‘મા મને કાઢ’ઃ બ્રિટિશ રાજકારણની અવદશા

જીવંત પંથ

સી. બી. પટેલ Thursday 17th January 2019 07:23 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટિશ પાર્લામેન્ટમાં મંગળવારે બ્રેક્ઝિટ અંગેના વડા પ્રધાન થેરેસા મે સરકારના પ્રસ્તાવને ઐતિહાસિક પરાજય સાંપડ્યો. એક સગર્ભા મહિલા સાંસદને વ્હીલચેરમાં બેસીને મતદાનમાં હાજરી આપવી પડે તેવી મજબૂરી પાર્લામેન્ટ માટે શરમજનક ઘટના ગણી શકાય. પરાજયના સમાચાર ચોંકાવનારા હોવા છતાં આશ્ચર્યજનક તો નથી જ. મતદાનના થોડાક કલાકો અગાઉ જ કેબિનેટ સભ્યોમાં આ અંગે ભારે વાદવિવાદ સર્જાયો હતો. હવે આજે - બુધવારે - મે સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પર નિર્ણય લેવાઇ રહ્યો છે.
ટોરી યુરોસ્કેપ્ટિસનું યુરોપિયન રિસર્ચ ગ્રૂપ (ERG) મંગળવારે સરકાર સામે ઉભું હતું. જોકે બુધવારના મતદાન સંદર્ભે ERG તેમજ નોર્ધર્ન આયર્લેન્ડના ડીયુપી પક્ષે અગાઉ જ ઘોષણા કરી દીધી છે કે તેઓ વિરોધ પક્ષ (લેબર પાર્ટી)ના અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન ન આપતાં સરકારના પક્ષે મતદાન કરશે. આમ અત્યારની ઘડીએ તો એવું રાજકીય ચિત્ર ઉપસે છે કે મંગળવારે જે ૧૧૬ મત સરકારની વિરુદ્ધમાં પડ્યા હતા તે બુધવારે ટોરી સરકારના સમર્થનમાં પડતાં મેડમ મેની સરકાર હાલ પૂરતી સલામત છે.
હવે આગામી દિવસોમાં થેરેસા મે સરકારને બ્રેક્ઝિટ અંગે નવા વિકલ્પો સહિત દરખાસ્તો પાર્લામેન્ટમાં રજૂ કરવી પડશે. ટોરી પક્ષના યુરોસ્કેપ્ટિસ જૂથનું માનવું છે કે બ્રિટનના સત્તાધારી પક્ષમાં મંગળવારે થયેલા ખળભળાટ બાદ બ્રેક્ઝિટ કલમોમાં કેટલીક છૂટછાટ આપવાની યુરોપિયન યુનિયનના માંધાતાઓને ફરજ પડશે અથવા તો ઉભય પક્ષના હિતોના જતન માટે બાંધછોડ કરવાનું આવશ્યક બનશે. જોકે હકીકત તો એ છે કે યુરોસ્કેપ્ટિસનો આ ભ્રમ છે. આમ થવું અતિ વિકટ જણાય છે. આજે - બુધવારે - આ લખાઇ રહ્યું છે ત્યારે મળતા અહેવાલ અનુસાર હાલ તો સરકાર ટકી જશે તેમ સ્પષ્ટ જણાય છે કેમ કે સત્તાનો સિમેન્ટ ખૂબ મજબૂત હોય છે. કન્ઝર્વેટિવ (ટોરી) પક્ષના ૧૦૬ જેટલા યુરોસ્કેપ્ટિક્સ સાંસદોની તકલીફ એ છે કે તેઓ આજે પણ બ્રિટન વૈશ્વિક મહાસત્તા હોવાના દિવાસ્વપ્નોમાં રાચી રહ્યા છે.
ભ્રમ ૧ઃ બ્રિટન અગાઉ વૈશ્વિક મહાસત્તા હતું જેનો અંત આવ્યો બીજા વિશ્વયુદ્ધ સાથે જ. તે મહાયુદ્ધમાં બ્રિટનનો વિજય મિત્ર રાષ્ટ્રોની મદદને આભારી પણ હતો. અમેરિકાએ માનવધન અને શસ્ત્રસરંજામ ઉપરાંત અઢળક આર્થિક મદદ કરી હતી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કેનેડા, સાઉથ આફ્રિકા, ન્યૂઝિલેન્ડ તેમજ સવિશેષ ભારત તથા આફ્રિકાની લશ્કરી કુમક સામ્રાજ્યવાદની ભેટ હતી. ૧૯૪૭માં બ્રિટિશ સામ્રાજ્યનો વિધવત્ અંત આવ્યો.
ભ્રમ ૨ઃ યુરોસ્કેપ્ટિસ જૂથના માંધાતાઓ સૂચવે છે કે અમેરિકી શાસકો સાથેના સંબંધોને વધુ ગાઢ કરવા માટે બ્રિટને સંરક્ષણ બજેટ માટે વધુ નાણાં ફાળવવા જોઇએ. પરંતુ રાજકારણના આ અઠંગ ખેલાડીઓ એ વાત ભૂલી જાય છે કે દેવું કરીને દાન ન થાય. સંરક્ષણ ક્ષેત્રે અમેરિકા (૭૦૦ બિલિયન), ચીન (૪૫૦ બિલિયન), રશિયા (૭૦ બિલિયન), ભારત (૪૫ બિલિયન) જંગી ફાળવણી કરી રહ્યા હોય તેમજ આયાત-નિકાસમાં, સરકારી તિજોરીની ભારે ખાધ મામલે બ્રિટનની હાલત સારી નથી. કેટલાક ભાન ભૂલેલા નેતાઓનો આ ભ્રમ કઇ રીતે દૂર કરવો એ સવાલ છે. વળી, બ્રિટન ‘નાટો’નું સભ્ય તો છે જ. આમ સંરક્ષણ ક્ષેત્રે ચિંતા નિરર્થક છે.
આ નેતાઓએ યાદ રાખવુ રહ્યું કે કોઇ પણ રાષ્ટ્રે આંતરરાષ્ટ્રીય તખ્તે સન્માનિત સ્થાન મેળવવું હોય તો મજબૂત અર્થતંત્ર, સામાજિક એકસૂત્રતા, રાષ્ટ્રની સંગઠિતતા અને આંતરિક શાંતિ આવશ્યક પરિબળો ગણાય છે. અને આ મામલે બ્રિટન જોરદાર નથી એવું કહેવામાં લગારેય સંકોચ નથી.
ભ્રમ ૩ઃ યુરોપિયન યુનિયન - બ્રિટન વચ્ચે અન્યોન્ય આધારિત સંબંધોનું મજબૂત સમીકરણ રચાયેલું છે. યુરોસ્કેપ્ટિક જૂથને આ સમીકરણની કંઇ ગતામગમ હોય તેવું જણાતું નથી. ૨૮ દેશોના સમૂહમાંથી બ્રિટન અલગ થઇ જાય તો એકલવાયા બ્રિટનનું આર્થિક જોર ૯૨ ટકા જેટલું ઘટી જાય. મતલબ કે ઇયુ સંગઠનની સંયુક્ત આર્થિક તાકાતને - માથાદીઠ વસ્તીના આધારે મૂલવવામાં આવે તો - બ્રિટનનું યોગદાન માત્ર ૮ ટકા છે. ટૂંકમાં, સંગ સંગ ભેરૂ તો સર થાય મેરુ કહેવત યુરોપિયન યુનિયનને એકદમ લાગુ પડે છે. બેન્ડવાજાં એક સાથે અને તાલબદ્ધ વાગે ત્યારે જ કર્ણપ્રિય સંગીતનું સર્જન થતું હોય છે. આમાંથી એકાદું વાજિંત્ર ઓછું થાય તો બેન્ડવાજાંના સૂર-તાલને તો ખાસ ફરક પડતો નથી, પણ એકાદું વાજિંત્ર એકલું વાગે છે ત્યારે જરૂર બેન્ડવાજાંના અન્ય સાધનોની ગેરહાજરી વર્તાઇ આવે છે.
બુધવાર બાદ ટોરી પક્ષમાં સર્વોચ્ચ સ્થાન માટે ઘણી ખેંચતાણ થાય તેવી પૂરી સંભાવના છે. કેટલાક લોકો થેરેસા મેનું વડા પ્રધાનપદ છીનવી લેવાની પેરવી કરી રહ્યા છે. પરંતુ જો આવું થયું તો વિકલ્પો ક્યા છે? અત્યારે તો આઠ નામ નજર સમક્ષ તરવરી રહ્યા છે. આમાંથી ટોચના બે નામોની આપણે જરા વિગતે વાત કરીએ.
બોરીસ જ્હોન્સનઃ દેશનું સુકાન સંભાળવાની તીવ્ર ઇચ્છા એકથી વધુ વખત જાહેરમાં વ્યક્ત કરી ચૂક્યા છે. ટોરી પક્ષના કેટલાક સભ્યોનું મજબૂત સમર્થન પણ છે. તેમને ૬/૧ - મતલબ કે દર છ વ્યક્તિએ એકનું - સમર્થન હોવાનું જણાય છે, પરંતુ ખાટલે મોટી ખોડ છે ખરડાયેલું અંગત જીવન. તેમના માથે અંગત જીવનના લફરાંનો મોટો બોજો છે. તાજેતરમાં તે બીજી પત્નીથી અલગ થયા છે અને હવે ૫૪ વર્ષના આ નેતાનું ૩૦ વર્ષની ફુટડી યુવતી કેરી સાયમંડ્સ સાથેનું ઇલુ ઇલુ જાહેરમાં આવ્યું છે.
સાજિદ જાવિદઃ બોરીસ જ્હોન્સનને જેટલું સમર્થન મળી રહ્યું છે તેટલું જ ૬/૧ સમર્થન આપણા સાજિદ જાવિદને મળી રહ્યું છે. તેમણે હોમ સેક્રેટરી તરીકે નાજુક તબક્કે પદ સંભાળ્યું અને એકંદરે તેમની કામગીરી સફળ નીવડતી જણાય છે. ગોરી પત્ની અને ચાર સંતાનો સાથેનું સહજીવન આદર્શ લેખાય છે. મુસ્લિમ હોવા છતાં તેઓ ધર્માંધતામાં લગારેય પરોવાયેલા નથી. હા, ઘઉંવર્ણા હોવાનો અને પાકિસ્તાની મુસ્લિમ પરિવારમાં જન્મનો મુદ્દો અમુક અંશે કેટલાક લોકો માટે અસ્વીકાર્ય બની શકે છે. અન્ય નામોમાં ડોમિનક રાબ (૮/૧), જેરેમી હન્ટ (૮/૧), માઇકલ ગોવ (૧૨/૧), જેકબ રિસ-મોગ (૧૬/૧)નો સમાવેશ થાય છે.
યુરોસ્કેપ્ટિસ રિસર્ચ ગ્રૂપના ચેરમેન જેકબ રિસ-મોગના સદ્ગત પિતાશ્રી વિલિયમ રિસ-મોગ જગવિખ્યાત ‘ટાઇમ્સ’ દૈનિકના માનવંતા તંત્રી હતા. તેમની સાથે મારા સારા સંબંધો હતા અને હરેકૃષ્ણ મંદિર બચાવો આંદોલન વેળા આપણા સમાજની કેફિયત જાણી-સમજીને ભરપૂર સમર્થન આપ્યું હતું. તેમણે અડધું પાન ભરીને એક વિગતવાર લેખ પ્રકાશિત કરી હરેકૃષ્ણ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેવું જ જોઇએ તેવી ભારપૂર્વક રજૂઆત કરી હતી. ભારતીય સમાજના આવા શુભચિંતક વિલિયમનો પુત્ર જેકબ ફાઇનાન્સિયલ સર્વીસીસના ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે અને અઢળક સંપત્તિમાં આળોટે છે. અમુક પ્રમાણમાં ટોરી સભ્યોનું સમર્થન પણ ધરાવે છે, પરંતુ જેકબ ખુદ સ્વીકારે છે કે સરકારનું સુકાન સંભાળવા માટે તે પોતાની જાતને યોગ્ય માનતા નથી.

ઇમિગ્રેશન

શ્યામરંગી ગમે નહીં અને તેના વિના ચાલે નહીં... કેટલાક પ્રજાજનોની કંઇક આવી જ મનોદશા રાજકીય પક્ષોને - સવિશેષ ટોરી પક્ષને - સતત સતાવતી રહી છે. ૧૯૬૨ સુધી કોમનવેલ્થના બધા જ દેશોના નાગરિકોને બ્રિટનમાં આવવાનો અને સ્થાયી થવાનો અધિકાર હતો. અને એ કંઇ દાન-દક્ષિણા નહોતી. બ્રિટન સંસ્થાનો (કોલોનીએ) એનાયત કરેલા આર્થિક સાધનો તેમજ સંરક્ષણ બાબતમાં હજારો-લાખોએ વહોરેલી શહિદીના કારણે આ યોગ્યતા પ્રાપ્ત કરી હતી. જોકે આપ સહુ જાણો છો તેમ ૧૯૬૨માં કોમનવેલ્થ ઇમિગ્રેશન એક્ટ આવ્યો. આ પછી છેક ૧૯૮૪ સુધી બ્રિટિશ ઇમિગ્રેશન એક્ટ અને બ્રિટિશ નેશનાલિટી એક્ટના માધ્યમથી બિનગૌર ઇમિગ્રન્ટ્સ બાબતમાં થાય એટલી ખટપટ કે ખલેલ ટોરી અને લેબર પક્ષોની સરકારોએ કરી છે તે હકીકત છે.
૨૦૧૦માં ચૂંટણી વેળા વડા પ્રધાન ડેવિડ કેમરન ‘દેશમાં નવા આગંતુકોના આગમન પર જડબેસલાક નિયંત્રણ લાદવામાં આવશે’ તેવી ઘોષણા તો જોશભેર કરી બેઠા હતા, પરંતુ પછી તેના અમલમાં ફાંફા પડી ગયા હતા. બ્રિટિશ વેપાર-ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ, નેશનલ હેલ્થ સર્વીસ (NHS) સહિતના વિવિધ ક્ષેત્રો માટે નિષ્ણાતોથી માંડીને કર્મચારીઓ અને કામદાર વર્ગમાં આવનારાનો ધસારો ગયા વર્ષ સુધી વધતો રહ્યો તે હકીકત છે. છેલ્લા એક વર્ષમાં હવે ઇમિગ્રન્ટો બહુ ઓછા આવે છે તેથી વેપારી મહામંડળો અને રોકાણકારો ચિંતિત છે. હાર્ડ બ્રેક્ઝિટ કે સોફ્ટ બ્રેક્ઝિટ એ બધાના અંતે બ્રિટનનું અર્થતંત્ર પાછળ પડી જશે એમ સરકાર બેન્ક ઓફ ઈંગ્લેન્ડ, વેપારી મહામંડળો જાહેરમાં સ્વિકારતા હોવા છતાં આ વળગણથી કેમ છૂટવું એ મોટી સમસ્યા છે.
અઢી વર્ષ પૂર્વે ઇયુમાંથી વિખૂટા પડવાના મામલે રેફરન્ડમ લેવાયું તે વેળા લિવ કેમ્પેઇન કરનારાઓએ લોકોના મનમાં ભૂસું ભરીને ઇમિગ્રેશનનો હાઉ ઉભો કરવામાં કોઇ કચાશ છોડી નહોતી. જેઓ ટોરી પક્ષના નેતા બનવા માટે આશાવંત છે તેમના ગળે આનો ઘંટ બંધાઇ ગયો છે. એ જોતાં ટોરી પક્ષને ઇમિગ્રન્ટ્સ બાબત હંમેશા અવઢવ રહેવાની છે અને એ તેમના જ ભૂતકાળના પાપનું પરિણામ છે. લેબર પક્ષ પણ આ બાબતે કંઇ દુધે ધોયેલો નથી. તેણેય ઇમિગ્રેશન મામલે ભ્રમ ફેલાવવાનું જ કામ કર્યું છે. જ્યારે સમાજ કે નેતા પાયાના સત્ય આધારિત પરિમાણોનો સ્વીકાર કરવાના બદલે દિવાસ્વપ્નમાં રાચવા લાગે છે ત્યારે તે વધુ સ્વસ્થ કે શક્તિશાળી બનવામાં નિષ્ફળ જાય છે. આ અને આવી પળોજણ અત્યારના બ્રિટિશ રાજકારણની અવદશાની કમનસીબી છે. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter