યુગાન્ડા હકાલપટ્ટીઃ હાહાકાર અને હૃદયદ્રાવક વીતક છતાં હૈયાસૂઝ, હિંમત અને સિદ્ધિથી નામાંકિત યુગાન્ડન એશિયન

જીવંત પંથ - 2 (ક્રમાંક-7)

સી.બી. પટેલ Tuesday 02nd August 2022 05:16 EDT
 
 

વડીલો સહિત સૌ વાચક મિત્રો, યુગાન્ડન એશિયન જ્યાં હોય ત્યાં 4 ઓગસ્ટ 1972નો દિવસ જિંદગીમાં ક્યારેય ભૂલી નહીં શકે. તે વેળાએ યુગાન્ડામાં રહેતા આપણા ભાઇભાંડુઓ કે જેઓ વીતેલા પાંચ દસકામાં હવે વડીલો બની ગયા છે તેવા કેટલાક સાથે વાતચીત થઇ. તેમને પૂછ્યછયું તમે ઇદી અમીનના ઉદ્ગારો વિશે સાંભળ્યું હતું? તે વેળા તમારો પહેલો પ્રતિભાવ શું હતો?
જાણીતા સમાજસેવક અને એબીપીએલ પરિવારના સભ્ય એવા શ્રી કાંતિ નાગડાને તે સમય બરાબર યાદ છે. તેઓ યાદ કરતા કહે છે કે બપોરે ત્રણથી ચાર વચ્ચે રેડિયોમાં સમાચાર સાંભળ્યા હતા અને માન્યું હતું કે આ માણસ તો જાતભાતના બખાળા કાઢતો રહે છે તેવું જ કંઇક છે. તે સમયે તો વાતને બહુ હળવાશથી લીધી હતી, પરંતુ દિવસો જતાં તેની ગંભીરતા સમજાઇ. કાંતિભાઇએ શું જાણ્યું? શું અનુભવ્યું? આ દિવસો કેવા પસાર થયા? એ બધું વિગતવાર લખી જણાવવાનું અમારું નિમંત્રણ તેમણે સ્વીકાર્યું છે. અને આ અંકમાં જ આંખે દેખ્યો અને કાને સાંભળ્યો પ્રથમ હપ્તો ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
યુગાન્ડામાં વસતાં ભારતીય જ નહીં, સમગ્ર એશિયન સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. તે વેળા યુગાન્ડામાં એશિયન પાસપોર્ટ ધરાવતા, બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા અને યુગાન્ડાનો પાસપોર્ટ ધરાવતા એમ ત્રણ પ્રકારનો એશિયન સમુદાય વસવાટ કરતો હતો. યુગાન્ડાના સૌથી મોટા અને નામાંકિત માધવાણી પરિવારના મનુભાઇ માધવાણી, મયુરભાઇ માધવાણી સહિતના અન્ય સમૃદ્ધ એશિયનો પર ઇદી અમીનનું શરમજનક શાબ્દિક આક્રમણ ચાલુ હતું. આ દરમિયાન મનુભાઇ માધવાણીને તો બંદીવાન પણ બનાવવામાં આવ્યા. જોકે તેમની હૈયાસૂઝ, પરિવારની પ્રતિષ્ઠા, સખાવતો તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને વગના કારણે તેમને છોડવાની ફરજ પડી. ભારે સંઘર્ષ વચ્ચે પરિવારે દુઃખના દાડા હેમખેમ પસાર કર્યા.
બીજી બાજુ, સરમુખત્યાર ઇદી અમીનનું બખાળા કાઢવાનું ચાલુ જ હતું. યુકેથી કોમનવેલ્થ મિનિસ્ટર પણ તેને સમજાવવા યુગાન્ડા પહોંચ્યા. પણ ઇદી અમીન તો ઘનચક્કર હતોને! (બાકી જે એશિયન સમુદાયે તેના દેશને સમૃદ્ધ બનાવ્યો હોય તેના દેશનિકાલનું ફરમાન કરે ખરો?!) તે વધુ વિફર્યો. તેણે કમ્પાલાના સ્ટેડિયમમાં જાહેર કાર્યક્રમ યોજ્યો. એટલું જ નહીં, રાજા-મહારાજાઓ જેવી પાલખી તૈયાર કરાવડાવી અને પોતે તેમાં બેઠો. આ પાલખીને બ્રિટિશ હાઇ કમિશનરે પણ ખભો આપ્યો હતો! આવા કંઇકેટલાય ગતકડાં તેણે કર્યા હતા. આગળ ઉપર તેની ચર્ચા કરશું, અને તેની માનસિક્તા સમજવા પણ પ્રયાસ કરશું. ખેર, ઇદી અમીન તો પાગલ હતો, પણ તેના ‘પાગલપનનો ચેપ’ અહીંના એક વર્ગને પણ લાગ્યો હતો, બસ તેનો પ્રકાર અલગ હતો. આ ચેપ હતો રંગદ્વેષનો.
લંડન સહિત યુકેભરમાં વસતાં એક રૂઢીવાદી વર્ગે યુગાન્ડાથી હકાલપટ્ટી પામેલા એશિયન માઇગ્રન્ટ્સના આગમનનો વિરોધ કરીને નફટાઇની હદ વટાવી હતી. એપ્રિલ 1968માં ઇનોક પોવેલે રિવર ઓફ બ્લડ વક્તવ્યમાં બિનગોર વસાહતીઓના બ્રિટન આગમન સામે ઝેર ઓક્યું હતું. ઇદી અમીનની હકાલપટીનો ભોગ બનેલા બ્રિટિશ પાસપોર્ટધારકો લંડન આવી રહ્યા હોવાના અહેવાલો વહેતા થતાં જ તેની સામે વિરોધ દર્શાવવા ધરણાં-પ્રદર્શન યોજાયાં. લંડનની પિટલ્સફિલ્ડ મીટ માર્કેટના 400 જેટલા પોર્ટર (ખાટકી) રસ્તા પર ઉતરી પડ્યા. લેસ્ટર સિટી કાઉન્સિલે યુગાન્ડાના મુખ્ય અખબાર ‘યુગાન્ડા આર્ગસ’માં એવી જાહેરખબર પ્રસિદ્ધ કરી હતી કે લેસ્ટર છલોછલ ભરાયેલું છે, અહીં તમારા માટે જગ્યા નથી, આવતા નહીં...
દુનિયામાં ભલે પાગલ લોકો હોય, પણ બહુમતી તો શાણા લોકોની છેને! તે વેળાના કન્ઝર્વેટિવ વડા પ્રધાન એડવર્ડ હિથે સાચે જ બ્રિટિશ મૂલ્યો - સંસ્કારવારસા - ન્યાયપ્રણાલીનું જતન કરી દેખાડ્યું. રંગદ્વેષી રૂઢિવાદીઓના પ્રચંડ વિરોધ સામે રતિભારેય ઝૂક્યા વગર તેમણે ઘોષણા કરી કે બ્રિટિશ પાસપોર્ટધારક અને તેમના ડિપેન્ડન્ટ અહીં જ આવશે અને બ્રિટન તેમને અપનાવવા પ્રતિબદ્ધ છે.
યુગાન્ડાના એશિયન ઇમિગ્રન્ટ્સને આવકારવા તૈયારી શરૂ થઇ. ડિસેમ્બર 1972 સુધીમાં તો સરકારે બ્રિટનમાં 12 સ્થળે નિર્વાસિત કેમ્પ પણ શરૂ કરી દીધા. હિથ સરકારના હકારાત્મક અભિગમ કરતાં પણ વધુ મોટી, અને મહત્ત્વની બાબત એ હતી કે (રંગદ્વેષનું ઝેર ફેલાવવાના અનેક પ્રયાસો છતાં) આમ બ્રિટિશ નાગરિકે ભારે સૂઝ-સમજ, સંવેદનશીલતા અને સભ્યતાના દર્શન કરાવ્યા.
કાતિલ ઠંડીના દિવસો હતા. આપણા ભાઇભાંડુઓ માટે આ નવા પ્રકારનું વાતાવરણ હતું. અનેક લોકો (બિન એશિયન અને ગોરા લોકો) કપડાં અને જીવનજરૂરી ચીજવસ્તુઓથી માંડીને બાળકો માટે રમકડાં લઇને નિરાશ્રિત કેમ્પમાં પહોંચ્યા. પહેર્યાં કપડે અને ખાલી હાથે આવેલા ભયભીત નિરાશ્રિત એશિયનનોને સહુ સારા વાના થઇ રહેવાનો સધિયારો આપ્યો. બ્રિટિશ નાગરિકોએ દાખવેલી પોતીકાપણાની આ ભાવના અને લાગણીભીની હૂંફે એશિયનોને અહીં ટકાવી દીધા.
આપણા સમાજના જાગ્રત સમર્થકો એવા શ્રીમતી મેરી ડાઇન્સ, વિષ્ણુ શર્મા, દિલબાગ ચન્ના, નવનીતભાઇ ધોળકિયા, ઇયાન માર્ટિન, એમપી એરિક લબોક જેવા કેટલાય ધુરંધરોએ આમાં ખૂબ સુંદર યોગદાન આપ્યું હતું તે ઉલ્લેખવું જ રહ્યું. અહીં એક વાતનો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે બ્રિટનમાં આવી વસેલો નિરાશ્રિત યુગાન્ડન એશિયન સમુદાય આ દેશ માટે ખરેખર અનોખો સાબિત થયો છે.
યુગાન્ડા છોડ્યું ત્યારે એશિયન સમુદાય ભલે ધનદોલત, જમીન-મકાન સહિતની સ્થાવર મિલકત, ધમધમતા વેપાર-ધંધા બધેબધું ત્યાં જ છોડીને અહીં આવ્યો હોય, પણ હૈયે હામ લઇને આવ્યો હતો. પહેર્યાં કપડે આવેલા આ લોકોએ ભારે પરિશ્રમ કર્યો. દિવસરાત મહેનત કરી. જે લોકોને પોતાની માલિકીની ફેક્ટરીઓ હતી તેમણે અહીંની ફેક્ટરીમાં જોબવર્ક કર્યું. તો માતૃશક્તિએ પણ રંગ રાખ્યો. નોકરચાકર - ગાડીબંગલો સહિતની સુખસાહ્યબીમાં ઉછરેલી બહેનોએ કેડે કછોટો મારીને હાથ લાગ્યું તે કામ કર્યું. સંઘર્ષનો આ સમય પણ વીત્યો, અને દસકાના અંતમાં તો આ વર્ગે એટલી સમૃદ્ધિ હાંસલ કરી કે લોકો મોંમાં આંગળા નાંખી ગયા. લેસ્ટર હોય કે અન્ય સ્થળ, એક સમયના કંગાળ-લાચાર નિરાશ્રિત એશિયન સમુદાય સિદ્ધિ-સફળતા શીખરે જઇ પહોંચ્યો.
આ દરમિયાન યુગાન્ડામાં યુવેરી મુસેવિની પ્રમુખ બન્યા. ઇદી અમીનના દમનકારી શાસનમાં 5 લાખથી વધુ યુગાન્ડન-આફ્રિકન મોતને ઘાટ ઉતર્યા હતા. યુગાન્ડન સરકાર અને પ્રજાને સ્પષ્ટ થયું કે યુગાન્ડન-એશિયન વિના દેશનું આર્થિક અને વહીવટી તંત્ર ખોરવાઇ જશે. નવા આગંતુકોને બ્રિટન, ભારત કે અન્ય દેશોમાંથી આવવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું. 1985માં લંડન આવીને એક ભવ્ય સમારંભમાં પ્રેસિડેન્ટ મુસેવિનીએ વીતેલા વર્ષની પીડાદાયક અને શરમજનક ઘટના માટે જાહેર માફી માગી. તે વેળાએ પાર્લામેન્ટની સામે આવેલા ઐતિહાસિક વેસ્ટમિનસ્ટર એબેમાં આ સમારંભ યોજાયો હતો. સર્વશ્રી મનુભાઇ માધવાણી, સર જે. કે. ગોહેલ તથા આપણા કેટલાક અગ્રણીઓ સાથે હું પણ આ સમારંભમાં ઉપસ્થિત રહ્યો હતો.
શ્રી કાંતિ નાગડાની લેખમાળામાં આ બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવશે. આજના યુગાન્ડાની સમૃદ્ધિમાં એશિયન, સવિશેષ ભારતીય અને ગુજરાતીઓ માતબર યોગદાન આપતા રહ્યા છે અને ત્યાંની પ્રજા પણ તેનો સહર્ષ સ્વીકાર કરે છે. યુગાન્ડન એશિયનની પ્રગતિ અને સફળતા આપણી પ્રજાની ભવ્ય સિદ્ધિ છે. તેના પણ 50 વર્ષ યથાયોગ્ય રીતે ઉજવાય તે આવશ્યક છે.
આ બધા અનુભવો લખી મોકલવા માટે - એક યા બીજા પ્રકારે આ સમયગાળા સાથે સંકળાયેલા - મિત્રોને આમંત્રણ આપ્યું છે. આ બધી વાતો - અનુભવો - પ્રસંગો એવા છે કે જે આપણને ગૌરવ ઉપજે. વાંચશો તો લાગશે કે અરે, આ તો મારી - તમારી - આપણી જ વાત છે...
 તા.ક.ઃ ગયા સપ્તાહના અંકમાં ‘ભાવ-પ્રતિભાવ’ શિર્ષક તળે લખાયેલી આ કોલમના ‘સંઘ શક્તિ યુગે યુગે’ વિભાગમાં ચંદ્રકાન્ત ભટ્ટ પરિવારને ત્યાં યોજાયેલી મિટીંગમાં ઉપસ્થિત લોકોનો નામોલ્લેખ છે. બેઠકમાં તેમના ઉપરાંત સર્વશ્રી મહેન્દ્રભાઇ કોઠારી, નરેન્દ્રભાઇ કોઠારી, તેમજ હંસાબહેન, સુમિત્રાબહેન, કુસુમબહેન પટેલ પણ હાજર હતા. આ લોકોએ પણ સમાજની સેવામાં પ્રશંસનીય પ્રદાન આપ્યું છે. આમાંથી શ્રી મહેન્દ્રભાઇ કોઠારી તો આજે પણ નવનાત વણિક સમાજમાં સુંદર સેવા આપી રહ્યા છે. (ક્રમશઃ)

----

વાચક મિત્રો, આપ સહુ જાણો છો તેમ અમે સપ્ટેમ્બર - 2019માં ‘કેન્યા વિશેષાંક’ પ્રકાશિત કર્યો તે વેળા જાહેરાત કરી હતી કે હવે યુગાન્ડા વિશેષાંકનું કામ હાથ ધરાયું છે. જોકે કોરોના મહામારીના કારણે આ આયોજન ખોરંભે પડ્યું હતું. હવે જનજીવન સામાન્ય થઇ રહ્યું છે ત્યારે અમે ફરી એક વખત આ વિશેષાંકનું કામ હાથ ધર્યું છે. આ દરમિયાન આપણા સમાજના મોભી લોર્ડ ડોલર પોપટ અને કાઉન્સિલર અમિત જોગીયાએ ‘યુગાન્ડા રિપોર્ટ’ નામે એક સુંદર અહેવાલ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠા થયેલા એશિયન સમુદાયની સાફલ્યગાથાને સુંદર રીતે વણી લેવામાં આવી છે. આગામી દિવસોમાં આ રિપોર્ટ તેમજ અન્ય વિગતોને આવરી લેતો વિશેષાંક પ્રકાશિત કરવા તડામાર તૈયારી ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter