સેવા, સંસ્કૃતિ, સંગઠન અને સજાગતા

સી. બી. પટેલ Friday 12th December 2014 11:15 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, દરિયો ખેડવાનું સાહસ આપણી નસ-નસમાં વહે છે એ વાત સાથે ભાગ્યે જ કોઇ અસંમત થશે. તમે જૂઓને... ગુજરાત બહાર કરોડો ગુજરાતીઓ વસે છે. મુંબઇ જેવા પચરંગી મહાનગરમાં ૩૦થી ૩૫ ટકા વસ્તી તો ગુજરાતીઓની છે! ભારતના લગભગ દરેક નાના-મોટા શહેર-નગરમાં તમને ગુજરાતી મંડળ જોવા મળશે.

ભારતમાંથી વિદેશમાં સ્થળાંતર કરનાર લોકોમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધુ છે. અલબત્ત, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં સ્થળાંતર થયું છે. શ્રીલંકા કે અગ્નિ એશિયાના મલેશિયા, બર્મા, કંબોડિયામાં તેમની હાજરી વિશેષ જોવા મળશે, પણ પ્રભાવશાળી સ્થળાંતરમાં હમણાં સુધી ગુજરાતીઓ મોખરે રહ્યા છે. મધ્ય પૂર્વ, પૂર્વ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા, બ્રિટન, અમેરિકામાં વસતાં ગુજરાતીઓની સંખ્યા લાખોમાં થવા જાય છે. ભારત બહાર જો ૨.૫ કરોડ ભારતીયો વસતા હોય તો આપણે સહેજેય કહી શકીએ કે તેમાં એક કરોડ સુધીની સંખ્યા ગુજરાતી વંશજોની હશે.

વિદેશવાસી ગુજરાતીઓની સંખ્યા અમેરિકામાં ભલે વધુ હોય, પણ બ્રિટન જેવા નાના દેશમાં અને તેમાં પણ મધ્ય ઇંગ્લેન્ડમાં દસેક લાખ ગુજરાતીઓ વસે છે. તેમની એક આગવી હાજરી જોઇ શકાય છે. ગુજરાતીઓમાં પણ ૮૦ ટકા હિન્દુ જૈન છે. બૃહદ લંડન, લેસ્ટરશાયર, લેન્કેશાયર, વેસ્ટ મિડલેન્ડ એ બધા આપણા ગુજરાતીઓના ગઢ ગણાય. આ સ્થળાંતર છેલ્લા ૫૦-૬૦ વર્ષોમાં જ થયું. નાના-મોટી અનેક સમસ્યાઓ છતાં ગુજરાતી તરીકેનું ખમીર અને અસ્મિતા આપણા બ્રિટિશ-ગુજરાતીઓમાં જોઇ શકાય છે. શિક્ષણ, વ્યવસાય, વેપાર-ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સેવા સહિતના અનેક ક્ષેત્રે બ્રિટિશ ગુજરાતીઓએ સાચે જ પ્રભાવશાળી નામ મેળવ્યું છે. આજે બ્રિટનની જેલમાં બંદીવાન લોકોની સંખ્યામાં ગુજરાતીઓની અતિ અલ્પ સંખ્યા જોવા મળે છે તે પણ કંઇ નાની સિદ્ધિ નથી. આતંકવાદી જેવી દુષ્પ્રવૃત્તિમાં તો તમને ભાગ્યે જ કોઇ ગુજરાતી જોવા મળશે.
આ માટે અનેક કારણ જવાબદાર હોય શકે છે, પણ મારું તો સ્પષ્ટ માનવું છે કે આમાં આપણી જાગૃત પરિવારની પરંપરા સાથે જ ધાર્મિક, સામાજિક, સંસ્કારનું સિંચન કરતી સંસ્થાઓનું અદકું પ્રદાન છે. આ બધી સંસ્થાઓ-સંગઠનો પોતપોતાની રીતે સંસ્કારની જાળવણીમાં કાર્યરત છે તેના પરિણામે આપણે સારું ફળ મેળવી શક્યા છીએ. વિશેષ કરીને મંદિરો અને ધાર્મિક સંસ્થાઓનો આમાં સિંહફાળો ગણવો રહ્યો.
તાજેતરમાં લંડનમાં બે ભવ્ય સ્વામિનારાયણ મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયા. કિંગ્સબરીમાં સાકાર થયેલું અત્યંત અદ્યતન મંદિર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન (મણિનગર-અમદાવાદ)ની દેન છે. આપ સહુએ આ સમારોહના અહેવાલ ‘ગુજરાત સમાચાર’માં વાંચ્યા જ હશે. જ્યારે ગયા રવિવારે ઉત્તર લંડનમાં ગરવા ગુજરાતીઓથી ધમધમતા કેન્ટન વિસ્તારમાં હરિધામ-સોખડા તરીકે જાણીતી યોગી ડિવાઇન સોસાયટી દ્વારા નિર્મિત સ્વામિનારાયણ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઇ. બે સપ્તાહ પૂર્વે ક્રોયડનમાં લોહાણા કોમ્યુનિટી-સાઉથ લંડન તો બે મહિના પૂર્વે હેરોમાં લોહાણા કોમ્યુનિટી-નોર્થ લંડન એમ બે સ્થળે આધુનિક અને બહુવિધ સુવિધાઓથી સજ્જ સેન્ટર ખુલ્લાં મૂકવામાં આવ્યા.
આ ઉપરાંત અનેકવિધ નાના-મોટાં કાર્યક્રમો યોજાતાં જ રહે છે. જેમ કે, ૨૦ સપ્ટેમ્બરે માંચેસ્ટરમાં હિન્દુ કાઉન્સિલ-નોર્થ ઇંગ્લેન્ડ દ્વારા રાસગરબા મહોત્સવ ઉજવાયો હતો, જેમાં સેંકડોની સંખ્યામાં લોકો ઉત્સાહભેર સામેલ થયા હતા. હું પણ હાજરી આપવાનો હતો, પણ શક્ય ન બન્યું. આવા તો પ્રતિ સપ્તાહે, એક નહીં, અનેક કાર્યક્રમો યોજાતા રહે છે. આપ સહુ તો જાણો જ છો કે ‘ગુજરાત સમાચાર’માં વિવિધ ધાર્મિક-સામાજિક સંસ્થાઓ દ્વારા થતાં કાર્યક્રમોને વિશેષ સ્થાન અપાય છે. સમુદાય અને ધાર્મિક-સામાજિક સંસ્થાઓ વચ્ચે સેતુરૂપ બનવાનો અમારો હરહંમેશ પ્રયાસ રહ્યો છે.
ગયા ગુરુવારે પાર્લામેન્ટ સ્કવેરમાં આવેલી સુપ્રીમ કોર્ટની ઇમારતમાં એક ઐતિહાસિક ચર્ચાસભા યોજાઇ હતી. જેમાં એક પ્રસંગનો ઉલ્લેખ થયો હતો - આજથી ૪૦૦ વર્ષ પૂર્વે સુરતથી એક હિન્દી વ્યક્તિને ઇસ્ટ ઇંડિયા કંપનીના જહાજમાં લંડન લાવવામાં આવી હતી. તેણે બ્રિટનમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. અને તેને નામ અપાયું હતું પીટર. આ ચર્ચામાં સદભાગ્યે મને પણ મારા મંતવ્યો રજૂ કરવાનો અવસર સાંપડ્યો હતો. જે કંઇ સમય ફાળવાયો હોય, તે થોડીક મિનિટોમાં મારી વિચારસરણી રજૂ કરવાની હું મારી ફરજ સમજું છું.
રવિવારે યોજાયેલા હરિધામ-સોખડાના સ્વામિનારાયણ મંદિરના સમારંભમાં પૂ. હરિપ્રસાદ સ્વામીએ મને મારા વિચાર રજૂ કરવા આજ્ઞા કરી. તેમનો આદેશ માથે ચઢાવી મેં ત્રણ મુદ્દાઓ અંગે ખૂબ સંક્ષિપ્તમાં ચર્ચા કરી હતી, જેનો સાર અહીં રજૂ કરી રહ્યો છું.
પ્રથમ મુદ્દો હતો - યુવા પેઢીનું પ્રદાન. કેન્ટનમાં આ મંદિરની સ્થાપનામાં યોગી ડિવાઇન સોસાયટીના યુવા ભાઇઓ-બહેનોનો અનન્ય ફાળો છે. આ મંડળના સ્વયંસેવકોનો લાભ કેટલાય સમારંભને મળતો રહે છે તેનો હું સાક્ષી છું. કેટલાક સમારંભમાં એવું પણ જોયું છે કે હોદ્દેદારો-પદાધિકારીઓ પોતાના કોટ કે બ્લેઝર પર લાલ-લીલા-પીળા બિલ્લા લગાવીને ફર્યા કરતા હોય, અને સમગ્ર આયોજનને પાર પાડવાની પાયાની જવાબદારી આ સ્વયંસેવકો નિભાવતા હોય. આમંત્રિત મહેમાનોને ભોજન પીરસવાથી માંડીને જ્યાંત્યાં પડેલો કચરો એકત્ર કરવો કે કાર પાર્કિંગની વ્યવસ્થા સહિતના કામ પણ તેઓ સુપેરે નિભાવતા જોવા મળે છે. ઘણી સંસ્થાઓમાં હોદ્દેદારો તમને ‘જીભ હલાવતા’ જોવા મળશે, ‘હાથ હલાવતા’ ભાગ્યે જ જોવા મળશે. જ્યારે યુવા સ્વયંસેવકોમાં તમને આથી ઉલટું જોવા મળશે. BAPS, ISSO, ઇસ્કોન હોય, જૈન સમાજ હોય કે પછી અન્ય કોઇ સંસ્થા-સંગઠન હોય - દરેક પ્રાણવાન સંસ્થાના પાયામાં યુવા પેઢી જ સક્રિય જોવા મળશે. અહીં જ જન્મેલી, ઉછરેલી, ભણેલી પેઢી સાચા અર્થમાં સેવાને સમર્પિત હોય છે. મોટેરાઓ ખોટા ભ્રમમાં રાચતા હોય છે કે ધર્મ-પરંપરા-સંસ્કૃતિ તેમના થકી સચવાયેલા છે, ખરેખર તો આપણી આ અસ્મિતા, મૂલ્યોને યુવાશક્તિ સાચવે છે. મારું તો સ્પષ્ટ કહેવું હતું કે આવા મંદિરોના નિર્માણમાં સ્વામીજી, સંતો, ધર્માનુરાગી અનુયાયીઓ સહુ કોઇનું અનુદાન છે તેની ના નહીં, પણ યુવાશક્તિનું અનુદાન સર્વોચ્ચ ગણવું રહ્યું.
બીજો મુદ્દો હતો - (કહેવાતા) નેતાઓની સક્રિયતા. આ પ્રસંગે એમપી બોબ બ્લેકમેન, એક-બે મેયર ઉપરાંત આપણા સમુદાયનું પ્રતિનિધિત્વ કરતાં કેટલાક કાઉન્સિલર્સ, સંસ્થાના મોવડીઓ વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા. પરંતુ મારો સવિનય, છતાં સ્પષ્ટ સવાલ હતોઃ આપણી ધર્મપરંપરા સામે, સંસ્કૃતિ સામે, અસ્મિતા સામે સવાલ ઉભો થાય છે ત્યારે (આપણા પ્રતિનિધિઓમાંથી) ખરેખર કેટલા અવાજ ઉઠાવે છે? કેટલા નેતાઓ ખરા અર્થમાં શક્તિ-સામર્થ્યસભર નેતૃત્વ પૂરું પાડે છે?
બહુ અફસોસ સાથે કહેવું પડે છે કે આપણા સમુદાયનું પ્રતિનિધિત્વ કરતાં કેટલાય નેતાઓ તો કાઉન્સિલ કે અન્ય મહત્ત્વની બેઠકોમાં (પક્ષના આદેશ અનુસાર) જે તે નિર્ણયની તરફેણમાં કે વિરુદ્ધમાં આંગળી ઊંચી કરવા સિવાય ભાગ્યે જ કંઇ કરે છે. અનુભવી મોટેરાઓ ખુરશીની ખટપટમાં જ રચ્યાપચ્યા જોવા મળે છે. પાકા ઘડે કાંઠા ન ચઢે એ તો હું પણ જાણું છું, પરંતુ આવા નેતાઓને હું એટલું કહ્યા વગર રહી શકતો નથી કે અલ્યા, આ જુવાનિયાઓને જુઓ, અને તેમની જેમ નિષ્ઠાપૂર્વક કામ કરતા શીખો. સંસ્થામાંથી જ્યારે નિષ્ઠાનું પરિબળ ઉડન-છૂ થઇ જાય છે ત્યારે સંસ્થા નિષ્પ્રાણ થઇ જાય છે. આવી સંસ્થા માત્ર કાગળ પરનો વાઘ બનીને રહી જાય છે. કાગળ પર તો તેનું અસ્તિત્વ ટકી રહે છે, પણ ઔકાત સિંગચણા જેટલી પણ રહેતી નથી. આવી સંસ્થાઓ પોતાના સભ્યોના હિતનું પણ રક્ષણ કરી શકતી નથી, તે સમાજના હિતનું રક્ષણ તો ક્યાંથી કરવાની?!
મારો ત્રીજો મુદ્દો હતો - ધર્મ અને સંસ્કૃતિ. વ્યક્તિની જાતિ, સમુદાય કોઇ પણ હોય, માનવમાત્ર ધર્મ અને સંસ્કૃતિના બે પગ પર ખડો છે, તેના આધારે જ ખુમારીપૂર્વક ખડો રહી શકે છે. જો ધર્મના નામે અધર્મનું ચલણ વધે, શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધાનો ફેલાવો વધે, અંધશ્રદ્ધાને પોષવામાં આવે તો સરવાળે સમાજ નિર્બળ બની જાય છે. બીજા શબ્દોમાં કહું તો, જે સમાજ કે વ્યક્તિ ધર્મનું સાચા અર્થમાં રક્ષણ કરે છે, ધર્મનું પાલન કરે છે, તેમને અપાતા ઉપદેશનું ખરા અર્થમાં આચરણ કરે છે તે સમાજમાં, તે વ્યક્તિમાં ધર્મ ટકી રહે છે. અને આ જ ધર્મ સમાજને, વ્યક્તિને ટકાવે છે.
શું આપણું આ તત્વજ્ઞાન, અધ્યાત્મ પ્રાચીનતમ હોવાથી ટકી રહ્યું છે? ના, બિલ્કુલ નહીં. આપણું આ તત્વજ્ઞાન, અધ્યાત્મ પ્રાણવાન હોવાથી ટકી રહ્યું છે. આપણને ભલે હિન્દુ કે સનાતન ધર્મી હોવાનું ગૌરવ હોય, પણ ધર્મના ઓઠા તળે દંભ-આડંબર પોષવામાં આવતો હોય તો સરવાળે તે વધુ નુકસાનકારક સાબિત થાય છે. મારા મતે, સાચો ધર્મ એ નથી જે મૃત્યુ પછી મોક્ષ પામવાની જ વાતો કરતો હોય, સાચો ધર્મ તો એ છે જે વ્યક્તિને જીવતેજીવ સુખ-શાંતિ-આત્મગૌરવની અનુભૂતિ કરાવે. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter