વહુ, વરસાદ અને વિધાતાને જશ નહીં...

સી. બી. પટેલ Wednesday 01st August 2018 07:08 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ શીર્ષક લખતા તો લખાઇ ગયું છે, પણ તેમાં છૂપાયેલો સંદેશ વાંચીને વાચકોનો એક વર્ગ મારી સામે નારીશક્તિની તરફદારી કરતા હોવાનો આક્ષેપ કરે તો નવાઇ નહીં. સાચી વાત તો એ છે કે કહેવત એટલે અનુભવનો નિચોડ. આપ સહુ સુજ્ઞજનો જ કહેવત વાંચીને વિચારોને... વહુ ગમેતેટલું સારું કામ કરે તેને ભાગ્યે જ જશ મળતો હોય છે. ખરું છેને? તેના કામમાંથી ક્યાંકને ક્યાંક કોઇને કોઇ કચાશ શોધીને ટીકાટિપ્પણ થતી જ હોય છે.
કદાચ કોઇ વાચક મારી આ વાત વાંચીને એવી ટકોર પણ કરી શકે છે કે સી.બી.ભાઇ, તમે વહુની તો બહુ ચિંતા કરો છો, પણ ક્યારેક તેના ભરથારની પણ ચિંતા કરોને... આ ફરિયાદ પણ વજૂદ વગરની તો નથી જ. બ્રિટન હોય કે ભારત, ડોમેસ્ટિક વાયોલન્સના કાયદા ભલભલા ભાયડાને ભારે પડી રહ્યા છે. તેની ઝપટે ચઢ્યા નથી કે ધંધે લાગ્યા નથી. ડોમેસ્ટિક વાયોલન્સ નામે ઘરેલુ હિંસાના કાયદામાં આકરી જોગવાઇઓ હોય છે. વળી, આવા કિસ્સામાં પત્નીઓને એટલે કે મહિલાઓને મદદ કરવા માટે અનેક સંગઠનો પણ કાર્યરત જોવા મળે છે.
સૂકા ભેગું લીલું પણ બળવાનું એ ન્યાયે સાચા કિસ્સાની સાથેસાથે બહેનોની રક્ષા માટે ઘડાયેલા કાયદાઓનો ક્યારેક દુરુપયોગ થતો જોવા મળે છે તે પણ આપણે સહુ જાણીએ છીએ. આથી જ વાચકોનો એક વર્ગ એવો પણ પ્રશ્ન ઉઠાવી શકે છે કે તમે પત્ની પર થતા અત્યાચારનો મુદ્દો તો ઉઠાવો છો, પરંતુ પતિઓ પર થતા અત્યાચારોનું શું? અબળાઓ પર માત્ર પુરુષોના જ હાથ ઉપડે છે તેવું નથી, પતિઓને ધોલધપાટના કિસ્સા પણ બનતા રહે છે. કેટલીક સબળાઓ એવી પણ હોય છે, જે પતિ પર અત્યાચાર ગુજારવામાં કોઇ કસર છોડતી નથી. આવા પત્ની-પીડિત પતિઓને રક્ષણ માટે કેમ કાયદામાં પૂરતી જોગવાઇ નથી?
ખેર, સવાલો તો ઘણા બધા ઉઠી શકે છે, પણ હું તો મારો દૃષ્ટિકોણ સદા સર્વદા સમતોલ રાખવા પ્રયત્નશીલ રહું છું. રખે કોઇ એવું માની લે કે નારીશક્તિ માટે મારો પક્ષપાત છે અને એટલે જ આ ખુલાસો કર્યો. આપણે વાત વહુની કરતા હતા અને જશના મુદ્દે કંઇક તેના જેવી જ હાલાત વાતાવરણની છે, ઋતુમાનની છે.
આ જૂઓને બ્રિટનમાં, સમસ્ત દેશમાં વીતેલા સપ્તાહ દરમિયાન ઋતુમાનમાં તીવ્ર ઉલટપુલટ જોવા મળી. ઉષ્ણતામાનનો પારો ૨૨, ૨૪, ૨૮, ૩૦, અરે... ૩૫ સુધી પહોંચી ગયો. લોકો ગરમીથી તોબા પોકારી ગયા હતા. ગયા શુક્રવારે કદાચ ભારતના મોટા ભાગના શહેરોમાં પણ કદાચ આટલી ગરમી નહીં હોય. વળી, બ્રિટન તથા ભારતની ગરમીમાં પણ ફરક તો ખરો જ ને? આગલા સપ્તાહે હું પણ ભારતમાં હતો. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ઘણું ફર્યો. ગરમી વધુ જરૂર હતી, પણ અહીંના જેવી ‘અણિયાળી’ નહીં. અહીંની ગરમી શબ્દશઃ અંગ દઝાડે તેવી હોય છે. અસહ્ય હોય છે. જ્યારે ભારતમાં ગરમીનો પારો વધુ ઊંચો હશે તો પણ તે ક્યારેય અસહ્ય બનતી નથી એ આપ સહુને જાતઅનુભવે સમજાયું હશે.
લંડનની જ વાત કરું તો... આપણા કાર્યાલયના શક્તિ હોલમાં ૪ ફેન છે. ચારેય ફેન ધમધમતા હતા, પરંતુ સાથી મંડળના સભ્યો એટલો તીવ્ર ઉકળાટ અનુભવતા હતા કે હરીશભાઈને તાત્કાલિક વધુ બે ફેનનો ઓર્ડર નોંધાવવો પડ્યો. આ વાત છે ગયા સોમવારની. જ્યાં ઓર્ડર આપેલો તેમણે જણાવેલું કે ફેનના ઓર્ડર બહુ બધા હોવાથી બુધવાર સુધીમાં તમને ડિલિવરી મળી જશે. વધારાના ફેન આવી રહ્યાની આશામાં રાચતા રાચતા બે દિવસ જેમતેમ કાઢ્યા ત્યાં બુધવારે ડીલરનો ફોન આવ્યો કે સોરી, તમને આજે ફેન પહોંચાડી શકાય તેમ નથી. કારણ પૂછ્યું કે આવું કેમ? તો કહે કે ફેનની ડિમાન્ડ બહુ મોટી છે, અને કંપનીમાં સ્ટોક ખૂટી પડ્યો હોવાથી સપ્લાય જ ખોરવાઇ ગયો છે. સ્ટોક આવતાં હજુ બે-ચાર દિવસ તો થઇ જ જશે. હજુ બે-ચાર દિવસ?! આટલું સાંભળીને જ બધા પરસેવે રેબઝેબ થઇ ગયા.
એક દિવસ વીત્યો ને શુક્રવાર આવ્યો...
હવામાને એવો પલ્ટો માર્યો કે ગરમી ગઇ ને વરસાદ આવ્યો. દેશના કેટલાક ભાગોમાં કરા પણ પડ્યા. કેટલાકે કકળાટ ઠાલવ્યોઃ આ વરસાદ વળી ક્યાં આવ્યો? આના કરતાં તો ઠંડી સારી...
બીજો દિવસ થયો ને વરસાદ ગયો. શનિવારે સવારે તીવ્ર ઠંડીનો ચમકારો વરતાયો. ક્યાં તીવ્ર ગરમી, ક્યાં વરસાદ ને ક્યાં ઠંડીનો સપાટો. કલાકોમાં સમગ્ર માહોલ બદલાઇ ગયો. પહેલા લોકો ગરમીથી ત્રસ્ત થઇ ગયા હતા, પછી અચાનક વરસાદ ત્રાટક્યો તો તેનાથી હાયતોબા કરવા લાગ્યા. થોડાક કલાકોમાં વરસાદ ગયો ને ઠંડીનો ચમકારો વધ્યો. લોકોએ ઉકળાટ ઠાલવ્યોઃ માળું, આ તો બહુ ઠંડોગાર માહોલ થઇ ગયો છે. તમે જ કહો... લોકોને કોઇ વાતે સંતોષ છે?!
વાચક મિત્રો, આ બધી પારાયણ રજૂ કરીને એટલું જ સમજાવવા માંગુ છું કે ઋતુમાન વિશેની આપણી ફરિયાદ આખરે તો નિરર્થક અને અઘટિત જ છે. જે સંજોગો, પરિબળો વગેરે ઉપર આપણો - માનવમાત્રનો - અંકુશ ન હોય તે વિશે વસવસો કે ફરિયાદ કરવાના બદલે તેને સ્વીકારી લેવામાં જ ડહાપણ નથી? માનવમાત્રનો સ્વભાવ હોય છે - ઊંટ કાઢે ઢેકાં તો માણસ કાઢે કાઠાં. પરંતુ દરેક વખતે આવા કાઠાં કામ આવતા નથી તે પણ હકીકત છે.
આદિકાળથી માનવમાત્ર કાળક્રમે રહેઠાણની રચના એ પ્રકારે કરતો રહ્યો છે કે તમામ પ્રકારની મોસમમાં તેને રક્ષણ મળી રહે. લોથલ હોય કે ધોળાવીરા, તમે પ્રાચીનતમ સંસ્કૃતિના અવશેષો પર નજર ફેરવશો તો જોવા મળશે કે મનુષ્ય હંમેશા એવા રહેઠાણની રચના કરતો રહ્યો છે કે સૂર્યદેવતા ગમેતેવા જોશભેર તપતા હોય ઘરમાં ઠંડક જળવાય છે અને ઠંડીના દિવસોમાં માહોલ ગરમ રહે. લગભગ દરેક ઋતુમાં ઘરની અંદરનું ઉષ્ણતામાન લગભગ એકસમાન રહે તેવી સુચારુ વ્યવસ્થા તે સૈકામાં ગોઠવી હતી. આવું જ પાણી પુરવઠાની વિતરણ વ્યવસ્થાનું હતું, લોકોને વગર મોટર-પંપે પાણીનો એકસરખો પુરવઠો મળી રહેતો હતો.
આજે વિજ્ઞાને આસમાનને આંબતી પ્રગતિ હાંસલ કરી છે, હકીકત એ છે કે એરકંડીશન કે ફેન વગરનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. આજે ઓરડાની અંદરની ‘મોસમ’ બદલી નાખે તેવા એક નહીં, અનેક ઉપકરણો આવી ગયા છે. ગરમીનો સામનો કરવા એરકંડીશન, અને ઠંડીનો સામનો કરવા હીટર... (જોકે વાચક મિત્રો, આપ સહુએ એક વાત નોંધી હશે કે ઓરિજનલ એ ઓરિજનલ. કુદરતી વાતાવરણ એ કુદરતી, તેના જેવી મજા મશીનમાં નથી.)
એક જમાનામાં મધ્ય-પૂર્વના સાઉદી અરબ કે આજુબાજુના પ્રદેશોમાં જોજનો સુધી, બળબળતી રેતીના ઢગલા વચ્ચે મીઠા પાણીના જંગી પુરવઠાની કલ્પના પણ શક્ય નહોતી. આજે આ જ વિસ્તારમાં માનવીએ વિજ્ઞાનની મદદથી દરિયાના પાણીને મીઠું કરીને તેને વિવિધ ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. હવે આ પ્રદેશમાં પીવાના પાણીની અછત નથી. થેન્કસ ટુ સાયન્સ... સાઉદી અરેબિયા, કુવૈત, દુબઇ કે તેની આસપાસના રેતાળ પ્રદેશના કેટલાય વિસ્તારોમાં (ગ્રીન હાઉસ બનાવીને) ખેતી થાય છે, અને બાગબગીચામાં લીલોતરી લહેરાતી જોવા મળે છે. દુબઇમાં ફરો તો તમને એ રણ હોય તેવું લાગે જ નહીં. અનેક વિસ્તારોમાં તમને લીલીછમ હરિયાળીનો આંખો ઠારતો નજારો જોવા મળશે.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે મનુષ્ય સંજોગો સામે પરાજય સ્વીકારીને, સંજોગો સાથે સમાધાન કરી લે છે ત્યારે જ મુશ્કેલી સર્જાય છે. પરંતુ જ્યારે મુશ્કેલી સામે બાથ ભીડે છે ત્યારે જ તે અસહ્યને સહ્ય બનાવતો વિકલ્પ શોધી લે છે. વાત જીવનશૈલીની હોય કે જિંદગીની - હકારાત્મક અભિગમ તમને સમસ્યામાંથી રસ્તો સૂઝાડતો જ હોય છે, ઉકેલ ચીંધતો જ હોય છે.
પરંતુ આ બાબત, આ દષ્ટિકોણ, આ વિચાર અને આવું વર્તન દરેક વ્યક્તિને આસાનીથી પ્રાપ્ત થતું નથી. આ માટે તો આપણે જાતે જ સમસ્યા સાથે અનુસંધાન સાધવું રહ્યું, અને તેમાંથી માર્ગ ખોળવો રહ્યો.
ચાલો, આ વાતને જરા બીજી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરું. વ્હાલા વાચક મિત્રો, આપ સહુને સુવિદિત છે કે મને ગીત-ભજન-ગઝલ-કવિતા-ગઝલ બધું વાગોળવાની આદત છે. મનમાં આવ્યું નથી કે જીભે ચઢ્યું નથી. જોકે હું મોટા અવાજે ગીતો લલકારતો નથી એટલે પરિવારને હું જવલ્લે જ ત્રાસ આપતો હોઇશ એમ કહી શકાય. જોકે ગયા શુક્રવારે સાંજે અણધાર્યા આવી પડેલા વરસાદમાં પલળીને આવ્યા બાદ હું ઘરના મારા સ્ટડી રૂમમાં બેઠો હતો. મારા મનમાં આ સાથે (બોક્સમાં) રજૂ કરેલા ગીતની પંક્તિઓ રમતી હતીઃ

કલ રાત જિંદગી સે મુલાકાત હો ગયી,
લબ થરથરા રહે થે મગર બાત હો ગઇ...

શકીલ બદાયુનીની શબ્દગૂંથણી અને મોહમ્મદ રફીનો ઘૂંટાયેલો અવાજ. જાણે સોને પે સુહાગા. ગીતકાર શકીલ બદાયુની હોય કે સાહિર લુધિયાનવી હોય કે પછી તાજેતરમાં આપણી વચ્ચેથી વિદાય લઇ ગયેલા ‘કારવાં ગુજર ગયા...’ના સર્જક ગોપાલદાસ કવિ ‘નીરજ’ની વાત હોય. આપણા ભારતીય શાયરો - કવિઓ - સર્જકોને હું હંમેશા એક ગીતકાર કરતાં પણ મુઠ્ઠીઊંચેરા માનતો રહ્યો છું. કારણ? અર્થસભર ગીતની રચના કરતાં તેમના શબ્દોમાં માત્ર મનોરંજન નહીં, જીવનની ફિલસૂફી ઝળકતી જોવા મળે છે. આપણા આ ઊંચી કોટિના ગીતકારો-કવિઓને સર્જક કરતાં ઊંચા ગજાના તત્વચિંતક હોવાનું મારું માનવું છે.
આ સાથે રજૂ કરેલા ફિલ્મ ‘પાલકી’ના ગીતની શબ્દરચના જ જૂઓને... રચનામાં ભલે ઉર્દૂ શબ્દોની ભરમાર જોવા મળે, પણ તેનો સંદેશ જૂઓ. પ્રારંભે મને પણ તેના શબ્દો સમજવામાં મુશ્કેલી પડતી હતી. આથી જાણકારોને પૂછ્યું તો તેમણે સરળ ભાષામાં મને સમજ આપી અને કંઇક ગડ બેસી કે કવિ આખરે કહેવા શું માગે છે. વાચક મિત્રો, આપ પણ આપની રીતે આ સાથેના ગીતના શબ્દોનું પઠન કરજો અને કયામત, હકીકત, રંગત જેવા શબ્દોને યોગ્ય સંદર્ભ સાથે સમજવા પ્રયાસ કરજો. સર્જકની આખરી પંક્તિમાં ઉલ્લેખ છેઃ માયુસીયાં હૈ ફિર ભી મેરે દિલ કો આશ હૈ...
આપ સહુને ગીતના શબ્દોનો યોગ્ય અર્થ કરવા છૂટ છે, પરંતુ મુખ્ય બાબત એ છે કે આપણા ગમા-અણગમા, પસંદ-નાપસંદ વચ્ચે પણ એક પરિબળ એવું હોય છે જે આપણા અંકુશમાં હોતું નથી. પછી તે વાતાવરણ હોય કે વાણી હોય કે વ્યક્તિનું વર્તન હોય. અરે, વ્યક્તિનું ખુદનું વર્તન પણ ક્યારેક નિરંકુશ નથી થઇ જતું? તેનું ખુદનું વર્તન નિયંત્રણ બહાર હોય છે. આ સમગ્ર સૃષ્ટિમાં બધેબધું મારી અપેક્ષા પ્રમાણે ચાલે તેવી અપેક્ષા જ અવાસ્તવિક છે. એક પ્રકારની અધૂરપ છે. અને આવી અધૂરપ નિવારવા માટે આપણે વિસ્તરવું રહ્યું.
ગમેતેવા માયુસ માહોલ વચ્ચે પણ આશા અમર જ રહેતી હોય છે. તેમાંય જો આશા-અપેક્ષા, ઇચ્છા-અરમાનો વાસ્તવિક હોય, વિચાર સાથે અનુકૂલન સાધતું આચરણ શુદ્ધ હોય તો સરવાળે બાજી હાથમાં જ હોય છે તેવું મારું નમ્રપણે માનવું છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ - એમ કંઇ અમસ્તું નથી કહેવાયું.

•••

ફિલ્મઃ પાલકી (૧૯૬૭)
ગીતકારઃ શકીલ બદાયુની
ગાયકઃ મોહમ્મદ રફી

કલ રાત જિંદગી સે મુલાકાત હો ગયી
લબ થરથરા રહે થે મગર બાત હો ગયી
કલ રાત જિંદગી....

એક હુસ્ન સામને થા કયામત કે રૂપ મે
એક કવાબ જલવાગર થા હકીકત કે રૂપ મે
ચેહરા વાહી ગુલાબ કી રંગત લિયે હુએ
નજરે વાહી પયામ-ઇ-મુહબ્બત લિયે હુએ
જુલ્ફે વાહી કી જૈસે ધુન્ધલકા હો શામ કા
આંખે વાહી જિન આંખો પે ધોખા હો જામ કા
કુછ દેર કો તસલ્લી-ઈ-જજ્બાત હો ગઈ
લબ થરથરા રહે...

દેખા ઉસે તો દામન-ઇ-રુક્સાર નામ ભી થા
વલ્લાહ ઉસકે દિલ કો કુછ એહસાસ-ઇ-ગમ ભી થા
થે ઉસકી હસરતો કે કાજાને લૂટે હુએ
લબ પર તડપ રહે થે ફસાને ઘુટે હુએ
કાંટે ચુભે હુએ થે સિસકતી ઉમંગ મેં
ડૂબી હુઈ થી ફીર ભી વો વફાઓ કે રંગ મે
દમ ભર કો કતમ ગર્દિશ-ઇ-હાલાત હો ગઈ
લબ થરથરા રહે....

એ મેરી રુહ-ઇ-ઇશ્ક મેરી જાન-ઇ-શાયરી
દિલ માનતા નહીં કી તું મુજસે બિછડ ગઈ
માયુસીયાં હૈ ફિર ભી મેરે દિલ કો આસ હૈ
મહસૂસ હો રહા હૈ કિ તુ મેરે પાસે હૈ
સમજાઉં કિસ તરહ સે દિલ-એ-બેકરાર કો
વાપસ કહાં સે લાઉં મેં ગુજરી બહાર કો
મજબૂર દિલ કે સાથ બડી ઘાત હો ગઈ
લબ થરથરા રહે....

•••

શૈક્ષણિક સિદ્ધિઃ આવકાર્ય છતાં....

આવતા સપ્તાહે બ્રિટનમાં જીસીએસઇ તેમજ ‘એ’ લેવલના પરિણામો પ્રસિદ્ધ થશે. કોઇ જ્વલંત શૈક્ષણિક કારકિર્દીના પંથે પ્રયાણ કરશે તો કોઇને (નબળા પરિણામના કારણવશ) પોતાની પસંદગી સાથે બાંધછોડ કરીને અન્ય માર્ગે આગળ વધવું પડશે. પરિણામની મોસમનું આગમન થઇ રહ્યું છે તેની સાથે સાથે જ કિશોર-કિશોરીઓ, યુવક-યુવતીઓના દિલોદિમાગમાં - ચોરપગલે - ચિંતાનો વાવંટોળ આકાર લેવા લાગ્યો છે. અભ્યાસ કરતી યુવા પેઢી માટે આગામી દિવસો ભારે અવઢવના બની રહેશે. પરિણામમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું તેની પળોજણ આગામી દિવસોમાં જોવા મળશે. ઇચ્છાનુસાર, અપેક્ષાનુસાર, અરે તૈયારી પ્રમાણે જ પરિણામ આવે તો પણ તેમાં નિશ્ચિતતા તો નથી જ ને? ગમેતેટલી મહેનત કરી હોય, પણ પરિણામ સાથે ચાન્સ કહો તો ચાન્સ, અને લક કહો તો લક સંકળાયેલા છે. અણધાર્યું પરિણામ વિદ્યાર્થી માટે જ નહીં, પરિવારજનો માટે અણધારી ઉપાધિ નોતરે છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
બ્રિટન જેવા સાધનસંપન્ન અને - પ્રમાણમાં - સ્વસ્થ દેશમાં પણ દર વર્ષે પરિણામ જાહેર થયા બાદ કેટલાક યુવક-યુવતીઓ આત્મહત્યા કરીને જીવનનો અંત આણે છે. હજારો યુવક-યુવતીઓ માનસિક તણાવના ભરડામાં સપડાઇને નિરાશા-હતાશાનો ભોગ બને છે. ડિપ્રેશનની અસર એટલી તીવ્ર હોય છે કે તેમને તબીબી સારવાર લેવી પડે છે. એક અંદાજ મુજબ ડોક્ટરોને એક્ઝામ રિઝલ્ટના દિવસોમાં યુવા પેઢીના ૮થી ૧૦ ટકા વર્ગને એન્ટી-ડિપ્રેશન્ટ દવાનો ડોઝ આપવો પડે છે. માનસિક તણાવ ઘટાડવા દવા લેવી પડે તે પણ એક વિષચક્ર છે, પરંતુ તેની વિગતવાર ચર્ચા પછી ક્યારેક.
મુખ્ય મુદ્દો એ છે કે મારા - તમારા - આપણા સંતાનો અપેક્ષિત પરિણામોથી લેશમાત્ર ઓછું સ્વીકારવા તૈયાર નથી. આ મુદ્દો એક સિક્કાની બે બાજુ જેવો છે - તમે આને સફળતા માટેની ભૂખ પણ ગણી શકો અને બીજી તરફ આ જ અપેક્ષાનું ભારણ - નિશ્ચિત પરિણામ હાંસલ કરવામાં નિષ્ફળતા સાંપડે તો - ડિપ્રેશનની ગર્તામાં ધકેલવાનું કારણ પણ બની શકે છે.
આપણા સંતાનો, યુવા પેઢી સારા પરિણામો પ્રાપ્ત કરે, ઝળહળતી શૈક્ષણિક કારકિર્દીના પંથે આગેકૂચ કરે તે ઇચ્છવાયોગ્ય છે, આજના સમયની પાયાની જરૂરત છે તે બધું સાચું, પરંતુ સાથોસાથ સહુ કોઇએ ભૂલ્યા હોય ત્યાંથી ફરી ગણતા પણ શીખવું જોઇએ.
આ પ્રસંગે મને તાજેતરમાં જ વાંચેલો એક ભૂતપૂર્વ સૈનિકનો કિસ્સો યાદ આવે છે. એક સમયે રાષ્ટ્રના રક્ષણ કાજે હાથમાં શસ્ત્ર ઉઠાવીને ફરતા ચાર્લ્સ બેટી નામના આ સૈનિકે નિવૃત્તિ બાદ પુસ્તકો હાથમાં લીધા. લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રીત કરીને અભ્યાસ શરૂ કર્યો અને હવે પીએચ.ડી.ની પદવી મેળવી. કદાચ કોઇ વાચક મિત્ર પૂછશે કે આમાં નવું શું છે? આ મિત્રોને એટલું જ કહેવાનું કે ચાર્લ્સની ઉંમર ૯૫ વર્ષની છે! જે વયે મોટા ભાગના માણસો ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે પણ માંડ માંડ પહોંચી શકતા હોય છે તે ઉંમરે ચાર્લ્સે ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. મારા નામેરીની (વાચક મિત્રો, ચાર્લ્સ બેટી એટલે સી.બી. જ થયું ને?!) આ જ્વલંત શૈક્ષણિક સિદ્ધિ ટાંકીને હું જીસીએસઇ અને ગ્રેડ એના પરિણામની રાહ જોઇ રહેલી યુવા પેઢીને એટલું જ કહેવા યાદ અપાવવા માંગુ છું કે હૈયે હામ હોય તો કોઇ પણ વયે કોઇ પણ સિદ્ધિ હાંસલ કરવાનું મુશ્કેલ નથી. પરિણામ કંઇ પણ આવે, જુસ્સો અકબંધ રહેવો જોઇએ. સફળતા મળે તો છકી જવાની જરૂર નથી ને નિષ્ફળતા સાંપડે તો ડગી જવાની જરૂર નથી. નિશ્ચિત ધ્યેય અકબંધ હોવું જોઇએ. નબળું પરિણામ આવશે તો સંભવ છે કે ઇચ્છિત ઇન્સ્ટિટ્યુટ, કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન ન મળે તેવું બની શકે છે, પરંતુ તેથી કંઇ પ્રગતિનો રસ્તો સાવ બંધ નથી થઇ જતો.
આ વાત માત્ર વિદ્યાર્થીઓ પૂરતી જ સીમિત નથી, તેમના માતા-પિતાઓએ પણ કેટલીક વાતે કાળજી લેવાની જરૂર છે. સંતાનોની સફળતા સમયે માતા-પિતા હંમેશા ગૌરવની લાગણી અનુવતા હોય છે, પરંતુ આ જ માતા-પિતા શૈક્ષણિક ક્ષેત્રે સંતાનોની જરાક પણ પીછેહઠ થાય છે કે ચિંતા અને ચર્ચાનું વાવાઝોડું સર્જી નાખે છે. જાણ્યે-અજાણ્યે પરિવારમાં કંઇક એવો માહોલ રચાય જાય છે કે જાણે સંતાને નબળું પરિણામ મેળવીને જાણે ભયંકર પાપ કરી નાંખ્યું હોય. પોતાના વ્હાલા સ્વજનોનો, પરિવારજનોનો આ અભિગમ જાણ્યે-અજાણ્યે વિદ્યાર્થીના દિમાગ પર બહુ નકારાત્મક અસર કરતો હોય છે. આવો માહોલ વિદ્યાર્થીને બહુ ઝડપથી ડિપ્રેશનની ગર્તામાં ધકેલી દેતો હોય છે. પરિણામ નબળું આવે તો પણ તેને સકારાત્મક અભિગમ સાથે જ સ્વીકારવું રહ્યું. ઇચ્છિત યુનિવર્સિટીમાં એડમિશન મળે તેમ ન હોય તો અન્ય વિકલ્પ વિશે વિચારો. યુનિવર્સિટીની ચોઇસ બદલો, વિદ્યાશાખા બદલવાનો વિકલ્પ વિચારો - પરિણામ કંઇ પણ હશે, કંઇકને કંઇક રસ્તો અવશ્ય નીકળશે જ.
આ તો પરિણામની વાત થઇ, કેટલાક મા-બાપ તો વળી એવા હોય છે જે આખું વર્ષ સતત સંતાનને ટોકતા રહે છે. બારેમાસ તેમનો એક જ તકિયાકલામ હોય છેઃ આજકાલ તારું ભણવાનું બરાબર નથી ચાલતું... અથવા તો આ જો ફલાણાભાઇનો (કે ફલાણાબહેનનો) દીકરો (કે દીકરી) કેવા સારા ગ્રેડ લાવે છે, તારું રિઝલ્ટ કેમ દર વખતે નબળું આવે છે? વગેરે વગેરે. આવા માતા-પિતાને કહેવું રહ્યું કે પઢોગે લીખોગે તો બનોગે નવાબ જેવા એકસૂત્રી સંદેશ સાથે સંતાનોને શિક્ષણ માટે સતત ટોકતા રહેવાનો જમાનો હવે ગયો. આવો અભિગમ સરવાળે નુકસાનકારક જ સાબિત થતો હોય છે. આ સમય હવે વહી ગયો છે.
શૈક્ષણિક કારકિર્દીની પસંદગીની વાત કરીએ તો, આપણા સંતાનો આપણા કરતાં મહદઅંશે વધુ દૂરંદેશીભર્યું વિચારી શકે છે તે સહુ કોઇએ સ્વીકારવું રહ્યું. હા, સંતાનો ક્યાંક કોઇક મુદ્દે ચૂક કરતા હોય એવું લાગતું હોય હોય તો તરત જ તેને તમારો દૃષ્ટિકોણ સમજાવો, અને પછી તેને નિર્ણય લેવાની પૂરી સ્વતંત્રતા આપો. જરૂર પડ્યે તેને સમજાવો કે આ નિર્ણયની સફળતાનો યશ પણ તેનો હશે, અને અપયશ પણ તેના નામે જ હશે, આથી નિર્ણય લેવામાં સાવચેતી જરૂરી છે. તેજીને ટકોરો બસ હોય છે. સમજદાર સંતાન થોડામાં ઘણું સમજી જશે.
સંતાનોને હંમેશા સમજાવો કે જિંદગીમાં સફળ થવું હોય તો ભૂલ્યા હોય ત્યાંથી ફરી ગણતા શીખો. વાત શિક્ષણની હોય કે કારકિર્દીની, ભૂલ સમજાતાં જ તેને સુધારી લેવાનો અભિગમ અપનાવશો તો સફળતા તમારા કદમ ચૂમશે, ચૂમશે ને ચૂમશે જ. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter