આઇસીજેનો ચુકાદોઃ પાકિસ્તાન ફરી બેનકાબ

Tuesday 23rd May 2017 13:03 EDT
 

પાકિસ્તાનના જૂઠાણાંનો વધુ એક વખત જગતચોતરે પર્દાફાશ થયો છે. ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને જાસૂસ ઠરાવીને તેમને ફાંસીના માંચડે લટકાવી દેવાના આદેશ સામે મનાઇહુકમ ફરમાવી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)એ પાકિસ્તાનને જોરદાર આંચકો આપ્યો છે. ભલે આ આદેશ વચગાળાનો છે, પરંતુ ભારત માટે રાજદ્વારી અને કાનૂની મોરચે આ બહુ મોટી જીત છે. આ કાનૂની જંગના પહેલા જ તબક્કે વિજય મેળવીને ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને નીચાજોણું કરાવ્યું છે તેમાં બેમત નથી.
કોર્ટે સુનાવણીના પ્રારંભે જ પાકિસ્તાનની દલીલ ફગાવી દેતાં સ્પષ્ટ કરી દીધું હતું કે આ મામલે સુનાવણી કરવાનો તેને સંપૂર્ણ અધિકાર છે. ભારતે કોર્ટમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી કે જાધવનું ઇરાનથી અપહરણ કરવામાં આવ્યું હતું, અને પછી તેમને જાસૂસ ઠરાવી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનની લશ્કરી કોર્ટમાં કેસ ચાલ્યો તે સમયે જાધવને કાનૂની મદદ પણ પૂરી પડાઇ નહોતી. ભારતની રજૂઆતમાં પ્રથમ નજરે તથ્ય જણાતા કોર્ટે જાધવની મૃત્યુદંડની સજા સામે સ્ટે આપ્યો છે. આઇસીજે હવે આખરી ચુકાદો આપતાં સ્હેજેય એકાદ વર્ષનો સમય લઇ શકે છે. ત્યાં સુધીમાં ભારત જાધવને પાછા લાવવા માટે એડીચોટીનું જોર લગાવી શકે છે.
અલબત્ત, આ ચુકાદા પછી પણ ભારતની કેટલીક ચિંતાઓ યથાવત્ છે. જેમ કે, આઇસીજેએ ભારતના કોઇ પ્રતિનિધિ જાધવને પાકિસ્તાનમાં મળી શકશે કે કેમ એ મુદ્દે મગનું નામ મરી પાડ્યું નથી. પરિણામે કુલભૂષણ હજુ જીવિત છે કે કેમ, જીવિત છે તો ક્યાં અને કેવી હાલતમાં છે તે વિશે ભારત કંઇ જ જાણતું નથી. ભારતના કોઇ પ્રતિનિધિ કુલભૂષણને મળે તો તેની આપવીતી જાણી શકાય અને તેના આધારે ભાવિ પગલાં નક્કી થઇ શકે. પાકિસ્તાન અત્યારે તો આ બાબતે સાવ નામક્કર ગયું છે અને ભારતીય પ્રતિનિધિને જાધવને મળવા દેવાશે નહીં તેવા નિવેદન કરી રહ્યું છે.
ભારત તો પાકિસ્તાનના કાળા કરતૂતોથી દસકાઓથી માહિતગાર છે જ, પરંતુ જાધવના કેસમાં તો દુનિયાના બીજા દેશોને પણ પાકિસ્તાનના કરતૂતો જોવા મળ્યા છે. (જોકે, બ્રિટીશ સમાચાર માધ્યમમાં સાવ ચૂપકિદી રખાઈ છે.) પાકિસ્તાને તો જાધવને જાસૂસ ગણાવીને તે લોકોની ઉશ્કેરણી કરવામાં અને ભાંગફોડિયા પ્રવૃત્તિમાં સામેલ હોવાનું ઠરાવી દીધું હતું. પરંતુ આઇસીજેનો ચુકાદો જોતાં કહી શકાય કે તેણે પણ માન્યું છે કે જાધવને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને તેના નામે ભારતને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ભારત અત્યાર સુધી પાકિસ્તાન વિરુદ્ધ જે કંઇ રજૂઆતો કરતું રહ્યું છે તે તમામ બાબતોને આઇસીજેના ચુકાદાથી સમર્થન મળે છે. આ ચુકાદો પાકિસ્તાનની ભારતવિરોધી મેલી મુરાદનો પર્દાફાશ કરે છે. પાકિસ્તાન હવે આંતરરાષ્ટ્રીય તખતે ખુલ્લુ પડ્યું છે ત્યારે ભારતે પણ આ દિશામાં તેના રાજદ્વારી પ્રયાસોને વધુ તીવ્ર બનાવવાની જરૂર છે. ભારતે પાકિસ્તાનની કુટિલતાને ખુલ્લાં પાડતાં તમામ મુદ્દાઓને નક્કર પુરાવાઓ સાથે દુનિયા સમક્ષ રજૂ કરવા જોઇએ. લોઢું બરાબર ગરમ છે ત્યારે તેના પર ઘા કરવાનો આ એકદમ યોગ્ય સમય છે.
સિંદરી બળે પણ વળ ન છોડે એમ કોર્ટના ચુકાદા પછી પણ પાકિસ્તાન તેનું અક્કડ વલણ છોડવા તૈયાર નથી. આ સંજોગોમાં ભારતીય વિદેશ મંત્રાલયની ભૂમિકા પર હવે બધો દારોમદાર છે. ભારતે યાદ રાખવું રહ્યું કે કુલભૂષણ જાધવને બચાવવાની લડાઇ એકલા હાથે લડવાની છે. અન્ય દેશો જાધવ કેસમાં ભારતને મદદ કરે કે પાકિસ્તાનને કોઇ મુદ્દે ફરજ પાડે તેવી શક્યતાઓ ઓછી છે. આ સંજોગોમાં તેને પાકિસ્તાનની ચુંગાલમાંથી છોડાવવા માટે હજુ વધારે સઘન પ્રયાસો કરવા પડશે. જાધવને સહાયરૂપ થવામાં મંત્રાલયે જે પ્રકારે તત્પરતા દર્શાવી છે તેવી જ સક્રિયતા તેણે આગામી દિવસોમાં પણ દેખાડવી પડશે. કુલદીપ જાધવને સંપૂર્ણ ન્યાય અપાવવામાં અને પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ખુલ્લું પાડવામાં સફળતા મળશે ત્યારે જ ભારતનો સાચો વિજય થયાનું મનાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter