અસમંજસમાં અટવાતી કોંગ્રેસ

Thursday 09th April 2015 03:08 EDT
 

ભારતનો સૌથી જૂનો રાજકીય પક્ષ કોંગ્રેસ નેતાગીરીના મુદ્દે અવઢવમાં અટવાઇ રહ્યો છે. પક્ષમાં નેતૃત્વના મુદ્દે જે માહોલ પ્રવર્તે છે તે જોતાં તો એવું લાગે છે કે લોકસભાની છેલ્લી ચૂંટણીઓ અને તેની આગળ-પાછળ યોજાયેલી વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં લગાતાર પરાજય છતાં પક્ષે જાણે હમ નહીં સુધરેંગેના શપથ લીધા છે. ચૂંટણીઓમાં ઉપરાછાપરી પરાજયનાં કારણોની ઇમાનદારીપૂર્વક સમીક્ષા કરીને જનતાનો વિશ્વાસ જીતવાના રસ્તાઓ શોધવાને બદલે પક્ષ આજેય ભારે અસમંજસમાં ડૂબેલો જોવા મળે છે. કોંગ્રેસ પક્ષની સંગઠનાત્મક ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થયાના ચાર જ દિવસમાં પક્ષના ઉપપ્રમુખ રાહુલ ગાંધી આવતા મહિને પક્ષનું પ્રમુખપદ સંભાળશે તેવા અહેવાલો આવ્યાં છે. જો રાહુલબાબા મે મહિનામાં પક્ષના પ્રમુખપદે બેસવાના જ હોય તો પછી સપ્ટેમ્બરના અંતમાં યોજાનારી સંગઠનાત્મક ચૂંટણીના માધ્યમથી પક્ષના પ્રમુખ ચૂંટવા આવશે તેવો ઢંઢેરો શા માટે પીટવામાં આવ્યો છે?
આ અહેવાલના થોડાંક જ કલાકોમાં સોનિયાના ખાસંખાસ મનાતાં શીલા દીક્ષિતના પુત્ર સંદિપ દીક્ષિતે ૯૯ ટકા કોંગ્રેસીઓ પ્રમુખપદે સોનિયા ગાંધી જ યથાવત્ રહે એમ ઇચ્છે છે એવું નિવેદન કરીને કાંકરીચાળો કર્યો. તેમના શબ્દોનો બીજો અર્થ એવો થાય કે અત્યારે કોઇ કોંગ્રેસી પ્રમુખપદે રાહુલબાબાને ઇચ્છતો નથી. બીજી તરફ, રાહુલ ગાંધીના રાજકીય સલાહકાર મનાતા દિગ્વિજય સિંહે શબ્દો ચોર્યા વિના જાહેર કર્યું છે કે એક પેઢી પછી બીજી પેઢી આવે એ તો કુદરતનો ક્રમ છે એટલે હવે રાહુલને પ્રમુખપદ સોંપવાનો સમય પાકી ગયો છે. દિગ્વિજય સિંહે તો હાલ ભોંભીતર થઇ ગયેલા રાહુલબાબા ૧૯ એપ્રિલે જમીનસંપાદન ખરડાવિરોધી રેલીમાં હાજર હશે તેવી જાહેરાત પણ કરી છે. આ સમગ્ર ઘટનાક્રમ સદીપુરાણા કોંગ્રેસ પક્ષ માટે નિરાશાજનક છે.
ભૂતકાળમાં કોંગ્રેસે અનેક ચૂંટણીઓ જીતી પણ છે અને અનેકમાં પરાજય પણ વેઠ્યો છે. પક્ષ અનેક વખત મુશ્કેલીઓમાંથી પસાર થયો છે. પક્ષમાં બળવાનો માહોલ પણ સર્જાયો છે. અને પક્ષમાં ભાગલા પડતાં પણ જોવા મળ્યા છે. આમ છતાં કોંગ્રેસ પક્ષ આજના જેવી અવઢવની સ્થિતિમાં ક્યારેય જોવા મળ્યો નથી. સંસદમાં સૌથી મહત્ત્વનું બજેટ સત્ર ગણાય છે, પણ ‘પક્ષના તારણહાર’ ગણાતા નેતા રાહુલબાબાએ એક દિવસ પણ ગૃહમાં હાજર રહ્યા નથી. અરે, અત્યારે તેઓ ક્યાં છે અને ક્યારે પાછા ફરશે એ પણ કોઇ જાણતું નથી!
મોદી સરકારનું એક વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે. રાજ્યસભામાં બહુમતી ન ધરાવતી એનડીએ સરકારને તેના મહત્ત્વાકાંક્ષી જમીનસંપાદન ખરડા મુદ્દે ભીંસમાં લેવાનો સોનેરી મોકો છે, પણ મુખ્ય વિરોધ પક્ષ તેના પ્રમુખપદની આંતરિક ખેંચતાણમાં રત છે. આવી સ્થિતિ ન તો પક્ષ માટે સારી ગણાય કે ન તો લોકશાહી માટે. પક્ષના હાઇકમાન્ડે જો રાહુલ ગાંધીને પ્રમુખપદ સોંપવાનો નિર્ણય લઇ જ લીધો હોય તો છેક સપ્ટેમ્બર મહિના સુધી રાહ શા માટે જોવાની? આગામી એક વર્ષ દરમિયાન બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ અને તામિલનાડુ જેવા મોટાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. અત્યારે તો પક્ષે ચૂંટણીમાં થયેલાં પરાજયની વ્યથામાંથી બહાર નીકળીને આગામી ચૂંટણીઓની રણનીતિ ઘડવા કમર કસવાની હોય. સતત પરાજયથી નિરાશાની ગર્તામાં ડૂબી ગયેલા કાર્યકરોમાં ચેતનાનો સંચાર કરવાનો હોય. અને કેન્દ્ર સરકારને ભીડવવા માટે વેરવિખેર વિરોધ પક્ષને એકતાંતણે બાંધવાનો પ્રયાસ કરવાનો હોય. પરંતુ કોંગ્રેસના કમનસીબે આમાંનું કંઇ થઇ રહ્યું નથી.
રાહુલબાબા પક્ષને સબળ, દૂરંદેશીભર્યું નેતૃત્વ પૂરું પાડવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે ત્યારે બહુમતી કોંગ્રેસીઓ પ્રમુખપદે સોનિયા ગાંધીને ઇચ્છતા હોય તો તેમાં કંઇ અસ્વાભાવિક નથી. સીતારામ કેસરીની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષ સતત નબળો પડી રહ્યો હતો ત્યારે આ જ સોનિયા ગાંધીએ પક્ષનું સુકાન સંભાળ્યું હતું. સક્રિય રાજકારણનો અનુભવ ન હોવા છતાં તેમણે કોંગ્રેસના કાર્યકરોને ચેતનવંતા કર્યા અને મરણપથારીએ પડેલા સંગઠનમાં પ્રાણ ફૂંક્યા હતા. ૨૦૦૪ તથા ૨૦૦૯ એમ લાગલગાટ બે લોકસભા ચૂંટણી જીતી બતાવી હતી. આ જ કારણસર પક્ષના લાખો કાર્યકર્તાઓ આજેય રાહુલ ગાંધી કરતાં સોનિયા ગાંધીમાં વધુ વિશ્વાસ ધરાવે છે. પક્ષને આજે ફરી આવા જ સબળ નેતૃત્વની જરૂર છે. કોંગ્રેસના પ્રમુખપદે સૌથી લાંબો સમય રહેવાનો રેકોર્ડ ધરાવતા સોનિયા ગાંધીએ ફરી સક્રિય ભૂમિકા નિભાવીને પક્ષના નેતૃત્વથી માંડીને પાયાના કાર્યકરમાં પ્રવર્તતી અસમંજસ દૂર કરવાની જરૂર છે. પક્ષને ફરી સત્તાના સિંહાસને પહોંચાડવા માટે જ નહીં, પરંતુ પ્રચંડ બહુમતી ધરાવતી સરકાર પર અંકુશ માટે પણ આ જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter