વિરાસતના વૈવિધ્યમાં વાણી, વિચાર અને વર્તન

સી. બી. પટેલ Tuesday 29th September 2015 13:41 EDT
 
મોરારિ બાપુ અને નરેન્દ્ર મોદી
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, અંગ્રેજીમાં કેટલાક બોલતા હોય છે કે Be a fly on my shoulder. મતલબ કે મારી સાથે ફરો. તમે આને આપણી ભાષામાં વિહંગાવલોકન પણ કહી શકો. જોકે આપના જેવા માનવંતા વાચકોને એવું કહેવાનું મને વધુ શોભનીય ગણાય છેઃ આવો, મારી સાથે પંખીની પાંખે પધારો.
તો ચાલો, સહુ પહેલાં આપણે બ્રેન્ટ ઇંડિયન એસોસિએશન (બીઆઇએ)ના સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપીએ. અને હા, આપણે નીકળ્યા જ છીએ તો ચાલો, બીજા કાર્યક્રમોમાં પણ આપણે લટાર મારતા જ જઇએ...
• ૧૪ સપ્ટેમ્બર, સોમવારે પાર્લામેન્ટના કમિટી રૂમ નંબર ૧૦માં મા ચેરિટી ટ્રસ્ટનો કાર્યક્રમ યોજાયો હોવાનો. અહેવાલ આપે ગયા સપ્તાહના ‘ગુજરાત સમાચાર’માં વાંચ્યો હશે.
• ૧૭ સપ્ટેમ્બર, ગુરુવારે મેટ્રોપોલિટન પોલીસના વડામથકે દિવાલી ઇન લંડનનો કાર્યક્રમ યોજાયો.
• ૨૬ સપ્ટેમ્બર, શનિવારે તો આપણે એક સાથે ત્રણ કાર્યક્રમમાં જઇ પહોંચ્યા. શ્રીમતી રશ્મિબહેન અમીનને ત્યાં ગણેશપૂજાનો લાભ લીધો. પછી બ્રહ્માકુમારીના કાર્યક્રમમાં પહોંચ્યા. અધ્યાત્મ અને સંસ્કૃતિના ફલકને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવામાં બ્રહ્માકુમારીનું અનોખું યોગદાન છે. વધુ નોંધનીય બાબત તો એ છે કે નારીશક્તિ દ્વારા આ કામ થઇ રહ્યું છે. ત્યાં આપણા ‘ગુજરાત સમાચાર’ના એક નિયમિત વાચક સ્વ. રમણિકલાલ શુક્લને શ્રદ્ધાંજલિ સ્વરૂપ ભજન અને ભોજનનો એક કાર્યક્રમ સુંદર રીતે યોજાયો હતો.
એક જ દિવસમાં ચાર કલાકમાં ત્રણ સ્થળે પહોંચવાનું હોવાથી સ્વ. શુક્લસાહેબના પરિવારજનો, અન્ય મહેમાનો અને સવિશેષ લેસ્ટરસ્થિત સૂરિલા કંઠના માલિક ચંદુભાઇ મટ્ટાણી તથા તેમના સાજિંદાઓ સાથે થોડોક સમય જ વીતાવી શક્યો.
અહીંથી થોડેક જ અંતરે આવેલા મહારાષ્ટ્ર મંડળના ગણેશોત્સવમાં, અગાઉના આયોજન પ્રમાણે, મારી હાજરી અનિવાર્ય હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઘણું માણ્યું, ઘણું અનુભવ્યું. આ અને આવા કાર્યક્રમોએ આપણા સનાતન ધર્મના સંસ્કાર-વારસાને અવનવી રીતે બળવત્તર બનાવ્યો છે એમ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી. આવા કાર્યક્રમમાં ભજન હોય, ગીત હોય અને ક્યાંક વળી સુંદર નૃત્ય થકી આપણા સંસ્કારવારસાની ગરિમાપૂર્ણ રજૂઆત હોય. વાહ... ક્યા બાત હૈ...
બ્રિટનમાં સ્કોટલેન્ડ યાર્ડ સૌથી મોટું પોલીસ તંત્ર છે. ગ્રેટર લંડનમાં ૮૦ હજાર પોલીસ સહિત અન્ય કર્મચારીઓ ફરજ બજાવે છે. દિવાલી ઇન લંડનના લોન્ચીંગ પ્રસંગે યોજાયેલા આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ માર્ટિન હેવિટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. આ પ્રસંગે આપણા - અહીં જન્મેલા કે ભારતથી આવીને વસેલાં - દીકરા-દીકરીઓમાંથી કોઇએ સ્તુતિ રજૂ કરી તો કોઇએ ભજન રજૂ કર્યું તો કોઇએ વળી નૃત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિની ઝાંખી રજૂ કરીને સહુ કોઇના મન મોહી લીધા.
કંઇક આવો જ નજારો બીઆઇએના સુવર્ણ જયંતી સમારંભમાં માણ્યો. કરિના અને કરિશ્મા નામની બે કન્યાઓએ કૃષ્ણભક્તિના રંગે રંગાયેલી એક યાદગાર કૃતિ રજૂ કરીને દર્શકોની ભારે પ્રશંસા મેળવી હતી. તેમની કૃતિના શબ્દો હતાઃ ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે...’
આ ગીતની શબ્દરચના જ એટલી શક્તિશાળી, અર્થસભર છે કે તે જ વેળા મનમાં ગાંઠ વાળી લીધી હતી કે માનવંતા વાચક મિત્રોને ઘરેબેઠાં આ ગીત-ગંગાનું આચમન કરાવવું જ છે. મહાનુભાવોના પ્રવચનો હોય કે સંસ્કારવારસાનું જતન-સંવર્ધન કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ, આપ ભલે આ પ્રકારના કાર્યક્રમોમાં ઉપસ્થિત ન રહી શકો, પરંતુ હું તો તેમાં ઉપસ્થિત રહીને તેની ઝાંખી આપ સહુના ઘરઆંગણે પહોંચાડી શકું છુંને?! આમ પણ દરેક વ્યક્તિના સબકોન્સિયસ માઇન્ડ (અર્ધજાગ્રત મન)માં ગીતો, ઘટનાઓ, પ્રસંગો, કંઇકેટલુંય સંઘરાયેલું હોય છે. જેવો જેનો સ્વભાવ, જેવી જેની પસંદ. બસ, સવાલ હોય છે ચોક્કસ સમયે તેની યાદ તાજી કરવાનો. બીઆઇએના કાર્યક્રમે મને ‘તારા વિના શ્યામ...’ ગીતની યાદ તાજી કરાવી દીધી, અને બસ... તેને આપ સહુ સમક્ષ રજૂ કરી દીધું.
આ સબ કોન્સિયસ માઇન્ડ, સ્મૃતિ વગેરે આજકાલ છાશવારે અખબારોમાં ચમકતાં રહે છે. અલબત્ત, જરા જુદા સ્વરૂપે. હમણાં હમણાંથી આ દેશમાં જ નહીં, દુનિયાભરમાં ડિમેન્શિયાનું ડિંડવાણું બહુ ચાલ્યું છે. ડિમેન્શિયા એટલે સ્મૃતિભ્રંશ. ડિમેન્શિયાના દર્દીઓની સંખ્યા વધી રહી છે, વૃદ્ધાવસ્થામાં આ રોગ થવાનું જોખમ વધી જાય છે, અમુક વર્ષ પછી દુનિયામાં ડિમેન્શિયાના દર્દીઓનો આંકડો આટલે પહોંચી
જશે... આમ ડિમેન્શિયાના નામે જાતભાતની માહિતી રજૂ થઇ રહી છે.

ડિમેન્શિયા વિશે સરળ સમજ

સંભવ છે કે ડિમેન્શિયાના આ સમાચારો સાવ નિર્દોષભાવે રજૂ થતા હોય. લોકોમાં આ રોગ પ્રત્યે જાગૃતિ વધારવાનો એક સ્તુત્ય પ્રયાસ હોય. અથવા તો એવું પણ શક્ય છે ને કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના (આર્થિક) પ્રમોશનના ભાગરૂપે નવા દર્દીઓ શોધવા, વિવિધ દવાઓનું વેચાણ વધારવા માટે આવા સમાચારોને પ્રાધાન્ય આપવામાં આવતું હોય. દરેક વખતે પીળું એટલું સોનું જ હોય એવું જરૂરી નથી!
આ સમાચારોના પિષ્ટપેષણમાં પડ્યાં વગર આપણે મુખ્ય મુદ્દા સાથે નાતો જોડીએ. ડિમેન્શિયા એટલે શું? વિસ્મૃતિ. માનસપટ પરથી સ્મૃતિનો લોપ થઇ જવો. ડિમેન્શિયાની તીવ્ર અસર ધરાવતી વ્યક્તિ સગાંસ્વજનોની ઓળખ તો છોડો, ઘણી વખત પોતાની જાતને પણ ભૂલી જતી હોય છે. અને આ બીમારી કંઇ નવી નવાઇની તો છે નહીં! વય વધવાના કારણે કે શારીરિક સ્વાસ્થ્યમાં કંઇક નાનીમોટી ગરબડ સર્જાય અને યાદશક્તિ ઘટી રહ્યાનું જણાય તો તેવા સમયે વધુ જાગૃતિ સેવાય તે આવશ્યક છે. આવા સમયે સમસ્યાના નિવારણ માટે જરૂરી ઇલાજ-ઉપચાર કરાવવામાં પણ ખોટું નથી. પરંતુ (ભૂલી જવાની) સમસ્યાની ચિંતામાં ને ચિંતામાં વ્યક્તિ પોતાની રહીસહી યાદશક્તિનું પણ નિકંદન કાઢી નાખે તો તે યોગ્ય ન ગણાય. આજકાલ અખબારોમાં ડિમેન્શિયાના નામે જે ડિંડવાણું ચાલે છે તેમાં મને કંઇક આવું જ જણાય છે. તેઓ ડિમેન્શિયાને એટલા મોટા દાનવ તરીકે રજૂ કરી રહ્યા છે કે વ્યક્તિ સામાન્ય સંજોગોમાં કોઇ વાતને ભૂલી જવાને પણ ડિમેન્શિયા માનવા પ્રેરાય જાય છે.
જો કોઇ અખબારમાં રિપોર્ટ પ્રસિદ્ધ થાય કે આગામી ૨૫-૫૦ વર્ષમાં ૧૦ ટકા લોકો ડિમેન્શિયાથી પીડાતા હશે તો આવા સમાચારને એક માહિતી તરીકે અવશ્ય ગંભીરતાથી ધ્યાનમાં લેવા જોઇએ, પણ આ ૧૦ ટકામાં ક્યાંક મારો નંબર તો નહીં લાગી જાયને તેવી આશંકા રાખીને વ્યક્તિએ ઢીલાઢસ થઇ જવાની જરૂર નથી.
હમણાં એક મેડિકલ રિપોર્ટ સરકારી ગણી શકાય તેવી સંસ્થા દ્વારા બહાર પડ્યો છે. જેમાં એવું તારણ રજૂ થયું છે કે આગામી ૧૦ વર્ષમાં આ દેશમાં ૧૦ લાખ વ્યક્તિ ડિમેન્શિયાની વ્યાધિથી પીડાતી હશે. સાત કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં ૧૦ લાખ લોકોને ડિમેન્શિયા થવાનો ખતરો હોય તો શું આપણે બધાએ ચિંતાના દરિયામાં ડૂબી જવાનું? ના, જરૂરી કાળજી રાખો. પૂરતું પાણી પીઓ, હરતાફરતા રહો, મનોદશાની માવજત કરો. અને હા, મગજ કસવાની જરૂર પડે તેવી રમત પણ રમો. ડિમેન્શિયાની બીમારી ખાસ કરીને વ્યસનીઓને - દારૂ પીનારાઓને, સ્મોકિંગ કરનારાઓને, નશીલા પદાર્થોનું સેવન કરનારાઓને બહુ હેતપૂર્વક ગળે વળગતી હોય છે.
ઘણી વખત આપણે ડિમેન્શિયાના ભયજનક પરિણામો વિશે પરિચિતોમાં ચર્ચાવિચારણા, વાતો સાંભળીએ છીએ. ક્યારેક તો વળી મીઠુંમરચું ઉમેરાયેલું ઉદાહરણ સાંભળવા મળે છે કે આ જૂઓને... ફલાણાભાઇને (કે બહેનને) ડિમેન્શિયાની બીમારી વળગી હતી તે એમનાં સ્વજનોએ જ કારસો રચ્યો ને તેમને ભરમાવીને કાગળિયાંઓ પર સહી કરાવી લઇને બધી માલમિલકત પચાવી પાડી છે...
અહીં એવું કહેવાનો મતલબ એવો નથી કે આવી વાતો સાવ ખોટી જ હોય છે. ક્યારેક કોઇક કિસ્સામાં આવું બનતું પણ હશે. ગામ હોય ત્યાં ઉકરડો તો હોવાનો જ, પરંતુ તેનો મતલબ એવો તો નથી જ કે પોતાને ભૂલી જવાની બીમારી લાગુ પડ્યાનું નિદાન થાય એટલે પરિવારજનોના ઇરાદાને સદા શંકાની નજરે મૂલવતા થઇ જવું.
આ પ્રકારનું ‘સંકુચિત’ વલણ વ્યક્તિને પોતાના જ પરિવારમાં જ અળખામણી બનાવી દેતી હોય છે. આનાથી પરિવારમાં વર્ષોથી સચવાયેલો શાંતિ, સૌહાર્દનો માહોલ તો ખોરવાય જ છે, ક્યારેક સુખના તાંતણે બંધાયેલો પરિવાર પણ વેરવિખેર થઇ જતો હોય છે. પરિવારજનો એકાદ-બે કે ત્રણેક વખત તમારી શંકાનું સમાધાન કરવા પ્રયાસ કરશે. તમને ખાતરી કરાવવા પ્રયાસ કરશે કે (તમારી મિલકત પચાવી પાડવાનો અમે કારસો રચ્યો હોવાની) તમારી શંકા ખોટી છે, પરંતુ થોડાક સમય પછી તેઓ પણ તમને સમજાવતાં સમજાવતાં થાકી જશે અને છેવટે પરિવારમાં કલહનું બીજ રોપાઇ જ જશે.
તો આ સંજોગોમાં કરવું શું? કોઇના પર શંકા જ ન કરવી અને તે કહે ત્યાં મત્તુ મારી દેવું? બિલ્કુલ
નહીં. ચેતતો નર સદા સુખી કહેવત તો સાંભળી જ હશે. તેનો અમલ કરો. આ બાબતે હું ત્રણેક મુદ્દા રજૂ કરવા માંગુ છું.
૧) દરેક સમયે પરિવારજનોના ઇરાદાને શંકાની નજરે જોવાનું ટાળો. મારી જ વાત કરું... મારે જો કોઇ અગત્યના કાગળો, દસ્તાવેજ પર સહી કરવાની હોય તો નિષ્ણાતની સલાહ અવશ્ય લઉં. મારા પરિવારજનો, વારસદારોની સંપૂર્ણ સંમતિ સાથે જ આવા કોઇ પણ કાગળ પર સહી-સિક્કા કરું.
૨) આપણા શાસ્ત્રોમાં કહેવાયું જ છે કે લખ્યું વંચાય. કોઇ પણ લખાણ કરતાં પૂર્વે થોડીક વધુ કાળજી રાખો. જિંદગીમાં ક્યારેય હેરાન થવાનો સમય નહીં આવે.
૩) સી.બી.ને ડાયાબીટીસ થયો છે એટલે અમને પણ થવાનો જ એવું શા માટે ધારી લેવું જોઇએ? હા, સી.બી. કહે છે તેમ ડાયાબીટીસ હોય તો તેને નિયંત્રણમાં અવશ્ય રાખો. તેને મિત્ર બનાવો, તેની હાજરી સ્વીકારો. ખાણીપીણી પર અંકુશ રાખો, અને શરીરને સક્રિય રાખો. બેઠાડું જીવન ટાળો.
મારો કહેવાનો મતલબ એટલો જ છે કે બીજાના જીવનમાંથી, અનુભવમાંથી બોધપાઠ અવશ્ય લો, પણ હકારાત્મક દૃષ્ટિકોણથી, નકારાત્મક નહીં. આત્મવિશ્વાસ વધવો જોઇએ, મન મજબૂત બનવું જોઇએ. શરીર છે, નાનીમોટી સમસ્યા હોય પણ ખરી. આથી કંઇ ભવિષ્યની ચિંતા કરીને માથે હાથ દઇને બેસી ન જવાય. ભવિષ્યની ચિંતા કરીને અત્યારનું સુખી જીવન વેડફી નાખવાની લગારેય જરૂર નથી.

એકલતાઃ આજના યુગની રાક્ષસી સમસ્યા

હમણાં Midlife, Mobility & Mindset નામનો એક રિપોર્ટ વાંચ્યો. ઇંગ્લેન્ડમાં ખાસ કરીને કેન્ટ પરગણું ખૂબ રમણીય અને સર્વાંગી રીતે સાધનસંપન્ન ગણી શકાય. આ રિપોર્ટમાં તે વિસ્તારના હજારો નાગરિકોના અભ્યાસ બાદ કેટલાક તારણ રજૂ કરવામાં આવ્યા છે.
આયુષ્યના અડધે રસ્તે પહોંચેલા લોકોને - પછી તે પુરુષ હોય કે સ્ત્રી, એકલા હોય કે બેકલા... સહુ કોઇને - એકલતાની સમસ્યા સતાવી રહી છે. મિડલાઇફ એટલે કે આયુષ્યના ૪૫થી ૫૫ વર્ષના લોકોને એકલતા એ સૌથી વધારે સતાવતી સમસ્યા હોવાનું અભ્યાસમાં જણાયું છે. સુખ-સગવડ-સંપત્તિની અછતવાળાને પણ એકલતા સતાવે છે અને આ બધાની છતવાળા પણ આમાંથી બાકાત નથી. દાંપત્યસુખ હોય કે નહીં, સંતાન હોય કે નહીં, બધાને એકલતા એવી સતાવી રહી છે કે સહુ કોઇ અંદર ને અંદર શોષાઇ રહ્યા છે. એકલતાની સમસ્યા સમાજમાં કેવી વકરી
રહી છે તેનો ચિતાર રજૂ કરવાની સાથોસાથ આ અભ્યાસ કરનાર માંચેસ્ટર યુનિવર્સિટીના પ્રો. કેરી કૂપરે સમસ્યામાંથી બહાર નીકળવાના રસ્તા પણ ચીંધ્યા છે.
૧) જો તમારી આર્થિક કે પારિવારિક કે સામાજિક સ્થિતિ નબળી હોય તો પણ - બીજા સાથે સરખામણી કરીને - મનમાં કોઇ રંજ રાખવાની જરૂર નથી. એક હાથની પાંચ આંગળીઓ પણ સરખી હોતી નથી તો માણસો, સમાજ ક્યાંથી એક સમાન હોવાના? તમારી જાતની બીજાની સાથે સરખામણી કરવાનું ટાળો. દુઃખી નહીં જ થાવ. ગેરન્ટી.
૨) એકલતા ટાળવાનો અકસીર ઉપાય છે - શક્ય હોય ત્યારે - સગાંવ્હાલાંઓના સંપર્કમાં રહો. તેમને મળતા રહો. સમય મળ્યે તેમની સાથે પ્રીતિભોજન કરો. અને બાકીના સમયમાં રોજિંદા કાર્યોમાં પરોવાયેલાં રહો. જાણીબૂઝીને ‘એકલો જાને રે...’ ગીતનો અમલ કરવા જશો તો એકલતાની ખાઇમાં જ જઇ પડશો.
કોઈક ‘હોબી’માં પ્રવૃત્ત બનો. વાંચો, હરો-ફરો, ઈશ્વર સ્મરણ કરો.
૩) આજકાલ સોશ્યલ મીડિયાની બોલબાલા છે, તમે પણ આનો લાભ લો. સાયકોલોજિસ્ટ લૈલા કોલિન્સ સૂચવે છે કે ફોન, ઇ-મેઇલ કે પછી ફેસબુક, ટ્વિટર જેવા સોશ્યલ મીડિયાના માધ્યમથી મિત્રો, પરિચિતો, સ્વજનોના સંપર્કમાં રહો. હા, જોકે આમાં એક વાતની સાવચેતી રાખવી રહી. જેમ કે, ફેસબુકમાં મોટા ભાગના લોકોને પોતાની વાત બઢાવી-ચઢાવીને રજૂ કરવાની (કુ)ટેવ હોય છે - પછી વાત સંપત્તિની હોય કે સાધનસગવડની. આવા લોકોનો એક જ ઇરાદો હોય છે - બણગાં ફૂંકીને છાકો પાડી દેવો. આવા લોકોના પ્રભાવમાં આવી જઇને તમારે ઊંઘ હરામ કરવાની જરૂર નથી કે લઘુતાગ્રંથિ પણ અનુભવવાની જરૂર નથી. આવા લોકોની નજરે દુનિયા નિહાળવાનું ટાળો. જિંદગી પ્રત્યેનો તમારો અસંતોષ વધશે તો ઊલમાંથી ચૂલમાં પડવા જેવી સ્થિતિ સર્જાશે.
૪) શું તમારો મોટા ભાગનો સમય ઘરની ચાર દિવાલમાં જ પસાર થાય છે? જો આમ હોય તો તમારે લાઇફસ્ટાઇલ બદલવી રહી. તમે ભલે ઘરે જ રહીને જોબ કરતા હો કે જોબ કરવાના બદલે ઘરકામની જવાબદારી સંભાળતા હો કે પછી પરિવારના વડીલ કે બીમાર સભ્યની સેવાસુશ્રુષામાં લાગેલા હો... ઘરની ચાર દિવાલો બહારની દુનિયા સાથે પણ સંકળાયેલા રહો. સાંસ્કૃતિક, ધાર્મિક, સેવાલક્ષી, પરોપકારલક્ષી... કોઇ પણ જાતની પ્રવૃત્તિમાં યથાશક્તિ ભાગ લો. જે તમારી એકલતા તો દૂર કરશે જ, તમારા વ્યક્તિગત વિકાસ માટે પણ મૂલ્યવાન સાબિત થશે. કોઇ સંસ્થા સાથે જોડાઇ ન શકો તો પણ કંઇ નહીં. નજીકમાં રહેતા કોઇ એકલવાયા વડીલ કે બીમારને મદદનો હાથ લંબાવો. તમે જીવનમાં અદભૂત આત્મસંતોષની લાગણી અનુભવશો.
હા, આ પ્રકારના વ્યક્તિગત સંબંધો કેળવો ત્યારે એક બાબતની કાળજી અવશ્ય રાખવી જરૂરી છે. આવી વ્યક્તિની સમસ્યા, તકલીફ, પીડામાં બહુ ઊંડા ઉતરવું નહીં. જો આવા સંબંધોમાં વધુ ઊંડા ઉતરશો તો કાં તમે ડિપ્રેશનમાં સરી પડશો અને કાં સામેની વ્યક્તિ ડિપ્રેશનમાં સરી પડશે. એકલતા અને ડિપ્રેશનને જુગલ જોડી જમાવવામાં બહુ વાર નથી લાગતી.
૫) અમેરિકાની મેરિલેન્ડ યુનિવર્સિટીના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે એક વિસ્તૃત રિસર્ચ કર્યું છે. જેનું તારણ કહે છે કે થોડીક હળવી કસરત નિયમિતપણે કરશો તો બહુ લાભ થશે. આપણા નરેન્દ્ર મોદીએ યોગની વાત કરીને સદાબહાર સ્વાસ્થ્યનો માર્ગ ચીંધ્યો જ છેને! આપણા ગુજરાત સમાચારમાં ૨૦ વર્ષ ઘનિષ્ઠ સેવા આપી ચૂકેલા રસિકભાઇ આજે ૮૪ વર્ષના છે, પરંતુ આજેય નિયમિત યોગ કરે છે. તેમણે જીવનશૈલી પણ એવી સરસ ગોઠવી છે કે નાનીમોટી સાંસારિક સમસ્યાઓનો તેમના જીવન પર ઓછાયો સુદ્ધાં ન પડે. કાયમ હસતાં જ જોવા મળે. જીવન પ્રત્યેના આ અભિગમના
કારણે જ તેઓ તેમની વય કરતાં ૧૫-૨૦ વર્ષ નાના દેખાય છે.
૬) ઘણા લોકો વિનાકારણ પોતાના જ કોચલામાં કેદ થઇ જાય છે. આપણે ઘણી વખત માની લેતા હોઇએ છીએ કે ‘ચારેબાજુ સહુને પોતીકા મિત્રો છે, પણ મને અપનાવવા કોઇ તૈયાર નથી.’ વ્યક્તિનું આ વલણ તેને એકલતાની ગર્તામાં ધકેલી દેવામાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે. આ વિશે વિદ્વાન આઇરિન એસા લેવિન બહુ અગત્યનો મુદ્દો રજૂ કરતાં કહે છે કે ઘણા લોકો પોતાની જાતને (અન્યોની તુલનાએ) બહુ હિણપતભરી માની લે છે. પોતાના ગ્રૂપમાં કેટલાક લોકો વધુ આર્થિક સદ્ધર હોય કે વધુ સાધનસગવડ ધરાવતા હોય અને પોતાની પાસે તેનો અભાવ હોય તો ગુનાહિત લાગણી અનુભવવાની કોઇ જરૂર નથી. અન્ય સાથે સરખામણી કરીને પોતાની સુખશાંતિ પર કુહાડો મારવામાં લગારેય ડહાપણ નથી. કોઇ મુદ્દે આપણે નબળા હોઇએ તો કોઇ મુદ્દે આપણે તેમનાં કરતાં સબળાં પણ હોવાના જ. પોતાની જાતને કોચલામાં બંધ કરવાનું ટાળો, અને અન્ય સાથે સંપર્ક કરવામાં, હાય-હેલ્લો કરવામાં, મિત્રતા કેળવવામાં ખચકાટ ન અનુભવો. કેટલીક વ્યક્તિઓ લોકોથી દૂર ભાગીને જાતે જ એકલતાનો ખાડો ખોદતી હોય છે. આવું નકારાત્મક વલણ ટાળો.
વાચક મિત્રો, આપ સહુ આસપાસમાં નજર ફેરવશો તો ક્યાંકને ક્યાંક એવા પ્રેરણાદાયી ઉદાહરણ અવશ્ય નજરે પડશે જ, જેમણે હૈયે હામ અને અંતરમાં સૂઝબૂઝ થકી સમાજમાં આદરણીય, સન્માનનીય સ્થાન હાંસલ કર્યું હોય. સાવ સામાન્ય સ્થિતિમાં, અરે નબળામાં નબળી સ્થિતિમાં પણ સ્વબળે અને સતત સાધના દ્વારા પ્રગતિ હાંસલ કરનાર અસંખ્ય મહાનુભાવો, વીરલાઓ, વીરાંગનાઓને આપણે સમાજમાં જોઇ શકીએ છીએ. આપણા નરેન્દ્ર મોદી શું છે? આ પૂજ્ય મોરારિબાપુ શું છે? આવો આ અંગે જરા વિગતે વાત કરું...
સૌરાષ્ટ્રમાં મહુવા પાસે તલગાજરડા નામનું ખોબા જેવડું ગામ. ગોંસાઇ પરિવારમાં જન્મેલો યુવક અભ્યાસ કરીને પ્રાથમિક શિક્ષક બને છે. ૩૦-૩૫ વર્ષની વયે તે પાંચ સંતાનનો પિતા બન્યો. પ્રાથમિક શિક્ષકથી પેલે પાર પણ દુનિયા તો ખરીને?! પરિવારના એક વડીલના આંગળી ચિંધામણથી શિક્ષક યુવાન રામાયણ વાંચે, વિચારે અને કથા કરે. ટપકાંથી શરૂ થયેલી રેખા ધારે તો પૃથ્વીને પણ પ્રદક્ષિણા ફરી શકે છે તે પુરવાર કર્યું આપણા પૂજ્ય મોરારિબાપુએ. વિદ્વતા, સજ્જનતા, માનવતા... જેવા કેટલાય ઉદ્દાત ગુણોના ભંડારસમાન ‘બાપુ’ લાખો લોકોને જીવન જીવવાની જડીબુટ્ટી સ્હેજમાં આપી રહ્યા છેને!
તો આપણા નરેન્દ્ર મોદી પણ સહુને પ્રેરકબળ પૂરું પાડીને ઉર્ધ્વગામી પ્રવાસ માટે માર્ગ ચીંધી રહ્યા છે તે કહેવાની જરૂર ખરી?! અમેરિકાના પ્રવાસ દરમિયાન રવિવારે સાન હોઝેમાં ફેસબુકના વડા માર્ક ઝૂકરબર્ગ સાથેની મુલાકાત દરમિયાન માતાનો ઉલ્લેખ થયો. પરિવારના ઉછેર માટે માતાએ કરેલો સંઘર્ષ યાદ આવ્યો અને તેમની આંખોમાં આંસુ છલકાયા. નરેન્દ્ર મોદીએ ખુદ જણાવ્યું છે તેમ એક સમયે તેઓ ચા વેચતા હતા. અને આજે? ભારત જેવા વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વડા પ્રધાન પદે બિરાજે છે.
પૂજ્ય મોરારિબાપુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી. એક સંત છે, એક શાસક છે. છતાં બન્નેની કથામાં એક સમાનતા છે. તેઓ સમય-સંજોગ સામે ઝૂક્યા નહીં. બન્નેએ જીવનમૂલ્યો સાથે લેશમાત્ર બાંધછોડ કર્યા વગર, એક પણ સદગુણ છોડ્યા વગર પોતપોતાના ક્ષેત્રે સર્વોચ્ચ આદર, માન, સન્માન હાંસલ કર્યા છે. તેમના એક પણ શબ્દની ઉપેક્ષા કરવાનું શક્ય નથી. તેમણે વિચાર, વાણી અને વર્તનને એકતાંતણે બાંધ્યા છે.
વાચક મિત્રો, આપણે પણ કંઇ પૂ. મોરારિબાપુ કે નરેન્દ્ર મોદી કરતાં લેશમાત્ર ઊણાં ઉતરતાં નથી. તેઓ તેમના ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને બિરાજે છે તેની ના નહીં, પરંતુ આપણે પણ - દૃઢ નિર્ધાર કરીએ તો - માંહ્યલામાં બિરાજેલા વિચાર-વાણી-વર્તન વચ્ચે એકસૂત્રતા સાધીને આપણા વ્યક્તિગત જીવનનું સર્વોચ્ચ શિખર સર કરી શકીએ છીએ.
અગાઉ આ જ કોલમમાં હું લખી ચૂક્યો છું જો આપણે સ્વને ઓળખીને ધ્યેય, ધૈર્ય, ધગશ, ધીરજ અને ધર્મના પાંચ પગથિયા વિશે વિચારીને સક્રિય બનીએ તો આપણી પણ વિરાસત વધુ ગૌરવવંતી બનશે તેમાં કોઇ મીનમેખ નથી.

અમાનત વિરુદ્ધ અનામત

વાચક મિત્રો, ગુજરાતમાં પાટીદાર સમાજને અનામતનો લાભ આપવાની માગ સાથે ચાલી રહેલા આંદોલનના તેમ જ ગુજરાત સરકારે અનામતથી વંચિત સમાજના નબળા વર્ગના લોકોને લાભાર્થે જાહેર કરેલા પેકેજના અહેવાલો આપને આ જ અંકમાં અન્યત્ર વાંચવા મળશે. પરંતુ રાજ્યનો પ્રવર્તમાન માહોલ જોતાં એવું ચિત્ર ઉપસે છે કે પાટીદાર અનામત
આંદોલન સમિતિ (PAAS)નું આંદોલન હવે ધીમે ધીમે ટાઢું પડી રહ્યું છે. સહુ કોઇ આંદોલનમાંથી પદાર્થપાઠ મેળવી રહ્યા છે.
ગયા સપ્તાહના ‘એશિયન વોઇસ’માં અનામત આંદોલન સંદર્ભે ભાઇશ્રી હસમુખ વસાવાનો વિચારપ્રેરક અભિપ્રાય રજૂ થયો છે. તેમની વાતનો સૂર કંઇક આવો છેઃ
ગુજરાતમાં બેરોજગારીનો દર બહુ ઊંચો જોવા મળે છે તેના મૂળમાં ચાર મુખ્ય કારણ છે.
૧) ગુજરાતી યુવા પેઢી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવામાં સક્ષમ નથી.
૨) અંગ્રેજી ભાષા પર પ્રભુત્વનો અભાવ.
૩) સોફ્ટ સ્કિલ્સ, ખાસ કરીને કોમ્યુનિકેશન સ્કિલનો અભાવ અને
૪) સ્થળાંતરની અનિચ્છા.
આદિવાસી સમાજમાંથી આવતા ૫૬ વર્ષના હસમુખભાઇ ગુજરાત સરકાર અને સરકાર હસ્તકના એકમમાં કામ કરી ચૂક્યા છે અને છેલ્લા ૨૫ વર્ષથી તેઓ જાહેર ક્ષેત્રની ટોચની બેન્કમાં સિનિયર એચઆર (હ્યુમન રિસોર્સિસ) મેનેજર તરીકે કાર્યરત છે. હસમુખભાઇએ બેંન્કિંગ ક્ષેત્રે શિડ્યુલ કાસ્ટ (એસસી) અને શિડ્યુલ ટ્રાઇબ (એસટી) માટે અનામત લાગુ કરવા સંબંધિત કામગીરીમાં પણ સક્રિય ભૂમિકા ભજવી છે.
હસમુખભાઇનું કહેવું છે કે છેલ્લા ૧૦-૧૫ વર્ષમાં તેમણે ગુજરાતમાં નોંધ્યું છે કે બેન્કોમાં લગભગ ૮૦ ટકા ક્લેરિકલ સ્ટાફ અને ૯૫ ટકા અધિકારીઓ દેશના અન્ય રાજ્યોમાંથી આવ્યો છે. આવું જ ગુજરાતના રેલવે તંત્રમાં જોવા મળે છે. ભૂતકાળમાં ગુજરાતીઓ નોકરી માટે બહુ ઉત્સુક નહોતા કેમ કે તેઓ નાના વેપાર-વ્યવસાય એકમો ચલાવતા હતા. હવે ઊંચા વેરા, ભારે વીજ દર, ભારતીય બજારમાં ચીનની ચીજવસ્તુઓની આયાત જેવા કારણોસર નાના એકમોને તાળાં લાગી રહ્યા છે. અધૂરામાં પૂરું, રોજગારીનો મોટો સ્રોત ગણાતા હીરાઉદ્યોગને પણ મંદીનું ગ્રહણ લાગ્યું છે. આમ જો ગુજરાતમાં કદાચ પટેલ સમુદાયને ઓબીસીમાં અનામત મળી જાય તો પણ તેમની સ્થિતિમાં ખાસ કંઇ ફરક પડવાનો નથી કેમ કે ગુજરાતમાં સરકારી નોકરીઓની સંખ્યા જ ઓછી છે.
હસમુખભાઇનું અનામત અંગેનું મંતવ્ય પણ વિચારણીય છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે જો અનામતનો લાભ ખરેખર જરૂરતમંદો સુધી પહોંચાડવો હોય તો ક્રિમી લેયરને તેમાંથી બાકાત કરવા જોઇએ. ક્રિમી લેયર એટલે કોણ? સાદા શબ્દોમાં કહીએ તો પછાત વર્ગના જ, પણ સાધનસંપન્ન અને સમૃદ્ધ લોકો. આજે અનામતના હકદાર પછાત વર્ગમાં પણ એક મોટો વર્ગ એવો છે કે જે વર્ષોવર્ષ અનામતનો લાભ મેળવીને વધુને વધુ સમૃદ્ધ (પછી તે શિક્ષણ ક્ષેત્ર હોય કે આર્થિક ક્ષેત્ર) થતો રહ્યો છે.
હસમુખભાઇનું કહેવું છે કે જે લોકો અનામતનો લાભ લઇને સીધી ભરતીમાં આઇએએસ, આઇપીએસ, આઇએફએસ, આઇઆરએસ બન્યા છે તેમના સંતાનો, હાઇ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ જજના સંતાનો કે પછી ગવર્નર, મુખ્ય પ્રધાન, પ્રધાન જેવા રાજકીય હોદ્દાઓ સંભાળતા સંતાનોને અનામતના લાભમાંથી બાકાત કરવા જોઇએ.
હસમુખભાઇ ભારપૂર્વક માને છે કે અનામતનો લાભ જરૂરત ધરાવતા લોકોને મળે તે માટે હવે આ જોગવાઇમાં સુધારો કરવાની જરૂર છે. જો આમ થશે તો અનામતનો લાભ છેક છેવાડાના માણસ સુધી પહોંચી શકશે.
વાચક મિત્રો, અનામતની જોગવાઇ હોવી જોઇએ કે નહીં તે અંગે મતભેદ હોય શકે, પણ જરૂરતમંદ સુધી તેનો લાભ પહોંચવો જ જોઇએ તે મુદ્દે કોઇ મતભેદ હોય શકે નહીં. અનામતનો સિદ્ધાંત આજથી ૮૦ વર્ષ કે ૯૦ વર્ષ પૂર્વે જરૂરી હતો. સમાજના કચડાયેલા વર્ગના ઉત્થાન માટે આવકાર્ય પણ હતો, પણ એક ચોક્કસ મુદત માટે લાગુ થયેલી આ જોગવાઇનો અમલ એક યા બીજા (મોટા ભાગે રાજકીય) કારણસર લંબાતો જ રહ્યો છે તે વલણ જરૂર ચિંતાજનક છે. રાજસ્થાન સરકારે ગયા અઠવાડિયે સમાજના એક વર્ગને રાજી કરવા અનામતનું પ્રમાણ વધારીને ૬૮ ટકા કર્યું છે. સરકારની આ પ્રકારની નીતિરીતિ આખરે તો સમાજના બે વર્ગ વચ્ચે અંતર જ વધારે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે હવે આ મુદ્દો હાથમાં લેવો રહ્યો. સહુ કોઇ જાગૃત નાગરિકોએ આ સમાજ-વિભાજક પ્રવૃત્તિને નાથવા માટે અવાજ ઉઠાવવો જ જોઇએ. આ મુદ્દે ભવિષ્યમાં વિશદ્ ચર્ચા કરશું. ચાલો અત્યારે રામ રામ... (ક્રમશઃ)

•••

તારા વિના શ્યામ મને એકલડું લાગે
શ્યામ.... શ્યામ.... શ્યામ.... શ્યામ....
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (૨)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (૨)
તારા વિના શ્યામ.... (૨)

શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની (૨)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ... આવ... આવ... શ્યામ
તારા વિના શ્યામ.... (૨)

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (૨)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ... આવ... આવ... શ્યામ
તારા વિના શ્યામ.... (૨)

અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો (૨)
તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ... આવ... આવ... શ્યામ
તારા વિના શ્યામ.... (૨)
શ્યામ.... શ્યામ.... શ્યામ.... શ્યામ....

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter