ડાબેરીઓની નસ્લવાદી નફરત કૂચ અને રેસિસ્ટ સત્ય

કપિલ દૂદકીઆ Tuesday 21st November 2023 15:29 EST
 
 

એક મિત્રે પ્રશ્ન કર્યો, શું આ વિશ્વ પાગલ થઈ ગયું છે. જૂના ‘સારા’ દિવસોમાં તો રેસિસ્ટો (નસ્લવાદી, રંગભેદીઓ) સાથે કેવો પનારો પડ્યો છે તે વિશે આપણે જાણતા હતા. જો તમે ગોરા-શ્વેત ન હો તો તમારી સાથે ધૂળ જેવો વ્યવહાર કરાતો અને તક મળ્યે હુમલાઓ કરાતા હતા. 60ના દાયકામાં ઉછર્યા ત્યારે જાણ હતી કે આપણી સાથે કેવું વર્તન કરાશે. શાળાએ જાઓ ત્યારે તમને ગમે તે પ્રકારના અપમાનવાચક શબ્દોથી બોલાવાતા અને ઘેર પરત જતી વખતે શ્વેત યુવાનોની ગેન્ગ્સના હુમલાઓ થતા. ઘેર આવો, સ્વચ્છ થાઓ, હોમવર્ક કરી લો, નહિતર ઘરમાં પણ નરક જેવું વાતાવરણ સર્જાઈ જતું.

આ 21મી સદીમાં તમારી સમક્ષ દરેક પ્રકારના નસ્લવાદીઓ છે પરંતુ, વર્તમાનના રેસિસ્ટ બહુમુખી વ્યક્તિત્વો સાથેના અસહિષ્ણુ ધર્માંધ લોકો છે. તેઓ માત્ર જાતિ, વર્ણ-રંગ, ધર્મ, લિંગ અને વર્ગના આધારે જ ભેદભાવ દર્શાવતા નથી પરંતુ, આ યાદીમાં સંપત્તિ, રાષ્ટ્રીયતા, સંસ્કૃતિ, ભાષા અને સૌથી વધુ મહત્ત્વનું કારણ તેમની કહેવાતી જાગૃત વિચારધારાથી સર્જાયેલું અજ્ઞાન પણ સામેલ થઈ ગયાં છે. દાયકાઓ સુધી ડાબેરીઓના રાજકારણથી છવાયેલું યુરોપનું આ રેસિસ્ટ મર્મસ્થાન અત્યાર સુધી છુપાયેલું રહ્યું હતું. હવે આપણે જાણીએ છીએ કે તે તો ત્યાં જ હતું પરંતુ, ડાબેરી રેસિસ્ટોના આ સત્યને વાકપટુતા અને સામાન્ય શબ્દોએ છુપાવી દીધું હતું. જોકે, ઈઝરાયેલ અને પેલેસ્ટિનીઅન હમાસ વચ્ચેના યુદ્ધે આ બધાનો પર્દાફાશ કરી નાખ્યો છે. આપણે ભૂલી ન જઈએ કે પેલેસ્ટિનીઅન હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. તેમણે સેંકડો લોકોની હત્યા કરી, સ્ત્રીઓ અને યુવા છોકરીઓ પર બળાત્કારો કર્યાં, નાના બાળકોને રહેંસી નાખ્યા અને ઘણા લોકોને બંધક બનાવી બાનમાં રાખ્યા. કોઈ પણ દેશ બેસી રહે અને આનો પ્રત્યાઘાત નહિ આપે તેમ સ્વીકારી લેવાનું અપેક્ષિત ના હોય. ઈઝરાયેલને આત્મરક્ષાનો કાનૂની અધિકાર છે. ઈઝરાયેલ સામે ફરી કદી હુમલો થવાના જોખમનું અસ્તિત્વ જ ના રહે એટલી હદ સુધી તેને નષ્ટ કરી ન દેવાય ત્યાં સુધી યુદ્ધવિરામ શક્ય નથી.

હું યુદ્ધવિરામને ફગાવી દેવાના મજબૂત અભિગમ બદલ વડા પ્રધાન સુનાક, પ્રેસિડેન બાઈડેન,વડા પ્રધાન મોદી, પ્રેસિડેન્ટ મેક્રોં અને કેર સ્ટાર્મરની પણ પ્રશંસા કરું છું. તેઓ જાણે છે કે વાસ્તવિક જોખમનું અસ્તિત્વ રહેશે જ અને તેનો અર્થ એ છે કે હમાસના હુમલાઓનું ચક્ર ચાલતું રહેશે. આશ્ચર્યકારક રીતે યુરોપ, અમેરિકા અને અન્ય દેશોમાં હજારો લોકો નફરત કૂચમાં ભાગ લેતા હોય તેવા પાગલપનના આપણે સાક્ષી બન્યા છીએ. આવી કહેવાતી કૂચ કે સરઘસની સેંકડો તસવીરો મેં નિહાળી છે અને તમને કલ્પના પણ નહિ આવે કે આમાંથી કોઈ કૂચમાં પેલેસ્ટિનીઅન હમાસને વખોડાયું હોય તેવી એક પણ તસવીર જોવા મળી નથી. પેલેસ્ટિનીઅન હમાસના ત્રાસવાદને વખોડતા એક પણ પ્લેકાર્ડ, એક પણ બેનર કે એક પણ સૂત્રોચ્ચાર જણાયા નથી.

અતિ જમણેરીવાદીઓનું રેસિઝમ એક સાતત્ય ધરાવે છે. તેઓ શ્વેત ન હોય તેવા કોઈને પણ તિરસ્કારે છે. જોકે, પોતાને મધ્યમાર્ગી કહેવડાવતા અથવા ડાબેરીઓ કે BAME કોમ્યુનિટીના હિસ્સારૂપ સમૂહોએ આખરે પોતાનો સાચો રંગ દર્શાવ્યો છે. આ ભેદભાવ દર્શાવતા નવા યુગના નસ્લવાદીઓની માળાને એકમાં પરોવતો દોરો સામાન્ય છે અને તે યહુદીઓ અને ભારતીયો (ખાસ કરીને હિન્દુ, શીખ અને જૈન) પ્રત્યે વધતી રહેલી ઘૃણાનો છે અને આ નફરતનું મૂળ કટ્ટરવાદી ઈસ્લામિક અને (માર્ક્સવાદી પણ) વિચારધારા છે.

આ બાબત કેર સ્ટાર્મર માટે સમસ્યા સર્જે છે કારણકે લેબર પાર્ટીના ઘણા સભ્યો તેમજ તેમને મત આપનારા ઘણા લોકો એવા સમૂહના સભ્યો છે જેઓ પાસે આ પૂર્વગ્રહો પર આધાર રાખી ધાર તીક્ષ્ણ કરતી કુહાડી છે. સ્ટાર્મરે તાજેતરમાં એન્ટિસિમેટિઝિમ અને હિન્દુવિરોધી લાગણીઓને કદાચ દબાવી તો દીધી છે પરંતુ, ઈઝરાયેલ અને પેલેસ્ટિનીઅન હમાસ વચ્ચેના આ યુદ્ધે આ નસ્લવાદીઓ કેટલી હદે લેબરના પાયાના મતદારોમાં ઊંડે સુધી ધરબાઈને રહેલા છે તે દર્શાવી દીધું છે.

હિન્દુઓ, જૈનો અને શીખો સિવાય મોટા ભાગના આપણા જ્યુઈશ મિત્રોની પડખે ઉભા રહ્યા છે ત્યારે જોવાની વાત એ છે કે BAME કોમ્યુનિટીના કેટલાક સભ્યો ઈસ્લામિક કટ્ટરવાદીઓના મદદગાર બની રહ્યા છે. તમે કલ્પના પણ કરી શકો છો કે આપણે એવો દિવસ જોઈ રહ્યા છીએ જ્યારે યુરોપિયનો તેમના સંસ્થાનવાદી ગુલામો સાથે મળીને યુરોપની શેરીઓમાં ઈઝરાયેલની વિરુદ્ધ કૂચ કરતા દેખાય!હા, આ એ જ યુરોપ છે જેણે જર્મનોએ યહુદીઓના નરસંહાર આચર્યો ત્યારે આંખ આડા કાન કરી દીધા હતા. એ સમયે આપણે કહ્યું હતું કે હવે ફરી કદી નહિ પરંતુ, આપણા યહુદી મિત્રો સમક્ષ ઉચ્ચારેલું એ વચન કેટલું ખોખલું હતું જ્યારે તેઓ ફરી ભયભીત જીવનનો સામનો કરી રહ્યા છે. પરંતુ, આ વખતે તો તેઓ BAME કોમ્યુનિટીના કેટલાક નૈતિક સંદેહાસ્પદ લોકો દ્વારા પણ હુમલાઓનો સામનો કરી રહ્યા છે.

કેર સ્ટાર્મર કદાચ યોગ્ય નિર્ણય લેવા જેવા ચાલાક હશે પરંતુ, મને શંકા છે છે કે તેમની પાર્ટીમાં ઘણા લોકો ઈસ્લામિક કટ્ટરવાદીઓનું તુષ્ટિકરણ થાય તેવા મંતવ્યો ધરાવતા હશે. શું આ દેશને આવા પક્ષને સત્તાસ્થાને બેસાડવાનું પોસાઈ શકે ખરું?

ઘણા બાળકો પણ ઈઝરાયેલ વિરુદ્ધ દેખાવોમાં સામેલ થવામાં શાળાને ગુમાવી રહ્યા છે. ‘નદીથી સમુદ્ર’નું હમાસનું લક્ષ્ય આ નફરતી કૂચકારો માટે સ્તુતિગીત બની રહ્યું છે. નવા યુગના ભેદભાવી નસ્લવાદીઓએ તેમની ‘વોક-જાગરૂક’ ખિલાફત સ્થાપી દીધી છે. પોતાના ભ્રમિત વોક વિશ્વમાં રાચનારા આપણા જ લોકો આપણને નુકસાન પહોંચાડવાની ઈચ્છા ધરાવનારાઓના ઉદ્દેશની હિમાયત કરતા હોય તેવા જોખમમાંથી જાગી તેમનો સામનો કરવામાં લોકો કેટલો સમય લેશે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter