ડર્બનમાં ગુજરાતી હિંદુ સંસ્કૃતિ કેન્દ્ર

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Friday 03rd May 2019 05:12 EDT
 
 

વિશ્વના અનેક દેશોની મુલાકાત લઈને ત્યાંના ગુજરાતીઓની પ્રવૃત્તિ અને સંસ્કૃતિ ટકાવવાના પ્રયાસો મેં જોયા અને જાણ્યા છે પણ દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં ત્યાંનાં ગુજરાતીઓએ જે કર્યું છે તે અનન્ય છે. લાજવાબ છે. અમેરિકા, ઈંગ્લેન્ડ વગેરેમાં ગુજરાતીઓની વસ્તી દક્ષિણ આફ્રિકાથી ઘણી વધારે છે છતાં દક્ષિણ આફ્રિકાના ડર્બન જેવી જેટલી પ્રવૃત્તિ દેખાતી નથી. આ રીતે દક્ષિણ આફ્રિકાથી આ ગુજરાતીઓ રાહબર બની રહે તેવા છે.
મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં દાદા અબ્દુલ્લાના એક કેસમાં તેમના ગોરા વકીલને કેસના મુદ્દા અંગ્રેજીમાં સમજાવી શકે તે માટે તે ગયેલા પણ ૨૨ વર્ષ પછી તે પાછા ફર્યા ત્યારે મોહનદાસને બદલે મહાત્મા ગાંધી બનીને પાછા ફર્યા હતા. કોચરબ આશ્રમ પહેલાં લોકસેવકોના નિવાસરૂપ ફિનિક્સ આશ્રમ પણ ગાંધીજીએ ડર્બન નજીક સ્થાપ્યો હતો. દક્ષિણ આફ્રિકાથી આપણને મહાત્મા મળ્યા અને લોકસેવકોના સામૂહિક નિવાસ જેવો આશ્રમ મળ્યો.
ભારતમાં આજેય નાતજાતની વાડાબંધી છે. દક્ષિણ આફ્રિકાના ગુજરાતીઓએ સમય-સંજોગો પ્રમાણે ટકી રહેવા વાડાબંધી આજથી સો કરતાં ય વધારે વર્ષ પહેલાં દૂર કરી હતી. આ રીતે પણ દક્ષિણ આફ્રિકાના ગુજરાતીઓ આપણા રાહબર બને તેવા છે. દક્ષિણ આફ્રિકામાં મતિયા, ભક્તા, ચરોતરિયા અને લેઉઆ પાટીદારો ૧૯મી સદીના અંત પહેલાં પહોંચી ગયા હતા. રોટલાની શોધમાં શ્રમજીવી સમાજ ત્યાં પહોંચ્યો પણ સંખ્યા થોડી. દીકરા-દીકરીને પરણાવવા માટે વતનમાં જવાનું થાય તો પણ છોકરો કે છોકરી શોધતાં વાર થાય. રહેવું પડે એટલે ખર્ચ વધે. જવા-આવવાનું આખા પરિવારનું ખર્ચ થાય. દક્ષિણ આફ્રિકામાં સ્વજ્ઞાતિ જૂથમાં યોગ્ય પાત્ર ઓછાં હતાં. આવા સંજોગોમાં નાના નાના વાડાં તોડીને છેક ૧૯૧૦માં તેમણે પાટીદાર સમાજની સ્થાપના કરી. આવું જ થયું. દક્ષિણ આફ્રિકા રાજપૂત ધોબી સમાજમાં તેમણે નાના નાના વાડાં તોડીને ૧૯૧૦માં દક્ષિણ આફ્રિકા રાજપૂત ધોબી સમાજની સ્થાપના કરી. તે જમાનામાં આ બધું ડર્બનની આસપાસ થયું.
ડર્બનના ગુજરાતીઓએ જેમ સામાજિક સંબંધો અને પ્રવૃત્તિ માટે વાડાબંધી તોડીને સામાજિક એકતા સ્થાપી તેવી જ રીતે સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ માટે પણ નાના નાના સાંસ્કૃતિક મંડળોને જોડવાનું કર્યું. કાઠિયાવાડ હિંદુ સેવા સમાજ, શ્રી સપ્તાહ અને સુરત હિંદુ સેવા સમાજને એક કરીને સહિયારું સાહસ સર્જ્યું તે ગુજરાતી હિંદુ સંસ્કૃતિ કેન્દ્ર. સૌરાષ્ટ્ર અને સુરત બે પ્રદેશો સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે એક થયાં. આમાં પુષ્પાબહેન જુઠા નામના મહિલા આગેવાને ભાગ ભજવ્યો. તેમને દક્ષિણ આફ્રિકાના નામાંકિત ઉદ્યોગપતિ સુધીર પ્રાગજી અને રાજકીય અગ્રણી પ્રવિણ ગોરધનનો સાથ મળ્યો. પ્રવિણ ગોરધન પછીના જમાનામાં દક્ષિણ આફ્રિકાના નાણાં પ્રધાન બન્યા હતા.
ગુજરાતી હિંદુ સંસ્કૃતિ કેન્દ્ર ભવ્ય, વિશાળ અને બહુમજલી મકાન ધરાવે છે. મકાન અદ્યતન સગવડોથી સુસજ્જ છે. આવું મોટું અદ્યતન અને પ્રવૃત્તિ વૈવિધ્યથી ધમધમતું બીજું કોઈ ગુજરાતી સાંસ્કૃતિક સંસ્થાનું મકાન મેં દરિયાપાર જોયું નથી. મકાનમાં સનાતન મંદિર છે. તેમાં રોજ બંને વખત પૂજા-આરતી થાય છે. હિંદુ તહેવારોની નિયમિત ઊજવણી થાય છે. ભાતભાતનાં વ્રત - સામૂહિક રીતે ઊજવાય છે. મંદિરનો સભાખંડ ભવ્ય છે. તેમાં અવારનવાર વિદ્વાન, વક્તા અને પંડિતોના વ્યાસાસને કથા-સપ્તાહ વગેરે યોજાય છે. પ્રવચનો યોજાય છે. ભારતીય સંતો કે વિદ્વાનોનાં પ્રવચન ગોઠવાય છે.
સ્વામી ચિદાનંદજી, રમેશભાઈ ઓઝા, છોટે મોરારિ બાપુ તરીકે જાણીતા પ્રફુલ્લભાઈ શુક્લ, શ્રી શ્રી રવિશંકર, શ્રી કિરીટભાઈ ભટ્ટ, ડિવાઈન લાઈફ સોસાયટીના સ્વામી સહજાનંદજી, સાધ્વી ભગવતીજી વગેરેએ સંસ્થા અને મંદિરની મુલાકાત લઈને સંસ્થાના સભાખંડમાં પ્રવચન કર્યાં છે. અનુપ જલોટા જેવા સંગીતકાર, અમિતાભ બચ્ચન જેવા મહાનાયક અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ સંસ્થાનું આતિથ્ય માણ્યું છે.
સંસ્થા દક્ષિણ આફ્રિકાના હિંદુઓની કેન્દ્રસ્થ સંસ્થા છે. અહીં શૈવ, વૈષ્ણવ, સનાતની, સ્વામીનારાયણ અને જૈન સંતોને વિના ભેદભાવે પૂરા સન્માન સાથે આમંત્રણ આપીને તેમનાં કાર્યક્રમો ગોઠવાય છે.
સંસ્થાનું અગત્યનું અને અનન્ય કામ તે સંસ્થાએ કરેલ નિવૃત્ત વાનપ્રસ્થો માટે કરેલી નિવાસની જોગવાઈ. આમાં ૬૦ સિંગલ અને ૧૫ ડબલ મળીને કુલ ૭૫ રૂમની જોગવાઈ છે. બધી રૂમો વાતાનુકૂલિત, પૂરતા હવાઊજાસ અને ફર્નિચરથી સજ્જ છે. સંસ્થાની કેન્ટિનમાં બંને વખત તેમના માટે જમવાની જોગવાઈ છે. ચા-પાણી અને નાસ્તાના વૈવિધ્યનો આ નિવાસીઓને લાભ મળે છે. કપડાં ધોવા માટે લોન્ડ્રી મશીન ઉપલબ્ધ છે. નિયમિત દરેક રૂમની સફાઈ થાય છે. જરૂર પડ્યે રૂમમાં ચા-નાસ્તો અને ભોજન મંગાવી શકાય છે.
મંદિરની કેન્ટિનમાં પૈસા ચૂકવીને અન્ય વ્યક્તિઓ પણ જમી શકે છે. આના કારણે પત્ની બહારગામ ગઈ હોય કે બીમાર હોય તો જમવાની મુશ્કેલી ના રહે. વધારામાં નોકરી કરતી એકાકી વ્યક્તિઓ માટે આ સગવડ રાહતરૂપ છે. અહીંથી ટિફીન ઘરે લઈ જવાની પણ જોગવાઈ છે. લગ્ન, બાધા, સ્નેહમિલન, જન્મદિનની ઊજવણી માટે અહીંના ગુજરાતીઓ સભાખંડનો અને કેન્ટિનનો ઉપયોગ કરી શકે છે.
અહીં ગુજરાતી અને હિંદી શીખવવાના નિયમિત વર્ગો ચાલે છે. આવી જ રીતે નૃત્ય, સંગીત અને વાદ્યો શીખવવાના વર્ગો પણ ચાલે છે.
ડર્બનના આ ગુજરાતી હિંદુ સંસ્કૃતિ કેન્દ્ર વિદેશમાંનાં ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્રોમાં નોખી ભાત પાડે છે અને પ્રવૃત્તિઓમાં પ્રેરક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter