ઝાંઝીબાર એક જમાનામાં લવિંગ માટે જાણીતું. કચ્છી ભાટિયાઓની એક જમાનામાં ત્યાં બોલબાલા. ટાન્ઝાનિયાના ભાગરૂપ ઝાંઝીબારને ગુજરાતીઓ જંગબાર કહેતા. ઝાંઝીબારમાં આજે માત્ર ૪૦૦ હિંદુ અને ૩૫૦૦ જેટલા ગુજરાતી મૂળના વિવિધ કોમના મુસ્લિમ છે. ઝાંઝીબાર ટાપુને ટાન્ઝાનિયાના પાટનગર દારે સલામ સાથે જોડતી કડી છે. સલીમ અને મૂર્તઝાની બંધુબેલડી.
આ તૂર્કી પરિવારમાં સલીમ મોટો અને મૂર્તઝા નાનો. ૧૯૮૪માં બંને ભાઈઓએ આયાત-નિકાસના ધંધામાં ઝંપલાવ્યું. ૧૨૦ પ્રકારની ચીજો પરદેશથી મંગાવતા. જેમાં કપડાં, કટલરી, પરફ્યુમ, છત્રી, રેડિયો, રમકડાં વગેરે. ધંધો જામ્યો અને એક પછી એક ચાર સ્ટોર કર્યાં. દુકાનો ધમધોકાર ચાલતી રહી. વખત જતાં આયાતી ચીજો પર સરકારે ડ્યુટી વધારતાં એ ચીજો એટલી મોંઘી થઈ કે ખરીદનારને ના પોષાય. આથી ધંધાનો સંકેલો કરીને એક જ દુકાનમાં કપડાં અને ઘરવપરાશની ચીજો વેચવા માંડી.
૧૯૮૭માં સલીમ અને મૂર્તઝા શિપિંગના ધંધામાં ગયા. આરંભમાં ભાડાની કાર્ગો બોટ ફેરવતા. તે વડે ઝાંઝીબાર અને દારે સલામ વચ્ચે માલની હેરફેર કરતા. આજે એ ધંધો ચાલુ છે. પોતાની બે બોટ છે. ૧૯૯૮માં તે યાત્રી પરિવહનમાં પડ્યા. બે પેસેન્જર સ્પીડ બોટ ખરીદી. તેના ઝાંઝીબાર - દારે સલામ વચ્ચે સંખ્યાબંધ ફેરા કરે છે. ૧૬૫ પેસેન્જરની ક્ષમતાવાળી આ સ્પીડ બોટના પ્રવાસીઓ જંગલો, ટાપુઓ, મકાનો જોતાં આગળ વધે છે. ફેબ્રુઆરીથી એપ્રિલમાં ઓછા યાત્રી હોય છે. આ વ્યવસાયમાં હાલ ૬૦ માણસ કામ કરે છે. હાલ તેઓ ખાંડ, સિમેન્ટ અને ઘઉંના લોટની આયાતમાં પોતાનાં જહાજો વાપરે છે. વચ્ચે જ્યારે નવરાશ મળે ત્યારે બીજાના માલનું ય પરિવહન કરીને કમાઈ લે છે.
તૂર્કી પરિવારનો બીજો મહત્ત્વનો વ્યવસાય છે સિન્થેટિક ફ્લેવર ધરાવતા ૧૧ જેટલા વિવિધ જ્યુસ બનાવીને વિવિધ કદની બોટલોમાં પેક કરીને વેચવાનો. આ ઉપરાંત રોજ ૪૦૦૦ લીટર જેટલું પાણી ફિલ્ટર કરીને બોટલો અને કેરબામાં પેક કરીને વેચે છે. જ્યુસમાં પાઈનેપલ, ઓરેન્જ, એપલ, ગ્રેપ્સ, જિંજર, રાસબરી, સ્ટ્રોબેરી વગેરે હોય છે. દિવસ-રાત એમની ફેક્ટરી ધમધમે છે. અને મહિને લાખો બોટલ જ્યુસ વેચાય છે.
ઝાંઝીબારના જાહેર જીવનમાં બંને ભાઈ સક્રિય છે. તેમના રાજકીય સંબંધો ઠેર ઠેર પથરાયેલા છે. મૂર્તઝા કચ્છી સુન્ની મુસ્લિમ જમાત તરફથી ચાલતી સ્કૂલના માનદ્ મંત્રી છે. મદ્રેસામાં આજે ગ્રેજ્યુએટ લેવલનું શિક્ષણ અપાય છે. વિના સરકારી ગ્રાન્ટે ટ્રસ્ટ પગાર ચૂકવે છે. સંસ્થાનું પોતાનું બધી સવલતોયુક્ત મકાન છે. જ્યારે સ્કૂલ કરી ત્યારે ૪૦૦ લાખ શિલિંગ ખર્ચ થયેલું એમાં એકલા મૂર્તઝાએ ૧૦૦ લાખ શિલિંગ આપેલા. આ પછી થયેલા વધારાનું ખર્ચ તૂર્કી અને મોઝામ્મિલ પરિવારે ભોગવ્યું હતું.
તૂર્કી પરિવારના વડા દાદા અબ્દુલ્લા અને દાદીમા આયેશા કચ્છમાંથી આવેલા. આમાં બાના દાદા હાજી ઈબ્રાહીમ ૧૮૭૦માં આવેલા. હાજી ઈબ્રાહીમે પોતાના ભાઈ અહેમદને ૧૮૭૨માં બોલાવ્યા, તે મૂર્તઝાના દાદા અબ્દુલ્લાના પિતા. મૂર્તઝા અને સલીમ ઝાંઝીબારમાં જન્મેલા.
મૂર્તઝા હોંશિયાર વિદ્યાર્થી. ૧૯૭૨માં ૧૨મા પછી બે વર્ષ ટીચર્સ ટ્રેનિંગ કોલેજમાં ભણીને આગળ વધેલા. મૂર્તઝાના પિતા હસન પેઇન્ટર તરીકે સરકારી નોકરી કરતા. તે છૂટી જતાં આર્થિક મુશ્કેલી ઊભી થઈ. મૂર્તઝા સીવવાનો સંચો લાવ્યા. સ્ત્રી અને પુરુષ બંનેના કપડાં સીવે અને રોજ ૧૦૦ શિલિંગ કમાય.
નાનો ભાઈ સલીમ ઓછું ભણ્યો અને અનુભવે ઘડાયો. તે આફ્રિકન યુવતીને પરણ્યો છે. આ યુવતી સુંદર ગુજરાતી બોલે છે. શાકાહારી રસોઈ બનાવે છે. ઘરમાં એક રસોડે ૨૨ માણસ જમે છે. મૂર્તઝા પાસે આજે ૧૫૦ એકરનું લવિંગ, નારિયેળી અને મરીનું ફાર્મ છે. તેની ખૂબ આવક છે. સ્ટોર, પરિવહન, ફાર્મ અને બીજા ધંધાઓથી ખૂબ કમાતો આ પરિવાર હજી ગુજરાતી સંસ્કાર અને ભાષા સાચવીને અતિથિઓને આવકારતો ઝાંઝીબારમાં ગુજરાતને શોભાવે છે.