સમય વર્ત્યે સાવધાન

સી. બી. પટેલ Wednesday 31st August 2016 07:12 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, લેખનું મથાળું વાંચીને રખે એવું ધારી લેતા કે લગ્નની ચોરીમાં બેઠેલા મહારાજ જેમ વારંવાર ઘોષણા કરતા હોય છે તે અર્થમાં ઉપરના ત્રણ શબ્દો ઉચ્ચારી રહ્યો છું. સમય એ તો સતત ચાલતી પ્રક્રિયા છે. સમયની સમજ ન હોય તેનો સમય વહી જાય છે. હમણાં, રાબેતા મુજબ, મારે લંડનની ટ્યુબ, ટ્રેન અને બસમાં આવનજાવનનો સાચે જ બહુ લાભ સાંપડ્યો.
શનિવારથી સોમવાર બેન્ક હોલીડે હોય તો પણ સક્રિય સંસ્થાઓના વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાય છે તે આપણા સમાજની આંતરિક શક્તિ ઉજાગર કરે છે. શનિવારે એક પરિવારમાં, થોડાક વધુ વર્ષો રાહ જોવડાવ્યા બાદ, પુત્રજન્મ થયો તેની ઉજવણી હતી. માતા-પિતા અને કુટુંબીજનોએ બહુવંશીય મિત્રો-પરિચિતોને આમંત્ર્યા હતા. સહુએ ખાધું-પીધું અને મજા કરી. યુવરાજ પણ જાણે પ્રિન્સ જ્યોર્જની જેમ ટનાટન દેખાતો હતો. ખાસ નોંધપાત્ર બાબત એ હતી કે યજમાન દંપતીએ પોતાના જૈન ધર્મની પરંપરા પ્રમાણે ભોજન સમારંભમાં માત્ર શાકાહારી વ્યંજનો જ રાખ્યા હતા. જય યુવરાજ.
રવિવારે એક અંતિમક્રિયામાં હાજરી આપી. ડોક્ટર તરીકે તે બહેને ખૂબ સુંદર સેવા આપી હતી. પોતાના દર્દીઓને જ નહીં, પરંતુ આમ સમાજને પણ. એકાદ-બે નહીં, અનેક સત્કાર્યો દ્વારા. ડોક્ટર બહેનને કેટલાક વર્ષોથી અમુક શારીરિક વ્યાધિએ ભરડો લીધો હતો. ડોક્ટર પતિ સહિતના સહુ પરિવારજનોએ અત્યંત ઉમદા પ્રકારની શ્રવણ-સેવા કરી.
આ સિવાય કેટલાક મંદિરોમાં નાના-મોટા પ્રસંગોએ હાજર રહેવાનો અવસર પણ મને સાંપડ્યો.
ઘણી વખત આપણે ટ્યુબ, બસ કે રેલવે સ્ટેશને વાહનની રાહ જોતાં ઉભા હોઇએ છીએ. ક્યારેક મનમાં સંશય પણ જાગે કે ઇચ્છિત સ્થળે સમયસર પહોંચાશે કે નહીં. જો મનમાં સંશયનો આ કીડો સળવળ્યો તો પછી કલ્પનાનો ઘોડો ઝાલ્યો ન રહે. ડ્રાઇવર સારો હશેને? વાહનની કંડીશન કેવી હશે? ડ્રાઇવર સમયસર ફરજ પર હાજર થઇ ગયો હોય તો સારું... આવા બધા સવાલોના ઘોડાપૂર વચ્ચે મનમાં વળી હિથ્રો એરપોર્ટ પર બનેલી ઘટનાના સમાચાર મનમાં ઝબકી જાય એટલે ચિંતાનો ઘોડો બમણા વેગે દોડે.
હિથ્રો એરપોર્ટ પરથી ઓરલાન્ડો માટે રવાના થનારી એક ફ્લાઇટના પાયલટને પોલીસે પકડ્યો. અને પ્લેનમાંથી ઉતારી લીધો. કારણ? એક પ્રવાસીએ નોંધ્યું કે પાયલટ નશામાં ટૂન થઇ ગયેલો છે. તેણે સંબંધિતો સત્તાધિશોનું ધ્યાન દોર્યું અને પોલીસ આવીને પાયલટને લઇ ગઇ.
ડ્રાઈવર કે પાયલટને દારૂ, ડ્રગ્સની લત વળગી હોય કે અંગત માનસિક સમસ્યા સતાવતી હોય અને તેના પરિણામે મોટા અકસ્માતો સર્જાયા હોવાનું આપણે સહુ જાણીએ છીએ. સામાન્ય રીતે પ્રવાસમાં, કોઇ ખરીદીમાં કે કોઇ દવા લેવામાં આપણે લગભગ નિર્ધારિત ફાયદાઓ, લાભ મેળવતા રહીએ છીએ. કારણ? વિશ્વાસ છે, શ્રદ્ધા છે. તંત્ર ગોઠવાયેલું છે અને દરેક વ્યક્તિ પોતાની ફરજ પ્રત્યે સજાગ છે તેવો ભરોસો આપણને હોય છે. પરંતુ વાચક મિત્રો, આપણે આપણી આજુબાજુ ધબકતા સમાજજીવનમાં વારંવાર એવા પાત્રો પણ નિહાળીએ છીએ કે જેઓ અકારણ-સકારણ હાયવોય કરતા અને હવાતિયા મારતા જોવા મળે છે. હવે આવા લોકો માટે શું કહેવું? આ લોકોની હાલત બયાન કરવા માટે મને તો ‘શ્રદ્ધા નથી હૃદયમાં...’ ભજન શ્રેષ્ઠ જણાય છે.

શ્રદ્ધા નથી હૃદયમાં સાધન કરે છે શાને?
પ્રીતિ નથી પ્રિતમમાં પ્રેમી બને છે શાને?
નરસિંહ હતો દિવાનો, મીરાં હતી દિવાની,
પ્રેમે બન્યા એ પાગલ, હરિહરમાં શ્રદ્ધા રાખી,
પ્રહલાદ ભક્ત મોટો, ધીરજથી સ્તંભે ભેટ્યો
ધ્રુવજી અમરતા પામ્યા, આકાશે તેનો ફાંટો
શબરીના બોર ખાધા, વિદુરની ખાધી ભાજી
સુદામાના ખાધા તાંદુલ, વહાલે મુજથી લીધાં માગી
શંકા હતી હૃદયમાં, મુજ રંકનું શું થાશે?
પ્રભુ પાગલના પ્રતાપે રહું છું સદા ઉલ્લાસે
- સ્વામી કૃપાલાનંદ

•••

થેન્ક યુ, ભાવિન...

તારા માતા-પિતાએ ‘જીવંત પંથ’માં મારી અપીલ વાંચીને શુક્રવારે જ મારો સંપર્ક કર્યો. આગામી થોડાક દિવસોમાં જ તમે ત્રણેય અમારા કાર્યાલયમાં પધારવાના છો તે જાણીને આનંદ થયો. - સી.બી.

•••

મંદિર શા માટે?

ભારતથી યુવક-યુવતીઓ અહીંના મંદિરોમાં સ્વયંસેવક તરીકે સેવા આપવા આવે છે. આવા જ એક યુવકને તાજેતરમાં નિસ્ડન મંદિરની મુલાકાત વેળા મળ્યો. યુવક અમને લઇને સમગ્ર મંદિર સંકુલમાં ફરી વળ્યો. મંદિરનું રાઉન્ડ પૂરું થયે તેણે મને એક પ્રશ્ન પૂછ્યોઃ મંદિર શા માટે? મેં તેને સામું પૂછ્યું કે દોસ્ત, તું જ મને સમજાવ કે મંદિર શા માટે? તેણે આપેલા જવાબરૂપે રજૂ કરેલા પ્રશ્નનો સાર રજૂ કરું છુંઃ
આજકાલ તો ઇન્ટરનેટ પર બધા વિષયનો પુસ્તકો ઉપલબ્ધ છે. શિક્ષણ સુવિધા પણ ઉપલબ્ધ છે. આમ છતાં પણ સ્કૂલ-કોલેજમાં અભ્યાસ માટે કેમ જવું પડે છે?
મને સહજપણે વિચાર આવી ગયો કે યુવાનની વાત તો સાચી છે. લ્યોને મારું જ ઉદાહરણ આપીને વાત સમજાવું.
આપણે ત્યાં સૈકાઓ પૂર્વે વૈદરાજ સુશ્રુતે આરોગ્ય સંબંધે એક દળદાર પુસ્તક લખ્યું હતું. આયુર્વેદિક-ઔષધીય ઉપચારોમાં આજે પણ આ પુસ્તકની બોલબાલા છે. મારી પાસે વર્ષોથી આ પુસ્તક છે. જેમાં રોગની પહેચાન, કારણો, ઇલાજ-સારવાર અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. આમ છતાં બંદાને કોઇ શારીરિક તકલીફ થાય છે ત્યારે દાક્તર પાસે જ પહોંચી જવામાં કેમ ડહાપણ દેખાય છે? કહેવાનું તાત્પર્ય એટલું જ કે ગુરુ બિન જ્ઞાન નહીં. ઉપનિષદની આ સુંદર પંક્તિનો કેટલાક ભળતાસળતા તકસાધુઓ, ઢોંગીઓ દુરુપયોગ કરીને જાતે જ ગુરુની પાઘડી પહેરી લેતા હોય છે તે વાત અલગ છે, પરંતુ વાંચન અને નિયમિત ચિંતન એ પણ અનેક રીતે ગુરુસમાન નીવડી શકે.
હમણાં હું સાયન્સ જર્નલમાં એક સરસ મજાનો લેખ વાંચતો હતો. આ પૃથ્વી, આકાશ, પાતાળ, સમુદ્ર, અવકાશ એ વિશે આપણે ખૂબ જ સુમાહિતગાર હોવા છતાં કહી શકાય કે ૨૯ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ (આ લખાય છે) દિવસે જે માહિતી કે જ્ઞાન આપણને છે તે વાસ્તવમાં ખૂબ અલ્પ પ્રમાણમાં છે. કદી કલ્પના કરજો કે આદિ માનવ ઉદભવ્યો ત્યારે સાધન કે સુવિધા કેટલા હતા? અરે, આદિ માનવની વાત જરા બાજુમાં મૂકીએ. બરાબર ૧૦૦ વર્ષ પૂર્વે અમેરિકામાં શું હતું તે વિશે સુંદર મજાનો મેસેજ અબ્દુલ બક્સે ઇન્ટરનેટ પર જોયો. તેમણે ગિરીશભાઇ દેસાઇને મેસેજ ફોરવર્ડ કર્યો. ગિરીશભાઇએ આ મેસેજ મને મોકલ્યો. જેમ આદિ પુરાણકથાઓ માટે કહેવાય છે ને કે શુકદેવે ફલાણા ઋષિને કથા સંભળાવી અને તે ઋષિએ વળી અન્ય ઋષિને કથા સંભળાવી તેના જેવી જ કંઇક વાત અમારા કિસ્સામાં બની છે તેમ કહી શકાય.
આ મેસેજમાં વાંચવા મળતા આજથી ૧૦૦ વર્ષ પૂર્વેના અમેરિકાના માહિતીપ્રદ આંકડાઓ પર નજર ફેરવવા જેવી છે. લો ને ઝાઝી વાતો કર્યા વગર ૧૯૧૦ના તે કેટલાક રસપ્રદ આંકડાઓ અને માહિતી જ આપની સમક્ષ રજૂ કરી દઉં. આ માહિતી વાંચીને આપની આંખો જરૂર અચરજથી પહોળી થઇ જવાની.
• મનુષ્યનું સરેરાશ આયુષ્ય ૪૭ વર્ષ હતું. (આજે પુરૂષ ૭૩, મહિલા ૮૨)
• આ લેખ સાથે ફોટોગ્રાફમાં દર્શાવેલી ૧૯૧૦ની ફોર્ડ કારનું ફ્યુલ માત્ર ડ્રગ સ્ટોર્સમાં મળતું હતું!
• માત્ર ૧૪ ટકા ઘરોમાં બાથટબ હતા. (હવે ૯૨)
• માત્ર આઠ ટકા ઘરોમાં ટેલિફોન હતા. (બધે જ પ્લસ મોબાઈલ ફોન)
• તે સમયે અમેરિકામાં માત્ર ૮૦૦૦ કાર હતી, અને માત્ર ૧૪૪ માઇલના રસ્તા પર ફૂટપાથની સગવડ હતી. (આજે ૨૪ કરોડ કાર)
• મોટા ભાગના શહેરોમાં કારની ઝડપની મર્યાદા કલાકના ૧૦ માઇલની હતી.
• વિશ્વમાં સૌથી ઊંચું બાંધકામ એફિલ ટાવરનું હતું!
• અમેરિકામાં ૧૯૧૦માં સરેરાશ વેતનદર કલાકના ૨૨ સેન્ટ હતું. (આજે $૨૨)
• સરેરાશ અમેરિકી કામદાર વર્ષેદહાડે ૨૦૦થી ૪૦૦ ડોલર કમાતો હતો. (હવે $૪૮,૦૦૦)
• એક કુશળ એકાઉન્ટન્ટ વર્ષેદહાડે ૨૦૦૦ ડોલર, ડેન્ટીસ્ટ ૨૫૦૦ ડોલર, વેટનરી ડોક્ટર ૧૫૦૦થી ૪૦૦૦ ડોલર અને મિકેનિકલ એન્જિનિયર ૫૦૦૦ ડોલર કમાણીની આશા રાખતો હતો. (હવે ત્રણ લાખ કે વધુ)
• ૯૫ ટકાથી પણ વધુ કિસ્સાઓમાં બાળકનો જન્મ ઘરે જ થતો હતો.
• ડોક્ટર્સમાંથી ૯૦ ટકા કોલેજ શિક્ષણ વગરના હતા!
આથી ઊલ્ટું તેઓ કહેવાતી મેડિકલ સ્કૂલમાં હાજરી આપતા હતા, જેમાંની મોટા ભાગની સ્કૂલોની અખબારોમાં ટીકા થતી હતી અને સરકાર તેને ‘સબસ્ટાન્ડર્ડ’ ગણાવતી હતી.
• ખાંડ ચાર સેન્ટમાં એક પાઉન્ડ મળતી હતી.
• ઈંડા ૧૪ સેન્ટના ડઝન મળતા હતા.
• કોફી ૧૫ સેન્ટમાં એક પાઉન્ડ મળતી હતી.
• મોટા ભાગની સ્ત્રીઓ મહિનામાં એક જ વાર માથું ધોતી હતી, અને શેમ્પુ માટે બોરેક્સ કે ઈંડાની જર્દીનો ઉપયોગ કરતી હતી. (હવે સરેરાશ સપ્તાહમાં આઠ વખત)
• કેનેડાએ એક કાયદો ઘડીને પ્રતિબંધિત ગરીબોને પોતાના દેશમાં પ્રવેશવા સામે સ્પષ્ટ મનાઇ ફરમાવી હતી, પછી ભલે ગમેતેવું વાજબી કારણ હોય.
• મૃત્યુના પાંચ મુખ્ય કારણ હતાઃ ૧) ન્યૂમોનિયા અને ઇન્ફ્લુએન્ઝા ૨) ટીબી ૩) ડાયેરિયા ૪) હૃદય રોગ અને ૫) સ્ટ્રોક
• અમેરિકાના રાષ્ટ્રધ્વજમાં ૪૫ સ્ટાર હતા. (હવે ૪૯)
• લાસ વેગાસ, નેવાડામાં વસ્તી હતી માત્ર ૩૦ લોકોની!
• ક્રોસવર્ડ પઝલ્સ, બિયર કેન અને આઇસ ટીની તે સમયે શોધ થઇ નહોતી.
• તે સમયે મધર્સ ડે કે ફાધર્સ ડે જેવું કંઇ નહોતું.
• દર ૧૦માંથી બે વ્યક્તિ વાંચી કે લખી શકતી નહોતી. અને તમામ અમેરિકન્સમાંથી માત્ર ૬ ટકા હાઇ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયેલા હતા.
• મારૂઆના (ગાંજો), હેરોઇન અને મોર્ફિન બધું જ સ્થાનિક ડ્રગ સ્ટોરમાં મળતું હતું, અને તે પણ વગર પ્રિસ્ક્રિપ્શને.
તે સમયે ફાર્માસીસ્ટ કહેતા કે હેરોઇન ત્વચાનો રંગ નિખારે છે, દિમાગને તેજ બનાવે છે, પાચનતંત્રનું નિયંત્રણ કરે છે, અને આમ, તે સ્વાસ્થ્યનું જતન કરનાર છે. (વાચક મિત્રો, આંચકાજનક છે, ખરુંને?)
• ૧૮ ટકા ઘરોમાં કમસે કમ એક ફૂલ-ટાઇમ સર્વન્ટ કે ડોમેસ્ટિક હેલ્પ ધરાવતા હતા. (હવે જવલ્લે જ)
• સમગ્ર અમેરિકામાં ૨૩૦ ખૂનની ઘટના નોંધાઇ હતી.
વિજ્ઞાનની વાટે વાહનવ્યવહાર, સંદેશવ્યવહાર, આરોગ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજ્ય વહીવટમાં અવિરત, અસાધારણ પરિવર્તન થઇ રહ્યું છે. તેનો ઉપયોગ કરવો કે દુરુપયોગ તે આપણા હાથની વાત છે. આજના વિશ્વમાં અમેરિકા એકમાત્ર સુપરપાવર ગણી શકાય. પરંતુ વરવી વાસ્તવિક્તા એ પણ છે કે તેની જેલોમાં વસ્તીના પ્રમાણમાં વિશ્વમાં કદાચ સૌથી વધુ બંદીવાનો ત્યાં સજા ભોગવી રહ્યા છે. કમનસીબે એ વાત પણ એટલી જ સાચી છે કે શિકાગો શહેરમાં છેલ્લા ૧૨ મહિનામાં ૩૭૦૦૦ વ્યક્તિઓના ખૂન થયા છે. જેમના ખૂન થયા છે તેમાંના ૮૩ ટકા અશ્વેતો હતા અને તેમના પર હુમલો કરનારા પણ અશ્વેતો જ હતા. દુનિયાના અન્ય દેશની સરખામણીએ અમેરિકામાં આત્મહત્યા કરનારાઓનું પ્રમાણ પણ નાનુંસૂનું નથી. એક આંકડા પ્રમાણે ૩૨ કરોડની વસ્તીવાળા આ સુપરપાવર દેશમાં દર અઠવાડિયે ૧૦૦૦ લોકો જીવન ટૂંકાવે છે.
આ બધા આંકડાઓ કે આતંકવાદી હુમલા કે બીજા અનેક ભયસ્થાનો હોવા છતાં વિશ્વાસપૂર્વક કહી શકાય કે માનવજાત માટે અત્યારે સાચા અર્થમાં સુવર્ણકાળ હોવાનું સર્વાંગી રીતે પુરવાર થઇ શકે. પરંતુ ક્યારેક કંઇક મેળવવા માટે કંઇક ગુમાવવું પડે છે. અથવા તો એકાદ વખત ગુમાવીને પણ તે મેળવી શકાય છે.
છેલ્લી વાત. આપ જાણતા હશો કે બ્રિટન જેવા સાધનસંપન્ન દેશમાં રાષ્ટ્રીય આરોગ્ય સેવા
(નેશનલ હેલ્થ સર્વીસ) હોવા છતાં સ્થુળતા, ડાયાબિટીસ અને બીજા અનેક પ્રકારના રોગ માનવજાતને ગ્રસી રહ્યા છે.
અસાધ્ય રોગ થાય તે પહેલાં કે તે દરમિયાન પણ ત્રણ પ્રવૃત્તિ અચૂકપણે કરવાની વિજ્ઞાન સહુ કોઇને હાકલ કરે છે.
• મનને મજબૂત રાખો.
• ખુલ્લી હવામાં વોક લો. અને
• ખાણી-પીણીમાં સંયમ જાળવો.
સોફી બેરેસીનર કંઇ સામાન્ય મહિલા નથી. તેઓ Elle નામના જગવિખ્યાત મહિલા મેગેઝિનનાં બ્યૂટી ડિરેક્ટર છે. તેમને ૩૧ વર્ષની વયે, (પાંચ વર્ષ પૂર્વે) બ્રેસ્ટ કેન્સર થયું હતું. સામાન્ય લોકો તો આવી બીમારીનું નામ સાંભળતા જ હામ હારી જતા હોય છે, પણ સોફીબહેન જૂદી માટીના બનેલા છે. તેમણે બીમારીનો સહજભાવે સ્વીકાર કર્યો. એટલું જ નહીં, રોગની સારવાર - દવા કરાવવાની સાથોસાથ જીવનશૈલીમાં ક્યા પ્રકારે ફેરફાર કર્યા તેનો સુંદર અને માહિતીસભર લેખ વાંચ્યો. લેખનો એક જ વાક્યમાં સાર કહું તોઃ મન હોય તો માળવે જવાય.
તેમણે લેખમાં ૩-૪ અગત્યના સૂચનો કર્યા છે - જે દર્દીના ખબરઅંતર પૂછવા જતા કોઇ પણ વ્યક્તિએ ધ્યાનમાં રાખવા જેવા છે.
૧) દર્દી પ્રત્યે તે દયાપાત્ર હોય તેવું વર્તન ન કરો.
૨) તમે તેને મળો ત્યારે એવી વાતો ન શરૂ કરી દો કે ફલાણાને તો આ તકલીફ થઇ હતી, કે આ રોગે તો ફલાણાનો જીવ લઇ લીધો હતો.
ટૂંકમાં, દર્દી સમક્ષ નકારાત્મક વાતો કે ઘટના કે પ્રસંગો રજૂ કરીને રોગ સામે લડવાનો તેનો જુસ્સો તોડી ન પાડો.
૩) ધારો કે ખબરઅંતર પૂછવા જનાર વ્યક્તિને કેન્સર કે તેના જેવી કોઇ બીમારી થઇ હોય તો દર્દી સમક્ષ પોતાને થયેલી બીમારીના રોદણાં રડવાનું ટાળો. પોતાને આ રોગ અંગે કેવી ચિંતા રહે છે તે કહેવાનું ટાળો.
દર્દી સાથે વાતચીત કરતી વખતે એક જ અભિગમ અપનાવોઃ ગમેતેવા વિપરિત કે સંઘર્ષપૂર્ણ સંજોગો હોય, તેને હકારાત્મક અભિગમ અપનાવવા માટે પ્રેરો. તેનામાં જીવન જીવવાનો જુસ્સાનો સંચાર થાય તેવી વાતો કરો. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter