સિદ્ધિના શિખરઃ સામર્થ્ય, પુરુષાર્થ કે પ્રારબ્ધ?

Wednesday 21st February 2018 07:45 EST
 
 

વડીલો સહિત સૌ વાચક મિત્રો, સર્વ લવાજમી ગ્રાહકોને લગભગ નિયમિત રીતે કોઈ એક વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરતો વિશેષાંક સાદર કરવામાં આવે છે. આગામી પખવાડિયામાં આપ સૌના કરકમળમાં Asian Giantsનો વિચાર પ્રેરક વિશેષાંક સાદર કરવામાં આવશે. સિદ્ધિના શિખરો માત્રને માત્ર ધનાઢ્યો કે સખાવતીઓ સંબંધી જ નથી. સંપત્તિ, સત્તા કે ખ્યાતિ એ સામાન્યપણ સૌને આકર્ષક હોવા છતાં જીવનના વિવિધ અન્ય પાસાંઓ પણ એટલાં જ જરૂરી હોવાનું અમે માનીએ છીએ. સવિશેષ આપણી યુવા પેઢીની વિસ્તરતી સીમાઓને સ્પર્શવાનો પ્રયાસ પણ અમે કરતા રહ્યા છીએ.
આ વિશેષાંકના તંત્રીલેખની પૂર્વ તૈયારી કરવામાં કેટલુંક વાંચન મને અત્યંત મદદગાર નિવડ્યું. શ્રીમાન ક્રીસ હ્યુઝ (Chris Hughes) લિખિત Rethinking equality and how we earn)ના ઉપર કેટલાક રિવ્યુ વાંચ્યાં. આ જણની વાત પણ જરા જાણવા જેવી છે. તે અમેરિકામાં નોર્થ કેરાલાઈનાના એક નાના શા ગામના સામાન્ય પરિવારનો દીકરો. સદભાગ્યે તેને યુનિવર્સિટીમાં માર્ક ઝુકરબર્ગના રૂમમેટ થવાનો યોગાનુયોગ અવસર સાંપડ્યો. થોડાક વર્ષોમાં જ ફેસબુક વિશ્વવ્યાપી ફેલાઈ ગયું અને અકલ્પ્ય નાણાં સ્થાપકોને મળ્યા તેમાં ક્રીસ પણ ખાટ્યો.
અમેરિકામાં ગઈ સદીમાં ડેવિડ રોકફેલર એ વિશ્વના સૌથી ધનાઢ્ય ગણાતા હતા. અત્યારે પણ રોકફેલર ફાઉન્ડેશન લખલૂટ સંપત્તિ સંખ્યાબંધ દેશોમાં માનવસેવા અર્થે વાપરે છે. આ પરિવારના ચોથી પેઢીના સંતાન ડેવિડ રોકફેલરે તાજેતરમાં એક મજાનું વિધાન કર્યું કે ‘સુખનું સરનામું સંપત્તિ એ ભ્રમ છે.’
નેતાજી સુભાષચંદ્ર બોઝના પિતાશ્રી સાધન સંપન્ન હતા. સુભાષબાબુને ઊચ્ચ શિક્ષણ માટે ઈંગ્લેન્ડ પણ નાની વયથી મોકલી આપ્યા હતા. સંતાનો શિક્ષિત, આત્મનિર્ભર, દેશપ્રેમી અને અન્યાય સામે પ્રતિકાર કરવા સમર્થ હોય તેમ તેઓ માનતા. સુભાષ બાબુના પિતાશ્રીએ એકવાર પુત્રને કહ્યું, ‘બેટા, પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબાઈ આ જગમાં બીજી એકેય નથી.’
આપણી યુવાપેઢી સાચે જ વડીલોના પરિશ્રમ, પરંપરા તેમજ પુરુષાર્થનો સંગીન પ્રતિસાદ આપી રહી છે એવું મારું નમ્રપણે માનવું છે. થોડા મહિના પહેલાં જૈનધર્મીઓના એક વિશાળ આયોજન વિશેના અહેવાલમાં મેં હિન્દુજા પરિવારની એક વાત કરી હતી. બ્રિટનમાં સૌથી ધનાઢ્ય પરિવારમાં અત્યારે ચાર-ચાર પેઢીના સંતાનો પરોવાયેલા છે. શ્રી જી. પી. હિન્દુજાએ કહ્યું હતું કે, ‘અમારે ત્યાં બધું બધાનું અને કશુંય કોઈનું નહીં એ પાયાના સિદ્ધાંત ઉપર અમે વેપાર-ધંધો કરીએ છીએ.’
આપ સૌ સુજ્ઞ વાંચકો સમક્ષ અમે જે કાંઈ વાંચન રજૂ કરીએ છીએ તે વેળા કંઈ કેટલાય સજ્જન-સન્નારીઓ તરફથી વૈચારિક સહયોગ કે માર્ગદર્શન મળતું રહે છે જે મારું સદભાગ્ય સમજું છું.’ Asian Giantsના તંત્રીલેખ વિશે હું ભારતીય વિદ્યાભવનની વિદ્વાન અને વિનમ્ર એવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. નંદકુમાર સાથે વિચાર વિનિમય કરી રહ્યો હતો. તેમણે આજથી ૧૦૦૦ વર્ષ પહેલાં શ્રીમાન કૃષ્ણ મિશ્રા નામના એક કવિએ લખેલ સુભાષિત મને મોકલી આપ્યું જે અક્ષરશઃ સંસ્કૃતમાં રજૂ કર્યું છે.
उद्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मी
र्दैवेन देयमिति कापुरुषा वदन्ति |
दैवं निहत्य कुरु पौरुषमात्मशक्त्या
यत्ने कृते यदि न सिध्यन्ति कोत्र दोषः ||
મારા મતે તેનો અર્થઃ સંપત્તિ કે વિવિધ પ્રકારની સિદ્ધિ જેઓ હકારાત્મક મનોબળ ધરાવતા તેવાનો પ્રાપ્ત થાય છે. કેવળ આળસુ જન જ માને છે કે ઈશ્વરીય મદદ કે તકદીર તે માટે કારણભૂત હોય છે. નસીબની વાત રહેવા દો અને પરિશ્રમ કરતા રહો. તેમ છતાં તમે નિષ્ફળ જાવ તો હામ ગુમાવતાં નહીં. પરિસ્થિતિનો અભ્યાસ કરો અને જરૂરી પગલાં લેવામાં લાગી જાવ તો અવશ્ય સફળતા મળશે.

‘આશા કેરા અજયગઢના મસ્તકે રોપવાને,
હાથે ઝાલી વિજયધ્વજને ચાલ, આગે પ્રવાસે,
ઊભો રે’છે ભય મલકતો, કાયરોના જ માર્ગે,
નિર્ભીતોથી ભય ભયધરી નાસતો, ના ખડો રે’
- સ્વામી કૃપાલાનંદ

આભ જમીન વચ્ચે ૮૦ વર્ષ

પ્રિન્સ હેરી અને મેગનના વિન્ડસર કાસલમાં ધામધૂમથી ૧૯મીમેએ લગ્ન થનાર છે. શરણાઈના સૂર તો ક્યારના ય સંભળાઈ રહ્યા છે. યુવાદંપતિને સર્વ પ્રકારની શુભકામનાઓ ઠેરઠેરથી પ્રાપ્ત થઈ રહી છે. કેટલા બધા નસીબદાર! તેમની ખુશી એ આપણા સૌની ખુશી. ‘સમય સમય બળવાન હૈ, નહીં મનુષ્ય બળવાન’ એવું રામાયણમાં કહ્યું છેને! બીજી રીતે કહીએ તો પરિવર્તન, આવકાર્ય, પરિવર્તન, શાહી પરિવારને, બ્રિટનની આમ જનતાને પણ પ્રાપ્ત થયાનો અદભૂત અવસર આપણે જોઈ શકીએ છીએ.
૮૦ વર્ષ પહેલાં પ્રિન્સેસ એલિઝાબેથ (અત્યારના મહારાણી) તેમની કિશોરાવસ્થામાં હતાં ત્યારે તેમનાં કાકા એડવર્ડ સાતમા એક અમેરિકન મહિલા સાથે પ્રેમમાં પડ્યા. યુવાન હૈયા લગ્ન માટે આતૂર જ નહીં, દ્રઢનિશ્ચયી હતાં. તે વેળા બ્રિટનની શાસન પદ્ધતિમાં ભાવિ સમ્રાટ કોઈ ડિવોર્સી સાથે ના પરણે, કોઈ કેથલિક સાથે ના પરણે એવો ધારો હતો. લૈલા-મજનુ કે એવા ઉચ્ચત્તમ પ્રેમીઓની વાતો આપણે સાંભળી જ હશે. ૮૦ વર્ષ પહેલાં એડવર્ડ સાતમાએ બ્રિટનની ભાવિ રાજગાદી જતી કરી, સરકારના આદેશ મુજબ દેશત્યાગ કર્યો અને ફ્રાન્સમાં લેડી સિમ્પસન સાથે આજીવન ‘દેશવટો’ ભોગવ્યો.
પરિવર્તન એ જીવનનો ચોક્કસ અને કાયમી ક્રમ છે. જેના પરિપાકરૂપે પ્રિન્સ હેરી અને મેગન પ્રભુતામાં પગલાં ભારે કોડભેર પાડી રહ્યા છે. લાગતાવળગતા સૌ તેમની સદબુદ્ધિ માટે, સભાનતા માટે, સંવેદનશીલતા માટે અભિનંદનના અધિકારી છે. પણ સાથે સાથે સમય બડા બલવાન એ તો યાદ રાખવું જ પડે.

આપના પ્રિય સાપ્તાહિકના વાંચનનો વિસ્તાર

આપ સૌ વાંચકો, સવિશેષ લવાજમી ગ્રાહકો, જાહેરાત દાતાઓ, અન્ય પ્રકારના સમર્થકો તેમજ લેખકો, કવિઓ, વિચારકોના ઉષ્માભર્યા આશીર્વાદ અને પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ આદિ પ્રકાશનો ધરાવતી Asian Business Publication પેઢી સર્વપ્રકારે હેમખેમ જણાવતાં હું અત્યંત કૃતજ્ઞતા અનુભવું છું.
સામાન્યપણે અખબારી પ્રકાશન આજકાલ ભારે ઝંઝાવાત અનુભવી રહ્યું છે. કેટલીય પ્રકાશન પેઢીઓ ભારે દેવાના ડુંગર હેઠળ વિટંબણા વેઠી રહી છે ત્યારે ‘ગુજરાત સમાચાર’ વાંચકોના સર્વાંગી હિતોને માથે ચઢાવીને, સંગીન સ્થિતિમાં આગેકૂચ કરી રહ્યું છે તેમ જણાવતા મને અત્યંત આનંદ અને ગૌરવ થાય છે.
ભારત બહારના વિવિધ દેશોના સૌ ગુજરાતી સાપ્તાહિકોમાં વિપુલ વાંચન, વિશ્વાસ પાત્ર પત્રકારત્વ અને પ્રાણવાન મૂલ્યોને વરેલ પ્રકાશન તરીકે આપ સૌના આશીર્વાદથી ABPL સાચે જ સર્વપ્રકારે તંદુરસ્ત છે. વાંચનનું ભરપૂર વૈવિધ્ય તે પણ આપણા આ સાપ્તાહિકનું સદભાગ્ય છે.
તાજેતરમાં લંડન તેમજ અમદાવાદના તંત્રીમંડળના મારા સાથીઓએ સત્ત્વરે ઘણું વાંચન પીરસવા આયોજન કર્યું છે.
અત્યારની બધી જ વાંચન વાનગીઓ ઉપરાંત નવા વિભાગોની કેટલીક ઝાંખીઃ
૧. મારી પ્રિય કવિતા
૨. મારું ગામ
૩. જોયેલું અને જાણેલું
૪. મારી પ્રેરણામૂર્તિ
૫. નવલિકા
સૌ વાચકમિત્રોને અમારું નિમંત્રણ છે કે ઉપરોક્ત વિષયને અનુરૂપ આપનો પ્રતિસાદ પાઠવવા કૃપા કરશો. અન્ય કોઈ સૂચન હોય તો તે પણ જણાવવા વિનંતી. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter