગીત અને તેના શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો.
પરંતુ પ્રવચનના મુદ્દા પર આવતા પહેલાં ચાળીસેક વર્ષ જૂના ફ્લેશબેક પર નજર ફેરવી લઇએ. એક દિવસ ‘ગુજરાત સમાચાર’ના કાર્યાલયમાં ત્રણ વડીલો પધાર્યા. મુરબ્બી સર્વશ્રી ડાહ્યાભાઇ કવિ, રતિલાલ જોબનપુત્રા અને બાલમુકુંદ પરીખ. તે વેળા આ ત્રણેય સજ્જનો અનુક્રમે સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી તરીકે કાર્યભાર સંભાળતા હતા. ત્રણેય વડીલોએ મને આગ્રહપૂર્વક નિમંત્રણ આપ્યું કે તમે સંસ્થાના ગ્રાન્ડ પેટ્રન બનો. મેં લાગલું જ કહ્યું કે પહેલાં તો મને મારા બે પ્રશ્નોના જવાબ આપો. મહાત્મા ગાંધીજીના નામ સાથે જોડાયેલી આટલી મોટી અને માનવંતી સંસ્થાના પેટ્રન બનવાનું આમંત્રણ મને જ કેમ? અને બીજું, મારી આ હોદ્દા માટેની લાયકાત શું?
ત્રણેયે પ્રમાણિક્તાપૂર્વક એક સૂરે એટલું જ કહ્યું કે તમારા જોડાવાથી આ સંસ્થા થકી થતા શુભ કાર્યોને વેગ મળવાની અમને આશા છે.
મારો ત્રીજો પ્રશ્ન હાજર જ હતોઃ સંસ્થાના બીજા ગ્રાન્ડ પેટ્રન કોણ છે?
તેમણે કહેલા નામો સાંભળીને હું આશ્ચર્યચકિત થઇ ગયોઃ એક, સ્વામીશ્રી કૃષ્ણાનંદજી અને બીજા સ્વામીશ્રી સત્યમિત્રાનંદગિરીજી.
સ્વામીશ્રી સત્યમિત્રાનંદગિરીજીને સહુ કોઇ જાણે છે. હરિદ્વારમાં આવેલા સુખ્યાત ભારતમાતા મંદિરના પ્રણેતા, ભૂતપૂર્વ શંકરાચાર્ય અને ભારત બહાર પૂર્વ આફ્રિકામાં હિન્દુ ધર્મની ધજા લહેરાવવા જઇ પહોંચેલા શરૂઆતના ધર્મપ્રવર્તકોમાંના એક સંત મહાત્મા.
સ્વામીશ્રી કૃષ્ણાનંદજી તો ૯૪ વર્ષની વયે દેવલોક પામ્યા છે, પરંતુ સભામાં તેમના બેકગ્રાઉન્ડની જે વાત કરી હતી તે અહીં પણ રજૂ કરી દઉં. સ્વામી કૃષ્ણાનંદજી પૂર્વાશ્રમમાં રાજસ્થાન નિવાસી હતા. સાંસારિક જીવન દરમિયાન વિદ્વાન વકીલ તરીકે ભારે નામના ધરાવતા સ્વામીશ્રી સમયના વહેવા સાથે ન્યાયાધીશ પણ બન્યા હતા. ૫૫ વર્ષની વયે તેમણે સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. સંન્યાસ ધારણ કર્યો અને હિન્દુ ધર્મના પ્રવર્તક તરીકે પાયાના પથ્થરસમાન કાર્ય કર્યું. કેટલાય દેશોમાં તેમણે ધર્મપ્રવૃત્તિની સાથોસાથ સંગીન સામાજિક સેવાકાર્યો પણ કર્યા. પૂર્વ આફ્રિકા, મોરેશ્યસ, પશ્ચિમ આફ્રિકા યુરોપ વ.ના દેશોમાં વિચરણ કર્યું.
મોરેશ્યસમાં એક જમાનામાં ત્યાંના રાષ્ટ્રપ્રમુખ સર શિવસાગર રામ ગુલામ સામે કેટલાક સામ્રાજ્યવાદી પરિબળોએ કમઠાણ શરૂ કર્યું હતું. વાસ્તવમાં ૫૫ ટકા ભારતીય વંશજો હોવા છતાં રાજકીય માહોલ નાજુક અને અમુક અંશે વિસ્ફોટક પણ બની ગયો હતો. સાચા સંત-મહાત્મા ક્યારેય પલાયનવાદી ન હોય, તેઓ ધર્મ અને ધર્માનુરાગી પ્રત્યે કેટલીક ફરજો અદા કરવાની ધર્મઆજ્ઞા પાળવા સજ્જ હોય છે. સ્વામીશ્રી આ જ સમયગાળામાં લંડન આવ્યા હતા. આપણા કર્મયોગ હાઉસમાં સ્વામીશ્રી કૃષ્ણાનંદજીની ઉપસ્થિતિમાં મોરેશ્યસના લંડનનિવાસી ભારતીય અગ્રણીઓની એક બેઠક યોજાઇ. લગભગ ૧૦૦ જેટલા મહાનુભાવો ઉપસ્થિત હતા. સહુ કોઇએ જનજાગૃતિ આંદોલન શરૂ કરવાનું એકસૂરે નક્કી કર્યું. સ્વામીશ્રી ખુદ રાજકીય અંધાધૂંધીમાં સપડાયેલા મોરેશ્યસ જઇ પહોંચ્યા. ભારતના તત્કાલીન વડા પ્રધાન સુશ્રી ઇંદિરા ગાંધીએ પણ ખૂબ સક્રિય સહયોગ આપ્યો. કાળક્રમે ભારતીયોમાં પોતાના હિતોની સભાનતા અંગે જાગૃતિ આવી અને દેશ રાજકીય અસ્થિરતામાંથી મુક્ત થયો. મોરેશ્યસમાં આજે પણ સ્વામી કૃષ્ણાનંદનું નામ બહુ માનભેર લેવાય છે તેના મૂળમાં તેમનું આ સંગીન પ્રદાન રહેલું છે. આજે પણ તે દેશમાં હ્યુમન સર્વીસ ટ્રસ્ટની પ્રવૃત્તિ ચાલુ છે. 

સ્વામીશ્રી કૃષ્ણાનંદજી સાથે સંકળાયેલા બીજા પણ એક ઐતિહાસિક પ્રસંગનો હું સાક્ષી છું. પૂર્વ આફ્રિકાના ઘાના દેશમાં થોડાક હિન્દુઓ, સવિશેષ સિંધી અને શીખ સમુદાયના લોકો, સ્થાયી થયા હતા. સ્વામીશ્રીને અવારનવાર ઘાના જવાનું થતું હતું. સ્વામીશ્રીની આધ્યાત્મિક્તાના રંગે રંગાઇને ઘાનાની સુપ્રીમ કોર્ટના એક જસ્ટિસે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો એટલું જ નહીં, તેમણે ભગવા ધારણ કરીને સ્વામી ઘનાનંદ નામ ધારણ કરીને સ્થાનિક હ્યુમન સર્વિસ ટ્રસ્ટના આશ્રમમાં શેષજીવન વીતાવ્યું હતું. અત્યારે પણ ઘાનામાં તેમનો આશ્રમ વિવિધ સેવાલક્ષી પ્રવૃત્તિઓથી ધમધમે છે. સ્વામીશ્રીના દેહાંત વેળા કર્મયોગ હાઉસમાં પ્રાર્થના સભા યોજવામાં આવી હતી.
આ વિસ્તારમાં ઘાનાનાં વતની એવા એક આફ્રિકન મહિલા રહે છે. તેઓ પણ પ્રાર્થના સભામાં આવ્યા. આપણી બહેનોની સાડી સાથે સામ્યતા ધરાવતો ડ્રેસ પહેર્યો હતો. આ બહેને સ્વામીશ્રીએ શીખવાડેલા સંસ્કૃત શ્લોકો શુદ્ધ ઉચ્ચારો સાથે રજૂ કરીને સહુ કોઇ ભાવકોના દિલ જીતી લીધા હતા. આવા મોટા ગજાના હતા સ્વામીશ્રી કૃષ્ણાનંદજી.
મેં ત્રણેય મિત્રોને કહ્યું કે, ભલા માણસ, આવા મોટા ગજાના મહાનુભાવોની સાથે મને ક્યાં મૂકો છો? મારી આવી ઊંચી લાયકાત નથી અને તમે મને ગ્રાન્ડ પેટ્રન બનાવીને આ ઊંચા ગજાના સ્વામીશ્રીઓનું સ્તર નીચું ઉતારી રહ્યા છો. ખેર, ચર્ચાવિચારણાના અંતે પણ તેઓ નિર્ણય બદલવા તૈયાર નહોતા. આજે હું ચાલીસેક વર્ષથી સંસ્થામાં આ જવાબદારી પૂરી નિષ્ઠા સાથે સંભાળી રહ્યો છું.
બુધવારની પ્રાર્થના સભામાં મેં આ બધી સ્મૃતિઓ, યાદો તાજી કરી હતી. તે અરસા સાથે સંકળાયેલા બીજા ઘટનાપ્રસંગોને પણ સંભાર્યા હતા. અને સાથોસાથ એમ પણ કહ્યું હતું કે હું આ વાતો ‘ગુજરાત સમાચાર’માં મારી કોલમમાં લખવાનો છું.
વાત એમ છે કે ૧૯૯૨-૯૩માં હું વિવિધ પ્રકારના સંકટોના સકંજામાં સપડાયો હતો. એક બાજુ વર્ષોથી હોજરી હેરાન કરતી હતી. બીજી બાજુ ડાયાબીટીસ દુશ્મનાવટ (એ તો હવે ‘મિત્ર’ છે, ત્યારે નહોતો!) નિભાવી રહ્યો હતો. આ ઓછું હોય તેમ બે વખત ટ્રાન્ઝીયન્ટ સ્ટ્રોક આવી ગયા હતા. આર્થિક સુરક્ષા સદ્ધર હતી, પણ તે સમયે પ્રકાશન વ્યવસાયમાં કેટલીક ગંભીર સમસ્યાઓ હતી. અંગત જીવનમાં પણ સમસ્યા ઉભી કરી હતી. મનમાં ખૂબ ગ્લાની અને લાંછન અનુભવતો હતો. કોઇને કંઇ કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં તેવી હાલત હતી.
એક વાર મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના કાર્યક્રમમાં જાણીતા ગાયિકા માયાબહેન દીપકે મથાળામાં ટાંક્યું છે તે ગીત (‘તોરા મન દર્પણ કહેલાયે...’) રજૂ કર્યું હતું. આ ગીત તો બહુ જૂનુંપુરાણું છે, પરંતુ ક્યારેક કોઇ સ્થળ, કોઇ પળ, કોઇ અદભૂત માહોલનો એવો ત્રિવેણીસંગમ રચાઇ જતો હોય છે કે શબ્દો સીધા જ દિલને સ્પર્શી જતા હોય છે. મારી સાથે પણ કંઇક આવું જ બન્યું હતું.
સંસ્થા સાથે જોડાયો તે ગાળામાં મેં ગાંધીજી વિશે સવિશેષ ચિંતન કર્યું. ગાંધીજી કંઇ વિદ્વાન નહોતા. મોટા વક્તા પણ નહોતા. દેખાવડા કે પહાડી વ્યક્તિવ પણ નહોતા ધરાવતા. રાજકોટના મેજિસ્ટ્રેટની કોર્ટમાં બેરિસ્ટર બનીને ઊભા તો રહી ગયા, પણ કેસ લડવાનો સમય આવ્યો ત્યારે ગાત્રો ઢીલા થઇ ગયા. કેસ અધવચ્ચે જ છોડી દીધો. કેટકેટલી નબળાઇ હતી. આ જ ગાંધીજી ૧૮૯૧માં સાઉથ આફ્રિકા ગયા. જ્યાં એક ઘટના બની ગઇ અને મારા-તમારા જેવા આ આત્માએ અંતરમન સાથે અદભૂત અનુસંધાન સાધ્યું અને તેઓ ‘મહાત્મા’ બની ગયા. આ પરિવર્તનમાં ક્યા પરિબળો કારણભૂત બન્યા હશે? તેમના ૧૧ વ્રતો. ગાંધીજીએ જીવનમાં ૧૧ વ્રત અપનાવ્યા હતા.
સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું;
બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું;
અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ ને, સર્વધર્મ સરખા ગણવા;
આ અગીયાર મહાવ્રત સમજી નમ્ર પણે દૃઢ આચરવાં.
વિનોબા ભાવેના લેખમાં આ વાત મારા વાંચવામાં આવી. તે વેળા જ મનમાં સંકલ્પ કર્યો કે આ તમામ ૧૧ વ્રતો તો પાળવા અતિ વિકટ છે, પણ આઠ વ્રત તો ચુસ્તપણે પાળી શકું તેમ છું - જો પાળવા માંગુ તો. આ વ્રત હતા - સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઇતું નવ સંઘરવું, જાતે મહેનત, કોઇ અડે ન અભડાવું, અભય અને સ્વાદ ત્યાગ.
વાચક મિત્રો, ત્યાં બુધવારની ભરી સભામાં પણ આ કહ્યું હતું અને અહીં પણ કહું છું કે આ આઠેય વ્રતો આજે પણ પાળી રહ્યો છું.
• સત્ય. અંગત જીવનમાં તો આનો ચુસ્ત અમલ કરું જ છું, પણ પત્રકાર તરીકેના મારા આ વ્યવસાયમાં પણ આ વ્રત અમલી છે. અમારા પ્રકાશનોમાં જે કંઇ રજૂઆત કરવામાં આવે છે, તંત્રીલેખો કે મારી આ કોલમ કે અન્ય તમામ વિભાગોમાં પણ અમે હંમેશા સત્યને વળગી રહીએ છીએ. અમે ક્યારેય અખબારોના ફેલાવાના ખોટા આંકડા આપતા નથી.
• અહિંસા. શાબ્દિક કે શારીરિક કે માનસિક, કોઇ પણ પ્રકારની હિંસાથી હું દૂર રહું છું. હરે કૃષ્ણ આંદોલનમાં જે લોકો જોડાયા હશે તેમને આજે પણ યાદ હશે કે તે સમયે સૂત્રોચ્ચાર કે ધરણા - વિરોધ પ્રદર્શન દરમિયાન એક અનુચિત શબ્દનો ઉપયોગ થયો નહોતો.
• ચોરી ન કરવી. અમે ધંધામાં કે જીવનમાં માં લેશમાત્ર ચોરી કરતા નથી. એકાઉન્ટ્સના ચોપડા હંમેશા ચોખ્ખા રાખીએ છીએ. નિયમાનુસાર પેનીએ પેની કરવેરો ચૂકવી દેવાનો. સમાજવિરોધી જાહેરાત સ્વિકારતા નથી.
• વણજોઇતું નવ સંઘરવું. આજે સાદગીપૂર્ણ જીવનશૈલી એટલી ફાવી ગઇ છે કે હું તો નથી જ સંઘરતો, પરિવારજનો પણ વણજોઇતું સંઘરવામાં માનતા નથી. અમારી કંપની જે કંઇ નફો કરે છે તેનો અડધો ભાગ સત્કાર્યમાં સમર્પિત કરીએ છીએ.
• જાતે મહેનત... આમાં તો હું ખાસ માનું છું. કોઇ કામ કરવામાં લગારેય છોછ અનુભવ્યો નથી.
• કોઇ અડે ન અભડાવું. આભડછેટના દૂષણને તો મેં ક્યારેય અપનાવ્યું જ નથી.
• અભય. મેં સભામાં કહ્યું કે હું સંપૂર્ણ નિર્ભય બની ગયો છું. કોઇ બની બેઠેલા ધર્મગુરુ ઉપર આરોપ મૂકાય અને પોલીસ કાર્યવાહી થાય તો તે સમાચાર પ્રકાશિત કરવાની અમારી ફરજ સમજીએ છીએ. અરે, કોઇ કારણસર મહત્ત્વનો સાક્ષી કોર્ટમાં હાજર ન રહે તો તે અંગેના સમાચાર છાપવાનું પણ અમે ચૂકતા નથી. કોઇને ધનાઢય કે તવંગર હોવાનો ફાંકો હોય અને તેની સામે મની લોન્ડ્રીંગ કે આર્થિક ગેરરીતિ કે ચોરીનો આરોપ મૂકાયો હોય ત્યારે પણ અમે કોઇની સાડીબારી રાખ્યા વગર તેવા સમાચારોને ચમકાવ્યા છે. મિત્રો, આપ સહુ તો જાણો જ છો કે મારા માટે તો ઇષ્ટદેવ પછીના સ્થાને આપ સહુ (વાચક) બિરાજો છો, સમાજ બિરાજે છે.
એક ખાસ વાત. અંગત જીવનમાં જે ભૂલચૂક થઇ તે મારી અંગત જવાબદારી છે. અને આ જવાબદારી પૂરેપૂરી નિભાવવા હું હરહંમેશ દૃઢ નિશ્ચયી રહ્યો છું. આ ફરજ બજાવવામાં મને મારા પરિવારજનો સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.
બે એક વર્ષ પહેલાં મેં એક બની બેઠેલા ધાર્મિક ગુરૂના અવળચંડા કૃત્યો સામે અવાજ ઉઠાવ્યો હતો. તે ‘સાહેબ’ (આવા કબાડેબાજને ધર્મગુરુ કહેવામાં તો હું આપણા ધર્મનું અપમાન સમજું છું.) મને મળવા આવ્યા આડીઅવળી વાતો કરી. આ વ્યવસાયમાં ચાર-ચાર દસકા વીતાવ્યા હોવાથી આવા લોકોના ઇરાદાને પારખવામાં જરા પણ વાત લાગતી નથી. થોડીક વારમાં મૂળ મુદ્દા પર આવ્યા અને પછી મને બ્લેકમેઇલ કરવાના ઇરાદે દાણો ચાંપી જોયો.
તેમણે દાણો ચાંપ્યો ને મારી કમાન છટકી. મેં બહુ વિનયપૂર્વક, પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમે શું કહેવા માગો છો તે હું સમજી શકું છું. પરંતુ વાત એમ છે કે કોઇ મને બ્લેકમેઇલ કરી શકે તેમ છે જ નહીં કેમ કે મેં કંઇ છુપાવ્યું નથી અને મારા જીવનમાં કંઇ છુપાવવા જેવું છે પણ નહીં. આથી હવે બીજી કોઇ વાત હોય તો કરો...
‘સાહેબ’ના પ્રયાસનું સૂરસૂરિયું થઇ ગયું. તેમણે નફ્ફટાઈથી હસતાં હસતાં વાત વાળી લીધી કેમ કે છૂટકો જ નહોતો! તેમણે ધાર્યું જ નહીં હોય કે આ ભાયડો આવો ભડાકો કરશે. બીજી વાતો કરીને વિદાય લીધી. તે દી’ની ઘડી ને આજનો દી’ ક્યારેય તેમણે ચૂં કે ચાં કર્યું નથી.
મિત્રો, આ બધા મુદ્દા એટલા માટે લખું છું કે એક યા બીજા પ્રકારે, શારીરિક કે માનસિક, આંતરિક કે બાહ્ય સમસ્યાનું મારણ શું? ગાંધીજીએ સૂચવેલા ૧૧ વ્રતોમાંથી શક્ય હોય તેટલાનું પાલન કરો. જો તમારા વ્યવસાયને અનુરૂપ રહીને પાળો તો કોઇ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે.
મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દર વર્ષે - ચારેક કલાકના બે જાહેર કાર્યક્રમ યોજે છે અને ગીત-સંગીતના સાથે મહેમાનોને સુરુચિપૂર્ણ ભોજન પણ જમાડે છે. રામ કી ચીડિયા, રામ કા ખેત. નામી-અનામી દાતાઓ સખાવત આપે છે. સંખ્યાબંધ સ્વયંસેવકો અને હોદ્દેદારો કોઇ ડોળ કે દેખાડો કર્યા વગર કામ કર્યે જાય છે. આ કાર્યક્રમોમાં ગાંધીજીના નામે જે જીવન રસાયણ પ્રાપ્ત થાય છે તે દરેક પ્રકારની આધિ-વ્યાધિમાંથી મુક્તિ અપાવવા અકસીર છે. મેં જાતે જે કંઇ અનુભવ્યું છે તે રજૂ કરવાની મારી ફરજ સમજું છું. જય ગાંધી બાપુ... (ક્રમશઃ)

•••

તોરા મન દર્પન કહેલાયે...

ફિલ્મઃ કાજલ (૧૯૬૫) • ગાયિકાઃ આશા ભોંસલે
સંગીતઃ રવિ • ગીતકારઃ સાહિર લુધિયાનવી

પ્રાણી અપને પ્રભુસે પૂછે, કિસ વિધિ પાવે તોહે,
પ્રભુ કહે અપને મન કો પા લે, પા જાયેગા મોહે....
તોરા મન દર્પણ કહલાયે

તોરા મન દર્પણ કહલાયે
ભલે બુરે સારે કર્મો કો દેખે ઔર દિખાયે
તોરા મન દર્પણ કહલાયે

મન હી દેવતા, મન હી ઈશ્વર, મન સે બડા ન કોય
મન ઉજિયારા, જબ - જબ ફૈલે જગ ઉજિયારા હોય
ઈસ ઉજલે દર્પણ મેં પ્રાણી ધૂલ ન જમને પાયે
તોરા મન દર્પણ કહલાયે

સુખ કી કલિયાં દુઃખ કે કાંટે મન સબકા આધાર
મન સે કોઈ બાત છિપે ના મન કે નૈન હજાર
જગ સે કોઈ ભાગ લે ચાહે, મન સે ભાગ ન પાયે
તોરા મન દર્પણ કહલાયે

તન કી દૌલત ઢલતી છાયા મન કા ધન અનમોલ
તન કે કારણ ન કે ધન કો મત માટી મેં રૌંદ
મન કી કદર ભુલાને વાલા હીરા જન્મ ગંવાયે

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter