જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી

રુચિ ઘનશ્યામ Wednesday 28th September 2022 07:21 EDT
 
 

હું ચિત્રકળા કે આર્ટમાં કદી સારી રહી નથી! નાની છોકરી તરીકે પણ અન્ય બાળકો મારાથી આર્ટમાં આગળ હોય તેમની સાથે બરોબરી કરવા લેન્ગ્વેજીસ અને એરિથમેટિક જેવા વિષયોમાં મારે અન્ય બાળકો કરતાં ઘણા વધુ માર્ક લાવવા પડતાં હતાં. મારા સારા નસીબે શાળા દ્વારા ધોરણ પાંચમાં આર્ટના બદલે વિકલ્પમાં નીડલવર્ક અને તે પછી મિડલ સ્કૂલમાં ક્લાસિકલ ભારતીય સંગીત ઓફર કરાયું તેનાથી મારા પરના જુલમનો અંત આવ્યો હતો! સંગીતની સાથે જ હું આખરે અન્યોની સરખામણીએ ઘણી આગળ નીકળી ગઈ.હવે તેઓ મને પાછળ પાડી શકે તેવો કોઈ માર્ગ જ રહ્યો ન હતો.

આ પછી, મારા પિતા નવી કામગીરી સાથે અન્ય શહેરમાં સ્થળાંતર કરી ગયા. અમે નવી સારી શાળામાં જોડાયાં જે ઘરથી ખાસ દૂર ન હતી. અહીં ફરી એક વખત મારે આર્ટ-ચિત્રકામ સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો. મારી જિંદગીમાં એક માત્ર ‘વેરી પૂઅર’ રિમાર્ક મળી જેને હું કદી ભૂલી શકીશ નહિ! આ એ સમય હતો જ્યારે અમારે માનવીય ચહેરો દોરતાં અને તેને પેઈન્ટ કરતા શીખવાનું હતું. આ ચિત્ર તો ખરેખર મોટી હોનારત જેવું હતું! ચહેરાની બે સાઈડ પર એકસરખા ફીચર દોરવાનું મને ઘણું મુશ્કેલ જણાયું હતું. એક આંખ બીજી કરતા નીચે હોય, અથવા મોટી હોય કે આકાર જ અલગ હોય! બીજી સમસ્યા બંને કાનને એકરસરખા દોરવાના અને એક જ સ્તરે હોય તેમ દેખાવાની હતી. મને સમજાઈ ગયું હતું કે જો હું કશું નહિ કરું તો મારે હંમેશા માટે ધોરણ આઠમાં રહેવું પડશે. આમ છતાં, હું ગમે તેટલી પ્રેક્ટિસ કરું આખરી પરિણામ તો ‘અત્યંત નબળું’ છે તેમ ખુદ મારી આંખને પણ દેખાતું હતું!

એ વર્ષે ચિત્રકામની આખરી પરીક્ષાના કોર્સમાં બે આઈટમ હતી. જેના પર કાબુ મેળવવામાં હું સદંતર નિષ્ફળ રહી હતી તે માનવ ચહેરો અને તેના વિકલ્પે લેન્ડસ્કેપ હતો. આ વિકલ્પ સારો લાગ્યો. જોકે, મારે મદદની જરૂર લાગી. આથી મારાં ક્લાસની એક છોકરીનો સંપર્ક કર્યો જે ચિત્રકામમાં ખરેખર કુશળ હતી. તેણે મને કેટલીક યુક્તિઓ શીખવી જેનાથી મને થોડું આકર્ષક સાંજનું આકાશ દોરવામાં મદદ થાય. હું કોઈ ચાન્સ પર છોડવા માગતી ન હતી. નિષ્ફળ જવાની શક્યતા તો સ્વીકાર્ય જ ન હતી. એ વર્ષે શિયાળુ વેકેશન દરમિયાન હું આર્ટ પેપર લઈ આવી અને ગ્રીટિંગ કાર્ડની સાઈઝમાં કાપી લીધાં અને મારાં બધા મિત્રોને ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા એ જ સાંજના આકાશનું પેઈન્ટ કર્યું. ફરી અને ફરી રંગપૂરણી પછી મને આખરે સંતોષ થયો. જ્યારે પરીક્ષા આવી ત્યારે હું મારાં લેન્ડસ્કેપ સાથે તૈયાર હતી અને એવા સ્કોર કાર્ડ સાથે બહાર આવી કે મારા પેરન્ટ્સને ગૌરવ થાય.

મારાં શાળાના દિવસોમાં અન્ય ઘોર નિષ્ફળતા સ્પોર્ટ્સને લગતી હતી. હું બાસ્કેટબોલ રમતાં શીખી અને મારી ટીમ સાથે સખત પ્રેક્ટિસ કરી કારણકે મને ત્રણ હાઉસ ટીમમાંથી એક ટીમની કેપ્ટન બનાવાઈ હતી. શોટપૂટ-ગોળાફેંક અને ભાલાફેંક તો તદ્દન અલગ બાબત હતી. અમારી સ્કૂલમાં ઘણાં પ્રેમાળ સ્પોર્ટ્સ ટીચર સિસ્ટર રેનાલ્ડો હતાં. તેઓ ગમે તેટલો પ્રયાસ કરે પરંતુ, લોકો કહે છે તેમ મારા મગજમાં ઉતરતું જ નહિ! એક વખત તેમણે મારી પાછળ ઉભાં રહી શીખવવાનો પ્રયત્ન કર્યો, પાછળથી મારાં હાથ પકડ્યાં અને ભાલો ફેંકવાની સાચી રીતમાં મને ફેરવી. તેમની નિરાશા વચ્ચે ભાલો મારાથી 6-8 ફૂટ દૂર પડ્યો. શોટપૂટ-ગોળાફેંકમાં પણ આવું જ થતું. ગોળો હંમેશાં મારા પગની નજીક જ પડતો!

હું ઘણા સારા માર્ક્સ સાથે શાળામાં પાસ કરી શકી પરંતુ, તે ગાળામાં મને જે સમસ્યાઓ નડી તે જિંદગીમાં કેટલાક બોધપાઠ આપી ગઈ છે તેને બધા સાથે વહેંચવા જોઈએ.

સૌથી મહત્ત્વનો બોધપાઠ એ છે કે સફળતા માટે સખત કામ કરવું આવશ્યક છે. જે નબળાઈ હોય તેવા ક્ષેત્રમાં વધુ મહેનત જરૂરી બને છે. એમ કહેવાય છે ને કે પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ! આપણે વ્યવહારુ પણ બનવું જોઈએ. બધા જિનિયસ બનવા માટે પોતાની નબળાઈ પર કાબુ મેળવી શકતા નથી. આથી સફળતા પર લક્ષ્ય હોય તો આપણી ગર્ભિત ક્ષમતાનું વાસ્તવિક મૂલ્યાંકન કરવાની શક્તિ રાખવી જોઈએ.

આપણી જાતે યાત્રા કરવાની મુશ્કેલ જણાતી હોય તો સારા મિત્રો પાસે મદદ મેળવો. બીટલ્સના અતિ સફળ આલ્બમ ‘Sgt Pepper’s Lonely Hearts Club Band’ના ભાગરૂપે રિન્ગો સ્ટાર જે ગીત ગાય છે તે મને હંમેશાં ગમ્યું છે જેમાં તે કહે છે કે ‘હું મિત્રોની થોડી મદદથી આગળ વધી જઈશ- I get by with a little help from my friends’. સારા મિત્રો કોણ છે તે જાણવાનું પણ મહત્ત્વનું છે અને મદદ માગવામાં કદી શરમાશો નહિ.

કોઈ પણ વ્યક્તિ બધી બાબતોમાં હોંશિયાર હોતી નથી. આપણી શિક્ષણયાત્રામાં આપણે બધા આ ચડાવ અને ઉતારમાંથી પસાર થયા છીએ. અને આમ છતાં, આપણા બાળકો બધામાં પરફેક્ટ થાય તેવી અપેક્ષા ધરાવીએ છીએ! એક વખત મેં ઈસ્લામાબાદમાં અમેરિકન સ્કૂલમાં મારા પુત્રના ક્લાસ ટીચરને ચોક્કસ વિષયમાં તેના પરફોર્મન્સ વિશે પૂછપરછ કરી હતી. તેના સમગ્રતયા પરફોર્મન્સ સાથે વિસંવાદી જણાતું હતું. તેમનો જરા પણ ખચકાટ વિનાનો ઉત્તર હતો કે તમામ વિષયોમાં સારો દેખાવ પણ સરેરાશ વ્યક્તિની ઓળખ આપે છે કારણકે તેજસ્વિતા કે બુદ્ધિમતાના તો ચમકારા જ હોય છે.

સૌથી મહત્ત્વની બાબત આપણા નબળા પોઈન્ટ્સ પર તટસ્થ અભિગમથી હુમલો કરવાની અને અવરોધો પાર કરવા સખત મહેનત કરવાની છે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ ‘ધ થિંગ’ શોધવાની જરૂર છે. આ થિંગ પ્રેરણા- મોટિવેશન અને અભિરુચિ, વાસ્તવિકતાના વાઘાથી સજ્જ ઈચ્છા, અને વ્યક્તિએ પસંદ કરેલા ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનવાની પ્રતિબદ્ધતાના સમન્વયથી મળે છે.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.

Twitter: @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter