ઝંડા અજર અમર રહેજે

- ઝવેરચંદ મેઘાણી Tuesday 25th January 2022 14:07 EST
 

તારે ક્યારે કૈંક દુલારે દિલનાં શોણિત પાયા

પુત્રવિજોગી માતાઓનાં નયનઝરણ ઠલવાયાં

ઝંડા અજર અમર રહેજે

વધ વધ આકાશે જાજે

નહિ કિનખાબ મખમલ મશરૂ કેરી તારી પતાકા

નહિ જરી ને હીરભરતના ભભકા તુજ પર ટાંક્યા

ઝંડા ભૂખરવો તોયે

દિલો કોટિ તુજ પર મોહે

નીલગગનની નીલપ પીતી ઉન્નત તુજ આંખલડી

અરૂણ તણે કેસરિયે અંજન બીજી મીટ મદીલી

ઝંડા શશી દેવે સીંચી

ત્રિલોચન ધવલ આંખ ત્રીજી

કુમળાં બાળ કિશોરો બુઝુર્ગો સહુ તુજ કાજે ધાયા

નર નારી નિર્ધન ધનવંતો એ સબ ભેદ ભૂલાયા

ઝંડા સાહિદ રહેજે હો

રુધિરના બિન્દુ બિન્દુ તણો

તુજને ગોદ લઈ સૂનારાં મેં દીઠાં ટાબરિયાં

તારાં ગીત તણી મસ્તીમાં ભૂખ તરસ વીસરિયાં

ઝંડા કામણ શા કરિયાં

ફિદા થઈ તુજ પાછળ ફરિયાં

તું સાચું અમ કલ્પતરુવર મુક્તિફળ તુજ ડાળે

તારી શીત સુગંધ નથી કો માનસસરની પાળે

ઝંડા જુગ જુગ પાંગરજે

સુગંધી ભૂતલ પર ભરજે

રાષ્ટ્રદેવના ઘુમ્મટ ઉપર ગહેરે નાદ ફરૂકે

સબ ધર્મોના એ રક્ષકને સંત નૃપાલો ઝૂકે

ઝંડા આજ ન જે નમશે

કાલ તુજ ધૂલિ શિર ધરશે

આઠે પહોર હુંકારા દેતો જાગૃત રહે ઉમંગી

સાવધ રહેજે પહેરો દેજે અમે ન રહીએ ઊંઘી

ઝંડા સ્વરાજના સંત્રી

રહો તુજ ઝાલર રણઝણતી

(જર્મનીમાં મિટીંગ હતી. તેમાં દરેક દેશના ઝંડા ફરક્યા. તો મિસિસ કામાએ એમની સાડીઓમાંથી ત્રણ કલરના પટ્ટા કાઢ્યા. સફેદ, કેસરી અને લીલો અને એ ત્રણેને જોઈન્ટ કરી દીધા અને તિરંગો ફરકાવ્યો. એ આપણા ભારતનું માનસ. આપણા સ્વતંત્ર હિંદને ખૂબ ખૂબ અભિનંદન. - નીરુબેન દેસાઈ ફોરેસ્ટ ગેટ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter