સંઘર્ષજન્ય સ્વાનુભવોનું વ્યક્તિત્વઃ પ્રા. ચંદ્રકાન્ત પટેલ

જીવંત પંથ

- સી.બી. પટેલ Wednesday 09th August 2023 05:52 EDT
 

પ્રા. ચંદ્રકાન્ત પટેલ હવે આપણા આગામી અતિથિ બનશે. અનુભવોનો ઓઘ એમનામાં લહેરાય છે. ખેડૂત પિતા પુરુષોત્તમદાસ અને અક્ષરજ્ઞાનથી વંચિત મા હીરાબહેનના બે પુત્રોમાં મોટા ચંદ્રકાન્તભાઈ અને લઘુબંધુ રમણભાઈ.

પ્રાથમિક શાળામાં તેજસ્વી વિદ્યાર્થી. પાંચમા પછી લાંભવેલ છોડીને આણંદ જાય તો શાળામાં વર્ગની સંખ્યા ઘટતાં વર્ગ બંધ કરવો પડે માટે ખેડૂત પિતાને શિક્ષકે સલાહ આપી, ‘નાની વયે પાંચ કિલોમીટર આણંદ ચાલીને છોકરાને મોકલો, તો તબિયત અને અભ્યાસ બગડે.’ આથી બીજે વર્ષે પાંચમા ધોરણમાં બીજી વાર અંગ્રેજી વિષય શીખવા ભણવું પડ્યું. ગામડાંની સરકારી શાળામાં અંગ્રેજી ન હતું.
હાઈસ્કૂલમાં ભણવા રોજ બે વખત થઈને છ માઈલ ચાલવાનું થાય. સાયકલ આખા ગામમાં માંડ ત્રણ-ચાર હોય. ગરીબીમાં સાયકલ ભાડે લઈને શીખાય પણ સાયકલ ભાડે લઈને શીખાય પણ સાયકલ ભાંગેતૂટે તો પૈસા ક્યાંથી આપવા? સાયકલ ક્યારેય ના ચલાવી. આણંદ જવાની કોઈ નિયમિત બસ ન હતી. વળી ખાનગી બસમાં બેસવાના પૈસા ન હતા. ક્યારેક રસ્તે જતી ટ્રકને હાથ ધરતાં કોઈકને દયા આવે તો બેસાડીને રસ્તામાં છોડી દે.
શિક્ષકો ટ્યુશનિયા ન હતા. તે સુંદર ભણાવતા. શિક્ષકો મહેનતુ, વિદ્યાર્થીપ્રેમી. તેમાંય આચારજીવી અને ઋષિ શા શિક્ષક તે વિઠ્ઠલભાઈ. જ્ઞાની, કડક અને વિદ્યાર્થીપ્રેમી. નવા નવા શૈક્ષણિક અખતરા કરનારા. એક વાર દશમા ધોરણમાં મહિના પહેલાં ઈતિહાસની પરીક્ષાની તારીખ – સમય જાહેર કરીને કહ્યું, ‘પરીક્ષા ત્રણ કલાકની અને પુસ્તકો વાપરીને લખવાની સૌને છૂટ રહેશે.’

પ્રા. ચંદ્રકાન્તભાઈના શબ્દોમાં જ હવે જોઈએઃ ‘પરીક્ષાના દિવસે પ્રશ્નો એવા પૂછ્યા કે જવાબ શોધવા પાનાં ફેરવવામાં વિદ્યાર્થીઓ મંડ્યા. મને પહેલેથી ગુજરાતી અને ઈતિહાસ ખૂબ ગમે. મેં વિના પુસ્તક વાપર્યે લખ્યું. પરિણામમાં મોટા ભાગના વિદ્યાર્થી 20 કે 25 માર્ક્સ કે ઓછા. માત્ર મને 58 ટકા આપ્યા. પછી અગિયારમામાં જઈને મારી સપ્લીમેન્ટરી બધાંને વાંચી બતાવે અને કહે, ‘છે ક્યાંય થડકાટ? ક્યાંય છેકછાક દેખાય છે? આટલાં પાન લખી શકો?’ તેવો માનીતો વિદ્યાર્થી.
આણંદની સાર્વજનિક પુસ્તકાલયમાં ત્યારે વિદ્યાર્થીને એક સાથે બે પુસ્તક મળે. શરૂમાં બે લઈ જાય. બીજા દિવસે વાંચીને પાછાં આપે. જતાં-આવતાં ચાલતાં ચાલતાં પણ વાંચે. ગ્રંથપાલ ખુશ અને પછી તો એક સાથે વિશ્વાસે જેટલાં જોઈએ એટલાં પુસ્તક આપતાં.’
ચંદ્રકાન્તભાઈ સારા માર્ક્સે એસ.એસ.સી. થયા. કોલેજમાં ભણવાની ફીના અભાવે સીધા પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા. રોજ નોકરી માટે બન્ને વખતે થઈને 14 માઈલ કાચા રસ્તે ચાલે. એક વર્ષ પછી મહી કેનાલ ખોદાતી હતી તેમાં કારકૂન તરીકે કામના સ્થળે તંબુમાં ત્રણ વર્ષ રહ્યા. ઘેર બેઠાં પરીક્ષા અપાતી તેથી નોકરી સાથે ઈન્ટર પાસ કરી. બી.એ. માટે ત્યારે ઘેર બેઠાં ભણવામાં પાંચ વર્ષ થતાં. પુસ્તકો ન હોય, લાઈટ ન હોય. આથી શહેરમાં નોકરી મળે તો ભણવાનું ફાવે માનીને આદરણીય શિક્ષાગુરુ વિઠ્ઠલભાઈ સાહેબને પત્ર લખી પરિસ્થિતિ જણાવતાં તેમને આણંદ ડી.એન. હાઈસ્કૂલમાં ગૃહપતિ તરીકે નોકરી આપી.
વિદ્યાર્થીઓ શાળામાં જાય ત્યારે વાંચવાની સગવડ, પણ ઉંઘ ન આવે તેથી દાળભાત કે રાંધેલું ખાવાનું છોડ્યું. પરીક્ષાના પેપર આપવા નડિયાદ જવાનું, પાછા ફરવાની બસ સાડા પાંચે મળે. તેથી પરીક્ષામાં માત્ર બે સવા બે કલાકમાં પેપરમાં લખાય તેટલું વિકલ્પની પસંદગી વિના શરૂમાં આવે તે જ પ્રશ્નોના જવાબ લખતાં. બધું જ આવડતું હોય. આમાંય પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષયમાં 70 ટકા આવેલા. વિના કોલેજ ગયે બીજા વર્ગમાં ગ્રેજ્યુએટ થયા. તે જ વર્ષે જાણીતા લેખક અને સામાજિક કાર્યકર્તા ઈશ્વર પેટલીકરના માધ્યમથી તેમનું લગ્ન. ગાંધીજીની સાથે સાબરમતી આશ્રમમાં દશ વર્ષ રહેનારા, અંતેવાસી અને દાંડીકૂચમાં ગાંધીજીના સાથીદાર એવા છોટુભાઈ પટેલનાં દીકરી વર્ષાબહેનને પરણ્યા.
ઈતિહાસમાં એમ.એ. થવાની ત્યારે માત્ર અમદાવાદમાં જ સગવડ હોવાથી આણંદ છોડીને અમદાવાદ ગયા. ત્યાં હાઈસ્કૂલમાં નોકરી કરી. નોકરી માટે ઘરેથી ચાલતા જવાનું. ત્યાંથી ચાલતા ગુજરાત કોલેજમાં સાંજના વર્ગોમાં અને પછી ચાલતા ઘરે. રોજ 14થી 16 માઈલ ચાલવાનું, નોકરી સાથે ભણવાનું.
એમ.એ.નાં વર્ગોમાં સેમિનારમાં આગળ પડતો ભાગ લેતા. હજી ગુજરાતીમાં એમ.એ. માટેનાં પુસ્તકો ન હતાં. અંગ્રેજી ઓછું ફાવે. હિંદીમાં પુસ્તકો મળે પણ ખરીદવાના પૈસા ના હોય. લાઈબ્રેરીમાંથી પુસ્તકો મેળવીને, હિંદીમાંથી આખા પુસ્તકોની ગુજરાતીમાં મુદ્દાસર એ નોંધ કરતા. આવી નોંધ આખા પુસ્તકની ગરજ સારે. સેમિનારોમાં આગળ પડતો ભાગ લઈને તેમની આત્મશ્રદ્ધા વિક્સી હતી. આથી તો પરીક્ષાના પરિણામ પહેલાં જ કહેતાં કે ‘મારો જ નંબર પહેલો હશે.’ થયું પણ તેમજ. ગુજરાત યુનિવર્સિટીમાં 1963માં ઈતિહાસમાં તેમના સૌથી વધારે ટકા હતા પણ તે વિષયમાં ત્યારે ગોલ્ડ મેડલ ન હોવાથી તે વંચિત રહ્યા.
1963માં તેમનાં પત્ની વર્ષાબહેન પણ બી.એ. થયાં. હવે ચંદ્રકાન્તભાઈને એકલાને કોલેજમાં ત્રણેક જગ્યાએ અરજી પરથી નિમણૂંક મળેલી. પગાર માત્ર 200 રૂપિયા. વર્ષાબહેનને તે સ્થળે નોકરી ના મળે. બંને સાથે શિક્ષક બને તો પગારની ભેગી રકમ પોણા બે ગણી થાય. આથી કોલેજને બદલે બંનેએ ધર્મજમાં એક વર્ષ શિક્ષકની નોકરી કરી.
બીજા વર્ષે અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં લેક્ચરરની નોકરી મળી. સાથે મકાન પણ આપતા હતા તેથી તે સ્વીકારી. ચંદ્રકાન્તભાઈની પ્રગતિનો પાયો ગૂજરાત વિદ્યાપીઠમાં નંખાયો. ગૂજરાત વિદ્યાપીઠમાં તેમણે આણંદ ડી.એન.માં અભ્યાસ અને નોકરી દરમિયાન વિક્સેલી કાર્યનિષ્ઠા ચાલુ રહી અને વધી.
મોરારજી દેસાઈ ગૂજરાત વિદ્યાપીઠના વડા. તેઓ સરકારમાં હોદ્દા પર હોય કે રોકાયેલા હોય પણ દર વર્ષે 11મી ઓક્ટોબરથી 19મી ઓક્ટોબર સુધી વિદ્યાપીઠમાં રહેતા. તેઓ પ્રાર્થનામાં પ્રવચન કરતાં. પદવીદાનમાં હાજર રહેતા. ભણાવવાની સાથે સાથે મોરારજીભાઈ વિદ્યાપીઠમાં રહે ત્યાં સુધી ચંદ્રકાન્તભાઈ અતિથિગૃહ સંભાળતા. આથી મોરારજીભાઈની પ્રતિક્ષામાં બેઠેલા લોકનેતાઓ કે રાજકારણીઓ સાથે વાતો થતી. વધારામાં 1978થી વિદ્યાપીઠમાં આવતા અમેરિકી વિદ્યાર્થીઓના કાર્યક્રમના એ સંયોજક બન્યા. આથી અમેરિકી વિદ્યાર્થીઓની મોરારજીભાઈ સાથેની મુલાકાતમાં કાયમ બેસવાનું થતું.
1967માં આરબ - ઈઝરાયેલ યુદ્ધમાં ઈઝરાયેલના વિજયથી એ પ્રજાની શક્તિનું મૂળ શોધવા જતાં તેના અભ્યાસપૂર્ણ લેખો લખ્યા. તે નિમિત્તે પુરુષોત્તમ માવળંકર, ઈલાબહેન ભટ્ટ, ભોગીલાલ ગાંધી, યશવંતભાઈ શુક્લ એ બધાંનો સંપર્ક – મૈત્રી થયા. તેમણે 1970માં ઈન્ડો - ઈઝરાયેલ કલ્ચર એસોસિએશન સ્થાપવામાં નેતાગીરી લીધી. સ્થાપ્યું. તેના મંત્રી તરીકે તેમણે 24 વર્ષ સંપૂર્ણ વહીવટ કર્યો. 1973માં ઈઝરાયેલની સરકારે વિદેશ ખાતાએ ખાસ અતિથિ તરીકે આમંત્રણ આપતાં પહેલો વિદેશ પ્રવાસ થયો. પાછા ફરતાં રોમ અને ઈરાનમાં 21 દિવસ રોકાયા. ઈઝરાયેલથી પાછા ફર્યા પછી ‘જનસત્તા’ દૈનિકે ચંદ્રકાન્ત પટેલની ઈઝરાયેલ શ્રેણી છાપામાં શરૂ કરી અને 1973થી જ નિયમિત એક કે બીજા છાપામાં લખતાં થયાં. 1978માં બીજી વાર ઈઝરાયેલ ગયા.
1973થી શરૂ થયેલા તેમના વિદેશ પ્રવાસ છેક આજ સુધી ચાલે છે. ક્યારેય વિદેશ પ્રવાસ વગરનું કોઈ વર્ષ ખાલી રહ્યું નથી. કેટલાક દેશોમાં બે કરતાં વધારે વાર ગયા છે. આમાં આયોજિત ટુરમાં ગયા તેવા દેશો બાદ કરતાં, અડધાં જેટલા દેશોમાં એ કોઈને કોઈ પરિવારને ત્યાં રહ્યાં છે આથી તેમને ઘણા દેશોના વાસ્તવિક લોકજીવન અને ભારતીય પરિવારોનો સાચો ખ્યાલ છે. તેઓ માત્ર પુસ્તકિયા જ્ઞાનના કીડા નથી.
1954માં તેમણે આરંભેલી નોકરીના સમયથી આજ સુધીના સક્રિય જીવનને હવે થોડા માસમાં સાત દશકા પૂરા થશે.
પ્રખર યાદશક્તિ અને પ્રસંગ આવ્યે સ્મૃતિમંજૂષા ખોલીને ઉપયોગ કરવાની તેમની શક્તિએ તેઓ મિત્રો અને ચાહકોનો સ્નેહ પામ્યા છે. શિક્ષણક્ષેત્રના બધા તબક્કામાં શિક્ષણ આપવાના તેમના અનુભવથી અને સંબંધો સાચવવાની નિઃસ્વાર્થ વૃત્તિને લીધે એશિયા, યુરોપ, અમેરિકામાં પથરાયેલા તેમના વિદ્યાર્થીઓ તેમને આદરથી જુએ છે.
જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી, મુસ્લિમ, જૈન, બૌદ્ધ વગેરે ધર્મોની અને ગુજરાતની વિવિધ જ્ઞાતિઓની જાણકારી ધરાવતા પ્રા. ચંદ્રકાન્ત પટેલને પ્રશ્નો પૂછીને ઓછી મહેનતે ઝાઝું જાણવાનો અનેરો લ્હાવો છે.
જીવન સંઘર્ષ અને સ્વાનુભવોથી વિકસેલું અને સમસંવેદનાથી ભર્યુંભર્યું તેમનું વ્યક્તિત્વ સંપર્કમાં આવનારાનું દિલ જીતી લે છે. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter