વિજ્ઞાન આધારિત સનાતન ધર્મની અવદશા

સી. બી. પટેલ Tuesday 13th December 2016 14:51 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, લગભગ ૨૫-૩૦ વર્ષથી અમારા સ્થાનિક ફાર્મસિસ્ટ શ્રી પ્રદીપભાઇ કોટેચા અમને દવાઓ ઉપરાંત આરોગ્યના જતન-સંવર્ધન માટે ઉપયોગી સલાહ-સૂચન આપતા રહ્યા છે. જો આપણે દર્દી તરીકે ડોક્ટર્સ, ફાર્મસિસ્ટ્સ, જીપી કે પછી સર્જરી કે હોસ્પિટલમાં સેવા આપતા સભ્યો પ્રત્યે આદર-સન્માનભર્યું વર્તન દાખવીએ, ઉષ્માભર્યો નાતો જાળવીએ તો તેઓ સદૈવ આપણને સહયોગ આપવા તત્પર હોય છે તેવો મારો અનુભવ રહ્યો છે. આપણે જો આરોગ્ય સંબંધિત તેમના સલાહ-સૂચનોનું પાલન કરીએ તો સદાબહાર સ્વાસ્થ્ય પામવું મુશ્કેલ નથી. આજે ‘૦૮’ વર્ષની વયે પણ હું ટનાટન આરોગ્ય ધરાવું છું તેમાં આવા નિઃસ્વાર્થ હિતચિંતકોનું પ્રદાન લગારેય ઓછું નથી.
ગયા સપ્તાહે પ્રદીપભાઇએ અલપઝલપ મુલાકાત થઇ ત્યારે તેમણે એક બહુ સરસ, આપણા જ્ઞાનમાં ઉમેરો કરતી વાત કરી. બીબીસી ટેલિવિઝનનો હવાલો ટાંકીને તેમણે કહ્યું કે ચેનલ પર એક એવો રિપોર્ટ જોયો છે જેમાં બ્રેઇન ટ્યુમરથી પીડાતા એક દર્દીનું એક પ્રકારનું જટિલ ઓપરેશન કી-હોલ સર્જરી વડે કરાયું હતું.
વાચક મિત્રો, આધુનિક તબીબી વિજ્ઞાનની કમાલના કેટલાય દાખલાઓ જાણવા મળે છે. મને આજે પણ યાદ છે કે એક સમય હતો જ્યારે દેશમાં વ્યક્તિને આંખે ઝાંખપ વળતી કે આંખોમાં કોઇક પ્રકારની તકલીફો સર્જાતી કે અન્ય માનસીક-શારિરીક બિમારી વેળાએ પરિવારજનો ડોક્ટરના બદલે ભૂવા-જાગરિયા જેવા જંતરમંતર કરનારાઓ પાસે દોડી જતા હતા. તેમની પાસે નજર ઉતરાવીને કે પાણી મંતરાવીને તકલીફ દૂર થઇ ગયાના સંતોષમાં રાચવા લાગતા હતા. આમાં ધુતારાઓને તો ઘી-કેળાં થઇ જતાં, પણ પરિવારને સ્વજન ગુમાવવાની વેળા આવતી. આવા કિસ્સામાં સરવાળે બનતું એવું કે દરદ સમગ્ર શરીરમાં ફેલાઇ જાય ત્યારે તેની ગંભીરતાનો ખ્યાલ આવતો. પરિવારજનો દર્દીને લઇ ડોક્ટર પાસે પહોંચતા, પરંતુ ત્યાં સુધીમાં એટલું બધું મોડું થઇ ગયું હોય કે - ગમેતેવો બાહોશ ડોક્ટર હોય તો પણ - દર્દીનો જીવ બચાવવાનું ભાગ્યે જ શક્ય બનતું.
જોકે હવે સમયની સાથે લોકોની માનસિક્તા પણ બદલાઇ રહી છે. અને લોકો પણ જંતરમંતરના દોરાધોગા કરનારા ધુતારાઓને ઓળખતા થઇ ગયા છે. જૂના સમયની સરખામણીએ આધુનિક તબીબી વિજ્ઞાને કેટલી પ્રગતિ હાંસલ કરી છે તેની સરખામણી થઇ શકે તે માટે જ આછેરો ભૂતકાળ યાદ કરાવ્યો છે.
આપણે બધા ભારતીય વંશજો, વિદેશમાં રહેતા લોકો દિલ તો ભારતને દઇ ચૂકેલા છીએ, પણ અત્રેની જીવનશૈલીમાં ખાસ તો આપણી ઉછરતી પેઢીની અપેક્ષા અને મનોદૃષ્ટિ સાથે આપણો તાલમેળ રાખવો જ રહ્યો. ધર્મના નામે અધર્મ આચરાતો હોય, શ્રદ્ધાનું સ્થાન અંધશ્રદ્ધા, વહેમ અને તેના જેવી બલાઓએ લીધું હોય, કેટલાક સંજોગોમાં નિરક્ષરતાના કારણે ગરીબી, આળસ, ગાડાના બળદ જેવું જીવન અને રોજબરોજની દિનચર્યામાં અક્કલ વાપરવાની સૂઝ કે તકનો અભાવ વગેરે જેવા કારણોના પરિણામે આપણી યુવા પેઢી ધર્મથી વિમુખ થઇ રહી છે. જેમ કે, અહીં જન્મેલી અને ઉછરેલી યુવા પેઢી હોમહવનથી વરસાદ પડે કે રોગચાળો દૂર થાય કે વિશ્વ શાંતિ સ્થપાય તે માનવા લગારેય તૈયાર નથી. આમ જૂઓ તો ભારતમાં જે નવચેતના આવી રહી છે કદાચ તેના કરતાં પણ આપણી રફતાર પાછળ પડી રહી છે.
હું ગયા સપ્તાહની કોલમ ‘આકાર અને આકૃતિ’ સંદર્ભે એટલું જ કહેવા માગું છું કે સમય વર્ત્યે સાવધાનનો દૂરંદેશીભર્યો અભિગમ દાખવીને ભાવિ રૂપરેખા તૈયાર કરશો તો જિંદગીની આકૃતિ નિશ્ચિતપણે સુરેખ બનશે જ. હંમેશા શિસ્તબદ્ધ જીવન અપનાવવું જોઇએ કે જેથી જિંદગીનો આગામી પ્રવાસ વધુ આરામદેહ બની રહે.

•••

૧૦૦ વર્ષનું આયુષ્ય, ૫૧ વર્ષનું સફળ લગ્નજીવન!

પશ્ચિમના દેશોમાં ૧૦૦ વર્ષનું આયુષ્ય પામનારા સદભાગીઓ તો ઘણા જોવા મળતા હોય છે, પરંતુ ૬૨ વર્ષનું સફળ લગ્નજીવન?! આ વાત કદાચ નવતર જોણું ગણી શકાય. કારણ છે પશ્ચિમી જીવનશૈલી. નોકરી હોય કે ઘરસંસાર, અહીં આપણને હાયર એન્ડ ફાયરની નીતિ જ જોવા મળે છે. અનુકૂળતા હોય, મનમેળ હોય ત્યાં સુધી સાથે રહો, અને વિખવાદ થાય કે તરત જ તું તારા રસ્તે ને હું મારા રસ્તે. આમાં પણ હોલિવૂડનો માહોલ તો વળી આનાથી પણ ચાર ચાસણી ચઢે તેવો. (લગ્ન કરીને કે લગ્ન કર્યા વગર) ઘરસંસાર માંડીને બેઠેલા હીરો-હીરોઇનમાંથી ક્યારે કોની કમાન છટકશે, અને ક્યારે કોની સાથે છેડા છૂટા કરીને બીજા પાત્ર સાથે છેડાછેડી બાંધી લેશે તે કંઇ કહેવાય છે. પશ્ચિમી જીવનશૈલીમાં આવી વાતોની લોકોને કંઇ નવાઇ પણ નથી, સંભવતઃ એટલે જ આયુષ્યની સદી ફટકારનાર ટોચના હોલિવૂડ સ્ટાર કર્ક ડગ્લાસનું ૫૧ વર્ષનું લગ્નજીવન આજકાલ અખબારોમાં છવાયું છે. કર્કે ૧૯૬૫માં ૩૫ વર્ષની એન સાથે ઘરસંસાર માંડ્યો, અને આજેય આ દંપતી અન્યોને ઇર્ષ્યા આવે તેવું સુખી જીવન વીતાવી રહ્યાં છે.
બોલિવૂડ હોય કે હોલિવૂડ, નાટકનો રંગમંચ હોય કે ટીવી સિરિયલનો ટચુકડો પરદો... વિવિધ પાત્રોને આપણી સમક્ષ આબેહૂબ ભજવી જાણતા આ અભિનેતા-અભિનેત્રીઓ જાણ્યે-અજાણ્યે ક્યારેક એટલા નજીક આવી જતા હોય છે કે વાત અભિનયના તખતાથી આગળ વધીને ઘરસંસાર વસાવવા સુધી પહોંચી જતી હોય છે. જોકે આવા સંબંધો ક્યારેક ફુટકળિયા મોતી જેવા પણ પુરવાર થતા હોય છે. ગ્લેમરની ચકાચૌંધ રોશની અને લોકપ્રિયતાની ઝાકઝમાળ વચ્ચે આકાર લેતા સંબંધો ઘણા કિસ્સામાં સમય વીત્યે વિખવાદ તથા અહંના અંધકારમાં વિલાઇ જાય છે. આવા સંબંધો જેટલી ઝડપથી વિકસતા હોય છે, લગ્નમુકામે પહોંચતા હોય છે તેનાથી વધુ ઝડપે તે તૂટી પણ જતા હોય છે. જોકે કર્ક ડગ્લાસ અને એનના લાગણીસભર સંબંધોને સલામ કરવી પડે. આ દંપતીની જીવનકથાને રજૂ કરતો લેખ તાજેતરમાં વાંચ્યો, અને ખરેખર બહુ પ્રભાવિત થયો. કેવું અતૂટ પ્રેમબંધન!
કર્ક અને એન આજે પણ એકબીજાને સમર્પિત છે. ડગ્લાસ પરંપરાગત યહૂદી છે, અને તેમના લોસ એન્જેલ્સના ઘરના દરવાજાની બારસાખ તમને મેઝોસ લટકતું જોવા મળે છે. આપણા ભારતીય પરિવારોની બારસાખ પર જેમ સ્વસ્તિક, ઓમ, તોરણ કે લીંબુ-મરચાની જોડી લટકતી જોવા મળે છે તેમ જ. ઓસ્કર એવોર્ડ વિજેતા ડગ્લાસ અને તેના જીવનસંગિની એનનો વર્ષ ૧૯૬૫નો અને ૨૦૧૬નો એક-એક ફોટોગ્રાફ આ સાથે રજૂ કર્યો છે, તમે તેના પર નજર ફેરવશો તો જણાશે કે તેઓ એકમેકને ત્યારે પણ કેટલો પ્રેમ કરતા હતા અને અત્યારે પણ એટલો જ પ્રેમ કરે છે.
૧૯૩૦ના અરસામાં જર્મનીમાં જન્મેલી એન ફિલ્મજગત સાથે પ્રત્યક્ષ રીતે તો નહીં, પણ પરોક્ષ રીતે અવશ્ય સંકળાયેલી હતી. બહુ નાની વયે આજીવિકા માટે કામ કરવાનું શરૂ કરી દેનાર એન સમયસંજોગને વશ થઇને પેરિસમાં આવીને વસી હતી. ફ્રેન્ચ ફિલ્મો માટે જર્મન સબ-ટાઇટલ્સ લખવાનું કામ કરતી એન સમયના વહેવા સાથે નવીસવી રિલિઝ થઇ રહેલી ફિલ્મોના પબ્લિક રિલેશન માટે કામ કરતી થઇ હતી. આ કામગીરી દરમિયાન તેને કર્ક ડગ્લાસની ‘એક્ટ ઓફ લવ’ના પબ્લિક રિલેશનનું એસાઇન્મેન્ટ મળ્યું હતું.
આજે લગભગ ૮૬ વર્ષનાં થયેલાં એનને કર્ક સાથેની પહેલી મુલાકાતનો પ્રસંગ અત્યારે પણ એવો જ યાદ છે. ઉત્સાહભર્યા અવાજે એન કહે છે કે હું કામ સંદર્ભે ફિલ્મ સ્ટુડિયો પહોંચી તો સેટ પર કામ કરતા મારા એક મિત્રે કહ્યું કે ‘આવ, હું તને સિંહની બોડમાં લઇ જઉં...’ મને અંદાજ આવી ગયો હતો કે તે કર્ક સાથેની મુલાકાતની વાત કરે છે.
તો શું એન ગભરાઇ ગઇ હતી? એન કહે છે, નોટ એટ ઓલ... તેણે (કર્કે) મને પૂછ્યું કે મારા માટે સેક્રેટરી તરીકે થોડુંક કામ કરવા તૈયાર છે કે કેમ. મેં ના પાડી દીધી, પણ સાથોસાથ એમ પણ કહ્યું કે હું આ કામ માટે બીજી કોઇ વ્યક્તિ જરૂર શોધી આપીશ...
કર્કને પણ એન સાથેની પહેલી મુલાકાતનો તે પ્રસંગ આજેય યાદ છે. કર્ક તરત જ એનની વાતનો તાર જોડતાં કહે છે, તેની સ્પષ્ટ ના સાંભળીને હું તો દંગ થઇ ગયો. (તે સમયે પણ કર્કની ગણના ટોચના હોલિવૂડ સ્ટારમાં થતી હતી) હું તેને તેની કાર સુધી દોરી ગયો અને પછી તેને હળવેકથી પૂછ્યું કે શું તું લા ટૂર દ’આર્જેન્ટમાં સાથે ડિનર લેવા આવશે. એ સમયે તે પેરિસનું સૌથી અફલાતુન રેસ્ટોરાં હતું.
બસ તે દી’ની ઘડીને આજનો દી. જુગલજોડી એક જ ઘરની છત નીચે રહીને જીવનની તડકીછાંયડી માણી રહી છે.
વાચક મિત્રો, આ પ્રસંગ ટાંકવાનું કારણ એટલું જ કે આપ પણ ઇચ્છાઓ, અપેક્ષાઓ અનુસાર જીવનશૈલી અપનાવીને, પ્રિયજન સમક્ષ પ્રેમ પ્રગટ કરીને જીવનબાગને મઘમઘતો કરી શકો છો. સુમધુર જીવન પામવા માટે ઇરાદો પૂરતો નથી, તેને આનુષાંગિક આચરણ પણ આવશ્યક છે. જિંદગીના પાન પર હકારાત્મક વિચારસરણીનું રેખાંકન તૈયાર કરો, અને જૂઓ... આપોઆપ સુખદ જીવનની આકૃતિ આકાર લેવા લાગશે.

•••

આપણા પાપે ગંગા મેલી...

આપણે પ્રેમની તો વાત કરી, પરંતુ એક વાત વ્યથાની પણ કરી જ લઉં. વ્યથા એટલા માટે કે યુગો યુગોથી સમગ્ર ભારતવર્ષ સાથે જોડાયેલી જળસંપદા માનવીય ઉપેક્ષાના કારણે પ્રદૂષિત થઇ રહી છે. આ બધું જોઇને હૈયું વલોવાઇ જાય છે. વાત છે ગંગામૈયાની. ભારતીય પુરાણોથી માંડીને આપણી આજની ધાર્મિક પરંપરામાં લોકમાતા ગંગા એવું આસ્થાભર્યું સ્થાન ધરાવે છે કે તેના ઉલ્લેખ સાથે જ દરેક સનાતની હિન્દુનું મસ્તક શ્રદ્ધાથી ઝૂકી જાય છે. તાજેતરમાં આ નદી સાથે જોડાયેલા કેટલાક આંકડાઓ પ્રસિદ્ધ થયા છે, જે વાંચીને પણ દરેક શ્રદ્ધાળુનું મસ્તક અવશ્ય ઝૂકી જશે... પરંતુ શરમથી.
હિમાલયના બરફાચ્છાદિત ઉતુંગ શિખરોમાં આવેલી ગંગોત્રીમાંથી સૈકાઓથી ગંગામૈયા નદી સ્વરૂપે વહી રહ્યા છે. હિમાલયની પર્વતમાળામાં ૪૧૦૦ મીટરની ઊંચાઇએ આવેલા ગૌમુખથી નીકળતી આ લોકમાતા ભારતના ઉત્તરીય સીમાડેથી વહેતાં વહેતાં ૨૫૫૦ કિલોમીટરનું લાંબુ અંતર કાપીને છેવટે બંગાળના ઉપસમુદ્રમાં સમાય જાય છે. મારગમાં ક્યાંક શાંત સ્વરૂપ તો ક્યાંક રૌદ્ર સ્વરૂપ.
ગંગાના નીરનો ઉપયોગ પીવાથી માંડીને સ્નાન માટે, કપડાં ધોવા માટે, ખેતીવાડી માટે અને સિંચાઇથી માંડીને વીજળી ઉત્પાદન સહિતની અનેકવિધ કામગીરી માટે થાય છે. એક અંદાજ પ્રમાણે ભારતની અંદાજે સવાસો કરોડની વસ્તીમાંથી ૪૦ ટકા એટલે કે ૫૦ કરોડ લોકો એક યા બીજા પ્રકારે ગંગાના પાણીનો પોતપોતાની જરૂરિયાત અનુસાર ઉપયોગ કરતા રહે છે. અફસોસની વાત તો એ છે કે આપણે - ભારતીયો - ભલે ધર્મની વાતો કરીએ, નદીને ભલે લોકમાતા ગણાવીએ, પરંતુ આ નર્યો આડંબર જ છે, દેખાડો જ છે. તમે ગંગા નદીની હાલત પર એક નજર ફેરવશો તો સમજાશે તેનું નખ્ખોદ કાઢવામાં આપણા દેશબાંધવો કોઇ કસર છોડતા નથી. દુનિયા ભલે એકવીસમી સદીમાં પહોંચી ગઇ હોય, પણ આપણા ભાઇભાંડુઓ (કુદરતી સ્રોતનું જતન કરવાના મામલે) તો જાણે એક વસમી સદીમાં જ જીવી રહ્યા છે. સહુ કોઇ વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજોને અનુસરી રહ્યા છે. શાસ્ત્રો-પુરાણોમાં ગંગાનું મહિમામંડન તો કરે છે, પણ વાસ્તવમાં શું કરે છે?
વર્ષ ૨૦૧૪ના છેલ્લા ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, ગંગા નદીમાં દર વર્ષે ૩૨ હજાર (હા, ૩૨,૦૦૦) અર્ધબળેલા મૃતદેહોને વહાવી દેવામાં આવે છે. કારણ શું? તો કહે, મૃતાત્માને સ્વર્ગની કે મોક્ષની પ્રાપ્તિ થાય તે માટે. આ માટે પહેલાં મૃતદેહોને ગંગાના કિનારે અગ્નિદાહ આપવામાં આવે છે. મૃતદેહો પૂરા બળે કે નહીં, તરત જ તેને ગંગાના નીરમાં વહેતા મૂકી દેવામાં આવે છે. આવા મૃતદેહો અને તેના અવશેષોનું વજન કરો તો આંકડો થાય છે અધધધ ૩૦૦ ટન. આટલી જંગી માત્રામાં ક્ષતવિક્ષત માનવશરીર ગંગામાં ઠલવાય છે. ઉત્તર ભારતમાં હરદ્વારથી શરૂ કરીને કોલકતા સુધીના ગંગાકિનારે તમને આવા અર્ધબળેલા માનવદેહો જોવા મળી જશે. આ છે આપણી શ્રદ્ધા, અને આ છે આપણી પવિત્ર નદી પ્રત્યેની આસ્થા!
એક બીજા અભ્યાસના આંકડા અનુસાર, ગંગાકિનારે જે નગરો કે શહેરો વસ્યા છે તે દરરોજ લગભગ ૩૦૦૦ મિલિયન લીટર ગટરનું પાણી ગંગામાં ઠાલવે છે. અને તે પણ પ્રોસેસ કર્યા વગર. ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશનના અભ્યાસ તારણો કહે છે કે કાનપુર શહેર વિશ્વના ચર્મઉદ્યોગમાં મોટું મથક ગણાય છે. વિશ્વમાં ઉત્પાદિત ચામડાના વિવિધ ઉત્પાદનોનો ૧૩ ટકા હિસ્સો અહીં તૈયાર થાય છે. તેનો અર્થ એ થયો કે નવી દિલ્હી અને વારાણસી વચ્ચે આવેલું કાનપુર એક મોટું ઔદ્યોગિક શહેર છે. વર્ષ ૨૦૧૩ના આંકડા પ્રમાણે અહીં ધમધમતા કતલખાનાઓ દ્વારા રોજનું ૮ કરોડ ગેલન પશુઓના લોહી-માંસ મિશ્રિત પ્રદૂષિત પાણી ગંગામાં છોડવામાં આવે છે.
આપણા મોક્ષ માટે, આપણી હેન્ડબેગ કે પગનાં જૂતાં માટે કે પછી મોટા મોટા ગુરુઓની ગાદી માટે આ ગંગા મૈયા પર આપણે રોજેરોજ એક યા બીજા પ્રકારે જાતભાતના અત્યાચાર ગુજારતાં રહીએ છીએ. રાજ કપૂરની સુપ્રસિદ્ધ ફિલ્મનું ટાઇટલ સોંગ છે ‘રામ તેરી ગંગા મૈલી હો ગઇ, પાપીઓ કે પાપ ધોતે ધોતે...’ જેવી જ વાત છે. ફરક એટલો જ છે કે ગંગા નદી પાપીઓના પાપ ધોવાથી જેટલી ગંદી નથી થઇ તેનાથી વધુ પાપીઓએ વહાવેલા પ્રદૂષણથી થઇ છે. ભારતભરમાં તમને સવારના સ્નાન વેળા શ્રદ્ધાળુઓના મુખે એક શ્લોક સાંભળવા મળશેઃ
ગંગે ચ યમુને ચૈવ ગોદાવરિ સરસ્વતિ,
નર્મદે સિંધુ કાવેરિ જલેસ્મિન્ સન્નિધિં કુરુ.
પરંતુ આ શ્લોક માત્ર બોલવા પૂરતો જ સીમિત રહી ગયો છે. આ શ્લોક બોલતાં બોલતાં સવારનું સ્નાન કરનાર હરદ્વારથી માંડીને હલ્દીયા કે કાનપુરથી માંડીને કોલકતાનો શ્રદ્ધાળુ પણ કામે ચઢતાં જ જાણ્યે-અજાણ્યે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગંગામાં પ્રદૂષણ ફેલાવવા લાગે છે.
ઘણી વખત મને લાગે છે કે આપણા ધર્મપ્રેમીઓ શ્રદ્ધાળુ હોવા કરતાં અંધશ્રદ્ધાળુ વધુ છે. જો આવું ન હોત તો આપણે જેને માતાનું સન્માન આપ્યું છે તેવી ગંગા નદીમાં મોક્ષની ઇચ્છા સાથે અર્ધબળેલાં મૃતદેહો પધરાવતા ન હોત. જેમાંથી આત્માનું પંખી ઊડી ગયું છે તેવા નશ્વર દેહને મોક્ષ કે સ્વર્ગની આશા સાથે નદીમાં વહાવી દેવો એ તો નર્યું પાખંડ છે. આ જ રીતે જો કાનપુરના ફેક્ટરી માલિકોને ખરેખર ગંગા નદી માટે માતા જેવો આદર હોત તો ગંદા પાણીને પ્રોસેસ કરવાનો થોડોક ખર્ચ બચાવવા માટે ફેક્ટરીનું પ્રદૂષિત પાણી સીધું જ નદીમાં વહાવતા ન હોત.
ભારતીયોમાં ધાર્મિક અભિગમ છે, પરંતુ વૈજ્ઞાનિક અભિગમ નથી તેનું આ પરિણામ છે. ખાટલે મોટી ખોટ વિચારસરણીની રૂપરેખામાં છે, માનસિક્તાના રેખાંકનમાં છે. પરિણામે ખોટી કે ખરાબ આકૃતિ ઉપસે છે. એક સમયે જે ગંગામાં ખળખળ વહેતું નિર્મળ જળ ઔષધસમાન ગણાતું હતું તે જ ગંગાનું પાણી આજે પીવાલાયક તો શું, સ્નાન કે તેના જેવા અન્ય કાર્યોમાં ઉપયોગ માટે પણ વર્જ્ય ગણાય છે. ગંગા નદી ગંદકીથી જ નહીં, જીવાણુઓથી પણ ખદબદે છે.
આ બધું જોતાં એટલું જ કહી શકાય કે ભારત ભલે આર્થિક વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું હોય, પરંતુ સર્વાંગી વિકાસ હાંસલ કરવો હશે તેણે આરોગ્યથી માંડીને પર્યાવરણ સુધીના તમામ ક્ષેત્રોનું જતન કરવું પડશે, સંવર્ધન કરવું પડશે. ભારતના વિકાસનું રેખાંકન તો તૈયાર થઇ ગયું છે, હવે તેને આકાર આપવાનો છે. ભારત સર્વાંગી વિકાસ હાંસલ કરશે ત્યારે જ વિકાસની મનમોહક પ્રતિમાનું નિર્માણ શક્ય છે. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter