શાંતિપ્રિય સનાતન ધર્મ

સી. બી. પટેલ Wednesday 01st April 2015 06:58 EDT
 
સર આર્થર કોનન ડોયલ
જ્યોર્જ એડલજી
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, શનિવાર મારા માટે જરા વધારે પડતો બીઝી રહ્યો. સવારના ભાગમાં બે નાની બેઠકોમાં હાજરી આપી. કેટલાક યુરોપિયન પત્રકારો સાથે એક અગત્યના અને ગંભીર વિષય બાબત વિચારોની આપ-લે થઇ. છેલ્લા પાંચ-છ દિવસથી સાઉદી અરેબિયાની આગેવાની હેઠળ સુન્ની સમુદાયનું વર્ચસ ધરાવતા દેશો - કુવૈત, ઇજીપ્ત, અોમાન, જોર્ડન વગેરેએ યમનમાં શિયા કબિલા શાસિત વિસ્તારો પર ભારે બોમ્બમારો શરૂ કરતાં અત્યંત નાજુક પરિસ્થિતિ સર્જાઇ છે. વિશ્વમાં સવાસો કરોડ મુસ્લિમોમાં ૮૦ ટકા કે થોડાક વધુ સુન્ની પંથના અનુયાયીઓ છે. સુન્નીઓ સૈકાઓથી એક યા બીજા પ્રકારે શિયાઓ સાથે જંગ લડી રહ્યા છે.
દુનિયામાં મુસ્લિમોની સૌથી વધુ વસ્તી ઇન્ડોનેશિયામાં છે. સમજોને લગભગ ૨૦ કરોડ. આ પછી બીજા નંબરે આવતા ભારતમાં ૧૭ કરોડ અને ત્રીજા નંબરે રહેલા પાકિસ્તાનમાં ૧૫ કરોડ મુસ્લિમો વસે છે. ઇન્ડોનેશિયામાં શિયા પંથી મુસ્લિમ બિરાદરો અલ્પ પ્રમાણમાં છે. ભારતમાં વસતા ઇસ્લામના ઉપાસકોમાં શિયા પંથીઓની સંખ્યા ૨૦ ટકા જેટલી હોવા છતાં રાહતની વાત એ છે કે શિયા અને સુન્ની સમુદાય વચ્ચે રક્તપાત તો શું સામાન્ય સંઘર્ષની ઘટના પણ જોવા મળતી નથી.
પાકિસ્તાન, ઇરાક સહિતના અન્ય દેશોમાં શિયા-સુન્ની સમુદાય એકબીજા વિરુદ્ધ સતત લોહિયાળ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહે છે તે અત્યંત પીડાદાયક છે. વધારે કમનસીબીની વાત તો એ છે કે મોટા ભાગે શિયાનો કચ્ચરઘાણ વધુ નીકળે છે. સાઉદી અરેબિયાએ યમનની અશાંતિમાં ઝંપલાવ્યું અને રવિવારે ખુલ્લી ઘોષણા કરી કે જ્યાં સુધી શિયાઓ શરણે નહીં આવે ત્યાં સુધી હવાઇહુમલા બંધ કરાશે નહીં. જરૂર પડ્યે સાઉદી અરેબિયા લશ્કરી કુમકો પણ મેદાનમાં ઉતારવા તૈયાર છે. આ માટે પાકિસ્તાન પણ આશરે વીસેક હજાર જવાનોની કુમક પૂરી પાડશે તેવા કોલ-કરાર થયા છે. આ સંઘર્ષ, તનાવ જોતાં એવું લાગે છે કે શિયા અને સુન્ની રક્તપાત માત્ર મુસ્લિમ દેશ પૂરતો મર્યાદિત રહેશે નહીં.
ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન એક પત્રકાર મિત્રે લાગલું જ પૂછ્યું કે ભારતમાં શિયા અને સુન્ની સમુદાય વચ્ચે શાંતિ પ્રવર્તે છે એ તો સમજ્યા, પરંતુ તમારા હિન્દુ ધર્મમાં પણ અનેક દેવી-દેવતા, સંપ્રદાયો છે. તેમાં કેવી પરિસ્થિતિ છે? સંઘર્ષ કે એવું કંઇ થાય ખરું? તેમનો પ્રશ્ન સ્પષ્ટ હતો. મારો જવાબ પણ એટલો જ સરળ અને સત્ય આધારિત હતો.
ભારતમાં આશરે ૧૦૦ કરોડ સનાતની હિન્દુઓ વસે છે. હજારો વર્ષોથી હિન્દુ ધર્મમાં અલગ અલગ સંપ્રદાય, ફાંટા, પંથ અસ્તિત્વ ધરાવે છે. દેવી-દેવતાઓની પૂજા-આરાધનામાં પણ ક્યાંક ભારે ભિન્નતા તો ક્યાંક સમાનતા હશે, પણ આપસ-આપસમાં ક્યારેય રક્તપાત થયો નથી.
આનું કારણ શું? વાચક મિત્રો, હું કંઇ શાસ્ત્રો કે ઇતિહાસનો પ્રખર પંડિત નથી કે આ વિષયનું વિશદ્ જ્ઞાન ધરાવતો વિદ્વાન પણ નથી, પરંતુ મેં બે સંસ્કૃત સૂત્રોના માધ્યમથી આ ગોરા પત્રકાર મિત્રોને મારો દૃષ્ટિકોણ સમજાવવા પ્રયાસ કર્યો. પહેલું સૂત્ર હતું આદ્ય શંકરાચાર્યનું.
એકમ્ સત્ વિપ્રાઃ બહુધા વદંતિ
અર્થાત્ સત્ય એક જ છે, ઋષિઓ તેને જુદા જુદા નામે ઓળખે છે. શાણા માણસો અને સંતો તેની વિવિધ રૂપથી આરાધના કરે છે.
બીજું સૂત્ર હતું...
સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા,
સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત,
અર્થાત્ આ સૃષ્ટિના સર્વે જીવોને સુખની પ્રાપ્તિ થાઓ, સહુ નિર્મળ, નિરામય, નીરોગી રહે, સહુનું કલ્યાણ થાઓ, તેમ જ કોઇ દુઃખી ન થાય એ જ પ્રભુ પરમેશ્વરને પ્રાર્થના, અભ્યર્થના.
સનાતન ધર્મના આ મૂલ્યો છે. આ મૂલ્યોને અનુસરતી વ્યક્તિને હિન્દુ (ધર્મી) તરીકે ઓળખીએ છીએ. પત્રકાર મિત્રોને કહ્યું કે આજે સાંજે નિસડનના સ્વામીનારાયણ મંદિરમાં પાવન પ્રસંગે હાજરી આપવાનો છું. સમસ્તવિશ્વમાં જ્યાં પણ હિન્દુ ધર્મસ્થાનો છે ત્યાં ઠેર ઠેર રામનવમી ઉજવાશે. આની સાથોસાથ જ સ્વામીનારાયણ મંદિરોમાં શ્રી સ્વામીનારાયણ જયંતી પણ ઉજવવામાં આવશે. પર્વ - પ્રસંગ - તિથિ એક, પણ આરાધના બે દેવની. શ્રદ્ધાનો કેવો સુભગ સમન્વય. ક્યાંય કોઇ ક્લેશ નહીં. મારો ભગવાન મોટો, અને તારો ભગવાન નાનો એવું તો કોઇ સપનામાં ય વિચારતું નથી.
પત્રકાર મિત્રો પણ બોલી ઉઠ્યા કે આ પરંપરામાં બહુ શાંતિ જોવા મળે છે. હિન્દુ ધર્મમાં આ મુદ્દે ક્યારેય લોહિયાળ જંગ થયાનું જાણ્યું નથી. હિન્દુ ધર્મના સંપ્રદાયો, પંથો નવા અનુયાયી બનાવવા માટે ક્યારેય વટાળ પ્રવૃત્તિનો અનુચિત માર્ગ પણ અપનાવતા નથી. કદાચ આથી જ ઇસ્લામ અને ખ્રિસ્તીઓ, શિયાઓ અને સુન્નીઓ જે તનાવ અનુભવી રહ્યા છે તે હિંદુધર્મીઓમાં ક્યાંય જોવા મળતો નથી.

સારી તંદુરસ્તી સહિત દીર્ઘાયુ.....

જન્મ સાથે મરણ અનિવાર્ય હોવા છતાં જો તેની સાચી સમજ આપણે કેળવીએ તો તે અત્યંત ઉપયોગી નીવડી શકે. જન્મ અને મરણ કુદરતની કરામત ગણાય. માનવીની ઇચ્છાથી અમુક ચોક્કસ સમયે જન્મ કે મરણ કુદરતી રીતે સંભવ નથી. હા, માનવની ઇચ્છાથી વર્ષમાં અમુક દિવસે, કોઇ એક ચોક્કસ વ્યવસાયિક/વ્યાપારિક ઘટના અવશ્ય બની શકે. જેમ કે, બ્રિટનમાં છઠ્ઠી એપ્રિલથી ઈન્કમટેક્સ વર્ષની શરૂઆત થાય છે. બજેટ ભલે પાર્લામેન્ટમાં ગમે ત્યારે, આગળપાછળ રજૂ થાય, પણ ટેક્સ યર શરૂ થવાની તારીખ નક્કી છે - છઠ્ઠી એપ્રિલ. આમ જૂઓ તો બ્રિટિશ શાસકો ગૂંચવાડો ઘટાડવા અને હિસાબકિસાબની સરળતા માટે છઠ્ઠી એપ્રિલના બદલે પહેલી એપ્રિલના રોજથી ઇન્કમટેક્સ યર શરૂ કરી જ શક્યા હોત ને? પણ પહેલી એપ્રિલ એટલે તમે તો જાણો છો. લોકોને ‘ફૂલ’ બનાવવાનો દિવસ.
જોકે આમ છતાં તમને કેટલાંક એવાં વીરલા (આવા લોકોને નમૂના તો ન કહેવાયને?!) પણ જોવા મળશે, જેમણે પહેલી એપ્રિલથી પોતાની પેઢી કે પ્રકાશનનો પ્રારંભ કર્યો છે. પણ ટેક્સ યરનો આરંભ અને અંત તો દરેક જાગ્રત વેપારીને ધંધાધાપાની માવજત માટે સજાગ જરૂર કરે છે. હા! નવમી એપ્રિલે કોઇનો જન્મદિવસ હોય તો તે વ્યક્તિ પણ પોતે ગત વર્ષમાં શું કર્યું અને આગામી વર્ષમાં શું કરવા ધારે છે તેનું ચિંતન કે આયોજન કરે કે નહીં? આ વિશે તાજેતરમાં થોડુંક ચિંતન કરવાનો મને અવસર સાંપડ્યો.
જાઇલ્સ કોરેન નામના એક સંવાદદાતાએ ૧૮ માર્ચે BBC-2 ટી.વી. પર એક કાર્યક્રમ રજૂ કર્યો હતો. તેનું નામ હતું - Eat to Live Forever. ભાઇએ ટીવી શોમાં દીર્ઘાષ્યુ માટે શું ખાવું જોઇએ તેની વિગતવાર વાત કરી હતી. જાઇલ્સને પૂરા એકસો વર્ષ જીવવું છે અને તેણે તેની રીતે આ કાર્યક્રમમાં તેની ચર્ચા કરી હતી. હું ખાસ ટીવી જોતો નથી, પણ આ કાર્યક્રમ વિશેના લેખો કાળજીપૂર્વક વાંચ્યા છે. કોરેનને કેટલાય ડોક્ટરોએ કહ્યું છે કે જો તમે ૪૦-૪૫ વર્ષની વયના હો અને કોઇ ક્રોનિક (મરણતોલ) બીમારી ન હોય તો ૮૦, ૯૦ કે ૧૦૦ વર્ષ જીવવું તમારા માટે શક્ય છે. તેના માટે યોગ્ય જીવનશૈલી હોવી જોઇએ, ખાધાખોરાકી શાકાહારી હોવી જોઇએ. શાકાહારી ભોજનથી આરોગ્ય ચુસ્ત-દુરસ્ત રહે છે. અને જો સમતોલ આહાર લેવાની સૂઝ હોય તો સોનામાં સુગંધ ભળે.
સમતોલ આહાર એટલે કેવો? ફાઇબર, આયર્ન તથા મહત્ત્વના વિટામિન્સ માટે લીલા શાકભાજી, કંદમૂળ, સીઝનલ ફળ. શરીરને પૂરતું કેલ્શિયમ મળી રહે તે માટે દૂધ, દહીં, કેળાં (બાય ધ વે, દૂધ કરતાં દહીંમાં વધુ કેલ્શિયમ હોય છે). પ્રોટીન માટે ભોજનમાં કઠોળ, પનીર વગેરેનો સમાવેશ. ડાયેટિંગ માટે આંધળુકિયા ન કર્યા હોય તો શરીરના જોઇન્ટ્સના ઓઇલીંગ માટે ભોજનમાં એકાદ ચમચી ઘીનો પણ સમાવેશ કરવો જોઇએ. ટૂંકમાં, ભોજનમાં બધું પ્રમાણસર લેવાનું, જેથી શરીરને તમામ જરૂરી પોષક તત્વો મળી રહે. હા, ડોક્ટરે તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ખાણીપીણી બાબતે કોઇ ચોક્કસ પરેજી પાળવા સલાહસૂચના આપી હોય તો વાત અલગ છે. બાકી ભોજનમાં નવેય રસને સ્થાન આપો તો આયુષ્ય ટકોરાબંધ રહે જ.
સાચું કહું તો આવું બધું વાંચુ છું અને મારા પરિવારજનો સર્વપ્રકારે મારા આહારવિહારની શિસ્ત જાળવવા જે જહેમત ઉઠાવે છે તેના પ્રતાપે જ આજે મારી તબિયત રાતી રાયણ જેવી છે. આવું કહેવાય યાર! એમાં અહંકાર નથી. અનુભવની ઊજાણી જ સમજોને!! ઋણ સ્વિકાર પણ......
આરોગ્ય સંબંધિત આવો જ બીજો રિપોર્ટ ડેની બકલેંડનો વાંચ્યો. આધુનિક જીવનમાં આરોગ્ય માટે જે પડકારરૂપ સામાન્ય સમસ્યાઓ હોય તેના પરિણામે ઉદભવતા ગંભીર રોગોનો સામનો કેવી રીતે કરવો તેના વિશે તેમાં સુંદર રજૂઆત હતી. હેલ્થ કેર સંબંધિત મેગેઝિનમાં આ લેખ પ્રકાશિત થયો હતો. આજે વિશ્વમાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝનું વાર્ષિક ટર્નઓવર ૧૨૦ બિલિયન પાઉન્ડ જેટલું થવા જાય છે. અને આગામી ત્રણ વર્ષમાં આ આંકડો વધીને લગભગ ૧૬૦ બિલિયનથી ૧૯૦ બિલિયન પાઉન્ડ જેટલો થવાનો અંદાજ છે. આયુષ્યના જતન અને આરોગ્યના સંવર્ધન માટે નીતનવીન સેવા-સુશ્રુષા, દવાદારૂની શોધ થયા જ કરે છે. એક તરફ, સામાન્ય વ્યક્તિને લાંબુ આયુષ્ય ભોગવવું છે, અંતિમ શ્વાસ સુધી નખમાં ય રોગ ન હોય તેવું નિરામય જીવન જીવવું છે. બીજી તરફ, ફાર્મસી ઉદ્યોગને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે જરૂરી દવા, તબીબી સાધનો ઉપલબ્ધ કરાવીને લાભ મેળવવો હોય છે. સરવાળે, લોકોની જીવનરેખા લાંબી થઇ રહી છે.
વાતને આગળ વધારું તે પહેલાં ચાલો, ‘જીવંત પંથ’ના હાઇ-વેની સમાંતરે જઇ રહેલી પગદંડી પર આંટો મારતા આવીએ... હમણાં માલેતુજારોની યાદી જાહેર થઇ છે. ગયા પખવાડિયે આપ સહુ લવાજમી ગ્રાહકોને પણ ‘ગુજરાત સમાચાર’ના અંક સાથે Global Indian Rich Listનો વિશેષાંક મળ્યો હશે. મસમોટા માલેતુજારોની અસ્ક્યામતોના આંકડાઓ જાણવા આપણે સહુ આતુર હોઇએ છીએ. આ બધું વાંચીને ઘણાના મનમાં થઇ જતું હોય છે... ‘અહાહા... શું રાજ્જા જેવી જિંદગી જીવે છે? ઘરની તિજોરી પાઉન્ડથી ફાટફાટ થતી હોય તે માણસને વળી શું ચિંતા હોય? માળું આખ્ખી જિંદગી જલ્સો જ જલ્સો...’ વગેરે વગેરે.
પણ શું ખરેખર આવું હોય છે? હું તો માનું છું કે અઢળક ધન-સંપત્તિ એટલે જ સુખસાહ્યબી અને શાંતિ એવું નથી. બધા આવા સુખિયા હોતા નથી. તેમના કેટલાકના જીવનમાં પણ તનાવ, સ્ટ્રેસ હોય છે. આજના જમાનામાં એક બિલિયન (૧૦૦૦ મિલિયન) પાઉન્ડની સ્થાવર-જંગમ મિલ્કતની માલિકી ધરાવતી વ્યક્તિ માલેતુજાર ગણાય. આ લોકોની સરેરાશ જીવનશૈલી કેવી હોય છે? તેની રસપ્રદ માહિતી અહીં આંકડાઓ સાથે ટપકાવું છું.
આવા માલેતુજારો મોટા ભાગે લંડનના બેલગ્રેવિયા એરિયા જેવા વિસ્તારમાં સરેરાશ ૨૨.૩ મિલિયન પાઉન્ડના મકાનમાં રહેતા હોય છે. તેમની પાસે એકાદ લાખ પાઉન્ડની એક એવી ત્રણેક તો ગાડી હોય છે. આ લોકો પાસે ૧૭ મિલિયન પાઉન્ડનું ૧૪થી ૨૦ બેઠકનું પ્રાઇવેટ જેટ હોવું નવાઇની વાત નથી. તેઓ લંડનથી ઊડીને સીધા ચીનના બૈજિંગ પહોંચી શકે છે. આ ધનાઢયો બટલર માટે વર્ષેદહાડે આશરે ૪૫ હજારથી ૬૦ હજાર પાઉન્ડ પગાર ચૂકવે છે. જ્યારે સ્થાવર મિલ્કતોનું ધ્યાન રાખવાનું કામ કરતા એસ્ટેટ મેનેજરને ૬૦ હજારથી લાખ પાઉન્ડ પગાર ચૂકવાય છે. શેફને વર્ષેદહાડે ૪૦ હજારથી ૬૦ પગાર મળી રહે છે. પ્રાઇવેટ ટ્યુટર કે હેલ્થ ટ્રેઈનર તો વળી કલાકના આશરે ૧૪૦ પાઉન્ડ વસૂલે - તેની દરરોજ ત્રણ-ચાર કલાકની હાજરી ગણી લેવાની. આ માલેતુજાર હોલિડે પર જાય અને તેમની સાથે - ઓછામાં ઓછો - છ જણાનો કુટુંબ કબીલો તેમજ પર્સનલ સ્ટાફ પણ ગણો તો દસ દિવસનો એકાદ લાખ પાઉન્ડનો ખર્ચો થઇ જાય. ભવ્ય રહેઠાણ કે ઓફિસ ફૂલોની સજાવટ વગર કોરાધાકોડ ન દેખાય એટલે મહિને ૬૦૦૦ પાઉન્ડ ખર્ચવા પડે. અને માલેતુજારો ‘એક્સક્લુઝિવ’ સેન્ટ માટે અઠવાડિયે ૧૦૦૦ પાઉન્ડ તો સ્હેજે ય ખર્ચી નાખે છે.
અ...ને હવે આવે છે આ માલેતુજારોના શારીરિક-માનસિક સ્થિતિની વાત. મોટા ભાગના માલેતુજારો તબિયતના નરમ જોવા મળે છે. તેમના સ્વાસ્થ્યની અંગત દેખભાળ માટે સતત ડોક્ટરોની સેવા લેવી પડે છે. વિશાળ વેપાર-ધંધાને પગલે આવતો માનસિક તનાવ પણ કંઇ નાનોસૂનો નથી હોતો. એક ખોટો અયોગ્ય નિર્ણય કરોડોના ખાડામાં ઉતારી દઇ શકે છે તે વાતનું ટેન્શન ક્યારેક ઊંઘ હરામ કરી નાંખતું હોય છે. આથી તનાવ, સ્ટ્રેસ દૂર કરવા સાઇકિયાટ્રિસ્ટની સહાય અનિવાર્ય થઇ પડે છે. આવી બધી સેવાનો અઠવાડિયે ૫૦૦૦ પાઉન્ડ ખર્ચ તો આવે ને! આમ ભૌતિક જિંદગીમાં સુખસાહ્યબીના તમામ સાધનો હોવા છતાં માલેતુજારોને આરોગ્યની વધુ તકલીફો જોવા મળે છે - શારીરિક અને માનસિક પણ.
વાચક મિત્રો, આ તબક્કે ૨૦ વર્ષથી માંડીને ૮૦ વર્ષની વ્યક્તિએ - આયુષ્યના દરેક દસકામાં આરોગ્યની કેવા પ્રકારની કાળજી રાખવી જોઇએ તે વિશે હું વિગતવાર રજૂઆત કરવા માગતો હતો, પણ સ્થળસંકોચના કારણે આ વિષય મારે અહીં જ આટોપવો પડશે. જોકે આ વિષય આપણા સહુના આરોગ્ય, સુખાકારી, જીવનશૈલી વગેરે સાથે સંકળાયેલો હોવાથી ફરી ક્યારેક તેના વિશે અવશ્ય ચર્ચા કરશું.

બ્રિટનના ન્યાયતંત્રમાં એક પારસી બાવાજીની દેન.....

બ્રિટનમાં કાયદા-કચેરી એટલે કે કોર્ટના તબક્કાવાર નામો આ પ્રકારે ગણાવી શકાયઃ મેજિસ્ટ્રેટ કોર્ટ, કાઉન્ટી કોર્ટ, હાઇ કોર્ટ, કોર્ટ ઓફ અપીલ, કોર્ટ ઓફ ક્રિમિનલ અપીલ અને સુપ્રીમ કોર્ટ. આ દેશમાં એક જમાનામાં પ્રિવી કાઉન્સિલ હતી, પણ છેલ્લા દસેક વર્ષથી સુપ્રીમ કોર્ટનો પ્રારંભ થયો છે. બ્રિટનમાં જીવંત લોકશાહી ધબકે છે. સોએક વર્ષ પૂર્વે ક્રિમિનલ અપીલ કોર્ટ પણ નહોતી. તેથી હાઇ કોર્ટ જે ચુકાદો આપે તે અંતિમ ગણાતો હતો. બ્રિટનમાં કોર્ટ ઓફ અપીલની સ્થાપનામાં એક ભારતીય વંશજ નિમિત્ત બન્યા હતા એમ કહું તો? તમને નવાઇ લાગશે, પણ આ હકીકત છે.
એક પારસી પિતાના એંગ્લો-ઇંડિયન સંતાન નામે જ્યોર્જ એડલજીને થયેલા અન્યાયમાંથી કોર્ટ ઓફ અપીલનો જન્મ થયો છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. આ જ્યોર્જ એડલજી બર્મિંગહામ નજીકના ગામમાં રહેતા હતા અને સોલિસીટર તરીકે કામ કરતા હતા. ૧૯૦૩માં તેમના પર આરોપ મૂકાયો કે તેમણે કેટલાક ઘોડાને મારી નાંખ્યા છે. બ્રિટનમાં ઘોડાને મારવો તે માણસને મારવા જેટલો જ ગંભીર ગુનો ગણાય છે. તે જમાનામાં આ કેસ ગ્રેટ વાયર્લી આઉટરેજ નામે બહુ ચગ્યો હતો. આરોપી તરીકે જ્યોર્જ એડલજીને કોર્ટના કઠેડામાં ખડા કરાયા. કેસની સુનાવણી ચાલી અને તેને માત્ર સાંયોગિક પુરાવાઓના આધારે કસૂરવાર ઠેરવીને સાત વર્ષ કેદની સજા ફટકારવામાં આવી હતી.
આ અરસામાં ડિટેક્ટિવ શેરલોક હોમ્સની જાસૂસી નવલકથાઓ ખૂબ વંચાતી, વખણાતી હતી. નવલકથાના વિષયવસ્તુની તર્કબદ્ધ રજૂઆત અને પછી નક્કર તથ્ય આધારિત પુરાવાઓ એકઠા કરીને ડિટેક્ટિવ શેરલોક હોમ્સના હાથે સસ્પેન્સનો પર્દાફાશ કરતા લેખક સર આર્થર કોનન ડોયલને લોકો આંખો પર બેસાડતા હતા. જ્યોર્જ એડલજીએ જેલમાંથી સર ડોયલનો સંપર્ક સાધ્યો અને જોરદાર રજૂઆત કરતાં કહ્યું કે પોતે નિર્દોષ હોવા છતાં તેને ખોટી રીતે કેસમાં ફસાવાયો છે.
સર ડોયલને જ્યોર્જ એડલજીનો કેસ રસપ્રદ જણાયો. તેની રજૂઆતમાં પણ તથ્ય જણાયું. તેઓ જેલમાં પહોંચ્યા અને જ્યોર્જ એડલજીને મળ્યા. તેની સાથેની તમામ વાતચીતની નોંધ ટપકાવી, પુરાવા ચકાસ્યા અને તથ્યોનો તાળો મેળવ્યો તો જણાયું કે જ્યોર્જ એડલજીને સાચે જ અન્યાય થયો છે. તેને ખોટી રીતે દોષી ઠરાવી જેલમાં ધકેલી દેવાયા છે. સર ડોયલે જ્યોર્જ એડલજીને જેલમુક્ત કરાવવા માટે જોરદાર ઝૂંબેશ શરૂ કરી અને તેના પરિણામે જ્યોર્જ એડલજીનો - સાડા ત્રણ વર્ષની જેલ બાદ - છુટકારો થયો.
જોકે સર આર્થર કોનન ડોયલ હજુ પગ વાળીને બેસવા તૈયાર નહોતા. તેઓ ઇચ્છતા હતા કે જ્યોર્જ એડલજી સંપૂર્ણ નિર્દોષ જાહેર થવા જોઇએ. તેમણે આ કેસના તપાસનીશ અધિકારી સ્ટેફોર્ડશાયરના પોલીસ કેપ્ટન જ્યોર્જ એન્સનને લગભગ દરરોજ એક પત્ર પાઠવવાનું શરૂ કર્યું. દરેક પત્ર સાથે સર ડોયલ સાક્ષીઓ પાસેથી મળેલી જાણકારી અને ઘટનાસ્થળેથી એકત્ર કરેલા પુરાવાઓ પણ મોકલતા હતા. સર ડોયલે તેમને આવા ૪૦ પત્રો મોકલ્યા હતા. એક તબક્કે તો અકળાઇ ગયેલા કેપ્ટન એન્સને એવો સવાલ કર્યો હતો કે ‘આ સી.ડી. (કોનન ડોયલ)નું ચસ્કી ગયું છે કે શું?’
પણ સર ડોયલ ઝૂકવા તૈયાર નહોતા. તેઓ શ્રેણીબદ્ધ પુરાવાઓ સાથે એક જ રજૂઆત કરતા રહ્યા કે જ્યોર્જ એડલજીને અયોગ્ય પુરાવાઓના આધારે સજા થઇ છે. આથી તેમને નિર્દોષ જાહેર કરવા જ જોઇએ. તેમની રજૂઆત રંગ લાવી. અને કોર્ટ ઓફ અપીલની સ્થાપના થઇ. છેવટે સત્યનો વિજય થયો. કહેવાની જરૂર નથી કે જ્યોર્જ એડલજીને સંપૂર્ણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.
સર ડોયલે પુરવાર કરી દેખાડ્યું હતું કે જ્યોર્જ એડલજી નબળી દૃષ્ટિની સમસ્યાથી પીડાય છે. તેને તો રાત્રિના અંધકારમાં સરખું દેખાતું પણ નથી ત્યાં કાળાડિબાંગ અંધારામાં તેમણે કન્ટ્રીસાઇડમાં ઘોડા ઉપર ઘા કરીને માર્યા હોવાની ઘટનામાં રતિભાર વજૂદ જણાતું નથી.
બાય ધ વે, પોલીસ અધિકારી કેપ્ટન એન્સનનું ૧૯૪૭માં મૃત્યુ થયા બાદ તેમની અને સર ડોયલ વચ્ચે થયેલો પત્રવ્યવહાર પણ જાહેર થયો છે. સર આર્થર કોનન ડોયલ ભલે સફળ લેખક તરીકે ભારે નામના ધરાવતા હતા, પણ જ્યોર્જ એડલજીના કેસમાં તેમણે ભજવેલી ભૂમિકાને લીધે અન્ય લેખકોની નજરમાં તેઓ હીરો બની ગયા હતા. તેમને કેન્દ્રમાં રાખીને અનેક પુસ્તકો લખાયા હતા. આમાંના જૂલિયન બાર્ન્સ લિખિત એક પુસ્તક ‘આર્થર એન્ડ જ્યોર્જ’ પરથી તો ત્રણ ભાગમાં ટીવી સિરિયલ પણ બની હતી, જેમાં માર્ટિન કલુનીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આ દેશમાં જીવંત લોકશાહી છે અને ન્યાયતંત્ર પણ જીવંત છે તેનો જીવતોજાગતો પુરાવો જ્યોર્જ એડલજીના કેસ પરથી મળે છે. આ દેશમાં અન્યાય સામે ઝૂકી ન જવું અને પોતાની આવડત હોય, સામર્થ્ય હોય તેનો ઉપયોગ કરીને નિર્દોષની પડખે ઉભા રહેવું તે બ્રિટિશ પરંપરા છે. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter