આઇસીસીનો અન્યાયકારી અભિગમ

Tuesday 02nd May 2017 16:24 EDT
 

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ભલે રમતના મેદાનમાં દેખાવથી માંડીને કમાણી કરવાના મુદ્દે વૈશ્વિક ક્રિકેટમાં મોખરાનું સ્થાન ધરાવતું હોય, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) તેને કદ પ્રમાણે વેતરી નાખવાના મૂડમાં હોય તેવું લાગે છે. આઇસીસીએ તાજેતરમાં જાહેર કરેલા નવા આર્થિક માળખામાં ભારતને થતી નાણાકીય ફાળવણીમાં તોતિંગ કાપ મૂકાયો છે. નવા નાણાકીય સેટઅપ મુજબ ભારતને આવતા આઠ વર્ષ સુધી એટલે કે ૨૦૧૫થી ૨૦૨૩ દરમિયાન દર વર્ષે ૨૯૩ મિલિયન ડોલર મળશે. અગાઉ બીસીસીઆઇને દર વર્ષે ૫૭૦ મિલિયન ડોલર મળતા હતા. મતલબ કે ૨૭૭ મિલિયન ડોલરના આ કાપને રૂપિયામાં મૂલવીએ તો આ નુકસાન પ્રતિવર્ષ ૩૪૦૦ કરોડ રૂપિયાનું છે. આ નાણાંકીય માળખાનો પ્રારંભથી જ વિરોધ કરી રહેલા ભારતે ક્રિકેટ-મિત્ર દેશોની મદદથી આ પ્રસ્તાવને ઉડાવી દેવાની યોજના તો બનાવી હતી, પણ આઇસીસીએ એવી ચાણક્યનીતિ અપનાવી કે મતદાન વેળા શ્રીલંકા સિવાય કોઇએ ભારતને સાથ આપ્યો નહીં. અને આઇસીસીના નવા આર્થિક માળખાને માન્યતાને મળી ગઇ છે.
બીસીસીઆઇ સમર્થિત એક વર્ગે એવો પણ આક્ષેપ કરી રહ્યો છે કે હાલ આઇસીસીનું સુકાન સંભાળતા શશાંક મનોહરને ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે મતભેદ હોવાથી તેમણે જ ભારતને હરાવવાનું સમગ્ર ષડયંત્ર ઘડ્યું હતું. આમાં કેટલું સાચું અને કેટલું ખોટું એ તો શશાંક મનોહર જાણે, પણ આઇસીસીની ગુગલીથી ક્લિનબોલ્ડ થઇ ગયેલું બીસીસીઆઇ ઘા ખાઇ ગયું છે. તેને કોઇ પણ સંજોગોમાં આ પ્રસ્તાવ સ્વીકાર્ય નથી. એક અંદાજ મુજબ આઈસીસીની આવકમાં બીસીસીઆઈનું ૬૦ ટકા જેટલું ઊંચું યોગદાન છે. આનો અર્થ એ થયો કે ક્રિકેટ રમતા વિશ્વના અન્ય તમામ દેશોનો આઇસીસીની આવકમાં માત્ર ૪૦ ટકા યોગદાન છે. વિશ્વમાં સૌથી વધુ કમાણી રળતાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડનું માનવું છે કે તેના થકી જ આઇસીસીને તગડી આવક થાય છે. આ સંજોગોમાં આઇસીસીની નાણાંકીય ફાળવણીમાં તેને સિંહફાળો મળવો જોઇએ તેવી લાગણી અને માગણી લેશમાત્ર અનુચિત નથી.
આથી જ બીસીસીઆઇએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની નીતિરીતિ સામે પોતાની નારાજગી દર્શાવતા મિની વર્લ્ડ કપ જેવી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાનો નિર્ણય મુલત્વી રાખ્યો છે, અને ટીમ પણ જાહેર કરવાનું ટાળ્યું છે. અલબત્ત, આઈસીસીએ ભારતની નારાજગી દૂર કરવા માટે ૧૦૦ મિલિયન ડોલર વધારી આપવાની ઓફર કરી છે, પરંતુ બીસીસીઆઇએ હજુ સુધી મગનું નામ મરી પાડ્યું નથી. નવા નાણાકીય મોડેલને બહાલી આપવા માટે આવતા મહિને - જૂનમાં આઇસીસીની બેઠક મળવાની છે, અને ચેમ્પિયન્સ ટ્રોફી પણ પહેલી જૂનથી શરૂ થઇ રહી છે. સૌથી રસપ્રદ બાબત તો એ છે કે આ ચેમ્પિયન્સ ટ્રોફી નામની આ ટૂર્નામેન્ટ રમાડવાનો મૂળભૂત આઇડિયા એક સમયે બીસીસીઆઇના પ્રેસિડેન્ટ રહી ચૂકેલા જગમોહન દાલમિયાનો હતો. આઇસીસીના પહેલા ભારતીય ચેરમેન બનવાનું બહુમાન ધરાવતા દાલમિયાના કાર્યકાળ વેળા ક્રિકેટજગતના આ સર્વોચ્ચ સંગઠનની આર્થિક હાલત બહુ સારી નહોતી. આથી દાલમિયાએ મિની વર્લ્ડ કપ યોજવાનું સૂચન કર્યું. ચેમ્પિયન્સ ટ્રોફી નામની ટૂર્નામેન્ટ પહેલા જ વર્ષે સફળ થઇ અને આજ સુધી રમાતી રહી છે, પરંતુ આ વખતે તેમાં ટીમ ઇંડિયાના જ રમવા અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે. અત્યારે તો એવું લાગે છે કે આખરે ઘીના ઠામમાં ઘી પડી જશે, અને ટીમ ઇંડિયા ટૂર્નામેન્ટ રમવા પહોંચી જ જશે. પરંતુ બીસીસીઆઇને ઓછા નાણાં ફાળવવાનો આઇસીસીનો અભિગમ ગેરવાજબી તો છે જ તેમાં બેમત નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter