‘શબ્દવેદ’ સદા સુખાકારી

સી. બી. પટેલ Tuesday 07th June 2016 13:31 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સમા આત્મીયજનોને મારા આરોગ્યની તડકીછાંયડી હું જણાવતો રહું છું. બિચારા બનવા માટે નહીં, પણ મારી સમસ્યા કદાચ કોઇને પોતાની તકલીફના નિવારણમાં ઉપયોગી બની શકે તેવો શુભ આશય તો ખરો જ. રવિવાર, ૨૯ મેના રોજ મોડી બપોરે એક જાહેર કાર્યક્રમમાં ભોજન લીધું. ખોટા સમયે (ભોજનનો નિયત સમય કોરાણે મૂકીને) સ્વાદિષ્ટ ભોજન કદાચ દબાવીને ઝાપટ્યું હશે. મોડી રાત્રે અને બીજા દિવસે બેન્ક હોલીડેના રોજ મારી હોજરી અને પેટના અવયવોએ પણ જાણે આરામ ફરમાવ્યો. મંગળવારે ભારે ડાયેરિયા થઇ ગયા. આ તકલીફ એવી છે જેમાં તન-મન બેચેન પણ બને, અને અશક્તિ પણ વર્તાય. લગભગ પાંચેક દિવસ આ કમઠાણ ચાલ્યું.
મારા સતત સન્મિત્ર રહેલા મનુભાઇ ઠક્કર દવાખાનામાં દાખલ થયા હોવાનો સંદેશ મળ્યો. બીજા દિવસે ટેક્સીમાં જવા નીકળ્યા. દુકાળમાં અધિક માસ જેવું થયું. ટેક્સીમાં પેટ્રોલ ખલાસ થઇ ગયું. ટ્રાફિક કહે મારું કામ. લાગ્યું દવાખાને પહોંચવું મુશ્કેલ છે. વિષાદ સાથે ઘરે પાછા આવી ગયા. શુક્રવારે મનુભાઇએ ચીરવિદાય લીધી.
એક સામાન્ય છતાં અસામાન્ય ગણાય એવા તે મારા મિત્ર મનુભાઇ. ચરોતરમાં સોજીત્રા પાસે આવેલા ડભોઉના મૂળ વતની. ટાંગાનિકા - ટાંઝાનિયા તેમની કર્મભૂમિ. ૨૯ મે, ૧૯૬૦ના રોજ હું વતનથી દારે સલામ પહોંચ્યો. વડોદરામાં અમારો પરિવાર આર્થિક સંકડામણ સહન કરતો હતો. આફ્રિકાથી વતનની મુલાકાતે આવતા લોકોને ભરપૂર નાણા વાપરતા જોઇને મને એમ કે સાચે જ ત્યાં ઝાડ પર સોનાની મહોર લટકતી હશે. લાવને હું પણ જઇને થોડીક તોડી આવું. ઝાંઝવાના જળની વાત તો તમે જાણતા જ હશે. ખેર, આફ્રિકા પહોંચ્યો.
યોગાનુયોગ પોલીસમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એએસપી)ની વેકેન્સીની જાહેરખબર વાંચી. અરજી કરી. ઇન્ટરવ્યુ થયો. એપોઇન્ટમેન્ટ લેટર પણ મળી ગયો. તેમાં સુચના હતી કે ફેબ્રુઆરી-માર્ચ ૧૯૬૧ના ગાળામાં તમારે લંડન જઇને ત્યાંના હેન્ડન પોલીસ ટ્રેઈનિંગ કોલેજમાં એક વર્ષ તાલીમ લેવાની છે. તાલીમ સફળતાપૂર્વક પૂરી કર્યે તમારી નિમણૂક પાકી થશે. પગારધોરણ સારું હતું એટલે આશા જાગી કે હવે તો સહુ સારાવાના થઇ રહેશે. આ વાત છે જુલાઇ ૧૯૬૦ની. જોકે અચાનક રાજકીય માહોલ બદલાયો. અને મારો સમય પણ.
તે સમયે ટાંગાનિકા બ્રિટન આશ્રિત રાજ્ય હતું. લંડનથી બ્રિટિશ સરકારે ઘોષણા કરી કે ટાંગાનિકાને તાકીદના ધોરણે અર્ધ-સ્વાતંત્ર્ય આપવામાં આવી રહ્યું છે. નવા ગૃહ પ્રધાન જ્યોર્જ કહામાએ જાહેર કર્યું કે હવે પછી લશ્કર અને પોલીસ તંત્રમાં માત્ર આફ્રિકન નાગરિકોની જ ભરતી થશે. ખુશીના સ્થાને ચિંતાના વાદળો છવાયા. બંદાની આશાની નાવ કિનારે આવીને ડૂબવા લાગી.
બસ, એ જ અરસામાં મને મનુભાઇ ઠક્કર મળ્યા. ઇસ્ટ આફ્રિકન કસ્ટમ્સ એન્ડ એક્સાઇઝમાં તેઓ કોરસપોન્ડન્સ સેક્શનમાં સારા હોદ્દે હતા. ઊંચો શારીરિક બાંધો, લોહાણાની આગવી ઓળખ જેવો ઘેઘૂર અને મીઠો મધુર અવાજ, સુંદર અંગ્રેજી-હિન્દી ગીતો ગાઇ શકે. ઠઠ્ઠા-મશ્કરી તો સતત ચાલુ જ હોય. તેમણે મારો મૂડ બદલી નાખ્યો. તેમનું એક જીવનસૂત્ર હતુંઃ (ચિંતાના) આ દિવસો પણ વહી જશે. તેમની સાથે મારી મિત્રતા જામી. લગભગ સમવયસ્ક અને જીવનમાં અનેક તડકીછાંયડી જોવાના સમાન અનુભવે અમને એકમેકની નજદીક આણ્યા હતા.
૧૯૬૬ના જુલાઇમાં તેઓ લંડન આવી વસ્યા. ખાનગી કંપનીના એકાઉન્ટ્સ વિભાગમાં તેમને નોકરી મળી ગઇ. આ બાજુ મારું નસીબ કરવટ બદલી રહ્યું હતું. ૧૯૬૦થી હું પણ કસ્ટમ ખાતામાં કામ કરતો હતો. ૧૯૬૫માં સરકારે એક યોજના જાહેર કરી. જે અનુસાર, યોજનામાં જોડાનાર સરકારી કર્મચારીએ તેના હાથ નીચેના આફ્રિકન કર્મચારીને તાલીમ આપીને પોતાનું કામ કરવા માટે સજ્જ કરવાનો હતો. તમારા હાથ નીચેનો આફ્રિકન કર્મચારી સંતોષજનક રીતે ટ્રેઇન થઇ જાય એટલે તમારી જોબ સુપરસીડ કરવામાં આવે. મતલબ કે તમને સરકારી ખાતામાંથી - તમામ લાભો સાથે - છૂટા કરવામાં આવે. બદલામાં બક્ષિસ પેટે તમને છ મહિનાનો પગાર મળે. તમને નિવૃત્તિ વેળા જે પેન્શન મળવાનું હોય તેમાં ૨૫ ટકાનો વધારો મળે જેવા લાભો મળવાના હતા.
યોજના મરજીયાત હતી, ફરજીયાત નહીં. ઇસ્ટ આફ્રિકન કસ્ટમ્સ એન્ડ એક્સાઇઝ ટાંગાન્યિકામાંથી માત્ર મેં જ ઓફર સ્વીકારી હતી. મારા હાથ નીચે એક ભાઇ ઝુબેરી હમાડી લેસ્સો હતા. મૂળ બાગામોયોના. મારી જવાબદારી - કાર્યભાર સંભાળવા સક્ષમ હતા. એક વર્ષમાં તે તૈયાર થઇ ગયા એટલે ઉપરી અધિકારીને - ૧૯૬૬ની પ્રારંભે - જણાવ્યું કે ઝુબેરી મારા કાર્યભારની જવાબદારી સંભાળવા સંપૂર્ણ સજ્જ છે. સરકારે મને સુપરસેશન આપ્યું. સાદા શબ્દોમાં કહું તો સરકારે શરત અનુસાર તમામ લાભ સાથે મને ફરજમુક્ત કર્યો. તે સમયે મારી ઉંમર ૨૯ વર્ષ.
જોકે તે સમયે છેલ્લા ચારેક વર્ષથી લંડન યુનિવર્સિટી અને લિન્કસ ઇનમાં એક્સર્ટનલ વિદ્યાર્થી તરીકે મારો અભ્યાસ ચાલુ જ હતો. હાથમાં આ નોટીસ આવતાં જ મેં નક્કી કર્યું કે બસ, હવે તો બિસ્તરાં-પોટલાં લઇને બ્રિટનમાં જ ધામા નાંખવા છે.
શાળાજીવનના એક મિત્ર તે દિવસોમાં સપરિવાર લંડનમાં વસતા હતા, અને લગભગ ઠરીઠામ થઇ ગયા હતા. તેમને પત્ર પાઠવ્યો કે મારો બ્રિટનમાં સ્થાયી થવા વિચાર છે શું કરવું? શું ન કરવું? ગતાગમ સૂઝાડો. તમે કંઇ મદદ કરી શકો એમ હો તો એ પણ જણાવશો. હું તમારો બહુ આભારી થઇશ... વગેરે વગેરે. પે’લા ભલા મિત્રે મારા આશા-અરમાનો પર ઠંડુ પાણી ફેરવી દે તેવો પ્રતિભાવ પાઠવ્યોઃ અરે ભાઇ, અહીં શું કરવા આવો છો? ભારત જતાં રહો. અહીં કરતાં ત્યાં વધુ સુખી થશો. અહીં કોઇ ભવિષ્ય નથી... એવી બધી વાતો કરી હતી.
મારી પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો. ભારત પણ પાછો ફરી શકું તેમ હતો, પણ વિચાર્યું કે અભ્યાસ તો બ્રિટનમાં જ પૂરો કરું. મનુભાઇને પત્ર લખ્યો. એ સમયે તેઓ લંડનમાં હતા. તેમનો પ્રતિભાવ હતોઃ તમતમારે હાલ્યા આવો... હું બેઠો છુંને. હું અને રસિકભાઇ ઉજમશીભાઇ લવિંગીયા એક રૂમમાં બે ખાટલા નાખીને રહીએ છીએ. તમે આવશો તો ત્રીજો ખાટલો મૂકશું. દરેકને એકમેકના સંગાથનો લાભ થશે.
બંદાએ બિસ્તરાં-પોટલાં બાંધ્યા. ૧૮ નવેમ્બર, ૧૯૬૬ના રોજ સાંજે દારે સલામમાં શંકર ભગવાનના મંદિરે માથું નમાવીને એરપોર્ટ જવા રવાના થઇ ગયો. લંડન ફ્લાઇટ લેન્ડ થઇ અને વહેલી સવારે ૫.૨૫ વાગ્યે એરપોર્ટમાંથી બહાર નીકળ્યો ત્યારે શહેર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયું હતું. કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. એરપોર્ટમાંથી બહાર નીકળીને કોચમાં બેસીને વિક્ટોરિયા ટર્મિનસ પહોંચ્યો.
રસિકભાઇ સાથે મનુભાઇ મને લેવા આવ્યા હતા. હા, બે મહિનામાં જ તેમણે ૬૦ પાઉન્ડમાં ઓસ્ટીન ઇ-૩૦ (જૂની ગાડી) ખરીદી લીધી હતી. જૂની તો જૂની પણ ગાડી તો ખરીને?! ઘરે ગયા. સામાન મૂકતા સૂચના આપી. બે કલાક આરામ કરી લો. પછી રસિકભાઇ સાથે કોલેજ જઇને એડમિશનની વિધિ પૂરી કરી લો. બપોરે ૩ વાગ્યે લિવરપૂલ સ્ટ્રીટની ફલાણી ઓફિસમાં તમારે ઇન્ટરવ્યુ આપવા જવાનું છે. કઇ જગ્યા માટે? તો કહેઃ બુકકીપીંગની જોબ માટે. મેં સ્પષ્ટતા કરી કે આ તો મને આવડતું જ નથી. તેમનો જવાબ હતોઃ મારે બધી વાતચીત થઇ ગઇ છે. તમારે એટલું જ કહેવાનું છે કે ઇસ્ટ આફ્રિકામાં આ જ કામ કરતો હતો. ઇન્ટરવ્યુમાંથી પાછા ફરતા સાંજે Teach Yourself Bookkeeping બુક લેતા આવજો. આજે શુક્રવાર છે એટલે સાંજના સમય મળશે. શનિ અને રવિવાર રજા હશે, તેમાં પણ શીખશું. સોમવારથી જોબ શરૂ કરવાની છે ત્યાં સુધીમાં આવડી જશે. ચિંતા કરવાની જરૂર નથી... આવા હતા મનુભાઇ. તે નોકરી સોમવારથી મેં શરૂ કરી.
કાળક્રમે મેં સિવિલ સર્વિસ જોઇન કરી. સાથે સાથે અભ્યાસ ચાલુ હતો. નસીબનો વધુ એક દરવાજો ખૂલ્યો.
સાંજના ફાજલ સમયે, રજાના દિવસોમાં મ્યુચ્યુઅલ ફંડ્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઇફ ઇન્સ્યોરન્સ પોલીસી વગેરે વેચવાનું માત્ર કમીશન ઉપર પાર્ટટાઇમ મળ્યું. સારું એવું કમિશન મળતું હતું. મને સમજાયું કે આમાં કમાણીની બહુ સારી તક છે. મેં સિવિલ સર્વિસ છોડી દીધી અને ફૂલ ટાઇમ આ કામે લાગી ગયો. અભ્યાસ પણ અધૂરો છોડવાનો નિર્ણય કર્યો. જાણે મારું તો નસીબ જ ઉઘડી ગયું. જોકે આ પહેલાં સરસ્વતી માતા સમક્ષ દીવડો પ્રગટાવીને તેમને વિધિવત્ વિનવણી પણ કરી હતી. માતાજી, અભ્યાસના અડધા રસ્તે તમારી આંગળી છોડી રહ્યો છું, પણ મારા સમય-સંજોગ તો તમે જાણો જ છો. લક્ષ્મીજી ઘરના ઊંબરે આવીને ઉભા છે તો પહેલાં તેમને વધાવી લઉં...
સમર્પિત હોઇએ ત્યારે દેવી-દેવતાના આશીર્વાદ પણ આપણને મળી જ રહેતા હોય છે. આ વાત મને પણ લાગુ પડે છે. લક્ષ્મી માતાએ ખૂબ કૃપા કરી. તે દરમિયાન ઇન્સ્યોરન્સ કંપનીમાં સુપરવાઇઝર બની ગયો. મનુભાઇ મારા જ ગ્રૂપમાં જોડાયા. ખૂબ પ્રગતિ સાધી. તેમણે સેંકડો ગ્રાહકો મેળવ્યા. નિવૃત્તિ બાદ સમય વીત્યે તેઓ વીલ (વસિયતનામું) બનાવી આપવાની સેવા કરતા હતા. પહેલેથી સેવાભાવી સ્વભાવના મનુભાઇના આ વ્યવસાયને સેવા જ કહેવો રહ્યો કેમ કે તેઓ આ કામ માટે બહુ મામૂલી ચાર્જ કરતા હતા. મનુભાઇ વયમાં મારાથી ૧ વર્ષ, ૧૧ મહિના અને ૨૫ દિવસ મોટા હતા.
મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે એમ આજે પણ મને એ વાતે સંતાપ છે કે તેમને મળવા દવાખાને પહોંચી ન શક્યો અને મોટા ગામતરે ઉપડી ગયા.
મનુભાઇ એક અંગ્રેજી ફિલ્મ ‘જમૈકા ફેરવેલ’નું ગીત બહુ જ સુંદર ગાતા હતા. ફિલ્મમાં આ ગીતને હેરી બેલફોન્ટે અવાજ આપ્યો છે. ઇરવિંગ બર્જી
(Irving Burgie)એ લખેલું આ ગીત સંભવ હોય તો સાંભળશો.
"Jamaica Farewell"
Down the way Where the nights are gay
મનુભાઇ એકઝાટકે ૫૬ વર્ષ જૂનો નાતો તોડીને જતા રહ્યા છે. તેમની આજે બહુ ખોટ વર્તાય છે. સંતોષ માટે કોઇ એવું કહી શકે કે ઇશ્વર ઇચ્છા બળવાન... આ ધરતી પર આવનારા દરેકે એક વખત તો ઇશ્વરશરણમાં જવાનું જ છે, પરંતુ હું કહીશ કે કોઇ સ્વજનની વિદાયની પીડા તો રામબાણ વાગ્યા હોય તે જ જાણે. હું ઇચ્છું કે મનુભાઇના જીવનમાંથી મારા જીવનમાં પણ કંઇક આત્મસાત થાય. દરેકને યથાયોગ્ય મદદરૂપ થવા સદા તત્પર રહેવું, સતત હસતા રહેવું, ખોટો ઉપદ્રવ ન કરવો કે હાયવોય ન કરવી, પોતાની ક્ષમતા-સજ્જતાને અનુરૂપ સદૈવ સેવારત રહેવું... એક માણસમાં કેટકેટલા ગુણ. થોડુંક પણ મારા જીવનમાં ઉતારી શકું તો કેવું સારું...
રવિવારે એક મુરબ્બી ગોવિંદભાઇની ૯૦મી વર્ષગાંઠ પ્રસંગે યોજાયેલી પાર્ટીમાં જવાનું હતું. શરીરને કષ્ટ ન પડે, ગાડી ફરી પાટે ચઢી જાય તેવા ઇરાદે (નાછૂટકે) આરામ જ કર્યો. પણ આ દરમિયાન એક પુસ્તક બુધવારથી હાથમાં આવી ગયું હતું. ‘શબ્દવેદઃ નરસિંહ મહેતાની સમગ્ર કવિતા’. સંકલનકર્તા છે ઉર્વીશ વસાવડા. પુસ્તકના પ્રકાશક છે મીડિયા પબ્લિકેશન. તેમની વેબસાઇટ છેઃ www.mediapublication.in
આ પુસ્તક લેસ્ટરમાં વસતા મારા વડીલ મિત્ર ચંદુભાઇ મટ્ટાણીએ ૨૦ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ સપ્રેમ ભેટ આપ્યું હતું. આ ફરજીયાત આરામના દિવસોમાં નરસિંહ મહેતાની સાથે મારે ઘણો વિચારવિનિમય થયો! આમાંની કેટલીક પંક્તિઓની પ્રસાદી આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.
‘નરસિંહ મહેતાના આત્મ કથાનકના પદ’ વિભાગની ૧૩મી કૃતિઃ
ઉધડકી, ઊઠિયા વેગે વિઠ્ઠલ હરિ,
‘ગરુડ ક્યાં? ગરુડ ક્યાં?’ વદત વાણી,
‘ચાલ ચતુરા!’ ચતુર્ભુજ ભણેઃ ‘ભામિની!
નેષ્ટ નાગરે મારી ગત ન જાણી.
આ જ વિભાગની ૭૮મી કૃતિમાં નરસૈંયો કહે છેઃ
આ જોને આહીરને આંગણે નરહરિ નાચે નિત્યે રે;
બ્રહ્માદિકને સ્વપ્ને નવ આવે તે હરિ આવે પ્રીત્યે રે.
આ પંક્તિઓ વાંચીને મને રાજકોટમાં રહેતા, અંગત સ્વજન સમાન, એક આહીર સજ્જન અને દેવીસમાન તેમના સન્નારીની બહુ યાદ આવી ગઇ.
‘ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યના પદ’ની કૃતિ નં ૬૫માં નરસિંહ મહેતા કહે છેઃ
જે ગમે જગતગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
 ઊગરે એ જ ઉદ્વેગ ધરવો.
આવા આવા પદો વાંચીને બહુ આનંદ અનુભવ્યો. પણ સાથે સાથે જ - પુસ્તકના અંત ભાગમાં - પૂ. મોરારીબાપુએ સ્વહસ્તે ૧૭ ઓગસ્ટ, ૨૦૧૪ની તારીખ સાથે આશીર્વચન સમાન જે ટીપ્પણી કરી છે એ તો મિત્રો, આપ સહુ વાંચો તો જ માણી શકો. પૂ. બાપુના કેટલાક શબ્દો ટાંકી લઉંઃ અનુભૂતિ - અદ્ભૂતિ અને અવધૂતિના આ ત્રિવેણી તીર્થરૂપ વિભૂતિએ પોતાના પદો વડે આપણને પરમ પદના પગથિયાં ચઢતાં શીખવ્યું છે.’
મારો વ્હાલો નરસૈંયો અને મારા વ્હાલા મોરારીબાપુ.

•••

બાહુબળ - બુદ્ધિબળ - મનોબળ

આપણા જીવનની સૃષ્ટિ પર સર્વાંગી નજર નાખતાં હું માનું છું કે માનવ માટે યુગો યુગોના પરિપ્રેક્ષ્યમાં અત્યારનો ગાળો સર્વશ્રેષ્ઠ છે. આહારવિહાર, રાજકારણ, સમાજવ્યવસ્થા, અર્થકારણ, આયુષ્ય, આરોગ્ય, પરિવાર - આ બધાનો નિચોડ આ હકારાત્મક કહેવાય તેવા વિધાનમાં આવી જાય છે. સાથે સાથે જ પરિવર્તન પણ પૂરબહાર ચાલુ જ છે. જીવનમાં પરિવર્તન અનિવાર્ય છે. The only constant in the life is change.
હમણાં ન્યૂસ એડિટર ભાઇશ્રી કમલ રાવ સાથે અલપઝલપ વાતો થતી હતી. મેં તેમને પૂછ્યું કે તમે થોડાક વર્ષો પહેલાં સુરતમાં રહેતા હતા, જોબ કરતાં હતા અને હવે લંડનમાં રહો છો. થોડાક મહિના પૂર્વે તમે વતનની મુલાકાતે ગયા હતા તો ત્યાં શું પરિવર્તન જોયું? પહેલાં ત્યાં શું નહોતું, જે હવે તમને ત્યાં જોવા મળી રહ્યું છે.
તેમનો જવાબ બહુ રસપ્રદ હતોઃ એક સમય હતો જ્યારે પરિવારમાં અવરજવર કરવા માટે એક સાયકલ હોય તો પણ પૂરતું થઇ રહેતું હતું. સાયકલ લક્ઝરી આઇટેમ ગણાતી હતી. જ્યારે આજે દરેક પરિવારમાં લોકલ ટ્રાન્સપોર્ટેશન માટે મોટરસાઇકલ કે સ્કૂટર જેવું વાહન બહુ સામાન્ય છે. તે સમયે લેન્ડલાઇન (ફોન) તો જવલ્લે જ કોઇના ઘરમાં જોવા મળતો હતો.
ફોનના જોડાણ માટે ટેલિફોન એક્સચેન્જમાં નોંધણી કરાવો તો મહિનાઓ કે વર્ષો પછી વારો આવે. આજે પરિવારના દરેક સભ્યના હાથમાં મોબાઇલ જોવા મળે છે.
ચટ મંગની, પટ બ્યાહની જેમ તમે પળભરમાં ફોન ખરીદી શકો છો. અરે, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પાસે પણ સ્માર્ટફોન સહજ બાબત છે. આ બધી બાબતો જીવનધોરણ બદલાયું હોવાનો સંકેત આપે છે. દુનિયા સાથે જોડાયેલા રહેવા માટે આધુનિક સાધનોનો ઉપયોગ હવે જરૂરી જ નહીં, અનિવાર્ય બન્યો હોવાનું લોકો માનતા થયા છે.
એક સમયે દવાખાનામાં કે મેડિકલ સ્ટોરમાં બહુરાષ્ટ્રીય કંપનીઓની દવાઓ જ મળતી હતી. દવાની કિંમત જ એટલી ઊંચી હોય કે લોકો ખરીદતા પૂર્વે બે વખત વિચાર કરે. આજે ઘણા સ્થળે જેનેરિક દવાના સ્ટોર થઇ ગયા છે. બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપનીની દવાઓ જેવી અને જેટલી જ ગુણવત્તા ધરાવતી, પણ કિંમતમાં એકદમ સસ્તી એવી આ જેનેરિક દવાઓના કારણે લોકો માટે આરોગ્યની સારસંભાળ લેવાનું આસાન બન્યું છે. પરિણામે લોકોના આરોગ્યનું સ્તર સુધર્યું છે.
લોકોની જીવનશૈલીમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું હોવાનું ઉદાહરણ આપતા ભાઇ કમલ રાવ કહે છે કે વ્યક્તિ ધનાઢય હોય કે સામાન્ય કારકૂન તરીકે જોબ કરતો હોય, પરંતુ ઘરમાં ટીવી, વોશિંગ મશીન વગેરે સામાન્ય છે. ઘરકામ કરવા માટે એકાદ તો કામવાળી બાઇ પણ આવતી જ હોય.
મારો તેમને સવાલ હતોઃ આટલા બધા સાધનો, સેવાઓ વધી છે તો સામી બાજુ ખર્ચા પણ વધ્યા હશે... તો બચતનું શું? તેમનો જવાબ હતોઃ ભારતમાં પશ્ચિમના દેશો જેવી સોશ્યલ સિક્યુરિટીની સગવડ ન હોવાથી લોકો બચત પર વિશેષ જોર આપે છે. રોજિંદા ઘરખર્ચ ઉપરાંત જીવનવીમો, વાહન, ફોનનો ખર્ચ વગેરે પાછળ આવશ્યક નાણાં ખર્ચ્યા પછી પણ વ્યક્તિ ગમેતેમ કરીને અમુક રકમ તો બચાવવા પ્રયાસ કરે જ છે, જેથી જરૂરતના સંજોગોમાં (સ્વમાનના ભોગે) કોઇની સમક્ષ હાથ લંબાવવો ન પડે.
તમારા પરિચિતોમાંથી કેટલા લોકો પોતાની માલિકીનું મકાન ધરાવે છે? મેં પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્નના જવાબ દ્વારા હું એ જાણવા માગતો હતો કે લોકો પોતાની સ્થાવર મિલકત વસાવવા જેટલી આર્થિક સદ્ધરતા ધરાવે છે કે નહીં. ભાઇ કમલનું કહેવું હતું કે મોટા ભાગના લોકો પોતીકા મકાનો ધરાવતા થયા છે. હા, મકાનોની ઊંચી કિંમત હોવાના કારણે તેમને બે છેડા ભેગા કરવામાં મુશ્કેલી જરૂર પડે છે, પણ વ્યક્તિ મકાન ખરીદવાને વિશેષ પ્રાધાન્ય આપે છે. હા, પોતીકું મકાન ખરીદવા માટે લગભગ તમામને સરકારી કે ખાનગી બેન્કમાંથી લોન અવશ્ય લેવી પડે છે.
હા, મને એક-બે વાત જરૂર ચોંકાવનારી જણાઇ. જેમ કે, વાહનોની સંખ્યા વધી છે તેમ અકસ્માતોની સંખ્યા વધી છે. અને અકસ્માતોની સંખ્યા જેમ વધી છે તેમ ઇજાગ્રસ્તો અને મૃતકોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. વાહનો વધે તેની સામે અકસ્માતોનું પ્રમાણ વધે તે સમજી શકાય તેવી સહજ વાત છે, પણ ભારતમાં વાહનોની સંખ્યાની સરખામણીએ અકસ્માતોની સંખ્યાનું પ્રમાણ ખૂબ વધુ છે અને માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ વધુ હોવાનું એક નહીં, અનેક અભ્યાસોમાં પુરવાર થયું છે.
કંઇક આવું જ અનિષ્ટ જીવનશૈલીના બદલાવ સાથે લોકોના જીવનમાં પણ પ્રવેશ્યું છે. લોકોમાં અગાઉના સમયની સરખામણીએ ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર, સ્ટ્રેસ જેવી શારીરિક સમસ્યાઓ વધી છે. આ બધા દરદો આધુનિક જીવનશૈલીની આડપેદાશ ગણાય છે. જીવનશૈલી જેટલી સુધરી છે, આરોગ્ય સેવા જેટલી સુધરી છે એટલી જ શારીરિક-માનસિક સમસ્યાઓ પણ વધી છે.
નોકરી-ધંધામાં કેવું?! ભાઇ કમલનું કહેવું છે કે જેમને કામ કરવું છે તેમને નાનું-મોટું કંઇ પણ કામ મળી જ રહે છે. કોઇ બેરોજગાર દૃઢ નિર્ધાર કરે તો - સરકારી નહીં તો ખાનગી - પણ કામ તો મળી જ રહે છે.
અગાઉ એક સમય એવો હતો જ્યારે રસ્તા પર ટંટોફિસાદ, મારામારીના બનાવો સામાન્ય હતા. હવે આ સિનારિયો બદલાયો છે? લોકો નાનીનાની વાતે ઝઘડા પર ઉતરી પડે છે કે કેમ? તેવા પ્રશ્નના જવાબમાં કમલનું કહેવું છે કે હવે જાહેરમાં મારામારીની ઘટનાઓમાં ભારે ઘટાડો નોંધાયો છે. લોકોને કાયદાની બીક છે. બીજું, લોકોમાં જતું કરવાની ભાવના પણ વિકસી છે. લોકો હવે સમજતા થયા છે કે આવા ઝઘડો, ટંટોફિસાદમાં કોઇ પક્ષને લાભ નથી તો પછી તે કરવા જ શા માટે? આથી જ ભરટ્રાફિકમાં એક કાર બીજી કાર સાથે ઘસાઇ જાય કે કોઇ સ્કૂટરચાલકથી ટક્કર લાગી જાય તો લોકો સામાન્ય કકળાટ કરીને વાત પતાવી દે છે. મામલો મોટા ભાગે બોલાચાલી પૂરતો જ સીમિત રહે છે. ઉકળાટ ઠાલવીને બન્ને પક્ષકારો પોતપોતાના રસ્તે ચાલતા થઇ જાય છે.
આ બધી વાતો સાંભળીને સહજપણે વિચાર આવી ગયો કે ભારત છોડ્યે આજે મને ૫૬ વર્ષ થઇ ગયા છે. આ અડધી સદીમાં લોકો, લોકોની જીવનશૈલી કેટલી હદે બદલાઇ ગયા છે. લોકોના જીવનમાં ધરમૂળથી કેટલું પરિવર્તન આવી ગયું છે. જીવનશૈલીમાં બદલાવનું એક કારણ ઔદ્યોગિક ક્રાંતિને પણ ગણી શકાય. એક સમય હતો જ્યારે ભારતમાં હેવી ઇન્ડસ્ટ્રીઝનું ચલણ હતું. સ્ટીલ, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, ઓટોમોબાઇલ, મશીનરી ઉત્પાદન જેવા ભારેખમ ક્ષેત્રોની બોલબાલા હતી. તમે કહી શકો કે ભારતમાં બાહુબળની બોલબાલા હતી.
પરંતુ હવે?! આધુનિક ભારતમાં બુદ્ધિબળની બોલબાલા છે. લ્યોને, તાજેતરના અરસાની જ વાત કરું. ફેસબુકના માર્ક ઝુકરબર્ગથી માંડીને એપલના સીઈઓ ટીમ કૂક અને માઇક્રોસોફ્ટના ભારતવંશી વડા સત્ય નાડેલા સહિતના આઇટી ધુરંધરો ભારતમાં આંટો મારી આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જઇ મળી આવ્યા છે અને ભારતમાં પોતપોતાના ક્ષેત્રોની પાંખ પસારવા માટે તત્પર હોવાનો ઇરાદો વ્યક્ત કરતા આવ્યા છે. વિશ્વના આઇટી સેક્ટરમાં આજે ભારતીય યુવા પેઢીના સિક્કા પડે છે.
વાતને થોડીક ફ્લેશબેકમાં જોઇએ. ૧૯૯૭-૯૮માં આપણા ગુજરાત સમાચારના કાર્યાલયમાં અને અમારી દુકાનોના કેશ રજીસ્ટરમાં વપરાતા કમ્પ્યુટરો માટે એવો ખતરો વ્યક્ત થતો હતો કે ૨૦૦૦ની સાલમાં છેલ્લા બે આંકડા શૂન્યમાં આવતાં જ બધી કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ ઠપ્પ થઇ જશે, હિસાકિતાબના ડેટા ખોરવાઇ જશે જેવી જાતભાતની વાતો ચાલતી હતી. પરંતુ કંઇ ન થયું. આજે પણ દુનિયાભરમાં કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ યથાતથ ચાલે જ છે. છેલ્લા બે આંકડા ઝીરો થતાં કમ્પ્યુટર સિસ્ટમ બંધ પડી ગયાનું તો ક્યારેય સાંભળ્યું નથી. આ સમસ્યાનું સોલ્યુશન શોધવામાં ભારતીય કંપનીઓ અને તેના સોફ્ટવેર એન્જિનિયરોનું મહત્ત્વનું પ્રદાન છે. ભારતીય કંપનીઓની આજે વિશ્વમાં બોલબાલા છે તે કંઇ અમસ્તી નથી. વિશ્વમાં આઇટી સેક્ટરનો દબદબો વધ્યો છે તેમ અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં ભારતીય નિષ્ણાતોની માગ પણ વધી છે. હજારો ભારતીય એન્જિનિયરો માટે વિશ્વના દરવાજા ખૂલી ગયા.
ભારતમાં આઇટી સોફ્ટવેર ડેવલપમેન્ટનું, આઇટી આઉટસોર્સિંગનું એક નવું જ સેક્ટર ખૂલ્યું, ખીલ્યું. આજે દુનિયાભરની કંપનીઓ ભારતીય યુવાનોની આઇટી સ્કીલને વધાવે છે. વિશ્વની ટોચની કંપનીઓમાં ઇન્ફોસીસ (નારાયણ મૂર્તિ), વિપ્રો (અઝીમ પ્રેમજી), ટીસીએસ (ટાટા ગ્રૂપ), એચસીએલ ટેક્નોલોજીસ (શિવ નાદર) વગેરેની ગણના થાય છે. દુનિયાભરમાં પથરાયેલા અનેક એકમો લાખો લોકોને રોજગારી આપે છે, (જેમાં ભારતીયોની સંખ્યા સવિશેષ છે), વર્ષેદહાડે કરોડો ડોલર્સનું ટર્નઓવર કરે છે. આધુનિક યુગના નવા ઉદ્યોગમાં પોલ્યુશન ઓછું, અને પગાર ઊંચા છે.
ભારતમાં ટેક્નોલોજી, આઇટી સેક્ટર, ડિજીટાઇઝેશનને સૌથી વધુ વેગ, પ્રોત્સાહન મળ્યું હોય તો તે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં. વાચક મિત્રો, કદાચ આપને ખબર હશે કે ભારતના અંતરિયાળ વિસ્તારના ૬૫૭ જિલ્લાઓમાં સંખ્યાબંધ વાન ફરી રહી છે, જે ઇન્ટરનેટ સહિતની વિવિધ સુવિધાઓ અંગે ઓડિયો-વીડિયો માધ્યમથી લોકોને જાણકારી આપી રહી છે. આ વાન થકી કરોડો દેશબાંધવોને ડિજિટલ લોકર, આધાર કાર્ડ, જનધન યોજના વગેરે અંગે માહિતગાર કરાઇ રહ્યા છે. કેટલાક લોકો એવી આશંકા પણ ઉઠાવે છે કે સરકારની આ બધી યોજનાઓના અમલ માટે લોકો સજ્જ છે ખરા?
આ લોકોને એટલું જ કહેવાનું કે ભારતમાં સામાન્યમાં સામાન્ય માણસ પણ સ્માર્ટફોન વાપરે છે અને તેના ઉપયોગી ફિચર્સથી વાકેફ છે. કચ્છના કે સૌરાષ્ટ્રના કે દક્ષિણ ગુજરાતના કોઇ ગામમાં જઇને ઉભા રહેશો ને તપાસ કરશો તો જણાશે કે મોટા ભાગના પરિવારોમાં એક કરતાં વધુ સ્માર્ટ ફોન છે, કમ્પ્યુટર્સ છે, અરે... ઢગલાબંધ હાથમાં આઇપેડ પણ જોવા મળશે. તમે કલ્પના પણ ન કરી હોય તેવી પ્રગતિના પંથે ભારત હરણફાળ ભરી રહ્યું છે. લોકો જ્યારે સમય સાથે કદમ મિલાવીને આગળ વધવા માટે તત્પર હોય ત્યારે વહીવટી કામગીરી સાથે આધુનિક ટેક્નોલોજીનો સુભગ સમન્વય સાધવાની નરેન્દ્ર મોદીની પહેલ આગામી દિવસોમાં દેશહિતમાં ખૂબ ઉપકારક બનશે તે નિઃશંક છે.
જો તમે બ્રિટનમાં જ રહેતા હો અને છેલ્લા પાંચ-દસ વર્ષથી ભારતપ્રવાસે ન ગયા હો તો એક વખત સમય ફાળવવા જેવો છે. તમને અકલ્પનીય વિકાસ, પ્રગતિ નજરે પડશે. મથાળામાં લખ્યું છે તેમ પહેલાં ભારતમાં બાહુબળ જોવા મળતું હતું, આજે બુદ્ધિબળ જોવા મળે છે. અને વડા પ્રધાન નરેન્દ્રભાઇ જેવું વિઝન ધરાવતું નેતૃત્વ પોતાના મક્કમ મનોબળ થકી દેશને વિકાસપથ પર આગળ ધપાવી રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં પાંચ દેશોના વિદેશ પ્રવાસે છે. અફઘાનિસ્તાન, કતાર, સ્વિત્ઝર્લેન્ડ, અમેરિકા અને મેક્સિકો જઇને ભારત પાછા પહોંચશે. અમેરિકામાં તેઓ પ્રેસિડેન્ટ બરાક ઓબામાને મળશે ત્યારે આ તેમની (વડા પ્રધાન પદ સંભાળ્યા પછીની) ૧૧મી મુલાકાત હશે. નરેન્દ્રભાઇ પ્રથમ વખત પ્રેસિડેન્ટ ઓબામાને મળ્યા ત્યારે રાજદ્વારી વિશ્લેષકોના મનમાં શંકા-કુશંકા હતી. આપણે સહુ જાણીએ છીએ કે અમેરિકાએ એર સમયે ગુજરાતનું મુખ્ય પ્રધાન પદ સંભાળતા નરેન્દ્ર મોદીને વિઝા આપવામાં ઠાગાઠૈયા કર્યા હતા. વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતા પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવ્યું હતું.
બે એક વર્ષ પૂર્વે સપ્ટેમ્બર ૨૦૧૪માં નરેન્દ્ર મોદી અમેરિકી પ્રમુખને પહેલી વખત મળ્યા ત્યારે ઘણા વિચારતા હતા કે નરેન્દ્રભાઇને અમેરિકી નેતાઓએ બહુ બદનામ કર્યા છે એટલે તેમનું વર્તન શુષ્ક હોય શકે છે. પરંતુ આવું કંઇ ન થયું.
સાદા શબ્દોમાં કહું તો નરેન્દ્ર મોદીનું મનોબળ તો જૂઓ કે તેમને કંઇક ફરક પડ્યો નહોતો. રાત ગઇ સો બાત ગઇ. જૂની કોઇ વાત નહીં. આજે અમેરિકા-ભારતના સંબંધો ભૂતકાળમાં ક્યારેય નહોતા એટલા સંગીન બન્યા છે તેના મૂળમાં આ જ વાત રહેલી છે. આપણા વડા પ્રધાને ભૂતકાળને ભૂલીને મક્કમતાપૂર્વક આગળ વધવાનું જે વલણ અપનાવ્યું છે તેના અવશ્ય સારા પરિણામ આવશે જ તે નિશ્ચિત છે. તેઓ બે દિવસ સ્ટેટ ગેસ્ટ તરીકે વોશિંગ્ટનમાં પ્રેસિડેન્ટ ઓબામાની યજમાનગતિ માણશે. ત્યાંની પાર્લામેન્ટને પણ સંબોધન કરશે. સ્વાભાવિક છે કે આ પ્રવચનમાં તેઓ ભારતનો વિશ્વ પ્રત્યેનો દૃષ્ટિકોણ રજૂ કરશે, પરંતુ તેમનું મુખ્ય લક્ષ્ય ભારતને ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં સ્થાન અપાવવાનું છે. ભારતને એનએસજીમાં સ્થાન ન મળે તે માટે ચીન અને પાકિસ્તાન આકાશપાતાળ એક કરી રહ્યા છે. તો બીજી બાજુ, નરેન્દ્ર મોદીએ પણ જાણે કમર કસી છે. નરેન્દ્રભાઇના આ પ્રવાસ દરમિયાન સ્વિત્ઝર્લેન્ડ સરકારે એનએસજીમાં સ્થાન આપવાના ભારતના દાવાને સમર્થન જાહેર કર્યું છે તે નોંધનીય છે.
આધુનિક જગતમાં ભારત - અમેરિકા વચ્ચે લગભગ હમણાં સુધી પરસ્પર મિત્રતા કરતાં સંશય વધુ હતો. અસહકાર વધુ હતો. આવું જ અફઘાનિસ્તાન, કતાર, દુબઇ જેવા દેશો સાથેના રાજદ્વારી સંબંધોમાં હતું. વિશ્વતખતે ભારતના આટલા મજબૂત રાજકીય સંબંધો હોય શકે તેવું એક સમયે અશક્ય જણાતું હતું, અસંભવ લાગતું હતું. જોકે નરેન્દ્ર મોદીના મક્કમ મનોબળે આ શક્ય કરી બતાવ્યું છે. આના કારણો સ્પષ્ટ છે.
નરેન્દ્ર મોદી સમગ્ર દેશના તંત્રમાં પારદર્શક્તા લાવ્યા છે. યુપીએ સરકારના શાસનકાળમાં કોલબ્લોક ફાળવણી કૌભાંડ, કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ, ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડ જેવા કરોડો નહીં, અબજો રૂપિયાના કૌભાંડો બહાર આવ્યા, જેણે વિશ્વભરમાં દેશની આબરૂને બટ્ટો લગાડ્યો હતો. ભારત નર્યો ભ્રષ્ટાચારી દેશ જ હોવાની એક છાપ ઉપસી હતી. મોદીએ નોકરી માટે અરજી કરવાથી માંડીને સરકારી ટેન્ડરની પ્રક્રિયા ઓનલાઇન કરી નાખી છે. તંત્રમાં ટ્રાન્સપરન્સી લાવવાની તેમની જહેમતના ફળ મળવાના હજુ શરૂ થયા છે. મોદી સરકારને ગયા સપ્તાહે બે વર્ષ પૂરા થયા છે, પણ આજ સુધીમાં કૌભાંડના નામે કાળી ટીલડી પણ તેના કપાળે લાગી નથી તેનાથી મોટી સિદ્ધિ કઇ હોય શકે? આ બધું પારદર્શક તંત્રનું પરિણામ છે. મક્કમ મનોબળ સાથે દેશહિતમાં આધુનિક ટેક્નોલોજીનો સુપેરે ઉપયોગ કરીને નરેન્દ્ર મોદી દેશના વિકાસ માટે એક નવો જ મારગ કંડારી રહ્યા છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી જ. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter