રાજકારણના રંગતરંગ અત્ર તત્ર સર્વત્ર

સી. બી. પટેલ Tuesday 16th October 2018 15:19 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા સપ્તાહે મુખ્યત્વે બ્રિટિશ રાજકારણની વાત કરી હતી. અમેરિકા અને ભારત તરફ મીટ માંડતા પહેલાં છેલ્લા અઠવાડિયામાં બ્રિટનના રાજકીય તખતા ઉપર ખેલાતી રમત ઉપર પણ જરા અછડતી નજર નાંખી લઇએ. બ્રેક્ઝિટ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી અવઢવમાં અટવાઇ રહેલા વડા પ્રધાન થેરેસા મે તાજેતરના રાજકીય ઘટનાક્રમથી બેબાકળા બની ગયા હોય તો નવાઇ નહીં. સામાન્યપણે સરકાર દ્વારા શકવર્તી નિવેદન જાહેર કરતાં પૂર્વે કેબિનેટની મંજૂરી આવશ્યક ગણાય છે. હમણાં જ બહાર આવ્યું છે કે ૨૦૧૬ની ટોરી પક્ષની કોન્ફરન્સમાં વડા પ્રધાને જે ઘોષણા કરી હતી કે યુરોપિયન યુનિયન સાથે કાયમી ધોરણે, સંપૂર્ણપણે છૂટાછેડા લેવા માટે મારી સરકાર દૃઢ નિશ્ચયી છે અને આગામી દિવસોમાં આર્ટીકલ ૫૦ અન્વયે યુરોપિયન યુનિયનથી છુટા પડવા માટે અમે ૩૧ માર્ચ ૨૦૧૯ની તારીખ નક્કી કરી છે, એ વિધિવત્ ન હતું.
તે વેળા યુકે સરકારના બ્રેક્ઝિટ સેક્રેટરી તરીકે ડેવિડ ડેવિસ યુરોપિયન યુનિયન સાથે સમજૂતીના નવા સંબંધોને આકાર આપવાની જવાબદારી સંભાળતા હતા. આ ડેવિડ ડેવિસે તાજેતરમાં જાહેર કર્યું છે કે વડા પ્રધાને જાહેરાત કરી હતી તેવું કંઇ અમે કેબિનેટની બેઠકમાં નક્કી કર્યું જ નહોતું. બ્રેક્ઝિટ બાબત ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડા પ્રધાનની અંગત દેખરેખ હેઠળ એક વ્યવસ્થા તંત્ર કાર્યરત છે. છેલ્લા ત્રણેક વર્ષમાં તેમાં ૬૫૦ જેટલા અત્યંત સુશિક્ષિત, કુશળ અને કાબેલ વ્યક્તિની ઊંચા પગારે નિમણૂક કરવામાં આવી છે. આ તંત્રનું સુકાન શ્રીમાન ઓલી રોબિન્સન સંભાળી રહ્યા છે. ડેવિડ ડેવિસે એમ પણ જાહેર કર્યું છે કે યુરોપિયન યુનિયન સાથેની મંત્રણા સંદર્ભે મને કાયમ અંધારામાં રાખવામાં આવતો હતો અને માત્ર ઓલિ રોબિન્સનને જ વિશ્વાસમાં લેવાય છે અને પૂછાય છે.
ગત જુલાઇમાં વડા પ્રધાનના સત્તાવાર રિટ્રિટ ચેકર્સ ખાતે બ્રેક્ઝિટ અંગેની જોગવાઇ નક્કી કરવા છેલ્લી કેબિનેટ મિટિંગ યોજાઇ હતી. આ પછી તરત જ ડેવિડ ડેવિસે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. આના થોડાક જ કલાકો બાદ વિદેશ પ્રધાન બોરીસ જ્હોન્સને પણ પ્રધાનમંડળમાંથી ચાલતી પકડી. આ અને આવા કંઇકેટલાક આશ્ચર્યજનક કે અકલ્પ્ય બનાવોના કારણે અત્યારે થેરેસા મેની રાજગાદી ડગમગતી રહી છે.
આપણું આ અખબાર તો મંગળવારે પ્રિન્ટીંગમાં જતું રહ્યું હશે, પણ બુધવારે - ૧૭ ઓક્ટોબરે યુરોપિયન યુનિયનની શીખર પરિષદ યોજાઇ રહી છે. તેમાં આપણા મેડમ પ્રાઇમ મિનિસ્ટર પણ હાજરી આપવાના છે અને ‘છૂટાછેડા’ બાબત અત્યારે તેમણે જે મુસદ્દો તૈયાર કર્યો છે તે રજૂ કરવાના છે. ઈયુ તેમની દરખાસ્ત સુચવશે.
બ્રેક્ઝિટ મુદ્દામાં સૌથી જટિલ સમસ્યા આયર્લેન્ડના ટાપુના ઉત્તર (નોર્ધર્ન) અને દક્ષિણ (સધર્ન) ભાગ વચ્ચેની સરહદ સંદર્ભે છે. નોર્ધર્ન આયર્લેન્ડ એ બ્રિટિશ શાસિત પ્રાંત છે અને દક્ષિણનો ભાગ ૧૯૧૬થી આઇરિશ રિપબ્લિક તરીકે અસ્તિત્વમાં છે. નોર્ધર્ન આયર્લેન્ડના ૪૦ ટકા પ્રજાજનો કેથલિક ધર્મના અનુયાયી છે અને તેઓ પોતાના સ્વધર્મી આયરિશ રિપબ્લિક સાથે જોડાવા માટે તત્પર છે. આયર્લેન્ડના એકીકરણની માંગ સાથે આયર્લેન્ડ રિપબ્લિક આર્મી (આઇઆરએ)એ દસકાઓ સુધી આંદોલન ચલાવ્યું હતું. આ દરમિયાન બ્રિટનમાં અને નોર્ધર્ન આયર્લેન્ડમાં અનેક વેળા હિંસક તોફાનો પણ થયા અને બોમ્બધડાકાઓ પણ થયા, જેમાં અસંખ્ય વ્યક્તિઓએ પ્રાણ ગુમાવ્યા છે. નોર્ધર્ન આયર્લેન્ડના ૧૫ લાખ જેટલા પ્રજાજનોની સુખ-સલામતી માટે બ્રિટિશ સરકાર પ્રતિ વર્ષ સરેરાશ ૧૦૦૦ મિલિયન પાઉન્ડ ખર્ચતી હતી.
અંતે તત્કાલીન અમેરિકન પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનની સક્રિય મદદથી ૧૯૯૮માં એક સમાધાન સધાયું - આયર્લેન્ડ અને યુનાઇટેડ કિંગ્ડમ વચ્ચે નોર્ધર્ન આયર્લેન્ડ બાબતે. બસ, ત્યારથી મહદ્ અંશે શાંતિનો માહોલ પ્રવર્તે છે અને ગત ૨૦ વર્ષમાં આર્થિક ઉન્નતિ પણ સારી એવી જોઇ શકાય છે.
આ સિવાય પણ સમગ્રતયા જોઇએ તો, યુરોપિયન યુનિયન સાથે સંપૂર્ણપણે સંબંધો કાપી નાંખવાનું બ્રિટન માટે શક્ય જ નથી. વેપારવણજ માટે આયાત-નિકાસ, સંદેશાવ્યવહાર, વાહનવ્યવહાર સહિત જીવનના દરેક તબક્કે પાડોશી દેશ સાથે લેવડદેવડ તો કરવી જ પડેને? અને જો તંત્રની યોગ્ય પૂર્વભૂમિકા તૈયાર ન હોય તો ૩૧ માર્ચ ૨૦૧૯ના રોજ બધું ઠપ્પ થઇ જાય. યુરોપિયન યુનિયનના બંધારણ પ્રમાણે જો બ્રિટન સંગઠનમાંથી છૂટું પડે તો નોર્ધર્ન અને સધર્ન - બન્ને આયર્લેન્ડની સરહદ આંતરરાષ્ટ્રીય સરહદ બની જાય. આ સ્થિતિમાં ઇમિગ્રેશન તંત્રની જરૂર પડે. કસ્ટમ પણ લાગુ પડે. હજારો સુરક્ષા જવાનો પણ ગોઠવવા પડે. આ વાત આયર્લેન્ડને પણ સ્વીકાર્ય નથી, યુરોપિયન યુનિયનને પણ સ્વીકાર્ય નથી અને બ્રિટનને પણ સ્વીકાર્ય નથી. આમાંથી વચલો માર્ગ કેમ કાઢવો? બુધવારે યોજાઇ રહેલી યુરોપિયન યુનિયનની શીખર પરિષદમાં આ મુદ્દો નિર્ણાયક બનવાની સંભાવના છે. આ સંજોગોમાં જો વડા પ્રધાન થેરેસા મે બેઠકમાં (ઇયુ નેતાઓના દબાણને વશ થઇને) બીજી કોઇ છૂટછાટ આપી આવ્યા તો તેમના પ્રધાનમંડળમાંથી ટપોટપ - હારબંધ રાજીનામા આવી પડે તેવી ભીતિ છે. આમ થેરેસા મે માટે અત્યારે તો ગંભીર સમસ્યા મોં ફાડીને ઉભી છે.
વાચક મિત્રો, હવે આપણે અમેરિકા અને ભારત પર પણ ઉડતી નજર નાખીએ...

યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા

દિવસોના વહેવા સાથે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાચે જ વધુને વધુ તરંગી નેતા તરીકે ઉભરી રહ્યા છે. પહેલાં પડોશી રાષ્ટ્રો મેક્સિકો અને કેનેડા સાથે શીંગડા ભરાવ્યા પછી ચીન અને રશિયા સામે ખાંડા ખખડાવ્યા અને હવે તોરીલા ટ્રમ્પનો સાઉદી અરેબિયા સાથે તુંતું-મૈંમૈંનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. બધા જ મુલ્કો સામે અવિચારી અને અઘટિત ઘોષણા કરવા માટે ટ્રમ્પ લગભગ દરરોજ ટ્વિટર ઉપર ગાજતા - ગરજતા રહે છે. અત્યારે આપણે એક જ મુદ્દો ચર્ચીએ.
અમેરિકાના ૨૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ ભારતીય વંશજે કેબિનેટમાં ખૂબ મહત્ત્વનો અને માનભર્યો હોદ્દો મેળવ્યો હોય તો તે છે નીકી હેલી. માત્ર ૩૦ વર્ષની વયે તો તેઓ લુઝિયાના સ્ટેટમાં રિપબ્લિકન પાર્ટીના પ્રભાવશાળી નેતા તરીકે ઉભરી આવ્યા. થોડાક સમયમાં ગવર્નરપદે ચૂંટાયા. અમેરિકાના ૫૦ રાજ્યોમાં ગવર્નરની ચૂંટણી સ્થાનિક પ્રજાજનો કરે છે અને આ ગવર્નર મુખ્ય પ્રધાન કે વડા પ્રધાનની જેમ પોતાના રાજ્યનો બધો કારભાર - જવાબદારી સંભાળતા હોય છે. લુઝિયાના સ્ટેટનો વહીવટ હેલી અસરકારક રીતે સંભાળી રહ્યા હતા. ભારે નામના પણ કમાઇ રહ્યા હતા. આથી તરંગી ટ્રમ્પે જાન્યુઆરી ૨૦૧૭માં તેમની નિમણૂક યુનાઇટેડ નેશન્સ (યુએન)માં અમેરિકાના પ્રતિનિધિ તરીકે કરી. કેબિનેટ પ્રધાનનો આ પ્રતિષ્ઠિત દરજ્જો વિશ્વવ્યાપી રીતે પ્રભાવી છે. લગભગ પોણા બે વર્ષ તેમણે અતિ જટિલ આંતરરાષ્ટ્રીય પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલમાં સંગીન યોગદાન આપ્યું. આ સમયગાળામાં કટોકટીની પળો પણ સર્જાઇ તો પોતાની રાજદ્વારી કૂનેહથી તેનું નિવારણ શોધ્યું. આંતરરાષ્ટ્રીય તખતે આવી ગરિમાપૂર્ણ કામગીરી કરીને અમેરિકાનું નામ ઉજાળનાર નીકી હેલીએ નવમી ઓક્ટોબરે વ્હાઇટ હાઉસ ખાતે પ્રેસિડેન્ટ ટ્રમ્પની હાજરીમાં (આ તો પૂર્વઆયોજિત જ હશે) ‘અણધાર્યું’ જાહેર કર્યું કે તેમણે યુએન ખાતેના અમેરિકી રિપ્રેઝન્ટેટિવ તરીકે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આગામી મહિનાઓમાં તેઓ આ પદ પરથી નિવૃત્ત થશે.
આ સમયે ટ્રમ્પનું મોં જોવા જેવું હતું. રાજકીય વિશ્લેષકોનો એક વર્ગ માનતો હતો કે ૨૦૨૦માં અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી યોજાઇ રહી છે, જેમાં ટ્રમ્પ બીજી અને છેલ્લી ટર્મ માટે ઝંપલાવવા આતુર છે. જો નીકી હેલી તેમની સામે મેદાનમાં ઉતર્યા તો ટ્રમ્પને છઠ્ઠીનું ધાવણ યાદ યાવી જાય તેમ હતું. હેલી સામે ઝીંક ઝીલવી મુશ્કેલ હોવાનું ટ્રમ્પ પણ સારી પેઠે જાણતા હતા. આથી જ હેલીએ પોતાના રાજીનામાની સાથોસાથ એવી ઘોષણા પણ કરી જ દીધી કે ૨૦૨૦ની પ્રમુખ પદની ચૂંટણી વેળા પોતે ઉમેદવારી કરવાના નથી. આ પછી તેમણે ટ્રમ્પ તરફ અંગૂલિનિર્દેશ કરતાં કહ્યું હતું કે ‘હું આ વ્યક્તિ માટે પ્રચાર કરીશ.’ આ સમયે એક પત્રકારે તરત જ વળતો પ્રશ્નો પૂછ્યછયો કેઃ ‘તો પછી ૨૦૨૪?’ આ પ્રશ્નના જવાબમાં નીકી હેલીએ તરત જ કહ્યું હતુંઃ હા, ૨૦૨૪ માટે જરૂર વિચારી રહી છું.
વાચક મિત્રો, તે સમયે - ૨૦૨૪માં નીકી હેલી માત્ર બાવન વર્ષનાં હશે અને અમેરિકા સહિતના પશ્ચિમી રાષ્ટ્રોમાં આ વય વડા પ્રધાન પદ કે પ્રમુખ પદ જેવા ટોચના અને વગદાર હોદ્દાઓ સંભાળવા માટે એકદમ યોગ્ય ગણાય છે. નીકીનું જન્મનું નામ નમ્રતા છે જ્યારે તેના પિતાનું નામ અજીતસિંહ રંધાવા અને માતાનું નામ રાજ કૌર છે. તેમના નાના બહેનનું નામ સિમરન છે. અજીતસિંહ રંધાવા આજે પણ પાઘડીધારી છે.
અમેરિકાના રાજકારણમાં માનભર્યું સ્થાન ધરાવતા નીકી હેલીની વાત ચાલી રહી છે તો ચાલો આપણે જરા બ્રિટન તરફ પણ જરા નજર કરી લઇએ. બ્રિટિશ સરકારના લાંબા ઇતિહાસમાં કેબિનેટમાં મોભાદાર સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય વંશજનું બહુમાન પ્રીતિ પટેલને જાય છે. જોકે ગયા વર્ષે જ તેમણે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું છે. પ્રીતિબહેન અને તેમના પરિવાર સાથે મારો વર્ષોજૂનો પરિચય. માતુશ્રી અંજનાબહેન અને પિતા સુશીલભાઈને હું જાણું છું.
પ્રીતિબહેન આજે ભલે કેબિનેટ મિનિસ્ટર ન હોય, પણ રાજકીય વિશ્લેષકોના મતે આજેય તેમનો માનમરતબો, પ્રભાવ અકબંધ છે. લંડનની પૂર્વે એસેક્સમાં ‘વિધામ’ નામના સાધનસંપન્ન લોકોના વિસ્તારનું તેઓ પાર્લામેન્ટમાં પ્રતિનિધિત્વ કરે છે. આ વિસ્તાર લાંબા સમયથી કન્ઝર્વેટિવ પાર્ટીનો ગઢ ગણાય છે. લોકો સાથે સંપર્ક જાળવવામાં પ્રીતિબહેન માહેર છે. કેબિનેટમાંથી ભલે રાજીનામું આપી દીધું હોય, પણ તેઓ પોતાના મતવિસ્તારની ગલીએ-ગલીએ જઇને, ઘરે-ઘરે જઇને મતદારોને મળતા રહે છે અને સરકારના નીતિવિષયક નિર્ણયોથી માંડીને આર્થિક નીતિ તથા બ્રેક્ઝિટ અંગે સરકારના અભિગમથી વાકેફ કરતા રહે છે. આપણે ત્યાંના પ્રીતિબહેનની વાત કરો કે અમેરિકાના નીકીબહેનની વાત કરો, આ બન્ને ભારતીય મહિલા નેતાઓ તેમના જમણેરી વલણ માટે જાણીતા છે.

ભારત

વાચક મિત્રો, ભારત વિશે પણ ચર્ચા તો ઘણી કરવી છે, પરંતુ સ્થળસંકોચના કારણે વિશ્લેષણ મર્યાદિત થઇ શકશે. ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો, તેમાં ચેતનાનો સંચાર જોવા મળી રહ્યો છે. આ શબ્દો સી.બી. પટેલના નથી, પણ આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાનોનો અને વિશ્લેષકોનો અભિપ્રાય છે. વર્લ્ડ બેન્કના ગયા સપ્તાહના અહેવાલ અનુસાર, જીએસટી (ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ)નો અસરકારક અમલ અને નાદારી અંગેના કાયદામાં સુધારા કરીને મોદી સરકારે સ્તુત્ય
 પગલું ભર્યું છે. નક્કર પગલાંઓથી દેશના વિકાસને વેગ મળશે. આર્થિક સુધારાના પગલે દેશનો આર્થિક વિકાસ દર ૭.૩ ટકાના આંકડાને આંબી જશે. તો બીજી તરફ, વિશ્વની ટોચની નાણાં સંસ્થા જે. પી. મોર્ગનના પ્રવક્તાનું કહેવું છે કે વિરોધ પક્ષ ભલે મોદી સરકારની ટીકા કરવામાં લાગી પડ્યો હોય, પણ તે નિરર્થક છે. વિપક્ષની ટીકાથી વિપરિત, હકીકત અલગ છે. ભારત આર્થિક મોરચે મજબૂતાઈથી આગેકૂચ કરી રહ્યો છે.
શાસક પક્ષ સામે વિપક્ષનો અભિગમ કેવો છે?! આ ઘટનાક્રમ વાંચીને આપ સહુ જાતે જ નક્કી કરી લેજો. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં #MeToo અભિયાને વેગ પકડ્યો છે. તાજેતરમાં મોદી સરકારના એક પ્રધાન એમ. જે. અકબર સામે પણ ઘણા આક્ષેપ થયા. નાઇજિરિયાના વિદેશ પ્રવાસેથી રવિવારે ભારત પરત ફરેલા અકબરે જણાવ્યું કે તેઓ રાજીનામું આપવાનું વિચારતા નથી. આથી ઉલ્ટું તેઓ ખોટા આક્ષેપો કરીને તેમની પ્રતિષ્ઠાને કલંક લગાવનાર લોકો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી રહ્યા છે. અકબરે તેમના નિવેદન અનુસાર સોમવારે એક મહિલા પત્રકારને બદનક્ષીની નોટિસ પણ મોકલી આપી છે.
હવે આપણે સિક્કાની બીજી બાજુ જોઇએ. અકબરનું નામ ઉછળ્યું છે ત્યારથી કોંગ્રેસ અધ્યક્ષ અને દેશના કહેવાતા મુખ્ય વિપક્ષના નેતા રાહુલ બાબા ક્યું નિવેદન વારંવાર રટતા રહ્યા છે? વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેમ આ મુદ્દે ચૂપ છે? તેઓ કેમ કંઇ બોલતા નથી? તેમણે આ મુદ્દે બોલવું જ જોઇએ. વગેરે વગેરે... અલ્યા ભ’ઇ આ કામ કંઇ વડા પ્રધાનનું થોડું છે? અકબરે કંઇ ખોટું કર્યું હશે તો તેના કર્યા તે ભોગવશે. અકબરની આ અંગત બાબત છે. આમાં વડા પ્રધાન શું કરવાના? આ મુદ્દે તો લાગતાવળગતા અધિકારીએ તપાસ કરવાની રહે છે કે પછી અકબરે કંઇ નિવેદન કરવાનું હોય... ખેર, રાહુલબાબાનો આ અભિગમ તેમની રાજકીય પરિપકવતા કે સૂઝબૂઝનો દ્યોતક છે. સંભવતઃ આ જ કારણસર બહુજન સમાજ પાર્ટીના માયાવતી કે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ કોંગ્રેસના નેતૃત્વમાં આકાર લઇ રહેલા મહાગઠબંધન (કે મહાઠગબંધન?!)માં જોડાવા ઉત્સુક જણાતા નથી.

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ...

શાહી પરિવારના વધુ એક સભ્યે પ્રિન્સેસ એન, પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ વિલિયમ કે પછી પ્રિન્સ હેરીના પગલે ચાલતાં ચાલતાં સામાન્ય પરિવારની વ્યકિત સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં છે. ગયા સપ્તાહે પ્રિન્સેસ યુજીને જેક બ્રુક્સબેન્ક સાથે ઘરસંસાર માંડ્યો. એક રાજપરિવારની વ્યક્તિ સામાન્ય બેકગ્રાઉન્ડ ધરાવતી વ્યક્તિ સાથે લગ્નબંધને બંધાય એટલે બધાનું ધ્યાન ખેંચાવું સ્વાભાવિક છે, પણ યુજીનના કિસ્સામાં આવું નથી બન્યું તેનું કારણ એ છે કે શાહી પરિવાર માટે તો આ આગે સે ચલી આતી પરંપરા છે. જેમ કે, પ્રિન્સેસ એન અને ટીમ લોરેન્સ, પ્રિન્સ એડવર્ડ અને સોફિયા રિસ-જોન્સ, પીટર ફિલિપ્સ અને ઓટમ કેવી પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પાર્કર-બોલ્સ, માઇક ટિન્ડલ અને ઝારા ફિલિપ્સ, પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન, પ્રિન્સ હેરી અને મેગન મર્કલ અને હવે પ્રિન્સેસ યુજીન અને જેક બ્રુક્સબેન્ક...
યુજીન એટલે પ્રિન્સ એન્ડ્રુ અને ફર્ગીની દીકરી, નામદાર ક્વીનની પૌત્રી અને પ્રિન્સ ચાર્લ્સની ભત્રીજી. પ્રિન્સ એન્ડ્રુ આજે ભલે ડ્યુક ઓફ યોર્ક તરીકે રાજવી ઓળખ ધરાવતા હોય, પણ યુવાનીમાં તેઓ રેન્ડી એન્ડી તરીકે જાણીતા હતા. રેન્ડી એટલે કહો કે તોફાની આખલા જેવા... તેમના લગ્ન થયા સારાહ ફર્ગ્યુસન સાથે. સારાહ તેના નામ કરતા ફર્ગીના નામથી વધુ ઓળખાય છે. એન્ડી-ફર્ગી પરણ્યાં. લગ્નજીવન દરમિયાન બે દીકરી જન્મી. વર્ષોના વહેવા સાથે એન્ડી - ફર્ગી વચ્ચે મતભેદ સર્જાયા. અને છૂટા પડ્યા. બન્નેના લફરાં જગજાહેર છે, પણ તેમણે દીકરીના લગ્નની જવાબદારી સાથે મળીને નિભાવી છે. સામાન્ય સંજોગોમાં બે પાત્રો વચ્ચે મનમેળ ન રહે અને લગ્નવિચ્છેદ થાય તે સાથે જ તમામ સંબંધોનો અંત આવતો હોય છે. પારિવારિક સંપર્કો પણ તૂટી જતાં હોય છે, પરંતુ પ્રિન્સ એન્ડ્રુ અને ફર્ગીની વાત અલગ છે. તેમણે છૂટાછેડા પછી પણ એકમેકનો સંપર્ક જાળવ્યો હતો. નામદાર મહારાણીને પણ આની સામે વાંધો નહોતો.
ગયા શનિવારે વિન્ડસર કેસલમાં ભપકાદાર લગ્નસમારોહમાં તેમની દીકરી યુજીને જેક સાથે સહજીવનનો આરંભ કર્યો. થોડાંક સપ્તાહ પૂર્વે આ જ વિન્ડસર કેસલમાં આપણો પ્રિન્સ હેરી અમેરિકી અભિનેત્રી મેગન મર્કેલને પરણીને ડાહ્યોડમરો થઇ ગયો છે. (હવે આ મેગનને સારા દિવસો રહ્યાંનું જાહેર થયું છે)
ડ્યુક ઓફ યોર્ક અને ફર્ગીની ઇચ્છાનુસાર ધામધૂમથી લગ્નપ્રસંગ સંપન્ન થયો હતો. પરંપરા અનુસાર શાહી પરિવારે સમગ્ર લગ્ન સમારોહનો ખર્ચ ઉઠાવ્યો હતો જ્યારે સુરક્ષા બંદોબસ્તનો જંગી ખર્ચ સરકારી તિજોરીના માથે નંખાયો હતો. અલબત્ત, સરકારના માથે ખર્ચ નાખવાની આકરી ટીકા પણ થઇ છે કે આ પ્રકારના બિનજરૂરી ખર્ચ કોઇ દેશને પોસાય નહીં. ખેર, આ બધું તો રાજકારણ છે. બાકી લગ્ન થાય અને બેન્ડવાજા ન વાગે કે વરરાજો ઘોડે ન ચઢે એ કંઇ થોડું ચાલે? પ્રિન્સ ચાર્લ્સનો દીકરો હેરી પરણ્યો ત્યારે ઠાઠમાઠ સાથે ભપકો થયો હોય તો પ્રિન્સના નાના ભાઇની દીકરીના લગ્ન વખતે પણ તેવો જ ઠાઠમાઠ - ભપકો થવા જ જોઇએને?
પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સ એન્ડ્રુ વચ્ચે બસ ફરક એટલો જ છે કે ચાર્લ્સ મોટા પુત્ર હોવાના નાતે રાણીના પાટવી કુંવર છે. અને રાજ પરિવારમાં પાટવી કુંવર પછીના સંતાનો એટલે સમજી લો કે અડધમાં રામ અને અડધમાં ગામ જેવી સ્થિત જ હોય.
પરંતુ રાજવી ઠાઠમાઠ સાથે યોજાયેલા લગ્નમાં એક ઘટનાક્રમ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો બની રહ્યો. પ્રિન્સ ચાર્લ્સની પત્ની કેમિલા અને ફર્ગી વચ્ચે જરાય મનમેળ નથી એ વાત હવે જગજાહેર છે. પરંતુ લગ્ન પ્રસંગેય તેમનો ખટરાગ છૂપો નથી રહ્યો. બન્ને વચ્ચે એટલો વિખવાદ છે કે અહીં મહેલમાં ફર્ગી-એન્ડ્રુની દીકરીના લગ્ન લેવાયા હતા ત્યારે કેમિલા મિત્રો સાથે પાર્ટી એન્જોય કરવા સ્કોટલેન્ડ ઉપડી ગયા હતા. સંબંધોમાં આ તે કેવી કડવાશ? (વાચક મિત્રો, સગાંવ્હાલાં વચ્ચેના સંબંધોના સમીકરણો સમજવા માટે આપે આ જ અંકમાં ‘મારે પણ કંઇક કહેવું છે’ કોલમમાં પ્રકાશિત કેનેડાના સુરેશ અને ભાવના પટેલના વિચારો વાંચવા રહ્યા.)
મિત્રો, અત્યારે તો મને આ પારિવારિક વિખવાદ સંદર્ભે ભૂલાભાઇ દેસાઇ યાદ આવી રહ્યા છે. મુંબઇમાં સ્વાતંત્ર્ય સંગ્રામ વેળા અને તે પછીના વર્ષોમાં ટોચના ધારાશાસ્ત્રી એટલે ભૂલાભાઇ દેસાઇ. બચાવ પક્ષે ભૂલાભાઇ હોય એટલે થઇ રહ્યું. તેમની કોઠાસૂઝને આંબવાનું કોઇ પણ સરકારી વકીલ માટે મુશ્કેલ થઇ જાય. આપને મારી વાતના સમર્થનમાં બે ઉદાહરણ આપું.
મુંબઇમાં ભારત છોડો ચળવળ ચાલતી હતી તે સમયની વાત છે. ઓગસ્ટ ૧૯૪૨માં ભારે તોફાનો થયા. અંગ્રેજ પોલીસે એક યુવાન વ્યક્તિની ધરપકડ કરી. આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના પર ટોળાને હિંસા અને તોફાન માટે ઉશ્કેરવાનો આરોપ હતો. પોલીસનું કહેવું હતું કે આરોપી ‘મારો, મત ભાગો...’ની બૂમો પાડતો હતો. કોર્ટમાં દલીલબાજી ચાલી. ફરિયાદી પક્ષની દલીલો પૂરી થયા બાદ ભૂલાભાઇનો વારો આવ્યો. તેમણે એક જ દલીલ કરે જજસાહેબ, આરોપીના શબ્દો સાંભળવામાં પોલીસ અને બાતમીદારોની કંઇક ભૂલ થઇ હોય તેમ લાગે છે. આરોપી ખરેખર તો તોફાને ચઢેલા ટોળાને એમ કહેતો હતો કે ‘મારો મત, ભાગો...’ ભૂલાભાઇની રજૂઆત એવી ધારદાર હતી કે જજનેય લાગ્યું કે નક્કી પોલીસ અને બાતમીદારોએ જ ભાંગરો વાટીને આરોપીને ખોટી રીતે કઠેડામાં ઉભો કરી દીધો છે. તરત જ તેમણે આરોપી યુવાનને નિર્દોષ છોડી મૂક્યો.
પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સ એન્ડ્રુ વચ્ચે રાજગાદીના વારસદાર હોવાના મુદ્દે મતભેદ છે કે નહીં એ તો આપણે નથી જાણતા, પરંતુ રાજગાદીની ખેંચતાણનો કિસ્સો સૌરાષ્ટ્રમાં વાસ્તવમાં બન્યો હતો અને ભૂલાભાઇ દેસાઇ કઇ રીતે તેનો ચુકાદો પોતાના અસીલની તરફેણમાં લાવ્યા હતા તેનો એક બહુ જાણીતો કિસ્સો છે. વાત રાજ પરિવારના મતભેદ - વિખવાદની ચાલે છે તો આ કિસ્સો પણ લો રજૂ કરી જ દઉં...
સૌરાષ્ટ્રના એક નાનકડા રજવાડાની (ત્યાં ૨૨૨ ખંડીયા રાજાઓ હતા!) રાજગાદીના વારસદાર માટે કોર્ટમાં કેસ થયો. વાત એમ હતી કે એક રાજાને બે કુંવર હતા. બન્ને જોડિયા. રાજગાદીનો વારસદાર નીમવાનો સમય આવ્યો. સામાન્ય સંજોગોમાં મોટા પુત્રને રાજગાદી મળે તેવી પરંપરા હોય છે, પણ અહીં તો જોડિયા પુત્રો હતા. રાજા ભારે અસમંજસમાં હતા. છેવટે તેમણે પોતાની સૂઝબૂઝ વાપરીને જે પુત્રનો પહેલાં જન્મ થયો હતો તેને રાજગાદીનો વારસદાર બનાવવાનું નક્કી કર્યું. બ્રિટિશ રાજના પોલિટિકલ એજન્ટે પણ માન્યતા આપી દીધી. પરંતુ ધાર્યું હતું એવું જ થયું. રાજગાદીથી વંચિત રહી ગયેલા પુત્રને મનદુઃખ થયું. તેણે રાજસિંહાસનમાં અડધો હિસ્સો માંગ્યો તો તેને સૌએ સમજાવ્યું કે તારો જન્મ થોડીક મિનિટ મોડો થયો હોવાથી તું નાનો ગણાય. વળી, રાજગાદીના ભાગલા તે થોડા પડાય?! વિવાદ લાંબો ચાલ્યો. રાજગાદીથી વંચિત નારાજ પુત્ર કોર્ટે ચઢ્યો. પોતાના વકીલ તરીકે ભૂલાભાઇ દેસાઇને રોક્યા.
કોર્ટમાં સુનાવણી શરૂ થઇ. રાજાએ પોતાના નિર્ણયને સાચો અને વાજબી ઠરાવવા રાજપુરોહિતોએ માંડેલી જન્મકુંડળીથી માંડીને જોડિયા કુંવરનો જન્મ કરાવનાર દાયણો વગેરે સહિતના પુરાવા-સાક્ષી વગેરે કોર્ટમાં રજૂ કર્યા. રાજાના વકીલે સાબિત કરી દેખાડ્યું કે રાજગાદીના વારસદાર તરીકે જાહેર થયેલો પુત્ર જ આ ધરતી પર પ્રથમ જન્મ્યો છે.
રજવાડાના વકીલની ધારદાર રજૂઆત બાદ વારો આવ્યો નારાજ કુંવર વતી કેસ લડી રહેલા ભૂલાભાઇ દેસાઇનો. તેમણે કાચની એક પારદર્શક નળી મંગાવી. બે અલગ અલગ રંગની લખોટી મંગાવી. કાચની નળી જજસાહેબની સામે ધરીને તેમણે કહ્યું કે જૂઓ આ બે લખોટી હું તેમાં નાંખું છું. આમ કહીને તેમણે બે લખોટી તેમાં વારાફરતી સરકાવી. જજને કંઇ સમજાતું નહોતું, પણ તેઓ જોતાં રહ્યાં. આ પછી ભૂલાભાઇએ કાચની નળીને ઊંધી કરીને લખોટીને બહાર કાઢતાં કહ્યું કે જૂઓ, જે લખોટી બીજા નંબરે નાંખી હતી તે પહેલાં બહાર આવી અને જે લખોટી પહેલા નંબરે નાંખી હતી તે બાદમાં બહાર આવી. હું આ પ્રયોગ વડે આપ નામદારને એટલું જ સમજાવવા માંગું છું કે જે પુત્રનો આ ધરતી પર થોડીક મિનિટ વહેલો જન્મ થયો છે તે ખરેખર તો નાનો પુત્ર છે કેમ કે તેનું ગર્ભાધાન બાદમાં થયું હોવાથી તે ગર્ભાશયમાં ઉપરના ભાગે હતો અને તેનો પહેલો જન્મ થયો. અમારા અસીલ કુંવર બાદમાં જન્મ્યા છે, જે દર્શાવે છે કે તેઓ ગર્ભાશયમાં નીચેના ભાગમાં હતાં અને તેમનું ગર્ભાધાન પહેલાં થયું હતું. આથી ખરેખર તો વયમાં તે મોટા ગણાય. અને આમ મોટા હોવાના કારણે રાજગાદીના અસલી હકદાર પણ તેમને જ ગણવા જોઇએ. ભૂલાભાઇની તર્કબદ્ધ રજૂઆતથી દંગ થઇ ગયેલા જજે ભૂલાભાઇની દલીલને માન્ય રાખી .
રાજારજવાડાં જેટલાં મોટાં એટલાં જ તેના મતભેદ, વિખવાદ મોટા. આ રાજવીનું સૌરાષ્ટ્રમાં નાનકડું રજવાડું હતું તો વાત કોર્ટમાં પતી ગઇ. નામદાર ક્વીનનું રજવાડું બહુ મોટું વિસ્તરેલું છે. એટલે મતભેદ અને વિખવાદ પણ મોટા જ હોવાના. પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સ એન્ડ્રુ વચ્ચે રાજગાદી માટે વિખવાદ થયાની વાત ક્યારેય સાંભળી નથી, પણ આપણે ધારી લઇએ કે કેમિલા અને ફર્ગી વચ્ચેય આ મુદ્દે ખેંચતાણ નહીં જ હોય. અત્યારે તો આપણે બન્ને વહુના વિખવાદ માટે એટલું જ ગાઇ શકીએ - વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ... (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter