સરદાર એટલે સરદાર એટલે સરદાર

જીવંત પંથ-2 (ક્રમાંક 56)

- સી.બી. પટેલ Wednesday 05th November 2025 04:48 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રોને સી.બી. પટેલના સાદર જય સરદાર... ભારતીય એકતા અને અખંડિતતાના શિલ્પકાર એવા સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતીની અનેકવિધ પ્રકારે ગૌરવભેર અને શાનદાર ઉજવણી થઇ છે, અને હજુ પણ થઇ રહી છે. સરદાર એટલે ભારતીય રાજકારણનો સૌથી અસરદાર ચહેરો. ભારતીય જનમાનસમાં આ લોખંડી વ્યક્તિત્વ પ્રત્યે પ્રચંડ માનસન્માન-આદરસત્કાર જોવા મળે છે. સંપૂર્ણપણે રાષ્ટ્ર સમર્પિત અને સિદ્ધાંતપ્રિય એવા આ વ્યક્તિત્વના યોગદાનને વિસારે પાડી દેવા એક સમયે વ્યવસ્થિત પ્રયાસો થયા હતા, છતાં તેઓ લોકહૃદયમાં બિરાજે છે તે પાછળની પૂર્વભૂમિકા સમજવી જરૂરી છે.
આજે 31 ઓક્ટોબરે આ લખાઇ રહ્યું છે ત્યારે સરદાર ‘દોઢસો’ના થઇ ગયા છે, પણ છેલ્લા 80 વર્ષમાં તેઓ ‘એકસો’ના પણ થયા ને ‘સવાસો’ના પણ થયા, છતાં ક્યારેય આવી ઉજવણી, આવો નજારો જોવા મળ્યો નથી. આમ કેમ?! કારણમાત્ર એટલું જ કે છેલ્લા અઢી દસકાને બાદ કરતાં આપણા તત્કાલીન શાસકો સરદાર સાહેબ સહિતના રાષ્ટ્રનેતાઓના યોગદાનની - બલિદાનની લગભગ આયોજનબદ્ધ રીતે ઉપેક્ષા જ કરતા હતા. અત્ર-તત્ર-સર્વત્ર જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીના નામોની જ બોલબાલા હતી.
આવા ‘પરિવાર પૂજક’ માહોલમાં સરદાર પટેલને લોકનજરમાં સન્માનજનક - શિરમોરસમાન સ્થાન અપાવવામાં સ્વામી
શ્રી સચ્ચિદાનંદજીનું મુઠ્ઠીઉંચેરું યોગદાન હોવાનું મારું નમ્રપણે માનવું છે. હું હંમેશા જેમને ‘ક્રાંતિકારી સંત’ તરીકે ઓળખાવું છું તેવા સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ રોપેલું એક વિચારબીજ આજે સરદાર સરોવર બંધના ઓવારે 182 મીટર ઊંચી પ્રતિમા બનીને વિસ્તર્યું છે તે વાતનો ઇતિહાસ સાક્ષી છે.
સરદાર સાહેબના યોગદાનની ગુજરાતીઓને સાચી ઓળખ આપી સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ.
સરહાદર સાહેબને બીજા પરિબળો પાછળ ધકેલવાના પ્રયાસ કરતા ત્યારે - આજથી લગભગ 50 વર્ષ પહેલાં - સરદાર સાહેબની સાચી ઓળખ - પરખ ને પરિચય દંતાલી અને કોબા આશ્રમવાળા સ્વામી સચ્ચાદનંદજીએ કરાવ્યા હતા. આ હકીકત છે. સ્વામીજીએ તેમના લેખોમાં, તેમના પુસ્તકોમાં, તેમના પ્રવચનોમાં ને તેમના વીડિયોમાં જે પ્રકારે સરદાર સાહેબની વિવિધ સિદ્ધિઓ, તેમના સંગીન અનુદાનોની જે હિંમતભેર, મોકળા મને પ્રશંસા કરી છે તે માટે સર્વપ્રથમ તો સ્વામી સચ્ચાદાનંદજીને મારા અંતરમનથી નમન... સચ્ચિદાનંદજીની પારખુ નજરે જે પ્રકારે સરદારના મુઠ્ઠીઊંચેરા વ્યક્તિત્વને ઓળખી લીધું હતું તે જ પ્રકારે તેમણે નરેન્દ્રભાઇ મોદી મુખ્યપ્રધાન થયા તે પૂર્વે તેમની ક્ષમતા-સજ્જતાને પારખી લીધી હતી તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. તો બીજી તરફ, નરેન્દ્રભાઇને પણ સ્વામી સચ્ચિદાનંદજી માટે બહુ જ માન-આદર હતા. અને આજે પણ છે તે વાતનો હું પણ સાક્ષી છું.
 એક આડ વાત કરી લઉં તો... બહુ ઓછા લોકો જાણતા હશે કે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ગૃહના નવીનીકરણનો પ્રોજેક્ટ હાથ ધર્યો ત્યારે તેનું નિર્માણ કેવા પ્રકારે થવું જોઇએ, કઇ વાતે વિશેષ કાળજી લેવી જોઇએ તે મુદ્દે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પાસેથી સલાહસૂચન-માર્ગદર્શન મેળવવામાં આવ્યા હતા. અને આવા માર્ગદર્શકોમાં સ્વામી સચ્ચિદાનંદજી પણ એક હતા. જો મારી ચૂક ના થતી હોય તો, આજના - નવનીર્મિત - ગુજરાત વિધાનસભા ગૃહ પર જે ગુંબજ જોવા મળે છે તેના મૂળમાં સ્વામી સચ્ચિદાનંદજીની પ્રેરણા છે. ખેર, મૂળ વાત પર પાછા ફરીએ તો...
સરદાર સાહેબના અમૂલ્ય યોગદાન-બલિદાનની સતત અવગણના થઇ રહી છે તે વાતે અસ્વસ્થતા અનુભવી રહેલા સ્વામી સચ્ચિદાનંદજીને થયું કે આ માટે હવે મારે જ કંઇક કરવું રહ્યું. આથી તેમણે ચર્ચાવિચારણા માટે પોતાના કોબા આશ્રમ ખાતે ચિરપરિચિતોથી લઇને ગુજરાતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની બેઠક યોજી. તથ્યાતથ્ય રજૂ કરીને લાગણી વ્યક્ત કરી કે સરદાર પટેલના પ્રદાનનું યથોચિત સન્માન થવું જ જોઇએ. ચર્ચાના અંતે નક્કી થયું કે સરદાર સાહેબની વિશાળ પ્રતિમા સ્થાપવી જોઇએ. આ ભગીરથ કાર્ય માટે 150 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાનું પણ નક્કી થઇ ગયું. દાતાઓ પણ નક્કી થઇ ગયા. વાચક મિત્રો, આ સમગ્ર ઘટનાક્રમનો હું એક યા બીજા પ્રકારે સાક્ષી રહ્યો હોવાથી આટલું વિગતવાર જાણું છું, અને આપ સહુને જણાવી રહ્યો છું જેથી સહુને ખ્યાલ આવે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નામે આજે જે ભવ્ય-દિવ્ય પ્રોજેક્ટ જોવા મળે છે કે તેના મૂળ કેટલા ઊંડા છે.
બધું પાક્કું થઇ ગયું, પછી સવાલ આવ્યો જગ્યાનો. પ્રતિમા ગમેત્યાં સ્થાપી દેવાનો કોઇ મતલબ નહોતો. પ્રતિમાનું સ્થળ એવું હોવું જોઇએ કે તે હંમેશા લોકોની નજરમાં રહે. સચ્ચિદાનંદજીએ મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ)નો સંપર્ક કરીને મેસેજ મોકલાવ્યો કે અમારે કેટલાક લોકોને નરેન્દ્રભાઇને મળવા આવવું છે તો યોગ્ય સમય જણાવશો. ઉદ્દેશ પણ જણાવ્યો કે સરદાર સાહેબની પ્રતિમા માટે યોગ્ય જગ્યા ફાળવવા રજૂઆત કરવી છે... અમારા પ્રોજેક્ટ માટે દોઢસો કરોડ રૂપિયાનું ભંડોળ પણ નક્કી થઇ ગયું છે, વગેરે વગેરે.
સ્વામીજીની ખાનદાની જૂઓ કે તેઓ નરેન્દ્રભાઇને ફોન પણ કરી શકતા હતા, પરંતુ તેમણે મુલાકાત માટે સમય માંગ્યો હતો. તો નરેન્દ્રભાઇ પણ સૌજન્યશીલતાના મામલે ક્યાં ઉણાં ઉતરે તેમ હતા?! વાચક મિત્રો, હવે પછીના ઘટનાક્રમ પછી તમને સમજાશે કે નેતા અને રાજનેતામાં શું ફરક હોય છે.
નરેન્દ્રભાઇએ મુલાકાતનો ઉદ્દેશ જાણ્યો. સ્વામીજીનો વિચાર તો ઉમદા હતો જ, તેમાં શંકાને સ્થાન નહોતું. નરેન્દ્રભાઇએ સચ્ચિદાનંદજીને કહેવડાવ્યું કે સ્વામીજી તમારે કે કોઇએ આ કામ માટે અહીં ગાંધીનગર ધક્કો ખાવાની જરૂર નથી. અધિકારીઓ તમને મળવા આવશે અને વિગતવાર માહિતી લઇ જશે. થોડાક જ દિવસમાં સીએમઓના ઉચ્ચ અધિકારીઓ સ્વામીજીને મળ્યા. તેમના વિચારથી લઇને યોજના સુધીની તમામ જાણકારી મેળવીને નરેન્દ્રભાઇને પહોંચાડી.
કોઇ નેતા હોત તો તેમણે પ્રતિમા માટે જમીનનો ટુકડો આપીને સંતોષ માની લીધો હોત. પરંતુ આ નરેન્દ્ર મોદી હતા. એક વિઝનરી રાજનેતા... તેમણે વરિષ્ઠ અધિકારીઓને કામે લગાડ્યા, ઉચ્ચ સ્તરે વિચારવિમર્શ શરૂ થયો. માત્ર પ્રતિમા જ નહીં, સરદારનું અવિસ્મણીય સ્મારક બનાવવાનું નક્કી થયું. જોતજોતામાં નરેન્દ્રભાઇના કાર્યાલયે જાહેર કર્યું કે નર્મદાના નીરને નાથવા માટે જે સ્થળે વિશાળ સરદાર સરોવર બંધનું નિર્માણ થયું છે ત્યાં જ આપણે સરદાર સાહેબની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાશે. ભવ્યાતિભવ્ય સ્મારક સાકાર કરાશે. સમગ્ર પ્રોજેક્ટ માટે લગભગ 4000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું. અને આમ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંકુલનું બીજ રોપાયું. અને આ યોજનાને આકાર આપવામાં મુખ્યપ્રધાન કાર્યાલયના વરિષ્ઠ અધિકારી ડી. રાજગોપાલન સાહેબનું મહત્ત્વનું યોગદાન હતું.
મિત્રો, આજે પણ મને યાદ છે કે તે વેળા કોંગ્રેસ અને તેના મળતિયાઓ સહિત અનેક એવા સ્થાપિત હિતો હતા જેમણે આ યોજનાના અમલીકરણ સામે શંકા-કુશંકા વ્યક્ત કરીને એક યા બીજા પ્રકારે વિરોધ કરવામાં કોઇ કસર છોડી નહોતી. સરદાર સરોવરનો ડેમ એરિયા એટલે તો ભૂકંપના ખતરા વાળો વિસ્તાર... આટલી ઊંચી પ્રતિમા ઉભી હોય ને ધરતીકંપ થાય તો શું? આટલી ભેજવાળી જમીન પર આવી વિરાટકાય પ્રતિમા ક્યારેય ઉભી રહી શકે ખરી? સરદાર સરોવર બંધ તૂટે તો? વિરોધ પક્ષમાં જેટલા નેતાઓ હતા તેટલા જ શંકા ઉઠાવતા સવાલો હતા...
... પરંતુ મોદી સરકારે કોઇની તમા રાખ્યા વગર વૈજ્ઞાનિક ધોરણે પ્રોજેક્ટની તૈયારી હાથ ધરી. આ યોજના લોકોની પ્રશંસા કે વાહવાહી મેળવવા માટે જાહેર નહોતી કરાઇ, પણ સરકાર તેને ખરા અર્થમાં સાકાર કરવા પ્રતિબદ્ધ હતી. એક સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ માટે વિશ્વસ્તરીય કંપનીઓને ડિઝાઇનથી લઇને નિર્માણકાર્ય માટે આમંત્રિત કરાઇ. મને યાદ છે કે લંડનથી પ્રસિદ્ધ થતાં ઇકોનોમિસ્ટમાં પણ હજારો પાઉન્ડના ખર્ચે જાહેરાત પ્રકાશિત કરાઇ હતી. સોઇલ ટેસ્ટિંગ થયું. પરીક્ષણના પોઝિટીવ રિપોર્ટ આવ્યા.અને યોજનાના શ્રીગણેશ થયા.
આજે જ્યાં સાધુ બેટ પર સરદાર સાહેબની પ્રતિમા ઉભી છે ત્યાં પાયો ખોદાયો ત્યારે પણ અનેક લોકો આશંકા વ્યક્ત કરતા હતા આ તો કાગળ પરની વાતો છે... વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાની વાત તો છોડો, દસ વર્ષ પછી પ્રતિમાનો પાયો તૈયાર થાય તો સારું. દરેક તબક્કે વાંધાવચકા રજૂ થયા. પ...ણ બધી શંકાકુશંકા, આરોપઆક્ષેપ, કાવાદાવા, બધું ખોટું પુરવાર થયું, અને જૂઓ આજે આપણી સમક્ષ ભવ્યાતિભવ્ય પ્રતિમા ઉભી છે! અને તેના પરિસરમાં જ 31 ઓક્ટોબરે સરદાર પટેલની 150મી જન્મજયંતીએ - ભારતના રિપબ્લિક ડે જેવી જ - આપણા દેશની આન-બાન-શાનને રજૂ કરતી ભવ્ય પરેડ પણ યોજાઇ ગઇ.
એક ભારત - શ્રેષ્ઠ ભારત
સરદાર સાહેબ જ્ઞાતિવાદના અને પરિવારવાદના વિરોધી હતા. અને આ સ્ટેચ્યૂ ઓફ યુનિટી તેમના આ જ જીવનસિદ્ધાંતને સાકાર કરે છે. આ સમગ્ર પ્રોજેક્ટનું થીમ છેઃ એક ભારત, શ્રેષ્ઠ ભારત. કોંગ્રેસ સહિતનો વિરોધ પક્ષ જાતિ આધારિત વસ્તી ગણતરીનો ઝંડો ઉપાડીને ફરતા રહ્યા છે, પરંતુ તેમણે ઇતિહાસમાં ડોકિયું કરવાની જરૂર છે. 2500 વર્ષ સુધી અખંડ ભારતની ઇચ્છામાત્ર કલ્પના રહી કેમ કે આપણે અંદરોઅંદર નાતજાતના, નાના નાના રજવાડામાં, ધર્મના - સંપ્રદાયોના ઝઘડામાં સલવાયા હતા. અને બ્રિટિશ શાસકોએ આ વાતનો લાભ ઉઠાવીને અઢીસો વર્ષ આપણા પર રાજ કર્યું હતું.
હંમેશા ભાગલા પાડો, રાજ કરોની નીતિને અનુસાર બ્રિટિશ શાસકોએ ભારતમાંથી વિદાય લેતાં પૂર્વે પણ થાય તેટલું નુકસાન કરવાનો તખતો ગોઠવી નાંખ્યો હતો. માર્ચ 1947માં ઇંડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ લાગુ કર્યો. બ્રિટિશ રાજ હેઠળના 562 રજવાડાઓને આવરી લેતા 800 એગ્રીમેન્ટ કર્યા હતા. પરંતુ સરદાર સાહેબે અંગ્રેજોની કુટિલ ચાલ સમજી ગયા અને આગવી કૂનેહથી નુકસાનકારક જોગવાઇઓનો કાંકરો કાઢી નાંખ્યો. સરદાર પટેલ વગર આ શક્ય નહોતું.
સુજ્ઞ વાચક મિત્રો, અફસોસની વાત તો છે એ આજે પણ આઝાદીના દસકાઓ પછી પણ આપણા દેશમાં જ્ઞાતિ-જાતિના મામલે એટલી જ ખેંચતાણ જોવા મળે છે. કદાચ આપણે ઇતિહાસમાંથી બોધપાઠ લીધો નથી. આ તબક્કે મને 2018માં - સરદાર સાહેબની 143મી જન્મજયંતીએ તેમની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલા શબ્દો યાદ આવે છેઃ
ભારતની એકતા માટે સમર્પિત વિરાટ વ્યક્તિત્વને આઝાદીથી અત્યાર સુધીમાં યોગ્ય સ્થાન નહોતું મળ્યું, એટલે સતત અધુરપનો અહેસાસ થતો હતો. આજે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વિરાટ વ્યક્તિત્વને યોગ્ય સ્થાન આપીને ઇતિહાસના સ્વર્ણિમ પૃષ્ઠને ઉજાગર કરવાનું કામ થયું છે તે વાતનો આનંદ છે... ભારતે ભવિષ્યની પેઢીને એકતા-અખંડતાની પ્રેરણા મળતી રહે તે માટે ગગનચુંબી આધાર તૈયાર કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા સરદારના પ્રણ, પ્રતિભા, પુરુષાર્થ અને પરમાર્થની ભાવનાનું જીવતું જાગતું પ્રગટીકરણ છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, સરદાર પટેલે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની વિરાસત આપણને સોંપી છે તેને પૂરી તાકાતથી સાચવવાની સાથે ભાવિ પેઢીમાં પણ સરદારના સંસ્કાર ઉતારવા પુરુષાર્થ કરવો પડશે. સરદાર કહેતા કે દરેક ભારતીયએ ભૂલવું પડશે કે તે કઇ જાતિ કે વર્ગનો છે. તેણે તો માત્ર તે ભારતીય છે એટલું જ યાદ રાખવું પડશે.
વડાપ્રધાને કહ્યું હતું કે સરદારમાં કૌટિલ્યની કૂટનીતિ અને શિવાજીના શૌર્યનો સમાવેશ થતો હતો. સરદારે 5 જુલાઈ 1947ના રોજ રજવાડાઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, વિદેશી આક્રમણખોરો સામે આપણે અંગત ઝગડા, દુશ્મની, વેરની ભાવના હારનું મોટું કારણ હતી. હવે આ ભૂલ દોહરાવવાની નથી અને ફરીથી કોઈના ગુલામ બનવું નથી.

વડાપ્રધાન મોદીએ - આજથી સાત વર્ષ પૂર્વે - કહેલા આ શબ્દો આજે પણ કેટલા યથાર્થ છેઃ સરદારે બતાવેલા માર્ગ ઉપર ચાલીને આજે આપણે શક્તિશાળી બન્યા છીએ તેથી દુનિયામાં આજે આપણી શરતો ઉપર સંવાદ કરીએ છીએ. દુનિયાની મોટી આર્થિક અને સામાજિક શક્તિ બનવા તરફ ભારત આગળ ધપી રહ્યું છે.
આ ભોમકા સાથે મારો લાગણીભર્યો નાતો
વાચક મિત્રો, સરદાર સરોવર બંધ વિસ્તારની હું અનેક વખત મુલાકાત લઇ ચૂક્યો છે. કહો કે આ વિસ્તાર સાથે મારો લાગણીભર્યો નાતો રહ્યો છે. કરનાળી - ચાણોદમાં તાજેતરના વર્ષોમાં પણ રહ્યો છું ને કમળાબાનો આ ચંદ્રકાન્ત બાળપણમાં આ જ ગામોની ગલીકૂંચીઓમાં બહુ રમ્યો-ભમ્યો પણ છે. આ એરિયા એક જમાનામાં સાવ પછાત હતો. આજે આ વિસ્તાર લાખો પર્યટકોની અવરજવરથી ઉભરાઇ રહ્યો છે. ફાઇવ સ્ટાર સહિતની હોટેલોની હારમાળા, વર્ષેદહાડે લાખો પ્રવાસીઓની અવરજવરે, સિક્સ લેન રોડ - બસ - ટ્રેન - ટેક્સી સહિતના વાહનોની સગવડે અહીં પ્રત્યક્ષ કે પરોક્ષ લાખો રોજગારી સર્જી છે.
31 ઓક્ટોબર 2018 ના રોજ લોકાર્પણ થયા પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થાનિક અને વિદેશી સહેલાણીઓ માટે એક મુખ્ય પ્રવાસન સ્થળ બની ગયું છે. મુલાકાતીઓની સંખ્યામાં વર્ષ - પ્રતિ વર્ષ સતત વધારો થઇ રહ્યો છે. 2024 સુધીમાં આ પ્રતિમાની મુલાકાત લેવા આવનારા પ્રવાસીઓની કુલ સંખ્યા 2 કરોડના આંકડાને વટાવી ચુકી છે. ગયા વર્ષે ફક્ત 2024માં 58.25 લાખથી વધુ લોકો આ વિશાળ પ્રતિમા જોવા આવ્યા હતા, જે તેમની વધતી લોકપ્રિયતા દર્શાવે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગલે વિશ્વના નક્શામાં નર્મદા જિલ્લો ચમકી ગયો છે. આ પ્રતિમાથી નર્મદા જિલ્લાનો તો ભરપૂર વિકાસ થયો જ છે સાથોસાથ વડોદરા, ભરૂચ અને સુરત જિલ્લાનો પણ વિકાસ થયો છે, અને થઇ રહ્યો છે. આગામી સમયમાં હોટેલ બિઝનેસ, ટુર્સ અને ટ્રાવેલર્સ બિઝનેસ, વે-સાઈડ રેસ્ટોરાં બિઝનેસમાં ઓર વધારો થશે તેમાં બેમત નથી. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter