સદાબહાર સામ્રાજ્ઞી

જીવંત પંથ - 2 (ક્રમાંક - 13)

સી.બી. પટેલ Tuesday 13th September 2022 08:21 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, મહારાણી એલિઝાબેથ-દ્વિતીયના નિધનના સમાચાર ફેલાતાં જ દુનિયાભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિશ્વમાં ભલે રાજાશાહીનો સુરજ આથમી રહ્યો હોય, તેની સામે વિરોધનો અવાજ ઉઠતો રહ્યો હોય, પરંતુ બ્રિટનનાં નામદાર મહારાણીની વાત અલગ હતી, છે અને રહેશે. ન ભૂતોઃ ન ભવિષ્યતિઃ બ્રિટનના સામ્રાજ્યવાદી ચહેરાને માનવતાપૂર્ણ ચહેરામાં પરિવર્તિત કરનાર મહારાણીનું નામ ઇતિહાસના પૃષ્ઠોમાં સોનેરી અક્ષરે અંકાઇ ગયું છે તે વાત સાથે ભાગ્યે જ કોઇ અસહમત થશે.
સર્વોચ્ચ સ્થાને 70 વર્ષ... આ નાનોસૂનો સમય નથી. આટલા સમયમાં તો એક આખી પેઢી પસાર થઇ જાય. પણ મહારાણીની નામના - ગરિમાને રતિભાર ઘસારો લાગ્યો નથી. તાજપોશી થઇ ત્યારથી અંતિમ શ્વાસ સુધી તેમણે પૂરી શાલિનતા સાથે માત્ર બ્રિટન પર જ નહીં, લોકહૃદયમાં પણ રાજ કર્યું. આ જ કારણ છે કે તેમના નિધનથી માત્ર બ્રિટન જ નહીં, સમગ્ર વિશ્વ એવી લાગણી અનુભવી રહ્યું છે કે જાણે હૂંફ આપતા કુટુંબના વડીલ ગુમાવ્યા હોય.
સાત દસકા દરમિયાન મહારાણીએ 200થી વધુ વખત બ્રિટન બહાર, મુખ્યત્વે કોમન વેલ્થ રાષ્ટ્રોની મુલાકાત લીધી. બ્રિટનમાં તો અસંખ્ય કાર્યક્રમો - સમારંભોમાં હાજરી આપી. લાખો લોકોને મળ્યા, અને તેમની સાથે દિલનો નાતો જોડ્યો. આ જ કારણ છે કે તેમના નિધનના સમાચાર સાથે જ શોકનું મોજું ફરી વળ્યું. ગુજરાત સમાચારના આ અંકમાં અન્યત્ર સવિસ્તર અહેવાલ પ્રકાશિત થયા છે. આપ જોશો કે સમાજનો દરેક વર્ગ - અબાલવૃદ્ધ સહુ કોઇ આ મહાન સામ્રાજ્ઞીને અંતઃકરણપૂર્વક અંજલિ આપી રહ્યા છે.
મહારાણીએ લોકો સાથે દિલથી નાતો જોડ્યો હતો. કોઇ દંભ નહીં, કોઇ દેખાડો નહીં. વાણી-વર્તનમાં નમ્રતા - સાલસતા તો એટલા કે એક જ મુલાકાતમાં સામેની વ્યક્તિને પોતાની કરી લે. આવા લોકોમાં હું પણ ખરો. નામદાર મહારાણીને જાહેર કાર્યક્રમોમાં ચારથી પાંચ વખત રૂ-બ-રૂ મળવાનો મોકો સાંપડ્યો છે એટલે આટલા વિશ્વાસથી આ વાત કરી રહ્યો છું. મહારાણી સાથેની પહેલી મુલાકાત તો ચીરસ્મરણીય બની રહી છે. 60ના દસકાનો એ સમય આજે પણ નજર સામે તરવરે છે એમ કહું તો પણ ખોટું નથી.
1960માં હું લંડન આવીને લિન્ક્ડઇનમાં જોડાયો હતો. ત્યાં મારો બાર-એટ-લોનો અભ્યાસ ચાલતો હતો. ત્રણેક વર્ષ પૂર્વે જ દારે સલામથી એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ શરૂ કર્યો હતો. લંડન આવ્યો. લિન્ક્ડઇનમાં પ્રવચનો અને અમુક વખત ડિનરમાં હાજરી આપવાનું મારું રુટિન હતું. નોટિસ બોર્ડ પર સમાચાર મૂકાયા હતા કે અમુક દિવસે સાંજે ડિનર વેળા શાહી પરિવાર ઉપસ્થિત રહેશે. સાથે સાથે જ સુચના હતી કે આ સમયે વિદ્યાર્થીઓએ અચૂકપણે પ્રોપર વેસ્ટર્ન કે નેશનલ ડ્રેસ પરિધાન કરવાનો રહેશે. (તે જમાનામાં આજની જેમ ટેક્સ્ટ, ઇ-મેઇલ, વ્હોટ્સએપ જેવી સગવડ નહોતી એટલે નોટિસ બોર્ડ પર નજર રાખવી પડતી. અને એક વખત નોટિસ બોર્ડ પર મેસેજ મૂકાય એટલે લાકડિયા તારની જેમ ફરી વળતો.)
રોયલ ડિનરનો દિવસ - સમય આવી ગયા. લિન્ક્ડઇનના ડાઇનિંગ હોલમાં લગભગ ૨૦૦ સ્ટુડન્ટ્સના સમૂહ ભોજનની વ્યવસ્થા ગોઠવાઇ હતી. શાકાહારી ભોજન કરનારાઓ માટે અલગ વ્યવસ્થા ગોઠવાઇ હતી, જેમાં અમે નવ સ્ટુડન્ટ્સ બેઠા હતા. સિટિંગ એરેન્જમેન્ટ કંઇક એવી હતી કે જે પેસેજમાં અમે ગોઠવાયા હતા તે ટેબલના એક છેડે હું હતો અને બીજા છેડે કોલકતાથી નવાસવા જ આવેલા ભાટિયા પરિવારના સ્ટુડન્ટ બહેન બેઠા હતા. તેમણે સુંદર સાડી સરસ રીતે પહેરી હતી. શાહી પરિવાર પરંપરાગત ઢબે આગળ વધી રહ્યો હતો. સૌથી આગળ નામદાર મહારાણી, તેમના પતિ ડ્યુક ઓફ એડિનબરા અને પછી પ્રિન્સેસ માર્ગારેટ તથા અન્યો. બધા વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલતાં ઝીલતાં આગળ વધી રહ્યા હતા.
ચહેરા પર હળવા હાસ્ય સાથે ધીમા પગલે આગળ વધી રહેલા નામદાર મહારાણીની નજર સરસ સાડી પહેરીને બેઠેલાં મિસ આશર પર પડી. અને તેઓ ઉભાં રહી ગયાં. ખૂબ જ પ્રેમથી, દાદીમા જાણે તેના કોઇ લાડકવાયાને પૂછતાં કહેતાં હોય તેમ કહ્યુંઃ બહુ જ સરસ છે... તમારું નામ શું છે? નવાસવાં આવેલાં મિસ આશરને મહારાણીનાં બ્રિટિશ ઉચ્ચારણો સમજાયાં નહીં કે પછી નવા માહોલના લીધે સંકોચ અનુભવતાં હતાં, પણ તેઓ કંઇ બોલી શક્યાં નહીં. તેમણે તરત જ મારી તરફ કંઇક એવી નજરે જોયું કે જાણે મારે વાત કરવાની હોય. મહારાણીએ પણ મારી તરફ નજર ફેરવી. હું આફ્રિકાથી આવ્યો હતો અને લંડનના માહોલથી કેળવાયેલો હોવાથી બ્રિટિશ ઉચ્ચારણો સમજવામાં મને કોઇ તકલીફ નહોતી. બંદાને મહારાણી સાથે વાતચીત કરવાનો અણધાર્યો અવસર મળી ગયો. અને વાર્તાલાપ શરૂ કર્યો. મેં મિસ આશરનો ટૂંકો પરિચય આપતા કહ્યું કે નવું એડમિશન છે. તરત જ તેમણે કહ્યું કે સાડી બહુ જ સરસ છે, તેમને એકદમ શોભી ઉઠે છે. સમગ્ર ડાઇનિંગ હોલમાં તેમનું વ્યક્તિત્વ અલગ જ તરી આવે છે. મેં ઉમેર્યું કે તેઓ કોલકતાથી આવે છે, અને નામાંકિત પરિવારનાં દીકરી છે. હજુ ગયા અઠવાડિયે જ લંડન આવ્યાં છે.
મહારાણીનો આ પછીનો સવાલ તેમનું જ્ઞાન - જાણકારી દર્શાવતો હતો. તેમણે પૂછ્યુંઃ સાડી સાઉથ ઇંડિયન છે કે બનારસી?! (તેઓ એકથી વધુ વખત ભારત જઇ આવ્યા હોવાથી તેમને આ બધી માહિતી હતી.)
આ પછી મહારાણીએ મને પૂછ્યછયુંઃ તમે ક્યાંથી આવો છો? હું જવાબ આપતો ગયો અને તેમના પ્રશ્ન આગળ વધતા ગયા. શું કરો છો? માતા-પિતા? પત્ની? મારી કારકીર્દિ, ક્યાં રહું છું? પાર્ટ ટાઇમ અભ્યાસ કરું છું, બાકી સિવિલ સર્વિસમાં છું. પિતાજી સંન્યાસી છે. હું જે ડાઇનિંગ ટેબલ પર હતો એ જ દર્શાવતું હતું કે વેજિટેરિયન છું. બધી જ વાતચીત એકદમ સહજતાથી, સીધી આંખો-આંખોમાં મિલાવીને. જાણે કોઇ વડીલ તેમના સ્વજન સાથે વાત કરતું હોય એમ. પૂરી ભાવુકતાથી બધી વાત સાંભળી. થોડીક મિનિટ આ સંવાદ ચાલ્યો, પણ મારા માટે આજીવન સંભારણું બની ગયો. આજે પણ તે સમય નજર સમક્ષ તરવરે છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી.
આપણે સહુએ પણ ટીવીમાં જોયું જ છે કે મહારાણી જ્યારે પણ કોઇની સાથે વાતચીત કરે છે ત્યારે દરેક સાથે આ જ આત્મીયતાનો ભાવ હોય છે - પછી સામેની વ્યક્તિ કોઇ રાષ્ટ્રનો વડો હોય કે આમ આદમી હોય. વાચક મિત્રો, તમે જ કહો કઇ વ્યક્તિ આવી મુલાકાતને ભૂલી શકવાની?!
ગુરુવારે સવાર જ્યારે સમાચાર પ્રસારિત થયા કે નામદાર મહારાણીની તબિયત કથળી રહી છે, સંતાનોને બાલ્મોરલ કેસલ બોલાવી લેવાયા છે ત્યારથી ચિંતા હતી કે આવી ઉમદા વ્યક્તિની અંતિમ યાત્રાએ નીકળી જશે. મારી રીતે પરમાત્માને પ્રાર્થના પણ કરી. હું તો સાવ અદનો આદમી ગણાઉં, માંડ 30 વર્ષની ઉંમર તેમણે મારા જીવનમાં દિલચશ્પી દાખવીને જાણકારી મેળવી. બાકી તેમને આ બધું જાણવાની શી જરૂર હતી? આ બધી વાતો અવર્ણનીય છે. નામદાર મહારાણીની આ જ ખાસિયત હતી, અને આ જ પરંપરા રહી.
સીતેર વર્ષના શાસનકાળ દરમિયાન માત્ર બ્રિટનના જ નહીં, સમગ્ર વિશ્વમાં આવેલા પરિવર્તનના તેઓ સાક્ષી હતાં.
જ્યારે તેઓ પ્રિન્સેસ એલિઝાબેથમાંથી ક્વીન એલિઝાબેથ બન્યા ત્યારે બ્રિટિશ એમ્પાયર હતું. 1947માં ભારત સ્વતંત્ર બન્યું અને 26 જાન્યુઆરી 1950ના રોજ પ્રજાસત્તાક બન્યું તે સમયગાળા દરમિયાન ભારતનું સ્ટેટસ ડોમિનિયન હતું. સ્વતંત્ર ખરું, પણ ઔપચારિક રીતે તેના વડા સામ્રાજ્ઞી હતાં. 1950માં ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે નવા સ્વરૂપે નવયુગમાં પ્રવેશ કરવાનું ત્યારે પંડિત જવાહરલાલ નેહરુના દૂરંદેશીભર્યા નિર્ણયના કારણે પ્રજાસત્તાક હોવા છતાં રાષ્ટ્રસમૂહના સભ્ય તરીકે ભારતને માન્યતા મળવામાં મહારાણીનું આગવું અનુદાન છે.
વાચક મિત્રો, સમાચાર માધ્યમ સાથે સંકળાયેલો હોવાના કારણે પણ મને એક કરતાં વધુ વખત બકિંગહામ પેલેસની મહેમાનગતિ માણવાનો અવસર મળ્યો. તો એક સમયે પ્રિન્સ ચાર્લ્સનું નિવાસસ્થાન એવા સેન્ટ જેમ્સ પેલેસમાં પણ નામદાર મહારાણીને હસ્તધૂનન કરવાનો - ઔપચારિક હાય-હેલો કરવાનો અવસર મને મળ્યો છે. આ દરેક પ્રસંગે તેમનામાં પરિવારના મોવડી જેવી, સ્વજન જેવી ઉષ્મા અનુભવી છે.
નામદાર મહારાણીએ દેશના પરિવર્તનમાં પાયાનું અનુદાન રહ્યું છે. પ્રત્યેક ક્રિસમસ પર્વે બપોરે ત્રણ વાગ્યે તેમના રાષ્ટ્રજોગ સંબોધનની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી. છેલ્લા કેટલાક દસકાથી ટીવીના કારણે તેમનો સંદેશ વીડિયો સાથે લાઇવ જોવા મળે છે તે અલગ બાબત છે, પણ અગાઉ તો રેડિયો એકમાત્ર વિકલ્પ હતો. બ્રિટન અને બ્રિટન બહાર લાખો લોકો રેડિયોને કાન લગાવીને બેસી જતા હતા. મહારાણીના મુખે બોલાયેલા શબ્દોની તાકાત કહો તો તાકાત અને અસર કહો તો અસર કેવી હતી તેનું એક ઉદાહરણ આપું.
1979માં આ દેશમાં રંગદ્વેષના દૂષણે માઝા મૂકી હતી. વ્હાઇટ લોકો બિનગોર સામે નફરત - તિરસ્કાર કરવાની કોઇ તક છોડતા નહોતા. રંગદ્વેષનું સમર્થક એવા નેશનલ ફ્રન્ટનો પ્રભાવ વધ્યો હતો. આના મૂળમાં હતું કન્ઝર્વેટિવ નેતા ઇનોક પોવેલે 1968માં કરેલું અને રિવર્સ ઓફ બ્લડ તરીકે જાણીતું બનેલું પ્રવચન. હાડોહાડ રંગભેદ સમર્થક એવા પોવેલે તેમના આ પ્રવચનમાં બિનગોર સમુદાય વિરુદ્ધ ભારે ઝેર ઓક્યું હતું. બ્રિટિશ નાગરિકો આક્રમક બન્યા હતા. લેસ્ટર સહિતના વિસ્તારોમાં એશિયન કે બ્લેક સમુદાયની વસ્તી ધરાવતા મકાનોની દિવાલ પર રંગદ્વેષી શબ્દો કે સૂત્રો લખીને લોકો ઝેર ઓકતા હતા. મહારાણી આ સમગ્ર ઘટનાક્રમથી સુપેરે વાકેફ હતા. ક્રિસમસ પર્વે 3 મિનિટ 50 સેકન્ડના સંબોધનમાં તેમણે માત્ર ત્રણ-ચાર વાક્યમાં જ રંગદ્વેષવિરોધી એવો સંદેશ આપ્યો કે રાષ્ટ્રવાદના નામે અશાંતિ ફેલાવી નેશનલ ફ્રન્ટના ફુગ્ગામાંથી હવા નીકળી ગઇ. રાતોરાત જાણે માનસપલટો થયો. ધિક્કાર ઘટ્યો, અને ધિક્કાર કરનારા પણ ઘટ્યા.
કંઇક આવું જ લેડી ડાયેનાનું પેરિસમાં માર્ગ અકસ્માતમાં નિધન થયું તે વેળા બન્યું હતું. તેમણે થોડાક શબ્દોમાં ઘણું કહી દીધું, અને લોકોના મનમાં ચાલતી શંકા-કુશંકા પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું.
મહારાણીની આ આગવી શક્તિ હતી કે તેઓ થોડાક જ શબ્દોમાં પ્રજાજનોને સાચો માર્ગ સફળતાપૂર્વક ચીંધી શકતા હતા. આમાં તેમના હોદ્દા ઉપરાંત જીવનચર્યાનું પણ આગવું અનુદાન ધ્યાને લેવું રહ્યું. ચાર સંતાનો અને પાંચમા બહેન. આમાંથી એકમાત્ર પ્રિન્સ એડવર્ડનું જીવન સરળ રહ્યું છે. બાકી બધા - બહેન માર્ગરેટ ઉપરાંત ત્રણેય સંતાનો પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ એન, પ્રિન્સ એન્ડ્રયુ અંગત જીવનમાં કંઇકને કંઇક એવી ઉથલપાથલ - કારસ્તાન કરતા રહ્યા છે કે ગમેતેવા મજબૂત હૃદયની વ્યક્તિ પણ ડગી જાય. પરંતુ મહારાણી જલકમલવત્ રહ્યાં.
પરિવાર પર ગમેતેવી વિપદા આવી પડી હોય, પણ તેઓ સ્થિતપ્રજ્ઞ રહ્યાં. તેમણે વિચાર - વાણી - વર્તનથી સમયને એવી રીતે સાચવી લીધો કે (સંતાનોના નાલેશીજનક કરતૂતો છતાં) રાજ પરિવારની આબરૂને રતિભાર ઘસરકો લાગ્યો નથી. બ્રિટિશ તાજની આન - બાન - શાનને સાત સાત દસકા સુધી અકબંધ જાળવી રાખનાર મહાન સામ્રાજ્ઞીને કોટિ કોટિ વંદન સહ... (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter