વૈશ્વિક સ્તરે એક આશ્ચર્યજનક ઘટના બની રહી છે - આ સપ્તાહના અંતે...

સી. બી. પટેલ Friday 12th December 2014 11:14 EST
 

રવિવારે ન્યૂ યોર્કના મેડિસન સ્કવેરના ભવ્ય કોન્ફરન્સ સેન્ટરમાં ૨૦ હજાર મહેમાનોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મળશે. તેમને ઉદ્બોધન કરશે. આયોજકોના નિમંત્રણને માન આપીને હું પણ આ પ્રસંગે હાજરી આપવાનો છું ત્યારે આપ સહુ સુજ્ઞ વાચકો સમક્ષ મારા અંતરના ભાવો રજૂ કરતાં હું મારી જાતને રોકી શકતો નથી.

‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ કોઇ પણ જાતના વ્યાવસાયિક લાભની આશા-અપેક્ષા વગર સતત ‘ન.મો.’ના સમર્થક રહ્યા છે તે વાતથી તો આપ સહુ વિદિત છો જ.

હમણાં સિટી ઓફ લંડનમાં નરેન્દ્ર મોદી વિશે પુસ્તક લખનાર જાણીતા પત્રકાર એન્ડી મેરીનોની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મને પૂછવામાં આવ્યું હતું કે બધા તો આજે મોદી... મોદી... કરતાં તેમના ગુણગાન ગાતા ફરે છે, જ્યારે તમે તો પ્રારંભથી જ તેમના સમર્થક, પ્રશંસક રહ્યા છો. તમે સાચા અર્થમાં તેમને ઓળખી શક્યા અને આજે સાચા પુરવાર થયા તેનું કારણ શું? આ પ્રશ્નના જવાબમાં મેં કહેલી વાતો આ સપ્તાહના ‘એશિયન વોઇસ’માં પ્રકાશિત મારી કોલમ As I See Itમાં કરી છે. મારે ‘ગુજરાત સમાચાર’ના સુજ્ઞ વાચકો માટે તેનું ભાષાંતર કે રૂપાંતર અહીં રજૂ નથી કરવું, પણ સુવિધા હોય તો તે લેખ વાંચવા ભાવભર્યું નિમંત્રણ જરૂર છે.
‘ન.મો.’ એટલે શું? મારી સૂઝ-સમજ પ્રમાણે વ્યાખ્યા કરું તો... ‘ન.મો.’ એટલે ઇચ્છાશક્તિ, કાર્યશક્તિ અને ક્રિયાશક્તનો ત્રિવેણીસંગમ. ‘ન.મો.’એ બાળપણથી જ દેશ માટે કંઇક કરી છૂટવા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. આ પામવું કે પેલું હાંસલ કરવું તેવા હવાતિયા માર્યા વગર તેમણે દૃઢતાપૂર્વક હંમેશા એ જ વિચાર્યું છે કે પોતે રાષ્ટ્રહિતમાં શું અનુદાન આપી શકે તેમ છે?
મારા સદભાગ્યે મેં વર્ષોપૂર્વે ‘સાધના’ સામયિકમાં નરેન્દ્ર મોદીની, એક પ્રચારકની, વાર્તાઓ વાંચેલી છે, અને કવિતાઓ પણ વાંચેલી છે. અને આ બધું વાંચતા એક માનસ ચિત્ર કંડારાઇ રહ્યું હોવાની લાગણી પણ અનુભવી છે. દસકાઓ પૂર્વે હું ગુજરાતના વરિષ્ઠ પત્રકાર ભૂપતભાઇ પારેખ સાથે દિલ્હીમાં ઝંડેવાલા બિલ્ડીંગમાં નરેન્દ્ર મોદીની મુલાકાતે ગયો હતો. એ વેળા તેઓ ન તો પ્રધાન હતા, ન તો મુખ્ય પ્રધાન હતા કે ન તો વડા પ્રધાન. તેઓ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક માત્ર હતા. દસ બાય બાર ફૂટની ઓરડી જ તેમનું નિવાસસ્થાન અને કાર્યાલય. તે વેળા તેમની સાથે વિચાર-વિનિમયનો અવસર સાંપડ્યો હતો.
અત્યારે વોશિંગ્ટનમાં ભારતના વડા પ્રધાનને સન્માનવા, સાંભળવા કે તેમની સાથે સહયોગ સ્થાપવા જે પ્રકારે વિવિધ સ્તરના મોટા માથાઓ તડપી રહ્યા છે તે જોતાં મને લાગે છે કે મહાત્મા ગાંધી પછી વૈશ્વિક સ્તરે ભારતનો બીજો કોઇ નેતા આ પ્રકારે છવાયો નથી. હું તેમને ગાંધીજી સાથે સરખાવવાની ઉદ્ધતાઇ તો ન જ કરી શકું, પણ આવતીકાલના ઇતિહાસમાં નરેન્દ્ર મોદીનું અનુદાન પોતિકી રીતે દીર્ઘજીવી નીવડશે જ તેવી પૂરી શ્રદ્ધા છે. ભારતના આ બન્ને સપૂતોને દેશ અને દેશબાંધવો માટે સમર્પિત ગણી શકાય. ફરજ પરત્વે તેઓ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરતા હતા. પળ પળનો સદઉપયોગ કરવાના મુદ્દે બન્નેને એક હરોળમાં મૂકી શકાય. બન્ને સાચા અર્થમાં નિસ્વાર્થ. અને બન્નેએ જાણે નક્કી કર્યું હતું - નેતા થવા કોઇને નડવું નહીં. બસ, પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવ્યા કરવી તેવું જાણે ગાંઠ મારીને નક્કી કર્યું હોય તે અર્થમાં ઉપદેશ અને આચાર વચ્ચે સામ્ય જોઇ શકાય છે. કેટલાક રાજકારણીઓ કે નેતાઓમાં જોવા મળતું દંભ કે આડંબરનું એક પણ લક્ષણ ભારત માતાના આ સપૂતોમાં જોવા મળતું નથી તે ખાસ નોંધવું રહ્યું.
૨૦૦૨માં ગોધરા રેલવે સ્ટેશને એક કોચને આગ ચાંપી દેવાની ઘટના અને તે પછી ફાટી નીકળેલા કોમી દંગલોનો મેં તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. જેમાં એક વાત સ્પષ્ટ જણાઇ હતી કે નરેન્દ્ર મોદીએ કોમી હિંસા વેળા કોઇ નિષ્ક્રિયતા કે ભેદભાવ દાખવ્યો નહોતો. ગયા પખવાડીયે ભારત પ્રવાસે ગયેલા ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટોની એબોટે પણ કંઇક આવી જ લાગણી વ્યક્ત કરી હતીને? હિંસામાં સંડોવણીના નામે ખોટું ડિંડવાણું ચાલ્યું અને નરેન્દ્ર મોદી સાવ વગોવાઇ ગયા. ખરેખર તો આ દંગલો માટે નરેન્દ્ર મોદી કોઇ રીતે જવાબદાર જ નથી.
જે અમેરિકન સરકાર છેલ્લા સાત-આઠ વર્ષથી (પ્રેસિડેન્ટ ઓબામાના કાર્યકાળ દરમિયાન) નરેન્દ્ર મોદી સામે સૂગ ધરાવતી હતી તે જ સરકાર આજે મોદી સાથે મિત્રતા વધારવા, ભારત સાથે સહયોગ કેળવવા જાણે લાળ પાડે છે. નરેન્દ્ર મોદી બદલાયા નથી. તેમના વિચાર-વાણી-વર્તનમાં પણ કોઇ ફેરફાર નથી. તો પછી આ બદલાવનું કારણ શું?! એ તો અમેરિકાને હવે સત્ય લાદયું છે. હા, તેઓ ભૂલ સુધારવા તૈયાર થયા છે એ જરૂર તેની ખાનદાની ગણાય.
મેં મારા અંગ્રેજી લેખમાં જે વાતો કરી છે તેમાંથી એક નાનો પ્રસંગ અહીં ટાંકું છું. પ્રો. પ્રવીણ શેઠ નરેન્દ્ર મોદીને એમ.એ. (પોલિટીક્સ) ભણાવતા હતા. તેઓ પ્રોફેસર હતા ત્યારે એપ્રિલ ૨૦૦૩માં મારા મહેમાન બન્યા હતા. તે વેળા નરેન્દ્ર મોદી સામે લંડનની ગલીઓમાં રેલી-સભાનું આયોજન થયું હતું. આ જ પ્રો. શેઠે થોડાક સમય બાદ કબૂલ્યું હતું - અને પુસ્તકોમાં પણ લખ્યું હતું - કે નરેન્દ્ર મોદીની મૂલવણી કરવામાં અમે સાવ નિષ્ફળ રહ્યા. આવો જ એક બીજો કિસ્સો મને ઝફર સરેશવાલાનો યાદ આવે છે.
આજે નરેન્દ્ર મોદીના ચુસ્ત સમર્થકો કે ભાજપના સૌથી શક્તિશાળી મુસ્લિમ સાથીદારોમાં ઝફર સરેશવાલાનું નામ મોખરે ગણાય છે. અમદાવાદમાં ઝફર સરેશવાલા અને પંકજ મુધોલકર એક શાળામાં સાથે ભણતા હતા. પંકજ મારા જૂના મિત્ર. ૨૦૦૨-૨૦૦૩માં ભારતમાં અને ભારત બહાર નરેન્દ્ર મોદી સામે દેખાવો યોજવામાં ઝફર સરેશવાલા બહુ સક્રિય હતા. ઓગસ્ટ ૨૦૦૩માં નરેન્દ્ર મોદી લંડન આવ્યા તે વેળા તેમણે કર્મયોગ હાઉસમાં શક્તિ હોલનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીના લંડન મુકામ દરમિયાન પંકજે મને ફોન કરીને જણાવ્યું કે ઝફર સરેશવાલા નરેન્દ્ર મોદીને મળવા માગે છે. તમે નરેન્દ્રભાઇ સુધી વાત પહોંચાડી શકો તો બહુ સારું. તે વેળા ગુજરાતનું સુકાન સંભાળતા નરેન્દ્ર મોદીનો મુકામ સેન્ટ જેમ્સ કોર્ટ હોટેલમાં હતો. મેં સાહેબને ફોન કરીને ઝફર સરેશવાલાની લાગણીથી વાકેફ કર્યા. ઝફર સરેશવાલાની ગતિવિધિથી વાકેફ નરેન્દ્ર મોદીએ તેમને મળવા માટે અનિચ્છા દર્શાવી. મેં થોડીક રજૂઆત કરી કે તેઓ સામેથી તમને મળવા માગે છે ત્યારે મુલાકાત માટે થોડીક મિનિટ ફાળવાય તો સારું, તેમને મોડાં મોડાં પણ સત્ય લાદ્યું હોય તો મળવું તો જોઇએ. બન્ને મળ્યા. અને આજે ઇતિહાસ બદલાઇ ગયો છે. ન્યૂ યોર્કમાં રવિવારે જે ઇવેન્ટ યોજાવાનો છે તેની પૂર્વતૈયારી માટે ઝફર સરેશવાલા અમેરિકા પહોંચ્યા છે. અને આ જ નરેન્દ્રભાઇ મોદીની અસલિયત છે.

નરેન્દ્રભાઇ વડા પ્રધાન પદ સંભાળ્યા બાદ ભૂતાન, નેપાળ, જપાનના પ્રવાસે જઇ આવ્યા. કેટલાય દેશના નેતાઓ ભારત જઇને તેમને મળે છે. બ્રિટન અને અમેરિકા તેમને આવકારવા થનગને છે તેના મૂળમાં રહેલાં કેટલાક કારણોની મેં અંગ્રેજી લેખમાં છણાવટ કરી છે.
વર્ષ ૨૦૧૧માં ગુજરાતની સ્થાપનાની સુવર્ણ જયંતીની ઉજવણી પ્રસંગે લંડન-ગાંધીનગર વચ્ચે લાઇવ વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. નરેન્દ્ર મોદીએ અહીંના ભારતીય સમાજને સંબોધન કર્યું હતું અને બાદમાં પ્રશ્નોત્તરી યોજાઇ હતી. તેનો એક પ્રસંગ અહીં ટાંકવો જ રહ્યો. કાર્યક્રમમાં લોર્ડસ, વરિષ્ઠ સંસદ સભ્યો સહિત અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત હતા. આ પ્રસંગે હેરો-ઇસ્ટના એમપી બોબ બ્લેકમેને નરેન્દ્રભાઇને પૂછ્યું હતું કે હવે લંડન ક્યારે પધારો છો? આ સમયે મેં શિષ્ટાચારને કોરાણે મૂકીને દરમિયાનગીરી કરતા કહ્યું હતું કે, નરેન્દ્રભાઇ સાહેબ, તમારે આ પ્રશ્નનો કોઇ જવાબ આપવાની જરૂર નથી. અહીંના કેટલાક એમપી આપને આમંત્રણ મોકલે અને આપ આવો તેના કરતાં નજીકના ભવિષ્યમાં બ્રિટન કે અમેરિકાની સરકાર તમને બોલાવે ત્યારે જ આવજો. માનવંતા મહેમાન તરીકે આવજો.
મેં આમ કહ્યું ત્યારે તે વેળા મને પૂરો વિશ્વાસ હતો કે કોમી રમખાણોને નામે તેમને બદનામ કરવાનું ડીંડવાણું હવે બહુ લાંબુ ચાલવાનું નથી. આ દુષ્પ્રચારના કાળા ડિબાંગ વાદળો નજીકના ભવિષ્યમાં જ વિખેરાઇ જવાના છે અને તેઓ ભારતના એક સક્ષમ અને કદાવર નેતા તરીકે ઉભરી આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસની આ ઐતિહાસિક પૂર્વભૂમિકા હોવાથી હું આ સમયે ન્યૂ યોર્ક જવામાં અત્યંત આનંદ અનુભવી રહ્યો છું. (ક્રમશઃ)


    comments powered by Disqus



    to the free, weekly Gujarat Samachar email newsletter