ટ્રુડોની સર્વસમાવેશી સરકાર પડકારોના સામના માટે સજ્જ

કેનેડા ડાયરી

મિતુલ પનીકર Wednesday 04th December 2019 03:02 EST
 
 

પ્રિય વાચકમિત્રો,

થોડા વિરામ પછી આપ સહુ સાથે મુલાકાત માટે હું સજ્જ છું. હું કેનેડામાં મારાં જીવનમાં બરાબર ગોઠવાતી જઉં છું. શિયાળો આવી ગયો છે અને ઘણી વખત બરફ પણ છવાયો છે. રાજકીય ક્ષેત્રે ઓક્ટોબરમાં જસ્ટિન ટ્રુડો બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા છે. જોકે, વિજ્ય ભવ્ય નથી. લઘુમતીમાં હોવાં છતાં તેમણે હિંમતથી સરકાર રચી છે. તેમની કેબિનેટમાં ભારતીય-પંજાબી મૂળના ચાર પ્રધાન મહત્ત્વના પોર્ટફોલિયો ધરાવે છે અને ખુદની પરંપરા અનુસાર લૈંગિક સમતુલા પણ છે. કેનેડાનું રાજકારણ રસપ્રદ છે પરંતુ, ભારતીય રાજકારણની ઉત્તેજના તેમાં નથી. મહારાષ્ટ્રમાં રાજકારણના જે દાવપેચ ખેલાયા તે જોવાં મળતા નથી.

હરજિત સજ્જને બીજી ટર્મમાં પણ ડિફેન્સ મિનિસ્ટ્રી જાળવી છે તો નવદીપ બૈન્સને સાયન્સ, ઈનોવેશન અને ઈન્ડસ્ટ્રી પોર્ટફોલિયો મળ્યો છે. બારદિશ છગ્ગર ડાયવર્સિટી એનેડ ઈન્ક્લુઝન એન્ડ યુથ મંત્રાલયમાં પ્રધાન છે જ્યારે અનિતા આનંદને પબ્લિક સર્વિસીસ એન્ડ પ્રોક્યોરમેન્ટ વિભાગ સોંપાયો છે. કેનેડામાં પ્રધાનપદ મેળવનાર અનિતા પ્રથમ હિન્દુ મહિલા સાંસદ છે. ગત ટ્રુડો કેબિનેટમાં ચાર શીખ પ્રધાન હતા પરંતુ, અમરજિત સોહી આ વખતે ચૂંટણી હારી ગયા છે.

નોવા સ્કોટિયામાં ભારતીય મૂળના પેરન્ટના સંતાન અનિતા આનંદ યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં કાયદાશાસ્ત્રના પ્રોફેસર હતાં. તેઓ કોર્પોરેટ ગવર્નન્સ અને શેરહોલ્ડર રાઈટ્સના ક્ષેત્રે માહિર છે. કેનેડા સરકાર મલ્ટિ ડોલર બિલિયનના નવાં ફાઈટર જેટ્સની ખરીદી કરી રહી છે ત્યારે આનંદ આ પોર્ટફોલિયો સંભાળશે.

વાનકુવર સાઉથના સાંસદ સજ્જન મૂળ પંજાબના હોશિયારપુરના છે અને પાંચ વર્ષના હતા ત્યારે તેઓ વાનકુવર આવ્યા હતા. ગેન્ગ ક્રાઈમ યુનિટમાં ડિટેક્ટિવ રહેલા સજ્જને કેનેડાના આર્મ્ડ ફોર્સીસમાં રીઝર્વ લેફ્ટનન્ટ-કર્નલની સેવા આપી છે તેમજ બ્રિટિશ કોલમ્બિયા રેજિમેન્ટના સભ્ય પણ છે. તેમણે ચાર સૈન્ય કાર્યવાહીમાં ભાગ લીધો છે અને સપ્ટેમ્બર ૨૦૧૧માં કોઈ પણ કેનેડિયન આર્મી રેજિમેન્ટમાં કમાન્ડ સંભાળનારા પ્રથમ શીખ બન્યા હતા. વિવાદી વ્યક્તિત્વ સજ્જન સામે ખાલિસ્તાની સમર્થક હોવાનો આક્ષેપ છે અને પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે ૨૦૧૭માં તેમની ભારે ઉપેક્ષા કરી હતી.

ઈમિગ્રન્ટ પેરન્ટના સંતાન બૈન્સ લાંબા સમયથી ટ્રુડોના મિત્ર અને સલાહકાર છે. પૂર્વ ફાઈનાન્સ એનાલિસ્ટ બૈન્સે વડા પ્રધાનના પાર્લામેન્ટરી સેક્રેટરી તરીકે સેવા આપી છે. ગયા વર્ષે યુએસના એરપોર્ટમાં સલામતી ચેકિંગ વેળા તેમને પાઘડી ઉતારવા જણાવાયું ત્યારે બૈન્સ આંતરરાષ્ટ્રીય સમાચારોમાં ચમક્યા હતા. બારદિશ છગ્ગર અગાઉ સ્મોલ બિઝનેસ અને ટુરિઝમના પ્રધાન હતા. તેઓ ૨૦૧૬માં હાઉસ ઓફ કોમન્સમાં સરકારના નવા લીડર બનનારાં પ્રથમ મહિલા બન્યાં હતાં.

હું ટેલિવિઝન પર શપથવિધિ નિહાળતી હતી ત્યારે મારાં વિચારો છેક ૧૯૧૪ના ભૂતકાળમાં કુખ્યાત કોમાગાટા મારુ ઘટનામાં ડુબકી મારી આવ્યા હતા. ભારતીય અને મુખ્યત્વે શીખ ઈમિગ્રન્ટ્સ સાથેનું આ જહાજ બે મહિના સુધી વાનકુવર ખાતે લાંગરેલું રહ્યું હતું અને છેવટે બળજબરીથી તેને ભારત પાછું મોકલી દેવાયું હતુ. આ જહાજમાં ૩૩૭ શીખ, ૨૭ મુસ્લિમ અને ૧૨ હિન્દુ મુસાફર હતા, જેઓ તમામ પંજાબના અને બ્રિટિશ નાગરિક હતા. માત્ર ૨૪ મુસાફરને અહીં ઉતરવાની પરવાનગી અપાઈ હતી. આવકારના અભાવથી કેનેડામાં ભારતીય ઈમિગ્રેશન ભારે મુશ્કેલ રહ્યું હતું. અતિશય જાતિ-રંગભેદ હોવાં છતાં કોમ્યુનિટીએ અહીં વિકાસ સાધ્યો અને જુઓ, આજે તેઓ ક્યાં પહોંચ્યા છે.

ટ્રુડો અને સંભવિત ‘વેક્ઝિટ’નું દુર્ભાગ્ય

કેબિનેટની રચના છતાં ટ્રુડોની સમસ્યાઓનો અંત આવ્યો નથી. પશ્ચિમી પ્રાંત આલ્બર્ટાની ભાગલાવાદી ચળવળ ‘વેક્ઝિટ- Wexit’ની વધતી રાજકીય કાનાફૂસીનો સામનો તેઓ કરી રહ્યા છે. એકાદ નાની ચિનગારી પણ ક્યારે વિનાશક આગમાં ફેલાઈ જાય તેની સંભાવના કોઈ નકારી શકે નહિ. પાશ્ચાત્ય અલગાવ દેશ માટે દીર્ઘકાલીન સમસ્યા રહી છે. નવી કેબિનેટ સાથે ટ્રુડોએ રાષ્ટ્રીય એકતા સામે જોખમની નાબૂદી અને ક્લાઈમેટ ચેન્જ સામે લડતને પ્રાધાન્ય આપવાને પ્રાથમિકતા આપવાની ઈચ્છાશક્તિ દર્શાવી છે.

જોકે, પશ્ચિમ (આલ્બર્ટા,સાસ્કેચવાન, માનિટોબા અને બ્રિટિશ કોલંબિયા)માં વધતા અસંતોષના પરિણામે રાજકીય અસ્થિરતા અને બદલાતા પરિદૃશ્યનો સામનો કરવો લઘુમતી સરકાર માટે શિરદર્દ છે. આ પ્રાંતોના લોકો મુશ્કેલીમાં રહેલી ઓઈલ અને ગેસ ઈન્ડસ્ટ્રી માટે ટેકાની માગણી કરતા રહ્યાં છે. એક નોંધપાત્ર રાજકીય પગલામાં ટ્રુડોએ ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનું પદ ઉભું કરી ક્રીસ્ટિઆ ફ્રીલેન્ડને આ પ્રાંતીય બખેડાને રાષ્ટ્રીય કટોકટીમાં બદલાતા અટકાવવાનું કાર્ય સોંપ્યું છે. તેમને હાલ યુએસ કોંગ્રેસમાં ચર્ચા હેઠળની વેપાર સમજૂતી બહાલી પ્રક્રિયા પર દેખરેખમાં મદદનું કાર્ય પણ સોંપાયું છે. પશ્ચિમને ખુશ કરવાના નાના પ્રયાસમાં તેમણે પૂર્વ ટ્રેડ મિનિસ્ટર જિમ કારને આલ્બર્ટા માટેના વિશેષ પ્રતિનિધિ, ક્યુબેકના આંતરરાષ્ટ્રીય ધારાશાસ્ત્રી ફ્રાન્કોઈઝ-ફિલિપ શેમ્પેનને નવા ફોરેન એફેર્સ મિનિસ્ટર તેમજ મોન્ટ્રીઅલના પાબ્લો રોડ્રીગ્ઝને ગૃહના નેતાપદે નિયુક્ત કર્યા છે.

આ બધુ તો ઠીક છે, લિબરલ મિનિસ્ટર્સ પોતાની ફરજો કેવી સારી બજાવે છે તે જોવાનું રહે છે. દેશમાંથી EXIT (ભાગલા) થવાં સાથે શું થાય છે તેનો આપણને સુપેરે અનુભવ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter