મારા જીવનનો મોક્ષમાર્ગ છે વાંચન - ચિંતન અને વિચારવિસ્તાર

જીવંત પંથ - 2 (ક્રમાંક-40)

-સી.બી. પટેલ Tuesday 19th March 2024 16:27 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુ ઓછાવત્તા અંશે કોઇ માહિતી કે વિગત જાણવાનો, જણાવવાનો, વિચારવાનો અને પરિચિત - તો ક્યારેક અપરિચિત - સાથે તેનો વિચારવિનિમય કરવાનો અવસર માણતા જ હશો. જગતનિયંતાએ જીવમાત્રને એક યા બીજા પ્રકારે ‘વાચા’ આપેલી છે, અને જીવમાત્ર પોતાની સજ્જતા - ક્ષમતા અનુસાર તેનો ઉપયોગ કરતો હોય છે. જોકે આ મામલે સૌથી વધુ લાભવંતો જીવ છે મનુષ્ય.
મનુષ્યને એક યા બીજા પ્રકારે જીભ અને જડબાંનો અવર્ણનીય લાભ મળ્યો છે. જેના થકી તે વાત કરી શકે છે, વિવાદ કરી શકે છે, મતભેદ વ્યક્ત કરી શકે છે અને ક્યારેક ઝઘડો પણ કરી જાણે છે! વાત તો ખરીને?! અંધે કા બેટા અંધા... દ્રોપદીના એક વાક્યે કેવું મહાભારત સર્જ્યું હતું એ વાતથી આપણે ક્યાં અજાણ છીએ. આ જ કારણથી તો એક રચયિતાએ લખવું પડ્યું છેઃ લૂલીને વશ રાખો ભાઇ... લૂલીને વશ રાખો.
આ કોલમમાં ક્યારેક હું આપણી અને આપણા સમાજમાં આસપાસ બનતી ઘટનાઓની વાતો રજૂ કરતો હોઉં છું, નજરે જોયેલી - જાણેલી ઘટનાઓનું નીરક્ષીર રજૂ કરતો હોઉ છું તો ક્યારેક હું મારી વાત કરતો હોઉં છું. આજે મારી વાત કરવાનો દિવસ છે એમ સમજી લો.
સમાજમાં હરતોફરતો રહું છું અને આપ સહુને મળતો રહું છું. પ્રમાણ થોડું ઘટ્યું છે તે કબૂલ પણ મળીએ તો છીએને? આવા જ મિલનમુલાકાત દરમિયાન સ્નેહી-સ્વજનો પૂછતા રહે છે કેઃ સી.બી.. હવે નિવૃત્ત ક્યારે થવાના છો? ભાગાદોડી ક્યારે બંધ કરશો... હવે થોડુંક પગવાળીને પણ બેસો. આ કરો તે કરો... વગેરે વગેરે વગેરે.
સ્નેહીજનોની આ સદ્ભાવના જરૂર સમજી શકું છું, પણ વાચક મિત્રો, તમે જ કહો... જે પ્રવૃત્તિમાં મારી રસરુચિ હોય, મારી પ્રકૃતિને તે અનુકૂળ હોય તેવી પ્રવૃત્તિ ચાલુ રાખું તો તેમાં અયોગ્ય શું છે? વધતી વયને અને મનગમતી પ્રવૃત્તિને કોઇ સંબંધ હોવાનું હું તો નથી માનતો. જીવનનો જે બોધપાઠ હું સમજ્યો છું તે આ પ્રવૃત્તિ થકી પ્રજ્વલ્લિત રહે એટલે ભયો ભયો. મારી કંઇક આવી જ મનગમતી પ્રવૃત્તિ છે - સમાજ સાથે સીધો સંપર્ક (વાયા વાયા નહીં હોં...) અને વાચન. વાચન શોખની વાત કરું તો બાળપણથી મારી આ પ્રિય પ્રવૃત્તિ રહી છે. સમયના વહેવા સાથે શોખ વ્યવસાયમાં પલટાયો. વાચનનો શોખ કેળવવા જેમણે મને પ્રેરણા આપી, મદદ કરી તેમના સ્મરણ સાથે આગળ વધીએ.
1949થી દરરોજ અમારા ઘરે ‘સંદેશ’ દૈનિક આવતું હતું. 12 વર્ષનો થયો ત્યાં સુધીમાં તો વાચનનો શોખ મને દાઢે વળગી ચૂક્યો હતો એમ કહી શકાય. ખળખળ વહેતી નર્મદા નદીના કાંઠે વસેલા કરનાળીમાં એક પુસ્તકાલય છે. ત્યારેય હતું ને આજેય છે. તેની તકતી દર્શાવે છે કે સન 1935માં સર સયાજીરાવ ગાયકવાડના શાસનકાળમાં તેનું નિર્માણ થયું હતું. જનહિતના કાર્યોમાં તે સમયે પણ પબ્લિક - પ્રાઇવેટ પાર્ટનરશીપ હતી એમ કહી શકાય. કોઇ દાતા વિકાસકાર્ય માટે દાન આપે તો સરકાર પક્ષ તેમાં બે તૃતિયાંશ અનુદાનનો ઉમેરો કરીને જે તે યોજનાને સાકાર કરતું હતું. તક્તીમાં લખાયેલી નોંધ પરથી સ્પષ્ટ તાય છે કે પેટલાદના એક શાહ પરિવારે આ લાઇબ્રેરી માટે દાન આપ્યું હતું.
સન 1947માં હું આ પુસ્તકાલયમાં આવતો-જતો થયો તેમાં પંડ્યા સાહેબનું મોટું યોગદાન એ સ્વીકારવું રહ્યું. તેઓ આ લાઇબ્રેરીના ગ્રંથપાલ હતા. અમે - ગામના નાનામોટા - સહુ કોઇ તેમને ‘પંડ્યાજી’ નામે ઓળખીએ. લાઇબ્રેરીની બાજુમાં જ આવેલી બે ઓરડીમાં તેમના રહેવાની સગવડ હતી. ઉંમરના પ્રમાણમાં વધુ પાકટ વિદ્વાન. મધ્યમ આર્થિક સ્થિતિ. પરંતુ તેમના ઉત્સાહ-ઉમંગ એટલે કહેવું પડે. ખરેખર તેઓ ઉચ્ચ પ્રકારના મનુષ્ય હતા. વેતન પેટે મહિને 5 - 7 રૂપિયા મળતા હશે. ગ્રંથપાલ પંડ્યાજીના જીવનસાથીને અમે ગોરાણીમા તરીકે ઓળખીએ. તેઓ પણ એટલા જ પ્રેમાળ.
 દર સપ્તાહે અમે 7-8 છોકરાંવ ત્યાં જઇએ અને પંડ્યાજી અમને સંસ્કૃત શીખવે. મારી વાત કરું તો દ્વાદશલીંગની આરતી અને શિવમહિમ્ન સ્રોત તેમણે જ શીખવાડ્યા છે. અમે ટાબરિયાઓ તેમની પાસેથી કેટલું સંસ્કૃત શીખ્યા તે અલગ બાબત છે, પણ તેમનો પ્રેમ, શિક્ષક તરીકેની ભાવના અને નિષ્કામ શિક્ષણસેવા બદલ પંડ્યાજી દંપતીને હૃદયપૂર્વક નમન કરું છું. તેમની નિસ્વાર્થ સેવાભાવનાનો એક પ્રસંગ આજેય મને યાદ છે.
ગુરુપૂર્ણિમા પર્વે હું ગ્રંથાલયે જવા રવાના થયો તે પૂર્વે પૂ. માતુશ્રી કમળાબાએ મને બેસાડ્યો અને પાંચ રૂપિયા મૂકેલું એક પરબીડિયું આપતાં કહ્યું કે આને ચૂપચાપ પંડિતજીના આસન નીચે મૂકી દેજે. મેં તો કહ્યું કર્યું. અમે પાંચ-છ બાળકો સંસ્કૃત પાઠશાળા પૂરી કરીને ચાલતા થયા કે તરત પાછળથી પંડ્યાજીની બૂમ સંભળાઇ. અમને પાછા બોલાવ્યા. આંખમાં આંસુ હતા અને હાથમાં પરબિડીયું. અમને પૂછયુંઃ કોણે આ પાપ કર્યું છે? હું તો શિયાંવિયાં થઇ ગયો, પણ હિંમત કરીને કહ્યું કે મારી બાએ કહ્યું હતું કે તમે અમારા ગુરુજી છો અને આજે ગુરુપૂર્ણિમા છે એટલે આ દક્ષિણા તમને પહોંચાડી દેવી. પંડ્યાજીની આંખોમાં ફરી આંસુ ભરાયા અને પરબિડીયું પાછું મારા હાથમાં પકડાવતા કહ્યું કે તારી બાને કહેજે તમને અહીં નિયમિત મોકલે છે એ જ મારી ગુરુદક્ષિણા છે. અને તેઓ પાછા ઓરડીમાં જતા રહ્યાં.
તે વેળા તો હું બાઘો થઇને જોતો રહી ગયો હતો. પણ પાકટ વયે તેમના સિદ્ધાંતનું મૂલ્ય સમજાયું. વાચક મિત્રો, જરા વિચારજો... જે ભૂદેવ ગ્રંથપાલ તરીકે મહિને પાંચ-સાત રૂપિયાનો દરમાયો મેળવતા હતા તેમણે પાંચ રૂપિયાનું પરબિડીયું પાછું વાળ્યું હતું! આવું કરવા માટે ખરેખર બહુ ખુદ્દારી અને ખુમારી જોઇએ. આજે હું જીવનમાં સરસ્વતી સાધનામાં પ્રવૃત્ત છું ત્યારે પંડ્યાજીને અંતઃકરણપૂર્વક નમસ્કાર કરું છું.
કરનાળી ભણતા પહેલાં નડિયાદમાં મોસાળમાં રહીને અભ્યાસ કરતો હતો. નડિયાદના કાકરખાડમાં - સમડીચકલા વિસ્તારની બગલમાં - ડાહીલક્ષ્મી પુસ્તકાલયની નમૂનેદાર ઇમારત આજેય ઉભી છે. તે વેળા છ-સાત વર્ષના ચંદ્રકાન્તને આ ઇમારત બહુ ઊંચી અને મોટી લાગતી હતી. સાતેક વર્ષની વયે લાઇબ્રેરીમાં જઇ પહોંચવાના બીજા પણ ‘મહત્ત્વનાં’ કારણ હતાં. બહાર બહુ તાપ પડતો ત્યારે પણ આ પુસ્તકાલયમાં ફર્શ આરસપહાણની હોવાથી ઠંડક રહેતી. સાથે સાથે અંદર વાંચવા બેસવાની બેન્ચ પણ આરસપહાણની હતી. તેના પર બેસતાં અને ટેબલ પર હાથ તથા ગાલ ઘસીને ઠંડા ઠંડા કુલ કુલ ફિલ કરતાં હતાં.
આ પુસ્તકાલયની બાજુમાં જ જગન્નાથજી. નામના વૈદ્યરાજનું ઉપચારકેન્દ્ર હતું. અમે બાળકો ત્યાં જઇએ કે તરત તેઓ વ્હાલપૂર્વક એક ગોળી આપતાં. જાતભાતના ઔષધો અને પોષકતત્વોમાંથી બનેલી આ ગોળી આરોગ્યવર્ધક હોવા ઉપરાંત ટેસ્ટી અને ચટાકેદાર પણ ખરી. આ પુસ્તકાલયમાં ‘બાલમિત્ર’ અને ‘બાલજીવન’ વાંચ્યાં અને તેમાં રસ પડ્યો. નાની - નાની વાર્તાઓની સુંદર અને મનમોહક ચિત્રાત્મક રજૂઆત. જૂના અંકોની બાઇન્ડીંગ કરેલી વ્યવસ્થિત ફાઇલ પણ ખરી. અહીં અમારે રમવા માટે રમકડાં પણ રહેતા. આથી મજા પડી જતી. ભાઇબંધોની ટોળકી સાથે સમય ક્યાં વીતી જતો તેનો ખ્યાલ જ ના આવતો.
1949થી પાંચેક વર્ષ હું ભાદરણમાં રહ્યો. તે વેળા ગાયકવાડી ગામ ભાદરણમાં ત્રણ પુસ્તકાલય હતા. એક મહિલાઓ માટે, બીજું પુરુષો માટે અને ત્રીજું બાળકો માટે. મહિલાઓના પુસ્તકાલયનું કામકાજ ગંગાફોઇ સંભાળતા. ભાઇઓ માટેના પુસ્તકાલયની જવાબદારી શિવાભાઇ જ્યારે બાળકો માટેના પુસ્તકાલયની જવાબદારી પૂંજાભાઇ પટેલ સંભાળતા. આ પૂંજાભાઇ અને શિવાભાઇનો મારા પર બહુ ઉપકાર છે એમ કહું તો તેમાં જરાય અતિશ્યોક્તિ ના સમજતા. શિવાભાઇ અમુક પુસ્તકો વાંચવા માટે ખાસ પ્રેરણા આપતા હતા.
સમયના વહેણ સાથે વહેતા વહેતા છ એક વર્ષ વડોદરામાં રહેવાનો પણ મોકો મળ્યો. લગભગ નિયમિતપણે લાઇબ્રેરીની મુલાકાતે જતો હતો. સંસ્કારનગરીની મધ્યે માંડવી વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ લાઇબ્રેરી - મધ્યવર્તી પુસ્તકાલયે મારા વાંચનશોખને ભરપૂર હૂંફ સાથે પોષ્યો તેમ કહી શકાય. તે વેળા પૂનાથી ‘ચિત્રમય જગત’ નામનું પ્રકાશિત થતું હતું. જો મારી ચૂક ના થતી હોય તો આપણા ભાષાવિદ્ મુરબ્બી શ્રી જગદીશભાઇ દવેના નજીકના સંબંધી લેખક તેનું પ્રકાશન કરતા હતા. આ સામયિકના જૂના અંકોની ફાઇલ પણ વાંચવા મળી જતી, એટલે બંદાને તો જાણે ગોળનું ગાડું મળી જતું.
દાર-એ-સલામ ગયો તો ત્યાં ટી.બી. શેઠ લાઇબ્રેરીએ આ બંદાની વાંચનભૂખ સંતોષી હતી. જ્યારે લંડન તો પગ મૂક્યો ત્યારથી બ્રિટિશ લાઈબ્રેરી અને લિન્ક્સઇન લાઇબ્રેરીમાં અવરજવર ચાલુ રહી છે. નવોસવો અહીં આવ્યો ત્યારે તો હાથ પણ જરા બંધાયેલો રાખવો પડતો હતો. ઘરની રૂમમાં હીટીંગનો ખર્ચ થાય. તેથી દિવસનો મોટા ભાગનો સમય લાઇબ્રેરીમાં બેસીને પુસ્તકવાંચનમાં જ પસાર થતો. આથી જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ થતી, અને ખોટા ખર્ચા પણ બચતા.
અત્યારે તો જોકે હવે પુસ્તકો વાંચવા બહુ મર્યાદિત સમય મળે છે. અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા છતાં દરરોજ એક કરતાં વધુ અખબાર – મેગેઝિન વગેરે પણ વાંચવાનું બનતું હોય છે. જોકે આમ છતાં મહિનામાં એકાદું પુસ્તક વાંચી નાંખવાનો પ્રયાસ કરું છું.
મારા પસંદગીના વાંચનવિષયની વાત કરું તો અખબાર કે મેગેઝિનમાં પ્રકાશિત બુક રિવ્યુ હું ખાસ વાંચી લઉ છું. આ ઉપરાંત મહાનુભાવોના જીવનચરિત્ર, અધ્યાત્મ, આરોગ્યસંવર્ધન, અર્થતંત્ર, પ્રવાસવર્ણન અને ઇતિહાસ-ભૂગોળ સંબંધિત પુસ્તકો વાંચવાનું હું સવિશેષ પસંદ કરુ છું.
જીવન એક અટપટો પ્રવાહ છે, તેમાં ઉપર-નીચે પણ જવું પડે. આવા નાનામોટા અનેક પ્રસંગોએ મને વાંચન ખૂબ ઉપયોગી નીવડ્યું છે. એક તો વાંચનમાં પ્રવૃત્તિ હોવાથી મન વ્યસ્ત રહે છે. નવરો બેઠો નખ્ખોદ વાળે એમ કંઇ અમસ્તું નથી કહેવાયું. મન તો માંકડું છે તેને કામે વળગાળવું જ પડે. એમાંય જો મનને વાંચન જેવી પ્રવૃત્તિ તરફ વાળ્યું તો ફાયદા હી ફાયદા સમજો. વાંચન આપણને જ્ઞાન આપે છે... વિચાર આપે છે... તેને ખીલવવાની શક્તિ આપે છે. વિચારવિનિમયનું કૌશલ્ય ખીલવે છે, વાકછટાનું પ્રાવીણ્ય આપે છે. અમુક અંશે વ્યક્તિત્વમાં પ્રભાવ પણ ઉમેરાય છે. ટૂંકમાં, વાંચનથી મળેલું જ્ઞાન અનેકાનેક રીતે ઉપયોગી બને છે.
વાચકમિત્રો, મૂંઝવણ - ચિંતા કે અફસોસ મારી પસંદગીના લક્ષણ નથી, પણ હું તાજેતરમાં ઉમળકાભર્યું આમંત્રણ હોવા છતાં હું અબુધાબીમાં નવનિર્મિત BAPS હિન્દુ મંદિરના લોકાર્પણમાં જઇ ના શક્યો તેનો મને બહુ વસવસો હતો. મહાપર્વ મહાશિવરાત્રીના પાવન પર્વે હંમેશની જેમ અભિષેક કરવા માટે બીએપીએસ નિસ્ડન મંદિરે ગયો હતો. મંદિરના કોઠારી પૂજ્ય યોગવિવેકદાસ સ્વામીએ બહુ પ્રેમપૂર્વક મને આવકાર્યો. મેં હંમેશની જેમ શ્રદ્ધાભેર અભિષેકની સાથે પૂજાઅર્ચના કર્યા અને કોઠારીસ્વામીએ ‘પ્રસાદ’રૂપે મને સુંદર મજાનું પુસ્તક ભેટ આપ્યું. તેનું નામ છે A Millennial Moment. સ્વામીજીએ કહ્યું કે અનુકૂળતાએ વાંચજો... તમને આ પુસ્તક જરૂર ગમશે. પુસ્તકના લેખકનું નામ છે બિક્રમ વહોરા.
વર્ષો પહેલાં દિલ્હીની વિખ્યાત પ્રેસ ક્લબમાં બિક્રમભાઇને મળ્યો હોવાનું આજેય મને બરાબર યાદ છે. ભારતના મોટા ગજાના પત્રકાર કુલદીપ નાયર સાથે - તેમના મહેમાન તરીકે - આ ક્લબની મુલાકાતે જવાનો અવસર સાંપડ્યો હતો ત્યારે આ મુલાકાત થયાનું સાંભરે છે. દિલ્હીમાં હું કુલદીપ નાયરના ઘરે રહી ચૂક્યો છું અને તેમના પત્ની ભારતીબહેનના હાથે સ્વાદિષ્ટ રસોઇ પણ જમી ચૂક્યો છું. ભારતીબેનના પિતા આઝાદી બાદ પંજાબના મુખ્ય પ્રધાન પણ બન્યા હતા. વાચક મિત્રોને યાદ હશે જ કે કુલદીપ નાયરે બાદમાં બ્રિટન ખાતેના ભારતીય હાઇ કમિશનર તરીકે ફરજ બજાવી હતી. અને આજના Asian Voiceના પૂરોગામી ન્યૂલાઇફમાં બિટવિન ધ લાઇન નામે તેમની સુપ્રસિદ્ધ કોલમ પણ લખતા હતા.
બિક્રમ વહોરાની વાત કરીએ તો, તેમણે મિડલ ઇસ્ટમાં રહીને પત્રકારત્વ ક્ષેત્રે બહુ ખેડાણ કર્યું છે. દુબઇ - કતાર - ઓમાનના અનેક અખબારોમાં કામ કરવાનો બહોળો અનુભવ માનવંતા પત્રકાર છે. 30 વર્ષ પહેલાં તેમણે પણ મિડલ ઇસ્ટના અખબારમાં ‘બિટવિન ધ લાઇન’ નામે કોલમ શરૂ કરી હતી. આ વાત જાણીને સાચું કહું તો મને તેમના પ્રત્યેનું માન ઓછું થઇ હતું કેમ કે - મારા મતે - આ તો કુલદીપજીની અતિશય લોકપ્રિય કોલમના નામની બેઠી ઉઠાંતરી હતી. જોકે સમયના વહેવા સાથે મને સમજાયું કે વિક્રમજીની આ કોલમ માત્ર મિડલ ઇસ્ટમાં પ્રકાશિત થતી હતી, અને તેમણે કોઇ પણ પ્રકારે કુલદીપ નાયર કે તેમની કોલમની લોકપ્રિયતાને વટાવી ખાવાના ઇરાદે સમાન નામ રાખ્યું નહોતું. સોરી બિક્રમભાઇ...
આપણે ફરી પુસ્તકની વાત પર પાછા ફરીએ... આ પુસ્તક A Millennial Moment વાંચીને હું શું મેળવી રહ્યો છું? તેની વિગતવાર વાત આવતા સપ્તાહે આપની સમક્ષ રજૂ કરીશ. મિડલ ઇસ્ટમાં આજે અબુધાબીની ધરતી પર બીએપીએસ દ્વારા સાકાર થયેલું ભવ્યાતિભવ્ય હિન્દુ મંદિર જોવા મળે છે, પરંતુ એક સમય એવો પણ હતો આવા મંદિરનું નિર્માણ તો ઠીક તેની કલ્પના સુદ્ધાં થઇ શકે તેમ નહોતી. પરંતુ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ભક્તિ - શક્તિ અને પૂ. મહંત સ્વામી મહારાજના અથાક પ્રયાસોએ અશક્યને શક્ય કરી દેખાડ્યું છે. એક મુસ્લિમ દેશની ધરતી પર હિન્દુ મંદિરનું નિર્માણ શક્ય બન્યું છે, તેમાં અબુધાબીના શાસક શેખ પરિવાર અને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ નાનુંસૂનું યોગદાન નથી.
બિક્રમ વહોરાના 175 પાનના પુસ્તકમાં રજૂ થયેલા સુંદર સંદેશની વાત આપણે આવતા સપ્તાહે કરશું. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter