સબસે ઊંચી પ્રેમ સગાઇ

સી. બી. પટેલ Tuesday 09th August 2016 14:11 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, જીવમાત્રમાં પ્રેમની ભાવના સદા સર્વદા વિદ્યમાન છે. અરે, બાપલ્યા... તેના ઉપર જ તો મારી - તમારી- આપણા સહુની આખી દુનિયા નભે છે. જગતનિયંતાએ આ સૃષ્ટિનું સર્જન કર્યું. ઉત્ક્રાંતિના નિયમ કે પછી અન્ય કારણસર જીવજંતુ સહિત માનવજીવન વિકસ્યું. અને વિસ્તર્યું. (કમસે કમ પૃથ્વી પર તો આપણે એવું અનુભવીએ છીએ.) એક અર્થમાં જોઇએ તો પ્રેમ અને સગાઇ શબ્દો તો બે જ છે, પણ તેની સમજ અનેકવિધ રીતે વ્યક્ત થઇ શકે તેવી છે.
જોકે વાત આગળ વધારતાં પહેલાં ગાંધીજીનું એક સુપ્રસિદ્ધ સુવાક્ય ટાંકી રહ્યો છુંઃ A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave. કાયર ક્યારેય પ્રેમ વ્યક્ત કરી શકતો નથી, એ તો હિંમતવાનનો જ વિશેષાધિકાર છે. હરિનો મારગ છે શૂરાનો... પંક્તિમાં થોડાક સુધારાવધારા સાથે કહું તો... પ્રેમનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું જોને કામ.
ગાંધીજી તેમના પ્રવચનમાં હંમેશા પ્રેમની વાત કરતા હતા, પણ આજે તો આ વાતમાં ઊંડા ઉતરવાના બદલે આગળ વધીએ. ફરી ક્યારેક આ મુદ્દે ચર્ચા માંડશું. હકીકત તો એ છે કે જ્યાં પ્રેમ હોય છે, લગાવ હોય, લાગણીનું બંધન હોય છે, ત્યાં વિરહ પણ અવશ્ય હોવાનો જ. બન્નેને એક સિક્કાની બે બાજુ જ ગણી લ્યોને...
તાજેતરમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્ર વિષય પર સંસ્કૃત ભાષામાં પીએચ.ડી. કરી રહેલા એક અમેરિકન વિદ્યાર્થીને મળવાનો અવસર સાંપડ્યો. પશ્ચિમી જગતમાં, બ્રિટનની ન્યાયપદ્ધતિના પાયામાં રોમન લો ગણાય છે. કાળક્રમે તેમાં પરિવર્તન થયું, જે સહજ છે. (આ પરિવર્તન શબ્દ પણ માળો કંઇક નોખો-અનોખો છે. શબ્દમાં ‘રિ’ની જોડણી ‘રી’ કરો અને પછી ‘-’ ઉમેરી દો તો તેનો અર્થ જ ધરમૂળથી બદલાય જશેઃ પરી-વર્તન! પહેલો શબ્દ (પરિવર્તન) સમગ્રતયા ફેરબદલની વાત કરે છે તો બીજો શબ્દ (પરી-વર્તન) એક પરીના વર્તનની વાત કરે છે! તાજેતરમાં હું હરનિશ જાનીની હાસ્ય વાર્તાઓનું એક પુસ્તક વાંચતો હતો. હું દરરોજ રાત્રે ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં હાસ્ય લેખ કે સાહિત્ય વાંચવાનું આવશ્યક ગણું છું. હાસ્યરસથી હર્યુંભર્યું કોઇ નવું પુસ્તક હાથવગું ન હોય ત્યારે હું ‘ગુજરાત સમાચાર’ના જૂના અંકોમાં પ્રકાશિત ‘જામી નજરે’ કે ‘હળવી ક્ષણોએ’ વિભાગ પર નજર ફેરવી લઉં છું. ‘ગુજરાત સમાચાર’ના અંકોનો સંગ્રહ કરવાનો એક મોટો લાભ આ પણ ખરો - ઘરેબેઠાં હાસ્યસરિતા. ભાઇશ્રી હરનિશ જાનીએ તેમના લેખમાં ‘પિતા’ અને ‘પીતા’ શબ્દને કેન્દ્રમાં રાખીને સરસ રમૂજ કરી છે.)
હા... તો આપણે વાત કરતા હતા પરિવર્તનની. આ અભ્યાસુ યુવકે મને કહ્યું કે કવિ કાલિદાસે સંસ્કૃત ભાષામાં સર્જેલી ‘મેઘદૂતમ્’ કૃતિનો દુનિયાભરના સાહિત્યમાં જોટો જડવો મુશ્કેલ છે. પશ્ચિમી સાહિત્યની કોઇ કૃતિ તેની તોલે આવી શકે નહીં. તે યુવકે માત્ર પાંડિત્યભરી વાતો કરવાના બદલે, કવિ કાલિદાસે ‘મેઘદૂતમ્’માં રજૂ કરેલા વિરહ-વેદનાને વાચા આપતા શ્લોકોનું (અષાઢસ્ય પ્રથમ દિવસે...) ઉચ્ચાર સહ ભાષ્ય પણ સમજાવ્યું.
મારે આ યુવક સાથે વાત થઇ તે તિથિ હતી શ્રાવણ સુદ ચોથ, અને હું આપની સમક્ષ આ રજૂઆત કરી રહ્યો છું તે તિથિ એટલે શ્રાવણ સુદ છઠ્ઠ (૮ ઓગસ્ટ). સાહિત્યજગતની આ સર્વોત્કૃષ્ટ કૃતિ વિશેનું મારું જ્ઞાન બહુ મર્યાદિત છે. કોઇ વાચક મિત્ર કવિ કાલિદાસની આ મહાન કૃતિ વિશે ૩૦૦-૪૦૦ શબ્દોમાં સરળ ભાષામાં લખી જણાવશે તો તે વાંચવાનું અને, સંભવિતપણે, પ્રકાશિત કરવાનું મને ગમશે.
વાત ઓક્સફર્ડ યુનિવર્સિટીની ચાલી રહી છે, તેમાં ચાલતા અભ્યાસનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે ત્યારે બીજી પણ એક આડ વાત ટાંક્યા વગર રહી શકતો નથી. ઓક્સફર્ડ યુનિવર્સિટીની બેલીઓલ કોલેજમાં કે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કે બ્રિટનની અન્ય કેટલીક અગ્રગણ્ય યુનિવર્સિટીઓમાં ૧૫ જેટલા વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ એક યા બીજી રીતે સંસ્કૃત ભાષા સાથે સંકળાયેલા વિષય પર એમ.ફિલ. કે પીએચ.ડી. જેવો અભ્યાસ કરી રહ્યા હોવાનું મને જાણવા મળ્યું છે. વાચક મિત્રો, આપ સહુ જાણીને આશ્ચર્ય સાથે આઘાતની લાગણી અનુભવશો કે આમાં જવલ્લે જ કોઇ ભારતીય નામ હશે. સાહિત્યવારસો ભલે આપણો ગણાતો હોય, પણ તેના ઊંડા અભ્યાસમાં અંગ્રેજ, યહૂદી, ચાઇનીઝ, જપાનીઝ કે અમેરિકન વધુ રસ ધરાવે છે! (આ કડવી હકીકતને આપણું ગૌરવ ગણવું કે પછી આપણા જ સંતાનો દ્વારા આપણા અમૂલ્ય સાહિત્યની ઉપેક્ષા ગણવી તે નક્કી કરવાનું આપની વિવેકબુદ્ધિ પર છોડી રહ્યો છું.)
વાચક મિત્રો, હું એક એવી ભારતીય-અંગ્રેજ યુવતીને પણ જાણું છું જે સંસ્કૃત ભાષામાં પીએચ.ડી. કરવા માટે કેલિફોર્નિયા જઇ પહોંચી છે. આ માટે યુનિવર્સિટી તરફથી તેને પ્રતિ વર્ષ ૫૬,૦૦૦ ડોલર લેખે પાંચ વર્ષ માટે સ્કોલરશિપ આપવામાં આવી છે. મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે વેદાંત સંસ્કૃતના અભ્યાસ માટે આ નાણાં ફાળવાયા છે. આ યુવતી ઇન્ડિક લેન્ગવેજ વિષયના ભાગરૂપે ચારેય વેદમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ અને વેદમાં વિવિધ તબક્કે જોવા મળતી સંસ્કૃત ભાષાનો તુલનાત્મક અભ્યાસ કરશે. વાચક મિત્રો, તમને નથી લાગતું કે વિશ્વના કોઇ પણ દેશ કરતાં ઉચ્ચ અભ્યાસ, અવનવા ક્ષેત્રે વિદ્વતાપૂર્ણ સંશોધનમાં અમેરિકામાં મોખરે હોવાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે?
આપનામાંથી કોઇ મિત્ર મને ‘મેઘદૂતમ્’ વિશે લખી જણાવે ત્યાં સુધી આપણે આ મુદ્દે મુદત પાડીએ. મેં લેખના પ્રારંભે પ્રેમ અને સગાઇ શબ્દોનો ઉલ્લેખ ટાંક્યો છે. સાથે જ ગાંધીજીનું એક સુવાક્ય પણ ટાંક્યું છે. વાત તે જ સંદર્ભે આગળ વધારીએ.
બે સપ્તાહ પૂર્વે હું એથેન્સમાં પૂરા સાત દિવસ રામકથામાં મહાલી આવ્યો. પૂ. મોરારિબાપુ જેવી હસ્તીની આંગળી ઝાલીને રામચરિતમાનસ ગ્રંથમાં વિહરવાનું હોય તો કોઇ મોકો ચૂકે ખરું?! હું એથેન્સથી પાછો ફર્યો કે તરત કેટલાક સ્વજન-મિત્રોએ પૂછ્યું પણ ખરું, ‘એથેન્સમાં બીજે ક્યાં સાઇટ સીઇંગ કરી આવ્યા? ત્યાંનું શિલ્પ-સ્થાપત્ય તો જગવિખ્યાત છે... શું શું જોઇ આવ્યા?’ મારો તેમનો જવાબ હતોઃ ભલા માણસ, ‘અંદર’ આંટાફેરા કરવાનો મહામૂલો અવસર સાંપડ્યો હોય ત્યારે ‘બહાર’ના સ્થળે ક્યાં ભટકવું? હું તો ક્યાંય નહોતો ગયો.
મિત્રો, એથેન્સમાં મારા બે જ મુકામ હતા - કથાસ્થાન અને નિવાસસ્થાન. એથેન્સમાં મારા નિવાસસ્થાન સમાન હોટેલની બાજુમાં જ નાનકડો, પણ મસ્તમજાનો પાર્ક હતો. દરરોજ સવારે છ - સાડા છ વાગ્યે પાર્કમાં વોક લેવા પહોંચી જવાનું. ૧૮-૨૦ વૃક્ષોથી છવાયેલા પાર્કમાં ભાગ્યે જ કોઇ વ્યક્તિને મેં નિહાળી હશે. હા, ક્યારેક ક્યારેક દુબળાપાતળાં બિલ્લી માસી નજરે ચઢી જતા હતા, બસ આ સિવાય કોઇ નહીં. એકાંત (એકલતા નહીં હોં...) ખરું, પણ આહલાદક! જેમ શબ્દોની મજા છે, એમ મૌનની પણ મજા છે. જેમ સહુની સાથે રહેવાની મજા છે, એમ જાત સાથે રહેવાની પણ અલગ જ મજા છે. આ દિવસો માત્ર મારી જાત સાથે રહ્યો, મારા ‘સ્વ’ સાથે રહ્યો.
લોર્ડ ડોલર પોપટ પરિવારે એથેન્સમાં યોજેલી રામકથા વિશે મેનેજિંગ એડિટર કોકિલાબહેન પટેલે લખેલો રસપ્રદ અહેવાલ આપ સહુએ ગયા સપ્તાહના ‘ગુજરાત સમાચાર’માં વાંચ્યો હશે. સાચે જ મહેમાનનવાજીમાં, ધાર્મિક આસ્થામાં કે નમ્રતામાં પુત્ર પાવનથી માંડીને તેના માતા સંધ્યાબહેન અને પિતા ડોલરભાઇ પાસેથી ઘણુંબધું શીખવા જેવું હોવાનું મેં અનુભવ્યું.
પૂ. મોરારિબાપુએ કથાના પ્રારંભે જ સોક્રેટિસ, ગાંધીજી, મનુભાઇ પંચોળી ‘દર્શક’ એ બધાની વાતો કરીને પૂર્વભૂમિકા બાંધી. મારી સમજ પ્રમાણે, ગુજરાતીમાં સોક્રેટિસ વિશે સૌથી પ્રથમ પુસ્તક મોહનદાસ કરમચંદ ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં ૧૯મી સદીના છેલ્લા દસકામાં લખ્યું હતું. મારો જે કંઇ અભ્યાસ છે તેના આધારે કહું તો, એથેન્સના કહેવાતા અગ્રણીઓએ ઝેર આપીને તેમને દેહાંત દંડની સજા કરી ત્યારે સોક્રેટિસે અંતિમ ઉદ્બોધન કર્યું હતું. આ ઉદ્બોધનને પ્લેટો કે બીજા કોઇ અનુયાયીએ શબ્દસ્થ કરીને ‘એપોલોજી’ નામ આપ્યું છે. મારા મતે આ ‘માફીપત્ર’ નથી, પણ ‘ખુમારીપત્ર’ છે. ગાંધીજીએ આંતરરાષ્ટ્રીય મુદ્દો ઉઠાવીને સ્વહસ્તાક્ષરમાં લખેલું સૌપ્રથમ પુસ્તક હોય તો તે સોક્રેટિસનું હતું. પોરબંદરના આ વાણિયાએ તેમાં જનસાધારણને ઉપયોગી બને તે રીતે તેમના વિચારો વ્યક્ત કર્યા છે. જે વ્યક્તિએ પોતાનું સમગ્ર આયખું જનહિતાર્થે સમર્પિત કર્યું હોય તેમનું પુસ્તક તો સત્વશીલ, સદાબહાર અને મૂલ્યસમૃદ્ધ હોવાનું જ ને?
મોરારિબાપુએ ગાંધીજી અને ‘દર્શક’ને ભવ્ય અંજલિ અર્પતા સોક્રેટિસ વિશે ઘણી ઘણી વાતો કરી. જાણે ગાગરમાં સાગર સમાવ્યો. એથેન્સમાં એ પણ જાણ્યું કે ૨૫૦૦ વર્ષ પૂર્વે - સોક્રેટિસના સમય કરતાં પણ પૂર્વે - મેસોડોનિયા પ્રાંતમાં શૈવ સંપ્રદાયના કેટલાક દાઢીધારી પહોંચી ગયા હોવાનું પુરાતત્વવિદ્દોના સંશોધનમાં બહાર આવી રહ્યું છે.
ખેર, સોક્રેટિસનો સંદેશ મારે અલ્પ શબ્દોમાં રજૂ કરવાનો હોય તો કહી શકુંઃ
• તન-દુરસ્તી માટે મન-દુરસ્તી આવશ્યક છે.
• પ્રસન્નતા એ જ પૂણ્ય, અપ્રસન્નતા એ પાપ.
અને પૂ. મોરારિબાપુની ભાષામાં સુકરાતનો અમર સંદેશો એટલે - પ્રસન્નતા, સંપન્નતા, અને સજ્જનતા.
આવા અમરત્વને સેવે તેવી દૃષ્ટિ કે પોતીકી સૃષ્ટિ કેમ મેળવવી, તેને કેમ કેળવવી, તેનું કેમ જતન કરવું અને તેને કેમ ચિરંજીવ રાખવી તે સહુ કોઇની જવાબદારી છે.
છેલ્લા બે’ક સપ્તાહથી કેટલાક શબ્દો અંતરમનમાં ઘંટારવ કરી રહ્યા છેઃ બુદ્ધિમાન, ઇમાનદાર (ઇનામદાર નહીં હોં...), સમર્પિત, મૂલ્યવાન. વિજ્ઞાન અને અધ્યાત્મ. ઉપદેશ અને આચરણ. કંઇ ઘણું બધું મનમાં ચાલતું રહ્યું છે. આ બધી વાતે વિચારતાં એટલું સમજાયું જ કે એથેન્સની રામકથા જીવનકવનને પારખવામાં અત્યંત લાભકારક પુરવાર થઇ છે.
મોરારિબાપુએ એક બીજી પણ સરસ વાત કરી છે. કર્મના ફળ વિશે કંઇક વાત ચાલતી હતી. તેમણે કહ્યું કે એક તરફ - તત્વજ્ઞાન, ફિલસૂફી, જીવનમંત્ર, મુક્ત માનવ, શ્રદ્ધા, ધર્મ, મંત્રતંત્ર તો બીજી તરફ, વહેમ, અંધશ્રદ્ધા, દોરાધાગા, માદળિયા, જંતરમંતર, ઢોંગ, છેતરપિંડી છે... આપણી આસપાસ આ બધું એક યા બીજા પ્રકારે ઉપલબ્ધ છે. પસંદ અપની અપની...
મોરારિબાપુએ જેસલ-તોરલના સુપ્રસિદ્ધ ‘પાપ તારું પરકાશ જાડેજા...’ સંદર્ભે પણ સરસ વાત કરી. ભાઇ હરિશ્ચંદ્ર જોશીએ તેમના સુમધરુ કંઠે
હળવા સંગીતના સથવારે આ ગીતની પંક્તિઓ વહેતી કરીને તો મનને તરબતર કરી દીધું. સ્ખલન એ અમુક રીતે સહજ છે, સ્વાભાવિક છે, પછી તે વાત જેસલ-તોરલના ગીતમાં આવતા જાડેજાની હોય કે મારા-તમારા જીવનની. ઘણી બધી બાબત એવી હોય છે જે અનિચ્છાએ પણ થઇ જતી હોય છે - જે ઇચ્છા વગર થઇ જાય તે જ સ્ખલન. આ માટે માત્ર ક્ષમાયાચના પૂરતા નથી હોતા, આ સ્ખલનના પરિણામે સર્જાયેલી ભૂલની જવાબદારી પણ નિભાવવી રહી. સંપૂર્ણ જવાબદારીનું પાલન કરીએ તો ભયો ભયો...
આ વાત પૂરી કરતાં પૂર્વે મારે જરૂર સ્વીકારવું પડે કે પ્રારંભે મોરારિબાપુએ માનસ સુકરાત કથાની આકૃતિ કંડારી હતી. રામાયણની ચોપાઇ ટાંકીને જ્ઞાન-વૈરાગ્ય ને વિચાર ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. આહાહા...

•••

સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓને શત શત વંદન...

વાચક મિત્રો, આજે આઠમી ઓગસ્ટ છે. કેટલાય દિવસથી ઉષાબહેન મહેતા બહુ યાદ આવી રહ્યા છે. આજથી બરાબર ૭૪ વર્ષ પૂર્વે મુંબઇમાં મણિભૂવન ખાતે કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઇ હતી. ૧૯૨૯ના જાન્યુઆરીમાં કોંગ્રેસ પક્ષે લાહોર નજીક રાવી નદીના તટ ઉપર તિરંગો ફરકાવીને ભારતની પૂર્ણ આઝાદી માટે લલકાર કર્યો હતો. ઓગસ્ટ ૧૯૪૨માં દ્વિતીય વિશ્વ યુદ્ધ વેળા બ્રિટન ભારત પાસેથી અનેકવિધ સહાય અધિકારપૂર્વક મેળવતું હતું. વધુ માનવધન અને અન્ય સાધનસામગ્રી માટે બહુ તાકીદની મદદ જરૂરી હતી. બ્રિટિશ સરકારે કોંગ્રેસના સહકાર માટે હાથ ફેલાવ્યો. ગાંધીજી કોંગ્રેસના ચાર આની સભ્ય પણ નહોતા, પરંતુ સર્વોચ્ચ નેતા તરીકેના આદર, સ્વીકૃતિ ધરાવતા હતા.
બ્રિટન ભારતને યુદ્ધ બાદ પૂર્ણ સ્વરાજ આપવાના મુદ્દે નમતું જોખવા તૈયાર નહોતું એટલે ગાંધીજીએ બ્રિટિશ સરકારને ભીંસમાં લેવા ક્વીટ ઇંડિયાનો નારો આપ્યો. તે દિવસ એટલે ૮ ઓગસ્ટ, ૧૯૪૨. મુંબઇના ગોવાલિયા ટેન્ક મેદાનમાં (જે આજે ઓગસ્ટ ક્રાંતિ મેદાનના નામે જાણીતું છે) દેશભરના ક્રાંતિકારીઓ એકત્ર થયા હતા. એક તરફ બીજું વિશ્વયુદ્ધ અને બીજી તરફ, ભારતમાં વેગ પકડી રહેલું આઝાદીનું આંદોલન - બન્ને બાજુથી ભીંસમાં મૂકાયેલી બ્રિટિશ સરકારે મેદાનમાં લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો.
ભારે ઉત્તેજનાપૂર્ણ માહોલ વચ્ચે એકવડા બાંધાના ઉષાબહેન મહેતાએ રાષ્ટ્રભાવના, હિંમત અને સાહસનો પરિચય આપતા સાડીને કછોટો માર્યો અને બિલ્ડીંગની ટોચે ચઢી ગયા. અંગ્રેજ સૈનિકો કંઇ સમજે, પગલાં લે તે પહેલાં તો તિરંગો ફરકાવી દીધો.

સ્વતંત્ર સંગ્રામને આજે આપણે સહુ વીસરી રહ્યા છીએ, આ માટે આપણા ભાઇભાંડુઓએ આપેલી કુરબાનીને ભૂલી રહ્યા છીએ તેને આપણી કમનસીબી જ ગણવી રહી. વર્તમાન પેઢી જ જ્યારે સંઘર્ષકાળની આ સ્મૃતિને વિસારે પાડી રહી હોય ત્યારે આપણા સંતાનોને, કે તેમના સંતાનોને તો આમાંનું શું યાદ હશે? આ દિવસોની સંઘર્ષગાથાની યાદ તાજી કરાવવા, દેશની આઝાદી કાજે પોતાનું લોહી વહાવનારા ક્રાંતિવીરોના બલિદાનને આપના સ્મૃતિપટ પર ફરી ચેતનવંતુ કરવા જ આ સપ્તાહે બે ગીત રજૂ કરી રહ્યો છું. એક ગીત છે ૧૯૩૦ના દાંડી સત્યાગ્રહ વેળા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલું ‘કોઇનો લાડકવાયો...’ અને બીજું ગીત છે ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ વેળા કવિ પ્રદીપે રચેલું ગીત ‘ઐ મેરે વતન કે લોગોં...’ આ બન્ને ગીતો રજૂ કરવાનો એકમાત્ર ઉદ્દેશ એટલો જ છે કે આપ સહુ તેને વાંચો, વિચારો અને વાગોળો. દેશની આઝાદી મેળવવા, સાર્વભૂમિકતા જાળવવા કાજે અપાયેલા બલિદાનનું મહત્ત્વ સમજો. આવતા સોમવારે મા ભોમ ૭૦મું સ્વાતંત્ર્ય પર્વ ઉજવે ત્યારે તેમાં ઉમંગ-ઉલ્લાસભેર સામેલ થાવ. આજે ભારત સમગ્ર વિશ્વ સાથે આશા-ઉમંગ અને આત્મવિશ્વાસ સાથે કદમથી કદમ મિલાવીને પ્રગતિના પંથે આગેકૂચ કરી રહ્યું છે તેમાં બેમત નથી, પણ ભારતના આજના વિરાટ વિકાસનું વટવૃક્ષ અસંખ્ય દેશપ્રેમીઓના રક્તથી સિંચાયેલું છે તે કોઇએ ભૂલવું જોઇએ નહીં. જય હિન્દ... (ક્રમશઃ)

•••

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
- ઝવેરચંદ મેઘાણી

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
કોની વનિતા, કોની માતા, ભગિની ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.
થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.
સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.
એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.
ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમૃત નીતરતી.
કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-દીપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.
કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!
વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપાલે-ભાલે ધરજો ચુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.
વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.
એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજે અહર્નિશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.
કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.
એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.
એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.
•••

ઐ મેરે વતન કે લોગો

- કવિ પ્રદિપ

ઐ મેરે વતન કે લોગો તુમ ખૂબ લગા લો નારા
યે શુભ દિન હૈ હમ સબ કા લહરા લો તિરંગા પ્યારા
પર મત ભૂલો સીમા પર વીરોં ને હૈ પ્રાણ ગઁવાએ
કુછ યાદ ઉન્હેં ભી કર લો - ૨
જો લૌટ કે ઘર ન આએ -૨
ઐ મેરે વતન કે લોગો જ઼રા આઁખ મેં ભર લો પાની
જો શહીદ હુએ હૈં ઉનકી જરા યાદ કરો કુરબાની
જબ ઘાયલ હુઆ હિમાલય ખતરે મેં પડી આઝાદી
જબ તક થી સાઁસ લડ઼ે વો ફિર અપની લાશ બિછા દી
સંગીન પે ધર કર માથા સો ગયે અમર બલિદાની
જો શહીદ હુએ હૈં ઉનકી જરા યાદ કરો કુરબાની
જબ દેશ મેં થી દિવાલી વો ખેલ રહે થે હોલી
જબ હમ બૈઠે થે ઘરોં મેં વો ઝેલ રહે થે ગોલી
થે ધન્ય જવાન વો અપને થી ધન્ય વો ઉનકી જવાની
જો શહીદ હુએ હૈં ઉનકી જરા યાદ કરો કુરબાની
કોઈ શિખ કોઈ જાટ મરાઠા કોઈ ગુરખા કોઈ મદરાસી
સરહદ પે મરને વાલા હર વીર થા ભારતવાસી
જો ખૂન ગિરા પર્વત પર વો ખૂન થા હિન્દુસ્તાની
જો શહીદ હુએ હૈં ઉનકી જરા યાદ કરો કુરબાની
થી ખૂન સે લથ-પથ કાયા ફિર ભી બન્દૂક ઉઠાકે
દસ-દસ કો એક ને મારા ફિર ગિર ગએ હોશ ગઁવા કે
જબ અંત-સમય આયા તો કહ ગએ કે અબ મરતે હૈં
ખુશ રહના દેશ કે પ્યારોં અબ હમ તો સફર કરતે હૈં
ક્યા લોગ થે વો દીવાને ક્યા લોગ થે વો અભિમાની
જો શહીદ હુએ હૈં ઉનકી જરા યાદ કરો કુરબાની
તુમ ભૂલ ન જાઓ ઉનકો ઇસ લિએ કહી યે કહાની
જો શહીદ હુએ હૈં ઉનકી જરા યાદ કરો કુરબાની
જય હિંદ જય હિંદ કી સેના -૨
જય હિંદ, જય હિંદ, જય હિંદ

---------------------------------------------------------------


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter