વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણી ભાષાના મુઠ્ઠીઊંચેરા સર્જક ઉમાશંકર જોષીની કલમે અવતરેલી રચના ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા...’ સુપ્રસિદ્ધ છે. કવિતાનો નાયક મોકળા પગે ને ખુલ્લા મને કુદરતનો ખોળો ખૂંદવા એટલો તત્પર છે કે તેને ભોમિયાનો સંગાથ પણ સ્વીકાર્ય નથી. વ્યક્તિને કંઇક સાહસ કરવા - કંઇક નોખુંઅનોખું રજૂ કરવા માટે એકલપંડે આગળ વધવા જીવનબોધ આપતો આ વિચાર ઉત્તમ છે, અને ઉમદા પણ. હૈયે જો હામ હોય તો પ્રવાસી માટે એકલપંડે પ્રવાસપંથે કે પ્રગતિપંથે નીકળી પડવું મુશ્કેલ નથી, પણ સામૂહિક વિકાસ - આગેકૂચની વાત આવે છે ત્યારે તો સબકા સાથ, સબકા વિકાસના સૂત્રને અનુસરવામાં જ ભલાઇ છે. આવા સમયે ભોમિયો કહો કે માર્ગદર્શક કહો કે ગાઇડ આવશ્યક જ નહીં, અત્યંત ઉપકારક બની રહે છે. સહુ કોઇ સાથે મળીને એક જ દિશામાં આગેકૂચ કરી શકે - નિયત લક્ષ્ય ભણી પ્રયાણ કરી શકે તે માટે ભોમિયો દિવાદાંડીની ગરજ સારે છે. અંધકારમાં ઉજાસ ફેલાવીને માર્ગ ચીંધવાનું કામ કરે છે ભોમિયો.
જો પૂર્વનિર્ધારિત માર્ગે જ આગેકૂચ કરવાની હોય તો ભોમિયાનો અનુભવ બહુ જ ઉપકારક સાબિત થાય છે તેની ના નહીં, પરંતુ જ્યારે આ જ સમૂહમાં ચીલો ચાતરીને આગળ વધવાની તત્પરતા બળૂકી બને છે, કહો કે પ્રગતિ - ઉન્નતિના પંથે આગળ વધવાની ઝંખના ઉત્કટ બને છે ત્યારે માત્ર ભોમિયાથી કામ નથી ચાલતું. આ સમયે સક્ષમ - સુસજ્જ - સુદૃઢ સુકાની કે નેતૃત્વ આવશ્યક થઇ પડે છે. સુકાની પણ બહુધા હોય છે તો અનુભવી જ, પરંતુ તેનામાં પૂર્વનિર્ધારિત મુકામ કરતાં મુઠ્ઠીઊંચેરા - નવા નવા સીમાડાં - લક્ષ્ય હાંસલ કરવાનું વિઝન પણ હોય છે, અને આ માટે આવશ્યક હોંસલો પણ હોય છે. આપણે લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની જ વાત કરીએ... આજે દેશ કેવો ઊંચા મુકામે પહોંચ્યો છે. ભારતવાસીઓ જ નહીં, વિશ્વપટલ પર ફેલાયેલો ભારતીય સમુદાય તેમના માટે ગૌરવની લાગણી અનુભવે છે.
જે વાત દેશના નેતૃત્વને લાગુ પડે છે તે જ બાબત સમાજ કે જ્ઞાતિના નેતૃત્વને પણ એટલી જ લાગુ પડે છે. કહો કે વિશ્વફલક પર વિસ્તરેલા ભારતીય ડાયસ્પોરાને વિશેષ લાગુ પડે છે. વિદેશવાસી ભારતીય સમુદાય જે દેશમાં જઇ વસ્યો છે ત્યાંનો થઇને રહ્યો છે જરૂર, પણ (બહુધા) ભારતીયતા કોરાણે મૂકી નથી તેવું મારું માનવું છે. વિવિધતામાં એકતાના અનેરા રંગથી શોભતા આપણા સમાજે અનેકવિધ
ક્ષેત્રે સફળતાના મુકામ હાંસલ કર્યા છે, અને આગેકૂચ અવિરત ચાલુ જ છે.
આવા બહુરંગી ભારતીય સમુદાયનું અભિન્ન અંગ એટલે અનેકવિધ જ્ઞાતિઓ. પોતીકા કર્મોના આધારે ઉદ્ભવેલી આ દરેક જ્ઞાતિઓ આગવા ગુણ ધરાવે છે. સમયની સાથે દરેક જ્ઞાતિ - સમાજના લોકોએ પ્રગતિ તો કરી છે, પરંતુ જે સમાજને સક્ષમ નેતૃત્વ સાંપડ્યું છે તેમણે - દરિયાપારના દેશોમાં વસવાટ છતાં - અન્યોની સરખામણીએ વધુ સારી પ્રગતિ સાધી છે એમ કહી શકાય. જ્ઞાતિ-સમાજના લોકોને જ્યારે પ્રેરણા - પ્રોત્સાહન - કનેક્ટિવિટી મળી રહે છે ત્યારે તેમની પ્રગતિને પાંખ મળતી હોય છે. પોતાને ગૌરવભેર ભગવાન શ્રી રામનો વંશજ ગણાવતો રઘુવંશી સમાજ આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. વિશ્વભરમાં લોહાણા સમાજની વસ્તી - એક અહેવાલ પ્રમાણે - 10 લાખથી વધુ નથી. આંકડાઓની નજરે સમાજ ભલે અલ્પસંખ્યક જણાય, પણ વેપાર-ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, સખાવત વગેરે દરેક ક્ષેત્રે પ્રશંસનીય અનુદાન આપી રહ્યો છે.
મિત્રો, વાત લોહાણા સમાજની કરવી છે ત્યારે શરૂઆત ગુજરાતથી જ કરવી રહી... પશ્ચિમના દેશો, અને તેમાં પણ ખાસ કરીને આફ્રિકા અને મધ્ય-પૂર્વના દેશો દાયકાઓથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતાં આપણા સમાજના વિશેષ સંપર્કમાં હતા. ખંભાત, ભરૂચ, સુરત, માંડવી મસમોટા બંદરો તરીકે જાણીતા હતા. સુરતના બંદરે તો ચોર્યાસી દેશોના વાવટા ફરકતા હતા તે કોણ નથી જાણતું?! દેશવિદેશમાં માલસામાનની આયાત-નિકાસ માટે આ
બંદરો ધોરીનસ સમાન હતા. આ અરસામાં વેપાર-વણજ ક્ષેત્રે જૈન શાહ-સોદાગરોના નામના સિક્કા પડતા હતા એમ કહો તો પણ ખોટું નથી.
લોહાણા સમાજનો ઇતિહાસ સૈકાઓપુરાણો જરૂર, પરંતુ આ અરસામાં વેપાર-વણજ ક્ષેત્રે તેમનું બહુ મોટું નામ કે કામ જોવા મળતા નથી. સંભવતઃ એવું પણ બની શકે કે તે કાળખંડમાં તેમનું પ્રદાન એટલું છૂટછવાયું હશે કે ઇતિહાસમાં તેની સવિશેષ નોંધ લેવાઇ નથી.
લોહાણા સમાજની વેપાર-વણજની કૂનેહ-કૌશલ્યનો સિતારો ચમક્યો 20મી સદીમાં. 19મી સદીના અંત ભાગમાં તેમજ 20મી સદીમાં લોહાણા સમાજના તરવરિયા યુવાનો આર્થિક ઉપાર્જન અર્થે દરિયાપારના દેશોમાં જઇ વસ્યા. આમાં પણ સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, વેરાવળના લોહાણાઓની સંખ્યા સવિશેષ રહી. કહેવાય છે કે ગુજરાતીઓમાંથી સૌપ્રથમ લોહાણાઓ (ભાટિયાઓ પણ) દરિયાપાર દેશ જઇને વસ્યા હતા. અને કદાચ આ જ કારણસર લોહાણાઓ ઠક્કર તરીકે પણ ઓળખાયા. ઠક શબ્દનો અર્થ થાય છે દરિયાનું મોજું.
લોહાણા યુવા સાહસિકો દરિયો ઓળંગીને પ્રારંભે પહોંચ્યા આફ્રિકા ખંડ. અહીં તેઓ મુખ્યત્વે પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયામાં સ્થાયી થયા. દિવસરાત આકરી મહેનત અને પરસેવો સીંચીને તેઓ સાધનસંપન્ન થયા.
મિત્રો, આપણે લોહાણા સાહસિકોની વાત કરીએ છે ત્યારે મને બે નામ ખાસ યાદ આવે છે. એક તો, શ્રી નાનજી કાલિદાસ મહેતા, અને બીજા, (આપણા બ્રિટીશ ગુજરાતી સમાજના ચમકતા સિતારા) શ્રી મનુભાઇ મુળજીભાઈ માધવાણી. બન્નેએ આફ્રિકામાં વિશાળ વેપાર સામ્રાજ્ય સર્જ્યું. આ લોહાણા રત્નોએ તેમની સિદ્ધિ-સફળતા થકી માત્ર ગુજરાતી કે ભારતીય સમાજમાં જ નહીં, સમગ્ર આફ્રિકા ખંડમાં આગવી નામના મેળવી. આનું મુખ્ય કારણ એ હતું કે તેમણે માત્ર પોતાના પરિવારજનો કે ભારતીય સમુદાયની જ નહીં, સ્થાનિક આફ્રિકન પ્રજાજનોની સુખાકારીની પણ એટલી જ લાગણીભરી કાળજી લીધી. આ બન્ને મહાનુભાવોએ લખેલા જીવનવૃતાંત પર એક નજર ફેરવશો તો જણાશે કે તેમણે એકડેએકથી નહીં, પણ સાવ શૂન્યમાંથી સર્જન કર્યું હતું. તેમણે કેવા કેવા પડકારોનો સામનો કર્યો હતો, અને સમસ્યાઓને કઇ રીતે તેમણે સફળતામાં પલટી હતી તે જાણીને આશ્ચર્યચકિત થઇ જશો. લોહાણા સમાજની આ જ તો વિશેષતા રહી છે - પથ્થરમાંથી પાણી કાઢવું.
મહેતા ગ્રૂપ, માધવાણી ગ્રૂપ કે વડેરા ગ્રુપ આજે દસકાઓ બાદ પણ તેઓ આફ્રિકન દેશોના વેપારઉદ્યોગમાં - અર્થતંત્રમાં યોગદાન આપવામાં મોખરાનું સ્થાન ધરાવવા ઉપરાંત મુઠ્ઠીઊંચેરી નામના ધરાવે છે. લોકોને પોતાના ગામ - શહેર કે દેશમાં પણ નામના - પ્રતિષ્ઠા કમાતાં વર્ષો લાગી જાય છે જ્યારે આ મહાનુભાવોએ તો વિદેશની અજાણ ભોમકા પર જઇને પ્રસિદ્ધિના પરચમ લહેરાવ્યા છે, જે નાનીસૂની સિદ્ધિ નથી. મારું નમ્રપણે માનવું છે કે મહેતા, માધવાણી કે વડેરા પરિવારે વ્યાવસાયિક હિતોને હાંસલ કરવા માટે ક્યારેય મૂલ્યનિષ્ઠા કે સામાજિક પ્રતિબદ્ધતા સાથે બાંધછોડ કરી નથી તેનું આ પરિણામ છે.
સમાજમાં હંમેશા સત્કાર્યો કે સદવૃત્તિની નોંધ લેવાતી જ હોય છે. સન 1952માં 26 ડિસેમ્બરના રોજ મુંબઇના આઝાદ મેદાનમાં લોહાણા પરિષદનું પહેલું અધિવેશન યોજાયું હતું. ઉદ્દેશ હતો લોહાણા સમાજને એકતાંતણે બાંધવાનો, પણ સવાલ હતો ‘સમાજના નાક’ જેવી સંસ્થાનું સુકાન કોને સોંપવું? સર્વાનુમતે એક નામ ઉભર્યું - શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા. અતિશય વ્યસ્તતા છતાં તેમણે જવાબદારી સંભાળી, અને સુપેરે નિભાવી પણ ખરી. વ્યવસાય હોય કે સમાજ - હંમેશા પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા પ્રતિબદ્ધ નાનજી કાલિદાસ મહેતાએ પોતાના વિઝનરી અભિગમ થકી સંસ્થાનું ફલક વિસ્તાર્યું.
વાચક મિત્રો, વ્યક્તિ હોય કે સંસ્થા જ્યારે ઇરાદો નેક હોય અને પાયો મજબૂત હોય ત્યારે તેના પર બુલંદ ઇમારતનું નિર્માણ કરવાનું આસાન થઇ જાય છે. લોહાણા મહાપરિષદના કિસ્સામાં પણ આ જ થયું. સમયના વહેવા સાથે એક પછી એક સુકાની સંસ્થાનું નેતૃત્વ સંભાળતા ગયા અને સમાજને સંસ્થા સાથે જોડતા ગયા. સહુ સાથે મળીને પોતાના ભાગે આવેલી જવાબદારી નિભાવતા ગયા. આજે લોહાણા મહાપરિષદનું સુકાન સંભાળતા શ્રી સતીષભાઇ વિઠલાણી 14મા પ્રમુખ તરીકે કાર્યભાર તરીકે સંભાળે છે અને તેમના સબળ નેતૃત્વ થકી સંસ્થા જ નહીં, સમગ્ર સમાજ આગેકૂચ કરી રહ્યો છે. 1957ની જાણીતી ફિલ્મ ‘નયા દૌર’નું ગીત યાદ છે?!
‘સાથી હાથ બઢાના...
એક અકેલા થક જાયેગા,
મિલકર બોજ ઉઠાના...’
બસ, સહુના સહિયારા પ્રયાસનું પરિણામ એ છે કે લોહાણા સમાજ નાના-મોટા અવરોધો ઓળંગતો ઓળંગતો પ્રગતિના પંથે હરણફાળ ભરી રહ્યો છે.
આજે લોહાણા મહાપરિષદ અત્યંત પ્રભાવશાળી સંગઠન છે. મારા ખ્યાલ પ્રમાણે, લોહાણા સમાજના માત્ર બ્રિટનમાં જ 20થી વધુ એકમો કાર્યરત છે, અને સમાજના ભાઇભાંડુને એક તાંતણે બાંધી રહ્યા છે. લોહાણા કોમ્યુનિટી નોર્થ, લોહાણા કોમ્યુનિટી ઇસ્ટ, લોહાણા કોમ્યુનિટી લંડન, લોહાણા કોમ્યુનિટી યુકે વગેરે વગેરે - સંસ્થાઓ ભલે અલગ અલગ હોય, પણ સહુનું લક્ષ્ય એક જ છે - સબકા સાથ, સબકા વિકાસ. જે જે દેશોમાં લોહાણા સમાજના સભ્યો વસે છે ત્યાં ત્યાં તેમના સંગઠન જોવા મળે છે.
વિશ્વભરના લોહાણા સમાજની માતૃસંસ્થા એવી શ્રી લોહાણા મહાપરિષદ સમાજના સર્વગ્રાહી અને સામૂહિક વિકાસના ઉમદા ઉદ્દેશ સાથે તેનું ફલક પણ વિસ્તારી રહી છે. એક સમયે ભારતમાં મહાપરિષદના 7 ઝોન કાર્યરત હતા, આજે 15 ઝોન તથા સબ ડિવિઝન્સ કાર્યરત છે, જેથી સમાજની દરેક વ્યક્તિ સુધી પહોંચી શકાય. આ જ પ્રકારે વિશ્વસ્તરે 25 ગ્લોબલ ઝોનમાં કામગીરી ચાલી રહી છે. પ્રમુખશ્રી સતીશભાઇનો ઉદ્દેશ સ્પષ્ટ છે - વિશ્વના કોઇ પણ છેડે, નાનામાં નાના નગરમાં વસતા લોહાણા સભ્ય સુધી પહોંચવા અમે સક્ષમ હોવા જોઇએ. આજે મહાપરિષદ શિક્ષણથી લઇને આરોગ્ય, ચાર્ટર્ડ એકાઉન્ટીંગથી લઇને લીગલ પ્રોફેશનલ્સ અને મેટ્રીમોનિયલ્સથી લઇને યુવા શાખા, મહિલા શાખા, રમતગમત સહિત 27 સમર્પિત કમિટી થકી અનેકવિધ ક્ષેત્રે કાર્યરત છે.
છેલ્લા કેટલાક વર્ષથી લોહાણા મહાપરિષદે સમાજના ઉદ્યોગ સાહસિકોને એકતાંતણે બાંધવા લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF)ના નેજામાં એક અનોખું અભિયાન આદર્યું છે.
વેપાર-વણજ જેમના લોહીમાં વહે છે તેવા લોહાણા સમાજના ઉદ્યોગસાહસિકો, સવિશેષ તો યુવા પેઢીને, પોતપોતાના ક્ષેત્રે સલાહ-માર્ગદર્શનથી લઇને વિવિધ પ્રકારે સહયોગ અને નેટવર્કિંગનો ઉત્કૃષ્ટ અવસર મળી રહે તે માટે દર વર્ષે LIBF દ્વારા સેમિનાર યોજાય છે.
2023માં પહેલો LIBF ઇવેન્ટ યુગાન્ડામાં, બીજા વર્ષે 2024માં ગાંધીનગરમાં અને 2025માં દુબઇમાં શાનદાર સેમિનાર યોજ્યા બાદ હવે આ વર્ષનો LIBF ઇવેન્ટ નવી મુંબઇમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય જિઓ વર્લ્ડ સેન્ટરમાં યોજાઇ રહ્યો છે. આ અંગેનો વિગતવાર અહેવાલ આપ સહુએ ગુજરાત સમાચારના ગત અંકમાં વાંચ્યો જ હશે. એટલું જ નહીં, ગુરુવારે - 15 જાન્યુઆરીથી ફરી એક વખત શરૂ થઇ રહેલા લોકપ્રિય ઝૂમ ઇવેન્ટ ‘સોનેરી સંગત’માં પણ આ મુદ્દે વિશેષ રજૂઆત થવાની છે.
આપણા સમુદાયના સામાજિક સંગઠનો - જ્ઞાતિ સંસ્થાનોની સરખામણીએ લોહાણા સમાજ ડગલું આગળ જોવા મળે છે તેનું કારણ છે સમાજનું સુદૃઢ નેતૃત્વ અને લોહાણા મહાપરિષદ જેવી માતૃ સંસ્થાનો સંવેદનાસભર સમાજલક્ષી અભિગમ. લોહાણા સમાજના લોકોની સરસ્વતી બિરાજે અને હૈયે દયાભાવના. સમાજના તમામ વર્ગે આ સમાજ પાસેથી ઘણું શીખવા જેવું છે, સમજવા જેવું છે, અને અપનાવવા જેવું છે. શ્રી લોહાણા મહાપરિષદનો મુદ્રાલેખ છેઃ ‘સંન્નિષ્ઠા, સંગઠન, સેવા દ્વારા સમૃદ્ધિ’. કોઇ પણ જ્ઞાતિ - સમાજ માટે એક સુવ્યવસ્થિ - સુસંચાલિત સંસ્થા એકસો નેતાની ગરજ સારતી હોય છે તે સહુ કોઇએ યાદ રાખવું રહ્યું. (ક્રમશઃ)


