વડીલો સહિત વાચક મિત્રો, પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપા, અને આપ સહુના આશીર્વાદ હોય પછી જીવનમાં બીજું જોઇએ શું?! બંદો ફરી આપની સેવામાં હાજર છે. ‘ભૂલ્યા વિસર્યાના ભેરુ થાજો રે લોલ...’ શબ્દો સીધાસરળ, પણ બહુ જ અર્થસભર. સીધા દિલને સ્પર્શી જાય તેવા. આ જ કારણ છે કે (પૂ. કમળાબાના) ચંદ્રકાન્તે બાળપણમાં કરનાળી મુકામ વેળા સાંભળેલું ભજન આજેય તેના કાનમાં ગૂંજે છે!
આજની ભાગદોડભરી જિંદગીમાં જરાક શ્વાસ ખાઇને આસપાસ નજર કરશો તો આવા ‘ભૂલ્યા વિસર્યા’ લોકો નજરે પડી જશે. ઘણી વખત એવા સમય-સંજોગ એવા સર્જાય છે કે વ્યક્તિ જાણ્યેઅજાણ્યે, અકારણ-સકારણ સ્વજનોની નજરમાંથી ‘સાઇડલાઇન’ થઇ જાય છે. પરિવાર સાથે રહેવા છતાં વ્યક્તિ એકલીઅટૂલી પડી જાય છે. મિત્રો, આ જે એકલતા છેને તેને હું કેન્સર કરતાં પણ ખતરનાક માનું છું. કેન્સરના તો દેખીતા લક્ષણો છે, તબીબી સારવાર પણ ઉપલબ્ધ છે જ્યારે એકલતાના દેખીતા કોઇ લક્ષણ નથી અને તેના ઉપચાર માટે તબીબો કરતાં સ્વજનો વધુ ઉપયુક્ત હોવાનું માનું છું.
પણ આ એકલતા આવી ક્યાંથી?!
આપણે બ્રિટનના જ સમાજજીવનની વાત કરીએ. આજે પરિવાર એટલે કોણ? હું અને મારો/મારી જીવનસાથી. એક કે બે સંતાન. બહુ બહુ તો મા-બાપ. અને તેનાથી પણ વિશેષ સાસુ-સસરા! બસ, પરિવાર પૂરો. જરા તમે જ કહો... આજે અહીં સંયુક્ત પરિવાર કેટલા? પહેલાં પરિવાર સંયુક્ત હતા એટલે સુખદુઃખ વહેંચાઇ જતા હતા. સુખના દિવસો બમણાં આનંદમાં વીતતાં, અને દુઃખ આવતું તોય ક્યાં વહેચાઇ જતું તે લગારેય કોઇને ખબર નહોતી પડતી.
આજે પરિવાર નાના થયા છે ને એકલતા વધી છે. માણસને પરિવાર વચ્ચે તો શું, ટોળામાં પણ એકલતા અનુભવતા જોયા છે. કોઇ આરોગ્યના કારણસર તો કોઇ આર્થિક બોજના લીધે, કોઇ અસાધ્ય બીમારીના કારણે તો કોઇ પરિવારજનોની ઉપેક્ષાના કારણે... કોઇ પણ કારણસર આવતી એકલતા માણસ માટે અસહ્ય બોજ લઇને આવતી હોય છે. ઘણી વાર આ લોકોને એવી મૂંઝવણ થઇ પડે છે કે કોને મારી વાત કહું, મારું કોણ સાંભળશે? એક બહુ જાણીતી પંક્તિ છેઃ
હું દુઃખી છું તેથી કોને શું?
હું સુખી છું તેથી કોને શું?
બસ, સમયના વહેવા સાથે વ્યક્તિમાં આ ભાવ તીવ્ર બનતો જાય છે અને આવી વ્યક્તિ (પોતાની જાતે જ) એક કોચલામાં કેદ થતી જાય છે. એક એવું કોચલું જે તેના તન અને મનની સજ્જતા-ક્ષમતાને કોરી ખાય છે.
વાચક મિત્રો, બધા વડીલો-વૃદ્ધોની હાલત આવી જ હોય છે એવું નથી. સીત્તેર - એંશી કે નેવુંના લોકોને પણ હેમખેમ હરતાફરતા - પોતાનું મનગમતું કામ કરીને જીવનની મજા માણતા જોયા છે. મારા જ નામેરી એક મિત્ર છે પ્રો. ચંદ્રકાન્ત પટેલ. પ્રોફેસર સાહેબ વસે છે અમેરિકામાં, પણ આજે 91 વર્ષની વયે પણ દર સાલ એકલપંડે ભારત આવતા-જતા રહે છે. ભારતભ્રમણ કરતા રહે છે ને મનગમતા લોકોને મળતા રહે છે. મારો જ દાખલો લો ને... આયખું નેવુંના આરે પહોંચ્યું છે, પણ આજેય મારું મનગમતું કામ કરું છું અને શક્ય હોય ત્યાં બધે આવતોજતો રહું છું. આપ સહુને મળતો રહું છું. વાચક મિત્રો, આ બધાનો આધાર તન-મનના આરોગ્યથી લઇને વ્યક્તિનો ટેમ્પરામેન્ટ, પરિવારનો સાથ વગેરે સહિતની અનેક બાબતો પર હોય છે. વળી, હું તો એક જ સૂત્રમાં માનનારો છું - આજનો લ્હાવો લિજીયે રે...
સ્વાભાવિક છે કે બધા વડીલો-વૃદ્ધો માટે આ શક્ય હોતું નથી. અગાઉ જણાવ્યું તેમ એક યા બીજા કારણસર હજારો વડીલો એકલવાયું જીવન જીવી રહ્યા છે. આવા વડીલો-વૃદ્ધો માટે એજ યુકે (Age UK) સંસ્થા સરકાર અને સમાજના અમુક લોકોના સાથસહકાર સાથે નમૂનેદાર કાર્ય કરી રહી છે.
આ સંસ્થાએ આપેલા આંકડા પર નજર ફેરવશો તો સમજાશે કે વડીલો-વૃદ્ધોનો એક વિશાળ વર્ગ કેવી મનોસ્થિતિમાં જીવન પસાર કરી છે.
એજ યુકેના આંકડાઓ કહે છે કે આ દેશના - કહો કે પશ્ચિમી જગતના - સૌથી મોટા તહેવાર ક્રિસમસના દિવસે 1.5 મિલિયન વડીલો એકલાઅટૂલા બેસીને ભોજન કરે છે. 7.6 લાખ લોકો તહેવારને અનુરૂપ વસ્ત્રોથી પણ વંચિત રહે છે, 6.7 લાખ લોકો તો કોઇને મળવાનો કે બોલવાનો મોકો પણ મળતો નથી અને તેઓ એકલા એકલા જ તહેવાર વીતાવી દે છે. એજ યુકેના અભ્યાસનું તારણ એ પણ દર્શાવે છે કે મોટા ભાગના વડીલો-વૃદ્ધો ક્રિસમસના તહેવાર દરમિયાન ઉપેક્ષાની લાગણી અનુભવે છે. કારણ શું? કેમ કે જુવાનિયાઓ માની લે છે કે આ લોકોને એકલા જ રહેવું પસંદ છે અથવા તો તેઓ માની લે છે કે નરમ સ્વાસ્થ્યના કારણે તેઓ ઉજવણીમાં સામેલ થવા સક્ષમ નથી. 70 મિલિયનની વસતી ધરાવતા આ દેશમાં ભારતીય વંશજોની સંખ્યા આશરે 2 મિલિયન છે. આપણા સમાજના કેટલા વડીલો-વૃદ્ધો આ પ્રકારે નજરઅંદાજ થતા હશે તે સહુકોઇએ વિચારવા જેવું છે.
સરકાર અને વેલ્ફેર વડીલો-વૃદ્ધો માટે ઘણું કામ કરે છે. કેટલાક વડીલો કેર હોમમાં રહેતા હશે ને કેટલાક સારવાર-સુશ્રુષા માટે હોસ્પિટલમાં હશે તો ત્યાં તેમને હમઉમ્ર સાથે વાતચીત કરવાનો માહોલ પણ મળતો હશે. પરંતુ અહીં લાખ રૂપિયાનો સવાલ એ છે કે આપણા પરિવારમાં કે સમાજમાં આવા (જાણ્યે-અજાણ્યે) ઉપેક્ષિત વડીલો-વૃદ્ધો કેટલા? આપણે તેમને કઇ રીતે પ્રેમ-લાગણીનો હૂંફાળો અનુભવ કરાવી શકીએ? જે વડીલો આપણી સાથે - આપણા પરિવાર સાથે રહે છે તેમની મનોસ્થિતિ શું છે? તેઓ એકલતાની લાગણી તો નથી અનુભવતા ને? શું આપણે તેમને તહેવારોની ઉજવણીમાં સામેલ કરીએ છીએ? આપણે તેમને માટે શું વિશેષ કરીએ છીએ? જરા વિચારવા જેવું તો ખરું...
એક નાનો ઉમદા વિચાર કે પ્રયાસ આવા એકલવાયા વડીલો-વૃદ્ધોના જીવનમાં ઉત્સાહ-ઉમંગનો કેવો પ્રકાશ ફેલાવી શકે છે તે જાણવું-સમજવું હોય તો મળો આપણા જ સમાજના દીપેન અને મિતેનના માતા-પિતા શશીભાઇ અને પલ્લુબહેન પટેલને. ટ્વીકનહામમાં છેલ્લા 40 વર્ષથી મીત એન્ડ દીપ ન્યૂઝ નામથી ન્યૂઝએજન્ટ તરીકે કાર્યરત આ પટેલ દંપતી દર ક્રિસમસે તેમની શોપના દરવાજા સહુ કોઇ માટે ખુલ્લા મૂકી દે છે. આ વિસ્તારમાં વસ્તી કોઇ પણ એકલવાયી વ્યક્તિ અહીં આવીને ક્રિસમસ સેલિબ્રેશનમાં જોડાઇ શકે છે.
પટેલ દંપતી આ પ્રસંગે કેરોલ ગીતસંગીતની સાથેસાથે લોકોને સ્વાદિષ્ટ ભોજન જમાડે છે અને લોકોને એકમેકને હળવામળવાનો અવસર પૂરો પાડે છે. એક વખત એવું બન્યું કે કોઇ સ્વાસ્થ્યના કારણસર શોપ પર આવી ન શક્યું તો દંપતીએ ફેસબુક પર લાઇવ ગેમ શો શરૂ કર્યો જેથી સહુ કોઇ તેમાં જોડાઇને મજા માણી શકે. કહેવાની જરૂર ખરી કે દર વર્ષે સેંકડો લોકો મીત એન્ડ દીપ ન્યૂઝમાં ઉમટે છે? આટલું જ નહીં, પટેલ દંપતી દ્વારા વર્ષ દરમિયાન પણ વિવિધ કોમ્યુનિટી પ્રોજેક્ટ અને ફંડરેઇઝીંગ કાર્યક્રમ ચાલતા રહે છે. આ પ્રશંસનીય સેવાપ્રવૃત્તિને પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક પોઇન્ટ ઓફ લાઇટ એવોર્ડ દ્વારા સન્માનિત કરી ચૂક્યા છે.
આ વર્ષે ક્રિસમસ પર આવા જ બીજા સેવાકીય આયોજનોની વાત કરીએ તો, શીખ સમુદાય દ્વારા બર્મિંગહામમાં મેઇન સ્ટેશન પર મોટા ભોજન સમારંભનું આયોજન કરાયું છે. યંગ ઇંડિયન વેજિટેરિયન સોસાયટી પણ વર્ષોથી આવા જ સત્કાર્ય કરતી રહી છે. આપણા મંદિરો અને વિવિધ સામાજિક સંસ્થાઓ પણ એક યા બીજા સ્થળે આવું સત્કાર્ય અવશ્ય કરતી હશે, પરંતુ મને લાગે છે આપણે આ મામલે વધુ સક્રિય થવાની જરૂર છે. મને ખ્યાલ છે ત્યાં સુધી ખ્રિસ્તી અને મુસ્લિમ સમાજ આ ક્ષેત્રે વધુ સક્રિય જોવા મળે છે. તેઓ આવા એકલાઅટૂલા વડીલો-વૃદ્ધોને સેવા - સાંત્વના અને સધિયારો આપવા તેમજ શક્ય તેટલા સહાયરૂપ બનવા માટે વધુ પ્રવૃત્ત જોવા મળે છે.
વાચક મિત્રો, વડીલો-વૃદ્ધોની એકલતાને નાથવા સંસ્થાઓ-સંગઠનો તો તેમની રીતે કામ કરી રહ્યા છે અને કરતા રહેશે, પરંતુ આ સમસ્યાને નાથવા વ્યક્તિગત ધોરણે - પારિવારિક સ્તરે વિશેષ પ્રયાસ જરૂરી હોવાનું મારું માનવું છે. સાચું કહું તો આપણાં વડીલો-વૃદ્ધોને ‘પોતીકાપણા’ની ભાવનાનો અનુભવ કરાવવા માટે વિશેષ કંઇ કરવાની જરૂર નથી. દિવસ દરમિયાન બસ, એક સ્માઇલ, કેમ છો? કે શું કરો છો? જેવો એક નાનો સવાલ, પ્રેમાળ હાય-હેલો, નાની-નાની વાતોમાં તેમની સામેલગીરી અને એક ઉષ્માભર્યું આલિંગન આ વડીલોના જીવનમાં સંજીવનીનું કામ કરી શકે છે.
આવો, આપણે સહુ સાથે મળીને આ ક્રિસમસ પર્વે એકલતાના અંધારામાં જીવતા વડીલો-વૃદ્ધોના જીવનમાં ખુશીની રોશની ફેલાવીએ - આનંદનું સંગીત રેલાવીએ.
•••
દેવના દીધેલા વિદ્વાન - દાનેશ્વરી પ્રો. લોર્ડ ભીખુભાઇ પારેખ
આજના કહેવાતા ‘આધુનિક યુગના’ દંપતીઓમાં - એક યા બીજા કારણસર - સ્વેચ્છાએ નિઃસંતાન રહેવાનું ચલણ વધી રહ્યું છે, પણ થોડાક દસકાઓ પૂર્વે આવું નહોતું. દંપતીના વૈવાહિક જીવનનો આરંભ થાય કે થોડા અરસા બાદ ‘વહુના સારા દિવસો’ની રાહ જોવાનું શરૂ થઇ જાય. આમાં વધુ પડતો વિલંબ થાય એટલે સંતાનના જન્મ માટે બાધાઆખડી રખાય, વૈદ્યરાજ ઓસડિયા ખવડાવે ને સાધુસંત સંતતિ ભવઃના આશીર્વચન સાથે ભસ્મ-પ્રસાદ આપે. તે વેળા આજના જેવી આધુનિક આઇવીએફ ટ્રીટમેન્ટ ક્યાં ઉપલબ્ધ હતી?
સમય સાથે પ્રવાહ ભલે બદલાયો, પણ સ્ત્રીમાત્રને માતૃત્વની ઝંખના હોય છે તે વાત ભાગ્યે જ કોઇ નકારી શકશે. ખેર, લાંબો સમય રાહ જોયા બાદ પરિવારમાં સંતાનનું આગમન થાય ત્યારે દીકરો હોય તો તેને ભીખુ, મફતલાલ, જૂઠાલાલ કે એવા નામ અપાતા હોય છે. બાળકનું નામ ભલેને કંઇપણ હોય, પરિવારમાં તેના માનપાન-લાડકોડ બહુ હોય છે. કેમ કે આવા બાળકો ‘દેવનાં દીધેલાં’ મનાય છે. માત્ર ભારતમાં જ નહીં, આફ્રિકામાં પણ મેં આવું જોયું છે. હા, બ્રિટનમાં આવું જોવા મળતું નથી.
અમલસાડમાં વસતાં પારેખ દંપતીને ત્યાં પણ કંઇક આવું જ બન્યું. લગ્નજીવનના વર્ષો બાદ પુત્રની પા પા પગલી થઇ અને નામ અપાયું ભીખુ. આ ભીખુ એટલે આપણા સમાજરત્ન પ્રો. લોર્ડ ભીખુભાઇ પારેખ. તે વેળા અમલસાડ ગામ નાનકડું, પણ ભણવામાં હોંશિયાર ભીખુભાઇ આપબળે આગળ વધ્યા. માત્ર પોતે જ નહીં, ભાઇઓને પણ ઉચ્ચ શિક્ષણ માટે પ્રેર્યા. અમલસાડથી નીકળીને ભીખુભાઇ કેનેડા પહોંચ્યા, અને ત્યાંથી બ્રિટન આવ્યા. પ્રોફેસર બન્યા, લોર્ડ બન્યા ને આજે હાઉસ ઓફ લોર્ડ્સમાં પારેખ સાહેબની વિદ્વતાના સિક્કા પડે છે એમ કહો તો ખોટું નથી. ભીખુભાઇની ઉંમર આશરે નેવું વર્ષ, પણ આજેય હાઉસ ઓફ લોર્ડ્સમાં નિયમિત હાજરી આપે.
લંડનથી સાઠેક માઇલ દૂર વસે છે, એટલે ટ્રેન અને ટેક્સીમાં આવવું-જવું પડે. હવે વોકિંગ સ્ટીકનો સહારો લેવો પડે છે, પરંતુ કોઇ જાતની ફરિયાદ વગર જીવનની મજા માણે છે. તેમની વિદ્વતા અને જ્ઞાનનો સહુને લાભ આપે છે. મોટા ગજાના વિદ્વાનોનું આ જ તો આગવું લક્ષણ છે ને...
આપ સહુએ ગયા સપ્તાહે ‘ગુજરાત સમાચાર’માં પાન-18 ઉપર પ્રકાશિત થયેલો પારેખ પરિવારના પ્રશંસનીય અનુદાન વિશેનો લેખ વાંચ્યો હશે. સમાજની જરૂરતમંદ સંસ્થાઓને સહારૂપ બનવાના ઉમદા ઉદ્દેશ સાથે ભીખુભાઇએ તેમના ભાઇ ચંદ્રકાન્ત સાથે મળીને નિર્માણ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે અને અત્યાર સુધીમાં તેઓ વિવિધ સંસ્થાઓને રૂ. 10 કરોડ કરતાં વધુની સખાવત કરી ચૂક્યા છે. અને આ સેવાયજ્ઞ હજુ ચાલુ જ છે.
મિત્રો, એક જમાનામાં લોકો શિક્ષકને પંતુજી કહેતા. શિક્ષક વિદ્યાદાન આપી શકે, સમયદાન આપી શકે, સમાજને દિશાસૂચન કરી શકે - આ બધી સેવા ભીખુભાઇ આપી ચૂક્યા છે, અને આપી રહ્યા છે. આજે દુનિયામાં પોલિટિકલ ફિલોસોફી (રાજકીય તત્વજ્ઞાન)ના વિદ્વાનો આંગળીના વેઢે ગણાય તેટલા છે, અને તેમાંના એક છે આપણા પ્રો. લોર્ડ ભીખુભાઇ પારેખ. તેમણે સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે અને સેંકડો પ્રવચન આપી ચૂક્યા છે. આપણા ‘સમાજરત્ન’ એવા ભીખુભાઇના યોગદાનને અને તેમના માતાપિતાને સાદર વંદન... (ક્રમશઃ)


