રજાની એક ઔર મજા

સી. બી. પટેલ Wednesday 04th January 2017 04:44 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ચાલો, આપણે સહુ ઇસવી સન ૨૦૧૭નું સાથે મળીને સ્વાગત કરીએ. નાનામોટા પ્રશ્નો કે સમસ્યા હોવા છતાં આજનો દિન અતિ રળિયામણો રે... ભજન પ્રમાણે માનવજાત સર્વત્ર ઓછાવત્તા અંશે વધુ સુવિધા, સહીસલામતી કે સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી રહી છે એમ માનવાને ઘણા કારણ છે. આતંકવાદ કે ભ્રષ્ટાચાર કે પછી તેના જેવા અન્ય દૂષણો છે તે સાચું. આપણે આ બધું જાણીએ કે જોઇએ છીએ ત્યારે પારાવાર વેદના પણ અનુભવીએ છીએ. થોડીઘણી પણ ચિંતા થાય. પરંતુ મર્યાદાપુરુષોત્તમ શ્રી રામના સમયમાં પણ એવા નઠારા તત્વો તો હતા જ ને... કૈકયી, મંથરા કે પછી પે’લા ધોબીને તેના વાણી-વર્તન-કરતૂતથી આપણે ઓળખીએ જ છીએ. પાંચેય આંગળી એક સરખી તો હોય જ ન શકે! જો હોય તો મુઠ્ઠી ન વાળી શકાય. અને મુઠ્ઠી ન વાળી શકાય તો પછી માનવ અને યંત્ર-માનવ (રોબોટ) વચ્ચે ફરક શું?
આજે સોમવાર, બીજી જાન્યુઆરીના આ રોજ કોલમ કંતાઇ રહી છે. વીતેલા વેકેશનમાં એક વિક્રમજનક ઘટના બની ગઇ! આ ૧૧ દિવસમાં હું એક પણ જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો નથી. આ ઘટના વિક્રમજનક એટલા માટે કે પ્રતિ સપ્તાહે નાનામોટા સરેરાશ છથી આઠ મેળાવડામાં અચૂક હાજરી આપવાનું સદભાગ્ય મને સાંપડે છે. મારા એક ઘનિષ્ઠ મિત્રના જીવનસંગિની તો ક્યારેક હળવાશથી કહે પણ ખરાઃ ‘ભઇ, મને તો એવું લાગે છે કે જો તમે આ બધી દોડાદોડ ન કરો તો કદાચ અપચો થઇ જતો હશે... હેંને?!’ આ લાંબુ વેકેશન ભરપેટ માણ્યા પછી બહેનને એટલું જ કહેવાનું કે આજે ૧૧ દિવસ પછી પણ પેટ નરવું છે. આરોગ્ય બાબતે ફરિયાદનું કોઇ કારણ નથી.
અલબત્ત, વેકેશન માણવાનો મતલબ એવો પણ નથી કે સાંસારિક માયાજાળથી અલિપ્ત થઇને કોઇ ગુફામાં પલાંઠી મારીને ધ્યાનમાં બેસી ગયો હતો. આ રજાના દિવસોમાં નિકટના ચાર કુટુંબીજનોને મળવા જવાનો લ્હાવો લીધો. સાસરી પક્ષના એક ભત્રીજા સહપરિવાર મળવા આવ્યા. બીજા દિવસે એક એવા મિત્રવર્ય સજ્જન મળવા આવ્યા જેમને મારે ત્યાં પધારવાની, મને મળવા આવવાની કોઇ જરૂર હોય તેવું હું માનતો નથી. બ્રિટનના શાહી પરિવાર સાથે ઘનિષ્ઠ નાતો ધરાવતી વ્યક્તિને તે વળી મારી શું જરૂર હોય? છતાં તેમને અલકમલકની વાતો કરવાની ઇચ્છા થઇ, અને મને ફોન કરીને સમય નક્કી કર્યો. આવ્યા અને દોઢ-બે કલાક વિચારવિનિમય કર્યો.

•••

આપણા સાહિત્ય અને કવિતાનો અમર વારસો 

આ ઉપરાંત ૧૧ દિવસોમાં ઘણું બધું વાંચવાનો અવસર પણ પ્રાપ્ત થયો. બકુલ ત્રિપાઠી, જ્યોતિન્દ્ર દવે, વિનોદ ભટ્ટ - જેવા હાસ્યલેખક ત્રિપુટીના પુસ્તકો મારા સદૈવ સંગાથી. કાયમ મારા બેડસાઇડ ટેબલ પર તે હાજર જ હોય. તેનો પણ ભરપૂર લાભ લીધો. આવા લેખકોની કૃતિ જેટલી વાર માણો તેટલી વાર એક નવી જ મજા આવે. જાણે વિન્ટેજ વાઇન... લોકોએ શેમ્પેઇનની છોળો ઉડાડીને ક્રિસમસ - ન્યૂ યરને વધાવ્યા, મેં હાસ્યની છોળો ઉડાડીને વધાવ્યા. પસંદ અપની અપની, ખયાલ અપના અપના.
સંભવતઃ પારાવાર હાસ્યથી પણ પાચનક્રિયાને લાભ થતો હશે.
આપ સહુ વાચકો સુવિદિત છો કે મને ગીત-સંગીત-ભજન-કવિતાનો અનુરાગ રહ્યો છે. મારું મર્યાદિત શબ્દભંડોળ ભજન-સ્તુતિ-પ્રાર્થના-કવિતા અને ગીતના આધારે રહ્યું છે. ‘પ્રતીતિ’ શિર્ષક હેઠળનું સેંકડો કવિતાઓ ધરાવતું પુસ્તક અવારનવાર હું મારા પુસ્તકાલયમાં જોતો હતો. આ રજાઓમાં થોડાક કલાક તેનો લાભ લેવાનું મેં નક્કી કર્યું હતું. કવિનું નામ છે રમણભાઇ બી. પટેલ. ન ઓળખ્યા, નહીં?! તેમણે ૧૪ ઓગસ્ટ, ૨૦૦૦ના રોજ સ્વહસ્તે નોંધ સાથે ‘પ્રતીતિ’ની એક નકલ મને ભેટ મોકલી હતી.
આ રમણભાઇ બી. પટેલ એટલે કેડિલા લેબોરેટરીઝ નામની ફાર્માસ્યુટિકલ કંપનીના સ્થાપક. હવે કંઇ યાદ આવે છે? ૧૯૫૧માં અમદાવાદની આઝાદ સોસાયટીમાં આજની આ મસમોટી કંપનીનો પ્રારંભ થયો. આજે તો કંપની ભારતની અગ્રણી ઔષધ ઉત્પાદક કંપની તરીકે સુવિખ્યાત છે. ૧૯૯૫માં ઝાયડસ ગ્રૂપના નેજામાં કેડિલા હેલ્થકેર લિમિટેડ અને સંલગ્ન કંપનીઓની સ્થાપના કરી.
આજે તેમના સુપુત્ર પંકજભાઇ આ પેઢીનું સંચાલન કરે છે. પંકજભાઇની અંગત અકસ્યામતોનો આંકડો લગભગ પાંચ બિલિયન ડોલર થવા જાય છે. થોડાક મહિના અગાઉ આપ સહુ લવાજમી ગ્રાહકોએ ‘ગ્લોબલ ઇંડિયન રિચ લિસ્ટ’ વિશેષાંક કાર્યાલયમાંથી મેળવ્યો હશે. તેમાં ૧૪મા પાન પર પંકજભાઇનો પરિચય છે. ભારતીય ધનાઢયોની વૈશ્વિક યાદીમાં તેઓ ૨૩ ક્રમે બિરાજે છે. આ ઉપરાંત તેઓ ફેડરેશન ઓફ ઇંડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (ફિક્કી) સહિતની અન્ય જાહેર સંસ્થાઓમાં પણ અત્યંત પ્રભાવશાળી નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. આ ક્રિસમસ - ન્યૂ યર વેકેશનમાં ‘પ્રતીતિ’ સાથે કલાકોના કલાકો પ્રીતી કરી. ૧૯૯૯માં ‘પ્રતીતિ’નું વિમોચન અમદાવાદમાં એક ભવ્ય સમારોહમાં કરવામાં આવ્યું. તે વેળા આપણા સહુના જાણીતા અને માનીતા કવિ સુરેશ દલાલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત હતા.
સુરેશભાઇએ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધ્યું છે તેમ ‘બૃહદ ગુજરાતી કાવ્ય સમૃદ્ધિ’ના પ્રકાશનમાં પણ સદ્ગત રમણભાઇ બી. પટેલે ઉદાર હાથે સહયોગ આપ્યો હતો. સુરેશભાઇના કહેવા પ્રમાણે એક ઉચ્ચ કોટિના ઉદ્યોગપતિ રમણભાઇની શબ્દરચના, છંદો પરની હથોટી અને સાહિત્ય ક્ષેત્રે ઊંડું ખેડાણ નોંધનીય છે.
‘પ્રતીતિ’ અને સાથે સાથે કવિ સુરેશ દલાલના ગુજરાતી ગીતોના સંપુટ કહી શકાય તેવા ‘બૃહદ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ’ની શબ્દલ્હાણ પણ
ભરપૂર માણી. વાચનયાત્રાની સાથોસાથ ગીતાના મનપસંદ શ્લોકોય ગણગણ્યો, અને ભજન-સ્તુતિનું ગાન પણ કર્યું.

•••

સ્વ સાથે સંવાદઃ અંતરમનમાં ડોકિયું

જોકે આ બધામાં શિરમોરસમાન સમય તો હતો સ્વ સાથે સંવાદ કરવાનો. મિત્રો, કન્ફ્યુઝ થવાની જરૂર નથી, તમે સાચું જ વાંચ્યું છે. આ દિવસોમાં મેં મારી સાથે, અંતરમન સાથે ઘણી બધી વાતો કરી. લાંબો વોક લેવાના સમય દરમિયાન કે દિવાનખાનામાં કે સ્ટડીરૂમમાં બેસીને કે પછી બેડમાં પડ્યા પડ્યા જાત સાથે ગોઠડી માંડવાનો સુવર્ણ અવસર માણ્યો એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. આ અવસરને હું સુવર્ણ ગણાવી રહ્યો છું કેમ કે આપણા માંહ્યલાને નજદીકથી ઓળખવાનો આનાથી વધુ સારો કોઇ રસ્તો હોય જ શકે નહીં તેવું મારું માનવું છે. કોઇ વાચક મિત્રને એવો વિચાર પણ ઝબકી જશે કે આપણે તો આપણી જાતને ઓળખતા જ હોઇએને... તેમાં શું ઓળખવા જેવું હોય? આવા વિચાર કરનારને એટલું જ કહેવું રહ્યું કે જ્યારે જ્યારે ફુરસદ સાંપડે ત્યારે ત્યારે અંતરમનમાં ડોકિયું કરી જોજો, દરેક વખતે તમને તમારા વ્યક્તિત્વના એક અલગ જ પાસાનો પરિચય થશે. સાચું કહું તો દરેક પોતાની જાત સાથે સંવાદ સાધે તો ફાયદા હી ફાયદા.
રજાના દિવસોમાં ત્રણ-ચાર મહાનુભાવોને પણ ફોન કર્યા. આ વાતચીત દરમિયાન સામાન્ય આત્માઓની અસામાન્ય સારપતા વિશે જાણીને દિલ બાગ બાગ થઇ ગયું. ‘ગુજરાત સમાચાર’ના વાચકો કાંતાબહેન અને પ્રભાકાન્તભાઇના નામથી પરિચિત હશે જ. ‘ક.દ.ડા.’ - આપણા ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક - કવિ દલપતરામ ડાયાભાઇના દોહિત્રી કાંતાબહેન અને તેમના પતિદેવ પ્રભાકાન્તભાઇ સાચે જ નોખી માટીના માણસ છે. ખાલી ચણો વાગે ઘણો એ ન્યાયે કેટલાય લોકો સોયનું ટોચકા જેટલું દાન કરીને સમાજ માટે સર્વસ્વ ન્યોછાવર કરી દીધાના ઢોલ પીટતા ફરે છે, પણ આ દંપતી નોખી માટીના છે. મેં તેમના મોંમાં આંગળાં નાંખીને નાંખીને વાત કઢાવી ત્યારે તેમના સ્તુત્ય કાર્યોની આછેરી ઝલક જાણવા મળી.
કાંતાબહેન-પ્રભાકાન્તભાઇએ ભારત, બ્રિટન અને આફ્રિકામાં જુદા જુદા સ્થળે શિક્ષણધામ કે આરોગ્યધામના નિર્માણ કે નવનિર્માણ કાજે દસ-દસ લાખ રૂપિયા જેવી માતબર રકમની કેટલીય સખાવત સહજપણે કરી છે. અને તેય કોઇ પણ જાતના દેખાડા વગર.
કાંતાબહેન-પ્રભાકાન્તભાઇ જેવા કેટલાય સુપાત્રો આપણી વચ્ચે વસતા હશે, પણ તેઓ પ્રસિદ્ધિથી હંમેશા જોજન દૂર રહે છે. તેઓ આ મુદ્દે ચર્ચા કરવાનું પણ ટાળતા હોય છે કેમ કે તેઓ જરૂરતમંદોની સેવાને સહજ માને છે. આવા લોકો કંઇક કરી ‘દેખાડવાના’ ભાવથી નહીં, પણ સમાજ પ્રત્યેની નૈતિક ફરજ સમજીને સેવાકાર્યો કરતા હોય છે. આવા સહુ કોઇ ભાઇ-બહેનને મારો આગ્રહભર્યો અનુરોધ છે કે આપના સેવાકાર્યોની વાતો અન્યો સાથે શેર કરો. અમને જણાવો. આપના ત્યાગ, ન્યોછાવરની ભાવનામાંથી અન્યોને પણ સેવાકાર્યો માટે પ્રેરણા મળી શકે છે. આપ તો સમાજસેવા કરીને કંઈ કેટલાયનું ભલું કરી જ રહ્યા છો, પરંતુ આપની વાતોથી પ્રેરાઇને અન્યોને પણ સદકાર્યોમાં જોડાવાનું પ્રોત્સાહન મળશે તો સરવાળે સમાજનું જ ભલું થવાનું છે. સમજો કે આંગળી ચીંધ્યાનું પૂણ્ય કમાવા જેવી આ વાત છે.

વણજોતું નવ સંઘરવું

મહાત્મા ગાંધીના ૧૧ વ્રતોને આવરી લઇને વિનોબા ભાવેએ રચેલા શ્લોકમાંથી મેં આ ત્રણ શબ્દો ઉપાડ્યા છે. આપણે સહુ આપણા ઘરમાં, ઓફિસમાં કે વેપાર-ધંધાના સ્થળે એવી ઘણીબધી વસ્તુઓ સંઘરતા હોઇએ છીએ, જેમાંની મહદઅંશે સમયના વહેણ સાથે કામની હોતી નથી. આ જ વાત આપણી યાદદાસ્તને, સ્મૃતિસંગ્રહને પણ લાગુ પડે છે. આપણે દિવાળી કે ક્રિસમસ પર્વે ઘરસફાઇ કરીએ છીએ તેમ મગજમાં એકત્ર થયેલી માહિતીની પણ સમયાંતરે સાફસફાઇ જરૂરી છે. ઘર કે કામકાજના સ્થળે કરેલા ભૌતિક ચીજવસ્તુઓના જમાવડા કરતાં પણ સ્મૃતિપટલની સફાઇ વધુ આવશ્યક છે એમ કહીએ તો પણ ખોટું નથી.
આપણે સહુ અવારનવાર ભૂતકાળમાં સરી પડીએ છીએ. અને મનમાં વિચારોની ભૂતાવળ ઉઠે છે. તેણે મને આમ સંભળાવ્યું હતું... કે તેણે મને આમ કર્યું હતું... કે તેણે મને આ નહોતું આપ્યું... કે પછી તેણે મારી ઉપેક્ષા કરી હતી... વગેરે વગેરે. બીજા સામે ફરિયાદ કરવા માટે માનવ-મનને બ્હાનાની ક્યાં જરૂર હોય છે?! સાચીખોટી ફરિયાદોની આ માયાજાળ આપણા દિલોદિમાગમાં એક પ્રકારની ગૂંગળામણ પેદા કરતી હોય છે. સામેવાળાને તો આનાથી કોઇ નુકસાન થતું નથી, પણ આપણો વિકાસ અવશ્ય રુંધાય છે. કમ્પ્યુટરનો વપરાશ કરતા લોકો જાણતા હશે કે તેની મેમરી જ્યાં સ્ટોર થતી હોય છે તે હાર્ડ ડિસ્ક યોગ્ય રીતે કામ કરતી રહે તે માટે થોડા થોડા સમયે Disk Cleanup કમાન્ડ આપવો પડે છે. આથી હાર્ડ ડિસ્કમાંથી બિનજરૂરી ફાઇલો, ડેટા રિમૂવ થઇ જાય છે. જો સમયાંતરે આમ કરવામાં ન આવે તો કમ્પ્યુટર સિસ્ટમની કામગીરી ધીમી પડી જાય છે. ક્યારેક સિસ્ટમ હેંગ થઇ જાય - અટકી પડે તેવું પણ બની શકે. એક મશીનને લાગુ પડતી આ વાત માનવ-મનને પણ તેટલી જ લાગુ પડે છે. મેં આ રજાઓમાં વાંચેલા, સાંભળેલા બે ગીતો આપની સમક્ષ સાદર કર્યા છે. આ ગીતોમાં રજૂ થયેલા સંદેશ માટે કોઇ વિશેષ ટીકાટિપ્પણ કરવાની મને જરૂરત જણાતી નથી. આપણે આગળ-પાછળની ઝંઝટ અંગે વધુ પડતું વિચારીને આજની સુ-પળ પણ કદાચ વેડફી નાખીએ છીએ. ઝાઝું તો શું કહું... આજનો લ્હાવો લીજીયે રે...

બધું મનનું કારણ...

ડાયાબિટીસ તો મારો વર્ષોજૂનો સાથી છે. ક્યાંક વાંચ્યું હતું, વર્ષોપૂર્વે વાંચ્યું હતું. ડાયાબિટીસના દર્દની સાથે અન્ય રોગની પણ આવનજાવન વધી જતી હોય છે. રસાયણશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર એ બધામાં રજૂ થયેલી જાણકારી પ્રમાણે વયના વધવા સાથે અલ્ઝાઇમર્સ કે પાર્કિન્સન કે ડિમેન્શિયાની સમસ્યા વિશ્વભરમાં મેડિકલ સાયન્સ અને સરકારી તિજોરી માટે માથાના દુઃખાવારૂપ સમસ્યા બની રહી છે. શરૂઆતમાં પ્રયત્નપૂર્વક, પણ હવે હું સહજપણે ‘આધિવ્યાધિનું પોટલું’ ખંખેરતા રહેવામાં કુશળ બની રહ્યો છું. દરેકની પ્રગતિમાં કંઇકેટલાય લોકોનું અમૂલ્ય અનુદાન હોય છે. સેલ્ફ મેઇડ મેન કે સેલ્ફ મેઇડ વુમન શબ્દો તો પોથીમાંના રિંગણાસમાન છે. આવું માનવું કે સમજવું કે આવા ખયાલોમાં રાચવું, સાચે જ વિરોધાભાસી છે. હકીકત તો એ પણ છે કે એક હાથે તાલી પણ ક્યાં પાડી શકાય છે?
વાચક મિત્રો, બને તો આ વાંચજો, બરાબર વાંચજો. અને વિચારજો. સંભવ છે કે તમે જીવન પ્રત્યેનો નવો અભિગમ સહજપણે જ મેળવશો. અપના હાથ જગન્નાથ... લોકલાજે ખોટી રીતે મૂંઝાવાની જરૂર નથી. અહં બ્રહ્માસ્મિ - આપણા શાસ્ત્રોમાં આ સંદેશ જેટલો સીધોસરળ છે એટલો જ શક્તિશાળી છે. આ સંદેશ આત્મસાત કરનાર કાળા માથાના માનવીને સંશય, નિરાશા, હતાશા જેવા નકારાત્મક પરિબળો સ્પર્શતા પણ નથી. સ્વસ્થ મન માટે આવશ્યક વિચાર, વાણી અને વર્તન જો આપણે અપનાવી શકીએ તો ભયો ભયો... ઘણી વખત આપણે અર્થનો અનર્થ કરી લઇને જાતે જ હૃદયમાં વલોપાત ઉભો કરી લઇએ છીએ. વાચક મિત્રો, આ કોઇ ઉપદેશ કે બોધકથા નથી, પણ જાતઅનુભવનું બયાન છે. હું સાચે જ કૃપાપાત્ર છું, પરમાત્માની તો કૃપા છે જ, પણ આપના જેવા અસંખ્ય માનવીઓ પણ મારા પર અઢળક કૃપા વરસાવતા રહ્યા છે જેનું વર્ણન કરવા શબ્દો નથી.
ચાલો, જરા મારી જ થોડીક વધારે વાત કરી લઉં. ગયા વર્ષમાં આપણી પેઢી એબીપીએલ ગ્રૂપે જાણે કે નવો ઇતિહાસ સર્જ્યો. બીજા પ્રકાશનોના વાચકોની સંખ્યાથી માંડીને ફેલાવો અને આવક ઘટી રહ્યા છે ત્યારે આપ સહુના પ્રતાપે એબીપીએલ ગ્રૂપમાં ઉલ્ટી ગંગા વહી રહી છે. આ માટે પરમ કૃપાળુ પરમાત્મા, અસંખ્ય શુભચિંતકો, લેખકો-કવિઓ, પત્રકારો, પરિવારજનો અને મારા સાથી મંડળના સભ્યોનો હું અત્યંત આભારી છું. આ તબક્કે મને મનમાં એક બીજી પણ પ્રતીતિ થઇ રહી છે. જો અમારી નીતિ અને રીતિ સારી હશે તો આ સફળ પ્રવાસ અવિરત ચાલતો જ રહેવાનો છે. પે’લો કબીરનો દોહો ટાંકું છું.

કલજુગ નહીં, કરજુગ હૈ, યહાં દિન કો દે, ઓર રાત લે,

ક્યા ખૂબ સૌદા નકદ હૈ, ઇસ હાથ દે, ઉસ હાથ લે.

આપ સહુ પોતપોતાની રીતે સદાસર્વદા હેમખેમ રહો, તન-મનથી સ્વસ્થ રહો, પ્રગતિના પંથે મોખરે રહો તેવી હાર્દિક શુભકામનાઓ સહ... (ક્રમશઃ)

•••

મેરા નામ જોકર (૧૯૭૦)
ગીતકાર - શૈલેન્દ્ર • ગાયક - મન્ના ડે

એ ભાઈ જરા દેખ કે ચલો
આગે હી નહીં, પીછે ભી દાયેં હી નહીં, બાંયે ભી
ઉપર હી નહીં, નીચે ભી એ ભાઈ...

તું જહાં આયા હૈ,
વો તેરા ઘર નહીં, ગલી નહીં, ગાંવ નહીં
કુચા નહીં, બસ્તી નહીં, રસ્તા નહીં
દુનિયા હૈ
ઔર પ્યારે દુનિયા યે સરકસ હૈ
ઔર સરકસ મેં
બડે કો ભી, છોટે કો ભી, ખરે કો ભી
ખોટે કો ભી, દુબલે કો ભી, મોટે કો ભી
નીચે સે ઉપર કો, ઉપર સે નીચે કો
આના જાના પડતા હૈ

ઔર રિંગ માસ્ટર કે કોડે પર
કોડા જો ભૂખ હૈ કોડા જો પૈસા હૈ
કોડા જો કિસ્મત હૈ
તરહ-તરહ નાચ કે દિખાના યહાં પડતા હૈ
બાર-બાર રોના ઔર ગાના યહાં પડતા હૈ
હીરો સે જોકર બન જાના પડતા હૈ

ગિરને સે ડરતા હૈ ક્યું, મરને સે ડરતા હૈ ક્યું
ઠોકર તું જબ તક ન ખાયેગા
પાસ કિસી ગમ કો ન જબ તક બુલાયેગા
જિંદગી હૈ ચીજ ક્યા જાન નહીં જાન પાયેગા
રોતા હુઆ આયા હૈ, રોતા ચલા જાયેગા
એ ભાઈ જરા દેખ કે...

ક્યા હૈ કરિશ્મા, કૈસા ખિલવાડ હૈ
જાનવર આદમી સે જ્યાદા વફાદાર હૈ
ખાતા હૈ કોડા ભી,
રહતા હૈ ભૂખા ભી
ફિર ભી વો માલિક પે કરતા નહીં વાર હૈ
ઔર ઈન્સાન યૈ
માલ જિસકા ખાતા હૈ,
પ્યાર જિસ સે પાતા હૈ, ગીત જિસ કે ગાતા હૈ
ઉસકે હી સીને મેં ભોંકતા કટાર હૈ
એ ભાઈ જરા દેખ કે...

હાં બાબુ, યે સરકસ હૈ શો તીન ઘંટે કા
પહલા ઘંટા બચપન હૈ દૂસરા જવાની હૈ
તીસરા બુઢાપા હૈ

ઔર ઉસકે બાદ
માં નહીં, બાપ નહીં
બેટા નહીં, બેટી નહીં તું નહીં મેં નહીં,
યે નહીં, વો નહીં
કુછ ભી નહીં રહતા હૈ
રહતા હૈ જો કુછ વો
ખાલી-ખાલી કુર્સિયાં હૈ
ખાલી-ખાલી તમ્બુ હૈ
ખાલી-ખાલી ઘેરા હૈ
બિના ચિડીયા કા બસેરા હૈ
ના તેરા હૈ, ના મેરા હૈ.
•••
અમરપ્રેમ (૧૯૭૧)
ગીતકાર - આનંદ બક્ષી
ગાયક - કિશોર કુમાર
કુછ તો લોગ કહેંગે
લોગો કા કામ હૈ કહના
છોડો બેકાર કી બાતોં મે
કહી બીત ન જાય રૈના (૨)

કુછ રીત જગત કી ઐસી હૈ
હર એક સુબહ કી શામ હુઈ (૨)

તું કોન હૈ, તેરા નામ હૈ ક્યા?
સીતા ભી યહાં બદનામ હુઈ
ફિર ક્યું સંસાર કી બાતોં સે
ભીગ ગયે તેરે નૈના
કુછ તો લોગ કહેંગે....

હમકો જો તાને દેતે હૈ
હમ ખોયે હૈ ઈન રંગરલિયો મેં (૨)

હમને ઉનકો ભી છુપ-છુપ કે
આતે દેખા ઈન ગલિયોં મેં
યે સચ હૈ જુઠી બાત નહીં
તુમ બોલો યે સચ હૈ ના
કુછ તો લોગ કહેંગે...

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter