આંતરિક જળમાર્ગ વિકાસની સ્તુત્ય અને મહત્ત્વાકાંક્ષી યોજના

Tuesday 20th November 2018 14:15 EST
 

તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી હુગલી જળમાર્ગ રાષ્ટ્રને અર્પણ કર્યો હતો, જે આંતરમાળખાકીય સુવિધામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. કોલકાતાના હાલ્ડીઆથી વારાણસી સુધી ગંગા નદી પરના આંતરિક જળમાર્ગ પર વિશાળ કન્ટેઈનર સેવા પ્રથમ વખત શરુ કરાઈ છે. વડા પ્રધાન મોદીએ ગંગા નદી પરના નવનિર્મિત વારાણસી ઈન્લેન્ડ પોર્ટ પર વિશાળ માલવાહક જહાજ ‘એમવી રબિન્દ્રનાથ ટાગોર’ને આવકાર્યું હતું. નોંધપાત્ર બાબત એ કહેવાય કે કોલકાતાથી આ જહાજમાં ૧૬ કન્ટેઈનર્સ આવ્યાં હતા, જે અનેક ટ્રક ભરીને લવાતા ખાદ્યપદાર્થોની સમકક્ષ હતા. વળતી મુસાફરીમાં તેમાં ઈફ્કોનું ખાતર રવાના કરાયું હતું. ભારતની આઝાદી પછી આંતરિક જળમાર્ગ પર કન્ટેઈનર સેવાની આ પ્રથમ અને મહત્ત્વાકાંક્ષી ઘટના છે.
સરકારના જળમાર્ગ વિકાસ પ્રોજેક્ટ અન્વયે ગંગા નદીના વારાણસીથી હાલ્ડીઆ સુધીના વિશાળ પટ પર ૧૫૦૦થી ૨૦૦૦ ટનના વજનના ભારેખમ જળવાહનોની અવરજવર કરી શકાશે. આ પ્રોજેક્ટની વાત કરીએ તો તેનું ધ્યેય સસ્તા અને પર્યાવરણલક્ષી આંતરિક જળમાર્ગો થકી માલસામાનનાં પરિવહનને ઉત્તેજન આપવાનું છે. પશ્ચિમ બંગાળના હાલ્ડીઆથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અલ્લાહાબાદ) સુધીના આ જળમાર્ગને નેશનલ વોટરવે-૧ નામ અપાયું છે. અંદાજિત ૫,૩૬૯ કરોડ રુપિયાના ખર્ચ સાથેના આ જળમાર્ગ પ્રોજેક્ટને વિશ્વ બેન્ક તરફથી ટેકનિકલ અને નાણારોકાણ સહાય પણ મળી છે. ભારત સરકાર અને વિશ્વ બેન્ક કુલ ખર્ચનો ૫૦-૫૦ ટકા હિસ્સો વહેંચી લેશે તે પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પ્રોજેક્ટમાં વારાણસી, સાહિબગંજ અને હાલ્ડીઆ ખાતે ત્રણ મલ્ટિ-મોડેલ ટર્મિનલ્સ, બે ઈન્ટર-મોડેલ ટર્મિનલ્સ અને પાંચ રો-રો (રોલ-ઓન-રોલ-ઓફ) ટર્મિનલનાં નિર્માણનો પણ સમાવેશ કરાયો છે.
રેલવે અને માર્ગ પરિવહનની સરખામણીએ જળમાર્ગ કે જળ પરિવહન સૌથી સરળ અને સસ્તી પદ્ધતિ છે. પ્રાચીન ભારતમાં નદી અને નહેર દ્વારા પરિવહનની ભૂમિકા રહી હતી. જોકે, રોડ અને રેલવેના વિકાસને મહત્ત્વ અપાયા પછી તેમાં ભારે ઘટાડો નોંધાયો હતો. મોદી સરકારે ભારતના વિસરિત જળમાર્ગોને નવેસરથી વિકસાવવાનું બીડું ઝડપ્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન, ધોરી માર્ગો અને શિપિંગ મંત્રાલયનો હવાલો ધરાવતા નીતિન ગડકરીએ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં દેશના ૧૧૧ રાષ્ટ્રીય જળમાર્ગોમાંથી ૧૦ જળમાર્ગને પુનઃ કાર્યરત બનાવવાની જાહેરાત કરી જ છે. જોકે, આ ભગીરથ કાર્ય છે છતાં, ‘મન હોય તો માળવે જવાય’ તે હકીકત છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ જળ પરિવહન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આસામ, પશ્ચિમ બંગાળ, ઓડિશા તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં આંતરિક જળમાર્ગો વિશેષ સ્થાન ધરાવે છે. આસામ અને કોલકાતા વચ્ચે કુલ ટ્રાફિકનો અડધો હિસ્સો આંતરિક જળમાર્ગ વડે જ પૂરો થાય છે. કેરળમાં પણ નદીઓ અને બેકવોટર્સ માલસામાન અને લોકોની હેરફેરમાં મહત્ત્વ ધરાવે છે.
આપણે ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી ઘોઘા- દહેજ દરિયાઈ ફેરી સેવા નવેસરથી શરુ કરાઈ છે. ભરુચ જિલ્લાનું દહેજ ખંભાતના અખાતમાં પૂર્વ તરફ જ્યારે, સૌરાષ્ટ્રનું ઘોઘા અખાતના પશ્ચિમ કાંઠે આવેલું છે. આ બંને સ્થળો વચ્ચે રોડ માર્ગનું અંતર ૩૬૦ કિલોમીટર છે, જે કાપતાં સાતથી આઠ કલાક લાગતા હતા. ખંભાતના અખાત સાથે જોડાયેલી આ સેવાથી હવે માત્ર દોઢથી બે કલાકમાં જ અંતર કાપી શકાશે. સમયની સાથે પેટ્રોલ-ડીઝલની બચત થશે અને હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટશે. જળ પરિવહન વિકસાવવા હવે ડિસેમ્બરમાં હજીરાથી ઘોઘા અને ભવિષ્યમાં મુંબઇથી ઘોઘા તેમજ પીપાવાવ, જાફરાબાદ, દમણ અને દિવને પણ ફેરી સર્વિસ સાથે જોડવાની પણ યોજના છે. ઉલ્લેખનીય છે કે યુકેના ડોવર પોર્ટ પરથી યુકે- ફ્રાન્સ વચ્ચે ચાલતી ફેરી સર્વિસને અનુસરીને આ પ્રકલ્પ તૈયાર કરાયો છે.
આંતરિક જળમાર્ગોની વાત કરીએ તો ભારતની સરખામણીએ ચીન તેના નિર્માણ અને ઉપયોગમાં ઘણું જ આગળ છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કનો રિપોર્ટ કહે છે તેમ ભારત અને ચીન દ્વારા સસ્તાં, ઓછાં પ્રદૂષિત અને ઓછાં કાર્બન એમિશન સાથેનાં જળ પરિવહનમાં મોટા પાયે રોકાણ કરાય તે વધુ ઈચ્છનીય છે. ચીન દ્વારા તેના આંતરિક જળમાર્ગો થકી માલસામાનનું વહન તેના કુલ પરિવહનના ૮.૭ ટકા છે, જેની સરખામણીએ ભારત માત્ર ૦.૫ ટકા પરિવહન કરે છે. આ સ્થિતિમાં સુધારો લાવવાની ખાસ આવશ્યકતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter