સ્થળાંતરની શોધમાં....

સી. બી. પટેલ Tuesday 29th January 2019 14:43 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, માનવ સંસ્કૃતિના આરંભકાળથી જ સ્થળાંતર - અન્ય સ્થળે વિચરણની શરૂઆત થઇ હતી. ગુફા, કંદરા કે ગાઢા જંગલના વસવાટમાં અનેક સંકટોનો, વિટંબણાનો સામનો કરવો પડતો હતો. આ અને આવા કારણોસર માનવ હંમેશા ખાણીપીણી, સહીસલામતી, સંગત માટે હાલ્યો જ જાય છે, હાલ્યો જ જાય છે. જ્યારે વાહનવ્યવહાર કે સંદેશવ્યવહારની આધુનિક સાધન-સુવિધા ઉપલબ્ધ નહોતી તેવા સંજોગોમાં પણ આ યાત્રા વણથંભી ચાલુ જ રહી છે. ક્રમે ક્રમે પહેલાં રોટી, પછી રહેઠાણ, પછી કપડાં, પછી સંતાનોના વિકાસની ચિંતા એવા કારણસર પૃથ્વીના લગભગ દરેક ખૂણામાં, આર્કટિક - ઉત્તર ધ્રુવના કે એન્ટાર્કટિકાના દક્ષિણ ધ્રુવ નજીકના સદાસર્વદા બરફાચ્છાદિત પ્રદેશને બાદ કરતાં લગભગ દરેક સ્થળે નાની-મોટી વસાહતો ઉદભવી છે. આમ જૂઓ તો આ આશ્ચર્યજનક ગણાય, અને આમ જૂઓ તો આમાં કંઇ નવું પણ નથી. આ પૃથ્વીના દરેક ખંડમાં, પ્રદેશમાં માનવજાતનો વસવાટ છે. અને આજે પણ સ્થળાંતર અવિરત ચાલુ જ છે. ઘરઆંગણે બ્રિટનની વાત કરીએ તો - તાજેતરમાં આ જ લેખમાળામાં આપે વાંચ્યું હશે તેમ - ઇમિગ્રન્ટ વિના ચાલે નહીં, અને ઇમિગ્રન્ટ ગમે નહીં તેવી હાલત જોઇ શકાય છે.
ગયા સપ્તાહે વારાણસીમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવ્યો. તેમાં જણાવાયું હતું કે ત્રણથી સાડા ત્રણ કરોડ (૩૦થી ૩૫ મિલિયન) ભારતીય વંશજો વિશ્વભરમાં, દરિયાપારના દેશોમાં સ્થાયી થયા છે. ૧૯૪૭માં ભારત સ્વતંત્ર બન્યું. તે વેળા બ્રિટનમાં એક અંદાજ પ્રમાણે ભારતીય વંશજોની સંખ્યા દસેક હજાર કે તેથી પણ ઓછી હતી. ઉપખંડ જેવા વિશાળ અમેરિકામાં તો કદાચ - કેલિફોર્નિયાના પચાસેક હજાર શીખ બંધુઓ સિવાય - જૂજ ભારતીય વસતા હતા. અત્યારે બ્રિટનમાં આશરે ૧૮ લાખ જેટલા ભારતીય વંશજો કાયમ માટે વસવાટ કરે છે અને બીજા દોઢ-બે લાખ વ્યવસાય, શિક્ષણ કે અન્ય કારણસર અત્રે ઉપસ્થિત છે. અમેરિકામાં આપણાવાળાની સંખ્યા ૪૦ લાખ થવા જાય છે. ઓસ્ટ્રેલિયા હોય કે ન્યૂ ઝિલેન્ડ હોય કે વેસ્ટ ઇંડિઝ હોય કે આફ્રિકા કે પછી અન્ય દેશોની વાત હોય, જ્યાં જ્યાં ભારતીય ક્રિકેટ ટીમની મેચ રમાઇ છે ત્યાં ત્યાં કેપ્ટન વિરાટ કોહલી કહે છે તેમ ‘અમને હોમ ગ્રાઉન્ડનો મજબૂત સપોર્ટ’ સાંપડતો રહ્યો છે.
૧૮૩૫માં બ્રિટને એન્ટી-સ્લેવરી એક્ટ પસાર કર્યો. તે અગાઉ નેપાળ, શ્રીલંકા કે ઇન્ડો-ચાઇના તરીકે ઓળખાતા કંબોડિયા, લાઓસ, વિયેટનામ, ઇન્ડોનેશિયા, બર્મા જેવા દેશો અને પૂર્વ આફ્રિકાના અમુક પ્રદેશો તેમજ ઓમાન, મસ્કત કે ગલ્ફના કેટલાક સ્થળોએ ભારતીય વંશજોની વેપાર-વણજ માટે સૈકાઓથી અવરજવર હતી કે જૂજ સંખ્યામાં કાયમી વસાહત હતી. વિકસિત પશ્ચિમી દેશોને તેમના ઉદ્યોગો, ખાણો, ખેતરો અને વેપાર-ધંધા માટે જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં માનવધનની જરૂરત પડી ત્યારે ત્યારે તેઓ ભારત કે ચીન તરફ નજર દોડાવતા હતા, જે અમુક અંશે હજુ ચાલુ જ છે.

‘ગોલ્ડન વિસા’ બાબત કડકાઇ

યુરોપિયન યુનિયન (ઇયુ)ના દેશમાં બે પ્રકારના ઇમિગ્રન્ટ્સની જરૂરત ઉભી થયેલી છે. વેપાર-ઉદ્યોગ, આરોગ્ય સેવા કે ટ્રાન્સપોર્ટ માટે તેઓને સતત વિદેશથી કર્મચારીઓ અને કામદારો ઓછાવતે અંશે મેળવવા જ પડે છે. તેમાં વધારાનો ઉમેરો થયો છે મૂડીપતિઓનો. છેલ્લા દસેક વર્ષમાં યુરોપિયન યુનિયનના ૨૮ દેશોમાં વિદેશથી આવેલા નવા મૂડીરોકાણકારોએ ૨૫ બિલિયન પાઉન્ડનું જંગી નાણું ઠાલવ્યું છે. તેમાં રશિયા, આરબ દેશો, ચીન અને ભારત અનુક્રમે અગત્યનો ફાળો આપતા રહ્યા છે.
ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) તરીકે આવતું નાણું જંગી માત્રામાં મેળવવા માટે યુરોપિયન યુનિયનના દેશોએ ‘ગોલ્ડન વિઝા’ પદ્ધતિ દાખલ કરી. માલ્ટા, સાયપ્રસ, અને બલ્ગેરિયા - આ ત્રણ દેશોમાં અત્યારે પણ સવલત છે કે જો કોઇ વ્યક્તિ મબલક નાણાં લાવે તો તરત જ તેને સ્થાનિક પાસપોર્ટ અને રહેવાની પરવાનગી મળી જાય છે. ઈયુના બધા દેશોમાં સરળતાથી હરીફરી શકે છે. જંગી મૂડીરોકાણ થકી બ્રિટન, ફ્રાન્સ, ઇટાલીમાં ભલે એકદમ પાસપોર્ટ ન મળી જતો હોય, પરંતુ કાયમી વસવાટની - અમુક રીતે શરતી - મંજૂરી તો જરૂર મળી જાય છે. જો પ્રોપર્ટીમાં, સરકારી બોન્ડમાં, સરકારની તિજોરીમાં કે શેરબજારમાં કાયમી ધોરણે મોટી રકમનું મૂડીરોકાણ કર્યું હોય તો આ પ્રકારની સવલત સરળતાથી મળી રહે છે. આ ગોલ્ડન વિસાનો ઉપયોગ કરીને એક અંદાજ પ્રમાણે સેંકડો કે સંભવિત હજારો ભારતવાસીઓ અત્રે ઠરીઠામ થયા છે.
જોકે આ જોગવાઇનો ગુનાહિત તત્વોએ પણ ભરપૂર લાભ લીધો છે. આર્થિક કૌભાંડ, ખંડણીખોરો, દાણચોરો કે અન્ય પ્રકારે બેહિસાબી - કાળું નાણાં ધરાવતા લોકોએ પણ ગોલ્ડન વિસાનો, ખાસ કરીને રશિયા, ચીન, ભારતમાંથી આવેલા લોકોએ મોટો અને ખોટો લાભ લીધો છે. આવા નઠારા તત્વો સામે હવે યુરોપિયન યુનિયને લાલ આંખ કરીને વધુ કડક નીતિ અપનાવવાની શરૂ કરી છે. મની લોન્ડરીંગ દ્વારા આ નાણાં લાવવામાં આવતા હોવાથી તે અનેક રીતે ગુનાખોરીને પોષે છે તેમ એક અહેવાલમાં જણાવાયું છે.

સ્થળાંતરના વિવિધ કારણો

એક તરફ પોતાની કે પોતાની ભાવિ પેઢીની આર્થિક સદ્ધરતા અને સુખ-શાંતિ-સમૃદ્ધિ માટે વિકાસશીલ દેશોમાંથી વિકસિત દેશોમાં સ્થળાંતરનો પ્રવાહ આકર્ષણ છે. તો બીજી તરફ, અમુક દેશોમાંથી લોકોને આંતરિક હિંસા, ધર્માંધતા, ગરીબી, રોજગારીનો અભાવ જેવા કારણસર ભલે સ્વેચ્છાએ કે મજબુરીથી અન્ય દેશ - પ્રદેશમાં સ્થળાંતર કરવાની ફરજ પડતી હોય છે. જેમ કે, પાકિસ્તાનમાંથી ઘણા લોકો કટ્ટરવાદના પગલે સર્જાયેલા અશાંત માહોલથી બચવા સ્થળાંતર કરવાનું પસંદ કરે છે તો બાંગ્લાદેશમાંથી લોકો રોજીરોટીની તલાશમાં (મોટા ભાગે ગેરકાયદે, અને તે પણ પડોશી દેશ ભારતમાં) સ્થળાંતર કરવાનું પસંદ કરતા જોવા મળે છે. ગેરકાયદે બાંગ્લાદેશી ઘુસણખોરીની સમસ્યા આજે ભારત માટે માથાના દુખાવારૂપ બની રહી છે તે કડવી હકીકત છે. આ જ રીતે સિરિયા, ઇરાક જેવા દેશોમાં વર્ષોથી મોટા પાયે આંતરિક વિગ્રહ ચાલી રહ્યો છે. આ સંજોગોમાં હિંસા, રક્તપાતથી બચવા માટે લોકો પરિવાર સાથે બીજા (મુખ્યત્વે ઈયુ દેશોમાં) સ્થળાંતર કરીને આશરો લઇ રહ્યા છે.
૨૦૧૬-૧૭ અને ’૧૮ દરમિયાન જ્યાં નાણાં મબલક છે અને વસ્તી જૂજ છે તેવા સાઉદી અરેબિયા જેવા ધનવાન દેશોમાંથી સહીસલામતી માટે કે ધર્માંધતાની ચુંગાલમાંથી છટકવા માટે વાર્ષિક સરેરાશ ૮૫૭ વ્યક્તિએ સ્થળાંતર કરીને વિદેશમાં, મુખ્યત્વે પશ્ચિમના દેશોમાં કે અપવાદ તરીકે ભારતમાં સ્થાયી થવાનું પસંદ કર્યું છે. આ સ્થળાંતર કરનારાઓમાં સૌથી મોટી ટકાવારી યુવતીઓ કે પ્રૌઢ વયની મહિલાઓની જોવા મળે છે.
સાઉદી અરબમાંથી સ્ત્રીઓનું મોટા પાયે સ્થળાંતરનું મુખ્ય કારણ તેમના પર થતું દમન છે. આ દેશમાં મહિલાઓને મતાધિકાર હજુ થોડાક વર્ષ પૂર્વે જ મળ્યો છે અને વાહન ચલાવવાનો અધિકાર તો માંડ બે’ક વર્ષ અગાઉ મળ્યો છે. વાચક મિત્રો, આ વાત પરથી આપ સહુ અંદાજ લગાવી શકો છો કે સ્ત્રીઓને કેવા કેવા અંકુશો તળે જીવન વીતાવવું પડતું હશે.
નવા ઇમિગ્રન્ટની પહેલી પસંદ હંમેશા વિકસિત દેશો હોય છે તે સાચું, પરંતુ છેલ્લા થોડાંક વર્ષથી ગયાના, યુગાન્ડા સહિતના આફ્રિકાના દેશો સ્થળાંતર માટે આગવા આકર્ષણના કેન્દ્રો બન્યા છે. ગયા પખવાડિયે ગાંધીનગરના આંગણે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં યુગાન્ડા સરકારના પ્રતિનિધિ ઓકેલોએ ગુજરાત સહિતના સમગ્ર દેશના લોકોને આમંત્રણ આપતાં જણાવ્યું હતું કે ભારતમાંથી ઉદ્યોગ સાહસિકો કે હુન્નરના કસબીઓ માટે યુગાન્ડાના દરવાજા ખુલ્લા છે. આફ્રિકાના દેશોમાં વિપુલ માત્રામાં ફળદ્રુપ જમીન અને જળપુરવઠો ઉપલબ્ધ છે. ખેડૂતો ખેતી માટે ઇથોપિયા, સુદાન, આફ્રિકાના અન્ય દેશોમાં આવીને વસી શકે છે.
વાચક મિત્રો, બે’ક સપ્તાહ પૂર્વે આ જ કોલમમાં ગયાનાની વાત કરી હતી. આ ગયાનાની પડોશમાં આવેલું છે વેનેઝુએલા. સમગ્ર વિશ્વના પેટાળમાં ખનિજ તેલ - ગેસનો જે વિપુલ ભંડાર ધરબાયેલો છે તેમાંથી ૨૦ ટકા જથ્થો તો વેનેઝુએલાના કબ્જામાં છે. જોકે કુદરતી સાધનસંપત્તિથી તરબતર આ દેશની કમનસીબી છે રાજકીય અંધાધૂંધી. આર્થિક ગેરવહીવટ અને સરમુખત્યારશાહી શાસનના કારણે આ દેશ કારમી આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યો છે. ગયાના પડોશી દેશ છે અને આગામી ચાર-પાંચ વર્ષમાં દર વર્ષે ૧૫ બિલિયન ડોલરના ગેસ - ખનિજ તેલનું ઉત્પાદન કરતો થઇ ગયો હશે. આ દેશની વસ્તી છે માત્ર આઠ લાખ. આપણે અગાઉના લેખમાં જાણ્યું તેમ એક સમયે આ દેશની વસ્તીમાં ૫૪થી ૫૫ ટકા ભારતવંશીઓ હતા, આજે આંકડો ઘટીને ૪૫ ટકા કરતાં ઓછો છે. જોકે ગયાના સાથે દસકાઓ પુરાણો ઘનિષ્ઠ નાતો હોવાના કારણે આવા ભારતીય વંશજોને આ દેશમાં રહેવા કે કામ કરવા માટે સહેલાઇથી હકો મળી રહેશે.
વિશ્વના જે કોઇ દેશોમાં ભારતીયો જઇ વસ્યા છે ત્યાં તેમણે આગવું સ્થાન મેળવ્યું છે. કારણ? અરે, એક નહીં અનેક છે. આપણે નિરુપદ્રવી છીએ, મહેનતકશ છીએ, બુદ્ધિશાળી છીએ, કૌશલ્ય ધરાવીએ છીએ, શાંતિપ્રિય છીએ અને જે દેશમાં જઇએ છીએ ત્યાંના સમાજમાં સાકરની જેમ ભળી જઇએ છીએ અને આપણી પરંપરાનું જતન કરવાની સાથોસાથ તેમની પરંપરાને પણ આત્મસાત કરવાનો પ્રયાસ કરીએ છીએ. આમ આવા એક કરતાં વધુ કારણસર ગયાના જેવા દેશમાં નવા ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે વસવાટની ઉજ્જવળ તકો છે.

જાપાન

એક સમયે અણુબોમ્બે વેરેલા વિનાશમાં ભસ્મીભૂત થઇ ગયેલું જાપાન સમયના વહેવા સાથે ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી ફરી બેઠું થયું અને આજે તે વિકાસના શીખરે બિરાજે છે. જાપાનની વસ્તી થોડાક વર્ષ પૂર્વે ૧૧ કરોડથી સહેજ વધુ હતી. આજે આ આંકડો લગભગ ૯.૫ કરોડ અંદાજવામાં આવે છે. વસ્તીમાં વધતું પ્રમાણ ૧૦૦ કે તેથી વધુ વય ધરાવતા વયસ્કોનું છે. જ્યારે ખરેખર કાર્યરત યુવાશક્તિનો અભાવ વર્તાઇ રહ્યો છે. જાપાનમાં બીજા વિશ્વ યુદ્ધ સુધી દેશમાં વસતાં તમામ લોકો જાપાની હતા. આજે જાપાનમાં ચીન, વિયેતનામ અને ફિલિપાઇન્સના દસેક લાખ લોકો વસે છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં મન્ચુરિયા જાપાનના કબ્જામાં હતું તે પણ એક કારણ ગણી શકાય. ગયા મહિને જાપાન પાર્લામેન્ટે કાયદો પસાર કર્યો છે કે આગામી પાંચ વર્ષમાં છ લાખ નવા ઇમિગ્રન્ટ્સને પ્રવેશવાનો અધિકાર આપવો.
ભારત-જાપાન સંબંધો સવિશેષ નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન વધુ ગાઢ બની ચૂક્યા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય નીતિરીતિમાં બન્ને દેશો વિવિધ સ્તરે સહયોગ સાધી રહ્યા છે. આ માહોલનો લાભ ભારતીય સમુદાયને મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતની જાહેર ક્ષેત્રની ન્યૂ ઇંડિયા ઇન્સ્યોરન્સ કંપની દસકાઓથી જાપાનમાં મોખરાનું સ્થાન મેળવી ચૂકી છે. ગલ્ફના અમુક દેશો, આફ્રિકાના કેટલાક રાષ્ટ્રો, ગયાના કે બીજા આવતીકાલના વિકાસશીલ દેશોમાં નવા ઇમિગ્રન્ટ ખાસ તો ભારતીયો માટે આશાસ્પદ ચિહ્નો જોઇ શકાય છે. સાહસે વસતે લક્ષ્મી તે ઉક્તિથી આપણે સહુ વિદિત છીએ. આપણી પરંપરામાં માન્યતા છે કે કોઇ એક સ્થળે સફળતાથી વિમુખ રહ્યા હોઇએ તો સ્થળાંતર કરીને વધુ આશાસ્પદ ભાવિ કંડારી શકાય છે.
આપ સહુ માનવંતા વાચકોમાંથી કદાચ કોઇના મનમાં પ્રશ્ન પણ ઉઠશે કે અરે... સી.બી. આમાં તમે શું નવું કહ્યું? અમે પણ દરિયાપારના દેશમાં જ વસીએ છીએને? અમે તો આ બધું જાણીએ છીએ.
વાચક મિત્રો, આપની વાત સાચી છે, કથા તો એકની એક જ છે, પણ સમય અને સ્થળ બદલાઇ રહ્યા છે. આજે નવા વિકલ્પો આકાર લઇ રહ્યા છે તે પણ હિતકારક ચર્ચાનો વિષય ગણાવાય ને?
(ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter